Shashikant Naik

Inspirational

3.9  

Shashikant Naik

Inspirational

વડીલ વંદના

વડીલ વંદના

8 mins
541


સુરભી એ દિવસે પણ કોલેજથી મોડી આવી. છેલ્લા કેટલાક દિવસથી એવું થતું. કોલેજ છૂટચા પછી સખીઓ સાથે ગપ્પાં મારવા કે શોપીંગમાં સંગાથ કરવા જતી હશે એમ માનીને મમ્મી કાંઈ પુછતી નહોતી. દીકરી ઉપર એને પૂરો વિશ્વાસ હતો એટલે શંકા કરવાનું કારણ નહોતું. છતાં એ ધરમાં ન આવે ત્યાં સુધી મનમાં ઉચાટ તો રહેતો જ હતો. એટલે એ દિવસે તો એણે પૂછી જ નાંખ્યુ.

"બેટા, હમણાં થોડા દિવસથી તું રોજ મોડી આવે છે. કોઈ સખી બિમાર તો નથી ને ?”

"ના,મમ્મી એવું કાંઇ નથી. હમણાં અમે ચાર સખીઓનું એક ગૃપ બનાવ્યું છે અને એક સામાજિક પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યા છીએ. હજુ શરૂઆત છે એટલે તને સમજાવવું મુશ્કેલ છે. હું તને પછીથી બધું સમજાવીશ. અત્યારે તો ભૂખ લાગી છે."

"સારું બેટા, મને તારામાં વિશ્વાસ છે." કહી મમ્મી એની સાથે રસોડા તરફ વળ્યા.

જમવાનું ચાલુ હતું ત્યાં જ એની મિત્ર શિલ્પાનો ફોન આવ્યો. સુરભીએ ટૂંકમાં ઉત્તર આપ્યો, 'હું જમવા બેઠી છું. જમીને તરત જ નીકળું છું. સીધી ત્યાં જ આવીશ. મને વૉટ્સએપ પર સરનામું મોકલી દે." એણે ઝટપટ જમવાનું પતાવી દીધું અને સ્કૂટર પર બેસીને નીકળી ગઈ. મમ્મી જોતી જ રહી ગઈ.

એ ચાર સખીઓ સુરભી, શિલ્પા, મંદા અને કામિની કોલેજમાં પહેલા વર્ષથી સાથે હતી અને સારી મૈત્રી હતી. અત્યારે એ લોકો એમ.એ. સોશ્યોલોજીના બીજા વર્ષમાં હતાં. એમ.એ. થયા પછી શું કરી શકાય તેની ચર્ચા વારંવાર કરતા. કામિનીના જન્મદિવસે બધાં તેના ઘરે હતાં. કોલેજના કેટલાંક નજીકના મિત્રો, સગા સંબંધીઓ ભેગા થયા હતા. કેક કાપવાની વિધિ પતાવીને બધાને માટે જમવાની તૈયારી થઈ. કામિનીને એની મમ્મીએ કહ્યું, 'પહેલા ભાણું તૈયાર કરીને દાદાને તેમના રૂમમાં પહોંચાડી આવ. પછી આપણે જમવાનું શરૂ કરીએ."

ત્યાં સુધી સુરભી તથા એના મિત્રોને ખબર નહોતી કે એના દાદા જમવાનું તેમના રૂમમાં જ લેતા હતા. સામાન્ય રીતે આવા સમયે જ ઘરના વડીલને ઘરના લોકો સાથે સંવાદનો મોકો મળે છે અને તેનાથી પણ તેમને વંચિત રાખવાનું સુરભીને સારું ન લાગ્યું. તેના ઘરમાં કોઈ વડીલ નહોતા, પણ જ્યારે મમ્મીની મમ્મી થોડા દિવસ સાથે રહેવા આવે ત્યારે બધાં સાથે જ જમતાં અને જાતજાતની વાતો કરતાં. દાદીના અનુભવોમાંથી ઘણું જાણવા મળતુ. થાળી તૈયાર થઈ ત્યાં સુધીમાં તેને થયું કે જોઉં તો ખરી કે દાદાને શું તકલીફ છે. કામિની રસોડામાં કાંઇ કામમાં હતી. તે આવે તે પહેલા જ સુરભીએ કહ્યું, "લાવો આન્ટી, હું દાદાને જમાડી આવું. કામિનીને એનું કામ કરવા દો"

તે થાળી લઇને દાદાના રૂમમાં ગઇ ત્યારે દાદા ખુરશી પર બેસીને કાંઈ વાંચતા હતા. સુરભીને થાળી લઇને આવેલી જોઈ પૂછ્યું, "તું તો કામિનીની કોલેજની મિત્ર છે ને? કેમ તારે આવવું પડ્યું ?'

'દાદાજી, કામિની રસોડામાં કામમાં હતી અને હું નવરી હતી એટલે મને જ થયું કે હું તમને જમાડું. એ બહાને તમારી સાથે વાતો - દોસ્તી કરવાની પણ તક મળશે.

"બહુ આનંદ થયો, બેટા. મને જમાડો એનો અર્થ એ કે હું જમી લઉં ત્યાં સુધી તું મારી સાથે વાતો કરશે. બહુ સારું લાગ્યું બેટા. આજે કોઈને ક્યાં સમય છે વડીલો સાથે બેસીને વાતો કરવાનો ?"

દાદાના ચહેરા પરનો આનંદ જોઈ તેને સારું લાગ્યું. તબિયત, દાંત વગેરેની મર્યાદાને કારણે દાદાની થાળીમાં મર્યાદિત વસ્તુઓ હતી. પછી તેણે દાદાને તેમની ઉંમર, ભૂતકાળ વગેરે પૂછવાથી શરૂ કરીને વાતોએ વળગી તો સમય ક્યા પસાર થઈ ગયો અને દાદાનું જમવાનું પતી ગયું તેની ખબર જ નહી રહી. છેલ્લે દાદાની થાળીમાં મિઠાઇ થોડીક જ હતી તે પણ જેમની તેમ જોઈને તેણે કહ્યું,

'દાદા, આજે તો તમારી વહાલી પોતરીની વર્ષગાંઠ છે. એક ટૂકડો તો ખવાય.' કહીને તેણે પોતાના હાથે એક ટૂકડો દાદાના મોમાં મુકી દીધો. પછી બીજો ટૂકડો ઉપાડીને કહ્યું, ' અને આ આપણી દોસ્તીની ખુશીમાં." કહીને બીજો ટૂકડો પણ દાદાના મોમાં મુકી દીધો, પછી દાદાને હાથ ધોવડાવી, નેપકીન આપીને થાળી લઇ, બધાં જોડે આવીને બેસી ગઈ.

"કેમ આટલી વાર લાગી ? અમે બધાં તો તારી રાહ જોતાં હતા. અડધા લોકોએ તો જમી પણ લીધું. કામિનીએ પૂછ્યું.

"દાદા જોડે વાતો કરવાની મઝા આવી. એમાં સમય પસાર થઈ ગયો.' સુરભીએ ઉત્તર આપ્યો અને જમવાનું શરૂ કર્યું.

ત્યાંથી નીકળીને ઘરે પહોંચી ત્યાં સુધી એ દાદાનો ખુશખુશાલ ચહેરો ભૂલી ન શકી. બીજે દિવસે કોલેજમાં ભેગા થયા ત્યારે કામિનીએ સામેથી જ સુરભીએ કહ્યું,

"'દાદા તારી ખબર પૂછતા હતા. કહેતા હતા કે તારી સખી ખૂબ મળતાવડી છે." સુરભી આગલા દિવસનો અનુભવ યાદ કરીને મલકી રહી.

તેણે કહ્યું, "એક વાત કહું. ખોટું ન લગાડતી. પણ ઘરના બધાં સાથે જમતાં હોય ત્યારે વડીલને સાથે રાખીને જમવાનો આનંદ લેવાને બદલે તમે તેમને અલગ રાખો એ મને તો સારું ન લાગ્યું. એના કારણ હશે તમારી પાસે, અને એવું કરનારા બીજા પાસે. પણ એમની પેટની ભૂખની સાથે સ્વજનોની હૂંફની ભૂખ તો અધૂરી જ રહી જાય છે."

