સિંધુતાઈ સકપાલ
સિંધુતાઈ સકપાલ
ભીંત ફાડીને ઉગેલા પીપળાની સાહસકથા..
‘એય ચીંદરી લે આ ઠામડા ઉટક..
એય ચીંદરી કૂવેથી બે બેડા ભરી આવ.
એય ચીંદરી ચોપડી વાંચવા કાં બેઠી ગઈ? ભણીગણીને શું મોતી ફોજદાર બની જવાની છો?’
ડફણાં ખાતા ખાતા રોજ એ નાનકડી એવી છોકરીને મનમાં સવાલ થતો. મારા મા-બાપ મને ચીંદરી ચીંદરી કેમ કહે છે? ઈ.સ. ૧૯૪૮ની સાલમાં એક ગરીબ ઘરમાં એક મરાઠી મુલગીનો જન્મ થયો હતો. ભારતને આઝાદી મળ્યાને એક વરસ થવા આવેલું પણ એનાથી ચીંદરીના જીવનને કોઈ લાભ મળવાના નહોતા. કારણકે ચીંદરી એક પછાત, અભણ અને દારૂણ ગરીબીમાં જીવતા પરિવારમાં જન્મી હતી. ચીંદરી પહેલા ચીંદરીની માં ને કૂખે બે દીકરા જન્મેલા. અને હવે ત્રીજી આ ચીંદરી. ના કોઈ ઉત્સાહ ના કોઈ હરખ. ઉલટું દીકરીની જાત એટલે માં-બાપ માટે વધારાની, માથે પડેલ અને બોજ વધારનારી સંતાન સામાન હતી. એ પછાત ગામમાં તો દીકરી સાપનો ભારો જ મનાતી. બાપને જ્યારે ખબર પડી કે મુલગી થઇ, પહેલો શબ્દ મોમાંથી નીકળ્યો એ હતો “ચીંદરી”.
ચીંદરી એટલે ફાટેલી..તૂટેલી કોઈ લીર, કપડાનો કોઈ ફાટેલો ટુકડો, કપડા સીવતા નીકળેલા લીરામાનો એક લીરો..એટલે ચીંદરી. પોતાના માં-બાપના જીવનમાં ચીંદરીનું પણ કંઇક આવું જ સ્થાન હતું. અંધારા જેવી ગરીબીમાં નાનકડી બારી જેવું એક સૌભાગ્ય ચીંદરીને મળેલું. ભણવાનું સૌભાગ્ય. ચીંદરી ને ભણવું ખૂબ જ ગમતું. કવિતા ગાવી ખૂબ ગમતી. શાળાએ જતા રસ્તામાં કોઈ છાપાનો ટુકડો કે ચોપડીનો કાગળ મળી જતો તો ચીંદરી એને પેટીમાં સાચવીને મૂકી દેતી. ને રાત્રે બધું કામ પરવાર્યા પછી દીવાનાં અજવાળે વાંચવાનો પ્રયત્ન કરતી. પણ એ જાજુ ટક્યુ નહી. ચાર ચોપડી વાંચતા શીખી ત્યાં એના માંડવા રોપવાની વાતો થવા લાગી. દસ વર્ષની ચીંદરી ના લગન રાતોરાત ત્રીશ વરસના એક પુરુષ હારે નક્કી કરી દેવામાં આવ્યા. બહેનપણીઓ એને ચીડવતી એય ચીંદરી બે દી’ રમી લે,પછી રમવાના દહાડા પૂરા તારા. દસ વરસની ચીંદરી શું સમજવાની કે માંડવો શું છે, લગન એટલે શું, ભરથાર એટલે શું? માંડવો બંધાઈ ગયો. રમવાની ઉમરમાં ચીંદરી ચોરે ચડી ગઈ. વિદાયવેળા માં એ કહ્યું,”જો ચીંદરી હવે એ જ તારું ઘર છે. એ જ તારા ધણી. ને એ જ તારા હકદાર.” માથું ધૂણ્યા વગર બીજો કોઈ વિકલ્પ નહોતો. આખરે નાની એવી ચીંદરીને ક્યાં કઈ ગતાગમ હોવાની..શું હક્ક શું ફરજ..?
બાળવિવાહ એક કુપ્રથા છે એવી દૂરદૂર સુધી કોઈ સાક્ષરતા એ ગામમાં નહોતી. માથાભારે સાસરિયા, ને એથી વધારે માથાભારે ધણી. નામ એનું હરી. પણ નામ હારે સ્વભાવનો કોઈ નિસ્બત નહી. દર ત્રીજા દિવસે એ ચીંદરીને મારતો. હરીને શીખવામાં આવેલું કે બૈરીને તો ટકે- ટકે એક પાટુ તો મારવાનું જ. આવી બદ્તર કેળવણી હેઠળ ઉછરેલા હરી પાસેથી ચીંદરીની એક સાથી તરીકેની કોઈ અપેક્ષાઓ શેષ નહોતી બચી..હાલત એટલી વણસેલી હતી કે દર બે વર્ષે ચીંદરી ગર્ભવતી હોય. વીસ વરસની ચીંદરી ત્રણ બાળકોની માં બની ચૂકી હતી. અને ચોથા બાળકથી નવ માસની ગર્ભવતી હતી. સહનશીલતા ધરતી જેવી, ધની આંતરિક મનોબળની હતી. પણ ચીંદરીનેય ઘણીવાર આક્રોશ આવતો. પણ આક્રોશના એ કડવા ઘૂંટ એ કડવી દવા માફક પી લેતી. પણ આ બધી કડવી દવાઓની વચ્ચે એક મીઠી ઘુટ્ટી ચીંદરી પાસે હતી. અને એ હતી ચીંદરીની કવિતાઓ. કાગળ, કલમ અને કવિતા આ માત્ર પોતીકા હતા..પીડાઓ ને કાગળમાં ઉતારી એ દર નવા દિવસે બાથ ભીડવા તૈયાર થઇ જતી. લખવું વાંચવું હજી એટલું જ વહાલું હતું. એક દી’ બધું કામ પરવારી ચીંદરી કવિતા લખવા બેઠી. અચાનક હરી આવ્યો ને એક પાટુ માર્યું. કોઇજ ખુલાસો લીધા વગર કાગળના કુચા કરી નાખ્યાં. સ્વજન કહી શકાય એવા આ કાગળ ને કલમ પણ એની પાસેથી છીનવી લેવામાં આવ્યા. થોડા દિવસ રોઈ. ને મન વાળી લીધું. એક દિવસ છાણ થાપતા ક્યાંકથી પેન મળી આવી. સાચવીને સંતાડી દીધી. પીડાની અભિવ્યક્તિ માટે કવિતા લખવા સિવાય બીજું શું કરી શકે એમ હતી ચીંદરી, એટલે એણે કવિતા લખવાનું શરૂ રાખ્યું. પણ હવે એ કવિતા લખીને કાગળ ગળી જતી. શબ્દો હૃદયમાંથી ઉઠતા ને પેટમાં સમાઈ જતા.
નવ માસની ગર્ભવતી સ્ત્રી હોવા છતાં આરામ ભાગ્યે જ નસીબમાં આવતો. રોજના ક્રમ મુજબ એ છાણ થાપી ઘરે પરત ફરી રહી હતી. આવનારા વાવાઝોડાથી અજાણ.. કમાડ ખખડાવ્યા. ભીતરથી હરી બોલ્યો. હવે આ કમાડ તારા માટે નહી ઉઘડે. ચીંદરી ને આંચકો લાગ્યો. કેમ પણ શું બન્યું? હરી એ આગ ઓકી..તારા પેટમાં રહેલું બાળક મારૂ નથી એવી બાતમી ગામવાળાએ આપી. એમ કહીને બારણું ખોલી પાટું મારીને ઘરમાંથી કાઢી મૂકી. ચરિત્ર પર આવડું મોટું લાંછન. ભીતર સળગતો આક્રોશ.. અને એ પણ પૂરા દિવસે..? પોતે નિર્દોષ છે એ સાબિત કરવાની ખેવના સુદ્ધા છૂટી ગઈ..પ્રસુતિ પીડા ના અણસાર આવા લાગ્યા હતા. ગામ માં રઝળતી રહી. પછી એને વિચાર આવ્યો પોતાના માં-બાપ પાસે જઈને આપવીતી કહી દેશે. એ આશે ચીંદરી મા-બાપ પાસે પહોંચી. પણ જેનો સ્વિકાર પતિ ના કરે એને માં-બાપના ઘરે કોઈ સ્થાન ના મળે આવી પછાત માનસિકતા ધરાવતા ગામડામાં એની સહાય કોઈએ ના કરી..માં-બાપે પણ ઘરેથી વહેતી કરી દીધી.
પૂરા દિવસોમાં પ્રસૂતિ ક્યારેય પણ થઇ શકે એમ હતી. આવામાં ચીંદરી ભુખી તરસી રઝળતી રહી..આખરે એક ગમાણ આગળ આવી એ બેભાન થઇ ગઈ. ગમાણમાં ઘણી ગાયો હતી. દિવસભરના રઝળપાટ પછી બેભાન અવસ્થામાંજ એણે બાળકીને જન્મ આપ્યો. ગાયો જોરજોરથી ભાંભરીને ચીંદરીને જગાડી રહી હતી.. ગાયો ચીંદરી અને એની બાળકીને કોઈ ઠેસ ના લાગે એમ રક્ષણ કવચની જેમ બેઉની ફરતે વીંટળાઈ ગઈ. ભાંભરવા લાગી. ચીંદરી જરીક હોશમાં આવી. જોયું તો બાળકીનો જન્મ થઇ ગયો હતો. અને ગર્ભનાળ સાથે બાળકી રડી રહી હતી. કેવી રીતે ગર્ભનાળ વિચ્છેદ કરે એને સમજમાં નહોતું આવતું. આખરે નજીકમાં એક તીક્ષ્ણ પથ્થર એને હાથ લાગ્યો. અને એણે એ પથ્થરથી જ ગર્ભનાળ પર ઘા કરવા શરૂ કર્યા. એક નહી બે નહી ત્રણ નહી પૂરા સોળ પ્રહાર પછી ગર્ભનાળ બાળકીથી છૂટી પાડી શકી.. શક્તિ ના અભાવે એ ફરી મૂર્છિત થઇ ગઈ.
ફરી ગાયોના ભાંભરવાથી એ જાગી..ગાયના રૂપે જનેતાએ જ પોતાની પ્રસૂતિ કરાવી હોય એમ ચીંદરીને લાગ્યું, ગૌમાતાને નમન કર્યા. મનોમન આભાર માન્યો. જેમતેમ કરી દસ દિવસ ની બાળકી ને લઇ એ ગમાણ થી નીકળી. ભૂખથી બેહાલ સુવાવડી ચાલતા ચાલતા રેલ્વેસ્ટેશન આવી પહોંચી. એણે ભીખ માંગવાનું શરૂ કર્યુ. પણ કોઈ કઈ આપતું નહી. એણે પોતાની ગળેલી કવિતાઓ ગાવા માંડી. પીડાભર્યા ઉદગાર અમુક યાત્રીને સ્પર્શી ગયા. એમણે ચીંદરીને ભીખમાં સિક્કા આપ્યા. સિક્કા ભેગા કરી એણે પહેલા ભોજનની વ્યવસ્થા કરી. એક ટાણું તો નીકળી ગયું. સાંજ વળવા આવી. ને પછી રાત પણ થઇ...માણસોની આવાજાહી ઓછી થઇ ગઈ. આખરે સ્ત્રી જાત એટલે રાત વધતા એને અસલામતી લાગી. લોકો આવતાજતા ચીંદરીને જોતા. પણ ઘણા લોકોને એના હાથમાં દસ દિવસની બાળકી ના દેખાતી. માત્ર સ્ત્રી શરીર દેખાતું. ચીંદરી પોતાની બાળકીને લઈને ચાલવા માંડી. ખબર નહોતી ક્યાં જવું? શું કરવું? ઈશ્વરનું સ્મરણ કરતાં કરતાં એ સુમસાન રસ્તે ચાલી રહી હતી. દૂરથી એને વંચાયું “મુક્તિધામ સ્મશાન”. ચીંદરીને લાગ્યું આનાથી વધુ સુરક્ષિત જગ્યા કઈ હોઈ શકે? એ રાત એણે સ્મશાનમાં જ વિતાવી. ડર તો એને જરાય ના લાગ્યો. શેનો ડર લાગે? ખોવા માટે શેષ કઈ હતું જ નહી..બીજે દિવસે સવારે એ ફરી સ્ટેશન ઉપડી, ભજન ગાતી. કવિતા ગાતી. ટંક પૂરતું થાય એટલે રાત્રે સ્મશાન આવી જતી..રાત્રે અહીં કોઈ આવાની હિમ્મત ના કરતુ. ઉલટું કોઈ આવી ચડે તો ભૂત સમજી ભાગી છૂટતું. ક્યારેક અંતિમયાત્રા કરી છોડેલા કપડાં પણ પણ ચીંદરીને મળી જતા, એ બાળકીને પહેરાવી દેતી. મનોમન શિવશંભુનો આભાર માનતી.
પણ દહાડા ક્યાં સરખા હોય? એક દિવસ ઘણું ગાયા પછી પણ એ એક ટંકનું ભાણું ના પામી શકી. ભુખી તરસી નિ:સહાય એ રાત વળતા સ્મશાન આવી પહોંચી, સ્મશાન પહોંચતા એને અંતિમ યાત્રા પછી પિતૃ માટે છોડેલું એક ભરેલું પતરાળું દેખાયું. બે દિવસ ખાઈ શકે એટલું ભોજન હતું. ઈશ્વરનો એણે પાડ માન્યો. ખપ પૂરતું ખાઈને અન્ય ભોજન બીજા દિવસ માટે બચાવ્યું. બાળકીને સુવાડી પોતે માથું ટેકવ્યું. પણ કેમે કરીને ન
ીંદર નહોતી આવતી. ચીંદરીનું મન ચકરાવે ચડ્યું, આજે ભાણું મળ્યું,કાલ મળશે કે કેમ? ટકશે કે કેમ? શું આમ ભીખ માંગી માંગી ને ક્યાં સુધી ગુજારો થશે. કોક દી’ તો કાળનો કોળિયો બનવું જ પડશેને. મારી બાળકીને હું શું ભવિષ્ય આપી શકીશ? કદાચ પીડાના પ્રહારોથી એ થાકી ગઈ હતી. અનિશ્ચિતતા અને અણધાર્યા ડરમાં એ ઘણીવાર ઘેરાયેલું અનુભવતી. આખરે વિચાર અકસ્માત સુધી દોડી ગયો. મનોમન એણે નક્કી કરી લીધું કે કાલ સવાર થતા જ બાળકીને લઈને રેલના પાટા પર સૂઈ જવું છે. મનોમંથનના ગૂંચવાડામાં એ પાટે ચડવાના નિર્ણય પર પહોંચી ગઈ. સવાર પડી. સફાળી જાગી. ફટાફટ બાળકીને લઇ ઝાઝી અવરજવર થાય એ પહેલા સ્ટેશન જવા ઉપડી. મનમાં બસ પાટા જ દેખાતા..એકસાથે બે દુઃખભરી જિંદગીનો અંત આણવાનું એણે મનોમન નક્કી કરી લીધું હતું..સ્મશાનના દરવાજે પહોંચતા જ એના પગ રોકાઈ ગયા. સ્મશાનની પાછળના ભાગમાંથી કોઈનો કરુણ વિલાપ સંભળાયો. “હે ઈશ્વર હવે બસ.. તારી પાસે બોલાવી લે..”.ચીંદરી બાળકીને લઇ અવાજ તરફ ચાલી. એક ભિખારી જેવો માણસ જાણે અંતિમ શ્વાસ ગણતો હોય એમ નિ:સહાય અવસ્થાથી કણસી રહ્યો હતો.
ચીંદરી ભિખારીના માથે હાથ મૂક્યો તો કરંટ લાગ્યો. ભિખારી બળબળતા તાવમાં તપતો હતો.
ચીંદરીએ પૂછ્યું.”શું થયું ભાઈ?’’
ભિખારી બોલ્યો..બસ હવે નથી જીવવું..મરી જવું છે.
કેમ જાણે કઈ સ્ફુરણા થઇ ચીંદરીને, એણે ભિખારીને કહ્યું ”મરવું જ છે ને તો બે કોળિયા ખાઈને મર. એક લોટો પાણી પીને મર.”.એમ કહી બચાવેલું ભોજન ભિખારીને ધરી દીધું. કેટલા દિવસના ભૂખ્યા ભીખારીના પેટમાં કોળ પડતા જીવ આવ્યો. ભિખારીએ ચીંદરીના માથા પર હાથ મૂક્યો ને એટલું જ બોલ્યો. “ધન્ય છે તારી માંહ્યલી જનેતાને” અચાનક ચીંદરી ઝબકી. પોતાને સવાલ કરવા લાગી. આ શું થયું?? ચીંદરી તું તો મરવા જતી હતી ને? ને કોઈ તારા લીધે જીવી ગયું? હે ઈશ્વર આ ભિખારી ને મોકલીને તું મને શું સંદેશ આપવા મથે છે? એ જ ને કે ચીંદરી તારે મરવાનું નથી. તારે જીવવાનું છે ને જીવાડવાનાયે છે. પાટા પર ચડવાનો વિચાર મેલ પડતો રેલ્વેસ્ટેશન ભણી ચાલી. ભજન ગાવા માંડી, કવિતાઓ આલાપવા લાગી. ફરી રોજના ટંકની વ્યવસ્થામાં જોતરાઈ ગઈ.
ક્યારેક ક્યારેક ચીંદરી વિના ટીકીટ બસમાં ચડી જતી. ને ભીખ માંગતી. આજે કન્ડક્ટર અકળાયેલો હતો. ચીંદરીને વિના ટીકીટ બેઠેલી જોઈ વધારે વરસ્યો. ચીંદરીયે રકઝક કરવા લાગી. રકઝક થી ત્રાસેલી ચીંદરી રઘવાયી થઇ રહી હતી. અચાનક એની સીટની બારીએ એક માણસે ડોકું દીધું ને કીધું એ માઈ ચાય પીયેગી? રક્ઝકમાં એ અવાજ ચીંદરીને રાહતવાળો લાગ્યો. એ અજાણ્યા ખેંચાણથી એ બસમાંથી બાળકીને લઇ ઉતરી ગઈ. જેવી એ ઉતરી ને થોડે દૂર ખસી ત્યાં બસ ના પાછલા ભાગમાં મોટો ધડાકો થયો. જે સીટ પર એ થોડી વાર પહેલા બેઠી હતી એનું નામોનિશાન ધુવાડો થઇ ગયું હતું. હક્કીબક્કી બનેલી ચીંદરી પાછળ વળીને જોવે ત્યાં પેલો ભિખારી અલોપ થઇ ગયેલો..સવાલોના ઝંઝાવાત ઉમટ્યા. કોણ હતો આ ભિખારી? જેને મને દુર્ઘટનાનો ભોગ બનતા પહેલા બસમાંથી ઉતારી? મારી સાથે જ આ કેમ ઘટ્યું? હે ઈશ્વર...આ તું જ છે ..અલગ અલગ સંકેતો દ્વારા આ તું છે જે મને જીવાડવા પ્રયાસ કરી રહ્યો છે? પણ મારા જેવી ચીંદરીને જીવાડવાનો તારો શો ઉદેશ્ય છે?
એક કલ્પાંત કરતા અનાથ બાળકનો અવાજ એના કાનને ભેદી ગયો. ઝટ દોડીને ચીંદરીયે બાળકને હૈયા સરસો ચાંપી દીધો..ના બેટા ના .. ના રડ હું છું ને આજથી હું તારી આઈ, તારી માં..ઉદગારો આપમેળે છુટા થયા. પોતાની બાળકી ને પેલું બીજું બાળક લઇ ચીંદરી ચાલવા લાગી. હવે એક ને બદલે બેને લઈને એ ભીખ માંગવા નીકળી પડતી. આખા દિવસના ભેગા થયેલા સિક્કામાંથી એ ક્યારેક પૂરું ટંક ખાવા ના પામતી. ક્યારેક તો બેય બાળકોને દેવા પૂરતું પણ ભાગે ના આવતું. એક કોળિયો બાળકને ખવડાવે ને એક પોતાની બાળકીને છેલ્લા કોળિયા પોતાની બાળકીને ખવડાવે..બાળક તાકીને માઈ ને જોયા કરે. એ નજર ચીંદરીને સોંસરવી ભેદી ગઈ. એને લાગ્યું આ હું પક્ષપાત કરી રહી છું. એક માઈ થઈને હું આમ કેમ કરી શકું? જ્યાં સુધી મારી બાળકી મારી સાથે રહેશે મારૂ માતૃત્વ એના તરફ ઝૂકતું રહેશે ને જાણે અજાણ્યે એ અનાથ ને અન્યાય થઇ બેસશે. બીજો કોઈ વિચાર હાવી થાય એ પહેલા એ એક સજ્જન માતાપિતાને પોતાની બાળક દતક દઈ દે છે..અને પોતાનું જીવન એ અનાથ બાળક માટે ખર્ચી નાખવાનું મનોમન નક્કી કરી લે છે. માતૃત્વની પરાકાષ્ઠા પીડ્નારી હતી. પણ ધર્મસંગત પણ હતી..માતૃત્વને જ હવે પોતાનો ધર્મ બનાવી લીધો ચીંદરીએ. રોજ સ્ટેશન જાય ભીખ માંગે, ભજન ગાય. કોઈ અનાથ બાળક નજરે ચડે તો એને અપનાવી લે..હવે એને સ્ટેશનની પાછળ આવેલી આદિવાસીની વસ્તીમાં નાની એવી ઝૂંપડી મળી ગઈ હતી..બાળકોને ત્યાં રાખતી..ખવડાવતી..નવડાવતી..સુવડાવતી.
પણ ચીંદરીને લાગ્યું આમ ક્યાં સુધી મને ભીખ મળશે? આ બાળકોએ મને પોતાની માઈ માની લીધી છે. અને એક માઈ તરીકે એ સૌને એક સ્વસ્થ જીવન અને શિક્ષણ મળે એ જવાબદારી મારી જ છે. એટલે એણે નાની મોટી સંસ્થાઓમાં પોતાના કાર્ય અને ઉદેશ્યની વાત સમજાવાની શરૂઆત કરી. એ સમાજસેવીસંસ્થાઓ પાસે જતી. અને કહેતી. હું આ અનાથ બાળકોની માઈ બની છું તમેય એના સંબંધી બની જાઓ ને થોડી મદદ કરીને..મદદના હાથ ઉઠવા લાગ્યા...આખરે આ માઈના ઉદ્દાત માતૃત્વની સુંગધ હતી. માઇના અથાગ પ્રયત્નો ના ફળસ્વરૂપ અને અકલ્પનીય સમર્પિતતાના ફળસ્વરૂપ આજે એક અનાથ આશ્રમની નીવ મુકાઈ..દ્વાર પર લખેલું હતું..”જેનું કોઈ નથી એની હું છું.. હું માઈ. મારૂ નામ સિંધુમાઈ."
સ્વગત ચીંદરી બોલી આજથી ચીંદરી મટી ગઈ. હવે થી હું માત્ર અનાથ બાળકોની સિંધુમાઈ. આ દ્રઢ નિર્ધાર સાથે સિંધુમાઈ ના ચાર આશ્રમ મહારાષ્ટ્રમાં સ્થાપિત છે. જેમાં બે આશ્રમ બાળકોના છે. એક આશ્રમ બાળકીઓનો. અને એક આશ્રમ ગાયમાતાનો પણ. જીવલેણ પરિસ્થિતિઓમાં રક્ષણકવચ બનેલી ગાયમાતાઓનું ઋણ આનાથી વધુ કઈ અદકેરી રીતે ઉતારી શકાય? હાલ સિંધુમાઈ સિંધુતાઈ બની ગયા છે. સિંધુતાઈ સિત્તેરવર્ષના થઇ ગયા છે. સિંધુતાઈના આશ્રમમાં ભણેલા બાળકો ને બાળકીઓ દાક્તર છે, એન્જીનીયર છે, નર્સ છે, શિક્ષક છે...૧૫૦૦થી વધારે બાળકોને આશ્રમમાં આશ્રય અને ભણતર મળ્યા છે. ૩૬ થી વધારે વહુઓ છે અને ૨૦૦થી વધારે જમાઈ છે. પોતાની બાળકી જેને એમણે એક સજ્જન માતાપિતાને સોંપી હતી. એનું ભણતર પૂરું કરાવી પરત બોલાવી. આજે એ બાળકી એમએસડબલ્યુ માં માસ્ટર્સ કરી ચૂકી છે. અને તાઇના એક આશ્રમનો કાર્યભાર એ ખુદ સંભાળે છે. પોતાના આશ્રમના એક આશ્રિત બાળકે તો આઈ પર પીએચડી કરવાનો નિર્ધાર કરેલો છે. ૭૫૦ થી વધુ વધારે વાર સિંધુતાઈ ઉદ્દાત કાર્ય માટે પુરુસ્કૃત થઇ ચૂક્યા છે..ચીંદરી જેવી સમજીને જે માં બાપે એને ઘરેથી કાઢી મૂકી હતી. એના સન્માનમાં ઘણી વાર શોલ ઓઢાડવામાં આવે છે.
એકવાર સિંધુતાઈ સંસ્થાના કામ અર્થે પોતાના ગામ આવ્યા. જ્યાં એનો ભેટો હરી સાથે થયો. વર્ષો પછીયે બેય પળવારમાં એકબીજાને ઓળખી જાય છે, હરી બે હાથ જોડી તાઈ આગળ ઉભો રહી જાય છે..અને કહે છે.”.હવે તારો જ આશરો છે..છોકરાને વહુ કોઈ સાંચવતું નથી. ધંધો નથી રોજગાર નથી..ખાવાના સાંસા છે.” કોઈ પણ પ્રકારના વિશુદ્ધ ભાવ વગર તાઈ બોલે છે...”ચીંદરી તારી પત્ની તો ત્યારની મરી ગઈ જ્યારની તે એને નિર્દોષ હોવા છતાં લાંછનભર્યા એ વેણ કહ્યા. હવે તો હું સૌની માઈ છું..અને એ નાતે તને આ માઈના અનાથાશ્રમમાં જરૂર આશ્રય મળશે...અને પોતાને નર્કાગારમાં હડસેલી દીધેલા પતિને માઈરૂપે આશ્રય આપ્યો.
સિંધુતાઈ એટલે મહારાષ્ટ્રના એક નાના એવા ગામ વર્ધામાં જન્મેલી ચીંદરી. ચીંદરી નામે જે ભીંત તે રોજ ચડતી. એ આજ ભીંત ફાડીને ઉભા થયેલા પીપળા સમકક્ષ છે..ચીંદરી સ્ત્રીશક્તિ ના અદમ્ય સાહસની ગાથા છે. માતૃત્વની અસીમ કરુણાના સાહસની કથા છે. સામાન્ય વિકટોથી હારી બેસતા માનવને સાહસની પ્રેરણા બક્ષતી કથા છે. માતૃત્વ ના આ ઉત્તુંગ શિખરને શત શત નમન.
[સત્યચરિત્ર પર આધારિત].