Prafull Kanabar

Children Inspirational

4  

Prafull Kanabar

Children Inspirational

અજંપો

અજંપો

6 mins
22K


ચાર રસ્તા પર ગ્રીન સિગ્નલ થયું. પાંચ મીનીટથી રોકાયેલો ટ્રાફીક ગાયનું ધણ છૂટે તેમ છૂટ્યો. શુશાંતની કારની પાછળ હોર્ન પર હોર્ન વાગવા લાગ્યા. પાછળથી આવતાં સતત હોર્નનાં અવાજથી શુશાંત ચમક્યો. તેણે કાર ચાલુ કરીને ભગાવી.

શુશાંત આટલી હદે ક્યારેય વિચારે ન્હોતો ચડ્યો કે તેને કારણે ચાર રસ્તા પર ટ્રાફીક જામ થઈ જાય. જોકે શ્રેયા સાથેનાં રોજબરોજનાં ઝઘડાને કારણે તેનું મન ઉચાટમાં તો હંમેશા રહેતું. શુશાંતે ઘડીયાળમાં જોયું. હજૂતો ત્રણ જ વાગ્યા હતાં. શુશાંતનું ધ્યાન સામેનાં કાફે હાઉસનાં મોટાં બોર્ડ પર પડ્યું. તેણે ધીમેથી કાર તે તરફ લીધી. નસીબજોગે કાર પાર્કીંગ પણ મળી ગયું. તેણે કાફે હાઉસમાં જઈને કોફીનો ઓર્ડર આપ્યો. વેઈટર કોફી લેવા ગયો કે તરત જ શુશાંત ફરીથી વિચારે ચડી ગયો. તેણે શર્ટનાં ઉપલા ખીસ્સામાંથી કવર કાઢ્યું. કવરમાં મિતની સ્કુલનાં પ્રીન્સીપાલનો અંગ્રેજીમાં ટાઈપ કરેલો પત્ર હતો. શુશાંતે ફરીથી તે પત્ર વાચ્યો. આજે ચાર વાગે મિતનાં મમ્મી પપ્પા બંનેને પ્રીન્સીપાલ સાહેબે બોલાવ્યા હતાં. વળી આ બાબતે મિત સાથે કોઈ જ ચર્ચા ન કરવાની પણ તેમાં સૂચના હતી.

ગઈકાલે કુરીયરથી પત્ર મળ્યો ત્યારે જ શુશાંત અપસેટ થઈ ગયો હતો. આજ સુધી ક્યારેય આઠ વર્ષનાં મિતની સ્કૂલમાંથી કોઈ જ ફરીયાદ આવી ન્હોતી. રાત્રે મિત તેનાં રૂમમાં ઊંઘી ગયો ત્યારે શ્રેયા પાર્ટીમાંથી ઘરે પરત આવી હતી. “શ્રેયા, મિતની સ્કૂલમાંથી પત્ર આવ્યો છે. આપણને બંનેને પ્રીન્સીપાલ સાહેબે બોલાવ્યા છે. તું તો જાણે જ છે કે આજ સુધીનાં દરેક પેરેન્ટસ ડેમાં હું એકલો જ ગયો છું, આવતીકાલે અમારાં બોર્ડ ઓફ ડીરેક્ટર્સની ખૂબ અગત્યની મીટીંગ છે. હું નહીં નીકળી શકું, તારે એકલાં જ જવું પડશે.”

“કેમ, મિત મારાં એકલાની જવાબદારી છે ?” શ્રેયા તેનાં સ્વભાવ પ્રમાણે તાડૂકી હતી. દસ વર્ષનાં લગ્નજીવનમાં શ્રેયાએ ક્યારેય શુશાંત સાથે સીધી રીતે વાત કરી જ ન્હોતી. શુશાંતનાં શ્રેયા સાથે એરેન્જડ મેરેજ હતાં. લગ્નનાં પહેલાં જ દિવસે શુશાંતને ખ્યાલ આવી ગયો હતો કે શ્રેયા કરોડપતિ બાપની એકની એક મોઢે ચડાવેલી ઔલાદ છે. શુશાંત માનતો હતો કે મિતનાં જન્મ પછી શ્રેયા થોડી ઠંડી પડશે અને કીટ્ટીપાર્ટીઓ તથા મહીલા ઉત્કર્ષની પાર્ટીઓમાંથી નવરી પડશે. પરંતુ શ્વસરજીએ જેટલી સંસ્થાઓને સખાવત કરી હતી તે તમામ સંસ્થાઓનાં ટ્રસ્ટી મંડળમાં પણ શ્રેયાને સ્થાન મળી ગયું હતું પરિણામે તેની પાસે તો મિત માટે પણ સમય ન્હોતો.

