STORYMIRROR

Shashikant Naik

Comedy Drama Crime

4  

Shashikant Naik

Comedy Drama Crime

પહેલો મત

પહેલો મત

5 mins
320


 સાંજે મહેશ બહારથી આવ્યો ત્યારે ટપાલના બોક્ષમાં ચાર કાર્ડ પડ્યા હતા. આવા કાર્ડ તેણે અગાઉ પણ જોયાં હતાં. ચૂંટણીના ઉમેદવારે મતદારોના નામ, નંબર વગેરે લખીને પ્રચાર માટે મોકલેલા આવાં કાર્ડ એણે લખ્યા હતા અને વહેંચ્યા પણ હતાં. નાનો હતો ત્યારે સરપંચના દીકરા સાથે આવા કાર્ડ વહેંચવા ગામમાં નીકળતો ત્યારે પોતે જાણે ચૂંટણીમાં ઊભો હોય તેવો ભાવ પણ તે ખાતો. એણે એ કાર્ડ લીધા. દાદાના નામનું, પપ્પાના નામનું અને મમ્મીના નામનું જોઈને મૂકી દેતો હતો ત્યાં ચોથું કાર્ડ પણ દેખાયું. એ કાર્ડમાં એનું નામ હતું. એ કાર્ડ પકડીને એ થોડી વાર તો ઊભો જ રહ્યો. એના જીવનનું એ એક સીમાચિહ્ન હતું.

ઘરે પહોંચીને કરવા વિચારેલા અનેક કામો એ વીસરી ગયો. વિચારી જ રહ્યો. ચાર દિવસ પછી થનારી ચૂંટણીમાં તે પહેલી જ વાર મત આપવાનો અધિકારી બન્યો હતો. મતની પવિત્રતા, મહત્ત્વ, અસર વગેરે અંગે એ શાળામાં ભણ્યો હતો, ભાષણોમાં સાંભળ્યું હતું. પણ તે વખતે એને મન એનું કોઈ મહત્ત્વ નહોતું. એનું નામ મતદાર યાદીમાં કેવી રીતે આવી ગયું તેની યે એને ખબર નહોતી. એને ફક્ત એટલી ખબર હતી કે ચૂંટણીને દિવસે ૨જા પડશે, બૂથની બહાર ઉત્સવ જેવું વાતાવરણ જામશે. ચાલીને, સ્કૂટર, સાયકલ રીક્ષા, મોટર, બળદગાડામાં સવાર થઈને, લોકો મત આપવા જશે, લાઈનમાં ઊભા રહેશે. કાર્યકરો ‘આને મત આપો અને તેને મત આપો' એવો પ્રચાર કરશે અને પોતે પણ કદાચ કોઈ મિત્ર સાથે એમાં જોડાઈને લોકોને મતદાન મથકે ‘ખેંચી લાવવાના’ પવિત્ર (!) કાર્યમાં જોડાઈ જશે.

પોતે કાર્ડ લઈને બૂથમાં પ્રવેશશે, તેની આંગળી ઉપર ભૂંસાય નહીં તેવી શાહીનું ટપકું થશે, વિજાણુ મતપેટીમાં ચાંપ દબાવીને મત કેવી આપવો તેનો પહેલી વાર અનુભવ કરશે, ઉમેદવારોની યાદીમાંથી પોતાને પસંદ એવા ઉમેદવારને ‘ચપ’ દઈને ચાંપ દબાવી મત આપશે અને કેટલાંક દિવસો પછી મતગણતરી થશે ત્યારે પોતે જેને મત આપ્યો હોય તે ઉમેદવાર જીતે છે કે કેમ તેની આતુરતાપૂર્વક રાહ જોશે ! ભલું હશે તો મિત્રો સાથે તે અંગે શરત પણ લગાવશે. આવા બધા વિચારોની હારમાળામાં તેનો સમય ક્યાં વીતી ગયો તેનો પણ ખ્યાલ ન રહ્યો. એ આખી રાત તેણે અજંપામાં વિતાવી. ગયા વર્ષે નાટકમાં પહેલી વાર ભાગ લીધો ત્યારે સ્ટેજ ઉપર જતા નહોતી અનુભવી તેવી મૂંઝવણ તે અત્યારે અનુભવી રહ્યો.

