STORYMIRROR

Bansari Joshi

Inspirational

4.6  

Bansari Joshi

Inspirational

અંતે તો હેમનું હેમ

અંતે તો હેમનું હેમ

14 mins
364


“અલી એય ગંગુડી... હાલ હવે ઝટ કર નહીંતર બાપુ બેયને મેલીને ખેતરે વયા જાશે ને મારી ગાવલડી 'જીવલી' મારી વિણ અડધી અડધી થાતી રેહે. હાલ હવે ઝટ કર ને એલી!” 

આમ બોલીને દેવુએ ગંગુનાં નામનો હાકોટો ફરીદાણ નાંખ્યો. દેવુ અને ગંગુ એક જ ગામમાં સામસામી હાટડીએ રહેતી બે પાક્કી બેનપણીઓ. બેયની ગોઠડીનું સમીકરણ એટલું પાક્કુ કે દી'રાત એકબીજાની હારોહાર જ ઉગે ને હારોહાર જ આથમે. ગામવાળા તો બેયના બેનપણાં જોઈ એમ જ કહેતા કે, 'ગ્યા ભવમાં બેય બેનું જ હશે તઈ જ આ ભવેય ખાલી લોહીના સંબંધ નથ પણ લાગણીનાં એટલા ઘેરાં મૂળ વર્તાઈ આવેસ કે એક નો મળે તો બીજીયે ખોવાઈ જ હોય.'

દેવુને વનવગડો, ઢોર ને પારેવા હારે બહુ પ્રીત. નિતનવા છોડવાં વાવવાયે એને બહુ ગમે. દેવુનું ફળિયુ પુરૂ થાય એટલે ગંગુનું ફળિયુ શરૂ થાય. 

નાનપણથી જામેલી ગોઠડી ને નાનપણથી જ બંધાયેલા બેનપણાં જુવાનીને ઉંબરે પણ એટલા જ પાક્કા રહ્યાં. બેય હારે રમતાં રમતાં મોટી થઇ ગઈ. હારે જ થોડીઘણી ચોપડી ભણી ને બેયના લગનનાં માાંડવાયે હારે જ રોપાણાં. લગન રંગેચંગે હારોહાર થ્યા. બેયનાં ખેતર પાદર પણ હારોહાર જ નોખા થ્યાં. એકનું ગાડુ ગામની સીમથી એક કોર વળ્યું ને બીજીનું ગાડુ સીમથી બીજે પાદરે હાલ્યું.

બેય સુખી પરિવારની પરણેતર બની. વરસ તો વિતતા હાલ્યા. વડવાઓનાં આશિષથી દેવુને ઘેર બે દેવ જેવા દીકરા અવતર્યા. બીજી કોર ગંગુને પણ એક દીકરો થ્યો અને સુખદ સંયોગે બેઉ એકહારે જ પોતાનાં ગામ પોતપોતાનાં દીકરાઓનાં જીયાણાં વાળવા આવી પૂગી. થોડા દી' રોકાઈ રંગેચંગે પિયરેથી પાછી વળી પણ બેય અજાણ હતી કે હવે છૂટી પડી તો વરસોના વ્હાણા વાય જાશે ને રામજાણે ક્યારે ભેગી થાવા પામશે? 

પોતાનું આણું લઈ દેવુ સાસરીયે આવી પૂગી. એક દી’ ની વાત છે, દેવુ પોતાના વહાલસોયા દીકરાને પારણે હિંચકાવતી હતી. ત્યાં અચાનક દેવુનો ધણી એની પાહેં બેહીને બોલ્યો, “ દેવુ..હાલ તો હવે હું જાઉંસુ પણ મારી વાંહે તારી હારુ બે વાઘ મૂકતો જાઉંસુ.’’ દેવુ તો હાલરડાની ધૂનમાં મગન હતી એને કઈ સમજાણું નહીં. એને લાગ્યું, ખેતરેથી વળતા મોડું થવાનું હશે એટલે આમ બોલતા હશે. એ તો દીકરાને પોઢાડી પોતાને કામે વળગી ગઈ. જોતજોતામાં સંધ્યાટાણું થઇ ગ્યું. રોજ તો દેવુનાં ધણી સંધ્યા થઇ જાય એ પહેલા જ પૂગી જતા પણ આજ તો રાત વળી ગઈ તોય દેખાણાં નહીં. 

 દેવુને તો હવે ચિંતા પેઠી. એ તો બેય કાંખમાં છોકરાઓને તેડી ધણીની ભાળ મેળવવા ઉપડી. ખેતરે જતી જ હતી ત્યાં જ મારગમાં વાવડ મળ્યા કે એનો ધણી ગામ છોડી રાતોરાત ગુમ થઇ ગયો છે. દેવુને તો જાણે માથે આભ પડ્યું. બેય છોકરાને કાંખમાં રાખીને જ રોતીરોતી આકળ વિકળ થતી ઘર ભણી પાછી હાલી. દેવુનું મન ગામવાળાની વાત્યુંથી ચકરાવે ચડ્યું.  

“આટલો ભર્યોભાદર્યો સંસાર છોડી ઈ કીમ વયા ગ્યા હશે? કાંઈ એંધાણ લગીરેય નો આવવા દીધા ને આમ મને નોંધારી મૂકી દીધી?" મનોમન પીડાતી રહી. ત્યાં અચાનક એને સાંભર્યું કે આજ સવારે જ શિરામણ કરતાં કરતાં ઈ મને કહેતા હતા કે, 'મારી વાાંહે બે વાઘ મૂકતો જાઉંસુ.' 

હે પરભુ... ઈ ગામ છોડી જવાની વાત કરતા’તા ને હું એમની એ વાતનો ભેદ નો હમજી. હમજતી પણ કેવી રીતે? આખરે અમારી સુખી સંસારની નાવડીમાં આવો ઊંઘી ધારનો તરાપો મારવાનો વચાર એમને આવશે એવું તો કેમ કરી કળી શકાય? આ કેવી અણધારી આફતમાં મને પૂગાડી દીધી પરભુ તમે? હવે તો તમે જ ધણી ને તમે જ નાથ."

પોતાના ધણીની આવી અણધારી વિદાયને જીવનનો કડવો ઘૂંટડો માની ગળી જવા સિવાય દેવુ પાસે બીજો વિકલ્પ પણ નહોતો. દેવુએ એને કઠણ કાળજે હલક નીચે ઉતારી લીધો ને પોતાનું હંધુય ધ્યાન બેય દીકરાનાં ઉછેરમાં પરોવી દીધું. ખેતર ને ઢોરની જવાબદારી પણ હવે એણે એકલ પંડે જ નભાવાની હતી.

પરોઢની પહેલી કિરણથી જ એની આંખ્યું ઉઘડી જાય અને દેવુ કોદાળી, પાવડા ને પોતાના બે બળદિયાને ગાડા હારે જોડી ખેતરે ઉપડી જાય. ધણીનું મોત થયું હોત તો વિધવા પેઠે પણ રહી લેતી પણ ધણીનાં કોઈ વાવડ ના આવે ત્યાં લગ ચૂડી ચાંદલો ને રંગીન સાડલા પહેરતી રહેશે એવાં મક્કમ નિર્ધાર હારે એ રોજ કપાળે પોતાના ધણીનાં નામનો ચાંદલો કરે ને સેંથી પણ સૂની નો રાખે. કઠણ કાળજે આશ છોડ્યા વગર શૃંગાર કરે. ખેતર ખેડે ને હારોહાર છોકરાનેય ઉછેરે. 

ખેતર ને ઢોરના દૂધથી આવતી આવકમાંથી જ એણે બેય છોકરાવને ભણાવ્યા, ગણાવ્યા ને મોટા કર્યા. 

 દેવુનો મોટો દીકરો આમ ઘણો હુંશિયાર પણ જરા વધુ લાગણીવાળો. એ જરી જરી વાતે દુુઃખી થઇ જાય. નિશાળમાં બીજા ભાઈબંધો એને ઘણીવાર એનાં બાપુનું નામ લઇ ચીડવે ને મહેણાં મારી મારીને હાંસી ઉડાવે. એ રોજ ઘરે આવે ને માંને વાત કરે. દેવુ એને હમજાવે કે, ‘જો દીકરા કરમનાં દેશીહિસાબને નકારી નો હકાય. કોઈ વાર કોઈના કર્મે કોઈને ભોગવટા આવે તો ઇ લેવાય પડે પણ એમાં મૂંઝાવાનું નહીં. કાળજુ કઠણ કરતાં શીખવાનું ને વાતુને કાને નહીં ધરવાની.’

છોકરો માંના વેણ સાંભળી માથું ધુણાવે પણ એને વાતે વાતે લાગી આવે. 

 એક દી’ દેવુ ખેતરનો પાક વાઢી ઘર ભણી પાછી વળી રહી હતી ત્યાં દેવુની એક પડોશી બઈ દોડતી દેવુ પાસે આવી ને બોલી. "ઝટ હાલો તમારા દીકરાએ ગળે ટૂંપો દીધો છે."