મિતનો ઉછેર આયાએ જ કર્યો હતો. શુશાંત મલ્ટીનેશનલ કંપનીમાં માર્કેટીંગ મેનેજર હોવાથી તેને ટુરીંગ પણ ખૂબ રહેતું. જોકે શુશાંત શહેરમાં હોય ત્યારે તો મિતની પડખે રહેવાનો દિલથી પ્રયાસ કરતો. વેઈટર ટેબલ પર કોફીનો કપ મૂકી ગયો. અવાજ થવાથી શુશાંતની વિચારયાત્રા થંભી ગઈ. કોફી પીતાં પીતાં શુશાંતને તેનું બાળપણ યાદ આવી ગયું. પપ્પા નાટકનાં કલાકાર હતાં. મમ્મીનો શંકાશીલ સ્વભાવ હતો. શુશાંત ઘોડીયામા હતો ત્યારથી માતા પિતાનાં ઝઘડાનો સાક્ષી બની ગયો હતો. તે મિત જેવડો થયો ત્યારે તો પપ્પા નાટકની જ કોઈક નટી સાથે મલબાર હીલમાં રહેવા જતાં રહ્યાં હતાં.

પપ્પાને દેખાડી દેવાની વૃત્તિ વાળી મમ્મીએ બદલાની ભાવનાથી જ તેનાં કોઈક જૂના પરિચિત ક્લાસમેટનું ઘર માડ્યુ હતું. શુશાંત નાનાજીનાં બંગલામાં જ મોટો થયો હતો. નાનાજીનાં અવસાન બાદ તેમની તમામ મિલકત અને બંગલો નાનીનાં ભાગે આવી હતી. મામા અમેરિકા સેટલ થયા હતાં. નાનીએ શુશાંતને એમ. બી. એ સુધી ભણાવીને તેને માતા પિતા બંનેનો પ્રેમ આપવાની ભરપૂર કોશિષ કરી હતી. શુશાંતને આજે પણ તે દિવસ બરોબર યાદ હતો. જ્યારે નાનીની છેલ્લી માંદગીનાં દિવસો હતાં. યુવાન શુશાંતે રાતદિવસ જોયા વગર નાનીની સેવા કરી હતી. એક દિવસ શુશાંતે નાનીને કહ્યું હતું “જો મારા લગ્ન બાદ બાળક થશે તો હું કોઈપણ સંજોગોમાં તેની મમ્મીથી અલગ નહીં થવા એટલીસ્ટ બાળક માટે થઈને પણ હું ગમે તેટલાં સમાધાન કરવા પડશે તો કરી લઈશ.” બસ આ એક જ વાત પર શુશાંત શ્રેયાને એડજસ્ટ થતો ગયો હતો. શુશાંતનાં વધારે પડતા સમાધાનકારી વલણને કારણે જ શ્રેયા માથે ચડી ગઈ હતી. ગઈકાલે પણ તે બોલી હતી કે “મિત મારાં એકલાંની જવાબદારી છે ?” આ જ ડાયલોગ બાળપણમાં શુશાંત તેની મમ્મી પાસેથી સાંભળ્યો હતો. મમ્મી ગુસ્સાથી પપ્પાને કહી રહી હતી. “શું શુશાંત મારી એકલાંની જવાબદારી છે ?” વેઈટર બીલ મૂકી ગયો એટલે શુશાંત વર્તમાનમાં આવી ગયો. હજૂ બે કલાક પહેલાં જ શુશાંતે બોસ પાસે રજા માંગી ત્યારે બોસ અકળાઈ ઉઠ્યા હતાં. “મીસ્ટર શુશાંત, યુ નો વેરી વેલ ધેટ ધ મીટીંગ ઓફ ટુડે ઈઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કેન આઈ આસ્ક યુ ધેટ એવી તે શું ઇમરજન્સી આવી પડી છે ?”

શુશાંતે મિતની સ્કૂલનાં પ્રીન્સીપાલનો લેટર બતાવ્યો હતો.

“શુશાંત, આ કામ માટે તો વૈકલ્પિક વ્યવસ્થા પણ થઈ શકે.”

“ના, સર માતા-પિતાનો વિકલ્પ હોતો જ નથી.” બોલતી વખતે શુશાંતની નજર સામે તે નાનો હતો ત્યારનાં તમામ પેરેન્ટસ ડે પસાર થઈ રહ્યા હતાં. દરેક પેરેન્ટસ ડેમાં નાનીએ જ હાજરી આપી હતી.

“શુશાંત, શું તમારી વાઈફ પ્રીન્સીપાલને તમારી ગેરહાજરી માટેની મજબુરી નહી સમજાવી શકે ?”

“સર, તેને પણ આજે અનુકૂળ નથી.” શુશાંતનાં ગળે ડૂમો ભરાઈ ગયો.

“શુશાંત, હું તમારી આજની રજા મંજૂર કરતો નથી.” બોસ કડક વલણ અપનાવ્યું.

શુશાંતે શર્ટનાં ઉપલા ખીસ્સામાંથી એક કાગળ કાઢીને બોસનાં ટેબલ પર મૂક્યો.

“વ્હોટ ઈઝ ધીસ ?” બોસ ચમક્યા.

“માય રેઝીગ્નેશન લેટર સર... જે પીડા બાળપણમાં મેં ભોગવી છે, તે હું મારા દિકરાને ભોગવવા નહી દઊ” શુશાંત ત્વરિત ગતિએ બોસની કેબીનની બહાર નીકળી ગયો હતો.

વેઈટર ટેબલ પર બીલ મુકી ગયો એટલે શુશાંત બીલની રકમ ચૂકવીને કાફેની બહાર નીકળ્યો. તેણે કાર સ્ટાર્ટ કરી. માત્ર વીસ મીનીટ બાદ તે પ્રીન્સીપાલની સામે બેઠો હતો.

“મીસ્ટર શુશાંત શાહ, મિતનાં મમ્મી નથી આવ્યાં ?”

“સાહેબ, તેને અગત્યનું કામ હતું.” શુશાંત ધીમેથી કહ્યું.

“મિત ભણવામાં ખૂબ જ હોશિયાર છે, સ્માર્ટ છે.”

“શુશાંતને ધરપત થઈ કે ચાલો મિતની કોઈ ફરીયાદ તો નથી જ.”

“મિત લાગણીશીલ પણ છે.” પ્રીન્સીપાલ આગળ બોલ્યા.

“જી... સાહેબ” શુશાંતનાં ચહેરા પર પ્રસન્નતા છવાઈ ગઈ.

પ્રીન્સીપાલે ડ્રોઅર ખોલીને મિતનાં અક્ષરવાળો નાનકડો પત્ર કાઢીને શુશાંતને બતાવ્યો.

શુશાંત મિતનાં અક્ષરોવાળો તે પત્ર ધ્યાન પૂર્વક વાંચી ગયા.

“સાહેબ, મિતે હોસ્ટેલમાં રહેવા માટે શા માટે વિનંતી કરી છે તેનો મને ખ્યાલ નથી આવતો.”

“મીસ્ટર શુશાંત શાહ, અમારી હોસ્ટેલ અહીંથી વીસ કીમી દૂર છે. સામાન્ય રીતે શહેરની બહારથી આવતાં વિદ્યાર્થીઓ જ તેમાં એડમીશન લેતાં હોય છે. તમારું ઘર તો અહીંથી માત્ર ત્રણ કીમી જ દૂર છે. છતાં મિત શા માટે હોસ્ટેલમાં રહેવા માંગે છે ?”

“સાહેબ, હું સાચું કહું છું. આ બાબતે હું કાંઈજ જાણતો નથી.”

“બીઈગ એ ફાધર યુ શુડ નો ધેટ” પ્રીન્સીપાલે કડક ટોનમાં કહ્યું.

“યસ સર.”

“મીસ્ટર શુશાંત શાહ, મારો ટીચીંગ લાઈનનો ત્રીસ વર્ષનો અનુભવ એવું કહે છે કે જે બાળકને ઘરમાં ગમતું ન હોય તે જ હોસ્ટેલમાં રહેવા માટે લલચાતું હોય છે.”

“સાહેબ, અમે તેને તમામ સુવિધાઓ આપીએ છીએ.”

“બાળકને સુવિધાની નહિં પરંતુ હુંફની જરૂર હોય છે. અને તે પણ માતા પિતા બંનેની.”

“જી... સર.” શુશાંતે ધીમેથી કહ્યું.

