લાગણીઓનો આઇસબર્ગ
લાગણીઓનો આઇસબર્ગ
'ટીંગ' સ્પૃહાના મોબાઈલમાંથી નોટિફિકેશન સાઉન્ડ આવતા તેનું યોગા કરતા-કરતા ધ્યાન ભંગ થયું. કપાળ પર અચાનક આશંકાની એક કરચલી પડી, સવારના પાંચ વાગે મેસેજ કે મેઇલ કરવા માટે આમતો કોઈ નવરું નથી હોતું. "શું હશે?" એ જાણવા કુતૂહલવશ તેણે બાજુમાં પડેલા ટેબલ પરથી મોબાઈલ ઉઠાવ્યો. મેઇલ બોક્સમાં અંતરા પાઠકની નવી કવિતાનું મેઇલ નોટિફિકેશન આવ્યું હતું.
"શીટ! પાછલા અઠવાડિયે પ્રકાશિત થયેલી અંતરાની કવિતા પણ વાંચવાની બાકી છે." અપરાધી ભાવ સાથે, તેનાથી ભૂલી જવાય તે પહેલા રાતનાં દસ વાગ્યાનું "કવિતા વાંચવી" રીમાર્ક વાળુ એલાર્મ મૂકી સ્પૃહા નિત્યક્રમમાં પરોવાઈ ગઈ.
શુક્રવારનો દિવસ અઠવાડિયાના બીજા દિવસો કરતા જલ્દી પસાર થતો હોય છે એવું સ્પૃહાને હંમેશા લાગતું. મેટ્રોમાં ઘરે પાછા વળતાં તે પોતાના વીકેન્ડમાં પતાવવાના કામોનું લિસ્ટ બનાવી રહી હતી, ત્યાંજ એલાર્મનો મ્યુઝિક ટોન વાગ્યો. "કવિતા વાંચવી" આ શબ્દો સ્ક્રીન પર ફ્લેશ થઈ રહ્યા હતા. એલાર્મ મૂક્યું છે એ સ્પૃહાના ધ્યાનમાં ન રહ્યું હોવાથી ભોંઠી પડતા, "હા, હા.. મને યાદ છે. આજે વાંચીજ લઈશ!" એમ મનમાં વિચારી તે સ્ટેશન આવતું જોઈ ઊભી થઈ.
ઘરે પહોંચી ફ્રેશ થઈને સ્પૃહાએ બેગમાંથી લેપટોપ ખેંચી પલંગ પર લંબાવ્યું. અડધી કવિતા વાંચતા સુધીમાં તો અંતરાના ભાવાત્મક શબ્દોએ સ્પૃહાને વિચારવા મજબૂર કરી દીધા. 'મારી નાની બહેન આટલી ઉત્તમકક્ષાનું કંઈક લખી શકશે એવી તો ખાનદાનમાં કોઈને કલ્પના નહતી. છેલ્લા ત્રણ મહિનામાં અંતરાની આ નવમી કવિતા છે. અર્થશાસ્ત્રમાં પીએચડી કરવા કરતા અંતરાએ સાહિત્યનાં ક્ષેત્રમાં આગળ વધવું જોઈએ!' કવિતા પૂર્ણ થયા પછી સ્પૃહાની નજર એક કોમેન્ટ પર ગઈ, આમતો આ પહેલા સ્પૃહાએ કોઈ કોમેન્ટ વાંચવાની ક્યારેય તસ્દી લીધી નહતી પણ આજે ખબર નહીં કેમ તે અંતરાની આ ઉપલબ્ધિ પર બહુ પ્રસન્ન હતી. ને મન થયું, ચાલ વાંચી તો જોવું બીજા શું વિચારે છે? કોમેન્ટમાં કાંઈ અજુગતું નહતું પણ ક્યારેક ભાવતા ભાણામાં કોઈ કાંકરી આવી જતા ખટકે એમ સ્પૃહાના મનમાં આ તપિશ મહેતાનું, " સરસ! પણ થોડી ખુશહાલીથી ભરેલી કવિતા પણ લખો કયારેક!" ખટક્યું.
ધારદાર નજરે સ્પૃહા એ કોમેન્ટને જોઈ રહી. જાણે હમણાંજ લેપટોપની અંદર ઘૂસીને આ મિસ્ટર તપિશની લેફ્ટ-રાઈટ લઈ લે. પણ પછી વિચાર્યું, છોડ જવા દે, અંતરાને ફરક નથી પડતો તો મારે શા માટે પ્રતિક્રિયા દેવી! અને તે પાછલા અઠવાડિયે પ્રકાશિત થયેલી કવિતા તરફ આગળ વધી. કવિતા હજું તો પૂરી વંચાઈ પણ નહતી ત્યાં તેની નજર પાછી કોમેન્ટ સેકશનમાં તપિશ મહેતાના નામ પર પડી. "સરસ! પણ દર્દભરી કવિતા, થોડું પ્રસન્નસભર લખો તો ગમશે."
