Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".
Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".

Alpa Vasa

Inspirational Children


4  

Alpa Vasa

Inspirational Children


પડદો

પડદો

5 mins 21.7K 5 mins 21.7K

પડદા ?

હા, પડદા જ. એને પડદા ખૂબ ગમતા. પડદાના રંગ, ભાત કે મુલાયમપણા સાથે એને કોઈ સંબધ નહી, પણ એ એનું છુપાવાનું સ્થાન હતું, એનું આશ્રય સ્થાન, જ્યાંથી કોઈ એને જોઈ ન શકે. અને એનું ધ્યાન, પડદાની આરપારથી આછુંપાતળું ઘરના દરેક સભ્યની ગતિવિધિ પર રહી શકતું. ઘણા બધા ઓરડાવાળા આટલા મોટા ઘરમાં પડદા પણ ઘણા હતા. એટલે ખૂબ સરળ હતું એની માટે છુપાઈ જવું, આખી દુનિયાથી છૂટા પડી જવું.

" સોનુ..... સોના..." બસ, દિવસમાં બે વાર મા, ધીમા સ્વરે બુમ મારી ગોતવા નીકળતી. ને એ કોઈ પણ એક પડદા પાછળથી નિકળી માને વળગી પડતી. દાદા,દાદી, ત્રણ કાકા, ત્રણ કાકી, ફઈ, સાત-આઠ પિતરાઈ ભાઈ-બહેનો ઘરમાં આટલા બધા વ્યક્તિઓ, પણ એના માટેનું પોતીકું સ્થાન એટલે આટલા બધા પડદા અને એક માનો ખોળો, એ પણ થોડીક વાર જ. પિતા તો નહિવત્ જેવું ભણેલા અને ડિલેને સ્વભાવે નરમ પ્રકૃતિના હતા તેથી દુકાનમાં ચપરાસી જેવું વૈતરું કરતા. ઘરમાં પણ તેમનું કંઈ ઊપજતું નહીં તેથી સોનાની માને ભાગે વધુ કામ આવતું. આમ સોના સાથે પહેલેથી જ ઘરના દરેક સભ્યનું ઓરમાયું વર્તન હતું. ને બસ, સહુને વઢવા માટે, ગુસ્સો ઉતારવા સોના મળી જતી. ધરતી પર આવી પશુ, પક્ષી કે નાના મોટા જીવ જતું સહુ પોતાનું આશ્રય સ્થાન ગોતી જ લેતા હોય છે, તેમ સોનાને સહુની તીખી નજરોથી બચવા મળી ગયા પડદા.

" આ પડદાવાળીને હવે નિશાળે મુકી દો, ઘરમાં આખો દિ' કોણ સાચવે? એક ટંકનું ભાણું તો નિશાળે. પછી સાંજે એનો બાપ આવી ખવડાવશે." મોટા કાકીએ દાદાને કહ્યું એ બધું સોના પડદા પાછળથી જોતી અને સાંભળતી પણ હતી. હજી બે મહિના પહેલા જ એની મા, એનું સૌથી વહાલું આશ્રય સ્થાન, એને પડદાને સહારે છોડીને ભગવાનને ઘરે જતી રહી. ઈશ્વરે એનો એક મોટો દરવાજો બંધ કરી દીધો, પણ નાની બારી ખોલી દીધી હતી. તે આ નિશાળની. દાદાને પણ આ વાત શીરાની જેમ ગળે ઉતરી ગઈ. ને બીજે દિવસે નાનકડી સોનાની આંગળી પકડી નિશાળે મૂકવા ગયા. ને શિક્ષિકાને પણ આ મા વિનાની બાળકી છે કહી ભલામણ પણ કરી.

લોકોથી ડરતી સોના નિશાળમાં પણ ચૂપ રહેતી, સ્વભાવગત્ બીજા બાળકો સાથે વધુ હળતી મળતી પણ નહી. અહીં પણ નાની નાની વાતે એનું મન અકળાતું, ને તેની આંખો પડદા શોધવા લાગી જતી. ક્યારેક એની નાનકડી હથેળીથી મોઢું છુપાવી લેતી, તો ક્યારેક ખૂણાવાળી છેલ્લી પાટલી પર બેસી જતી. પણ શિક્ષિકાબેનની મીઠી નજર હતી તેના પર. કારણ સોના, એક તો શાંત, તોફાન કે વાતો કરે નહી અને એક ચિત્તે લખ્યા કરે. એક દિવસ શિક્ષિકાબેન એને લાયબ્રેરીમાં લઈ ગયા.

"સોના, આ જો તારા મિત્રો. કેટલા બધા છે, અને છે પણ તારી જેમ જ ચૂપ." ને બસ, પછી તો પૂછવું જ શું? સોના પુસ્તકોની દુનિયામાં ખોવાઈ ગઈ. પુસ્તકો સાથે મોટી થવા લાગી. એનું વિશ્વ વિસ્તરતું ગયું. એનું વિશાળ વાંચન એને કવિતા, વાર્તા કે નિબંધ લખવામાં ખૂબ ઉપયોગી થવા લાગ્યું. એના મનમાં ધરબાઈ રહેલી વાણી, કલમ દ્વારા કાગળ પર ઉતરવા લાગી. કાગળ - કલમ સાથે તો એની એવી દોસ્તી બંધાઈ ગઈ હતી કે, હાથમાં પકડે ત્યાં જ મોતી રૂપી અક્ષરો કે ભાવ સભર ચિત્રો ઉપસવા લાગતા.

