Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra
Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra

mariyam dhupli

Inspirational Children


5.0  

mariyam dhupli

Inspirational Children


આઈસ્ક્રીમ

આઈસ્ક્રીમ

5 mins 389 5 mins 389

'આર યુ ઈન ?'

અંતિમ પંદર મિનિટથી વ્હોટ્સએપ ઉપર થઈ રહેલી હો..હા... આખરે એક અંતિમ પ્રશ્નમાં સંકેલાઈ ગઈ. ગ્રુપ ચેટિંગનો એ પ્રશ્ન ફક્ત મારા માટે હતો અને મારા ઉત્તરની ઉત્સુકતાથી રાહ જોવાઈ રહી હતી. મારી હા કે ના ઉપર જ બધું અવલંબિત હતું.

અત્યંત ઠંડા કલેજે મેં ટાઈપ કરી નાખ્યું. 

'નો, આમ નોટ ઈન.'

અને એ ગ્રુપ ચેટિંગને ત્યાંજ પૂર્ણવિરામ લાગી ગયું. મારો મોબાઈલ મારા હતાશ હાથમાંથી મારી પડખે નિર્જીવ સરી પડ્યો. 

હું જાણતી હતી કે ચેટિંગનો દરેક શબ્દ ફક્ત મારા માટે ટાઈપ થયો હતો. બધાજ મિત્રોને ફક્ત મને ખુશ નિહાળવી હતી. મારા ચહેરા ઉપર અગાઉ સમું હાસ્ય ફરી લઈ આવવું હતું. પણ હવે એ અશક્ય હતું. મારી બધીજ ખુશીઓ ઉપર સમયે નિર્દય બની પાણી ફેરવી દીધું હતું.

બીજે દિવસે મારો જન્મદિવસ હતો. બધા મારા માટે એક ઝૂમ પાર્ટી રાખવા ઈચ્છતા હતા. જેથી કરી ઘરે બેઠાજ બધા એકબીજાના સંપર્કનો લ્હાવો ઉઠાવી શકે. મારી કેક ઓનલાઈન કાપવાની, મ્યુઝિક પ્લેયર્સ અને ડીસ્ટન્ટ ડાન્સનો આનંદ માણવાની લાલચ પણ બધાએ મને આપી જોઈ. મારાં બાવીસ વર્ષમાં પ્રવેશવાનો એમને બધાને કેટલો આનંદ હતો ! તેઓ મને ચીઅર અપ કરવા ઈચ્છતા હતા. પરંતુ મને તો જન્મની પ્રક્રિયા ઉપરજ રીસ ચઢી રહી હતી. 

જન્મજ તો બધી ઝંઝટનું મૂળ છે. જન્મજ ન લીધો હોત તો કોઈ સંબંધમાં પણ ન બંધાઈ હોત. ને પછી એ સંબંધોથી અળગા થઈ જવાનો કોઈ ડર પણ ન હોત. 

ન કોઈ પીડા, ન કોઈ દુઃખ, ન પળ, પળ મૃત્યુનો ભય..

એક ઊંડો નિસાસો શરીરમાંથી બહાર નીકળ્યો કે ઘરની ડોરબેલ વાગી. મમ્મીએ બારણું ખોલ્યું. દીદી અને સ્વાતિ હતા. બારણું ખુલતાંજ દીદીએ ફેસ માસ્ક કાઢ્યું. મમ્મીની આંખોમાં ફરી ભેજ ઉમટી આવ્યું. દીદીએ દર વખતની જેમ એમને એક ગાઢ આલિંગન આપ્યું અને એ હળવા થયા. 

પપ્પા અમને બધાને છોડી સાવ અચાનક જતા રહ્યા હતા. બે મહિના પસાર થઈ ગયા હતા. પણ વેદના જાણે ઘરમાં અને હૃદયમાં બંને સ્થળે ઘર જમાવી બેઠી હતી. જવાનું નામ જ લઈ રહી ન હતી. અમે બધા એ હોમ ક્વારન્ટાઈનનો સમય પસાર કરી લીધો હતો. છતાં અમારું વિશ્વ જાણે એ ચૌદ દિવસોની અંદરજ ગોંધાય બેઠું હતું. 

દીદી ઝડપથી મમ્મી જોડે રસોડા તરફ આગળ વધી. પપ્પા હતા અને બહારની સૃષ્ટિ સામાન્ય હતી ત્યારે દીદી સ્વાતિને લઈ નિયમિત ઘરે આવતા. પણ હવે કશુંજ સામાન્ય ન હતું.

પપ્પા જ ન હતા. 

બહાર કોવીડ વાયરસનું સંક્રમણ ટળવાનું નામ લઈ રહ્યું ન હતું. દિવસે દિવસે પરિસ્થિતિ વધુ વણસી રહી હતી. દરરોજ કોઈને કોઈ નવું ઈન્ફેક્શન સમાચારમાં આવી હૈયું વલોવતું. ઓનલાઈન કોર્સસ મનને અકળાવી રહ્યા હતા. કોલેજનું મુક્ત કેમ્પસ અને મિત્રોના નિયમિત પ્રત્યક્ષ સંપર્ક અને સાથવાળું જીવન જાણે અચાનકથી ભૂતકાળ બની બેઠું હતું. અને ચાર ભીંત વચ્ચે ભીંસાતા આ જીવન કરતા તો જન્મજ ન લીધો હોત.....

ન થા કુછ તો ખુદા થા 

કુછ ન હોતા તો ખુદા હોતા 

દુબોયા મુજકો હોને ને 

ન હોતા મેં તો ક્યા હોતા ?

મારું મન પણ મિર્ઝા ગાલિબની મનોસ્થતિમાં ડૂબી રહ્યું હતું. 

એ સમયે દીદી મમ્મી જોડે ઉતાવળે પોતાના વ્યવહાર કરી રહી હતી. હવે તો એ અઠવાડિયામાં એકજ વાર આંટો મારતી. વારંવાર ઘરમાંથી બહાર નીકળવું સુરક્ષિત ન હતું. મમ્મીને જે આપવાનું હોય એ આપી જતી અને મમ્મીએ એને જે આપવાનું હોય એ સાથે લઈ જતી. જીજુ પણ 'વર્ક ફ્રોમ હોમ 'કરી રહ્યા હતા. આખો દિવસ જીજુ ઘરે એટલે દીદીને પણ ઘરે પરત ફરવાની ઉતાવળ. અઠવાડિયાનાં અન્ય દિવસોમાં વિડીયો કોલથી જ મન મનાવવું પડતું. 

મારી નજર ફરી મારા મોબાઈલની સ્ક્રીન ઉપર પરત થઈ. મિત્રોએ હથિયાર નાંખી દીધા હતા. એમની બધીજ આશ મારી નિરાશા હેઠળ ઠંડીગાર થઈ ચૂકી હતી. 

"હાય માસી....આઈસ્ક્રીમ ખાઈશ ?"

સ્વાતિ અચાનકથી મારી પડખે આવીને ગોઠવાઈ ગઈ. મને થોડી અકળામણ થઈ. સામાન્ય દિવસોમાં એવું થતું ન હતું. પરિવારની એકની એક એ નાનકડી ઢીંગલી મને જીવથીયે વધારે વ્હાલી હતી. જો સામાન્ય પરિસ્થિતિમાં એણે એ પ્રસ્તાવ મુક્યો હોત તો હું એની આઈસ્ક્રીમ છીનવી ભાગી ગઈ હોત. પછી એણે મારી પાછળ પાછળ આખા ઘરમાં દોડાદોડી કરી મૂકી હોત. અને જયારે થાકીને હાંફી ગઈ હોત તો પપ્પાને મારી ફરિયાદ કરી હોત. પછી પપ્પાએ મને અમસ્તીજ ધમકાવી હોત અને આખરે એ બધી ધમાલને અંતે મેં એને આઈસ્ક્રીમ પરત કરી હોત. 

પપ્પા.....

મારી નજર ભીંત ઉપર શણગારાયેલી પપ્પાની તસ્વીર ઉપર આવી પડી. એમની તીવ્ર યાદ વડે મન વધુ ખાટું થઈ ગયું. 

મારી પડખે ગોઠવાયેલી પાંચ વર્ષની સ્વાતિની ખુશી અને મનની શાંતિ પ્રત્યે મને વિચિત્ર ઈર્ષ્યા થઈ આવી. આઈસ્ક્રીમની મજા માણી રહેલા એના સંતુષ્ટ અને હાસ્યસભર હોઠ તરફ મેં એક વેધક દ્રષ્ટિ નાખી. એ આમ જીવન કઈ રીતે માણી શકે ? જાણે એ નિર્દોષ જગત જોડે મન બદલો લેવા તત્પર થઈ ઊઠ્યું. 

મારો અવાજ અત્યંત કઠોર અને કડવાશ સભર બન્યો.

" ના ! નથી ખાવી. "

મારા આક્રમણ સ્થળાન્તરને સમજવાની પરિપક્વતા હજી એ નિર્દોષ વિશ્વમાં કેળવાઈ ન હતી. હોઠ ઉપર પીગળેલી આઈસક્રીમને જીભ વડે સાફ કરતા એણે પોતાની અચરજથી વિસ્તરેલી મોટી મોટી આંખો મારી આંખોમાં પરોવી. એ ઘડીમાં મારા અંતરનો કડવાશ ચરમસીમાએ પહોંચ્યો અને મારી અકળામણ લાવા જેવા શબ્દોમાં સ્વાતિના મનોજગતની મનોવૈજ્ઞાનિક મર્યાદા નફ્ફટાઈથી ઓળંગતી કમાનમાંથી છૂટેલા તીર સમી સ્વાતિની ખુશીને નિશાનો બનાવી રહી. 

"કારણકે હવે બધુંજ નષ્ટ થઈ જશે. આખી દુનિયા જલ્દીજ સમાપ્ત થઈ જશે. કશુંજ બચશે નહીં. કોઈ પણ બચશે નહીં. આપણે પણ નહીં."

મારી ધારદાર આંખો એના માસુમ ચહેરા ઉપર જડાઈ ગઈ. એક ક્ષણ માટે એના હોઠ આઈસ્ક્રીમથી છૂટા થઈ પડ્યા. એની હેરતપૂર્ણ આંખો મારી કટાક્ષમય આંખોમાં ઊંડી ઉતરી. એણે કંઈક ક્ષણિક મનોમન્થન કર્યું હોય એવા એના હાવભાવોએ પુરવાર કર્યું. 

"સાચેજ ?"

મારી વાતની સાર્થકતા ચકાસવા એણે પ્રશ્નનો આશરો લીધો. મારા નફ્ફટ હાવભાવોએ ડોકું ધુણાવવાને જ પ્રાધાન્ય આપ્યું. 

બીજીજ ક્ષણે એણે પોતાની આઈસ્ક્રીમ મારાં હાથમાં થમાવી દીધી અને રસોડા તરફ દોટ મૂકી. 

"અરે ક્યાં જાય છે ?"

પાછળ ફર્યા વિનાજ સમયની કટોકટી હોય એમ એણે ભાગતા ભાગતા જવાબ આપ્યો. 

"જલ્દી કર માસી. નહીંતર આઈસ્ક્રીમ ખાવાની રહી જશે. બહુ સમય નથી. હું નાની પાસેથી બીજી આઈસ્ક્રીમ લઈ આવ છું. જેટલું ખવાય એટલું ખાઈ લઈએ. "

એનો જવાબ સાંભળી મારાં શરીરનાં રૂંવાડા ઊભાં થઈ ગયા. આંખમાંથી વહેલું ખારું પાણી આઈસ્ક્રીમ ઉપર આવી પડ્યું. આઈસ્ક્રીમ પીગળી રહી હતી. મેં ઝડપથી આઈસ્ક્રીમ ખાવાની શરૂ કરી. મારાં મનનો કડવાશ ધીમે ધીમે એ આઈસ્ક્રીમની મીઠાશે પીગાળી મૂક્યો. 

પડખેથી મોબાઈલ ઊઠાવી ગ્રુપ ચેટિંગમાં મારા અન્ય હાથની આંગળી વડે મેં અતિ ઉતાવળે ટાઈપ કરી નાખ્યું. 

'આ'મ ઈન.'

અને જોતજોતામાં મારો મોબાઈલ સંદેશાઓ વડે ફરી સજીવન થઈ ઊઠ્યો. 


Rate this content
Log in

More gujarati story from mariyam dhupli

Similar gujarati story from Inspirational