મુશ્કેલીમાંથી માર્ગ
મુશ્કેલીમાંથી માર્ગ
એક માણસ તેની સેલ્સમેનની નોકરીથી તદ્દન કંટાળી ગયો હતો. કામમાં તેને રસ નહોતો એટલે સાંજે ઘરે આવે ત્યાં સુધીમાં તેનું માથું દુઃખી જતું. એક દિવસ એણે કંટાળીને નોકરી છોડી દીધી. એમ વિચારીને કે બે વખતના રોટલા તો ગમે તેમ મળી રહેશે. એનું મન હલકું બની ગયું. દિવસે ખૂબ વાંચવું, વિચારવું, લખવું અને આજીવિકા માટે રાત્રે પ્રૌઢ શિક્ષક તરીકે કામ કરવાનું શરુ કર્યું. એની પાસે ભણવા આવતા લોકોમાંથી કોઈને ડિગ્રી કે સર્ટિફિકેટ જોઈતા નહોતા. તેમને તો તેમના પ્રશ્નો ઉકેલવા હતા. તેને તેનો દરેક પીરીઅડ રસમય બનાવવો પડતો કે જેથી લોકો બીજે દિવસે આવે અને એના રોટલા ચાલુ રહે એટલે એણે એના જીવનના અનુભવોની અને તેમાંથી મળેલા બોધની વાત પ્રૌઢો સમક્ષ કરી. એણે એના દરેક પ્રૌઢ વિદ્યાર્થીને તેમના પ્રશ્નોના ઉકેલ તેમની મૌલિક રીતે શોધતા શીખવ્યું. હવે તેનો આત્મવિશ્વાસ વધ્યો અને ઉત્સાહ પણ વધ્યો. આમ વાંચતા, વિચારતા, શીખવતા એ દુનિયાનો સૌથી સફળ સલાહકાર બની ગયો. એ વ્યક્તિનું નામ હતું ડેલ કાર્નેગી. એણે એના અનુભવો, દાખલાઓ અને વિચારોના બે પુસ્તકો પ્રસિદ્ધ કર્યા. “હાઉ ટુ સ્ટોપ વરિંગ એન્ડ સ્ટાર્ટ લિવિંગ" and “હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ end ઇફ્યુઝન્સ પીપલ” આ પુસ્તકો લોકપ્રિય બન્યા અને પાછળથી દુનિયાની દરેક ભાષામાં અનુવાદિત થયા. ધીરે ધીરે એ પોતે એક વ્યક્તિ માટીને સંસ્થા બની ગયો.
એ દાખલો આપવાનો હેતુ એટલો જ કે તમે પણ સૌ વિચારતા થાઓ, તમારા નિર્ણયો જાતે જ લો અને તેનો અમલ કરતા તમારી સામે જે જે મુશ્કેલીઓ આવે તેનું નિરાકરણ તમારી મૌલિક રીતે કરો. સલાહ જરૂર લો પણ તે ફક્ત તમારા નિર્ણયોને દિશા આપવા અને મૂલવવા માટે. જે કૃષ્ણમૂર્તિ એ કહ્યું છે કે 'તમારા સિવાય આ પૃથ્વી પર તમને કોઈ બચાવી ના શકે.' તમામને કૈક ને કૈક મુશ્કેલીઓ તો આવવાની જ અને એ મુશ્કેલીઓનો તમે જેટલી ધીરજ, હિંમત અને મૌલિકતાથી સામનો કરશો તેટલા તમે વધુ હળવા - પ્રફુલ્લિત બનશો. તમારી આસપાસના લોકોને શું તકલીફો આવી અને તેમાંથી તેમણે કેવી રીતે માર્ગ કાઢ્યો તેનું નિરીક્ષણ કરતા રહેશો તો તમને તમારા પ્રશ્નો ઉકેલવાનું ખૂબ સરળ થઈ જશે. મુશ્કેલી આવે એટલે આપણે ભગવાનને યાદ કરીએ છીએ. શું ભગવાન ચમત્કાર કરીને આપણી મુશ્કેલી દૂર કરશે ? ના. ભગવાન પણ આવા સમયે આપણને માર્ગદર્શન કરશે, મુશ્કેલીમાંથી દૂર કરવાનો ઈલાજ શોધવાની આપણને શક્તિ આપશે. મુશ્કેલી દૂર કરવા માટે જે કાંઈ પુરુષાર્થ કરવો પડે તે તો આપણે જાતે જ કરવો પડે. વિદુરજીએ કહ્યું છે :
ન દેવા: દંડમાદાય રક્ષન્તિ પશુપાલવત,
ય તું રક્ષન્તિમિચ્છતિ બુદ્ધયા સંવિભંજતી તમ.
અર્થાત, ભગવાન કંઈ ગોવાળની પેઠે હાથમાં લાકડી લઈને રક્ષણ કરતા નથી, પણ તેઓ જેનું રક્ષણ કરવા ઈચ્છે તેની બુદ્ધિમાં વધારો કરે છે.