સમય સરતો ગયો, સોના મોટી થતી ગઈ. ઘરનું વાતાવરણ તો હજી એવું જ ઉપેક્ષાવાળું હતું. એની હાજરી હજી ય સહુને ખૂંચતી, પણ ગેરહાજરી ક્યારેય નહી. તે જમવા આવે તે ખટકતું, ન જમી હોય તો કોઈ એને યાદ પણ ન કરતું. હવે તો એને ભૂખ્યા પેટે સૂવાની આદત થઈ ગઈ હતી. પણ નિશાળમાં એની ખૂબ સરાહના થતી. એના શબ્દો આખી નિશાળમાં ગુંજવા લાગ્યા. અને સહુથી મોટી વાત કે એની લખેલી પ્રાર્થના ગાઈને નિશાળ શરૂ થતી. એનું લખાણ દુ:ખમા ઘુંટાઈને, મૂંગા આંસુમાં ઝબોળાઈને આવતું, ને વાંચનારના દિલમાં સીધું ઉંડે સુધી પહોંચી જતું.

"આ પડદાવાળીને જ હવે તમારી સાથે સૂવડાવો, જેથી રાતવરત જરૂર પડે, તો કામ લાગે." ફરી મોટાકાકીનું ફરમાન ને દાદીની સંમતી. ફરી એક બીજી બારી ખુલી ગઈ સોનાના જીવનમાં. દાદીને ઓછું દેખાય તેથી રાત્રે લાઈટ ચાલુ રાખવી પડતી. હવે કોઈની રોક ટોક વગર, એ લાઈટમાં સોના કેટલું બધું લખી વાંચી લેતી. દાદી ઊઠે ત્યારે સોના જાગતી જ હોય. તે તરત ઉઠી, દાદીનો હાથ પકડી બાથરૂમ સુધી દોરી જાય, કે પાણીનો ગ્લાસ ધરીને ઉભી રહી જાય. પથ્થર પણ પીગળે ને ! બસ, શરીરથી નરમ પડેલા દાદી, સોનાની સેવાથી સ્વભાવથી પણ નરમ પડવા લાગ્યા. હવે તો તેમના ભાગનું દુધ અને ફળ પણ સોનાને ખાવા આપવા લાગ્યા.

"બહુ થોથા વાંચ્યા આ પડદાવાળીએ, હવે ઘરે બેસાડો, અમને કામમાં આવે ને થોડું શીખશે તો સાસરે જાય ત્યાં અમારું નામ તો ખરાબ ન કરે." આજનું ફરમાન નાના કાકીનું હતું. હવે ? હવે શું ? નિશાળનું છેલ્લું વરસ હતું, તે ય પૂરું નહી થાય ? આ સવાલ આપણને આવે, સોનાને નહી. એનો તો સ્વભાવ જ થઈ ગયો હતો, ઘરનાનો અને ઈશ્વરનો તાલ ચૂપચાપ જોયા કરવાનો, અને જે થાય તે પ્રમાણે મૂંગે મોઢે જીવ્યા કરવાનું.

નસીબ આડેનું સુક્કુ પાંદડું ઉડી જાયને ત્યારે શું નું શું થઈ જાય છે. આ જ તો છે વિધાતાની કમાલ. બીજે દિવસે નિશાળમાં જતાં જ સહુએ તેને તાળીઓથી વધાવી લીધી. તેનો લખેલો લેખ આખા ગુજરાતમાં પહેલો આવ્યો હતો. એના સુંદર અક્ષરો, શુદ્ધ જોડણી અને વ્યાકરણ, અને મુદ્દાસર લખેલા સચોટ વાક્યો, આ જ તો હતું તેનું સબળ પાસું. પુરસ્કાર રૂપે, ઇનામની રકમ સાથે હતું જિલ્લાની કોલેજનું પ્રવેશ પત્ર અને સચીવના ભાષણ લખવાનો નિમણૂક પત્ર. સોનાનું નસીબ હમેશાં કટકે કટકે જ લખાતું. ને ફરી સોનાના નસીબનો એક ટુકડો લખાયો.

જ્યાં ઈશ્વરની મરજી હોય, ત્યાં એના બનાવેલાની મરજી શું ચાલે ? આખા ગામમાં તો સોનાની વાહ વાહ થઈ ગઈ. હેડમાસ્તરે પોતે સોનાના ઘરે જઈ વધાઈ આપી. એનો સામાન બંધાવી શહેર પણ મૂકી આવ્યા. કાકીની મનની મનમાં જ રહી ગઈ. સોનાને પણ આ કામ મનગમતું જ થયું. એનું કામ પડદા પાછળ રહીને ભાષણ લખવાનું જ તો હતું.

હકીકતમાં " પડદા" જ આજન્મ એનું આશ્રય સ્થાન બની રહ્યા.


Rate this content
Log in

More gujarati story from Alpa Vasa

Similar gujarati story from Inspirational