Mariyam Dhupli

Inspirational Thriller Others

4.8  

Mariyam Dhupli

Inspirational Thriller Others

ફાલુદો

ફાલુદો

14 mins
836


હું બેઠક ખંડમાં બેઠી હતી. સામે ચાલી રહેલું ટીવી ફક્ત વ્યસ્ત દેખાવાનું એક બહાનું હતું. નજીકના રસોડામાં શું થઈ રહ્યું હતું એ જોવા જાણવાનો મુખ્ય ઉદ્દેશ તો હતો. અમીનાનો ચહેરો એ ખૂણેથી મને સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. ચહેરા ઉપર દરરોજ જેવી ચમક ન હતી. આત્મવિશ્વાસનો જાણે અકાળ પડ્યો હતો. હું એને નિહાળી તો નથી રહી એ વાતની વારેઘડીએ તપાસ કરવા એ મારી દિશામાં નજર કરી રહી હતી. જેવી એની નજર મારી દિશામાં વળતી હું મારી નજર રસોડા તરફથી ખુબજ ઝડપ જોડે ટીવી ઉપર ફેરવી લેતી અને એના ઉપર પ્રસારિત કાર્યક્રમમાં રસપૂર્વક ખોવાઈ ગઈ હોય એવો ડોળ રચતી. જેવી એની નજર બેઠકખંડ તરફથી રસોડામાં વ્યસ્ત થતી હું ફરી ચોરીછૂપે પરિસ્થતિનું અવલોકન કરવા મથતી. અંતિમ ત્રીસ મિનિટથી આ સંતાકૂકડી ચાલી રહી હતી. અમીનાના હાવભાવો એ વાતની આડકતરી ગવાહી આપી રહ્યા હતા કે ચોક્કસ દાળમાં કંઈક કાળુ હતું. દાળમાં નહીં વાસ્તવમાં ફાલુદામાં કંઈક કાળુ હતું. નહીં, ફાલુદામાં કંઈક કાળુ તો નહીં પણ ચોક્કસ કંઈક ગરબડ થઈ હતી. ફાલુદા તો એણે સવારથી બનાવી મૂક્યો હતો. હું જયારે બિરયાની દમ ઉપર મૂકી રસોડામાંથી બહાર નીકળી હતી ત્યારેજ એણે ફાલુદા બનાવવાની શરૂઆત કરી હતી. અગર અગરનું પાકીટ એના હાથમાં થામી એણે મને જણાવ્યું હતું, 

" આજે દાવત માટે ફાલુદા હું બનાવીશ. "  

સ્ટેન્ડ ઉપર ગોઠવેલા એના મોબાઈલ ઉપરથી યુ ટ્યુબની ફાલુદા રેસિપીનો અવાજ સાંભળતાજ મારા મનમાં મોટો ધ્રાસ્કો પડ્યો હતો. 'ચાલો, થઈ રહ્યું. આટલા બધા મહેમાન આવવાના છે. એમની સામે ઈજ્જત નીકળશે. ' 

થોડા મહિનાઓ પહેલા જો આ પરિસ્થતિ સર્જાઈ હોત તો કદાચ મારા મનના એ વિચારો મોઢામાંથી બહાર આવી ગયા હોત. પરંતુ હવે નહીં. હવે તો મેં ફક્ત એક ઊંડો શ્વાસ લઈ મનને શાંત રહેવા સમજાવી લીધું હતું. મારા પતિ અફઝલના સમજાવવા પ્રમાણે. વહેણના સામા થવાથી થાક લાગે, વહેણના સાથે વહેવાથી સહેલાઈ રહે અને શાંતિ પણ. એમની વાત કેટલી સાચી હતી. આજે ન તો મને ગુસ્સો આવી રહ્યો હતો, ન તો મારુ બ્લડ પ્રેશર ઊંચું થયું હતું, ન તો ઘરમાં કોઈ કંકાસ કે કજિયો ઊભો થયો હતો. મારુ ઘર પણ મારી જેમજ શાંત અને સ્વસ્થ હતું. મારી ૨૫ વર્ષની યુવાન એમ બી બી એડ વહુ રસોડામાં અહીંથી ત્યાં ચક્કર કાપી રહી હતી. ચોક્કસ એને મારી મદદની જરૂર હતી. પણ એનું અભિમાન એને મારા સુધી પહોંચવા દેશે નહીં એ હું સારી રીતે જાણતી હતી. એનો મારા સુધી પહોંચવાનો માર્ગ અવરોધાઈ ગયો હતો. એ અવરોધ માટે અમીનાનું અભિમાન એકલું જવાબદાર ન હતું. એ પરિસ્થિતિ સર્જવામાં મારો પણ એટલોજ વાંક હતો. 

અમીના સામે એ સ્વીકારતા મારુ અભિમાન મને રોકી રહ્યું હતું. પણ મારી અંતરાત્મા એ સત્ય કળી ગઈ હતી. મને મારી ભૂલનો અહેસાસ મોડેથી ખરો પણ થયો જરૂર હતો. એનો સંપૂર્ણ યશ અફઝલને જતો હતો. જેમણે સમયે સમયે મારી ભૂલોને મારી નજર સમક્ષ મૂકી. એકાંતમાં મને ઘણી સમજાવી. શરૂઆતમાં તો હું સાંભળવા કે માનવા જરાયે તૈયાર ન હતી. અફઝલ સાથે પણ મારો ઝગડો થઈ જતો. 

" તમે એ આજની આવનારી માટે મારી જોડે લડો છો ? આપણો સંબંધ વર્ષોનો છે અને આ નવી આવેલી વહુને આમ માથે બેસાડી દીધી ? એ થોડી ભણેલી છે અને હું અભણ એટલે ?"

ફક્ત પતિ જોડે જ નહીં, આવી દલીલો મારા દીકરા અનવર જોડે પણ હું વારંવાર કરતી. 

" અમીના ને રસોઈ કરતા નથી આવડતું. "

" અમીના મસાલાના ડબ્બામાં સ્વચ્છતા નથી જાળવતી. "

" અમીના ટીવીનું વોલ્યુમ ખુબ ઊંચું રાખે છે. "

" અમીના મારુ કઈ પણ સાંભળતી નથી. "

" અમીના મારી સામે બોલે છે. "

" અમીના રવિવારે મોડે ઊઠે છે. " 

" અમીના ઘરકામથી બચવા નોકરી કરે છે. " 

આ તો ફક્ત થોડાજ ઉદાહરણો છે. અનવર ઘરમાં પગ મૂકે નહીં કે મારો રેડિયો શરૂ થઈ જતો. એ કામથી લોથપોથ આવ્યો હોય કે તરતજ મારા અને અમીના વચ્ચે નિર્ણાયકની ફરજ નિભાવવા ઊભો થઈ જતો. એણે પણ મારા લીધે ઘણો માનસિક ત્રાસ ભોગવ્યો હતો. પણ એ સમયે હું એક વિચિત્ર સ્પર્ધામાં અંધ બની ખૂંપી ગઈ હતી. મારે અમીનાથી જીતવું હતું અને એને હરાવવું હતું. એક પણ તક જતી કરવી ન હતી એ પુરવાર કરવા કે આ ઘર મારુ છે અને એ મારી ખુશીથી, મારા પ્રમાણે જ ચાલશે. 

આખો દિવસ હું એના આગળ પાછળ ફર્યા કરતી. એ ક્યાં જાય છે ? શું કરે છે ? કયુ કાર્ય કઈ રીતે કરે છે ? બધીજ બાબતોનું સૂક્ષ્મ નિરીક્ષણ કર્યા કરતી. એક પણ બાબત જો મારા પ્રમાણે ન થતી હોય તો ફરિયાદો અને આલોચનાઓની લાંબી યાદી એની સામે જ નહીં અફઝલ અને અનવરની સામે પણ પુનરાવર્તિત કર્યા કરતી. 

અનવર મારુ માન રાખી ચૂપ થઈ જતો. એ અમીના ને પણ કઈ ન કહેતો. એની નિષ્પક્ષ નીતિ સામે હું દર વખતે બળવો પોકારતી. એને 'જોરૂ નો ગુલામ', 'બીવીનો ચમચો 'કેવા કેવા સંબોધનો કરતી. એ મને કઈ ન કહેતો એટલે ચોક્કસ અમીના પણ એને એકાંતમાં 'માવડિયો ' કહેતી જ હશે એની પણ મને મનમાં પાક્કી ખાતરી હતી. 

પહેલા પહેલા તો અમીના પણ બધુજ ચૂપચાપ સાંભળી લેતી. પરંતુ સમય સાથે ધીમે ધીમે એની પણ ધીરજ ખૂટવા લાગી. વાતે વાતે રોકટોક, મહેણાં સાંભળી એ પણ એક દિવસ કંટાળી ગઈ. હવે એના તરફથી પણ પલટવાર થવા લાગ્યા. મારા એક પ્રશ્નના એની પાસે બે ઉત્તર તૈયાર રહેતા. મારા નકામા તર્કોને શીઘ્ર એ ધૂળ ભેગા કરી નાખતી. કોઈ કામ કરવા માટે હું શિખામણ આપું તો " તમેજ કરી લો " કહીને ત્યાંથી જતી રહેતી. હું ત્યાંજ ઊભી બરાડા પાડીને ગાજ્યા કરતી અને એ શાંત જીવે બીજું કાર્ય કરતી. મેં એને એટલી ઉશ્કેરી હતી કે પોતાનું શિક્ષણ અને કેળવણી પણ વિસરી મારી જેમ, એક અશિક્ષિત વ્યક્તિ જેમ અભાન વર્તવા લાગી હતી. જયારે પાણી માથાથી ઉપર પહોંચી જાય ત્યારે જીવ બચાવવા માનવી જેમ ધમપછાડા કરે એમજ અમીના પણ ધમપછાડા કરી રહી હતી. 

હવે એ નાની નાની દલીલો, વિચારોનો વિરોધાભાસ અને પેઢીનું અંતર એક મહા યુદ્ધમાં ફેરવાઈ ગયું હતું. અનવર અને અફઝલનું પણ ઘરમાં જીવવું જાણે હરામ થઈ ગયું હતું. અફઝલ મને એકાંતમાં વારેઘડીએ કહેતાં,

" જો આબેદા. તારું વલણ આવુજ રહ્યું તો આપણું ઘર ભાંગી જશે. નવી પેઢી ને તારા જુના ચશ્માથી તાકવાનું બંધ કર. અનવરનો તો વિચાર કર. આવી માનસિક પરિસ્થતીમાં એ ઓફિસ જઈ કામ પર કઈ રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકે ? અમીના ઘરનું અને શાળાનું બંને કામ કરી રહી છે. તું આમ એની પાછળ પડ્યા કરીશ તો એના નજરમાં તારી શું આબરૂ બચશે ? એવું ન થાય કે તારું માન......જો એ બંને ઘર છોડી જતા રહ્યા તો....."

અમીના અનવરને જુદા રહેવા જવા માટે ઉશ્કેરતી તો ન હોય ? મારુ મન ડરી જતું. એટલે હું અનવર જોડે ભાવાત્મક રમત રમતી. એનું ગમતું ભોજન બનાવતી. અમીના ની નજર સમક્ષ મારા હાથેજ જમાડતી. રાત્રે "પગ બહુ દુઃખે છે "એવા રોદણાં કરતી. અનવર તબિયત પૂછવા મારા ઓરડામાં આવતો અને હું એને મારી જોડે વ્યસ્ત રાખતી. અમીના ઊંઘી ગઈ હશે એ અંદાજે હું એને વિદાય આપતી. સવારે એ ફજરની નમાઝ પઢીને આવે કે "ચાલને થોડું ચાલવા જઈએ. તારા અબ્બુ તો ઘસઘસાટ ઊંઘે છે. " એવું બહાનું કાઢી એની જોડે મોર્નિંગ વૉક ઉપર નીકળી જતી. વૉક ઉપરથી પરત થઈએ એટલે અમીના રસોડામાં વ્યસ્ત થઈ ગઈ હોય. ત્યારબાદ વારાફરતી બંને કામ ઉપર નીકળી જતા. અનવરનો મહત્તમ સમય હું અમીના પાસે છીનવી લેવા તનતોડ પ્રયાસ કરતી. મોટેભાગે મારા પ્રયાસ સફળ થતા. માતૃત્વ સામે નિકાહ સંબંધનો સીધો પરાજય થતો. હું મારા વિજયના ઘમંડમાં ઊડી રહી હતી. એવીજ એક સાંજે મને અમીનાનો કોલ આવ્યો. એણે મને ઘરે કોણ કોણ હાજર છે એ અંગે પૂછ્યું. મને નવાઈ લાગી. અમીનાની કોઈ નવી યોજના હતી કે શું ? મને ખુબજ મૂંઝવણ થઈ. અફઝલ તો મિત્રોને મળવા ગયા હતા અને અનવર એ દિવસે મોડે આવવાનું કહી ગયો હતો. ઘરે કોઈ ન હતું એ જાણીને એણે ધીરે રહી મને કહ્યું , 

" મને એકાંતમાં તમારી જોડે કોઈ મહત્વની વાત કરવી છે. "

મારુ હૈયું ભારે થયું. અફઝલે આપેલી ચેતવણી મારા મગજમાં ભમરાવા લાગી. મારો દીકરો મને છોડીને જતો રહે એ વિચારથીજ મારા કપાળ ઉપર પરસેવો બાજી ગયો. યુદ્ધ ચરમસીમાએ પહોંચ્યું હતું. મારે એક અંતિમ વાર કરવાનો હતો. એકજ વારમાં ખેલ ખતમ. મેં મનોમન નિર્ણય લઈ લીધો. ક્યાં તો આ પાર ક્યાં તો પેલે પાર. 

મક્કમ મન જોડે મેં બારણું ખોલ્યું. એ સલામ કરી ઘરમાં પ્રવેશી. મારુ 'વાલેકુમસલામ ' એવા ભારે ઉચ્ચારણમાં હતું જાણે હવે રાહ જોવી પણ અશક્ય હતી. 

" અનવર આ ઘર છોડી કશે નહીં જશે. કાન ખોલીને સાંભળી લે. " 

પર્સ ટેબલ ઉપર ગોઠવી એણે મને વેધક દ્રષ્ટિએ જોયું. હું સમજી ગઈ. એના નિર્ણયમાં જો એ અડગ હતી તો હું પણ મારી રણનીતિમાં. મેં સીધી ચેતવણી ફેંકી. 

" જો તને આ ઘરમાં રહેવું ન હોય તો તું જઈ શકે છે. તું મુક્ત છે. પણ મારો દીકરો એનું ઘર છોડી નહીં જાય અને જો જશે તો મારી લાશ ઉપર થઈ. સમજી ? " 

મારી આંખોમાં લોહી ઉતરી આવ્યું હતું. એ લોહી નિહાળી એનું લોહી પણ ગરમ થયું. એ સીધી એના ઓરડા તરફ ધસી. એના શબ્દોમાં ક્રોધનો જ્વાળામુખી ફાટ્યો.

" બહુ થયું. તમે રાખો તમારું આ ઘર અને તમારો દીકરો. હું જાઉં છું. "

એના ઓરડા તરફ ઉપડી રહેલા મારા ડગલામાં ભારેભાર ખુન્નસ હતી. 

" અમારા તરફથી મળેલ ઘરેણાં મૂકીને જજે. " 

ઓરડાના દરવાજે પહોંચી એણે પાછળ મારી તરફ નજર નાખી. એ આગળ કઈ બોલવા જાય એ પહેલાજ ભોંય ઉપર ફસડાઈ પડી. હું ડરથી થીજી ગઈ. આમ અચાનક ? મેં તરતજ અફઝલ અને અનવરને કોલ લગાવ્યા. બંને થોડાજ સમયમાં ધસી આવ્યા. 

અમીનાને શીઘ્ર અમે હોસ્પિટલ લઈ ગયા. વોર્ડમાં એની ભરતી કરવામાં આવી. અનવર અમીનાની જોડે અંદર હતો. તપાસ અને ઈલાજ બંને ચાલુ હતા. હું હેબતાઈને વોર્ડ બહારના બાંકડા ઉપર લપાઈને બેઠી હતી. અફઝલ મને ગુસ્સાથી એકધારી તાકી રહ્યા હતા. એ જાણતા હતા કે જે કઈ થયું હતું એમાં નિશ્ચિત મારી મહત્વની ભૂમિકા હતી. મારી આંખો નીચે ઢળેલી હતી. અફઝલની વેધક દ્રષ્ટિમાં દ્રષ્ટિ મેળવવાની મારામાં હિંમત ન હતી. એજ સમયે વોર્ડમાંથી નીકળી એક ડોક્ટર સીધી અમારી દિશામાં દોરાઈ આવી. અમને ચેતવતી હોય એવા સ્વરમાં એણે જાણકારી આપી. 

" આ હાલતમાં એને આટલી બધી તાણ અને ચિંતા રહેવી ન જોઈએ. એને આરામની જરૂર છે. એને ખુશ રાખવાનો પ્રયાસ કરો. નહીંતર, માં અને બાળક બંનેના જીવનને ખતરો થઈ શકે છે. બાય ધ વે. શી ઈઝ અંડર ક્ન્ટ્રોલ. થોડા સમયમાં ડિસ્ચાર્જ આપી દઈશું. " 

ડોક્ટર ગઈ અને હું સીધી વોર્ડ તરફ ભાગી. અનવર પ્રિસ્ક્રિપશન લઈ દવા લાવવા બહાર નીકળ્યો. એની આંખો મારી આંખો સાથે ભેગી મળી. પોતાના ક્રોધને કાબુમાં રાખતા, દર વખત જેમજ મારુ માન જાળવતા એણે અત્યંત નમ્ર સ્વરે કહ્યું ,

" એને આરામની જરૂર છે. પ્લીઝ. હું એને અન્ય સ્થળે લઈ જઈશ. "

આટલું કહી એ અફઝલ તરફ આગળ વધ્યો. અફઝલે એના ખભા ઉપર હાથ મૂકી એની વાતને પોતાનું સહહૃદય સમર્થન આપ્યું. 

" મુબારક બેટા. "

અનવર દવા લેવા નીકળી પડ્યો. અફઝલ મને ફરી નિહાળી શકે એ પહેલા જ હું વોર્ડની અંદર ધસી ગઈ. અફઝલ પણ તરતજ મારી પાછળ આવ્યા. એમને મારી ઉપર અનવરની જેમજ જરાયે વિશ્વાસ રહ્યો ન હતો. આ પરિસ્થિતિમાં પણ.......

મને નિહાળતાંજ અમીનાએ નજર બીજી દિશામાં ફેરવી લીધી. હું એની પથારી નજીક ગઈ. 

" મને કહ્યું કેમ નહીં ?"

મારા પ્રશ્નના ઉત્તરમાં એનું રુદન ફાટી પડ્યું. એની ગરદન હજી પણ મારાથી વિરુદ્ધ દિશામાં નમેલી હતી.

" તમે કદી મને બોલવાની તક આપો છો ? આ સમાચાર સૌથી પહેલા હું તમને આપવા ઈચ્છતી હતી. તેથીજ ફોન કરી........." 

એનું અધૂરું વાક્ય મારા નિર્દય હૃદયને વીંધી ગયું. 

" રડ નહીં બેટા. તારી તબિયત બગડશે. તું આરામ કર. "

અમીનાને વ્હાલસભર શબ્દોથી સંભાળતા અફઝલે એક હાથ મારા ખભે મૂક્યો. એ હાથનો વજન સીધો આદેશ હતો મારા માટે. અમીના ને એકાંત આપવા માટે. એનાથી દૂર જતા રહેવા માટે. હું અફઝલની પાછળ ચૂપચાપ દોરાતી બહાર નીકળી આવી. અનવર એજ સમયે દવા જોડે વોર્ડમાં પ્રવેશ્યો. અફઝલે એને નજર થકીજ અમારા નીકળવાની માહિતી આપી દીધી. અનવરે મારી સામે જોયું સુદ્ધાં નહીં. 

અફઝલ મને ઘરે લઈ આવ્યા. ઘરમાં આવતાજ હું મારા ઓરડામાં મારી પથારી ઉપર ફસડાઈ પડી. હું ખુબ રડી. અફઝલે ન તો મને શાંત કરવાનો પ્રયાસ કર્યો, ન મને કોઈ સાંત્વના આપી. કઈ ન કહી ને પણ જાણે એ કહી રહ્યા હતા. ' રડ. જેટલું રડવું હોય એટલું રડ. તું એનેજ લાયક છે. ' સાચેજ હું એનેજ લાયક હતી. હું અમીના ને પોતાની પસંદગીથી આ ઘરમાં લાવી હતી. એના માતાપિતા અન્ય શહેરમાં રહેતા હતા. એ અનવર, અફઝલ અને મારા ભરોસે પોતાનું ઘર, કુટુંબ, શહેર છોડી અહીં આવી હતી. એની સુરક્ષા અને ખુશી મારી ફરજ હતી. જે નિભાવવામાં હું દરેક તરફથી નિષ્ફ્ળ રહી હતી. હવે મારી એજ સજા હતી કે મારે મારા બાળકો વિના જીવવાનું હતું. કાશ કે મેં અફઝલની વાત સાંભળી હોત.

હું પસ્તાવામાં નીતરી રહી હતી કે ડોરબેલ વાગી. અફઝલે બારણું ખોલ્યું. કોઈ ચમત્કારની આશાએ હું સૂજેલી આંખે અને વિખરાયેલા વાળ જોડે ઓરડાની બહાર નીકળી. 

અનવર ઘરમાં પ્રવેશ્યો. એની પાછળ અમીના પણ અંદર આવી. અમીના સલામ કરી પોતાના ઓરડામાં જતી રહી. ખુદાએ મારા જેવી ગુનેહગાર માટે આ ચમત્કાર જ કર્યો હતો. અમીનાની પાછળ અનવર પણ પોતાના ઓરડા તરફ આગળ વધ્યો. હું આગળ વધી એને ગળે વળગી પડી.

" તે અમીના ને મનાવી લીધી. એને ઘરે લઈ આવ્યો. "

અનવરે મારા ખભે હાથ મૂકી મારી આંખોમાં જોયું.

" નહીં અમ્મી, અમીના મને મનાવી ઘરે લઈ આવી. "

એ ઓરડામાં જતો રહ્યો અને મારા કાન ઉપર મારા અંતરના પ્રતિબિંબ સમા અફઝલના શબ્દો પડઘાયા.

" અલહમદુલીલ્લાહ " 

એ દિવસ અને આજનો દિવસ. એક અઠવાડિયું વીતી ગયું હતું. હજી મારા અને અમીના વચ્ચે કોઈ સીધો વાર્તાલાપ થયો ન હતો. અફઝલ અને અનવર અમારી વચ્ચે શબ્દોનો પુલ જોડી આપતા. પરંતુ આજે બંને ઘરમાં હાજર ન હતા. મેં મારી કેટલીક સખીઓને ઘરે દાવત આપી હતી. ખુશખબરી આપવા માટે. હું દાદી બનવાની હતી. પણ જેના થકી દાદી બનવાનો અવસર મળ્યો હતો એ મારાથી રીસાયેલી હતી. મારે એને મનાવવું હતું. પણ કઈ રીતે ?

મારુ મન ટકોર કરી રહ્યું હતું. આ અવસર હાથમાંથી છોડી શકાય નહીં. ઉઠ અને કઈ કર. ફાલુદાની શું સમસ્યા છે ?

સાહસ ભેગો કરી હું રસોડામાં પ્રવેશી. અમીના થોડી છોભીલી પડી. મારુ અચાનક રસોડામાં આવવું એને ન ગમ્યું. એ વાતની સાક્ષી એના ચહેરાના હાવભાવોએ આપી. એનો હાથ જમેલા ફાલુદા ઉપરથી એણે શીઘ્ર હટાવી લીધો. હું સમજી ગઈ સમસ્યા ક્યાં હતી. રસોડાનો વર્ષોનો અનુભવ ક્યારે કામ લાગે ? યુ ટ્યુબ ઉપરથી રેસિપી નિહાળી બનેલો ફાલુદો સખત જમ્યો હતો. સ્પર્શ્યા વિનાજ એના પથ્થર શરીરનો મને અંદાજ આવી ગયો.

" ફાલુદો સખત છે ?"

મારા શબ્દોથી એનું અભિમાન હણાયું. મારી મદદ વિના એને કંઈક કરી બતાવવું હતું. એણે મહેનત પણ કરી હતી. પ્રયાસ આદર્યો હતો. પણ એ મારી નજર સામે નિષ્ફ્ળ નીવડ્યો હતો. એ વાત એને ખૂંચી રહી હતી. મારી આલોચના સાંભળવા જરાયે તૈયાર ન હોય એ રીતે ફાલુદાની થાળ પડતી મૂકી એ રસોડાની બહાર નીકળવા ઉપડી. એની જોડે મારી તક પણ મારા હાથમાંથી સરી રહી. શું કરું, શું નહીં એ વિમાસણમાં મારા મોઢામાંથી આપોઆપ શબ્દો છૂટી પડ્યા. 

