Alpa Vasa

Inspirational Crime Others

3  

Alpa Vasa

Inspirational Crime Others

બંદિની

બંદિની

5 mins
15.2K


        બંદિની 

       "કૌન? રોશની સે મિલના હૈં આપ કો? સંભલના સા'બ.. , વો તો (.......) હૈં. જરા સા બાત કરને પે કાટને દૌડતી હૈ." 

" મેરી ફીક્ર મત કરો, મૈં સંભાલ લૂંગા. બસ, મેરી ઉનસે મીટીંગ તય કરવા દો."

" આપ કે પાસ યહ ચિઠ્ઠી હૈં ઈસલિયે કલ શામ કો પાંચ બજે સે છેહ બજે કા સમય દેતા હૂં. પર ઉસ (......) કી શર્ત હૈં, વો કિસી કો કમરે મેં નહી મિલતી. જાલી સે હી બાત કરની પડેગી." 

" જી, ચલેગા." 

           જેલનું બંધિયાર વાતાવરણ રાજીવને ખૂબ અકળાવતું. પણ ત્યાંથી જ તેને હમેશાં કંઈક નવી, અલગ ને પડદા પાછળ રહેલી વાર્તા મળતી. ને એ સચ્ચાઈ તે સમાજ સામે ધરતો. જેની કલ્પના ભદ્ર સમાજે કરી પણ ન હોય. 

રાજીવ પોતાનું ટેપ રેકોર્ડર લઈને સાડા ચાર વાગે જ જેલના દરવાજે પહોંચી ગયો . " સંભાલના સા'બ" ફરી સંત્રીએ ચેતવ્યો ને જાળીવાળા ઓરડા તરફ દોરી ગયો. 

" બોલો સાહેબ, શું કામ પડ્યું મારું?" ઓરડામાં પ્રવેશતા જ કંઈક નામરજીથી રોશની બોલી. 

" મારે તમારું કામ નહી, પણ કદાચ તમને મારું કામ પડવાનું છે તે જાણીને હું સામેથી તમને મળવા આવ્યો છું." 

રોશનીનું બોલવા માટેનું મોઢું ખુલ્લું જ રહી ગયું. જાણે પહેલા બોલમાં જ આઉટ થઈ ગઈ. 

" હંઅ્ ... મારી મદદ ખુદ ઈશ્વર ન કરી શક્યો તે તમે શું કરવાના?" 

" જુઓ રોશની, ઈશ્વર એની પથ્થરની પ્રતિમામાં, મંદિરના સોને મઢેલા દરવાજાની પાછળ કેદ છે. અને હું તેનો જ અંશ, આઝાદ છું. તો મદદ તો હું જ કરી શકીશ. તમારે ફક્ત તમારા વિશ્વાસને થોડો મારા તરફ ફેરવવો પડશે." 

" હં.. બોલો છો તો બહુ સરસ. પણ તમારો સમય એક કલાકનો જ છે. અને વાતો કરવાનો મને સમય નથી."

" મને ખબર છે. તો હવે તું તારી વાત કહે, કેવી રીતે અહીં આવી? " રાજીવ ખૂબ ઝડપથી બોલવામાં, તમે પરથી તું પર આવી ગયો હતો. રોશનીને તેમાં થોડી આત્મીયતા લાગી. 

" બધું અહીંની ફાઈલમાં લખેલું જ છે, પછી શા માટે ફરી ફરી ભૂતકાળ ઉખેળાવો છો? " કહી રોશની દરવાજા પર રહેલા સંત્રી સામે ઘુરકિયું કરી ઝડપથી ત્યાંથી નિકળી ગઈ. 

" સા'બ જાઓ, યે ગલનેવાલી ગાલ નહી હૈં." સંત્રી ખુંધું હસતા બોલ્યો.

