STORYMIRROR

Bansari Joshi

Classics

4  

Bansari Joshi

Classics

શબરી

શબરી

6 mins
300

કમાડે તોરણ બંધાઈ ગયા હતાં લગ્નને લગતી તમામ જરૂરી સાધન સામગ્રી પણ આવી ગઈ હતી. મંડપના વાંસ પણ રોપાઈ ગયા હતાં પણ આ શું ? ઘર તરફ આટલી લાંબી ઘેટા-બકરાની વણઝાર ? શ્રમણા તો જોઈને અચંબિત જ થઇ ગઈ ને સીધી એની મા પાસે જ પહોંચી ગઈ.

“આ બધું શું માં ? પિતાજી આટલા બધા ઘેટા-બકરા શું કારણસર લઇ આવ્યા હશે ?" શ્રમણાએ પ્રશ્નોતરી કરવા માંડી.

મા: “પુત્રી શ્રમણા આ આપણી ભીલ શિકારી પ્રજાની પરંપરાનો એક ભાગ છે.”

શ્રમણા: “કેવી પરંપરા માં ?”

મા: “પરંપરાનુસાર કોઈ પણ શિકારી ભીલ કુમારિકાના લગ્ન પૂર્વે હજાર ઘેટા બકરાઓનો વધ કરવો.”

"હે રામ... આ તે કેવી પરંપરા ?"

બેં-બેં-બેંના કર્કશ અવાજમાં શ્રમણા ને હવે વધ પૂર્વેની પશુઓની કરૂણ પુકાર રુંવે રુંવે સ્પર્શવા લાગી.એનું હૈયું કરુણાથી અને મૌન પશુઓની અણધારી આફત માટે વલોવા લાગ્યું.પણ એ શ્રમણા આખરે હતી કોણ... ?

“શ્રમણા” એક ભીલ કન્યા હતી. એના પિતા શિકારી હતા. દેખાવે શ્યામ અને સામાન્ય. પણ સુવર્ણ અને પવિત્ર હૃદયની ધની. કરુણા, એકનિષ્ઠા, સમર્પણ જેવા ગુણોની જાગીરદાર. આ બધા ગુણોનાં સમન્વયથી તે એક સામાન્ય ભીલ કન્યા ન ભાસતી. સાદગીની અનોખી તેજસ્વીતા હોય, જેને કારણે શ્રમણા ભીલ કુળમાં ખીલેલા એક તેજસ્વી ફૂલ સમાન જ હતી.

નિર્દોષ અને અસહાય પશુઓનો મહાવધ એ જોઈ શકે એમ નહોતી, એટલે લગ્નના પૂર્વે જ એ ઘરેથી ભાગી છૂટી. ભાગતા ભાગતા એ દંડકારણ્ય સુધી પહોંચી આવી. થોડા થોડા ગાઉ દૂર એને ઋષિઓના આશ્રમ દેખાવા લાગ્યા. શ્રમણાને હવે બસ બ્રહ્મજ્ઞાનની જ અભિલાષા હતી. ઋષિના ચાલવાના માર્ગો એ સ્વચ્છ કરી નાંખતી, એ વન વન ભટકતી. ને ઋષિને બ્રહ્મજ્ઞાન શીખવવા આજીજી કરતી. પણ તમામ ઋષિ એને પોતાની શિષ્ય તરીકે સ્વીકારવા તૈયાર ન થતાં, માત્ર એટલે જ કે શ્રમણા એક ભીલ કન્યા હતી. સંસારમાં સત્સંગ માટે ઉચિત અને સુશિક્ષિત નહોતી. પણ શ્રમણા હિમ્મત ના હારતી. એને તો બસ બ્રહ્મજ્ઞાન લાધવું હતું. અને એની મંછા સફળ થઇ. ઋષિ “મતંગ” એ શ્રમણાની એકનિષ્ઠાથી પ્રભાવિત થઇ શ્રમણાને શિષ્યા તરીકે ધારણ કરી શિક્ષણ પ્રદાન કરવાનો અવસર આપ્યો.

શ્રમણા પૂર્ણ સમપર્ણ અને એકનિષ્ઠા સાથે આશ્રમની અને અન્ય શિષ્યોની સેવા કરવા લાગી. ગાયોનું ધ્યાન રાખવું, આશ્રમની સફાઈ, અન્ય શિષ્યો અને ગુરુજીના ભોજનની વ્યવસ્થા કરતી. ભાવ અને વાત્સલ્યથી સૌને જમાડતી. અન્ય ઋષિઓની અવહેલના છતાં મતંગ ઋષિએ શ્રમણાને અધ્યાત્મની એની પૂર્ણ યાત્રા માટે આશ્રમમાં આજીવન વાસ આપ્યો.

આમ જ વર્ષો પસાર થતા ચાલ્યા. મતંગ ઋષિ વૃધ્ધત્વ તરફ પગરણ માંડવા લાગ્યા. એક પરોઢ એમણે શ્રમણાને કહ્યું;

"શ્રમણા હું તારી અનન્ય ગુરુભક્તિ અને આશ્રમની તારી એકનિષ્ઠ સેવાથી અતિ હર્ષિત છું. મારા આતમને હવે દેહ્ત્યાગની જરૂર વર્તાય છે. એ પૂર્વે આ આશ્રમનો પૂર્ણ કાર્યભાર હું તને સોપવા માંગું છું."

ઘડીભર તો શ્રમણા મૌન જ રહી.

ગુરુજી: ”શ્રમણા માંગ જે વરદાન જોઈએ તે આપીશ.”

શિષ્યા શ્રમણા: "ગુરુજી આપની સાથે જ મને પણ અનંતની વાટે લઇ જાઓ, આપની વગર હું જીવી નહી શકુ.”

ગુરૂજી: "શ્રમણા મે મારા જીવનકાળમાં હંમેશા રામનું ચિંતન અને કીર્તન કર્યુ છે. પણ મને શ્રી રામનાં દર્શન નથી મળ્યા. તું એકનિષ્ઠ થઈને આમ જ આધ્યામિકયાત્રા કરતી રહેજે, રામનું સ્મરણ કરતી રહેજે, રામ એક દિવસ તને જરૂર દર્શન આપશે અને તું શીઘ્ર મોક્ષને પામીશ.”

શ્રમણા તો ગુરુજીના આશિર્વાદ પામી ધન્ય થઇ. ગુરુજીએ સ્થૂળ દેહનો ત્યાગ કર્યો અને પંચમહાભૂતમાં વિલીન થઇ ગયા. શ્રમણા રોજ પ્રભુ રામની વાટ જોવા લાગી. ઉઠતા બેસતા બસ રામના ચિંતનમાં રહેતી, રામનું કીર્તન કરતી. રામ આવશે..રામ આવશે...,ના ઉદગારથી એ પુલકિત થઇ ઉઠતી. રામના આગમન માટે એ રોજ આશ્રમની પોતાની ઝૂંપડી શણગારતી, ફૂલોનો માર્ગ બનાવતી, તાજા ફળફૂલ ચૂંટી લાવતી. આમને આમ ઘણાં વર્ષો વીત્યા. વાટ જોતા જોતા શ્રમણા પણ હવે દુર્બળ થવા લાગી. એની ચીમળાયેલી ચામડી પર પણ હવે અવસ્થાની અસરો દેખાવા લાગી હતી . ખુંધ પણ જરા ઝૂકવા લાગી હતી પણ રામની વાટ એકદમ ટટ્ટાર હતી. બસો વર્ષનો ઘસારો કોઈ સિત્તેર એંશી વર્ષમાં લઈલે ત્યારે ચહેરા અને શરીરમાં દ્રશ્યમાન થાય એવું કૃશપણું ઝીલતી શ્રમણા રામની વાટનો એકતારો રોજ વગાડતી.વળી ગયેલી ખુંધ પર વાટને જરા પણ ઝૂકવા ના દેતી. બસ પ્રભુ રામ ની વાટ જોયેજ રાખતી.

આશ્રમ નજીક આવેલા પમ્પા સરોવર પર રોજ પાણી ભરવાનો શ્રમણાનો નિત્યક્રમ હતો એક સવારે જ્યારે એ કિનારે પહોંચી તો કોઈ ઋષિના મંત્રોનો ધ્વનિ એને કાને પડ્યો. પાણીમાં બેડું ડૂબાડતા બુડબુડનો અવાજ ઋષિને કાને પડ્યો. એમણે આંખ ખોલી જોયું તો કોઈ ભીલ સ્ત્રી પાણી ભરી રહી હતી .ભીલને નિમ્ન જાતી ગણતા ઋષિ આક્રોષિત થઇ ગયા અને બાજુમાં પડેલા પથ્થરમાંથી એક મોટો પથ્થર ઉઠાવી શ્રમણા તરફ ઘા કર્યો .શ્રમણાના પગમાંથી રક્તની ધાર થવા લાગી. રક્ત સરોવરમાં જઈ ભળી ગયું. આ જોઈ ઋષિ વધુ રોષે ભરાયા અને કહ્યું, "તારી જેવી ભીલ સ્ત્રીના રક્તથી પમ્પા સરોવર દૂષિત થઇ ગયું. હવે મારે એને ફરી શુદ્ધ કરવા અન્ય નદીઓના શુધ્ધ જળ અને હોમ હવન ઈત્યાદી કરવા પડશે."

ઋષિએ તમામ પ્રયોજન કરી જોયા પણ જળ શુધ્ધ ના થયું પણ આ ઘટના દરમ્યાન જ અન્ય ઋષિ તરફથી સૂચના મળી કે દશરથપુત્ર રામ અને ભ્રાતા લક્ષમણ સીતાજીની ખોજ કરતા કરતા નજીકના આવાસમાં આવ્યા પહોંચ્યા હતાં. ઋષિ સરોવરના જળ શુદ્ધીકરણ હેતુ સીધા શ્રી રામ પાસે જઈ પહોચ્યા.

શ્રી રામે પૂછ્યું, "આ કેવી રીતે બન્યુ ?" તો ઋષિએ શ્રમણા નામક ભીલ સ્ત્રીની તમામ વિગત અને ઘટના કહી સંભાળવી. શ્રી રામ શ્રમણાનું નામ સાંભળતા જ પુલકિત થઇ ગયા અને બોલ્યા. “ઋષિ આ શ્રમણાના પગના ઘાવ માત્રનું રક્ત નથી, પણ મારા હૃદયનું પણ રક્ત છે. શ્રમણા તો મારી અનન્ય ભક્ત છે."

આ તરફ શ્રમણાને પણ શ્રી રામ અને લક્ષમણના આગમનની ખબર પહોચી. ખબર મળતા જ એણે હર્ષભેર રામ ભણી દોટ મૂકી . દોડતા દોડતા પમ્પા સરોવરના કિનારે ઉભેલા રામને જોઈ શ્રમણા નતમસ્તક થઇ રામના ચરણમાં ઝૂકી ગયા . આવામાં શ્રમણાના પગમા ચોંટેલી રજ સરોવરમાં ભળી અને સરોવરનું પાણી નિર્મળ શુધ્ધ થઇ ગયું.

રામ બોલ્યા, "જોયું ઋષિ જેને તમે ભીલ કુળની સ્ત્રી કહી અસ્પૃશ્ય ગણતા હતા એના સ્પર્શ માત્રથી પમ્પાનું જળ શુધ્ધ થઇ ગયું." ઋષિને પોતાની ભૂલ સમજાઈ.

શ્રમણા હર્ષથી છલકાતી અશ્રુઓની ધાર કેમેય કરીને રોકી શકતી ના હતી આજ એની વર્ષોની વાટને મિલનનું મીઠું ફળ મળ્યું હતું. એને સૂઝતું નહોતું કે શું કહે ... માત્ર એટલું જ કહી શકી

"પ્રભુ રામ આપની વાટમાં મે વર્ષોથી મારી આશ્રમની ઝૂંપડી સજાવી છે તમારા આગમનની વાટ નિરંતર કરી છે. આપ મારી નાની એવી ઝૂંપડીમાં પધારી મને કૃતજ્ઞ કરો."

રામ હર્ષભેર શ્રમણાનું આમંત્રણ સ્વીકારી ઝૂંપડીયે ગયા. ઝૂંપડી પહોચતા રામે જોયુ કે ઝૂંપડીનો મારગ રંગબેરંગી ફૂલોથી સુશોભિત હતો. ઝૂંપડી સ્વચ્છ સુંદર રીતે શણગારેલી હતી. શ્રમણાએ શ્રી રામ અને લક્ષ્મણને આસન આપી બિરાજવા વિનતી કરી અને તાજા ફળ ચૂંટી લાવી. તમામ ફળનો એક એક ભાગ ખાઈ પછી રામ ને આપતી. રામ વિના વિલંબ શ્રમણાના એંઠા ફળ આરોગતા.

'કંદ મૂલ ફળ સુરસ અતિ દિયે રામ કહું આની;

પ્રેમ સહિત પ્રભુ ખાએ બારંબાર બખાની.'

આ જોઇ લક્ષ્મણે ભાઈ રામને કહ્યુ, "આપ આ એંઠા ફળ શા કારણે આરોગો છો. ?" ત્યારે રામે કહ્યું, "આ એંઠા ફળ નથી આ તો શ્રમણાનુ મારા તરફનું અપ્રતિમ વાત્સલ્ય, અનન્ય નિર્દોષ ભક્તિ અને એકનિષ્ઠાની મીઠાશ છે."

ગુરુદેવ મતંગનું કથન સત્ય પુરવાર થયું અને શ્રમણાને શ્રીરામનો ભેટો થયો.ત્યાર બાદ શ્રમણાએ શ્રી રામના ચરણોમાં જ યોગ્ સમાધિ લઇ મોક્ષની પ્રાપ્તિ કરી અને આ પૂર્વે શ્રી રામે શ્રમણાને નવધા ભક્તિના તમામ વચન કહ્યા અને આમ શ્રમણા શ્રી રામના પ્રમુખ ભક્તોમાં સ્થાન પામી ગઇ.

(અહીં શ્રમણા એટલે એ જ શબરી.. શબરીનું સાચું નામ એટલે શ્રમણા. તુલસીકૃત રામાયણમાં શબરીનો ઉલ્લેખ શ્રી રામના પ્રમુખ ભક્તોમાં થયો છે અને શ્રમણા ઊર્ફ શબરીની પ્રભુભક્તિ એજ શીખવે છે કે ઈશ્વર જાતપાત કુળ ધર્મને ગૌણ ગણી ભક્તની અનન્ય ભક્તિ સ્વીકારે છે. ભક્તિની ગાગરમાં સાગર જેવા રામનેય સમાવાની તાકાત હોય છે.

“પત્રમ પુષ્પમ ફલમ તોયમ

યો મે ભક્ત્યા પ્રયચ્છતિ|

તદહમ ભકત્યુપહયતમશ્રામિ"


Rate this content
Log in

Similar gujarati story from Classics