STORYMIRROR

mariyam dhupli

Drama Tragedy Children

5  

mariyam dhupli

Drama Tragedy Children

ઈર્ષ્યા

ઈર્ષ્યા

9 mins
523


મનોજકાકા ઘરે આવી ગયા હતા. એમના સામે મહેમાનગતિ સ્વરૂપે રજૂ કરવામાં આવેલી ચ્હાની મજા તેઓ માણી ચૂક્યા હતા. કેટલાક બિસ્કિટનો આસ્વાદ પણ લઈ લીધો હતો. ઘર એમનુંજ હતું. ઔપચારિકતા કેવી ? તેઓ ફક્ત અમારા કૌટુંબિક વકીલ જ ન હતા. પિતાજીના બાળપણના મિત્ર પણ હતા. તેથીજ ઘર અને વારસા અંગેની તમામ કાનૂની કાર્યવાહીઓ પિતાજીએ એમને સોંપી હતી. હવે તેઓ સીધી કામની વાત શરૂ કરવાની તૈયારી દર્શાવી રહ્યા હતા. એમની મોટી બેગમાંથી બધાજ જરૂરી કાગળિયા, દસ્તાવેજ અને ફાઈલ બહાર નીકળી આવ્યા હતા.

એ દિવસે પિતાજીના અવસાનનો એક મહિનો થઈ ગયો હતો. બા હજી પણ શોકમાંથી ઉગરી શક્યા ન હતા. તેઓની તબિયત નરમગરમ રહેતી હતી. તેઓએ પણ પિતાજી જેમ દરેક જવાબદારી મારા ખભે સોંપી દીધી હતી. એટલેજ એ દિવસે તેઓ બેઠકખંડમાં હાજર ન હતા. બેઠકખંડમાં ફક્ત હું, મનોજકાકા અને મારો નાનો ભાઈ અમે ત્રણજ હાજર હતા. જોકે એ આયુમાં મારાથી એટલો પણ નાનો ન હતો. અમારી વચ્ચે ફક્ત છ વર્ષનો તફાવત હતો. છતાં ઘણો તફાવત હતો. એ તફાવતને કારણેજ મનોજકાકાની બધીજ ફાઈલ મારી સામે મોઢું રાખી ખોલવામાં આવી હતી. નાનો ભાઈ કશું સાંભળી પણ રહ્યો હતો કે નહીં એ અંગે મને શંકા હતી.  

ફાઈલમાંથી એક પછી એક બહાર નીકળી રહેલી માહિતીઓ અને આંકડાઓ હું તદ્દન ધ્યાન દઈ સાંભળી રહ્યો હતો. એ સાંભળવા સિવાય છૂટકો પણ ન હતો. બધું જ સક્રિય મગજમાં રેકોર્ડ થઈ રહ્યું હતું. પણ ચાલાક નિષ્ક્રિય મગજ એનુજ રેકોર્ડિંગ ચલાવી રહ્યું હતું અને હું જાણ્યે અજાણ્યે એ રેકોર્ડિંગ પણ સમાંતરે નિહાળી રહ્યો હતો.  

એ રેકોર્ડિંગનું કેન્દ્રસ્થાન હતું અમારું ઘર. હા, આજ ઘર. પણ ઘણા વર્ષો પહેલાની સ્મૃતિઓમાં સચકાયેલું.

એ ઘર જ્યાં ફક્ત હું, બા અને પિતાજી વસતા હતા. એ ઘર જેના ચારે ખૂણાઓમાં ફક્ત મારી જ ધમાલ મચેલી રહેતી. ઉપર અગાશીથી લઈ નીચે ઓટલા સુધી અને ઓટલેથી થઈ છેક ફળીયા સુધી હું બધાના ધ્યાનનું કેન્દ્રસ્થાન હતો. હું ક્યાં રમું છે ? શું કરું છું ? સુરક્ષિત છું કે નહીં ? જમ્યો કે નહીં ? શેરીના નાકે ઊભી લારી ઉપરથી કઈં બિનઆરોગ્યપ્રદ ઊંચકી નથી લાવ્યો ને ? મારા સ્નાન કરવાના સમયથી લઈ મારા પથારી ઉપર જવાના સમયની દરેક ઝીણવટભરી કાળજી સેવાતી. ટૂંકમાં કહું તો આખા ઘરમાં મારુંજ રાજ ચાલતું. મારો પડ્યો બોલ ઝીલાતો અને મારા મન અને મગજની બધીજ માનસિક જરૂરિયાતો અને માંગણીઓનું બા અને પિતાજી તરફથી સંપૂર્ણ જતન થતું.  