સવારે જે જે મિત્રો મળ્યા તે બધાંને પૂછી લીધું કે કોનું નામ મતદાર યાદીમાં આવ્યું છે. કેટલાકના હતાં, કેટલાકના ન હતાં, પણ તેના જેટલી ઉત્તેજના કોઈ અનુભવતું નહોતું. ‘તું કોને મત આપવાનો ?’ એવું પરેશે પૂછ્યું ત્યારે ‘એ તો ખાનગી વાત છે’ એવું કહીને ઉત્તર ટાળ્યો તો ખરો પણ કોને મત આપવો તે નક્કી કરવાનું કામ જ સૌથી વધુ મૂંઝવણ ભરેલું હતું.

કેટલા ઉમેદવારો ઊભા હતા તેની માહિતી મેળવવામાં એક દિવસ તો નીકળી ગયો. સત્તાધારી પક્ષ, વિરોધ પક્ષ, બીજો વિરોધ પક્ષ, કેટલાંક અપક્ષો એ બધામાંથી કોને મત આપવો ? હજુ છ મહિના પહેલાં જ કોલેજમાંથી આંદોલનમાં જોડાઈને બસ પર પથ્થરો ફેંકતી વખતે તેણે સત્તાધારી પક્ષની ‘હાય, હાય' બોલાવી હતી એટલે એને તો મત ન જ અપાય. કોઈ વિરોધ પક્ષને આપું અને તે ન જીતે તો એને પહેલી વાર મળેલો મત નકામો જાય ! કોઈ અપક્ષને આપું, તે જીતે ને પાટલી બદલે તો તેના પાપમાં એય ભાગીદાર કહેવાય ! આમ વિચારીને એ બાદબાકી કરતો ગયો તો મત આપી શકાય જ નહીં એવી સ્થિતિએ આવીને એ ઊભો રહ્યો. ‘મત ન આપું તો ?’ એવો વિચાર તેને આવ્યો અને તરત જ હસી કાઢ્યો. ‘મત આપવો તે પવિત્ર અને અનિ

વાર્ય ફરજ છે' એવું મંતવ્ય તે અનેક વાર વ્યક્ત કરી ચૂક્યો હતો. એટલું જ નહિ, ‘મત ન આપનારનો મતાધિકાર લઈ લેવો જોઈએ.’ દલીલ પણ બે દિવસ પહેલા જ એણે કરી હતી.

ચૂંટણીના દિવસનું સવાર થયું ત્યાં સુધી તે નિર્ણય કરી શકયા નહિ કે કોને મત આપવો. ‘પપ્પાને પૂછીને આપું તો ?’ એવો વિચાર આવ્યો, પણ તે સાથે જ ખ્યાલ આવ્યો કે એને મત આપવાનો અધિકાર મળ્યો છે તેનો અર્થ જ તે હવે પુષ્ટ થયો છે અને પોતાના નિર્ણયો પોતે જ લેવા જોઈએ એવો થાય. પપ્પાને પૂછીને પાછા બાળક બની જવાનું એને ન ગમ્યું.

મતદાનનો સમય પૂરો થવાને એક કલાક બાકી હતો ત્યાં સુધી તે અનિર્ણાયક રહ્યો. છતાં મત તો આપવો જ હતો. ‘મતદાન મથકે જઈને નક્કી કરીશ' એવો વાયદો નિર્ણયને કરીને તે બૂથ ઉપર ગયો અને લાઈનમાં ઊભો રહી ગયો. ખૂબ મોટી લાઈન હતી. ‘બધા છેક છેલ્લે સુધી બેસી કેમ રહેતાં હશે ?' એવો વિચાર એને આવ્યો અને તે હસી પડ્યો ! પોતે પણ શા માટે બેસી રહ્યો હતો ? તેનો નંબર જેમ જેમ નજીક આવતો જતો હતો તેમ તેમ તેનું હૃદય વધુ ઝડપથી ધબકતું જતું હતું. પેપરોમાં વાંચેલી અને સાંભળેલી મત આપવાની વિધિમાંથી હવે તેણે પસાર થવાનું અને પછી ‘પોતાની પસંદગીના ઉમેદવારને' મત આપવો.

એનું મન ખાટું થઈ ગયું. એને પોતાની જાત પર ચીડ ચડી. કોને મત આપવો છે તે નક્કી કર્યા વિના જ મતદાન મથકે દોડી આવીને તે એક ‘જવાબદાર નાગરિક' બનવા માગે છે ? લાઈનમાં ઊભેલા લોકો ધીમે અવાજે વાતો કરતા હતા તે, તે સાંભળી શકતો હતો. તેણે જોયું કે કોને મત આપવો તે નક્કી કરીને તેઓ આવ્યા હતા. કોઈના કહેવાથી, કોઈની શરમે, કાંઈક લઈને કે પોતાની ઈચ્છાથી, પણ તેમણે નક્કી તો કર્યું જ હતું કે કોને મત આપવો. તેને પોતાના ઉપર શરમ આવી. વિચારોમાં તેનો નંબર આવી ગયો.

‘નામ ?’ અધિકારીએ પૂછ્યું. તેણે તે કહ્યું. અધિકારીએ યાદી ઉથલાવવા માંડી, જોયું અને ફરી પાછું એને નામ પૂછ્યું. તેણે ફરી જરા મોટેથી કહ્યું. અધિકારીએ સરનામુ પણ પૂછ્યું. તેણે તે પણ કહ્યું. તેને ખૂબ નવાઈ લાગી. આગળના લોકોને તો આટલું બધું પૂછાતું નહોતું. પોતે પહેલી વાર આવ્યો છે એટલે હશે એમ તેને લાગ્યું. અધિકારીએ તેની પાસેના બીજા અધિકા૨ી તરફ જોયું. તેણે ફરી યાદી તરફ જોયું અને પછી બંનેએ એના તરફ જોયું. લાઈનમાં ઊભેલાં બધા ઊંચાનીચા થવા લાગ્યાં. મતદાનનો સમય હવે પૂરો થવાની તૈયારી હતી. પેલા અધિકારીએ એને એક બાજુ આવી જવાનું કહ્યું અને મતદાન આગળ ચાલ્યું. અધિકારીએ ઉમેદવારોના એજન્ટોને બોલાવ્યા અને કાંઈક વાત કરી. ત્યાં કાંઈક બોલાચાલી જેવું થતું હોય તેમ તેને લાગ્યું. તેની સમજ અને અપેક્ષા બહારની આ વાત હતી. તે ચૂપચાપ ઊભો જ રહ્યો. પાંચ મિનિટ, દસ મિનિટ, પંદર મિનિટ. વાતચીત ચાલતી જ રહી. સમય પૂરો થયો હતો. લાઈનમાં ઊભેલા માણસો પણ હવે પૂરા થવા આવ્યા હતા. તેને લાગ્યું કે તેને ઊભો રાખ્યો છે તે સાહેબ ભૂલી ગયા લાગે છે. એટલે તે સાહેબ પાસે ગયો અને કહ્યું, ‘સાહેબ મારે મત આપવાનો બાકી છે.’ સાહેબે એના તરફ જોયું. સાહેબ એને બધાંથી થોડે દૂર દોરી ગયા અને કહ્યું, ‘જો, તારા નામે કોઈ મત આપી ગયું છે, એટલે હવે તારાથી મત આપી શકાય નહીં. વહેલો આવી ગયો હોત તો !'

‘પણ.. પણ..’ તેના દિમાગમાં ધસી આવેલા ક્રોધ અને નિરાશાએ તેના વિચારને રૂંધી નાંખ્યો. તે કાંઈ બોલી શક્યો નહિ. આવા પ્રસંગે શું કરવું તેનું તો શિક્ષણ કોઈએ તેને આપ્યું નહોતું !

તે દિવસે તે જમ્યા વિના સૂઈ ગયો. પુખ્ત નાગરિક તરીકેનો પહેલો પાઠ તે ભણી ચૂક્યો હતો !


Rate this content
Log in

Similar gujarati story from Comedy