"વાત તો તારી સાચી છે. હું કોલેજ આવું, મમ્મી-પપ્પા એમના કામ પર જાય એટલે આખો દિવસ ઘરમાં દાદા એકલા જ હોય છે. એટલે એમણે પોતે જ એ સગવડ અપનાવી. સાંજે અમે જમવા બેસીએ ત્યારે દાદા અમારી સાથે જ બેસતા હતા, પણ એક વાર પગમાં કાંઈ વાગ્યું હતું તેના બહાને તેમણે રૂમમાં જમવાનું શરૂ કર્યું ત્યારથી એ ટેવ પડી ગઇ, કાલે હું દાદાને કહી દઈશ કે રોજ હું કોલેજથી આવું પછી આપણે સાથે જ જમીશું.”

પછી તો શિલ્પા અને મંદાએ પણ એમાં સૂર પૂરાવ્યો. શિલ્પાના ઘરમાં તો કોઈ વડીલ નહોતા, પણ મંદાના દાદી પથારીવશ હતા, તેની સાથે બેસીને જમવાનું એણે પણ નક્કી કર્યું. અને આમ શરૂ ધયેલી વાતથી ધીરે ધીરે એક પ્રોજેક્ટનું બી વવાયું. શિલ્પાએ કહ્યું કે એના ઘરમાં તો કૉઈ વડીલ નથી પણ એના પડોશમાં એક વડીલ છે જે આખો દિવસ એકલા હોય છે અને ક્યારેક કાંઈ કામ હોય ત્યારે એને ફોન કરીને બોલાવે છે. હવેથી હું પણ એમને રોજ જમતી વખતે કંપની આપીશ. સુરભી બે ત્રણ દિવસ પછી ફરી કામિનીના દાદાને મળવા ગઈ ત્યારે એને જોઈને દાદાને ખૂબ આનંદ થયો. તે, કામિની અને દાદાએ સાથે બેસીને ઘણી વાતો કરી. વડીલ સાથેની વાતોથી એ લોકોને લાગ્યું કે ખરેખર અહીં તો જ્ઞાન અને અનુભવનો અદ્ભૂત સંગમ હોય છે.

પછી તો જ્યારે આ અંગે વાત નીકળે ત્યારે બધાના અનુભવોનો એવો ખજાનો ખુલી જાય કે દોઢ-બે કલાક તો સહેજે નીકળી જાય. બધાને લાગ્યું કે આ પાઠશાળામાં પણ ભણવા જેવું છે. બીજા વિદ્યાર્થીઓને એમના અભિયાનની ખબર પડી એટલે તેમાંથી પણ ટેકો મળ્યો. એક દિવસ સુરભીએ જ દરખાસ્ત મુકી કે આપણા આ અનુભવોનો વિસ્તાર કરીને ઘરમાં એકલા રહેતા વડીલોની સાથે વાતો કરવા અને તેમના અનુભવોમાંથી શીખવા મળે તે હેતુથી એક સંસ્થા બનાવીને, ઓળખાણ આછી-પાતળી હોય, કે ન હોય, તેવા વડીલોને પણ મળવાનું એક મિશન બનાવીએ. એ લોકોએ એમના આ પ્રોજેક્ટને 'વડીલ વંદના' નામ આપીને શરૂ કર્યું.

એ પહેલા વડીલોની માનસિકતા અને જરૂરિયાતો અંગે સમજવા માટે બધાં શહેરના એક વૃદ્ધાશ્રમમાં જઇને વડીલોને મળ્યા અને તેમને સમજવાનો પ્રયત્ન કર્યો. 'કેટલાક વડીલોને ખાવાપીવાની તકલીફ નથી હોતી, ઘરના લોકો પણ સારા હોય છે પણ પોતાના ઘરમાં એકલવાયું લાગે તેનાથી છુટકારો મેળવવા માટે થઈને જ વૃદ્ધાશ્રમમાં રહેવા જાય છે' જેવી વાતો પણ જાણવા મળી. સાથે વાતચીત દરમ્યાન ઘણા વડીલોએ એમના વિચારને ટેકો આપ્યો અને આશીર્વાદ પણ આપ્યા. એમની પાસેથી એકલાં રહેતા કેટલાક વડીલોના નામ, સરનામા અને ફોન નંબર પણ મળ્યા. આમ એમના અભિયાનની શરૂઆત થઇ.

શરૂઆતમાં અજાણ્યા લોકોને ત્યાં જવામાં સંકોચ થતો. સામે પક્ષે પણ ક્યાંક શંકા, નારાજગી જેવી ભાવના જોવા મળતી. છતાં ધીરજ રાખીને શરૂઆતમાં અઠવાડિયામાં એક વખત બે-ત્રણ સભ્યોએ કોઈ વડીલને અગાઉથી ફોન કરીને મળવાનું નક્કી કર્યું. અઠવાડિયામાં એક વાર ભેગા મળીને એમને થયેલા અનુભવ સાંભળવા અને કોઈ બાબતમાં ફેરફાર કરવા લાગે ત્યાં કરવાનું પણ નક્કી કર્યું.

બે મહિનાથી શરૂ કરેલા આ અભિયાનનો પ્રતિભાવ મિશ્ર હતો. ખાસ તો અજાણ્યા પ્રત્યે શંકાથી જોવાની ભાવના દેખાઈ આવતી. જે વડીલોને મળતા તેમને ગમતું, છતાં તેઓમાં પણ શંકાનો ભાવ તો રહેતો જ. પોતાનું નામ, ફોન નંબર, સરનામુ વગેરે આપીને શંકાનું નિવારણ કરવાના પ્રયત્નો તેમણે કર્યા. તેમની પદ્ધતિમાં જરૂરી કેરફાર પણ અનુભવના આધારે થતા ગયા.

એક દિવસ એક વડીલને મળીને સુરભી, શિલ્પા અને સખીઓ ઘરે પહોંચ્યા જ હતા, એટલામાં શિલ્પાના ફોન ઉપર એ વડીલનો ફોન આવ્યો કે તેમની પડોશમાં એક ઉંમરલાયક બહેનને એકદમ ઝાડા ઊલટી શરૂ થયા છે. તેના ઘરના બધા બહારગામ ગયા છે એટલે તમે મદદ કરવા આવો તો સારું. તરત જ શિલ્પાએ સુરભીને ફોન કર્યો અને તે ત્યાં જવા નીકળી ગઈ. સુરભી પણ ઝડપથી જમવાનું પતાવી નીકળી પડી. રસ્તામાં જ શિલ્પાનો ફરી ફોન આવ્યો, "તું હવે હોસ્પીટલ ઉપર જ આવી જા. આન્ટીને ખૂબ ઝાડા ઉલટી થતા હતા એટલે મેં ૧૦૮ ઉપર ફોન કરી એમ્બ્યુલન્સ બોલાવી અને અમે હવે સીવીલ હોસ્પીટલ પહોંચીએ છીએ. મંદા મારી સાથૅ છે.'

સુરભી હોસ્પીટલ પહોંચી ત્યારે આન્ટીને ગ્લુકોઝના બાટલા તથા અન્ય દવા શરૂ કરી દેવામાં આવી હતી. કામિની પણ આવી ગઇ હતી અને ગૃપના અન્ય બે-ત્રણ મિત્રો પણ આવી રહ્યા હતા. ડૉક્ટરના કહેવા પ્રમાણે આન્ટીને ફૂડ પોઈઝનીંગ કે જલદ ગેસ્ટ્રો થઈ ગયો હતો. બી.પી.એકદમ ઘટી ગયું હતું અને જો થોડું વધારે મોડું થયું હોત તો કદાચ વધુ જોખમી બની ગયું હોત. ડૉક્ટરે કહ્યું હતું કે તે ત્યાં જ છે.