પરંતુ થોડા વર્ષો પછી મારુ એકચક્રી રાજશાસન ડામાડોળ થઈ ઉઠ્યું. ભાઈનો જન્મ થયો અને બધાના ધ્યાનનું કેન્દ્રબિંદુ સ્થળાંતર પામ્યું. ભાઈને જોવા આવનાર દરેક સંબંધી મારા ગાલ ખેંચી અચૂક પૂછતાં. 

" આ તો બહુ ખુશ હશે. રમવા માટે એક ભાઈ મળી ગયો. "

બા અને પિતાજી મને ખુશીથી નિહાળતા. હું એમની આંખોમાં ઊંડે ઉતરવાનો પ્રયાસ કરતો. શું મારી જોડે રમવા માટે ભાઈને જન્મ આપવામાં આવ્યો હતો ? પરંતુ મારો ઉત્તર મને જડતો નહીં. એમની આંખોમાં તો ફક્ત અને ફક્ત ભાઈ માટેનો સ્નેહ અને પ્રેમ છલકાતો દેખાતો.  

સાચું કહું તો મને ખુબજ ઈર્ષ્યા થતી.  

ભાઈ ઉપર આવી અટકેલું બા અને પિતાજીનું ધ્યાનનું કેન્દ્રબિંદુ ફરી મારી દિશામાં ફેરવવા હું સતત પ્રયત્નશીલ રહેતો. એ માટે હું બા અને પિતાજીનો પડ્યો બોલ ઝીલી લેતો. એકદમ કહ્યાગરો ડાહ્યો દીકરો બનીને રહેતો. બા જે જમવાનું આપે એ હોંશે હોંશે જમી લેતો. પહેલા જેવી આનાકાની ન કરતો. સૂર્યાસ્ત પછી ફળિયામાંથી સીધો ઘરની વાટ પકડતો. પહેલા જેમ બાને બૂમબરાડા પડાવતો નહીં. ભાઈની દેખરેખ રાખવામાં પણ મારો ફાળો નોંધાવતો. બા કામમાં વ્યસ્ત હોય ત્યારે હું ભાઈની કાળજી રાખતો, એને રમાડતો, એની જોડે વાતો કરતો. એ વાર્તલાપ જોકે એકપક્ષી રહેતો. કારણકે ભાઈ હજી બોલતો ક્યાં થયો હતો ? સાંજે ઓફિસેથી આવી પિતાજી ભાઈને રમાડતા હોય ત્યારે હું એમની પડખે ભરાઈ જતો કે જેથી ઘરમાં હું પણ હાજર છું એ વાત પિતાજીને યાદ રહે.  

ભાઈના જન્મના બે વર્ષ સુધી બધું વ્યવસ્થિત હતું. હું બા અને પિતાજીનો 'રાઈટ હેન્ડ' બની ગયો હતો. એ બન્નેને મારા ઉપર ગર્વ હતો.  

"ભાઈ નાનો છે ને હમણાં. જયારે એ તારી જેમ મોટો થઈ જશે ત્યારબાદ એ પણ આપણી મદદ કરશે. તારી જોડે ઘણું રમશે. તારા કાર્યોમાં હાથ આપશે. જેમ તું અમને હાથ આપે છે તદ્દન એજ પ્રમાણે. "

થોડાજ સમયમાં ઘરમાં હું પણ જુનિયર મટી સિનિયર સભ્ય બની જઈશ એ વિચારેજ મનની બધી ગડમથલ સંકેલાઈ જતી. હું પણ આદેશ આપીશ. મારો પણ વટ પડશે. મારા કાલ્પનિક બાળજગતમાં મારુ એકચક્રી રાજશાસન પુનઃ સ્થાપિત થઈ રહ્યું હતું. હું ખુશ હતો અને સંતુષ્ટ પણ.  

પરંતુ મારી કલ્પનાઓને સમયે જરાયે ટેકો ન આપ્યો. ભાઈ બે વર્ષનો થયો કે આખી બાજી પલટાઈ ગઈ.  

બા અને પિતાજી ભાઈનો હવે પહેલાથી પણ વધુ ખ્યાલ રાખવા લાગ્યા. હું ધીમે ધીમે પાછો કૌંસમાં મૂકાઈ ગયો. મારુ એકચક્રી રાજશાસન ફક્ત એક સ્વપ્ન બની રહી ગયું. ધીમે ધીમે સમય જોડે મેં પણ હથિયાર નાંખી દીધા.  

આમ તો હું ભાઈને ખુબજ પ્રેમ કરતો પણ એના તરફની ઈર્ષ્યા એ પ્રેમ જેટલીજ માત્રામાં હતી. એના માટે એ નીતિનિયમો રાખવામાં આવ્યાજ ન હતા જે નીતિનિયમો બાળપણથી મારી પાસે અનુસરાવવામાં આવ્યા હતા.  

એ જયારે ઈચ્છે ઊંઘે. એ જયારે ઈચ્છે જાગે. એને જેટલું રમવું હોય એ રમી શકે. એના માટે તો વિશિષ્ટ અને જુદા પ્રકારનાજ રમકડાંઓ વસાવાતા. જે દિવસે એને શાળાએ ન જવું હોય એ શાંતિથી ઘરે રહી શકે. ઘરકામ તો એને કરવુંજ ન પડતું. જુદા જુદા વિષયોના લાંબા લાંબા પાનાઓ ઉપર મળેલ લાંબાલચક ઘરકામ કરતા કરતા હું મારા નાના ભાઈને ત્રાંસી આંખે નિહાળતો ત્યારે ક્યાં તો બા એની જોડે રમતા હોય ક્યાંતો પિતાજીના ગોદમાં એ ઠાઠથી ગોઠવાયો હોય. મારુ નાનકડું ડૂસકું ગળામાંજ રૂંધાઈ જતું.  

મારો તો આખો દિવસ ઘડિયાળની સોંય ઉપર ભાગતો. સવારે શાળા, બપોરે ટ્યુશન, સાંજે બીજું ટ્યુશન, થોડો સમય ફળિયામાં રમવા મળે કે ન મળે અને તરતજ ઘરમાં પ્રવેશી ઘરકામ. ભાઈને એટલી દોડાદોડી હતીજ નહીં. સવારે ઉઠવાનું. ક્યારેક શાળાએ જાય,ક્યારેક ન જાય. આખો દિવસ બાના સાનિંધ્યમાં અને લાડકોડની વચ્ચે અને રાત્રે પપ્પાની હૂંફમાં. યાંત્રિકતા એના બાળપણને સ્પર્શી જ ન શકી. એવું લાગતું કે જાણે ઘર સાચા અર્થમાં એનુજ હતું. સૌથી વધુ સમય ઘરમાં રહેવાનો અવકાશ એનેજ મળતો.  

મારાથી ઘરમાં કોઈ વસ્તુ કે રમકડું તૂટી જ

ાય તો બા કેવી ગર્જતી. પિતાજીના આવતાવેંત મારી ફરિયાદ કરતી. મને વસ્તુની કિંમત નથી, હું પૈસાનું મૂલ્ય સમજતો નથી, હું એક જવાબદાર બાળક નથી....વગેરે. .વગેરે. ..લાંબાલચક ભાષણ સાંભળવા પડતા. પરંતુ ભાઈના હાથે જો કઈં તૂટે તો એને વાગ્યું તો નહીં ? એની ચકાસણી કરવા બા અને પિતાજી બધુજ કામ પડતું મૂકી દોડતા ભાગતા એની પાસે પહોંચી જતા. મારુ મન સંકોચાતું. મારી આવી ચિંતા કેમ નહીં ?

જમવામાં પણ એ ભારે નખરાળો. પણ એના બધા નખરા સર આંખો પર. કેટલી બધી વસ્તુઓના સ્વાદ અને સુગંધ એને ગમતા નહીં. કારેલા, મગ, ભીંડા, કોબી. ..પણ બા રાજીખુશીએ બધુ ચલાવી લેતા. જો હું શાકભાજી ખાતી વખતે મોઢું મચકોડું તો મારી ફરિયાદ સીધી પિતાજી સુધી પહોંચતી. મને મનદુઃખ થતું.

સાંજે ફળિયામાં રમતી વખતે ભાઈ ઘરના ઓટલે બેસી રહેતો. બા અને પિતાજી કહેતા એ અંતર્મુખી છે. અંતર્મુખીનો અર્થ ત્યારે હું બહુ જાણતો ન હતો. પરંતુ એટલું સમજાતું હતું કે ભાઈને કોઈની જોડે રમવામાં મારા જેમ રસ નથી. બધાનાજ નાના ભાઈ એમની જોડે ફળિયામાં રમવાનો લ્હાવો ઉઠાવતા. પણ હું ભાઈની જોડે ફક્ત ઘરની અંદરજ રમી શકતો. એ પણ એને ગમે ત્યારેજ. ક્યારેક રમતા રમતા ઉત્સાહમાં આવી જઈ એ મારા વાળ જોરથી ખેંચી નાખતો. ત્યારે હું મોટેથી બરાડા પાડતો. બા ત્યારે પણ એનીજ તરફેણ લેતા. 

" એ જાણીજોઈને નથી કરતોને દીકરા. "

મને પણ બીજા મોટા ભાઈઓની જેમ એની સાયકલને ધક્કો મારવો હતો. એના જોડે પકડદાવ રમવું હતું. સંતાકૂકડી કરવી હતી. ક્રિકેટ રમું ત્યારે મારી ટીમ માટે એની પસંદગી કરવી હતી. પણ હું એવું કશુંજ કરી શક્યો નહીં. એ વાતનો પસ્તાવો મને સમગ્ર બાળપણ સુધી રહ્યો.  

ઉત્તરાયણમાં એકવાર મેં એને માંજો પકડાવ્યો હતો ત્યારે એણે પહેલીવાર મારી જોડે કોઈ રમતમાં સહભાગી થવા તૈયારી દર્શાવી હતી. હું ખુશીથી ઉછળી પડ્યો હતો. મારો પતંગ મેં જોશમાં ગગનમાં લહેરાવી દીધો હતો. આસપાસના ટેરેસ ઉપર પતંગ ચગાવી રહેલા મારા મિત્રોને ખુલ્લી ચેતવણી પણ ફેંકી દીધી હતી.  

" અમારો પતંગ આવી ગયો છે. સાચવીને બધા. "

જેવી પેંચ શરૂ થઈ ભાઈએ માંજો હાથમાંથી છોડી દીધો. ટેરેસ ઉપરથી નીચે ભાગી ગયો. મારુ ધ્યાન એ દિશામાં ગયું કે પતંગ કપાઈ ગયો. એ દિવસે બધાજ મિત્રો મારી ઉપર ખડખડાટ હસ્યાં હતા. એ હાસ્ય હું કદી ભૂલાવી શક્યો નહીં. એ મારા નિષ્ક્રિય મગજમાં સતત ગુંજતું રહ્યું.  

દિવાળી વખતે ઘર સાફસફાઈ કરવા માટે મારે ફરજીયાત ફાળો નોંધાવો પડતો. ક્યારેક પંખા સાફ કરવા, ક્યારેક ટેરેસ અને ઓટલા ઉપર વીજળીના બલ્બ સજાવવા, ક્યારેક રંગકામ સમયે ફર્નિચર અહીંથી ત્યાં ફેરવવું. ..જે પણ કામ મારા ભાગમાં આવ્યું હોય એ કરવું પડતું. ભાઈને આ બધામાંથી આઝાદી હતી. એણે તો ફક્ત તહેવારના દિવસે આરામથી તૈયાર નવા કપડાં ચઢાવી શણગાર અને પકવાનોની લજ્જત માણવાની હોય.

એને લીધે હું ઘરના ઓટલા ઉપર ફટાકડા પણ ફોડી શકતો નહીં. આડોશપાડોશમાં પણ બા અને પિતાજીએ વાત કરી હતી. એટલે અમે બધા શેરીને બીજે નાકે ફટાકડા ફોડવા જતા. એને ફટાકડાથી ખુબજ ડર લાગતો. બન્ને કાન ઉપર હાથ દબાવી એ અંદરના ઓરડામાં ભરાઈ રહેતો.  

બા મિક્સી ચલાવે કે પિતાજી દીવાલમાં ખીલો ઠોકતાં હોય ત્યારે એ દોડતો આવી મારા શરીરને વીંટળાઈ વળે. હું મનમાંજ એની મશ્કરી કરું.

" ડરપોક ઉંદર. "

 હોળીના રંગોનો સ્પર્શ પણ એને જરાયે ન ગમતો. એને કોઈ અડકે એ એને જરાયે ન ગમતું. આખો મહોલ્લો હોળીના રંગે રંગાયો હોય. એકમાત્ર મારો ભાઈ કોરો ઘરના ઓટલે હોય.  

" એને ગમતું નથી તો રહેવા દે. ...."

