Shashikant Naik

Inspirational

4  

Shashikant Naik

Inspirational

પુસ્તક

પુસ્તક

6 mins
350


શહેરમાં પુસ્તક મેળાનું આયોજન થયું હતું. શહેરના, રાજ્યના અને દેશના અનેક નામી પ્રકાશકોએ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાના પુસ્તકોનો ભંડાર લોકો સમક્ષ ખડો કરી દીધો હતો. કેટલાક પ્રકાશકો-વિતરકોએ યુરોપ, અમેરિકાના પ્રકાશકોના પ્રકાશનો પણ પ્રદર્શિત કર્યા હતા.

મારા ત્રણ પુસ્તકો જેમણે પ્રકાશિત કર્યા હતા તે પ્રકાશન સંસ્થા ‘સરસ્વતી પ્રકાશન’નો પણ એક નાનકડો સ્ટોલ હતો, આ પ્રદર્શનમાં. એમણે મારા ત્રણે પુસ્તકો પણ અહીં મૂક્યા હતા. આમ પણ વેકેશન હોવાના કારણે હું નવરો જ હતો એટલે રોજ બપોર પછી એ પ્રદર્શનમાં જતો, કેટલાંક સ્ટોલ ઉપર દેશી-વિદેશી પુસ્તકો જોતો. એમાંથી જે ગમતાં તેની કિંમત એટલી વધારે હતી કે લેવાની ઈચ્છા દફનાવી દેવી પડતી. આમ તો પુસ્તક મેળામાં ‘વળતર’ આપવામાં આવતું હતું, પણ જવા દો એ વળતરની વાત ! આમ છતાં ત્રણેક પુસ્તકો ખરીદવાની લાલચ રોકી શક્યો નહીં અને બીજી-ત્રીજી મુલાકાતે તે ખરીદી લીધા.

જયારે પ્રદર્શનમાં પુસ્તકો જોઈને – ફરીને થાકું ત્યારે ‘સરસ્વતી પ્રકાશન’ના સ્ટોલ ઉપર આવીને બેસું. આ પ્રકાશક સાથેનો સંબંધો તો એટલા ગાઢ નહોતા, છતાં સ્ટોલ ઉપર જે ભાઈ-બહેન બેસતા હતાં તે મને માનપૂર્વક આવકારતા, એટલે ત્યાં જવાની ઈચ્છા થતી.

એક દિવસ ત્યાં બેઠો હતો ત્યારે એક સામાન્ય મધ્યમ વર્ગના છોકરાઓ જેવો દેખાતો છોકરો આવ્યો અને મારી એક નવલકથા, જે તાજેતરમાં જ પ્રસિદ્ધ થઈ હતી અને જેના ‘અવલોકનો’ પણ સારા આવ્યા હતાં, તે જોવા લાગ્યો. તેની ગતિવિધિ ઉપર મારું ધ્યાન ગયું અને હું જોતો રહ્યો. તેણે તે પુસ્તક ઉપાડ્યું, તેને પ્રેમથી પંપાળ્યું, ટાઈટલ ઉપર હાથ ફેરવ્યો (લેમીનેટેડ હતું), પાછળના ટાઈટલ ઉપર મારો પરિચય છપાયો હતો તેના ઉપર એક નજર નાંખી, પછી તેને ખોલી અંદરથી થોડુંક વાચ્યું; છેલ્લે તેની કિંમત છાપેલી હતી તે પાના ઉપર નજર કરી અને એક હળવો નિસાસો નાંખી તે પુસ્તક પાછું મૂકી દીધું; જાણે તે પુસ્તક ખરીદવું તેની શક્તિ બહારનું હોય, તેવા નિરાશાના ભાવ તેના ચહેરા ઉપર ફરી વળ્યા. તે સ્ટોલની બહાર નીકળી ગયો. મેં જોયું કે બહાર નીકળીને તેણે ગજવામાંથી તેનું પાકિટ કાઢ્યું અને તેમાં રહેલા પૈસા ગણી જોયા. મને મારી સ્થિતિ યાદ આવી, જેમાં મેં પણ તેની માફક જ મને ગમતા પુસ્તકો જોઈને પાછા મૂકી દીધાં હતા. ભૂતકાળમાં પુસ્તક મેળામાં મેં પણ કેટલીક વાર આવું જ કર્યું હતું.

આજનું આ દૃશ્ય ઘરે પહોંચ્યા પછી પણ મારી નજર સમક્ષ તરવરી રહ્યું. એના કારણે જ બીજા દિવસે પણ મને પુસ્તક મેળામાં જવાની ઉત્સુક્તા થઈ.

હું સ્ટોલમાં બેઠો હતો અને કેટલાંક પુસ્તકો ઉથલાવતો હતો, ત્યાં મેં એ છોકરાને ફરી પાછો સ્ટોલમાં પ્રવેશતા જોયો. એ શું કરે છે, ખાસ તો એ પુસ્તક ખરીદે છે કે કેમ તે જોવા હું આતુર બની ગયો. મારા હાથમાંનું પુસ્તક બાજુ પર મૂકી મેં તેના ઉપર નજર સ્થિર કરી. ફરી પાછી એ જ પ્રક્રિયા, એ જ નિરાશાના ભાવો ! આ વખતે મારી સાથે સાથે સ્ટોલ ઉપર બેસતા યુવકની નજર પણ એના ઉપર સ્થિર થઈ હતી. એ છોકરો બહાર નીકળી ગયો એટલે પેલા યુવકે મને કહ્યું, “છેલ્લાં ચાર દિવસથી એ આવે છે, બીજા કોઈ પુસ્તકો ઉપર ખાસ નજર નાંખતો નથી. ફક્ત આ એક જ પુસ્તક ઉપાડે છે, તેને વહાલથી પંપાળે છે અને ખરીદવાની લાચારી હોય તેમ પાછું મૂકીને ચાલતો થાય છે. લાગે છે કે એને ખરીદવું તો છે, પણ પૈસા ભેગા કરી શકતો નથી. કિંમત પણ આપણે વધારે જ રાખી છે ને !” એના શબ્દો મને સ્પર્શી ગયા, પણ હું લાચાર હતો. બધા અધિકારો તો પ્રકાશકો પાસે જ હોય છે ને !

પછીના દિવસે પણ એ છોકરા અંગેની ઉત્સુકતા મને એ સ્ટોલ ઉપર દોરી ગઈ.

અગાઉના દિવસોએ જે સમયે એ છોકરો સ્ટોલ ઉપર જોવામાં આવ્યો હતો, તે સમયે હું આતુર બની ગયો. હંમેશ મુજબ તે છોકરો તેના પ્રિય પુસ્તકના દર્શન કરવા આવ્યો; દર્શન કર્યા, સ્પર્શ કર્યો અને નિરાશ વદને પુસ્તક પાછું મૂકી નીકળતો હતો ત્યાં મેં તેને બોલાવ્યો. તે મારી પાસે આવીને, જાણે કોઈ ગુનો કરતા તેને પકડી પાડ્યો હોય તેમ, નતમસ્તકે ઊભો રહ્યો.

“તું રોજ આ એક પુસ્તક જુએ છે, તેને ફેરવે છે અને મૂકીને જતો રહે છે. તારે તે ખરીદવાની ઈચ્છા છે કે પછી અમસ્તું જ ?''

“જી, ખરીદવું તો છે જ..’ તેના ટૂંકા ઉત્તરમાં રહેલા ‘જ’ની મક્કમતા મને સ્પર્શી ગઈ. એમાં લાચારી નહોતી, આજે નહીં તો ક્યારેક પણ ખરીદવાની મક્કમતા હતી !

“તને એ પુસ્તક કોઈ ભેટ આપે તો તને કાંઈ વાંધો ખરો ?” ક્ષણભર તે મારા સામે તાકી રહ્યો. ‘કોઈ મને તે શા માટે ભેટ આપે ?' એવો પ્રશ્નાર્થ તેની આંખોમાં ડોકાઈ રહ્યો હતો, પણ તેણે તે વ્યક્ત કર્યો નહીં.

“કોઈ શું, હું જ તને તે ભેટ આપું, તો તું તે સ્વીકારે ખરો ?”

તે ચૂપચાપ મારા તરફ જોઈ રહ્યો. ભેટ સ્વીકારવા અંગેની તેની ગડમથલ તેના ચહેરા ઉપર ડોકાતી હતી. વધુ વાત કરવા કરતા કાઉન્ટર સંભાળતા બહેનને મેં એ પુસ્તકનું બીલ બનાવી મને આપવા ક્યું. પછી તે પુસ્તક લઈ તેને આપવા ધર્યું. તેણે આનાકાની કર્યા વિના તે લઈ તો લીધું, પણ તેની પીગળી ગયેલી મક્કમતાનો રંજ તેના ચહેરા પર હતો.

“થેન્ક્સ” કહી તે જતો હતો ત્યાં મેં તેને રોક્યો. તેના હાથમાંથી પુસ્તક લઈ તેના પહેલા પાના ઉપર ‘લેખક તરફથી સપ્રેમ ભેટ’ લખી નીચે મારી સહી કરી. તે મારા તરફ જોઈ રહ્યો અને આ વખતે નીચા વળી મારા ચરણસ્પર્શ કર્યા. મારા એ રહસ્યમય ચાહક વિશે વધુ જાણવાની ઉત્કંઠા તો થઈ, પણ એક સુખદ અનુભવ વિષાદમાં પરિણમી શકે એ બીકે એ વાતનો ત્યાં જ અંત આણ્યો. પણ હજુ વધુ આશ્ચર્ય તો મારી રાહ જોતું હતું.

વાતને આઠ-દસ દિવસો વીતી ગયા હતા. પુસ્તક મેળો પતી ગયો હતો. વેકેશન પણ પૂરું થયું હતું. મારા પેલા ચાહકની વાત ક્યારેક મગજમાં ઝબકી જતી અને થોડી ક્ષણો મન મલકી જતું.

મારી મોટી દીકરી પિન્કી ગયા વર્ષથી કોમર્સ કોલેજમાં હતી. તેના પહેલા વર્ષના પરિણામની તારીખ જાહેર થઈ હતી એટલે તેનું પરિણામ જાણવાની ઉત્સુકતા વધી હતી. જે દિવસે પરિણામ હતું તે દિવસે તે કોલેજ ગઈ. મેં તેને કહ્યું હતું કે પરિણામ જોઈને મને ફોન કરજે, પણ હવે યુવાન થયેલા બાળકોને માતા-પિતાની આવી આળપંપાળ પસંદ પડતી નથી. તેણે ફોન ન જ કર્યો. મોડેથી ઘરે આવી ત્યારે પરિણામ મને જોવા માટે આપી દીધું. તે બીજા વર્ગમાં પાસ થઈ હતી. સ્વાભાવિક રીતે જ તેને એનો બહુ ઉત્સાહ નહોતો. તે આવી ત્યારે તેના હાથમાં મેં સુંદર ચળકતા કાગળમાં - ગીફ્ટ પેકીંગમાં – લપેટાયેલી કોઈ ચીજ જોઈ હતી. પણ ન તેણે મને એ વિશે કાંઈ કહ્યું, ન મેં કશું પૂછવાનું મુનાસીબ માન્યું. પેકેટમાં શું હશે તે તેણે પણ કદાચ જોયું ન હોય !