          જીંદગી ક્યાં સહેલી છે. એને સહેલી બનાવવી પડે છે. કંઈક આપણા અંદાજથી, તો કંઈક નજર અંદાજથી. રાજીવ આ વાત બરાબર જાણતો હતો, અને એમ કાંઈ લીધી વાત છોડી દે તેવો ન હતો. તેણે બીજે દિવસે એક નાનું પાર્સલ રોશનીના નામનું જેલમાં જઈ આપ્યું. ને અઠવાડિયા પછી ફરી રોશનીને મળવાનો સમય લીધો. 

        રાજીવે મોકલેલા પાર્સલમાં ઘણા બધા છાપાની કાપલીઓ હતી. તે ' સત્યની કિંમત ' નામની કોલમ લખતો હતો. તેમાં આવરેલી તેની વાર્તા પોતે જ ખણખોદીને ગોતેલી સત્ય ઘટનાને, સંજોગો સાથે મુલવીને સમાજ સમક્ષ મુકેલી હતી. રોશની અઠવાડિયાના સમયમાં લગભગ ચાર થી પાંચ વાર એ બધું વાંચી ચૂકી હતી. હવે તો એ પણ રાજીવને મળવા ઉત્સુક હતી. દૂધનો દાઝેલો છાશ પણ ફૂંકીને પીએ એમ સંપૂર્ણ પુરુષ જાતી પરનો વિશ્વાસ ગુમાવી ચૂકેલી રોશની જાળીમાં થી જ રાજીવને ફરી મળી. 

" કેમ છે તું? બધું ઠીક?" 

" હં" રોશનીએ એકાક્ષરી જવાબ આપ્યો. 

" શા માટે આટલો ભાર જીવ પર લઈને ફરે છે? મનની વાત મનમાં સંઘરી રાખવા કરતા કોઈ સાથે શેર કરવી જોઈએ. જેથી મન તો હલકું થાય, અને ભૂતકાળને ભૂલવામાં મદદ રૂપ પણ થાય." 

" બરાબર છે. હું તો સંબંધનો સરવાળો કરતી રહી ને મારી જ બાદબાકી થઈ ગઈ. પણ તમારી છાપાની કોલમ વાંચી થાય છે, બીજાને મારાથી ય વધુ તકલીફ, પીડા છે. " આટલું બોલતા રોશનીની આંખમાં પાણી ભરાતા, તેની વાણીનો બંધ તૂટી ગયો. 

" મેં.. મેં મારા બાપને માર્યો નથી. એ તો એના કુકર્મોએ જ મોતને ભેટ્યો હતો. " ને એનું ડૂસકું નિકળી ગયું. રાજીવે તેની સામે પાણીનો ગ્લાસ ધર્યો. હવે તે થોડી સ્વસ્થ થઈ. 

" મને ખબર છે રોશની, ને મારે એ જે નથી કહેવાયેલી, તારા દિલમાં ધરબાયેલી વાત જાણવી છે." 