થોડી વારે ડૉક્ટર બહાર તેમની પાસે આવ્યા અને કહ્યું કે હવે જોખમ થોડું ઓછું થયું છે, પણ હજુ બેત્રણ કલાક સુધી કાંઈ કહી શકાય નહી. પછી તેણે તેમના અને આન્ટીના સંબંધ અંગે પૂછ્યું ત્યારે સુરભી અને શિલ્પાએ ડૉક્ટરને તેમના 'વડીલ વંદના' મિશન અંગે કહ્યું. તેઓ કઈ રીતે ત્યાં પહોંચ્યા તે પણ જણાવ્યું. ડૉક્ટરે તેમને અભિનંદન આપ્યા અને તેનો તથા તેની પત્નીનો નંબર આપી કહ્યું કે અમને પણ તમારા વંદના મિશન સાથે જોડાવાનું ગમશે. દરમિયાન પેલા વડીલનો પણ ફોન આવ્યો કે તેમણે આન્ટીના ઘરનાને ફોન કરી દીધો છે અને તેઓ એકાદ કલાક્માં હોસ્પીટલ પહોંચી જશે.

થોડી વારમાં જ આન્ટીના પુત્ર તેમના કુટુંબ સાથે હોસ્પીટલ આવી ગયા અને સૌથી પહેલા ડૉક્ટરને મળીને સમાચાર જાણ્યા અને પછી બહાર આવી આ બહેનો પાસેધી બધી વિગત જાણી. "વડીલ વંદના"નો વિચાર તેમને પણ ગમ્યો. આન્ટીની તબિયતની ચિંતામાં વધુ વાત ન થઈ શકી. થોડી વાર પછી ડૉક્ટરે આવીને કીધુ કે આન્ટીનું પ્રેસર હવે સામાન્ય થઈ ગયું છે અને જોખમ નથી ત્યારે સૌ હળવા થયા. દરમ્યાન બીજા સંબંધીઓ પણ આવી ગયા હતા. આન્ટીના પુત્રે જ કહ્યું, “હવે અમે સંભાળી લઈશું. તમે થાકી ગયા હશો. એટલે અત્યારે તો ઘરે જાઓ. આપણે પછી મળીશું” કહી તેમણે સુરભી વગેરેના ફોન નંબર લઈ લીધા. તેમનૉ એક ફોટો પણ લઇ લીધો.

સુરભી ઘરે આવીને સૂઈ ગઈ. સાંજે ફરી તે શિલ્પાને લઇને હોસ્પીટલ પહોંચી અને આન્ટીને ખુશ જોઈ સંતોષ થયો. આ બધી દોડધામમાં તેને મમ્મી સાથે વાત કરવાનો સમય જ મળ્યો નહિ.

સવારના પહોરમાં હાથમાં છાપુ લઈને એના પપ્પા એના રૂમમાં આવ્યા અને એને ઢંઢોળીને જગાડી. છાપાના પહેલા પાના પર જ છપાયેલો એ લોકોનો ફોટો બતાવી અભિનંદન આપ્યા. છાપામાં આગલા દિવસની વિગત સાથે એમના "વડીલ વંદના" અભિયાનના ખાસ ઉલ્લેખ સાથે વિસ્તૃત લખાણ હતું. સુરભીને આશ્ચર્ય થયું. અચાનક જ એમના નાનકડા અભિયાનને પ્રસિદ્ધિ મળી ગઇ હતી. એના પપ્પાએ ખુલાસો કર્યો કે આન્ટીના પુત્ર એ છાપામાં વરિષ્ઠ પત્રકાર હતા. તેમનો ફોન સવારમાં જ આવી ગયો હતો અને તમારા બધાંનો ખૂબ આભાર માન્યો હતો. પછી તો સુરભી, શિલ્પા, મંદા, કામિનીના ફોન આખો દિવસ મિત્રો, સંબંધીઓના ફોનથી વ્યસ્ત રહ્યા. એમાંથી કેટલાય લોકોએ એમના મિશનમાં જોડાવાની ઈચ્છા વ્યકત કરી હતી.

બીજે દિવસે ચારે સખીઓ ભેગી થઇ ત્યારે ઘણી ચર્ચા થઈ. તેમને લાગ્યું કે આમ અચાનક સેલીબ્રીટી બની જવાથી એમની જવાબદારી એકાએક જ વધી ગઈ હતી. એમણે એને એક પડકાર તરીકે સ્વીકારી લઈ આગળ વધવાનું નક્કી કર્યું.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational