Shashikant Naik

Children Stories Inspirational Thriller

4.4  

Shashikant Naik

Children Stories Inspirational Thriller

દીકરાને પત્ર

દીકરાને પત્ર

6 mins
1.3K


દીકરા,

'મધર્સ ડે' (માતૃદિન) પ્રસંગે તે મોકલેલ સુંદર કાર્ડ મળ્યું. રંગબેરંગી મોંઘા કાગળ પર ખૂબ આકર્ષક રીતે છાપેલું, સુંદર ભાવવાહી સંદેશો ધરાવતું કાર્ડ જોઈને મને તારું બાળપણ યાદ આવી ગયું.

તું ચોથા કે પાંચમા ધોરણમાં ભણતો હોઈશ. તારા વર્ગશિક્ષકે 'મારી મમ્મી' વિષય ઉપર નિબંધ લખી લાવવાનું 'ઘરકામ' તને આપ્યું હતું. તેં આવીને મને પૂછ્યું હતું, 'મમ્મી, હું શું લખું ?' અને મેં ઉત્તર આપ્યો હતો 'તને જે ઠીક લાગે તે લખ, બેટા. આ તો તારી પરીક્ષા છે.' અને તું મારાથી રિસાઈને ચાલી ગયો હતો !

પછી તેં કાંઈક લખ્યું હતું અને વર્ગશિક્ષકને બતાવ્યું હતું. બપોરે રિસેશમાં અમે 'ટીચર્સ રૂમ'માં ભેગા થયા ત્યારે તારા વર્ગશિક્ષકે મને કહ્યું હતું, 'તમારા દીકરાએ મમ્મી વિષે લખેલો નિબંધ તમારે વાંચવા જેવો છે. ખૂબ સરસ છે.' કહી તેમણે તારી નોટબુક, જેમાં તેં એ નિબંધ લખ્યો હતો તે મને બતાવી હતી. વાંચતા મારી આંખમાં પાણી આવી ગયા હતા. તને ખબર ન હોય પણ પછીથી નિબંધનું એ પાનું મેં ફાડીને રાખી લીધું હતું. જયારે તું ખૂબ યાદ આવે ત્યારે આજે પણ હું એ પાનું કાઢીને વાંચી લઉં છું. તારો આ ૯-૧૦ વરસની ઉંમરનો, માતૃપ્રેમથી છલકાતો ચહેરો હંમેશા મારી નજર સમક્ષ તરવરે છે.

તું મોટો થયો, એન્જીનીયર થયો. દેશમાં નોકરી કરી. લગ્ન કર્યા. પરદેશ જવાની તારી ઈચ્છા તેં વ્યક્ત કરી. અમારી મરજી ન હોવા છતાં અમે બંનેએ તને અમારી નામરજીનો અણસાર પણ ન આવે તે રીતે હા પાડી અને તું પરદેશ ચાલી ગયો. 'પંખીના બચ્ચા મોટા થાય એટલે તેઓ માળો છોડી જાય. આપણું પંખી પણ હવે માળો છોડી ગયું. ક્યારેક ઊડતું ઊડતું આવી ચઢે અને આપણે તેને જોઈએ તેટલું જ આપણું ભાગ્ય માનવું.' તારા ગયા પછી ઘરે આવીને હું લાગણીવશ બની હતી અને રડતી હતી ત્યારે તારા પપ્પાએ મને વાસ્તવિકતા સમજાવી હતી. એટલે દીકરા, અમે તારી પાસેથી કોઈ પ્રકારની અપેક્ષા જ રાખી નહોતી. તારા પપ્પા તો તારા ગયા પછી થોડાક વર્ષોમાં ચાલી ગયા. તું ત્યારે અહીં આવ્યો હતો. પપ્પાના નસીબમાં તારા હાથે અગ્નિદાહ અને પછીથી પિંડદાન હતા. મને તેથી થોડુંક સાંત્વન મળ્યું હતું. જો તારા પત્ની-બાળકો સાથે આવી શક્યો હોત તો વધુ સારું થાત, પણ અચાનક આવવાનું થતા એ શક્ય નહોતું એ સ્વાભાવિક હતું. જતા પહેલા તેં મને અમેરિકા આવવા માટે કહ્યું હતું અને તે માટે પાસપોર્ટ, વિસા વગેરેની વિધિ કરી તેં મને ત્યાં બોલાવી પણ હતી.