" હું જયારે લગ્ન કરી આ ઘરમાં આવી હતી ત્યારે મને મારી સાસુએ સૌ પ્રથમ આ રસોડામાં ફાલુદો જમાવવા કહ્યું હતું. હું ખુબજ ડરેલી હતી. મારા સાસુ ઘણા કડક સ્વભાવના. ભૂલ એમને જરાયે ન ગમે. ધ્રુજતા હાથે મેં ફાલુદો જમાવ્યો હતો અને એ પથ્થર બની ગયો હતો. "

હંમેશા અમીનાની ભૂલ દર્શાવતી એની સાસુ આજે એની પોતાની ભૂલ વિશે વાત કરી રહી હતી. અચરજથી અમીનાના ડગલાં રસોડામાં અટકી પડ્યા. મને મારી યોજના સફળ થતી લાગી. મેં વાત અટક્યા વિનાજ આગળ વધારી. 

" થવાનું શું હતું ? મને ઘણી ખરીખોટી સાંભળવી પડી. મારુ સ્વમાન હણાયું. પણ એ દિવસે મારી સાસુમા એ એક જાદુ કર્યું અને સૌ ઠીક થઈ ગયું. "

હું કોઈ બાળકને રીઝવતી હોવ એ રીતે અમીનાને તાકી રહી. 

" તું એ જાદુ નીહાળીશ ? "

અમીના હજી મારા ઉપર વિશ્વાસ કરવા તૈયાર ન હતી. એણે એક પણ શબ્દ ન ઉચ્ચાર્યો. પણ મારી જાદુવાળી વાતમાં એનો રસ જરૂર પડ્યો હતો. એણે ધીમે રહી હકારમાં ડોકું હલાવ્યું. 

હું ઉત્સાહ સભર કામે વળગી. જોડે એને પણ સહભાગી બનાવી. 

"પેલું નોનસ્ટિક પેન આપશે ?"

એણે સામે તરફથી નોનસ્ટિક પેન આપ્યું. પથ્થર જેવા ફાલુદાને છરીની મદદ વડે એ પેનમાં નાખવાનો મેં પ્રયાસ કર્યો. એણે બીજી છરી લઈ મારી મદદ કરી. નોનસ્ટિક પેન મેં ધીમી આંચે સ્ટવ ઉપર ગોઠવી દીધું. 

અચરજ વડે એ જમેલા ઘન ફાલુદાને ફરી પ્રવાહી સ્વરૂપ લેતા નિહાળી રહી. 

" ફાલુદાની ઘાસ વધુ નખાઈ ગઈ છે. થોડું દૂધ અને સાકર ધીમે રહી ઉમેરી દે. "

બાળક કોઈ નવો પ્રયોગ કરતો હોય એવા હાવભાવો અમીનાના ચહેરા ઉપર હું જોઈ રહી. એણે મારા કહેવા પ્રમાણે બધુજ કર્યું. અફઝલ મને આજ સમજાવવાનો પ્રયાસ કરતો હતો. વાત મનાવવા કરતા કઈ રીતે મનાવવી એ વધુ મહત્વનું છે. સાચેજ. 

" હવે ?"

એણે પહેલીવાર મને સંબોધન કર્યું અને હું અંદરોઅંદર ભાવાત્મક જગતની પરમસીમાએ પહોંચી ગઈ. મારો હર્ષ મારા અતિ ઉત્સાહ સભર શબ્દોમાં ડોકાઈ આવ્યો. 

" બસ હવે બધું પીગળીને ભેગું થઈ ગયું. એ ઠંડુ થાય એટલે ફ્રિજમાં મૂકી દઈશ. તું તૈયાર થઈ જા. બધા આવતાજ હશે. "

એક આશા સભર નજરે ફાલુદાની થાળ નિહાળી એ જતી રહી અને ડોરબેલ વાગી. 

મહેમાનોના આગમનથી ઘર ચહેકી ઉઠ્યું. થોડાજ સમયમાં અમીના પણ તૈયાર થઈને બહાર આવી. આજે એ બહુ સુંદર લાગી રહી હતી. સુંદર તો એ પહેલેથીજ હતી. કદાચ મારી નજર બદલાઈ હતી. 

