Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra
Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra

Alpa Vasa

Inspirational Classics


4  

Alpa Vasa

Inspirational Classics


સોનાનું પાંજરું

સોનાનું પાંજરું

4 mins 13.9K 4 mins 13.9K

સવારનું બધું કામ પતી ગયું હતું. "હા...શ..." કહી, જરા બપોરિયું માણવા મેં એક હાથમાં સવારનું છાપું ને બીજા હાથમાં ટી.વીનું રીમોટ લઈ સોફા પર જરા લંબાવ્યું. ટી.વી પર માસ્ટરજીના જીવન ચરિતાર્થ જેવું દેખાડતા હતા. ત્યાં જ તેમનો ફોટો દેખાયો. એમના ઝગારા મારતા ભાલ પ્રદેશ પર હજી પણ એવો જ ગોળ લાલ કંકુનો ચાંદલો સૂર્ય જેવો દેદીપ્યમાન દિસતો હતો. ઓહ... પણ ગળામાં હાર...? ને હું બેઠી થઈને જોવા લાગી. પછી તો પાંચ મિનીટ ટી.વી જોઈને "હા... શ..." કરી, હાથ ખંખેરી ટી.વી બંધ કરીને બેસી રહી. મારી ઉંમરના ૨૫ - ૩૦ વર્ષો સૂકા પર્ણની જેમ ખરી પડ્યા, ને હું પહોંચી ગઈ મારા ગામમાં.

મોહનલાલ માસ્ટરના બંગલાની પાછળની બાજુમાં અમારું નાનકડું ઘર. વચ્ચે વંડી ખરી, પણ એક નાનો દરવાજો પણ હતો, જેથી માસ્ટરજીને પાછલા રસ્તે જવું હોય તો ગોળ ફરીને ન જવું પડે. ને બસ, ત્યારે એમના પુનિત પગલાં અમારા ઘરમાં પડતા, ને તેમના કાનમાં નાંખેલા અત્તરથી અમારું ઘર મઘમઘી ઉઠતું. એમનો ગોરો વાન ને પડછંદ કાયા, સફેદ કડક લેંઘો ઝબ્બો ને અલગ અલગ રંગની બંડી, ને ખભા પરની શાલ તેમના વ્યક્તિત્વને ચાર ચાંદ લગાવી દેતી. હાર્મોનિયમ લઈને હજી તો ગળામાં થી સરગમનો સા.. કાઢે ત્યાં તો તાળીઓ નો ગુંજારવ શરૂ થઈ જાય. શું ઠાઠ હતો એમનો, કાયમ પ્રશંશકોથી ઘેરાયેલા જ રહેતા. જાણે તાળી અને વાહ, વાહ જ એમના શ્વાસ હતા.

સફળતાના પગથિયાં એમ ને એમ નથી ચઢાતા. તેના માટે સતત ને સતત કોઈ દબાતું, નિચોવાતું હોય છે. એના ખભા પર પગ મૂકીને જ ઉંચે ચઢાય છે. બસ, માસ્ટરજી માટે માસીબાનો ખભો, તેમની પૂરેપૂરી જાત કાયમ માટે તૈયાર જ હતી.

"ચાલો નિલમ ગૌરી, તમારો માળો તો પાછો ભરાઈ ગયો. પણ જો જો તમારા સંસ્કારે, તમારા જણ્યાની જેમ એ ય ઉડી ન જાય." માસ્ટરજી કેવું કટાક્ષમાં બોલ્યા હતા તે તો પછી મને સમજાયું. હું તે વખતે આઠેક વર્ષની હતી. પણ માસીબાની તો નીચી નજર ને બંધ હોઠ જ હતા. પછી તો મારા ધામા માસીબાને ત્યાં જ થઈ ગયા હતા.

"આ આપણી અનુ, નીલમ બેન સાથે રહીને વળોટાશેને તો, સાસરેથી પાછી નહીં જ આવે એ નક્કી." એક વાર મારા બાપુ મારી મા ને કહી રહ્યા હતા.

"ભગવાને કઈ માટીમાં થી નિલમ બેનનું હૈયું ઘડ્યું છે ખબર નહી. રોજ ચૂપચાપ કેટલા અપમાનના ઘુંટડા ગળે છે. પણ નથી હૈયે પુર આવતું કે આંખે આવતું." મા કંઈક દુ:ખી થતા બોલી હતી. ધીમે ધીમે આ બધાનો અર્થ મને સમજાવા લાગ્યો હતો.

માસ્ટરજી બહુ ચોક્કસ તેમની વસ્તુ, સમય, ખાન પાન અને એકાંત માટે. બધું બરાબર વ્યવસ્થિત જ હોવું જોઈએ તેના કડક આગ્રહી. માસીબા જેનું નામ. એ તો નીચી નજરે એમનું કામ ચોકસાઈથી કર્યા કરે. છતાં માસ્ટરજીની ઉપેક્ષાભરી નજર ને કટાક્ષભરી વાણી તો અવિરત ચાલ્યા જ કરે. આ જોઈને મા કહેતી પણ ખરી, " આ માસ્ટરજી તો હાથી જેવા છે. તેમના દેખાડવાના ને ચાવવાના બન્ને દાંત જુદા."

બહારથી સંસ્કારી, સજ્જન, ને પાંચમાં પૂછાતાં માસ્ટરજી અંદરથી અભિમાની, ઉદ્ધત, ને ' હું ' પદમાં રાચનારા હતા.

સવારથી માસ્ટરજી એમની સફેદ ગાદી તકિયા વાળી રૂમમાં તૈયાર થઈને બેસી જતા. તેમની પાસે મોટા ઘરની શેઠાણીઓ સંગીત શીખવા આવતી. ને પછી રૂમ બંધ થઈ જતો. માસીબા એ અભેદ કિલ્લામાં જવાની હિંમત કે ઈચ્છા પણ ન કરતા. બસ બધું ચૂપચાપ ચાલ્યા કરતું.

હું માસીબા પાસેથી ખૂબ શીખી. સ્વાદિષ્ટ રસોઈ, કાર્ય કુશળતા, ભરત ગૂંથણ વગેરે શીખીને લગ્ન કરી સાસરે આવી. મારા હૈયે હમેશાં મારી મા કરતા માસીબાનું દુ:ખ વધુ રહેતું, કે તે એકલા થઈ ગયા હશે આટલા મોટા ઘરમાં. જ્યારે પિયર જતી ત્યારે માસીબાને મળવા પહેલા જતી. એ પણ મારી રાહ જ જોતા હોય. એમનું મૌન મારી સામે જ તો છૂટતું હતું.

હમણાં મહિના પહેલા જ તેમને મળવા ગઈ હતી ત્યારે માસીબા કેટલા નંખાઈ ગયેલા ને થાકેલા લાગતા હતા. "માસીબા, એક બાઈ રાખી લો હવે, આ બધા કામ કરવા. તમને એનો સાથ પણ રહેશે ને થોડો બોલો ચાલો પણ રહેશે."

"અરે બેટા, બાઈ કોઈ દિવસ બાઈ રાખે? હું જ બાઈ છું તારા માસ્ટર કાકાની. એમને બીજાના હાથનું કામ ફાવે નહીં ને કાંઈ આડું અવળું થાય તો એમને તો બોલવાનો મોકો મળે, ને ઘરની વાત બહારના જાણી જાય."

"માસીબા, તો તમે તમારા છોકરાઓ પાસે જાવ, કે એમને જ અહીં તેડાવી લો. આટલું મોટું ઘર છે તે વાંધો તો નહી જ આવે."

"છોકરાઓને તો મેં જ આગળ રહીને પરદેશ મોકલી દીધા છે. મેં તો મારા હકના પ્રેમને જતો કર્યો છે. વહુઓ સામે મારું અપમાન થાય તે કેમ સહન થાય?" અમારી વાતો ચાલતી હતી ત્યાં જ મોટી ગાડીમાં બેસી એક શેઠાણી આવ્યા. ગાડીનો હોર્ન સાંભળી માસ્ટરજીના રૂમનો દરવાજો ખૂલ્યો, ને તરત બંધ પણ થઈ ગયો. મને એ શેઠાણીનું સડસડાટ રૂમમાં ઘૂસી જવું જરા ખટક્યું. માસીબાને કેમછો?, પ્રણામ, કે નજર મેળવીને હોઠનો મલકાટ પણ નહીં. આટલી બધી ઉપેક્ષા માસીબાની એમના જ ઘરમાં? હું કંઈ બોલું એ પહેલાં જ મારો હાથ દબાવી માસીબા બોલ્યા, "પહેલાં માણસ ટેવ પાડે છે, ને પછી ટેવ માણસને પાડે છે."

"પણ હવે ક્યાં સુધી આમ ને આમ?" મેં ખૂબ અકળાઈને કહ્યું.

"માટીનો માનવી માટીમાં ન ભળે ત્યાં સુધી, માટીના માનવીને જ છેતરતો રહે છે."

"હં..." એક મોટા નિસાશા નાખવા સિવાય કોઈ શબ્દ ન હતા મારી પાસે બોલવા માટે.

"ચાલ, જવા દે એ બધી વાત. આજે આપણે સાથે બેસી ચા પીએ, અસ્સલ પહેલાની જેમ." હું વધુ દુ:ખી ન થાઉં એટલે કે પછી, ઘણા વખતથી એકલા એકલા ચાના ઘુંટડા ગળતા હતા તેથી, કોઈના સાથને ઝંખતા માસીબા બોલ્યા. પણ ખરેખર, એ દિવસની ચા મને કડવી વખ જેવી લાગી હતી.

"હા... શ..!" આજે માસીબા સોનાના પાંજરામાંથી છૂટ્યા. ને મેં હાથ ખંખેર્યા.


Rate this content
Log in

More gujarati story from Alpa Vasa

Similar gujarati story from Inspirational