દેવુએ તો પાવડા કોદાળી ફગાવી સીધી ઘર ભણી દોટ મૂકી. જુવાનજોત દીકરાનાં આવા કારમાં પગલાથી એ એટલી હેબતાઈ ગયેલી કે ઘડીવાર તો પોતાનો પ્રાણ પખેરૂય જ ઉડી જાહે એટલો ઊંડો ઊંડો જીવ એનો વયો ગ્યો. ઘરનાં કમાડ સુધી પડતી આખડતી પહોંચી તો ગઈ પણ ત્યાં લગ એનાં દીકરાનો દેહ પડી ગ્યો તો. જુવાનજોત દીકરાનો ચેતન વગરનો દેહ હાથમાં લેતાં દેવુનું કાળજુ કોરાઈ ગ્યું. એનાથી રાડ પડી ગઇ.

"હે મારા નાથ.. આ કેવી કપરી કઠણાઈ નાંખી મારી માથે?" ને દેવુ માથે હાથ દઈ ઘેરો અજંપો ઓઢી કરૂણ વિલાપ કરવા લાગી. ગામવાળા વાવડ મળતા ભેગા થઇ ગ્યા. એય બધા દેવુનું હૈયાફાટ રુદન જોઈ નહોતા શકતા. આખરે એ બધાયે જ ભેગા થઈ દેવુનાં દીકરાની લાશ ઠાઠડીએ ચડાવી. દેવુને તો જાણે કાળજુ કાઢીને કોઈ લઇ જતું હોય એવી વેદના માંહે વલોવાતી રહી. મરશિયા ગાતી બાયુ પણ હીબકે ચડી ગઈ. દેહને અગ્નિદાહ દેવાણો ત્યારે દેવુ ન્યા હાજર રહી. બૈરુ સમશાનમાં નો આવી હકે એવો ગામનો કડક નિયમ હોવા છતાં દેવુ પોતાનાં જણ્યા દીકરાને આખરની વિદાય દેવા પુગી ગઈ. ચિતાની અગ્નિમાં રાખ થતો પોતાના દીકરાનો દેહ જોતાં જોતાં રોઈ રોઈને લાલચોળ થઈ ગયેલી આંખ્યુંમાં ઈશ્વર પ્રતિ પારાવાર ફરીયાદુ હોવા છતાં દેવુ કોઈ અકળ મૌન ધરી રહેલી દેખાણી. જાણે પોતાનું અડધું હૈયું હારોહાર રાખ થઈ ગ્યું હોય એમ એ રોતી કકળતી રહી...

પણ આખરે ઇ માવતર હતી. એક દીકરો હાથ છોડાવી વયો ગ્યો એટલે એનાથી એની જવાબદારિયું થોડી કાંઈ છૂટી જવાની હતી? પોતાનો નાનકો દીકરો તો આ મરણ ને જીવતરનાં ફેરાઓથી ક્યાં એટલો ઓળખીતો થ્યો તો? એની હામુ જોઈને એણે આહૂંડા લૂછી નાખ્યાં ને નાનકા દીકરાને પોતાના પાલવમાં દબાવી હિંમત ભેગી કરવા મથી પડી.

ભડ ભડ બળતી મોટા દીકરાની ચિતાએ પોરો લીધો પણ દેવુની પીડાઓને ક્યાંય પોરો નહોતો મળતો. પોતાના નાનકાની હામુ જોતાં આ વસમી વેળાય મૂંગે મોઢે સહન કરી લેવા સિવાય દેવુ પાસે બીજો કોઈ આરો નહોતો. 

સૂતક લગના બધા ક્રિયા કલાપ આટોપી એ ફરી પોતાના ખેતરને ખાતર પાણી દેવામાં જાતને જોતરાવા લાગી. જાજા દિવસે ખેતરનું મોં ભાળેલું એટલે ખેતરમાં નિંદામણ ઘણું ઊગી આવેલું. ઇ નીંદતા નીંદતાં એ વચારતી રહી કે આ તો કેમે કરીને વાઢી નાંખીશ પણ હૈયે ઊગી આવતું પોતાના મોટા દીકરાનું વળગણ કઈ આરીથી વાઢી હકાશે..? સંભારણાઓ પર આજ સુધી કોઈ તાળું લગાવી હકયું છે તે હું કોઈ કૂંચી ગોતી લાવીશ ને દરિયામાં ભરતી આવે એમ ભરી ભરીને આવતા મોટકા દીકરાની વાત્યુના સંભારણાંઓનો સંદૂક હાથમાં લઈ ઇ કૂંચીથી એને તાળું લગાવી હકીશ? આખરે કોઈ તાળું કે કોઈ કૂંચી કામમાં નહોતી લાગવાની. કામમાંયે દેવુનો જીવ માંડ માંડ લાગતો પણ પછી પોતાનો પૂરો જીવ નાનકા દીકરાનાં ઉછેરમાં લગાવા માાંડયો. 

