Kalpesh Patel

Inspirational Children

5.0  

Kalpesh Patel

Inspirational Children

નવજીવન - ધરતીનો મૂંગો સાદ

નવજીવન - ધરતીનો મૂંગો સાદ

6 mins
4.1K


ના વીજળીના દીવા હતા, કે ના ડીઝલની ગાડીઓ હતી, વાત છે સદીઓ પુરાણી. આખુ જગત જાણે એનું ઘર હોય, અને આભ ધરતીને ચૂમે છે તેટલે બસ  પહોચી જાવું તેવા વિચારમાં કોઈ ઉઘાડા પગે ચાલતુંં હતુંં.ચૈતર મહિનાની બપોરની સૂકી ધરતીને તાવી રહેલા ઝંઝાવાતી પવન અને ધૂળના વંટોળિયામાં એક અટુલો ઘરડો માનવી એકધારુ આંખો બંધ રાખી ચાલી રહ્યો હતો. એવામાં વંટોળિયા પવનથી ધકેલાતી કોઈક કાંટાળા બાવળની સૂકી ડાંખળી એના પગને અડીને લોહી નીકાળતી પસાર થઈ. વાગેલા કાંટાએ તેની બંધ આંખ ખોલી, આવા માથે ધોમ તપી રહેલ સૂરજના તાપમાં તેણે જોયું સામે એક ગામની સીમ હતી, ગામ સૂકું ભઠ દીસતુંં હતુંં, કોઈજ જગ્યાએ કઈ ઊગેલું નહીં, કે વાવેલું નહીં પાણી વારી જમીનમાં જાણે રણ, તે ગામ તરફ ગયો.

એ સુખીપુર નામનું ગામ હતું. ગામમાં પેસતા સાફસુધરા મકાનો તેની સમજુ નજરે જોયા.. "નામ તેવા ગુણ" ગામમાં સૌ સુખી હોય તેમ લાગતુંં હતુંં. ઘરડો મુસાફર આશરો લેવાની આશાએ ગામના ચોકમાં આવ્યો.તેનું નામ નવજીવન હતુંં. આખાય સુખીપુર ગામમાં તો શું પણ મલકમાં તેને કોઈ "ભૂતોભાઈ પણ ઓળખતો નહતો". ગામવાસીઓને તેની હાલત ઉપર ખૂબ દયા આવી અને ગામના મુખીએ તેને આશરો આપવા એક ઝૂંપડી ખોલીને આપી. ગામના રહેવાસીઓ વારાફરતી તેને રોજ ખાવાનું અને વાર તહેવારે કપડાં આપતા રહેતા.આવનાર ઘરડો માણસ "ભડનો દીકરો" હતો તેથી તેને રોજ બેઠા બેઠા મફતનું ખાવાનું ગમતુંં નહીં. "ભીખના શકોરા શીકે ના ચડે" તેવું નવજીવનનું માનવું હતુંં. તેણે આટલા દિવસના રહેઠાણ પછી જોયું તો. આખુય સુખીપુર ગામ કોઈ કામ –કાજ કરતુંં નહતુંં અને બાપદાદાના પૈસા ઉડાવી મોજથી રહેતા હતા.એને સૌને નફિકરા અને રેઢિયાર આળસુ જિંદગી જીવતા જોઈ ઘણો વિચાર કરી મનમાં એક ગાંઠ વાળી. નવજીવને આ ગામને પેઢીઓ સુધી તેઓ સાથે રહે એવું નવું કઈ આપવાનો વિચાર કીધો.

સુખીપુર ગામના મોટા વડીલ લોકોને કઈ શિખામણ દેવી તે "ભેજા ગેપ" લેખાય એવું હતુંં. આળસ સઘળા દૂષણનું મૂળ છે તે વિચારી તેણે પહેલા ગામલોકોની આળસ દૂર કરવાના ઉપાયે એક દિવસ મોકો જોઈ સુખીપુરગામમાં જામેલા ડાયરામાં ગામના રહેવાસીઑ ને કીધું કે, રોજ આમ કામ કાજ વગર પડી રહેવું ગમતું નથી. "ભણતર વિનાની જિંદગી થાય બરબાદ" માટે જો ગામવાસી તેઓના દીકરા – દીકરીઓને મંદિરે મોકલશે તો તે તેઓને ભણાવશે અને બીજા ગામનું અવનવું શીખવશે. નવજીવને કરેલી આવી સરળ વાત જામેલા ડાયરામાં બેઠાળું અને આળસુ બની હોકો પી રહેલા સુખીપુરવાસી માટે "ભેંશ આગળ ભાગવત" સમાન હતુંં તેઓએ હસી કહ્યું, અરે તું તારા રોટલાની ફિકર રાખ, નવજીવન તું ઘરડો છે આરામ કર, જોતો નથી અમે વળી કયું કામ કરીયે છીએ તો, બાકી તારે કરવું પડે, આવી "ભેજાનું દહીં કરતી" વાતુંં છોડ. મહેરબાની કરી અમને કોઈ જ "ભેખડે ના ભરાવ", અને તારે કામજ કરવું હોય તો હવેથી તું અમારા તને આપેલા આરામના રોટલા ગણતો રહેજે. 

સુખીપુરમાં પુરુષોના મગજ ચાલતા નહતા, પરતુંં મહિલા સમુદાય હજુ જાગતો હતો, તેઓ પણ આ લોકોની આળસુ રોજનીશીથી મુંજાયેલા હતા, તેઓએ નવજીવનની વાત પકડી લીધી અને તેઓના છોકરાઓને નવજીવન પાસે ભણવા માટે મંદિરે મોકલવા તૈયાર થયા.

યુવાનીમાં ડગ માંડી રહેલ છોકરાઓમાંથી જૂજ છોકરાઓ નવજીવન પાસે આવવા લાગ્યા. નવજીવનને તેની આખરી મંજિલ ખબર હતી અને તે કોઈ સારા મોકાની રાહમાં હતો. તે આવનાર છોકરાઓને સારી સારી વાતો, ઉખાણા પૂછે, ગીત ભજન ગવરાવે અને મોજ કરાવે કોઈ લેસન આપતો નહીં. અને કોઈવાર અનાજ મંગાવી જુદી રીતે પકવી નવી વાનગી જમાડે. જોત જોતામાં તે લોકોમાં લાડકો બની ગયો. હવે ગામના છોકરાઓ ભેળા, બપોર પછી ગામના બૈરાં પણ જોડ્યા. આમ સમય વીતે હવે સુખીપુર ગામના કેટલાક પુરુષ પણ આવતા થયા. હવે આખુય ગામ ધીમે ધીમે નવજીવનની વાતુંંનું બંધાણી બની ચૂક્યું હતુંં. નવજીવનને જે મોકાની તલાશ હતી, તે હવે તેની સામે હતો. તેણે આજે આવેલાઓને કહ્યું, કે કાલે તે ગામના છોકરા – છોકરીઓને લઈ ગામના સીમાડે એક નવી જાણકારી આપવા લઈ જવા માંગે છે. આ જાણકારી માટે કેવળ છોકરાઓ – છોકરીઓએજ આવવું તેવી તાકીદ કરી કાલે મંદિરે બધા છોકરાઓને ભાથું લઈને સવારે પહોચવા કીધું.

સુખીપુરના કેટલાક અળવીતરાને મન તાલાવેલી ઊપજી,માળુ જાણવું જરૂરી છે કે, એવી કઈ નવી જાણકારી છે ? કે કેવળ નાના માટે હોય ? અને મોટા માટે નહીં. બીજે દિવસે છોકરાઓ ભેગા થયા અને નવજીવને તેઓને લાઈનમાં ચાર ગાઉ દૂર સીમમાં આવેલા એક સદીઓ જૂના વડના ઝાડની છાંયમાં લઈ બેસાડી સાથે લાવેલ ભાથુ જમવા કીધું. થોડીવાર પછી છોકરાઓ નવજીવનની સામે રોજની માફક ગોઠવાઈ ગયા. નવજીવને જોયું, તો થોડા સુખીપુર ગામના લોકો ફેલાયેલા વડના થડ પાછળ સંતાયેલા હતા. નવજીવન લાંબા સમયથી આ મોકાની તલાશમાં હતો. તેણે છોકરાઓને કીધું,જુઓ છોકરાઓ, કોઈને કહેશો નહીં, તમારું ગામ મહાન છે, મારા બાપુ મોટા જોશી હતા, તેઓએ મને કીધેલું કે સુખીપુર ગામના ખેતરોમાં સોનું – ચાંદી અને હીરા મોતીના ઘડાઓ દટાયેલાં છે. તમે મને સાથ આપો તો આપણે તે બહાર કાઢીએ. રોજ રાતે છાનામાના ચૂપચાપ કામ કરશું, અને ખજાનો મળે એટલે ગામના મુખીને આપી ઈનામ માંગીશું. તો બસ પછી મને પણ તે ઈનામથી સૌની સાથે આરામ અને મોજ. છોકરાઓ મોમાં આંગળી નાખી નવજીવનની વાતમાં હકારા માં ડોકી હલાવતા હતા તે ભેળા થડની ઓથે સંતાયેલા નવજીવનની વાતે રાજી થયા. આમેય આળસુઓને લોટરી કે છૂપા ખજાનાનું ઘેલું હાય છે. નવજીવનની વાત તેઓને સાચી લાગી અને મજા પડી ગઈ. તેઓ દોડતા ગામમાં આવી મુખી અને બીજા વડીલોને ગામના ખેતરોમાં રહેલ ખજાનાની કરેલી જોશીની આગાહીની વાત જણાવી. બધા આળસુ હતા તે ખરું, પરંતું નવજીવને કીધેલા ખજાનાનો મોહ એવડો મોટો હતો કે તેઓ દટાયેલાં ઘડા નીકાળવા માટે,ભંડકીયામાંથી કટાયેલા કોસ – કોદાળી પાવડા તગારા કાઢી સાફ સુધરા કરી પોતપોતાના ખેતરે પરિવાર સાથે ખોદકામે લાગી ગયા.

ખેતરે ખોદકામ કરતાં દિવસો, અને દિવસો હવે અઠવાડીયા અને અઠવાડીયા હવે મહિનામાં રૂપાંતર પામી ગયા પરંતું ખજાનાના મોહમાં કામ ચાલતુંં ગયું. પણ કોઈ ખજાનો હાથ ન આવ્યો. લોકોએ નિરાશ થતાં કીધું નવજીવનની હવે ખેર નથી, તેણે સૌ પાસે ખોટે ખોટી મજૂરી કરાવી અને તે બદલ આપણે જવાબ માગીશું આમ વિચારી નવજીવનની ઝૂપડીએ ભેગા થયા. કાયમ ખૂલું રહેતુંં બારણું આજે અંદરથી બંધ હતુંં. તે જોઈ ગામના લોકો વધારે રોષે ભરાણા, અને ઝૂંપડીનું બારણું તોડી નાખ્યું, જુવે છે તો નવજીવન નીચે સૂતેલો હતો, બધા એને વીંટળાઇ ગયા અને પોત પોતાનો રોષ ઠાલવતાં ગયા અને કહેતા ગયા, નવજીવન અમે તને આશરો દીધો અને તેના બદલે અમને તે ખોટે ખોટા ખજાનાના રવાડે ગોટે ચડાવી દીધા.આવું કેમ...?

નવજીવને કંપતા અવાજે કીધું તમારો મારી ઉપર મોટો ઉપકાર છે, તમે મને આશરો આપેલો છે તે સીદ ભૂલાય, બાકી હું રહ્યો સીધો માણસ, બિલકુલ મારા નામ પ્રમાણે – સવળું વાંચો કે અવળું એકજ – "નવજીવન" કહેતા ઝૂંપડીના ખૂણામાં ગોઠવેલી થેલીઓ તરફ હાથ કરી બધાની હાજરીમાં તે વખતે, તેણે તેનો દેહ છોડી દીધો. આખીય ઝૂંપડીમાં શાંતિ છવાઈ ગઈ, અને કઈક ખોટું કરવા બદલ લોકો દુ:ખ અનુભવતા હતા. થોડો સમય વીતે કેટલાકે નવજીવને હાથ કરેલી જગ્યાએ પડેલી થેલીઓમાં જોયું, તો થેલીઓમાં ગામના લોકોએ આપેલ અનાજને સાફ સુધરું કરી બનાવેલું બિયારણ હતુંં. કોઈ થેલીમાં ઘઉં,તો કોઈમાં બાજરી, તો વળી કોઈમાં જુવાર, તુવેર, બોર, થેલીઓ જેમ જેમ ખુલતી ગઈ તેમ જુદા જુદા બિયારણો મળતા ગયા,તેમ તેમ સુખીપુર ગામવાસીઓને સમજ આવતી ગઈ. રહી રહીને હવે તેઓને ઝાડ-પાન અને ખેતીનું મહત્વ સમજાતાતુ હતુંં, સૌ કોઈ દિવંગત નવજીવનને મૂંગા આશિષ આપતા હતા. ખરેસમયે ખેતર ખોદકામ થઈ ખેડાઈ તૈયાર હતા અને સાફ સુધરું બિયારણ પણ હાથ હતુંં, અને માથે ચોમાસુ, બસ નવજીવનની ચિતા પેટાવી અને "ભૂલ્યા ત્યાંથી ફરી ગણો" એમ ખેતરે બિયારણ વાવવા કુટુંબ કબીલા સહિત આખાય ગામના છોકરા – છોકરીઓ પૂરા જોશ વાવણીએ વળગી ગયા.

આજે દિવાળીનો દિવસ હતો, સુખીપૂર ગામના બધાજ ખેતરો પાકથી લચી લહેરાઈ રહેલા હતા, તે સમયે સુખીપુરના લોકો દુ:ખી હતા, આજે તેઓના આળસમાં બહેરા બની ગયેલા કાનને ધરતીનો મૂંગો સાદ સંભાળાવી જગાડનાર ખુદ મૂંગો હતો..... "જ્યાં ખેતર ત્યાં ખેડો અને પાક લઈ થાવ આબાદ " નો સંદેશ ઉજાગર કરી સુખીપુર ગામને નવજીવન આપનાર 'નવજીવન' હવે તેમની પાસે નહતો.

હેતુ -વિવરણ :-

અંગ્રેજી ભાષાના તોફાન વચ્ચે આજની ગુજરાતની પેઢીનો ગુજરાતી વાંચન રસ કેળવાય કે જળવાય તે હેતુથી આજના પ્રોમ્પ્ટના સબજેક્ટ " Grow trees and take care of excising on mother planet to allow her to produce more pleaser and joy" ને બાળ માનસ ભોગ બને તે હેતુંથી આજની રચનાને જોડણી- જોડાક્ષરથી દૂર રાખી છે ઉપરાંત આપણી ગરવી ભાષાનો વારસો જળવાય માટે (ભૂમિ) આપણાં મૂળાક્ષર "ભ" થી ચાલુ થતી કહેવતોને પણ સમાવેલ છે.


Rate this content
Log in