દેવકિશન હાથવગો હરિ
દેવકિશન હાથવગો હરિ
નિર્દોષતાથી ભરપૂર બે માંજરી આંખો, ઘૂંઘરાળા વાળ, શ્યામવર્ણ પણ ચમકીલી ત્વચા ધરાવતો એ ટબુડીયો જ્યારે પહેલી વાર જોયેલો ત્યારે જ વાત્સલ્યાને ગમી ગયેલો. એ વાત્સલ્યાને ત્યાં ઈસ્ત્રી કરેલા કપડા આપવા આવતા બેનનો દીકરો. પોતાની મમ્મીની પાછળ છુપાઈને એ વાત્સલ્યાને જોતો રહેતો. પહેલીવારમાં જ એ વાત્સલ્યાને એટલો ગમી ગયેલો કે એણે એક સફરજન ફટાફટ ફ્રીઝમાંથી કાઢીને એને આપી દીધેલું પણ એણે લીધું નહીં. એની મમ્મીએ ઘણીવાર કીધું પણ ના લીધું તો ના જ લીધું. આખરે વાત્સલ્યાએ એની મમ્મીને એ સફરજન આપ્યું. જેવી વાત્સલ્યા દરવાજો બંધ કરી જતી હતી ત્યાં એણે જોયું કે એ ટબૂડીયાએ એના મમ્મીના હાથમાંથી એ સફરજન લઇ લીધું અને ખાવા લાગ્યો.
પછી તો જાણે આવો ક્રમ થઈ ગયો. ટબૂડીયો આવે અને વાત્સલ્યા એને કઈંકનું કઈંક ખાવાનું આપે. અને પછી તો જ્યારે પણ વાત્સલ્યા દરવાજો ખોલે એટલે દૂરથી આંખોના ડોળા ઉલાળતો હોય ને જાણે પૂછતો હોય. 'આજે શુ આપશે ?'
એક દિવસ ક્રમ મુજબ ઇસ્ત્રીના કપડા દેવાનો વારો હતો પણ આજે એની મમ્મીની જગ્યાએ એના પપ્પા હતા એવુ વાત્સલ્યાને દરવાજો ખોલતા લાગ્યું. ભાઈએ ઈસ્ત્રી કરી આપેલા કપડા આપી
ખિસ્સામાં હાથ નાંખી એક ટોફી આપતા કહ્યું. "લ્યો બેન આજે મારા દિકરાનો જન્મદિવસ છે."
મેં કહ્યું,"અરે વાહ.."
"એણે તમને અને તમારા દિકરા માટે ચોકલેટ આપવાનું કહેલું એટલે હું આ ટોફી લઇ આવ્યો છું." એવુ બોલી ટબૂડીયાના પપ્પાએ બે ટોફી વાત્સલ્યાનાં હાથમા મૂકી દીધી. ક્ષણભર તો વાત્સલ્યા નિ:શબ્દ થઈ ગઈ. પછી પૂછ્યું, "એનું નામ શું છે ભાઈ ?"
તો એમણે કહ્યું, "દેવકિશન"
વાત્સલ્યાએ કહ્યું, "અરે વાહ..દેવનો દીધેલ હોય એવો જ છે તમારો દેવકિશન" કશું જાજુ ન સૂઝતા એ ફટાફટ નાસ્તાના ડબ્બામાં પડેલું બિસ્કિટનું પેકેટ લઈ આવી અને કહ્યું. "એને કહેજો આ એની ગિફ્ટ છે."
એમણે ઇસ્ત્રી માટે લઇ જવાના કપડાં ભેગું જ એને બાંધી દિધું. એ તો જતા રહ્યા પણ એ ટબૂડીયાની નિર્દોષ લાગણીનો પડઘો વાત્સલ્યાને ઊંડે સુધી અનુભવાયો. નામેય એવું "દેવકિશન". ખરેખર બાળક એટલે હાથવગો હરિ... ઘણીવાર જે સ્થિતિઓ ઊંડા ઘ્યાનથી પણ સુલભ નથી થતી એવી ઉચ્ચ સ્થિતિઓ આવી કોઈ નજીવી ઘટનાઓમાં જીવાઈ જતી હોય છે.
વાત્સલ્યાએ ટોફીનું રેપર ખોલ્યું અને મોમાં મૂકી. નિર્દોષતાનો મધુર રસ જીભની સાથોસાથ મનમાં પણ ઓગળ્યો.