પોતાનાં મોટા દીકરાની આવી વસમી વિદાયથી ઇ એટલી ડરી ગઈ હતી કે પોતાના નાનકા દીકરાને ખેતરે, પાદરે ને બધેય હારોહાર જ રાખતી એને પળવારેય પોતાનાથી નોખો નો થાવા દેતી. 

એક દી’ ની વાત છે બેઉં માં- દીકરો ખેતરેથી પરવારી ઘેર પહોંચ્યા. દેવુએ રોટલા ઘડયા ને વાળુ કરી બેય માં-દીકરો ખાટલે આડા પડયા.

પરોઢ થઇ ને દેવુ કામ પરવારી દીકરાને જગાડવા ગઈ. માથે હાથ મૂક્યો ત્યાં તો દીકરો ધગધગે. આગ જેવો જવર(તાવ) એવો તે લાગ્યો કે દીકરો ખાટલો છોડવા તૈયાર નહીં. પોતાના નાનકાની હાલત જોતજોતામાં એટલી કથળી કે જવર માથે ચડવા લાગ્યો. નાનકો તો આંખ્યું ઊંચી કરવા માંડ્યો. આ પહેલાય એના નાનકાને જવર થયેલો પણ આ દાણ ડીલ સીધુ જ આગનાં ગોળાની જેમ તપવા લાગ્યું. "શેનો જવર ને કઇ બીમારી?" દેવુને તો કોઈ કળ જ નહોતી વળતી. કેટકેટલું વૈદુ કર્યું પણ જવર ટસનો મસ નહોતો થાતો. આખરે ગામમાં જે એક જ દાક્તર હતા એનેય બતાવ્યું પણ જવર ખસતો નહોતો ને માથેથી "વા" લાગી ગ્યો. "વા" ના વમળમાં દીકરો એવો ઘેરાણો કે સપડાક કરતો જીવ ગુમાવી બેઠો. હજી તો દેવુ એની પાહે બેઠીતી ત્યાં જોતજોતામાં નાનકો હતો નહોતો થઈ ગ્યો. દેવુની તો આંખો ફાટી ગઈ. દીકરાનું ધગધગતું પંડ અચાનક ઠંડુ ગાર જેવું થઈ ગ્યું. ચેતન વગરનાં દીકરાનો દેહ જોઈ દેવુ હેબતાઈ ગઈ. ઈ પોતાની આંખ્યુ ચોળી ચોળીને પોતાનાં નાનકાને આમતેમ હલાવતી જોતી રહી. ઇ એટલાં અજંપમાં ઉતરી ગયેલી કે એનાથી આક્રંદ પણ નહોતું થઈ શકતું. ઇ બસ એક ઘેરા શૂન્યમાં જાણે સરકતી ગઈ. પાડોશની એક બાઈએ આવી એને જોરથી કાનમાં કીધું, "દેવુ તારો નાનકોયે ગ્યો.....

મોટા દીકરાનાં અકાળે મોતથી દેવુ હજી હરખુ ઉગરી નહોતી ત્યાં કાળની બીજી થપાઠથી એનું હૈયું રૂંવે રૂંવે આક્રંદ કરી રહ્યું. અગવડ ને અછતને તો હજુય પોગી વળાય પણ આમ એક પછી એક માણાહ જીંદગીમાંથી હાથ છોડાવી જાય ઇ દુઃખ જીરવવું બહુ આકરૂં પડે. આમ તો દેવુ અગવડ માંહે ઈશ્વર ઈચ્છા બળવાન એમ કહી મન વાળી લેતી પણ આ વખતે એનો છેલ્લો આધાર ને છેલ્લી આશ પણ કાળના કોળિયામાં સમાણી ત્યારે એ જાણે ઈશ્વર સાથે લડી પડી. 

પોતાનાં નાનકાનું ચેતન વગરનું પંડ ખોળામાં રાખી એ પોક મૂકી રોતી રહી. આકાશ હામુ જોતીજોતી એ આક્રંદ કરતી રહી.

'હે...ઉપરવાળા...&

nbsp;હે..દીનાનાથ...આ નામથી જ મેં તને જીવનભર હાંક મારી. તને ફૂલ ચડાવ્યા, તારી બનતી સેવા કરી, કોઈનુંય મન નો દુભવ્યું તો તું મારા કાળજે આવડા મોટા મોટા ઘા શીદને દે છે? હું કઠણ સુ એટલે મારી માથે તું આમ જ વિપત નાંખતો રહીશ? તે જેમ ઉગવી એમ હું ઊગીસુ. તારી બધી કાળમુખી થપાટો મેં જીરવી પરભુ પણ આ છેલ્લી આશ લેતા તારું કાળજું લગીરેય નો કંપ્યું મારી હાટુ....? ધણી ગ્યો..મોટકો ગ્યો..ને નાનકોય તે લઇ લીધો...બોલ હવે તું જ કહે હું ક્યાં જાઉં?'

ત્યાં તો ગામવાળાનું મોટું ટોળું દેવુની ડેલીએ આવી પૂગ્યું. બધી બાયું તો દેવુની કફોડી હાલત જોઈ જોરજોરથી નિ:સાસા નાખવાં લાગી. દેવુનું આક્રંદ સૌને ઊંડે સુધી સ્પર્શી રહ્યું હતું. આખરે એક માડીએ કચકચાવીને પકડેલા પોતાના નાનકા દીકરાનાં દેહને એનાં હાથથી છોડાવ્યો ને દેવુનાં દીકરાના ક્રિયાકરમ કરવા એના દેહને ગામવાળાને સોંપ્યો. દેવુ તો સૂધબૂધ ખોઈ જ બેઠેલી. 

પોતાના વહાલસોયા નાનકાને ચિતાએ સળગતો જોઈ દેવુ હૈયાફાટ રોઈ. કંઈ કેટલીય વાર એ બેભાન થઈ. આખરે ગામવાળાઓએ દેવુનાં માવતરને એના વાવડ પહોંચાડવા કહ્યું. કારણકે હવે તો દેવુ હાવ એકલી થઈ ગઇ હતી. આંગણું સૂનું પડી ગ્યું તું ને ઘર માણાહ વગરનું થઈ ગ્યું તું પણ દેવુએ એનાં માવતરની સ્થિતિ જોઈ એને કોઈ વાવડ પોગાડતા લોકોને રોકી લીધાં. દેવુનાં માં-બાપ તો કેદુના તીરથ પર નીકળી ગયેલા. તીરથ કરતાં માવતરને તેડાવા કરતા ઇ એકલપંડે દુઃખને જીરવી લેશે એવું એણે મનોમન નક્કી કર્યું પણ ગામવાળા એની હાલત જોઈ માન્યા નહીં ને વાવડ પહોંચાડવા ને ગામતરૂ કરવા નીકળી ગયા. દેવુના દુુઃખમાં ભાગ પડાવવા દેવુનાં બીજા સગાવહાલા ત્યાં લગ ખબર મળતાં આવવા લાગ્યા પણ બાર દી' દેવુ હારે રહ્યા પછી તો સૌને ખેતર ને ઢોર હોય એટલે સૌ કોઈ ધીરે ધીરે પોતપોતાના ગામ પાછા વળ્યા. 

 બારમે દિવસે દેવુનાં માવતરને ગામેથી ખબર મળ્યા કે દેવુનાં માવતર તીરથ પર જ પરલોક સિધાવી ગ્યા. ઈશ્વર જાણે દેવુને કઇ કસોટીના નિંભાડામાં તાપતો હતો? દેવુને બસ એક પછી એકની મોતનાં કારમા વાવડ જ મળતાં રહ્યાં. 

 પોતાની બેનપણી ગંગુ પણ વાવડ મળતા દેવુને દિલાસો દેવા પહોંચી. દેવુને લઇ દઈને બસ એ એક જ સ્વજન જેવી હતી. ઇ થોડાં દી' એની હારે રહી પણ એનેય પોતાના ગામ, પોતાના ઢોરઢાંખર અને છોકરાછૈયા હારુ પાછા વળવું પડ્યું. દેવુ ગંગુને ભેટી ખૂબ રડી. ભારે હૈયે બેય નોખા પડયા.

હંધાય વયા ગ્યા અને આજે દેવુ ઘરમાં સાવ એકલી પડી. પ્રેતની માફક એ ઘરમાં આમતેમ હાલતી હતી. ફળિયામાં પહોંચી ને ડેલીએ નજર પડી. પરણીને આવી ત્યારે 'થાપા પાડેલા હાથ' ડેલીએ હજી હતા. કેવું રૂડું ઘર હતું? કેવી રૂડી ઘરશાળ હતી? ખેતર હતાં છોકરાવ હતાં. ફળિયાના એક એક ખૂણે એને છોકરાવનું બાળપણ દેખાણું. ખેતરેથી હડી કાઢતી એ રોજ ઘરમાં આવતી પણ કેમ જાણે આજે ઓરડા ભણી પગ નહોતા મંડાતા. ઘરવાળા અને છોકરાવ વગરનું ઘર એને જાણે ખાવા દોડતું. દેવુ કાળની થપાટોથી સોંસરવી ભાંગી ગઈ. ઊંડે ઊંડે એ દુુઃખમાં સરતી રહી ને એક દી' એક નબળી ઘડીએ એનેય પોતાનો દેહ પાડી દેવાનો અજુગતો નિર્ણય કરી લીધો. એ તો ગામના પાદરે જતા રેલના પાટા પર ચાલવા માાંડી હમણાાં રેલ આવે ને એ કચડાઈ મરે ને આ દુુઃખભરી જિંદગીનો અહીં જ અંત આવી જાય એમ વિચાર કરતી એ તો દોડી.

પૂરપાટ દોડતી રેલ આવી...દેવુ પણ રેલની સામી ધારે દોડવા માંડી. ત્યાં તો......

દેવુ તો રેલની સામી ધારે દોટ મૂકી દોડવા જ લાગેલી પણ એની જીવનયાત્રાનાં લેખા જોખા કદાચ એને મોતને વહાલું કરવા નહોતા દેવાના. હંધી સ્થિતિઓ મોત ભણી તાણી જાતી હોય તોય મોત ત્યાં લગ ના આવે જ્યાં લગ તમારું એક પણ કારજ બાકી હોય અને એટલે જ જોગાનુજોગ એ જ રેલથી ગામના સરપંચ કોઈ ગુરુમહારાજ હારે ગામ આવવા ઇ રેલમાં બેઠા હતાં. ઇ દેવુને જોઈ ગ્યા ને તાબડતોબ રેલની સાાંકળ ખેચી લીધી. રઘવાઈ થયેલી દેવુને સરપંચે વારી. એમણે દેવુને ત્યાંથી તત્કાળ પોતાના ઘર લગ પહોંચતી કરી. 

બીજે દહાડે સરપંચ મહળકુ થાતાં જ દેવુની ભાળ લેવા એને ઘરે પોગ્યા. દેવુ તો જાણે રટ લઈ બેઠેલી કે હવે દેહ પાડી જ દેવો સે. પણ સરપંચે પછી એને સમજાવીને ગામમાં આવેલા ગુરૂમહારાજને મળવાનું કીધું. ગામનાં સરપંચનું માન રાખવા દેવુ રાજી તો થઈ પણ દેવુ દુુઃખી હ્રદયે ગુરુ પાસે પહોંચી અને પૂરી આપવીતી કીધી. વારે વારે ઇ બસ પોતાનો દેહ પાડી દેવા આજીજી કરવા લાગી. 

ગુરુમહારાજે દેવુને સમજાવી કે ‘દેવુબેન શીદને દેહ પાડવો છે? સંસાર છે એ તો ચાલ્યા જ કરે. ઊલટું તમે તો હવે પરવારી ગ્યા છો. જોગી જીવન જીવો ને આનંદ કરો. આ તો કોઈ દુુઃખ જ નથી.” ગુરુની વાણી એવી તો સોંસરવી દેવુને પૂગી જાણે દેવુને કોઈ પારસમણી અડી ગ્યો હોય. એક જાદૂઈ અસર નીતરી. જીવતરમાં ઘોળાયેલી નિરાશા ખંખેરી એ ફરી બેઠી થવાની હિમ્મત ભેગી કરવા લાગી. 

બીજે દિવસે ગુરુમહારાજ રવાના થઇ જવાના હતાં એટલે દેવુ પરોઢ થાતાં જ ગુરના દર્શન કરવા ઉપડી ગઈ. દેવુને આવતા જોઈ ગુરુમહારાજ બોલ્યા, “દેવુબેન તમારી માટે એક કામ નક્કી કર્યું છે. કરશો? અહીં એક સ્મશાન છે ને એમાં ઝાડવા વાવાના છે તો તમે ઝાડવા વાવવાનું કામ કરશો?” 

