Bansari Joshi

Inspirational

3  

Bansari Joshi

Inspirational

ઇમરતી

ઇમરતી

4 mins
205


હજી તો પરોઢ થવાને વાર હતી. ત્યાં જ બેડા ને ઘડાનાં ખણખણ અવાજથી ઈમરતી સફાળી જાગી ગઈ. જલ્દી જલ્દી સાડીનો છેડો સરખો ખોસી પોતાનાં બેડા લઈ પાણી ભરવા ઉપડી. ઈમરતીનાં લગ્નને હજી થોડા જ દિવસ થયેલાં પણ ઈમરતીનાં ગામમાં પાણીની એટલી તંગી રહેતી હતી કે રોજ પોતાનાં ગામથી બાર કિલોમીટર દૂર આવેલા તળાવે ફરજીયાત પાણી ભરવા જવું પડતું અને એ પણ પગપાળા. ઈમરતીની સાથે બીજી બે બહેનો ફૂલકુંવર અને રામકુંવર પણ ભેળી આવતી. ગામની બધી જ સ્ત્રીઓ ધીરે ધીરે આ ટુકડીમાં જોડાઈ જતી ને સૌ રોજ પરોઢ પહેલાં જ પાણી ભરવાની મથામણમાં લાગી જતા.

આજે કંચન અને રેવાનાં ઘરેથી કોઈ નહોતું આવ્યું એટલે ઈમરતીએ બીજી મહિલાઓને પૂછ્યું, “કાં આજ એ બેય નથી આવી ?” તો જાણ થઈ કે બેય ગર્ભવતી હતી. પણ બેયનાં બાળક બચી નથી શક્યા. ઈમરતીથી ઊંડો નિ:સાસો નંખાઈ ગયો. કારણ કદાચ સૌ જાણતા હતાં. ગયા મહિને જ ઈમરતીની એક પાક્કી બહેનપણીને પણ રોજનાં બાર કિલોમીટરના પગપાળા પ્રવાસને લીધે પોતાનાં ગર્ભસ્થ શિશુ પર માઠી અસર પડતાં શિશુનો જીવ ગુમાવાનો વારો આવ્યો હતો. 

ઈમરતી દુઃખી હૃદયે ઘરે પહોંચી એનો અડધો દિવસ આમાં જ જતો રહેતો. પોતાના ગામમાં તો હોળીને દહાડે રંગારંગ કાર્યક્રમ થતો અને પાણીની છોળો ઊડતી. પણ અહીં તો પાણીની નાની એવી પિચકારી ભરીને હોળી રમવી એની કલ્પનાય કરાય એમ નહોતી. 

હોળીના દિવસે ગામના છોકરા ધૂળ ઉડાડીને ગુલાલ ઉડાડીને હોળી ઉજવતા ને રંગે રંગાયેલું પંડ ત્રણ દિ' સુધી એવું જ રહેતું. રંગ ઉતારવાય બાર કિલોમીટર ચાલીને જવું પડતું.

 અન્યોની વેદના અને રોજનાં આટલા લાંબા જોજન પગપાળા કાપવાથી ઈમરતી હવે કંટાળી ચૂકી હતી. આખરે આ પાણીની તંગીનું કંઈ તો કરવું જ પડશે એવો એણે મનોમન નિર્ધાર કરી લીધો પણ શું કરશે એ જાણતી નહોતી. એણે ઈશ્વરને જ કોઈ મારગ સૂઝાડવા પ્રાર્થના કરી. અચાનક મગજમાં કોઈ વીજળી ઝબકી હોય એમ ઈમરતી બેઠી થઈ ગઈ. કોદાળી, પાવડા ને તબડકુ લઈ એ કૂવો ખોદવા નીકળી પડી. બધાએ એની ખૂબ હાંસી ઉડાવી પણ એ પોતાનાં નિર્ધાર પર કાયમ રહી. એને બસ ગમે તેમ કરીને પોતાનાં ગામમાં પાણીને વહેતું કરવું હતું. અને આ રોજની સમસ્યાઓનો અંત આણવો હતો. ઈમરતીએ તો ભગવાનનું નામ લઈને એકલ પંડે જ કૂવો ખોદવાનું શરૂ કરી દીધું. ચોમાસુ આંબવાને હજી ઘણો વખત હતો. થોડું કાંડાનું જોર ને થોડી કુદરતની રહેમ ભેળા થશે તો કોઈ તો ચમત્કાર થશે એવી આશે એ પોતાનાં નિર્ધારને વળગી રહી.

  આ તરફ ગામનાં પુરૂષોને આ વાત જરાય ગોઠી નહીં, એમણે ઈમરતીના ધણીને વાવડ આપ્યા ને આ બધું બંધ કરવા કહ્યું પણ ઈમરતી પોતાનાં એ જ નિર્ધાર પર કાયમ રહેવા માંગતી હતી. ધણીનો ગુસ્સો વધ્યો અને એણે ઈમરતીને પોતાની ઈચ્છા વિરુદ્ધ જવાને કારણે ઢોર માર માર્યો પણ ઈમરતી એનાથી તદ્દન ભાંગી નહીં. પીડામાં કણસતી હોવા છતાં એણે બુલંદ અવાજે કહ્યું, "હું કોઈ જ ખરાબ હેતુથી આ કામ નથી કરતી એટલે હું આ કામ નહી છોડું, તમારો માર મને મંજૂર છે પણ હું કૂવો તો ખોદીને જ જંપીશ."

 દિવસો પસાર થવા લાગ્યાં પણ ઈમરતીએ કામ ચાલુ રાખ્યું. લોકોની હાંસી મશ્કરીને અવગણીને એ પોતાનાં કામમાં વળગેલી રહી. ઘરવાળો પણ ધીરે ધીરે હળવો પડ્યો. ત્રણ મહિનાથી લગાતાર કામ કરતી ઈમરતીને જોઈ ગામમાંથી બીજી થોડી મહિલાઓ પણ એની મદદે આવવા લાગી આખરે એ બધી જ એક હોડીમાં સવાર હતી અને આખરે ત્રણ મહિનાનાં અથાગ પરિશ્રમનાં ફળસ્વરૂપ કૂવામાં પાણીનો પ્રવાહ ફૂટ્યો. કૂવામાં નીર આવ્યાં અને કુદરતની રહેમ પણ હારોહાર થઈ વીજળી અને વાદળોના રથ પર સવાર થઈ વર્ષારાણી પણ વાજતે ગાજતે પધાર્યા. જાણે જળ જ ઈમરતીની સખી સહેલી બની ગયું હતું અને એ હિંમતને જોરે જ આજે આટલું દુષ્કર કાર્ય સફળ થઈ શક્યું હતું. ઈમરતીને એ દિવસે જળ મળ્યું અને એક નવું નામ પણ મળ્યું. “જળસહેલી” 

ચોમાસું શહેરના લોકોનું ને ગામનાં લોકોનું નોખું હોય છે. ગામમાં પ્રાથમિક જરૂરિયાતો માટે પણ લોકોને ઝઝૂમવું પડતું હોય છે.

 એ વર્ષે આવેલી હોળીમાં ગામ અને ગામના છોકરાઓ પહેલીવાર નાની નાની પિચકારી ભરી હોળીએ "રંગારંગ" થયાં. 

  ઈમરતીએ મનોમન ઈશ્વરનો ખૂબ પાડ માન્યો પણ એ અહીં જ અટકવાની નહોતી. એણે કહ્યું, “હું એક જ શું કામ જળસહેલી બનું તમે સૌ પણ જળસહેલી બની જાઓ. ઝાઝા હાથ રળિયામણા. સૌ ભેગા થઈને કરશું તો ગામનો આ પ્રશ્ન જડમૂળમાંથી નાબૂદ થશે.” સૌને આહવાન દેતો ઈમરતીનો આ પ્રસ્તાવ બીજી મહિલાઓને પણ ખૂબ ગમી ગયો અને એક ઈમરતીએ સમય જતા ૩૦૦ થી વધારે જળહેલીઓને પોતાનાં કામમાં જોડી લીધી અને એ સૌ જળસહેલીઓના સહિયારા પ્રયત્નથી ગામમાં ૩ ચેકડેમ અડધો ડઝન જેટલા હેડપંપ અને ૧૦ જેટલાં કૂવા ખોદી શકાયા. આ સહિયારી જળસહેલીઓએ પોતાનાં કાંડાના જોરે પોતાનાં સમગ્ર વિસ્તારને અને વિભાગને પાણીની તંગી સામે બાથ ભીડી સમસ્યામુક્ત કર્યો. આમ તો પાણીનો કોઈ રંગ ના હોય પણ ઈમરતીના સાહસે એ ગામનાં લોકોને પાણીની તંગીથી મુક્તિ અપાવી એક એક ગામવાસીનું જીવન વર્ષાઋતુની કૃપા સાથે ભીનું કર્યું. એ વર્ષે ગામને ચોમાસું ઠેઠ અંદર સુધી પલાળી ગયું.

 નોંધ:

{ઈમરતી ઉત્તરપ્રદેશના બુંદેલખંડના લલિતપુર જીલ્લાના એક નાના એવા ગામ મોથની રહેવાસી છે. બુંદેલખંડનાં ટોટલ ૧૨ જિલ્લા લલિતપુર,ઝાંસી,હમીરપુર,મહોબા,ચાલોન,બાંડા,ચિત્રકૂટ,કૌશામદી, મિરઝાપુર, સોનભદ્ર, દહેરાહીશ બસ્તી. આ તમામ દુષ્કાળના પ્રભાવ હેઠળ રહેલા અસરગ્રસ્ત વિસ્તારો હતાં અને દુષ્કાળના પ્રભાવમાં વર્ષોથી પાણીની તંગીથી ઝઝૂમી રહ્યાં હતાં પણ ઈમરતીના પ્રથમ સાહસથી હવે જળસહેલીની ઘણી ટુકડીઓ બની છે અને એમણે આખી વસ્તીની કાયા પલટ કરી નાખી છે. આ જળસહેલીઓ મળીને પાણી વિતરણ મુદ્દે ચર્ચા કરવા એકઠી થાય છે અને સરકારી યોજનાનો શો લાભ લઈ શકાય એ વિષે પણ ચર્ચા કરે છે. આજે બુંદેલખંડના ૧૧૫૦થી વધુ ગામોમાં ૩૦૦ થી વધુ જળસહેલીઓ છે જેણે સૂકી જમીનોને લીલોતરીમાં ફેરવી દીધી છે. અમુક મહિલાઓએ તો હેડપંપ રીપેર કરતાં પણ શીખી લીધું છે. જ્યારે પણ જળસહેલીઓ એકત્ર થાય ત્યારે ત્યારે એ પહેલા કૂવાની અંદર ફૂંટેલું નીર અને ચોમાસાએ બક્ષેલો નીરનો વ્યાપ સહજ જ સંભારી બેસે.)


Rate this content
Log in

Similar gujarati story from Inspirational