"ગમશે વાળા! તેને જે લખવું હોય તે લખે, તારુ શું જાય છે?" સ્પૃહાએ દાંત ભીંસીને પોતાનો અણગમો ઠાલવ્યો. અંતરાની બધીજ કવિતામાં તેના કોમેન્ટ જોતા હવે સ્પૃહાથી રહેવાયું નહીં, "બસ... કોણ છે આ તપિશ મહેતા!" સ્પૃહાએ સમય ન ગુમાવતા કોમેન્ટ સેક્શન પર તપિશ મહેતાના નામ પર ક્લિક કરી તેની પ્રોફાઇલ ખોલી.
"હું પોતાની જાતને લેખક નથી માનતો, બસ જીવનના આ દરિયામાં વહેતા-વહેતા અનુભવાતી ઊથલપાથલને શબ્દો રૂપે ટપકાવી લઉં છું!"
"તપિશ મહેતા વીસેક માઇક્રોફિકશન અને પંદર જેટલા મોટિવેશનલ શોર્ટ આર્ટિકલ્સના લેખક છે અને તેમના સાતસોથી વધારે ફોલોઅર્સ છે!"
સ્પૃહાએ લેખકનો આ પરિચય આંખનું મટકું માર્યા વિના વાંચી લીધો. હવે તેનો અણગમો જિજ્ઞાસામાં ફેરવાઈ ગયો. સાતસો ફોલોઅર્સવાળો વ્યક્તિ મારી બહેનમાં આટલો રસ કેમ દેખાડે? રાતના એક વાગ્યા હતા, સ્પૃહાનું શરીર આખા અઠવાડિયાના થાકથી ચકનાચૂર હતું પણ આંખો પર ઊંઘ દસ્તક દે તેવા અણસાર દૂર દૂર સુધી ન હતા. સ્પૃહાએ કુતૂહલને સંતોષવા ફેસબુક પર તપિશ મહેતાને શોધવાનો પ્રયાસ આદર્યો અને નામ ટાઈપ કરતાં, પહેલોજ તપિશ મહેતા એક મ્યુચ્યુઅલ ફ્રેન્ડવાળો નીકળ્યો. અને આ શું? "અંતરા પાઠક અમારી મ્યુચ્યુઅલ ફ્રેન્ડ!!!"
"શું આ બંને એકબીજાને પહેલેથી ઓળખે છે!?!"
સ્પૃહા હવે એકદમ સતર્ક થઈ ગઈ. થોડી વધારે શોધખોળ કરતાં જાણવા મળ્યું કે બંને એકજ કોલેજમાં હતા પણ બંનેના બીજા કોઈ કોમન મિત્રો નહતા. પ્રોફાઇલ પ્રાઇવેટ હોવાથી વધારે માહિતી મળે એમ નહતી, સ્પૃહાએ વધું વિચાર ન કરતાં ફ્રેન્ડ રિકવેસ્ટ સેન્ડ કરી દીધી અને સાથે એક મેસેજ લખ્યો, "મારે તમને એક પ્રશ્ન પૂછવો છે."
લેપટોપ બંધ કરી સ્પૃહા ઊંઘવાના વ્યર્થ પ્રયત્નો કરવા લાગી પણ મગજમાં દસ પ્રશ્નો ફર્યા કરતા હતા. શું એ તેનો બોયફ્રેન્ડ હશે...? ના..ના... એવું હોત તો મને ખબર હોત. સવારે અંતરાને મેસેજ કરવો જ પડશે.
*
સ્પૃહાને સવારે ઉઠતાં દસ વાગી ગયા, રાતનો ઉજાગરો આંખો પર સ્પષ્ટપણે દેખાતો હતો. ઉઠતા વેંત જ તેણે અંતરાને વ્હોટ્સએપ પર મેસેજ નાખ્યો, "અંતરા યાર...તારી કવિતા વાંચી. મને તો બહુજ ગમી! તારે આ પીએચડી છોડી ફુલટાઇમ લખવા બેસી જવું જોઈએ." સ્પૃહાએ આગળ ઉમેર્યું, "મેં એજ વેબસાઈટ પર તપિશ મહેતા નામના એક લેખકના એક-બે આર્ટિકલ વાંચ્યા, સારા છે. તું પણ વાંચજે." સ્પૃહાએ ગપ્પુ માર્યું, જોઈએ શું જવાબ આપે છે.
શનિવાર હોવાથી સ્પૃહાને કામ કરવામાં કોઈ ઉતાવળ નહતી, નાસ્તો બનાવી જ્યારે એણે મોબાઈલ ચેક કર્યો ત્યારે અંતરાનો મેસેજ આવી ગયો હતો, "હાય દી, તારા વ્યસ્ત કામકાજ માંથી સમય કાઢી વાંચવા બદ્દલ આભાર. અને હા, તપિશ મહેતા ખબર છે મને, પણ હમણાં વાંચવાનો સમય નથી."
સ્પૃહાને આવા ઉપરછલ્લા જવાબની અપેક્ષા નહતી. જમતાં-જમતાં એણે શંકાનું સમાધાન લાવવા મમ્મીને ફોન જોડયો. મમ્મીએ જણાવ્યું, રિસર્ચનું કામ વધારે હોવાથી અંતરા છેલ્લા ત્રણેક મહિનાથી ઘરની બહાર નીકળતી પણ નહતી, બોયફ્રેન્ડ તો દૂરની વાત છે! મહિનામાં અડધા દિવસ તો તે વર્ક ફ્રોમ હોમ કરતી હતી. 'એવું લાગે છે હું તપિશ મહેતા ને વધુ પડતું મહત્વ આપી રહી છું! મારે થોડો બ્રેક લેવો જોઈએ.'
*
ગુરુવારે રાત્રે સ્પૃહા ઓફિસથી પાછી આવતી હતી ત્યારે તેના મોબાઈલમાં નોટિફિકેશન ટોન વાગ્યો, સ્ક્રીન પર "તપિશ મહેતાનો એક મેસેજ આવ્યો છે" તેવું નોટિફિકેશન નજરે ચઢયું. તે રવિવારથી કામમાં એટલી ગૂંથાયેલી હતી કે તેણે તપિશ મહેતાને કોઈ મેસેજ કર્યો હતો તે ધ્યાનમાંજ નહતું.
તપિશ મહેતા: "પૂછો"
તપિશ મહેતાનો પાંચ દિવસે બસ આ એક શબ્દનો જવાબ સ્પૃહાને ખૂંચ્યો.
સ્પૃહા પાઠક: "હું અંતરા પાઠકની મોટી બહેન સ્પૃહા છું. મને એ જાણવું હતું કે એ કોઈપણ પ્રકારની કવિતા લખે એમાં તમને કશો વાંધો છે?" મેસેજ લખ્યા પછી સ્પૃહા ઘણીવાર સુધી સ્ક્રીનને એ ઉમ્મીદમાં તાકી રહી કે તપિશ મહેતાનો કોઈ જવાબ આવશે પણ હવે તેની આંખો ઘેનથી ઘેરાઈ રહી હતી અને તે ફોન બાજુ પર મૂકી ઊંઘી ગઈ.
તપિશ મહેતા: "કોઈ સતત સાત નિરાશાજનક કવિતા લખે, તો કોઈનાં પણ ધ્યાનમાં આવે જ!"
શુક્રવારે રાતે જ્યારે સ્પૃહાએ આ મેસેજ વાંચ્યો ત્યારે તે ગૂંચવાઈ ગઈ, તેણે તરતજ મેસેજ કર્યો.
સ્પૃહા પાઠક: "મને સમજાયું નહીં !" સ્ક્રીન પર સામે વાળું ટાઈપિંગ કરી રહ્યું છે તેવું દેખાતા દરેક ટપકા સાથે સ્પૃહા પોતાની ધીરજ ગુમાવી રહી હતી.
તપિશ મહેતા: "તમે મારી કોમેન્ટ વાંચવા માટે જેટલો સમય વેડફી નાખ્યો એટલો તમારી બહેનની કવિતા વાંચવા માટે આપ્યો હોત તો તમે મને આ પ્રશ્ન ન પૂછયો હોત!"
સ્પૃહા પાઠક: "તમે કહેવા શું માંગો છો મિસ્ટર તપિશ?" સ્પૃહાની આંખોમાં તીખાશ આવી ગઈ. "હું મારી બહેનની કવિતાઓ ધ્યાનથી નથી વાંચતી? હું એને તમારા કરતા વધારે સારી રીતે ઓળખું છું!"
તપિશ મહેતા: "માફ કરજો. તમારી ભૂલ નથી, ડિપ્રેશનમાં હોય એ વ્યક્તિ બધાને કહેતો ન ફરે કે હું ડિપ્રેશનમાં છું!"
આ વાંચતા સ્પૃહાના હાથમાંથી ફોન છટકવાનો જ હતો. "ડિપ્રેશન...!! શું બોલી રહ્યા છો તમે?" થથરાટમાં સ્પૃહાથી લખાઈ ગયું.
તપિશ મહેતા: "સોરી, મારે આવી રીતે તમને જણાવવું નહતું, પણ ઘણીવાર નજીકના લોકોજ નોટિસ નથી કરી શકતા."
સ્પૃહા પાઠક: "તમે મજાક કરી રહ્યા છો ને?"
સ્પૃહાને કંઈ સમજાતું નહતું કે અંતરા ડિપ્રેશનમાં કેવી રીતે હોઈ શકે? બધુજ તો બરોબર છે! અર્થશાસ્ત્રમાં અનુસ્નાતક છે, સવારે કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકેની કામગીરી ભજવે છે અને બપોર પછી રીસર્ચનું કામ. તેને જ તો કરવું હતું પીએચડી!? ફ્રેન્ડ્સ અને સોશિયલ ગ્રુપ પણ સારા છે, લગ્નનું કોઈ પ્રેશર નથી. ઘરે પણ બધું બરાબર છે, તો પછી શું હશે?
તપિશ મહેતા: "તમે ગભરાશો નહીં, દુનિયામાં દર દસમાંથી બે વ્યક્તિ ડિપ્રેશનમાં હોય છે. આ કોઈ રોગ નથી. આમાંથી બહાર આવી શકાય છે."
સ્પૃહા માટે આ બધી વાતો પચાવવી મુશ્કેલ હતી, મનમાં તો થયું હમણાંજ અંતરાને ફોન કરી ને તતડાવી દે કે, મને કહ્યું કેમ નહીં કઈં?
સ્પૃહા પાઠક: "આપણે કાલે વાત કરીએ? મને હમણાં કાંઈજ ગતાગમ પડતી નથી."
તપિશ મહેતા: "જરૂર! પણ એક વાત, અંતરાને ફોન કરી પ્લીઝ તેના પર તૂટી ના પડતા અને તેને જણાવતા નહીં કે તમને આ વાતની ખબર પડી ગઈ છે. તમે ધીરે ધીરે પૂછશો તો સમય આવે એ જરૂર બધું તમને જણાવશે."
સ્પૃહાએ મનમાં વિચાર્યું, કમાલ છે આ છોકરો! પહેલા તો મારી સાથે એવી રીતે વાત કરી જાણે વાંક મારો છે અને પછી આટલા ઠાવકાઈથી બધું સમજાવી રહ્યો છે !
*
શનિવારે ઉઠતાં વેંત સ્પૃહાએ અંતરાની બધી કવિતાઓ પાછી ધ્યાનથી વાંચી. ઉદાસીનતાથી છલોછલ કવિતાઓ! 'મને પહેલા કેમ આ ધ્યાનમાં ના આવ્યું!? વાંચતા એવું જણાય છે જાણે જીવન પ્રત્યે તેને વૈરાગ આવી ગયો હોય, કોઈ વસ્તુ અંદર ને અંદર ગૂંગળાવી રહી હોય!' સ્પૃહા પોતાની રીતે શોધખોળ કરીને અંતરાની નિરાશાનું કારણ જાણવા માંગતી હતી. તેણે અંતરાના બધા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ચેક કરવાથી શરૂઆત કરી, તે છેલ્લા ત્રણ-ચાર મહિનાથી ફક્ત આ એક જ વેબસાઈટ પર કવિતા પોસ્ટ કરવા સિવાય કશે પણ એક્ટિવ નહતી. મમ્મીએ પણ જણાવ્યું કે થોડો સમયથી, 'કામ વધારે છે' કહી અંતરા ઘરની બહાર ઓછું જ નીકળે છે. તેને પોતાને હમણાં ખ્યાલમાં આવ્યું કે તેની પોતાની પણ અંતરા સાથે વાતચીત કેટલી ઓછી થઈ ગઈ છે! ફક્ત કામની વાત કરી તે બાકીના જવાબો ટાળી દેતી હોય છે. 'ભૂલ મારી પણ છે...હું પોતાના ઓફીસના કામને એટલી વધારે પ્રાથમિકતા આપી બેઠી કે મારી ફેમિલી પણ મારું પ્રાધાન્ય છે તે વિસરીજ ગઈ!' અપરાધભાવ તેને હવે અંદરથી ખાવા લાગ્યો... તેણે અજાણતા કયારે અંતરાને ફોન જોડી દીધો ખબર જ ન પડી.
"હા દી, બોલો?"
અંતરાનો સામે છેડેથી અવાજ આવતા સ્પૃહાને ભાન આવ્યું કે પોતે શું કરી રહી છે! તેને તપિશ મહેતાના શબ્દો યાદ આવી ગયા "તેને જણાવતા નહીં કે તમને આ વાતની ખબર પડી ગઈ છે."
સ્પૃહા: " યાર, એક-બે દિવસ રજા મળતી હોય તો શનિ-રવિ અહીં બેંગ્લોર આવી જા. જોઈએ તો હું ફ્લાઈટ ટિકિટ મોકલાવું છું, મને રજા મળે એમ નથી અને તારી બહુ યાદ આવે છે!"
સ્પૃહાને સામેથી જવાબની કોઈ અપેક્ષા નહતી, જાણે પોતાને દિલાસો દેવા ફક્ત વાક્યો બોલાઈ ગયા હોય તેવું લાગ્યું.
અંતરા: "શું દી તમે પણ! આવવું હોય તો આરામથી અઠવાડિયાની રજા લઈને આવીશ. આવા બે દિવસના અખતરા મને નહીં ફાવે! અને આવવું તો મારે પણ છે... થોડું હવાફેર કરવા, પણ થોડો સમય આપો ! હમણાં ઘણું બધું એક સાથે ચાલી રહ્યું છે લાઈફમાં..." પૂછવાનું મન થઇ ગયું, ' શું ઘણું બધું..?' પણ પછી મનને વાળ્યું.
સ્પૃહા: "તબિયતનો ખ્યાલ તો રાખી રહી છે ને... કે રીસર્ચનો બધો ભાર માથે લઈ ફરે છે?"
અંતરા: "ના દી... બધું બરાબર ચાલે છે. તમે ચિંતા ના કરો. અરે.. આ લો મમ્મી આવ્યા..." અને વાત ટાળવા અંતરાએ સિફત પૂર્વક ફોન મમ્મીને પકડાવી દીધો એ સ્પૃહાની જાણ બહાર રહ્યું નહીં.
સવારનો નાસ્તો કરતા કરતા તેને યાદ આવ્યું કે તેણે તપિશ મહેતાને હજી સુધી મેસેજ નથી કર્યો. ફેસબુક ખોલતા સમજાયું કે આ છોકરાએ તો મારી ફ્રેન્ડ રિકવેસ્ટ હજું સ્વીકારીજ નથી! હવે તેની પ્રોફાઇલ ધ્યાનથી જોવાની તાલાવેલી જાગી. જેટલું જોવા મળ્યું તેના પ્રમાણે, ૨૦૧૫ માં તેણે પણ અંતરાની કોલેજથી માસ્ટર્સ કર્યું છે. કોલેજના ફૂટબોલ ટીમનો કપ્તાન હતો અને જેટલા ફોટા જોવા મળ્યા તેમાં લોકોથી હમેશાં ઘેરાયેલો હતો. ૨૦૧૬-૧૭ માં કોઈ અપડેટ નથી અને ૨૦૧૮ પછી ફક્ત તેના આર્ટિકલ્સની પોસ્ટ દેખાઈ. કોઈ ફોટા આ દરમ્યાનના પ્રોફાઇલ પર નથી કે જેથી અંતરા અને તે એકબીજાની વધારે નજીક હોય તેની પુષ્ટિ મળે.
સ્પૃહાએ મેસેન્જર ખોલી તપિશ મહેતાને મેસેજ કર્યો, "તમેં અંતરાને કેવી રીતે પૂછ્યું ડિપ્રેશન વિશે?"
પાંચ મિનિટ બાદ તરત મેસેજનો રીપ્લાય આવ્યો.
"હું અંતરાને ફક્ત બે-ત્રણ વાર અમારા કોલેજના એન્યુઅલ ફંક્શનમાં મળ્યો હતો. તે ઈકોનોમિકસના કોઈ ઇવેન્ટનું સંચાલન કરી રહી હતી અને હું પોલિટિકલ સાયન્સ. બસ અમારી એટલી જ ઓળખાણ હતી. ગ્રેજ્યુએટ થયા પછી તો કયારેય મળવાનું થયું પણ નથી, ફક્ત ફેસબુક પર અપડેટ મળતી રહેતી."
"આ વર્ષની શરૂઆતમાં મારા એક સ્ટોરી નીચે વાંચવા લાયક કવિતાઓમાં અંતરા પાઠકનું નામ દેખાયું. પહેલા મને લાગ્યું, હશે કોઈ બીજું, પણ પ્રોફાઇલમાં ફોટો જોતા ખાતરી થઈ કે આ તો આપણા કોલેજવાળી અંતરા! અને મેડમે ઇકોનોમિક્સની કઈ કવિતા લખી છે એ વાંચવાનું કુતૂહલ જાગ્યું. તેની પાંચ કવિતા ત્યાર સુધીમાં પ્રકાશિત થઈ હતી અને બધીજ તેના સ્વભાવથી વિપરીત જણાતી હતી. હા, માનું છું કે કવિ કોઈપણ પ્રકારની કવિતા લખી શકે, પણ મને જામ્યું નહીં. અંતરાની ફેસબુક પ્રોફાઇલ ચેક કરી તો છેલ્લા કેટલાક મહિનાથી ત્યાં તેણે કાંઈ અપડેટ કર્યું નહતું. મેં તેને અમસ્તો જ મેસેજ નાખ્યો કે, 'કેમ છે? શું ચાલે છે?' પણ તેનો એક અઠવાડિયા સુધી રીપ્લાય ના આવ્યો ત્યારે મને સમજાઈ ગયું કે કંઈ ગડબડ છે. મેં પાછો મેસેજ નાખ્યો, 'કવિતામાં લાગણીઓ સારી ઠાલવી છે! અમને ઉત્તમકક્ષાની કવિતાઓ માણવા મળી રહી છે પણ કોઈ વ્યક્તિની સાથે દુઃખ શેર કરી થોડો સંતાપ ઓછો કરી તો જો'."
સ્પૃહા આટલી વારથી મેસેજ એકદમ શાંતિથી વાંચી રહી હતી પણ હવે તેનાથી રહેવાયું નહીં,
સ્પૃહા પાઠક: "તો મેસેજ આવ્યો તેનો ? કહ્યું તેણે શું દુઃખ છે ?"
તપિશ મહેતા: "હા, મેસેજ તો આવ્યો કે 'લેખકજી, કવિતા વાંચવા બદ્દલ આભાર. પણ જેવું તમે વિચારો છો, મને એવું કોઈ દુઃખ નથી.' પણ મને જાણ હતી તે આટલું જલ્દી કાંઈ બોલશે નહીં. બે અઠવાડિયા અહીંયાં ત્યાંની વાતો પૂછપૂછ કર્યા પછી મારાથી કંટાળી તેણે કબૂલ્યું કે તે ડિપ્રેશનમાં છે!" સ્પૃહા શ્વાસ અટકાવીને એક સાથે આ વાંચી ગઈ અને હવે તેના મોઢેથી નિ:શ્વાસ સરી પડ્યો.
તપિશ મહેતા: "શેનું ડિપ્રેશન છે એ પૂછી ને ફાયદો ન હતો, કારણ એ મને જણાવવાની નહતી એ મને પહેલાજ સમજાઈ ગયું હતું. બસ 'આપણે તારી સાથે છીએ! ડર નહીં તું' એ તેના ગળે ઉતારવાનું હતું. ડિપ્રેશનમાં લોકો શા માટે જાય છે એ તેમના નજીકના અડધા લોકોને સમજાતુંજ નથી હોતું. આવા સમયે તેમને સમજી શકે એવું કોઈ વ્યક્તિ એમની નજીક હોવું કેટલું જરૂરી છે તે મને ખબર છે!"
સ્પૃહાને એક વાત તો સમજાઈ ગઈ કે અંતરાને ઘણો નિ:સ્વાર્થ અને ઉમદા મિત્ર મળ્યો છે, જે તેને આ સ્થિતિમાંથી બહાર આવવામાં મદદ કરશે. આગળના દસ અઠવાડિયા સ્પૃહા અને તપિશ વચ્ચે ડિપ્રેશન વિષે અનેક ચર્ચાઓ થઈ. ડિપ્રેશનનો કોઈ રુપ, રંગ કે પ્રકાર નથી હોતો. તે તમારા દુઃખને થાંભલો બનાવી વેલની જેમ વીંટળાઈ ચઢે છે. તે દુઃખ પછી બ્રેકઅપનું હોય કે પરીક્ષામાં નાપાસ થવાનું, કોઈક મંઝિલ ન મળવાનું હોય કે ઊંધા પાટે ચઢી જવાના પછતાવાનું, કોઈ આત્મીયજન ખોઈ બેસવાનું કે ઘણી અપેક્ષાઓ પુરી ન કરી શકવાનું, ક્યારેક તો મોટા એક્સિડન્ટ પછી લોકો ડિપ્રેશનમાં જતા રહે છે અને ઘણીવાર બધુંજ બરોબર હોય તો પણ ડિપ્રેશન હકારાત્મક વિચારવાની ક્ષમતાનો ભરડો લઈને માણસને ઘેરી વળે છે.
તપિશે જે સૌથી મહત્વની વાત કહી એ તે હતી કે ડિપ્રેશનમાંથી બહાર આવવું સહેલું નથી હોતું. ડિપ્રેસ્ડ વ્યક્તિ પોતાની અંદર એક ઊંડો ખાડો ખોદી બેસી ગઈ હોય છે. પહેલા તો એને એમજ લાગે છે કે કોઈ તેની મદદ કરીજ નહીં શકે, અને મદદની જરૂર જ શું છે? જીવનમાં બચ્યું શું છે? અને તે નજીકના લોકોથી દૂર થતો જાય છે. પણ જેમ આપણી આંગળી કોઈ તણખલા ને અડે તો આપમેળે આંગળીને પાછી લઈ લેવાનો સંકેત મગજ તેને આપે છે, તેમ ડિપ્રેશનમાં જો આપણું મગજ કામ ન કરે તો જરૂરી છે આપણને સંકેત આપી શકે તેવા કોઈ વ્યક્તિ ને શોધવાની. કોઈની સાથે વાતચીત કરવાની! તો તે આપણી અંતરાત્માને સંકેત આપે કે જે ખરાબ થવાનું હતું તે થઈ ગયું છે! હવે વીતેલાં સમયના ઝૂલા પર ઝૂલતા રહેવા કરતાં કૂદકો મારી આગળ વધવું જરૂરી છે! બસ અહીંથી નીકળી નવી શરૂઆત કરવામાં જ ભલાઈ છે!
તપિશ કહેતો કે લાગણીઓ આઇસબર્ગ જેવી હોય છે, એટલે કે સમુદ્રમાં તરતા બરફના પહાડ જેવી! બહાર જે દેખાય છે તેવું ભીતર હોતું નથી. ભીતર ભાવનાઓના સમીકરણો જુદા હોય છે. માટે તપિશે ત્રણ 'સ' ને ધ્યાનમાં રાખવા કહ્યું હતું. ડિપ્રેસ્ડ વ્યક્તિને 'સમજો', તેમને થોડો 'સમય' લાગશે આ સ્થિતિમાંથી બહાર આવતા, માટે પોતાનાથી બને તેટલો તેમને 'સાથ' આપો અને જરૂર પડે તો ડોક્ટરની મદદ લો.
તપિશનાં કહેવા પ્રમાણે ધીરે-ધીરે અંતરા સાથે વાતો કરતા સ્પૃહાએ ઘણીખરી વાતો જાણી લીધી હતી અને હવે સ્પૃહાને વિશ્વાસ હતો કે જલ્દી એવો દિવસ આવશે જયારે બંને બહેનો અઠવાડિયાની રજા લઈ અહીં બેંગ્લોરમાં સાથે સમય વિતાવશે.
સ્પૃહાની તપિશ પ્રત્યેની જીજ્ઞાસા હવે આદરમાં પરિવર્તિત થઈ ગઈ હતી. તેણે ઘણીવાર પૂછ્યું હતું કે તને ડિપ્રેશન વિશે આટલી માહિતી કેવી રીતે છે? તો તે કહેતો," સમય બધું શીખવી દે છે!"
પણ તપિશ ગજબ માણસ હતો! ફેસબુક મેસેન્જર પર વાત કરતો પણ સ્પૃહાની ફ્રેન્ડ રિકવેસ્ટ છેલ્લા ત્રણ મહિનાથી હજું પણ તેણે સ્વિકારી નહતી! નફ્ફટ થઈ સ્પૃહાએ પૂછયું પણ હતું કે, "મિસ્ટર તપિશ, મારી ફ્રેન્ડ રિકવેસ્ટ ક્યારે સ્વિકારશો? ડરો છો કે હું તમારી ઇન્ફોર્મેશન કોઈને લીક કરી દઈશ!"
તો એ જવાબ આપતો, "મેં જે લોકોને પ્રત્યક્ષ જોયા નથી તેમને હું ફેસબુક ફ્રેન્ડ નથી બનાવતો! ખરાબ નહીં લગાડતા સ્પૃહા, પહેલા જે મારી સંગત માટે તલપાપડ થતાં હતા, તેમણે સમય આવતા પોતાના અસલી ચહેરા દેખાડ્યા છે! હું ઉમ્મીદ રાખું છું કે તમે મારી વાત સમજશો."
પણ સ્પૃહાને જલ્દીજ તપિશને પ્રત્યક્ષ મળવાનો મોકો સામેથી ચાલતો આવતો દેખાયો. સ્પૃહા બેંગ્લોરમાં જે મીડિયા કંપનીમાં કામ કરતી હતી, તેમના વતી એક સેમિનાર માટે ચાર કર્મચારીઓ એ ઉદયપુર જવાનું હતું. શુક્રવારની ફ્લાઇટ હતી ને ગુરુવારે ચાર માંથી એક જણ બીમાર પડ્યું તો રિપ્લેસમેન્ટમાં સ્પૃહાને મોકલવાનું નક્કી થયું. તપિશ હાલમાં બે-ત્રણ વર્ષથી ઉદયપુરમાં રહેતો હતો, પ્લાન તો બની ગયો! પણ શું તપિશ મળવા આવશે?
સ્પૃહા પાઠક: "તપિશ, મારે પ્રત્યક્ષ મળીને તમારો આભાર માનવો છે! હું કાલે એક કામેથી ઉદયપુર આવી રહી છું. આશા રાખું છું તમે મને આટલી મદદ કરી છે તો મને મળીને આ ઋણ ઉતારવા દેશો."
સ્પૃહાએ બહુ મોટો ચાન્સ લીધો હતો, જો તપિશ આ મેસેજ આવતા બે દિવસ સુધી ના વાંચે તો તેમનું મળવાનું થવાનું નહતું! અંતરા પાસેથી નંબર કઢાવી સમ્પર્ક કરી પણ શકે, પણ સ્પૃહાનું મન તેવું કરવા રાજી ન થયું અને છેક સવારના દસ વાગે તેનો મેસેજ આવ્યો.
તપિશ મહેતા: "આમતો હું કામમાં થોડો વ્યસ્ત છું, જોઉં."
"જોઉં!" સ્પૃહાનું નાક ચઢી આવ્યું.
સ્પૃહા પાઠક: "મારી ફ્લાઇટ ચાર વાગે ત્યાં લેન્ડ થશે. હું આગમન લોબીમાં એક કલાક તમારી પ્રતિક્ષા કરીશ!"
ઉદયપુર ફ્લાઇટ લેન્ડ થયા પછી બેલ્ટ પરથી સામાન લેતા એક વાર સ્પૃહાએ ફેસબુક મેસેન્જર ચેક કરી જોયું, તપિશનો કોઈ મેસેજ નહતો! આગમન લોબી તરફ આગળ વધતા કોઈ પરિચિત ચહેરો દૂર ઉભેલી ભીડમાં ન દેખાયો. તે કોફી કાઉન્ટર તરફ આગળ વધી રહી હતી ત્યાં મોબાઈલમાં નોટિફિકેશન ટોન વાગ્યો. સ્ક્રિન પર નજર જતા સ્પૃહાની આંખો ચમકી,
'તમે અને તપિશ મહેતા હવે ફેસબુક પર ફ્રેન્ડ છો!'
શું વાત છે! તપિશ, તમે આવી ગયા લાગો છો!
કોફીની રાહ જોતાં સ્પૃહાને તપિશ મહેતાની આખી પ્રોફાઇલ જોવાની ઉત્કંઠા થઈ. તો ૨૦૧૫ માં મુંબઈની કોલેજમાંથી સોશ્યિલ સાયન્સમાં માસ્ટર્સ કર્યું હતું. કોલેજના ફૂટબોલ ટીમનો કપ્તાન હતો! અને યસ! વિચાર્યું હતું તેમ લોકોથી હમેશાં ઘેરાયેલો દેખાયો અને આ શું? ૨૦૧૬-૧૭ માં સાચેજ કોઈ અપડેટ નથી? તો ૨૦૧૮ થી તપિશ અચાનક સોશિઅલ સાયન્સમાંથી મોટિવેશનલ આર્ટિકલ્સ કેમ લખવા લાગ્યો?
ખભા પરથી બેગને પાછળ પીઠ પર લટકાવી, એક હાથમાં કોફી અને બીજા હાથમાં મોબાઈલ જોતા સ્પૃહા આગમન લોબી તરફ આગળ વધી. તપિશ મહેતાની ફેસબુક ફોટો ગેલેરી પર ક્લિક કર્યું. ૨૦૧૫ ના ગ્રેજ્યુએશનના ફોટો અને આ શું? ૨૦૧૮ માં તો....!!!
સ્પૃહાનાં એક એક આગળ પડતા પગલાં સાથે બે પૈડા તેની સામે આવી રહ્યા હતા!
૨૦૧૮ પછીનાં ફોટામાં તપિશ મહેતા વ્હીલચેરમાં છે...! અચાનક સ્પૃહાના ચહેરા પરથી તેજ ઉડી ગયું. તેને તપિશનો મેસેજ યાદ આવ્યો, "પહેલા જે મારી સંગત માટે તલપાપડ થતા હતા તેમણે સમય આવતા પોતાના અસલી ચહેરા દેખાડ્યા છે!" મતલબ તેના અકસ્માત પછી તેના સ્વજનોએ તેનો સાથ છોડી દીધો?! હવે બધું ધીરે ધીરે સમજાવા લાગ્યું... ૨૦૧૬-૧૭ માં કોઈ અપડેટ ન હોવી, મતલબ તે ડિપ્રેશનમાં હતો?! અને તેણે કહ્યું હતું ને સમય બધું શીખવી દે છે... તો શું ૨૦૧૮ પછી તે પરિસ્થિતિને સ્વીકારી પોતાની કલમ દ્વારા બીજાઓને મદદ કરવા તરફ વળ્યો!?
હવે તેઓ એકબીજાની એકદમ સામે આવી ગયા હતા, થોડુજ અંતર હતું તેમની વચ્ચે. તપિશ એક મંદ સ્મિત સાથે સ્પૃહાના મોંઢાના હાવભાવ સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હતો!
અને સ્પૃહા દોડીને તેને ગળે વળગી પડી...
સ્પૃહાનો તપિશ મહેતા પ્રત્યેનો આદરભાવ હવે કૃતજ્ઞતામાં ફેરવાઈ ગયો હતો !