ઉજળો પડછાયો
ઉજળો પડછાયો
ભાગીદારે કરેલા પ્રપંચથી દર્પણને ખૂબ આઘાત લાગ્યો હતો. વેપાર માટે રોકેલા નાણાં ડૂબી જતાં દર્પણ પાયમાલ થઈ ગયો હતો. જીવન ટૂંકાવી દેવા સિવાય બીજો કોઈ જ વિકલ્પ એને સૂઝી રહ્યો નહોતો. ભર બપોરે કાળા ડામરના રસ્તા પર એ ઉઘાડા પગે જ મોતને ભેટવા દોડ્યો.
સૂરજ તપીને માથે ચડેલો એટલે દર્પણનો પડછાયો પણ દર્પણની માથે જ હારોહાર દોડી રહ્યો હતો. દોડતા દોડતા એ ક્યાં ને ક્યાં પહોંચી ગયો હતો. કોઈ પથરાળ ડુંગર પર એ બસ ગાંડાની માફક ભાગ્યો જતો હતો. ડુંગરની ટૂકે પહોંચતા પહોંચતા તડકો સહેજ નમી ગયો હતો અને દર્પણનો પડછાયો પણ માથેથી ઉતરીને હવે એની આગળ ભાગી રહ્યો હતો.
ડુંગર પરથી પડતું મૂકતા પહેલા અચાનક જ એની નજર પોતાના પડછાયા પર પડી અને એ સફાળો થંભી ગયો.
"થોભી જા.."
સામી ઉભેલી કાળી આકૃતિમાંથી ઉદગાર સંભળાતા એ ચોંકી ઉઠયો.
"દર્પણ..ક્યાં જાય છે મુશ્કેલીઓથી ભાગીને ? શું ભાગવું કોઈ મુશ્કેલીનો હલ હોઈ શકે ?"
દર્પણને સમજાતું નહોતું કે ઉદગાર આવી ક્યાંથી રહ્યા છે ? છતાં એ બોલ્યો.
"હા જાણું છું પણ હવે મારી દુનિયામાં કશું જ શેષ નથી બચ્યુ તો અહીં રહેવાનો પણ તો કોઈ અર્થ નથી ને. કોણ છે જે મારી સાથે રહેશે અને કોની માટે હવે મારે અહીં રોકાવું પણ જોઈએ ?" કાળી આકૃતિ રૂપે પ્રગટ થયેલો પોતાનો જ પડછાયો બોલ્યો,
"મારી માટે. તને યાદ છે ? જ્યારે પહેલીવાર તને શાળામાં મેડલ મળેલું ત્યારે હું તારી સાથે હતો. તને સારી નોકરી મળી ત્યારે પણ હું તારી સાથે હતો. તે વેપાર શરૂ કર્યો ત્યારે પણ હું તારી સાથે જ હતો અને તને વેપારમાં ખોટ પડી છે ત્યારે પણ હું તો તારી સાથે જ છું. હું લગીરે તારાથી અળગો નથી થયો."
ઉદગાર એટલાં ઉર્જાવાન હતાં કે એનાથી દર્પણના મનમાં ઉઠેલો વંટોળ જાણે થંભી રહ્યો. વિચારોના વમળ પણ થંભ્યા પણ એને ઘણું કૂતુહલ થતું હતું. કુતૂહલવશાત એણે પ્રશ્ન કર્યો. "પણ તું છે કોણ? જે મારી જીવનમરણની નિર્ણાયક ઘડીઓમાં મારી સમક્ષ છું ?"
પડછાયો બોલ્યો,"હું... હું તારી અંતર આત્મા, તારું ખમીર છું. તારી દરેક ચડતી-પડતીમાં હું જ તો એકમાત્ર તારો સાક્ષી રહ્યો છું. તે મને હંમેશા જોયો જ છે ક્યારેક ઝાંક..તો જ તું મને પામી શકીશ. નહિતર હું ક્યારેય તારી ઉપર, તો ક્યારેક તારી નીચે, ક્યારેક તારી આગળ, તો ક્યારેક તારી પાછળ થયા કરીશ."
દર્પણ તો અવાક થઈને સાંભળી જ રહ્યો પણ પછી ફરી એને વિસ્મયવશાત બીજો પ્રશ્ન કર્યો, "તો હું તને તારી પૂર્ણતામાં કેમ કરી પામી શકુ ? તું તો ઘડીક આગળ-પાછળ ને ઘડીક લાંબો ટૂંકો થતો રહે છે."
પડછાયો બોલ્યો, "જાજુ કશું જ વિચારવાનું નથી તારે બસ મને તારામાં સમાવવી લે. તારી અને મારી ઉર્જા નોખી નથી. જે તું છે એ જ હું છું. ફરક માત્ર એટલો જ છે કે તું નશ્વર છે અને હું શાશ્વત છું. કોઈપણ યુગે હું તો તારો સંગી કે સાથી રહેવાનો જ છો."
દર્પણ બોલ્યો, "પણ તું તો મારો પડછાયો માત્ર છું ને.."હજી વાક્ય પૂરું કરતો ત્યાં સુધીમાં સંઘ્યાટાણું પણ ઓસરી ગયું ને ચારેકોર રાત પ્રસરી ગઇ.ચારેતરફ અંધકાર ફેલાઈ ગયો. દર્પણ પોતાની ચારે તરફ નજર દોડાવતો હતો પણ પોતાનો પડછાયો એને ક્યાંય દેખાતો નહોતો પણ અચાનક જ એની નજર આકાશમાં દેદીપ્યમાન એવા ચંદ્ર પર પડી. ચંદ્રની શીતળ અને સફેદ રોશનીને કારણે દૂર જળાશયમાં આકાશમાંથી ઉતરીને ટમટમતા હોય એમ જળાશયનું પાણી ઝગમગતું જોઈને દર્પણ તે ભણી ચાલ્યો. તરસ્યો તો એ ક્યારનો હતો. પાણી દેખાતાં એ જળાશયમાં પાણી પીવા માટે જેવો નમ્યો એને પોતાનું પ્રતિબિંબ પાણીની સપાટી પર દેખાયું.
સૂરજની તપીશથી તપીને, વંટોળથી વિખેરાઈને અળગી પડી ગયેલી પોતાની જાતને પાણીની સપાટી પર તરતી જોઈને એ ક્ષણ વારમાં જ બધો ભેદ પામી ગયો.
એણે પોતાના પ્રતિબિંબનો ખોબો ભર્યો અને ગળે ઉતાર્યો. પોતાના વાસ્તવિક પ્રતિબિંબનેજોઈને દર્પણ હવે અરીસા જેવું જ પોતાનું વાસ્તવિક અસ્તિત્વ અનુભવી શક્યો. ખોબે ખોબે એને અમૃત પીધાંનો સંતોષ અનુભવાતો હતો. સમુદ્રમંથન પછી જેમ કિંમતી રત્નો જડે એમ દર્પણને મનોમંથનથી પોતાનું ખોવાયેલું ખમીર મળ્યુ.
જળાશયને કિનારે જ માથું ટેકવી એ પ્રકૃતિના ખોળામાં સૂઇ ગયો. સવાર પડી ને સૂરજ માથે ચડ્યો. દર્પણ જાગ્યો પણ આજની સવાર અને આજનો ઉભરેલો પોતાનો પડછાયો કાલ જેવા નહોતા. પોતાનો પડછાયો ભલે કાળો હતો પણ આજે એની એક નવી જ ઉજળી બાજુ ઉભરી હતી.