ગળું ખંખેરી, હિંમત એકઠી કરી રોશનીનો વાક્ પ્રવાહ ચાલુ થયો. " હું પાંચ - છ વર્ષની, મારી મા ની આંગળિયાત હતી. નવા બાપને ત્યાં એક મોટો ભાઈ ને પછી બેન હતી. બેન મને બહુ વહાલ કરતી. બે વર્ષ તો મારી અણસમજમાં ગયા.પણ પછી મને સમજાવા લાગ્યું. મારો બાપ દારૂ પીને આવે ને મા ને ખૂબ મારે. સમય કસમયે બેનને અડપલાં કરે. એ એની સગી દિકરી હતી. પણ હેવાનને સગી શું કે પારકી શું? એને તો મતલબ હતો ફક્ત સ્ત્રી દેહ સાથે. ખૂબ કંટાળેલી બેન એક દિવસ ઘર છોડીને ભાગી ગઈ. હું ઈચ્છું છું એ હવે સુખી જ હશે. પછી બાપની નજર મારા પર પડવા લાગી. મા બધું સમજે પણ અસહાય ને અબળા. શરીરે સાવ નંખાઈ ગયેલી, હાથમાં જોર નહીં ને વાણી પર અલીગઢી તાળું. એક દિવસ એનો આત્મા પણ એની નાહિંમતથી રિસાઈ ગયો, ને એને છોડી ચાલી ગયો. ઘરમાં હવે હું, ભાઈ ને બાપ ત્રણ જણા. હવે ભાઈ પણ અડપલાં કરી હાથ સાફ કરવા લાગ્યો હતો. ને બાપને મોકળું મેદાન મળી ગયું હતું. મા ને મર્યાને હજી પંદર જ દિવસ થયા હતા . હું ખરલ પર ચટણી વાટતી હતી. બાપ બહારથી ઘરમાં આવ્યો ને મારી તરફ લપક્યો. મેં હાથમાં રહેલો પથ્થર એની તરફ ઘા કર્યો. ને તે ઘા બચાવતા એ અભરાઈ સાથે ભટકાયો. કપાળ ફૂટ્યું ને નારિયેળની જેમ વધેરાઈ ગયો. કોઈને અભરાઈ કે બાપના કરમ ન દેખાયા. ને સૌને મારી પાસેનો ચટણી વાટવાનો પથ્થર ને હું જ દેખાયા. બાપથી તો હું છુટી હતી પણ ભાઈ નામે દૈત્ય સામે હજી રોજ લડવાનું હતું. ને બીજા કેટલાય સંબધ વગરના દૈત્યો સમાજમાં હતા, તે બધા સામે લડવા કરતા મેં જેલને વધુ પ્રિય ગણી. ને ચૂપચાપ ગુનો કબુલી અહીં આવી ગઈ. અહીં પણ એ જ માટીના પુરુષો છે, પણ એ લોકો સામે પોતાને બચાવતા શીખી ગઈ છું. " તંદ્રામાં હોય એમ રોશની અસ્ખલિત બોલતી ગઈ. રાજીવે પણ તેને અટકાવી નહી. જેલનો સમય પૂરો થઈ જતા રાજીવે ત્યાંથી વિદાઈ લીધી. પણ તે દિવસથી રોશની ખૂબ હળવી થઈ ગઈ હતી. 

રાજીવે તેની નિર્દોષતા અને કડવી વાસ્તવિક્તા સભ્ય સમાજ સમક્ષ પોતાની કોલમ " સત્યની કિંમત " મા આલેખી. એને ખૂબ સુંદર પ્રતિભાવ મળ્યો. લોકોનો ઝુકાવ એની વાર્તા પર અને એનો ઝુકાવ રોશની પર થવા લાગ્યો. રાજીવ, રોશનીને પોતાના મનની વાત કહેવા જેલમાં ગયો. રોશનીને પણ રાજીવ, તેની વાત, અને દિલની સચ્ચાઈ સ્પર્શી ગઈ હતી. પહેલી વાર કોઈએ એની સાથે સજ્જનતાથી ને સલુકાઈથી વાત જો કરી હતી. 

" થેંક્સ, મારી વાત લોકો સુધી પહોંચાડી, અને સૌને ગમી, મને જેલમાં થી છોડાવવા માટેનો અભિયાન પણ ચાલુ થઈ ગયો છે." 

" અને હવે તું મારી થાય તો મને ગમશે." રાજીવે ઝડપથી મનની વાત કહી દીધી. ને રોશનીને વિચાર કરવાનો સમય આપી, ફરી મળવાનો વાયદો કરીને ગયો. અને રોશનીના મગજમાં ગડમથલ ને ઉથલ પાથલ કરતો ગયો. 

ચારેક દિવસ મહામુસીબતે કાઢ્યા પછી, ખૂબ આશા લઈ રાજીવ જેલમાં રોશનીને મળવા ગયો. ત્યાં રોશનીની જગ્યાએ એની લખેલી ચિઠ્ઠી મળી. 

" રાજીવજી, 

       ઉપરવાળો રમાડે છે રમત શૂન્ય ચોકડીની.

        હારો તો ચોકડી ને જીતો તો ય શૂન્ય. 

                       છું હું બંદિની,

                      કેમ કરી હું બનું,

                      તુજ સંગીની?? " 

Thanks,

Alpa Vasa


Rate this content
Log in

Similar gujarati story from Inspirational