પ્રીન્સીપાલે શુશાંતની આંખમાં જોઈને કહ્યું. “આઈ ડોન્ટ નો કે તમારાં પતિ પત્નીનાં રિલેશન કેવાં છે. પણ તમારે બંનેએ બાળકની સામે તો માતાપિતા તરીકે જ પેશ આવવું જોઈએ. જો તેની સામે તમે ઝઘડતાં હશો તો બાળકને ક્યારેય ઘરમાં ગમશે નહિં. માત્ર એટલું જ નહિં પરંતુ આવા બાળકનું બાળપણ અજંપામાં જ વીતતું હોય છે.”

“પ્રીન્સીપાલ સાહેબ, આઈ વીલ ટેઈક કેર, થેન્કસ ફોર એડવાઈસ.”

શુશાંત પ્રીન્સીપાલની કેબીનની બહાર નીકળ્યો ત્યારે તેનાં કાનમાં પ્રીન્સીપાલનાં શબ્દોના પડઘા પડી રહ્યા હતાં. “આવાં બાળકનું બાળપણ અજંપામાં જ વીતતું હોય છે.”

શુશાંત ફિક્કું હસ્યો. તે શાળાનાં મેદાનમાં પાર્ક કરેલી કારમાં બેઠો. ફરીથી પ્રીન્સીપાલનાં શબ્દો તેનાં કાનમાં જાણે કે પડઘાયા, 'આવાં બાળકનું બાળપણ અજંપામાં જ વીતતું હોય છે.' શુશાંતે તેના બંને હાથ વડે કાન દાબી દીધા. તે જોરથી બોલી ઉઠ્યો, “પ્રીન્સીપાલ સાહેબ, તમે મને શુ સમજાવવાનાં હતા ? મિતનો અજંપો મારાંથી વધારે કોણ સમજી શકવાનું છે.”

***

સાંજે શુશાંત ઘરમાં એકલો જ હતો. શ્રેયા હજૂ પાર્ટીમાંથી ઘરે આવી ન્હોતી. અચાનક ડોરબેલ રણકી. શુશાંતે દરવાજો ખોલ્યો. ખભે દફતર સાથે ગંભીર ચહેરે મિત ઉભો હતો.

“પપ્પા, ટીચરે મને કહ્યું કે તમે આજે પ્રીન્સીપાલને મળવા આવ્યા હતા.”

“હા, બેટા તેમણે મને બોલાવ્યો હતો. ઇનફેક્ટ મારી સાથે તારી મમ્મીને પણ બોલાવી હતી પરંતુ તું તો જાણે જ છે કે મમ્મી હમણાંથી ખૂબ બીઝી રહે છે તેથી હું એકલો જ આવ્યો હતો.”

“પપ્પા, સોરી, મારા કારણે તમારે સ્કૂલે આવવું પડ્યું. આઈ પ્રોમીસ હવે પછી આવું ક્યારેય નહીં થાય.” મિતે પોતાનાં ગળા પર હાથ રાખીને રડમસ અવાજે કહ્યું.

“બેટા, ભૂલ અમારી જ છે. તને ઘરમાં ગમે તેવું વાતાવરણ આપવામાં અમે જ થાપ ખાઈ ગયાં છીએ. હવે પછી તું હોસ્ટેલમાં જવાની વાત ક્યારેય ન કરતો. હું તમારી સાથે જ છું.” શુશાંત મિતને વળગીને રડી પડ્યો.

“પપ્પા, મારે તમારી સાથે મમ્મીની પણ જરૂર છે. તમારી જેમ મમ્મી મને ક્યારે સમજશે ?” મિત પણ રડી પડ્યો.

ત્યાં જ અચાનક રૂમનાં ખૂણાંમાંથી ડૂસકું સંભળાયું. હા, શ્રેયા થોડીવાર પહેલાં જ અચાનક આવી ચડી હતી. બારણાની પાછળ ઉભા રહીને તેણે બાપ દિકરાની તમામ વાત સાંભળી હતી.

“બેટા, આઈ એમ સોરી, મારી પહેલી જવાબદારી તો તું અને તારા પપ્પા જ છો.”

મિત દોડીને મમ્મીને વળગી પડ્યો. શ્રેયા અને શુશાંતની આંખમાંથી વહેતી અશ્રુધારામાં મિતનો “અજંપો” ધોવાઈ રહ્યો હતો.


Rate this content
Log in

Similar gujarati story from Children