ગરમાગરમ બિરયાનીથી મહેમાનોની મહેજબાની થઈ. દર વખતની જેમજ મારી રસોઈની તારીફોના પુલ બંધાયા. અમીના શાંતિથી એ પ્રશંસાઓ સાંભળી રહી હતી. એનું ધ્યાન હજી પણ ફાલુદામાં ખોવાયેલું હતું.

" અમીના, તારો ફાલુદો બધાને નહીં ચખાડીશ ?"

એક ફિક્કા હાસ્ય જોડે એ રસોડામાં ગઈ. ફ્રીજમાંથી થાળી કાઢી. મારી નજર બેઠકખંડમાંથી એના ઉપરજ જડાઈ હતી. ફાલુદાના ટુકડા કરવા જેવી છરી થાળી ઉપર ફરી એના ચહેરા ઉપરનું હાસ્ય સાચા અર્થમાં ખીલી ઉઠ્યું. એનો ખીલેલો ચહેરો જોઈ જે સંતોષ મને મળ્યો એની અભિવ્યક્તિ શબ્દોમાં શક્ય જ નથી.  

એના હાથનો ફાલુદો જમી બધા એકજ મતે બોલી પડ્યા, " વાહ, આને કહેવાય ફાલુદો. " 

આજે પહેલી વાર મારી વહુની પ્રશંસા ઉપર ઈર્ષ્યાની જગ્યાએ મને ગર્વ અનુભવાયો. હું પણ એના હાથે તૈયાર થયેલ ફાલુદો લઈ સોફાના એક ખૂણે ગોઠવાઈ ગઈ. મારી નજીક કોઈ આવી ગોઠવાયું. અમીના હતી. એના હાથમાં પણ ફાલુદો હતો. એણે અન્ય કોઈ સાંભળી ન શકે એ પ્રમાણે અત્યંત મંદ સ્વરે કહ્યું ,

" થેન્ક યુ. "

મેં ધીમે રહી એનો હાથ પકડ્યો.

" મને માફ કરી શકીશ ? " 

એની આંખોમાં ભીનાશ હતી. એને ખુશ રાખવાનું મેં જાતને વચન આપ્યું હતું એ મને યાદ આવ્યું. હું ધીમે રહી એના કાન નજીક સરકી.

" એક રાઝની વાત કહું ?"

એના ચહેરા ઉપર આશ્ચર્ય છવાઈ ગયું.

" મને જયારે પહેલીવાર ફાલુદો બનાવવાનું કહેવામાં આવ્યું હતું ત્યારે એ બગડ્યો ન હતો. બહુજ સરસ બન્યો હતો. મારા સાસુ બહુ ખુશ થયા હતાં. " 

હકીકત જાણી એનો ચહેરો ફરી ઉદાસી પકડી રહ્યો. મેં એના કાનમાં મારી વાત આગળ વધારી.

" કારણકે મને રસોઈ સીવાય બીજું કંઈજ આવડતું ન હતું. પણ તું તો રસોઈ પણ શીખી રહી છે. આટલી બધી ડિગ્રી છે તારી પાસે. એક પ્રોફેસર છે. આર્થિક રીતે સ્વાવલંબી છે. ઘર અને બહારની દુનિયા બંનેનું જ્ઞાન છે તારી પાસે. તારી આવડત તો અતુલ્ય છે બેટા. " 

ઉદાસીને હડસેલતું એક ભીંજાયેલું મધુર હાસ્ય એના ચહેરા ઉપર તરી આવ્યું. મારા કાન નજીક સરકી એણે ધીમેથી કહ્યું,

" સંબંધો પણ ફાલુદા જેવાજ છે. ક્યારેક સખત થઈ જાય તો થોડી સમજ રૂપી ઉષ્મામાં પીગાળી દેવા જોઈએ. ફરીથી પ્રેમ અને સ્નેહની ટાઢકથી એ કોમળ જામી જ જાય છે. નહીં અમ્મી ?" 

એણે ધીમે રહી પોતાનું માથું મારા ખભે ટેકવી દીધું. મારો હાથ એના પેટ ઉપર વ્હાલ સભર ફરી રહ્યો. સામે બેઠી મારી સખીઓ અમારી સાસુ વહુની જોડીને નિહાળી એકબીજા જોડે આંખોના ઈશારાઓ વહેંચી રહી. 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational