શિવમની સમજદારી
શિવમની સમજદારી


છઠ્ઠા ધોરણમાં ભણતો શિવમ રોજની જેમ ઊગતા સૂરજની રોશનીમાં બાળસહજ મસ્તીમાં અજીબ ઉત્સાહ સાથે શાળાએ જઈ રહ્યો હતો. ઘર અને શાળા વચ્ચે વધુ અંતર ન હોવાથી શિવમ દરરોજ પગે ચાલીને શાળાએ જતો. ગામડાના ધૂળિયા રસ્તા ઉપર હસતાં - રમતાં, પશુ – પક્ષી, વૃક્ષો સાથે મીઠી મસ્તી કરતો શાળાએ પહોંચતો.
દરરોજની જેમ આજે પણ પોતાની મસ્તીમાં શાળાએ જઈ રહેલા શિવમને, રસ્તામાં એક ગરીબ, ફાટેલા મેલા કપડાવાળો તેની જ ઉંમરનો બાળક મળ્યો, ગરીબ બાળકનું નામ રઘુ હતું, આમ તો અવારનવાર તે આ બાળકને જોતો, અને તેના મનમાં અનેક પ્રશ્નો ઊઠતા,આજે તે ગરીબ બાળકને જોઈ બાળસહજ કુતુહલતા સાથે ત્યાં ઊભો રહી ગયો.
તેણે એ ગરીબ બાળકને પૂછ્યું :
“તું શાળાએ નથી જતો?”
“શાળા! મેં કદી શાળા જોઈ જ નથી.”
“તો આંખો દિવસ તું શું કરે છે?”
“હું અને મારી બહેન બાજુના તાલુકામાં પૈસા માગવા જઈએ છીએ.”
“એટલે કે તું ભીખ માગવા જાય છે!”
“હા... મારી મા અને બાપુ પણ એ જ કામ કરે છે.”
"મારા ગુરુ કહેતા હતા કે ભીખ માગવી એ સારી બાબત નથી, દરેકે મહેનત કરીને પૈસા કમાવવા જોઈએ.”
ગરીબ બાળક કશું ન બોલ્યો, તે મનોમન કશું વિચારતો હોય એવું લાગ્યું.
શિવમે વિચારતાં - વિચારતાં તેની સ્કુલ બેગમાંથી કેટલાક છુટાછવાયા બોર કાઢી તે ગરીબ બાળકના હાથમાં મૂક્યા, બન્ને સાથે બેસીને બોર ખાવા લાગ્યા.
“રઘલા... રઘલા...” ક્યાંકથી બૂમ સંભળાતા રઘલો ઊભો થઈ ગયો, તેણે શિવમને કહ્યું, “મારા બાપુ બોલાવે છે, મારે બાજુના ગામમાં માગવા જવાનો સમય થઈ ગયો છે.”
શિવમ કશું બોલે એ પહેલાં જ રઘલો દોડીને ઘર તરફ જતો રહ્યો. સમય ખાસ્સો પસાર થઈ ગયો હતો. શિવમ પણ પોતાનું દફતર લઇ શાળા તરફ ચાલવા લાગ્યો.
શિવમને શાળાએ પહોચવામાં મોડું થતાં તે ડરતો – ડરતો શાળામાં પહોંચ્યો. શિવમને આટલો મોડો આવેલો જોઈ તેના ગુરુએ મોડા આવવાનું કારણ પૂછ્યું, જવાબમાં શિવમ કંઈ ન બોલ્યો.
તેના ગુરુએ ગુસ્સામાં જ કહ્યું: “આજે તો જવા દઉં છું પણ હવે પછી નહીં ચલાવું, આવતીકાલથી મોડો આવીશ તો શાળામાં નહીં પ્રવેશવા દઉં, અને તારા ઘરે જાણ કરી દઈશ.”
બીજા દિવસે પણ શિવમને શાળાએ જતા રસ્તામાં પેલો ગરીબ બાળક મળ્યો. હવે બન્ને એકબીજાના મિત્ર બની ગયા હતા. ગરીબ બાળક શિવમને જોઈ ખુશ થતાં બોલ્યો, “ચાલ પેલા વડલા નીચે હીંચકા ખાઈએ.” શાળાએ પહોચવાનું હોવા છતાં તે પોતાની જાતને રોકી ન શક્યો.
બન્ને ગામની નજીક આવેલા વડલા નીચે હીંચકા ખાવા પહોંચી ગયા. વડલાની વડવાઈઓને પકડી બન્ને હીંચકા ખાવા લાગ્યા, હીંચકા ખાતા – ખાતા જ પેલા ગરીબ બાળકે શિવમને પૂછ્યું, “શિવમ શાળા કેવી હોય? મારે તારી શાળા જોવી છે.”
“તારે શાળા જોવી છે? મારી સાથે ચાલ હું તને મારી શાળા બતાવું.”
બન્નેએ એક જ ઝટકે વડવાઈઓ છોડી શાળા તરફ જવા દોટ મૂકી. શાળા નજીક આવતા જ શિવમે દૂરથી જ આંગળી ચિંધતા કહ્યું, “જો રઘુ પેલી દેખાય મારી શાળા.”
બન્ને શાળાના બિલ્ડીંગ નજીક આવી કમ્પાઉન્ડ બહાર ઉભા રહ્યા. “ટંગ.. ટંગ ...” ડંકા પડ્યા અને હો...હા... કરતાં બધાં જ બાળકો દોડીને શાળાના મેદાનમાં આવ્યા. રઘુ તો આટલા બધા બાળકોને જોઈ દંગ થઈ ગયો. તેનાં બાળમનમાં અનેક પ્રશ્નો ઉભા થયા. “શિવમ, બાળકોને રજા મળી ગઈ?”
“ના, રજા મળવાને તો હજી બહુ વાર છે, આ તો શાળામાં વચ્ચે થોડો સમય રમવા માટે છુટ્ટી આપવામાં આવે છે.”
“શિવમ મને પણ આ બાળકો જોડે રમવાનું મન થાય છે, ચાલ આપણે રમવા જઈએ,”
"ચાલ..." કહેતા બન્ને શાળાના કમ્પાઉન્ડમાં પ્રવેશ્યા, શિવમથી તો સૌ કોઈ પરિચિત હતા પણ લઘરવઘર રઘુને બધા બાળકો પશ્નાર્થભરી નજરે સાથે જોવા લાગ્યા. તરત જ શિવમે રઘુની પોતાના મિત્ર તરીકેની ઓળખ આપી અને ક્ષણમાં જ તેમની એ પ્રશ્નાર્થ ભરેલી નજરને જાણે સંતોષ થયો અને બધા સાથે રમવા માંડ્યા. થોડી વારમાં ફરી ડંકા વાગ્યા અને બધા બાળકો રમવાનું પડતું મૂકી પોતપોતાના વર્ગખંડમાં જવા લાગ્યા.
“રઘુ, રીસેસ પૂરી થઈ છે, મારા ગુરુજી જુએ એ પહેલાં તું ઘરે જતો રહે હું મારા વર્ગમાં જાઉં છું.”
રઘુ ઘરે જવા નીકળ્યો પણ તેનું મન તો શાળામાં જ ચોટેલું હતું, આટલા બધા બાળકો સાથે તે પહેલીવાર રમ્યો હતો. પહેલીવાર તેણે બાળકો સાથે રમવાની ખુશી મળી હતી. “મારી મા કેમ મને નિશાળે મોકલતી નથી?” આવો પ્રશ્ન તેના બાળમનમાં ઊઠ્યો.
બીજે દિવસે રઘુની માતાએ રઘુને કહ્યું, “રઘુ આજે બાજુના શહેરમાં મોટો ઉત્સવ છે, ત્યાં વહેલાં પહોંચવાનું છે, આજે ખૂબ પૈસા મળશે.
રઘુએ સાફ ના કહેતા કહ્યું, “હું આજે શહેરમાં માગવા માટે નહીં આવું.”
“નહીં કેમ આવે? તમને બાળકોને જોઈને તો લોકો ભીખ આપે છે.”
“મારે શિવમ સાથે શાળાએ જવું છે.”
“શું...? શાળાએ જવું છે?” કહેતા તેની માતાએ એક જોરદાર થપ્પડ મારી.
રઘુ જોરજોરથી રડવા લાગ્યો, તેની મા બાવડું પકડી ખેંચવા લાગી. તે જ સમયે શાળાએ જવા નીકળેલો શિવમ ત્યાં આવી પહોંચ્યો. રઘુને આમ રડતો કકળતો જોઈ તે ત્યાં રોકાઈ ગયો, “આંટી રઘુને શા માટે મારો છો?”
“મોટો શાળાએ જવાની વાત કરે છે, અમને કાંઈ ભણવા – બણવાનું ન પાલવે.”
“રઘુ ભણવા માગે છે, તો એમાં ખોટું શું છે? એને મારી સાથે શાળાએ મોકલાવોને.”
“રઘુ નિશાળે જશે તો અમે બધા ભૂખે મરશું. રઘુ હાથ ફેલાવે તો અમને વધુ ભીખ મળી છે. તેની બહેન તો હજુ છ જ મહિનાની થઈ છે.”
“આંટી, સરકારી શાળામાં કોઈ ફી લેવામાં આવતી નથી, પાઠ્યપુસ્તક, યુનિફોર્મ બપોરનું જમવાનું બધું જ સરકાર તરફથી ફ્રીમાં આપવામાં આવે છે. રઘુની ઉંમર પ્રમાણેના ધોરણમાં તેણે પ્રવેશ મળશે,શાળામાં જન્મ તારીખનો દાખલો ન હોય તો પણ ચાલે.
“પણ અમારા ગુજરાનનું શું?”
“તમે કામ શોધશો તો જરૂર તમને કામ મળી જશે, ભીખ માગવાની કોઈ જરૂર નહી પડે.”
“ચાલો, આજે જ મારી શાળામાં રઘુને પ્રવેશ અપાવવા.”
શિવમ,રઘુ,અને તેની માતા એક સાથે શાળાએ પહોંચ્યાં.
શિવમને અજાણ્યા લોકો સાથે શાળામાં આવેલો જોઈ તેના વર્ગશિક્ષક અને આચાર્યને નવાઈ લાગી.
“આ લોકો કોણ છે? અને શા માટે આવ્યા છે?” એમ પૂછતાં જ શિવમે રઘુને શાળામાં પ્રવેશ અપાવવા માટે લાવ્યો છું, એમ કહી બધી વાત કરી. રઘુની વાત સાંભળી શિવમનાં વર્ગશિક્ષકને તેના મોડા આવવાનું કારણ પણ સમજાઈ ગયું. રઘુને શાળામાં પ્રવેશ મળી ગયો. શિવમની આગવી સમજદારીના કારણે રઘુ શાળા સુધી પહોચ્યો. શિવમે મોડા આવવા બદલ શિક્ષકની માફી માગી.
“તારે માફી માગવાની કોઈ જરૂર નથી, તારું આ કાર્ય ખરેખર પ્રશંસાને પાત્ર છે. તારા કારણે જ શિક્ષણથી વંચિત રઘુ શાળા સુધી પહોંચ્યો છે.”
બીજા દિવસે શિવમ શાળાએ જવા નિકળ્યો રસ્તામાં રઘુ પણ દફતર લઇ શિવમની રાહ જોઈ ઊભો હતો. રઘુ આજે ખૂબ ખુશ લાગી રહ્યો હતો, બન્ને સમયસર શાળાએ પહોંચ્યા. શાળાના પ્રાર્થના કાર્યક્રમમાં શિવમનાં વર્ગશિક્ષકે રઘુ અને શિવમને બધા બાળકો સામે ઊભા કરીને નવા આવેલા રઘુનું સ્વાગત કર્યું. રઘુને શાળા સુધી લાવવા માટે શિવમની સમજદારી બદલ તેને શાબાશી આપી તેનું ખાસ સન્માન કરવામાં આવ્યું. બધા વિદ્યાર્થીઓએ પણ તાળીઓ વગાડી શિવમના આ ઉમદા કાર્યને બિરદાવ્યું. શિવમ અને રઘુ દરરોજ સાથે શાળાએ જાય છે.