તારી ઈચ્છા હતી કે મારી સાથે રહીને તારા બાળકોમાં હું આપણા સંસ્કારોનું સિંચન કરું. પણ હું એ કરી શકી નહોતી. ત્યાંના વાતાવરણમાં મારી ઘણી મર્યાદાઓ હતી. હું પોતે જ ત્યાં ગોઠવાવામાં અસમર્થતા અનુભવતી હતી. આ અંગે આપણે વાત પણ થઈ હતી. મેં તને કહ્યું હતું, 'બેટા, સંસ્કાર એ બહારથી આરોપણ કરવાની ચીજ નથી. સંસ્કારનું સિંચન કરવામાં બહારનું અને ઘરનું વાતાવરણ ઘણો મોટો ભાગ ભજવે છે. ઉપરાંત આપણા સંસ્કારને જ સારા સંસ્કાર માનવાની ભૂલ ન કરતો. કોઈ પણ સ્થળે, કોઈ પણ સમયે દિલમાં ઊગતી માનવતા અને લાગણી એ જ સંસ્કાર છે. તને મારી એ વાત બહુ ગમી નહોતી કે કદાચ સમજાઈ નહોતી એ મને ખબર છે. પણ સંસ્કારના જે દર્શન ત્યાં મને ત્યાં થયા હતા તે હું તને જણાવી શકી નહોતી.

આપણે બધા તમારા મિત્રો સાથે એક રેસ્ટોરાંમાં જવા ગયા હતા. આપણું ટેબલ સર્વ કરનારી એક ચબરાક છોકરી હતી. તેનો પહેરવેશ આપણી ભાષામાં સંસ્કારી નહોતો. તમે બધા તો તમારી વાતોમાં મશગુલ હતા. જમતા જમતા મારા ધ્રૂજતા હાથે ચમચી નીચે પડી ગઈ હતી, અને સાથે કેટલુંક ખાવાનું પણ મારા કપડાં પર ઢોળાયું હતું. 'સંભાળજો બા' કહી તારી વહુ તો પાછી વાતોમાં વળગી ગઈ હતી. પણ પેલી છોકરી ઝડપથી મારી પાસે દોડી આવી હતી. મારા કપડાં ઉપરના એઠવાડને નેપકીન પર ઉપાડીને લઈ ગઈ અને પછી મારી સાડી પર પડેલા ડાઘ પણ તેણે સાફ કરી આપ્યા હતા. આપણે બધા જમીને ઊભા થયા ત્યારે તમે બધા તો ફટાફટ ચાલવા લાગ્યા હતા. બેસી રહેવાથી જકડાઈ ગયેલા મારા ઘૂંટણને કારણે ઊભા થવામાં મને થઈ રહેલી મુશ્કેલી તે છોકરી તરત જ કળી ગઈ હતી. તમે ટીપમાં શું મૂક્યું છે તેના તરફ નજર સુદ્ધાં કર્યા વિના, મારો એક હાથ પકડી તેના ખભે ગોઠવી બીજા હાથે મને ઊભા થવામાં મદદ કરી હતી એટલું જ નહીં એના ખભે મારો હાથ રાખીને મને થોડાક ડગલાં ચલાવી હતી, તું ચાલતા શીખ્યો ત્યારે હું તને ચલાવતી હતી તેમ. જયારે એને સંતોષ થયો કે હવે હું બરાબર ચાલી શકું છું ત્યારે તે મારી તરફ સ્મિત કરીને તેને કામે વળગી હતી. મારી નજરો દ્વારા વ્યક્ત થયેલી આભારની લાગણી તેણે સ્મિતથી સ્વીકારી હતી. શું આને સંસ્કાર ન કહેવાય ?

ત્યાર પછી પણ મને આવા કેટલાક અનુભવ થયા હતા. આપણે કોઈ સંબંધીને ત્યાં જઈએ ત્યારે સ્નેહની સ્નિગ્ધતા કરતા ઔપચારિકતા વધુ જોવા મળતી. બાળકોને 'અંકલ આંટીને હેલો કરો બેટા' કહીને પરાણે સન્મુખ કરાવાતા, પણ તેમના ચહેરા પર લાગણીના ભાવ કરતા ઔપચારિકતા વધુ હતી. આપણે જયારે બહાર જતા, કોઈ શોપિંગ મોલમાં કે અન્યત્ર, ત્યારે અજાણ્યા લોકો પણ એકબીજાનું સસ્મિત અભિવાદન કરતા તે મને ગમતું. મને પણ આ રીતે ઘણા લોકોએ સસ્મિત આવકારી હતી. તેની સરખામણી હું આપણે ત્યાંની સાથે કરતી. અજાણ્યાને સ્મિત આપવાનું આપણા સંસ્કારમાં તો નથી.

થોડાક મહિના રહીને મેં જયારે તને કહ્યું બસ, મારે હવે પાછા જવું છે', ત્યારે તને આશ્રર્ય થયું હતું. સૌથી પહેલો પ્રશ્ન તેં મને પૂછ્યો હતો, 'શું કરશો ત્યાં જઈને ?' મારે ઉત્તર આપવો હતો, 'શું કરું છું અહીં રહીને પણ ?' પણ આપી શકી નહોતી. મેં ફક્ત એટલું જ કહ્યું હતું, 'અહીં ગમતું નથી, ઘર-ગામ યાદ આવે છે.' વધુ દલીલ કર્યા વિના તેં મારા પાછા આવવાની વ્યવસ્થા કરી આપી હતી. મને એરપોર્ટ પર મૂકવા આવ્યા ત્યારે તમારા બંનેની ભરાઈ આવેલી આંખે મને ઘણું બધું કહી દીધું હતું. હું તમારા માળામાંથી મારા માળામાં પાછી આવી ગઈ હતી.

ત્યાર પછી તો તમે ત્રણ-ચાર વાર અહીં આવી ગયા. હું મહેમાનની જેમ તમારું સ્વાગત કરું. મને થાય કે મારા હાથે તને અને તારા બાળકોને ભાવતી રસોઈ બનાવીને જમાડી મારી લાગણીનીને સાર્થક કરું. તને લાગે કે હું વધારે પડતી તકલીફ ઊઠાવું છું એટલે તું કોઈ ને કોઈ બહાનું કરીને બહાર જવાનું - જમવાનું - ફરવાનું ગોઠવતો. બહાર જાય ત્યારે ક્યારેક મને પણ સાથે લઈ જવાનું રાખતો તો ક્યારેક બહારથી જમીને આવતી વખતે મારા માટે પણ લઈ આવતો. અહીં આવીને પણ સતત મુલાકાતો, મુસાફરી, શોપિંગ વગેરેમાં તમે એવા વ્યસ્ત થઈ જતા કે મારી સાથે નિરાંતે બેસીને વહાલની વાતો કરવાનો તમને સમય જ મળતો નહોતો. મારા દીકરા-વહુ સાથે બેસીને નિરાંતે અલક-મલકની વાતો કરવાના મારા ઓરતા અધૂરા જ રહી જતા. એમ તમારી રજાઓ પૂરી થતા તમે ઊડી જતા, પાછા તમારા માળામાં.

આજે મધર્સ ડે પ્રસંગે તારું કાર્ડ જોઈને મને આનંદ થયો કે તું મને હજુ એટલી જ લાગણીથી યાદ કરે છે. દીકરા, ખોટું ના લગાડતો, પણ આવા મોંઘા કાર્ડને બદલે, અથવા જો તને જમાના અનુસાર જરૂરી તે લાગ્યું હોય તો, તેની સાથે, લાગણીભર્યા થોડા શબ્દો સાદા કાગળમાં, તારા સ્વહસ્તે લખીને મોકલ્યા હોત તો મને વધુ લાગણીનો અહેસાસ થયો હોત. પણ ચિંતા ના કરીશ, બેટા, તારા અપરિપક્વ હસ્તાક્ષર - ભાષામાં લખેલો પેલો નિબંધ હજુ મેં સાચવી રાખ્યો છે અને હું તે કાઢીને તેં જાણે આજે જ લખ્યો છે એમ વાંચું છું. તેં લખ્યું હતું,

"મારી મમ્મી મને ખૂબ જ વહાલ કરે છે. સવારે વહેલા ઊઠવાનું મને ગમતું નથી, પણ તે મને ખાટલામાંથી ઊંચકીને ઊઠાડી ને કાઢે છે. હું તેને ગળે વળગી જાઉં છું અને તેને ખૂબ વહાલ કરું છું. તે મને પરાણે દાતણ કરાવે છે. મારે મમ્મી પપ્પા સાથે ચા પીવી હોય છે પણ તે મને દૂધનો વાડકો ધરી દે છે અને દબાણ કરીને પીવડાવે છે. પણ પછી તે તેની ચાના કપમાંથી મને થોડીક ચા આપે છે ખરી. હવે હું મોટો થયો છું, છતાં મારી મમ્મી મને બાથરૂમમાં નવડાવવા આવે છે અને મને ચોળી ચોળીને નવડાવે છે. પછી તેની જાતે જ મને સ્કૂલના કપડાં પહેરાવે છે. મારી મમ્મીને પણ મારી શાળામાં જ આવવાનું હોય છે, પણ તે તો ફટાફટ તૈયાર થઈ જાય છે. મને ખવડાવવામાં મોડું થઈ જાય તો તે ઊભા ઊભા થોડું ખાઈને મારી સાથે ચાલવા માંડે છે. રાત્રે સૂતા પહેલા મમ્મી મને ક્યારેક પરીઓની વાર્તા કહે છે તો ક્યારેક હાલરડાં ગાઈને મને ઊંઘાડે છે. મારી મમ્મી મને બહુ વહાલ કરે છે. મારી મમ્મી દુનિયામાં અજોડ છે."

બસ દીકરા, તારા બાળકોને આશીર્વાદ અને તમને બંનેને વહાલ.

લિ.

તારી મમ્મી


Rate this content
Log in