પારસ
પારસ


પારસ, મારી શાળાનો પહેલા ધોરણનો બાળક. ખૂબ જ શાંત ને ચૂપ. એના કોઈ મિત્રો પણ નહીં. બાળસહજ નો કોઈ તરવરાટ જ નહીં તેનામાં. એની નિર્દોશ આંખો જોઈને વ્હાલ ખૂબ આવે તેના પર. એને પણ મારું એને પંપાળવું, માથે હાથ ફેરવવો બહુ ગમે. મને જુએ કે તરત એની આંખો મને બોલાવે. એના લંચ બોક્સમાં કાં તો એક સફરજન, કે કેળું કે પછી બિસ્કીટ જ હોય. સ્કુલના નિયમ પ્રમાણે શાક રોટલી ન જ હોય.
સ્કુલ ખુલ્યાને પંદર દિવસ થયાં, આજે એને ઘરેથી કોઈ લેવા જ ન આવ્યું . એકલો જ બાકી રહ્યો હતો આખા વર્ગમાં, છેલ્લી પાટલી પર બેઠો હતો. મેં એની પાસે
જઈ, વ્હાલથી હસી વાત કરવાની શરુ કરી. ખબર પડી એ અહીં એના પપ્પા સાથે ફોઈના ઘરે રહે છે. મમ્મી દેશમાં છે. સવારે ૮ .૩૦ ની સ્કુલ ને ફોઈએ રસોઈ કરી ન હોય, કેવી રીતે ટીફીન લાવે? ત્રણ દિવસથી પપ્પા પણ કામસર બહારગામ ગયા છે, કોણ યાદ કરી લેવા આવે? કે નવરાવીને તૈયાર કરી સ્કુલે મૂકી જાય? ઘરે ભણાવવાનો તો કોઈ પાસે સમય કે ચિંતા જ નથી.
અડધા કલાક પછી દોડતો દોડતો કોઈ છોકરો પારસને લેવા આવ્યો, એ ગયો, જતાં જતાં એની કોરી આંખોએ મને જોતો રહ્યો, ને મારી આંખો ભીની થઈ ગઈ. શું એનું બાળપણ આમ જ મુરઝાઈ જશે ?