દેવુએ તો તરત જ હોંકારો ભણ્યો ને કીધું, “જેવો ગુરુનો હુકમ” 

એ તો ગુરુએ કિધેલા સ્મશાનનાં ઝાંપે જઈ ઉભી રહી ગઈ. જેવો એણે ઝાંપો ખોલ્યો ને પોતાના પગ ઝાંપાની અંદર મૂક્યા જાણે એક અગાધ શાંતિનો અનુભવ એને રૂંવાડે રૂંવાડે અડકી રહ્યો. એનું અંતરમન વિલક્ષણ શાંતિથી ભરાઈ ગયું. સઘળા જીવનો વલોપાત, ઉદ્વેગ જાણે શિવશંભુની રાખ ચોળેલી મૂર્તિને જોતાં જ શાાંત પડી ગ્યો. મનોમન દેવુએ નક્કી કરી લીધું કે આ સ્મશાનને જ સ્વર્ગ જેવું બનાવીને જ ઝંપીશ. દેવુએ તો સ્મશાનની સાફ સફાઈ કરવા માંડી. પોતાની ધગશ જે એ પહેલા પોતાનાં ખેતરમાં હોમતી એ બધી ધગશ એણે સ્મશાન પાછળ લગાવી દીધી.  ધીરે ધીરે કરતાં એણે પાંચસોથી વધુ ઝાડવા સ્મશાનમાં વાવી દીધા ને સ્મશાન જેવી વેરાન જગ્યાને રળિયામણી બનાવી દીધી..

કોરા ધાકોર સ્મશાનમાં હવે પંખીઓનો કલરવ થતો હતો. પંખીઓના માળા પણ ક્યાંક ક્યાંક તો બનવા લાગ્યા હતાં. દેવુ રોજ પંખીઓને દાણા-પાણી દે,સાફ સફાઈ કરે, ભજન કરે ને બધા છોડવા ને ઝાડવાનો મમતાથી ઉછેર કરે. 

 ઋતુઓ વીતતી ગઈ ને દેવુને તો આ જ ભૂમિ આનંદની ભૂમિ લાગવા લાગી. ના કોઈ મૃતદેહનો ડર, ના સ્મશાનનો. જોગીજીવન જીવે ને આનંદ કરે. દેવુ હવે "દેવુમા" નામે ઓળખાવા લાગી. સ્મશાનને પોતાની અનોખી સેવાથી દેવુમાએ એટલું રળિયામણું બનાવી દીધેલુ કે ગામનાં લોકો ત્યાં સંધ્યા સમયે નિરાંતે બેસવા આવતા. ગામોગામ એમની સેવાની ચર્ચાઓ શરૂ થવા લાગી. 

આ વાવડ દેવુની બેનપણી ગંગુના ગામ પણ પહોંચ્યા. ગંગુ તો વાવડ પહોંચતા જ હરખભેર દેવુને મળવા એના ગામ પહોંચી. સ્મશાનના ઝાંપા લગ પહોંચી ગંગુએ સાાંકળ ખખડાવી. દેવુમાંએ હડી કાઢીને જોયું પણ પહેલી નજરે ઓળખાણ નો પડી. આખરે બે દાયકાથી બેય બેનપણી ભેગી નહોતી થઇ ને બેયની અવસ્થાય થઇ ગઈ હતી પણ પછી ગંગુ દેવુનો હાથ ઝાલી બોલી “અલી દેવુડી હું ગંગુ સુ” ને દેવુમાંના કાન ચમક્યા ને હરખથી બેય ભેટી પડયાં. દેવુ તો ગંગુ ને અંદર લઇ ગઈ. શિયાળાની ઇ સાાંજ હતી ને ઠંડી વળી ગઈ હતી. દેવુ તો શાંતિથી ચાલતી ચાલતી થોડી વાર પહેલાં જ એક પેટાવેલી સળગતી ચિતા પાસે પહોંચી ને હાથ તાપવા લાગી. ગંગુ તો અચરજથી દેવુ ને જોતી રહી. 'આ ઈ જ દેવુ સે જે ક્યારેક દેહ પાડવાની વાત્યુ કરતી હતી?'

થોડી વાત્યુચીત્યુ કરી બેય વાળુ કરી ખાટલે બેઠી ને સુખદુુઃખ વહેંચવા લાગી. ગંગુએ દેવુને પૂછયું,"અલી દેવુડી તને અહીં બીક નથ લાગતી?” 

દેવુ: "બીક શુ વળી.. બીક હોત તો સ્મશાનમાં રહી જ નો શકી હોત. ગંગુડી આ તો મુખ્યધોમ કેહવાય. આનંદની ભૂમિ કેહવાય. આ તો હાચો આનંદ આપે એવી ભૂમિ સે. અને જ્યાં શિવશંભુનાં ભજન થાતા હોય ત્યાં બીક શાની?” 

ગંગુ: "તે હે દેવુ આ બધા ઝાડવા તે વાયા સે ?” 

દેવુ: "હા આ બધા પેપળા, લીમડા ,ઓમ્બલી, વડ આ બધા મારા ને આ બધાની હું.” 

ગંગુ: "તે હે દેવુડી તું આખો દી હું કરે પસી અહીં?” 

દેવુ: “ કરું હું..? સમશાનની સાફ સફાઈ કરૂ, પંખીઓને પાણી આલુ, પારેવાને દોણા આલુ, કોઈ આવે તો આશરો આલુ, ચા-પાણી કરાવું, ભજન કરૂ બસ...બીજુ કઈ કરતી નથ. ગામનાં માજીસરપંચ ખપની હંધી વસ્તુઓ લાવી દે. હું મારા ખપ પૂરતું લઉં અને સમશાનનું ધ્યાન રાખું.” 

ગંગુ: "તે હે ગંગુ તને હાચોહાચ આય બીક નથ લાગતી?” 

દેવુ: "ના ગંગુ હવે તો આ જ મારૂ ઘર સે અને પોતાનાં ઘરમાં શેની બીક?" 

ગંગુ તો દેવુને ફાડી આંખે જોતી જ રહી ગઈ. બેય વાત્યુ કરતી હતી ત્યાં માજીસરપંચ દેવુમાને મળવા આવ્યા ને સમાચાર આપ્યા કે દેવુમા ..ગામવાળાઓએ નક્કી કર્યું છે કે જિલ્લા કલેક્ટર સાહેબને હાથે તમારૂ માનસન્માન થાય. ગંગુ તો આ સમાચાર સાાંભળીને રાજી રાજી થઇ ગઈ. સરપંચ વાવડ આપી રવાના થ્યા.

બીજે દિવસે માજીસરપંચની ગાડી દેવુમાને લેવા આવી પહોંચી ને બધા મુકામે પહોંચ્યા. જિલ્લા કલેકટરનાં હસ્તક દેવુમાનું સન્માન કરવામાં આવ્યું અને પછી દેવુમાને બે શબ્દ કેહવા માટે માઈક આપવામાં આવ્યું.  દેવુમાંએ સાવ સહજભાવે સન્માન સ્વિકારતા માઈક લઇ એટલું જ કહ્યું કે,

"આ મનેખ બહુ મોંઘુ સે. પરમાત્મા બહાર ક્યાંય નથી. આપણે ખુદ પરમાત્મા સીયે. પણ જો માણાહ ભીતર ઝાંકે તો..ભીતર ભળે તો..ઓળખે તો.. ને એ પરમાણે રહે તો.... "

બસ આટલું બોલી એ ચૂપ થઇ ગ્યા ને ગામના લોકોની તાળીઓથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું. બધા વચેટ બે હાથ જે સૌથી વધુ તાળી પાડી રહયા હતાં તે હાથ હતાં બેનપણી ગંગુનાં. દેવુમા સહજ ભાવે મંચ પરથી ઉતર્યા ને ત્યાં લાઉડસ્પીકરમાં ગીત રેલાવા માંડયું કયા જીવન કયા મરણ કબીરા.. ખેલ રચાયા લકડીકા...

{નોંધ: અહીં 'ગંગુ' એક કાલ્પનિક પાત્ર છે પણ 'દેવુ' એક જીવંત વાસ્તવિક પાત્ર છે. દેવુમા બનાસકાઠાનાં કાંકરેજ તાલુકાનાં રવયાણા ગામના રહેવાસી છે અને છેલ્લા બે દાયકાથી સ્મશાનમાં સેવાધર્મ નિભાવે છે. એમના ઉમદા સેવાકાર્ય માટે એમને વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માનિત પણ કરવામાં આવેલા છે. છીપમાં મોતી જેવાં દેવુમાં સૌ માટે રાખમાંથી મળેલા રતનનાં ઉત્કૃષ્ટ ઉદાહરણ સમા છે.)


Rate this content
Log in

Similar gujarati story from Inspirational