બા અને પિતાજીના શબ્દો મને દુઃખી કરતા. હું મારા ભાઈને ગલીપચી પણ ન કરી શકું ? ગળે પણ ન વળગાડી શકું ? રંગ પણ ન લગાવી શકું ? શું હું એને ગમતો ન હતો ? મારુ બાળમાનસ મને પજવતું. એને લીધે કેટલીયેવાર અમે પ્રસંગોમાંથી સમય પહેલાજ ઘરે પરત ફરી જતા. જો એને ભીડ ન ગમે તો મારે પણ મિત્રો જોડે રમવાનું છોડી ઘર ભેગા થઈ જવું પડતું. હું અકળાઈ જતો. પણ કશું કહી શકતો નહીં. કારણકે એ જેવો પણ હતો મારો ભાઈ હતો અને મારા પ્રેમ અને સમજણનો અધિકારી હતો. 

વધતી આયુની જોડે એ સ્વીકારવું વધુ સહેલું થઈ ગયું હતું.  

" અહીં સહી કરી આપ. "

બધીજ કાનૂની માહિતી શબ્દેશબ્દ સમજાવ્યા બાદ મનોજકાકાએ એક મુખ્ય ફાઈલ મારી આગળ ધરી. નિષ્ક્રિય મગજમાંથી હું શીઘ્ર બહાર ખેંચાઈ આવ્યો. સક્રિય મગજ વધુ સચેત થયું. એક નજર ભાઈ તરફ કરી. એ મારી સામેજ હતો. પણ ફક્ત મારી સહીની જરૂર હતી. મેં શીઘ્ર સહી કરી આપી. મનોજકાકા પોતાની જવાબદારીનો ભાર ઉતરી જતા અત્યંત હળવા થઈ ગયા. એમના ચહેરાના નિરાંત હાવભાવોમાં એ હળવાશે જાણે રાહતનો દમ ભર્યો.  

" તો હું નીકળું હવે. મારી જરૂર હોય તો ફોન કરજે. નહીંતર ઘરે આવી જજે. " 

" હું તમને ઘરે. ...."

" નહીં. .નહીં. ..તું ભાઈ જોડે રહે. "

ભાઈની નજીક પહોંચી એમણે ભાઈના માથા ઉપર સ્નેહથી હાથ ફેરવ્યો.  

" તું બહુ ભાગ્યશાળી છે બેટા કે તને સંદીપ જેવો મોટો ભાઈ મળ્યો. "

એના પ્રતિઉત્તરમાં ન તો ભાઈએ એમની આંખોમાં આંખો પરોવી, ન એમની જોડે હાથ મેળવ્યો.

મનોજકાકાએ એક નજર મારી તરફ જોયું. મારા ઉપર ગર્વ હોવાની મૌન ભાવના હું એ નજરમાં કળી શક્યો.  

મનોજકાકા ઘરની બહાર નીકળ્યા કે હું હાથમાંની ફાઈલના ભાર જોડે સોફા પર ફસડાઈ પડ્યો. ભાઈની નજર મારા ઉપર ન હતી. છતાં એને સંબોધીને હું ફાઈલની ગોઠવણ કરવા માંડ્યો.  

" બહુ કામ છે, નીરજ. આ ઘરના કાગળિયા છે. નામ બદલવાના છે. પિતાજીની બાકી રહેલી લોન ચૂકવવાની છે. કાકા જોડે જે કેસ ચાલે છે એની તારીખો ઉપર કોર્ટ જવાનું છે. બાને બેન્ક લઈ જવાનું છે. ઘણા બધા ફોર્મ ભરવાના છે. ....."

બોલતા બોલતા મને હાંફ ચઢી ગઈ. અચાનક ભાઈ જોરજોરથી તાળી વગાડવા લાગ્યો અને હસતો હસતો અંદરના ઓરડા તરફ ભાગી ગયો. આ બધી માથકૂટ એને કરવાની હતી જ નહીં. એ તો મુક્ત હતો. ..સ્વતંત્ર !

મારી નજર એજ દિશામાં સ્થિર થઈ ગઈ. બાળપણવાળી ઈર્ષ્યા આંખમાં ફરી ડોકાઈ આવી.  

એ ઈર્ષ્યાથી તદ્દન અજાણ મારો 'ઓટિસ્ટિક' ભાઈ બાને ઊંઘમાંથી ઉઠાડવામાં વ્યસ્ત હતો. મારુ મન અનાયાસે ઉદ્દઘારી ઉઠ્યું.

" લકી હિમ ! "

( *ઓટિસ્ટિક = સામાજિક વ્યવહારો અને સામાજિક વર્તન અંગેના ન્યુરોલોજીકલ ડિસઓર્ડરથી પીડાતો માનવી )


Rate this content
Log in

Similar gujarati story from Drama