વાચક
વાચક
ધીમે રહી બારણું ખોલી એ મારા ઓરડામાં પ્રવેશી. મને વિસ્મય થયું. આ સમયે વળી કોણ ? મમ્મી, પપ્પા ને ભાઈ તો સાંજે આવશે. અને એ ત્રણ સિવાય હવે તો ધીમે ધીમે બધાએજ આવવાનું બંધ કરી દીધું હતું. મહિનાઓ ઉપર થઇ ગયા હતા. એટલે બધા કંટાળી ચુક્યા હતા. ધીરજ નેવે મુકાઈ ચુકી હતી. આમ અચાનક મારી પરવાનગી લીધા વિનાજ મારા ઓરડામાં એક અજાણી સ્ત્રી આવી ઉભી. મને એ જરાયે ન ગમ્યું. મન તો થયું. તરતજ કહી દઉં.
"ડુ નોટ ડિસ્ટર્બ.જતા રહો અહીંથી." એમ પણ હું ઘણી શોર્ટ ટેમ્પર્ડ બની ગઈ હતી. એવી હતી તો નહીં. પણ પરિસ્થિતિ માનવીને શું ન બનાવી મૂકે ? ગુસ્સો તો જાણે મારા નાક ઉપર ચોવીસ કલાક વસવા લાગ્યો હતો.
નાનું અમથું બહાનું શોધતી રહેતી અને બસ બધાની ઉપર મનોમન અકળાયા કરતી. એમાં વળી કોઈને રડતા જોઉં તો મન થતું બરાડી ઉઠું. "રહેવા દો. જતા રહો. લિવ મી અલોન." પરંતુ કઈ કહેતી નહીં. પ્રતિક્રિયાજ આપતી નહીં. ચુપચાપ છતને તાક્યા કરતી તો ક્યારેક આંખો મીંચી ઊંઘવાનો ડોળ રચતી. આ વખતે પણ હું સતત જડ નજરે છતને તાકી રહી હતી. જાણે એ અજાણી સ્ત્રીના મારા ઓરડામાં હોવાથી કે ન હોવાથી મને કશો ફેર પડતો ન હતો. ધીમે રહી એ મારા પડખેના સોફા ઉપર ગોઠવાય.
એના શબ્દો ધીમા સાદે ઉપડયા. "હેલો. કેમ છો ? ચિંતા ન કરતા. હું પરવાનગી લઈને આવી છું." પરવાનગી ? મારા ઓરડામાં પ્રવેશવા મારી પરવાનગી મહત્વની હોય. અન્યની નહીં. હું સીધેસીધું કહી દેવા ઇચ્છતી હતી. પણ મૌનજ રહી. કોઈ પ્રત્યાઘાત આપ્યા નહીં. નજર પણ પલકારી નહીં. મને થયું જાતેજ કંટાળી જતી રહેશે. એકીટશે હું છતને સતત તાકી જ રહી. પોતાના પર્સમાંથી એણે ધીમે રહી એક પુસ્તક નીકાળ્યું. "વાર્તા સાંભળશો ?" પ્રશ્ન સાંભળી હું ખુબજ અકળાઈ. વાર્તા ? સાચેજ ? કોઈ ધક્કા મારી એને બહાર કાઢો. મારા મનમાં પડઘા અફળાયા. મારા ઉત્તરનો સામનો કર્યા વિનાજ એણે ચસ્મો ચઢાવ્યો. પુસ્તક ખોલ્યું. અને વાંચવાની શરૂઆત કરી. "વાર્તાનું શીર્ષક છે : હું હાર ન માનીશ." અને મારી નિષ્ક્રિયતાથી હાર માન્યા વિનાજ એણે વાર્તા વાંચવી શરૂ કરી દીધી.
મને થયું બન્ને કાન જોરથી ભીંસી દઉં. આ તો ખરેખરી જબરદસ્તી કહેવાય. વાર્તા જેમ જેમ આગળ વધતી ગઈ એ સ્ત્રીના અવાજમાં ઉત્સાહ અને જોમ પણ ક્રમશ : વધતો ગયો. થોડા થોડા સમયે એ મારો ચ્હેરો પણ અચૂક નિહાળતી. મને વાર્તા ગમી રહી છે કે નહીં. કદાચ એને ખાતરી કરવી હતી. પણ મારા સ્થગિત હાવભાવો એ વાતની ખાતરી કરવાની સહેજે તક આપી રહ્યા ન હતા. પરંતુ મારી પ્રતિભાવ શૂન્યતા એના ઉત્સાહિત અને આશાવાદી મનને જરાયે ખલેલ પહોંચાડી શકવા સક્ષમ ન હતા. વાર્તાના ચઢાવ અને ઉતાર એના નાટકીય ઉચ્ચારણોમાં સ્પષ્ટ ઝીલાઈ રહ્યા હતા. એક સમયે હું પણ પુસ્તકિયો કીડો હતી. પુસ્તકાલય મારું બીજું ઘર હતું એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ તો નજ હતી. વાંચવું મારા માટે પ્રાર્થના સમું હતું. અભ્યાસ સિવાયના અન્ય પુસ્તકો પણ હું સમાન રસ, રુચિથી વાંચતી. ઘરમાં પુસ્તકો માટે એક મોટી અલમારી વસાવી હતી. નાટકો, ટૂંકી વાર્તા, કવિતા અને ગઝલ મારા અતિ પ્રિય સાહિત્ય પ્રકારો હતા. આખી આખી રાત પુસ્તકિયા ઉજાગરાઓ મારા માટે સામાન્ય હતા. મારા મિત્રો તો મને બુક વર્મ જ કહી સંબોધતા. ધોઝ વર ઘી ડેઝ.
મારા મનનો નિસાસો સામે બેઠી સ્ત્રી સાંભળી શકી નહીં. એનું વાંચન વિઘ્ન વિનાજ આગળ વધી રહ્યું હતું. જસ્ટ ફ્લોલેસ ! ખબર નહીં કેમ એની સુંદર વાંચન કળાથી મને ધીમે ધીમે વાર્તામાં રસ પડવા લાગ્યો. દરેક પાત્રો આકર્ષવા લાગ્યા. વાર્તાના પ્લોટમાં હું કશે ઊંડે ઉતરવા લાગી. થોડા સમય માટે આસપાસનું સ્થૂળ, શાંત, નીરસ, સ્થગિત જગત આંખો સામેથી અદ્રશ્ય થઇ ઉઠ્યું. સફેદ છત ઉપર જડાયેલી મારી સ્થિર, જડ આંખો સામે નવરંગી દ્રશ્યો ભજવાઈ રહ્યા. દરેક પાત્રોને, એમના પહેરવેશ અને પરિસ્થિતિને હું સાક્ષાત નિહાળી રહી. એમના સંવેદના જગત જોડે મનના તાંતણા જાણ્યેઅજાણ્યે બંધાતા ચાલ્યા. હવે શું થશે ? હવે શું થશે ? અંત માટેની ઉત્કંઠા મનને અધીરું બનાવી રહી. અરે વાહ ! ખૂબજ અણધાર્યો પણ પ્રેરણા સભર અંત. મન આખરે ઉદગારીજ ઉઠ્યું. હું તો જાણે ઘણા સમય પછી એક નવાજ સ્થળે જઈ આવી. મને ગમ્યું. વાંચન શૈલી પણ, વાર્તા પણ અને એ અજાણી સ્ત્રીનો સાહસ ભર્યો પ્રયાસ પણ. "વાર્તા ગમી ?" આખરે એણે પુસ્તક સંકેલ્યું. ચસ્મો ઉતાર્યો. પુસ્તક અને ચસ્મો પર્સમાં સરકાવ્યા. " ગઈ કાલે પ્રતીક્ષાલયમાં તમારી મમ્મી જોડે મુલાકાત થઇ હતી. એમણે કહ્યું તમને પણ વાંચન ગમે છે. એટલેજ...એક્ચ્યુલી મારો દીકરો પણ....સામેના ઓરડામાં છે. તો હું નીકળું. કાલે ફરી મળીશું. હેવ એ નાઇસ ડે. "
સ્ત્રી ગઈ. હું ફરી ઓરડામાં એકલી પડી. પણ એ એકાંત કંઈક નવુંજ હતું. એ વાર્તા, વાર્તાના પાત્રો અને હકારાત્મક જીવન અભિગમ. મારી અંતર આત્માને કંઈક સ્પર્શ્યું હતું. ઘણા સમય પછી આશાઓ મૃત મનમાંથી શ્વાસો ભરતી ઉપર તરી આવી હતી. ઘણા દિવસો પછી મને પુસ્તકાલય જવાની ઈચ્છા થઇ આવી. મારા પુસ્તકની અલમારી ફરી ઉઘાડવા હાથ તત્પર થઇ ઉઠ્યા. મને ફરી કોલેજ જવાની આશ બંધાઈ. ઘરથી થોડા કિલોમીટર દૂર આવેલ મારા ગમતા બગીચામાં સ્પોર્ટ્સસૂઝ ચઢાવી પહેલાની જેમ જોગિંગ કરવાની ઉત્કંઠા જન્મી. ભાઈની જોડે સિનેમામાં પોપકોર્નની ઉજાણી થઇ જાય તો મજા જ પડી જાય. મમ્મીની વેરમી માણવા અને પપ્પા જોડે ટીવી ઉપર ક્રિકેટ મેચ નિહાળવાની તત્પરતા પુનઃ જન્મી. એ દિવસે અંતરવિશ્વમાં અચાનક મોટું પરિવર્તન આવ્યું . પણ એ પરિવર્તન ફક્ત પહેલું ડગલુંજ હતું. ત્યાર પછી એ સ્ત્રીની મુલાકાત નિયમિત મુલાકાતમાં આકાર પામતી ગઈ. દરરોજ કોઈ નવું પુસ્તક, નવી વાર્તા, નવા પાત્રો, નવા સંવાદો, નવી ઘટના અને પરિસ્થિતિઓ. દરરોજ કંઈક નવો વિષય, નવો દ્રષ્ટિકોણ, નવો અભિગમ. બદલાતી વાર્તાઓ જોડે હું પણ અંદરથી બદલાતી ગઈ. હવે મારી જડ આંખોમાં ચેતના ડોકાઈ રહી હતી. મારા વિચારોમાં હકારાત્મકતા અને આશાવાદ પ્રવેશી ચુક્યા હતા. લાગણીઓ સશક્ત બની હતી અને હું જાણે ફરી સજીવીત થઇ ઉઠી હતી.
આખરે એક દિવસ વાર્તા સમાપ્ત થયા પછી સ્ત્રીએ ધીમે રહી જણાવ્યું. "હું જાઉં છું. મારા દીકરાને આજે ડિસ્ચાર્જ મળશે. હવે ખબર નહીં ક્યારે મળીશું ?" એ દિવસે પણ એમની આંખોમાં આંખો ન પરોવાય. મારી દ્રષ્ટિ છતને જ તાકી રહી હતી. ન કોઈ પ્રત્યાઘાત ન હાવભાવોનું પ્રદર્શન. ઓરડામાં થી બહાર નીકળી ગયેલા ડગલાંઓ એકજ ક્ષણમાં બધુજ શાંત કરી ગયા. પણ મારા મનની અશાંતિ સપાટી પર દોરી ગયા. એ દિવસ પછી ફક્ત છતને તાકતા રહેવું મને માન્ય ન હતું. આમ કેમ સહેલાયથી હથિયાર નાખી દેવાય ? પ્રયાસ તો કરવોજ રહ્યો. પ્રયાસ શરૂ થયો. એ એટલું સહેલું તો ન જ હતું.પરંતુ અશક્ય પણ ન હતું. માતા પિતાનો માનસિક ટેકો અને ભાઈનો અસીમ પ્રેમ. અશક્ય ને શકયનું સ્વરૂપ આપવા અનન્ય સહાયભૂત થવા લાગ્યા. અંદર તરફથી જેટલું બળ લગાવી શકાય એટલું બળ હું લગાવી રહી. કુટુંબની બાહ્ય હૂંફ દ્વારા એ બળ ચરમસીમાએ પહોંચ્યું. અને આખરે એક દિવસ મારા તમામ પ્રયાસોને સફળતાની ભેટ મળી. મારી આંખો છત ઉપરથી ખસી આસપાસના વાતાવરણનું નિરીક્ષણ કરી રહી. મારા બંધ હોઠ ઉપર શબ્દોની ધારા છૂટી. પગ જમીનને સ્પર્શ્યા. શરીરમાં હલનચલન થયું અને મહિનાઓ પછી હું કોમામાંથી બહાર નીકળી.
જીવનની સાંકળ ફરીથી જગ્યા ઉપર ગોઠવવી સરળ ન હતી. ઘણો સમય લાગ્યો પણ આખરે ધીરજના મીઠા ફળ મળ્યા ખરા. હું ફરીથી કોલેજમાં જોડાઈ. મારી અધૂરી ડિગ્રી સમાપ્ત કરી. નોકરી મેળવી. શારીરિક અને આર્થિક બન્ને સ્વાવલંબન સાધવામાં સફળતા મેળવી. આજે હું સંપૂર્ણ સ્વસ્થ છું, નોકરી કરું છું, આવકનો ઊંચો આંકડો કમાઉં છું.આખું અઠવાડિયું કામને પ્રાધાન્ય આપું છું. પરંતુ પેલી અજાણી સ્ત્રીનો ચહેરો હજી ભુલાવી શકી નથી. ન કદી ભુલાવી શકીશ. 'કોઈ તો હતું જયારે કોઈ ન હતું.'
વાર્તાઓ તરફનું મારુ એડિક્શન હવે પરાકાષ્ઠાએ છે. પુસ્તકાલયો હોય કે ઈ લાઈબ્રેરી મારો વાંચન શોખ હવે ખુબજ વિસ્તૃત થયો છે. કેટલીક વેબસાઈટ ઉપર મારા અવાજમાં વંચાયેલી વાર્તાઓ નિયમિત પ્રકાશિત થાય છે. રેડિયો ઉપર પણ વાર્તાઓના વાંચન કાર્યક્રમોમાં હું મારા અવાજનો ફાળો નોંધાવું છું. પરંતુ દરેક રવિવારે કે રજાના દિવસે હું શહેરની જુદી જુદી હોસ્પિટલની નિયમિત મુલાકાત લઉં છું. છત ઉપર તાકતી દરેક જડ આંખો સામે પુસ્તકોનો સંગ્રહ લઇ પહોંચું છું. એમને જુદી જુદી વાર્તાઓ થકી જુદા જુદા વિશ્વમાં લઇ જાઉં છું. કોઈ તો હોવુંજ જોઈએ જયારે કોઈ ન હોય....
આ હતી મારા જીવનની સાચી વાર્તા. એ અહીં સમાપ્ત થાય છે. હવે તમે આ ત્રણમાંથી કઈ વાર્તા સાંભળવું પસંદ કરશો ? મારા હાથમાંના ત્રણ પુસ્તકો આગળ ધરાયા. સામે તરફથી કોઈ ઉત્તર ન મળ્યો. છત ઉપર જડાયેલી જડ આંખો એ ન કોઈ પ્રત્યાઘાત આપ્યા, ન કોઈ પ્રતિભાવ. આમ છતાં મારુ આશાવાદી મન જરાયે નિરાશ ન થયું. ત્રણમાંથી એક પુસ્તક જાતેજ પસંદ કરી મેં વાંચવાનો આરંભ કર્યો.