રાત્રે જમીને સમાચાર જોતો બેઠો હતો ત્યારે પીંકી અર્ધું ખૂલેલું તે પેકેટ લઈને ત્યાં આવી. મારા ખોળામાં મૂકી દીધું અને મારા પ્રતિભાવો જોવા માગતી હોય તેમ મારા તરફ જોઈ રહી. પેકેટમાંથી મારી પેલી નવલ કથા, જે મેં પેલા છોકરાને ભેટ આપી હતી તે નીકળી હતી, મારી નોંધ અને સહી સાથેની ! થોડી વાર તો હું અચંબામાં ડૂબી રહ્યો. ધીરે ધીરે મને સમજાયું કે જે છોકરાને હું મારો ચાહક સમજતો હતો, તે તો ચાહક હતો મારી દીકરીનો.. !

પીન્કી મારા તરફ જોઈને મલકી રહી હતી અને હું.. ! થોડી વારે મેં પીન્કીને પૂછ્યું, “કોણ છે એ છોકરો ? અને આનો મતલબ શું ?''

“પપ્પા, કોઈ ગેરસમજ કરવાની જરૂર નથી. એ મારા વર્ગમાં જ ભણે છે. એક દિવસ વાત નીકળી ત્યારે મેં કહ્યું કે મારા પપ્પાના ત્રણ પુસ્તકો પ્રસિદ્ધ થયા છે, ત્યારે તેને આનંદ થયો હતો અને તેણે તમારું નામ, પુસ્તકોના મથાળા વગેરે મારી પાસેથી લખી લીધા હતા. એક સારા લેખકની દીકરી તરીકે તે મને માનથી જોવા લાગ્યો હતો. તમારા બે પુસ્તકો તો તેણે અગાઉ દુકાનમાંથી કટકે કટકે ખરીદી લીધા હતા, પણ આ નવલકથા થોડી મોંઘી હોવાથી ખરીદી શક્યો નહતો, તેને ખરેખર તમારા લખાણો ગમે છે ! તમે એને એ પુસ્તક ભેટ આપ્યું તે એણે સ્વીકારી લીધું હતું, પણ એના મનમાં પોતાની પુસ્તક ખરીદવાની અસમર્થતાનો એક ડંખ રહી ગયો હતો. ‘મફતમાં મળેલાં પુસ્તકો ગમે તેટલા કિંમતી હોય તો પણ તેની સાથે આત્મીયતા નથી બંધાતી.’ એવું તે કહેતો હતો. આજે બધા ભેગા થયા હતા અને પાસ થયાની ખુશીમાં કેન્ટીનમાં ચા-નાસ્તા કરી રહ્યા હતા, ત્યારે તેણે મને બીજા ટેબલ ઉપર લઈ જઈને તેની લાચારી અને તમારી ઉદારતાની વાત કરી. તેણે એ પણ ઉમેર્યું કે તેણે પોતાના પૈસાથી પોતાને માટે આ નવલકથા ખરીદી લીધી છે અને આ નકલ ઉપર પાછળના પાને તેના હસ્તાક્ષર કરીને તે મને રીટર્ન ભેટ આપી છે અને કહ્યું છે, “તારા પપ્પાને કહેજે મને માફ કરે.”

હું પીન્કીની વાત સાંભળીને ખુશ થવું કે દુઃખી થવું તે વિચારી રહ્યો હતો ત્યાં પીન્કીએ ઉમેર્યું, “પપ્પા, હવે આ નકલ હું મારી પાસે જ રાખીશ."

“તે તો તું રાખીશ જ ને, પેલા છોકરાની યાદ રૂપે. શું નામ છે એનું ? બસ આટલી વાત જ છે કે કાંઈ આગળ પણ છે ?’

પીન્કી શરમાઈ ગઈ, “ના પપ્પા, આગળ કાંઈ જ નથી, પણ...” શબ્દો ન જડતા તેણે વાક્ય અધૂરું છોડી દીધું.... !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational