STORYMIRROR

Shashikant Naik

Drama Romance Inspirational

3  

Shashikant Naik

Drama Romance Inspirational

બે પાંચ પળ

બે પાંચ પળ

1 min
132

હોસ્પિટલમાંથી કવાર્ટર ઉપર આવીને કપડાં સુદ્ધાં બદલ્યા વિના તે પથારીમાં પડી અને સવારથી અત્યાર સુધી બની ગયેલા બનાવોને છત ઉપર મીટ માંડી નીરખી રહી.

ગઈકાલે નીકળતી વખતે ડૉ. અગ્રવાલે એને કહ્યું હતું, ‘કાલે તમારી કસોટી થશે, મિસ નંદિતા’ અને બે ક્ષણ નંદિતાના મૂંઝવણભર્યા ચહેરા તરફ મીટ માંડીને ઉમેર્યું હતું, ‘પણ મને ખાત્રી છે કે તમે સફળ નીવડશો.’’ અને આજે છૂટા પડતા એ જ ડૉ. અગ્રવાલ એની સાથે એક પણ શબ્દ બોલ્યા વિના કે હંમેશની ટેવ પ્રમાણે ‘બાય' કહ્યા વિના જ ચાલી ગયા હતા.

એમ.ડી. થયા પછી નંદિતાએ હજુ હમણાં જ ડી.એ. કર્યું હતું અને હોસ્પિટલમાં એનેસ્થેટીસ્ટ તરીકે જોડાઈ હતી. અભ્યાસમાં ઝળહળતી કારકિર્દી ધરાવતી નંદિતાને એના સ્વભાવમાં રહેલી અતડાઈ અને એકાંકીપણાનો ખ્યાલ હતો એટલે દર્દીઓ અને તેમના સગાઓ સાથે મીઠાશથી વર્તવું પડે તેવી દાકતરીની અન્ય શાખાઓને બદલે એનેસ્થેટીસ્ટની કારકિર્દી પસંદ કરી હતી. એને હોસ્પિટલના જાણીતા સર્જન ડો. અગ્રવાલના યુનિટમાં કામ કરવાનું આવ્યું હતું તેને શરૂઆતમાં તો એણે સદ્દનસીબ માન્યું હતું, પણ જેમ જેમ ડૉ અગ્રવાલના સ્વભાવનો પરિચય થતો ગયો તેમ તેમ એને નિરાશા થવા માંડી હતી.

ડૉ. અગ્રવાલ હોસ્પિટલમાં અત્યંત નિષ્ણાત પણ ઉગ્ર અને સ્વકેન્દ્રી ડૉકટર તરીકે જાણીતા હતા. નીચલી કક્ષાનો સ્ટાફ તો તેમની સાથે વાત કરવાનું સુદ્ધાં ટાળતો, કારણ કે ડો. અગ્રવાલ ક્યારે ગુસ્સે થઈ જઈને ધમકાવી કાઢશે તેનો અંદાજ કોઈ કાઢી શકતું નહિ. યુવાન વયે પણ એમની કામગીરી માટે એ ખૂબ માન પામ્યા હતા. સર્જનોની કોન્ફરન્સોમાં એમનો ઉલ્લેખ સન્માન સહિત થતો. કોઈપણ પ્રકારનું ઓપરેશન એ રમત રમતા હોય એટલી સરળતાથી અને નિર્લેપતાથી કરી શક્તા. ઓપરેશન દરમિયાનની એમની ઝડપ જોઈને જુનીયર ડોકટરો દંગ થઈ જતા અને નર્સો થાકી જતી. આટલી નિપુણતા છતાં એમનું આડંબર વિનાનું વર્તન એમને દેવતા માનવા પ્રેરતું, એમને એક જ વાતનું મોટું અભિમાન હતું અને તે એમની નિપુણતાનું. અન્યની ભૂલના કારણે પોતાની નિપુણતા ઝાંખી પડે એવી કોઈ પણ વાત તેઓ કોઈપણ સંજોગોમાં સાંખી શકતા નહિ અને નંદિતા માટે સૌથી વધુ ચિંતાજનક બાબત એ જ હતી, કારણકે સર્જનની સફળતામાં ઘણો મોટો ફાળો એનેસ્થેટીસ્ટનો હોય છે એવું એ માનતી હતી. ડો. અગ્રવાલના યુનિટમાં જોડાયાને નંદિતાને હજુ વીસેક દિવસ જ થયા હતા. એ દરમિયાન ઓપરેશનો ઘણા ઓછા થયા હતા. નિષ્ણાતોને માટે પડકારરૂપ કહી શકાય એવું એકે ઓપરેશન આટલા દિવસોમાં આવ્યું નહોતું. એટલે નંદિતાને ડો. અગ્રવાલના સ્વભાવને અનુરૂપ થવાની તક મળી ગઈ હતી. આથી જ ગઈ કાલે ડો. અગ્રવાલે આજને ભારે ઓપરેશનનો ઉલ્લેખ કરીને એની કસોટીની વાત કરી ત્યારે નંદિતાને સહેજ આંચકો લાગ્યો હતો, પણ ચિંતા થઈ નહોતી.

સવારે હોસ્પિટલ ગયા પછી 'ગુડ મોર્નિંગ' કહી નંદિતાએ ડો. ઓપરેશન થિએટરમાં આવકારી ત્યારે ડો. અગ્રવાલે એને સીધું જ કહ્યું હતું, "આપણે ડો,. મિસિસ શાહને પણ બોલાવવા પડશે." આ સાંભળીને એનો અડધો મૂડ આઉટ થઈ ગયો. ડો. મિસિસ શાહ એના પ્રોફેસર અને હોસ્પિટલમાં એનેસ્થેટિસ્ટ વિભાગના વડા હતા. ડો. મિસિસ શાહની જગ્યાએ ડો. અગ્રવાલના યુનિટમાં એને સ્થાન મળ્યું ત્યારે એને જે ગૌરવનો અનુભવ કર્યો હતો તેના અહીં ચૂરેચૂરા થતા હતા એમ એને લાગ્યું. "ચાલશે સાહેબ" એમ કહેવા જતા એના  હોઠને એણે ડો. અગ્રવાલના સ્વભાવનો  ખ્યાલ આવતા અટકાવી દીધા હતા અને વોર્ડબોયને ઈશારત કરી મિસિસ શાહને બોલાવવા મોકલ્યો હતો. ત્યાર પછી એણે દર્દીના જુદા જુદા ટેસ્ટ વગેરે કરીને તેને એનેસ્થેસિયા માટે તૈયાર કર્યો હતો. રિપોર્ટ પ્રમાણે દર્દીના શક્ય કોમ્પ્લિકેશનોનો ખ્યાલ કરીને બધી તૈયારીઓ કરી હતી. દરમ્યાન મિસિસ શાહને પણ તેણે ચહેરા ઉપર સ્મિત લાવીને આવકાર્યા હતા.

હોસ્પિટલમાં રાઉન્ડ ઉપર ગયેલા ડો અગ્રવાલનો ફોન આવ્યો કે દર્દીના બ્લડ અને અન્ય ટેસ્ટફરીથી લેવા ત્યારે તેને આ ચીકાશ ઉપર ચીઢ ચડી હતી, કારણ કે બધા જ રિપોર્ટ ગઈ કાલથી તૈયાર રાખ્યા હતા. "ડો. અગરવાલ આ કેસમાં કોઈ ચાન્સ લેવા માંગતા નથી" એવો મિસિસ શાહે કરેલો ખુલાસો પણ એને ચાંપલાશભર્યો લાગ્યો હતો.

દર્દીના ઓપરેશનની તૈયારી પૂરી થઈ ત્યાં સુધીમાં ડો. અગ્રવાલ કેટલાક જુનિયર ડોકટરો સાથે ત્યાં પહોંચી ગયા હતા. આજે ડો. અગ્રવાલ ખૂબ જ ગંભીર હતા. જુનિયર ડોક્ટરો સાથે પણ કોઈ વાત કરવા માંગતા ન હોય તેમ લાગતું હતું. તેમણે જરૂરી સૂચનાઓ અને ખુલાસાઓ મિસિસ શાહ સાથે જ કરી લીધા હતા. નંદિતાને લાગ્યું હતું કે આજે તેની સંપૂર્ણ અવગણના થઈ રહી હતી. ઓપરેશન માટે  બ્લેડ મૂકતા પહેલા તેમણે બે હાથ જોડીને પ્રાર્થના પણ કરી હતી, જે નંદિતાને વધુ પડતું લાગ્યું હતું. પછી તો ઓપરેશન શરુ થયું હતું. નંદિતા એક હાથે દર્દીની નાડી પકડીને અને બીજા હાથે દર્દીના મો પર ગૅસનો માસ્ક લગાડીને દર્દીનું ધ્યાન રાખતી હતી. મિસિસ શાહ અન્ય યંત્રો ઉપર અને દર્દીની સામાન્ય સ્થિતિ ઉપર ધ્યાન રાખતા હતા અને ડૉ. અગ્રવાલને મદદ કરતા હતા.

થિયેટરના ઘડિયાળના કાંટા કરતા વધુ ઝડપે ડૉ. અગ્રવાલના હાથો દર્દીના શરીરમાં રહેલા અવયવોને બહાર કાઢીને તપાસતા જતા હતા. એક કલાક, બે કલાક.... ઓકસીજન સીલીન્ડર બદલાતા જતાં હતાં. વહી ગયેલા લોહીની બાટલીઓ ખાલી થતી જતી હતી. દર્દીનું લોહીનું દબાણ ટકાવી રાખવા લોહી આપવાની સાથે ઈન્જેકશનો પણ અપાતા જતા હતાં.

દર્દી યુવાન હતો પણ એને કોઈ અગમ્ય બિમારીએ ઝડપી લીધો હતો. અનેક રીતે ઈલાજો કરવા છતાં કોઈ પરિણામ ન આવતા એનો કેસ ડૉ. અગ્રવાલને સોંપાયો હતો. ડૉ.અગ્રવાલે એના શરીરની અંદરના અવયવોને તપાસી જવાનું સાહસભર્યું કામ માથે લીધું હતું. આમાં સફળ થાય તો તેમની દાકતરી નિપુણતા ટોચે પહોંચી શકે એમ હતું. નિષ્ફળ જાય તો બહુ ગુમાવવાનું નહોતું, કારણ કે દર્દીને ઉગારવાનો આ છેલ્લો જ રસ્તો હતો એ જગજાહેર હતું. છતાં આ અંગે ડૉ.અગ્રવાલ આટલા બધા ગંભીર કેમ હતા તે સૌને મન રહસ્ય હતું. ત્રીજો કલાક પૂરો થવાને પાંચ મિનિટ થઈ ત્યાં નંદિતાથી ચીસ પડાઈ ગઈ, ‘સર પેશન્ટ ઈઝ સીન્કીંગ (સર દર્દી મરી રહ્યો છે)' અને તે આગળ બોલે તે પહેલા જ મીસીસ શાહે નાડી તેના હાથમાંથી ઝૂંટવી લીધી હતી અને તેને ધક્કો મારીને હડસેલી મૂકી હતી. ડૉ.અગ્રવાલના હાથ એક ક્ષણ માટે અટકી ગયા હતા. પછી હથિયારો બાજુએ મૂકી દર્દીના હૃદયને મસાજ કરવા જેવી સૂચનાઓ આપી ખૂણામાં ખુરશી ઉપર બેસી ગયા હતા. મોં ઉપરના માસ્કમાંથી ડોકાતી બે આંખો વડે નંદિતા તરફ ઘૂરકી રહ્યા હતા, જાણે કે એને માટે તે જ જવાબદાર હોય તેમ. નંદિતા પહેલા તો ડઘાઈ ગઈ હતી. પણ પછી સ્વસ્થ થઈને મીસીસ શાહની સાથે થઈ તેમને મદદ કરવા માંડી હતી. “સોરી, નંદિતા.” એટલું જ કહી મીસીસ શાહે આંખો વડે એની માફી માગી લીધી હતી. એક કલાકની જહેમત પછી દર્દીના ધબકારા થોડા વ્યવસ્થિત થયા અને ડો. અગ્રવાલે તેમની કામગીરી શરૂ કરી દીધી હતી. છ કલાકે ડૉ. અગ્રવાલે ઓપરેશન પૂરું કરી બાકીનું કામ જુનિયરોને સોંપ્યું. ત્યાં સુધી કોઈને ચા - પાણી તો ઠીક પણ શ્વાસ લેવાનું યે યાદ રહ્યું હતું કે કેમ તે પ્રશ્ન હતો.

ઓપરેશન પતી ગયા પછી ડૉકટરોના રૂમમાં જઈને ચા પીતી વખતે પણ સખત ખામોશી હતી. ઓપરેશન સફળ થયું છે કે કેમ તે પૂછવાની પણ કોઈને હિંમત નહોતી. મોડું થઈ ગયું હતું એટલે બધા ઝડપથી પોતપોતાના ઘરે જવા નીકળ્યા. ત્યારે પણ વાતાવરણ ગંભીર જ હતું.

પલંગ પર પડેલી નંદિતાને એ સમજાતું નહોતું કે એનો કોઈ વાંક હતો કે કેમ? એના ગૌરવના ચૂરેચૂરા થઈ ગયા હતા. તેને માટે એની સમગ્ર ખીજ મીસીસ શાહ ઉપર ઉતરી હતી. એમણે માફી માગી હતી પણ એને એમનું વર્તન માફ કરવા જેવું લાગ્યું નહોતું.

એમને એમ બે કલાક પડી રહી અને પછી ક્યારે ઊંઘી ગઈ તે પણ ખબર ન પડી. છેક સાંજે ઉઘાડા રહી ગયેલા બારણેથી આયાએ આવીને એને ઢંઢોળી ત્યારે એને ખ્યાલ આવ્યો કે રાત પડવા આવી હતી.

“નંદિતાબેન, ઊઠો તમને ડૉ. અગ્રવાલ સાહેબ બોલાવે છે.” આયાએ સંદેશો આપ્યો.

“કેમ ? અત્યારે ?"  અડધી ઊંઘમાં જ એણે પૂછ્યું.

“ખબર નથી. આવો છો ને ?"

‘‘સારૂ, તું જા. હું થોડીવારમાં આવું છું.” કહી તેણે આયાને વિદાય કરી. ડૉ. અગ્રવાલ સાથે જરૂર પડે તો આજે જમાવી જ દેવી એવો કાંઈક વિચાર એ કરી રહી અને એ જ કપડામાં બહાર નીકળી ગઈ. ડૉ. અગ્રવાલની કેબીને પહોંચી ત્યારે તે ત્યાં નહોતા.

‘‘આપને વોર્ડમાં બોલાવે છે.’ પટ્ટાવાળાએ કહ્યું. વોર્ડમાં જોઈને જોયું તો ડૉ. અગ્રવાલ સવારે જેનું ઓપરેશન કર્યું હતું તે દર્દીના ખાટલા પાસે બેઠા હતા અને કદાચ તેની રાહ જોતા હતા. થોડીવાર તો તેઓ ઘવાયેલી હરિણી જેવી  નંદિતા તરફ જોઈ જ રહ્યાં. “સોરી મિસ નંદિતા, તમને અત્યારે તકલીફ આપી તે બદલ.” અને પછી સહેજ અટકી તેના તરફ જોઈને પૂછ્યું, “આર યુ ઓલરાઈટ? (તું  બરાબર છે ને ?)'

“સર, જરા ઉંઘ આવી ગઈ હતી.’ નંદિતાએ હસવાનો પ્રયાસ કરતા કહ્યું.

“તમે જમ્યા લાગતા નથી. તમને ફરી બોલાવવા માટે દિલગીર છું. જરા જોશો. દર્દીને હજુ ભાન કેમ આવ્યું નથી ?'

‘સર, મીસીસ શાહ..” પછી શું કહેવું તે શબ્દો ન જડતા તે અટકી ગઈ. ‘‘સમજી ગયો, નંદિતા.’’ કહી ડોકટર ખડખડાટ હસી પડયા. “તારૂં કહેવું એમ છે ને કે આ કેસ મીસીસ શાહનો છે ને તેમણે જોવું જોઈએ?” ડોકટરને સવારે ગંભીર જોઈને જેટલું આશ્ચર્ય નહોતું થયું તેથી ઘણું વધારે આશ્ચર્ય નંદિતાને અત્યારે ડૉકટરને હસતા જોઈને થયું. “નંદિતા’’ અને ‘‘તારૂં” શબ્દોમાં રહેલી આત્મિયતાની નોંધ પણ તેના મને લીધી.

“છેક એવું તો નહિ, સર. પણ બધી દવાઓ તેમણે આપી છે એટલે કોમ્લીકેશન્સ.." કહીને એણે બચાવ કરવાનો પ્રયત્ન કર્યો.

“ભલે, તને દબાણ નહિ કરી કરી શકું, મીસીસ શાહને તો બોલાવી શકાય એમ નથી. હું જોઈશ.” કહી ડૉ. અગ્રવાલ ફરી ગંભીર થઈ ગયા.

“હું જોઉં છું, સર” કહી તે કેસ પેપરો જોવા લાગી. દર્દીનો હાથ પકડ્યો, અને પકડયો તેવો જ મુકી દીધો “સર, નાડી તો..' કહીને તે અટકી ગઈ.

“મને ખબર છે પણ ચિંતાનું કારણ નથી મારા મતે, તમે જમી આવો ત્યાં સુધી હું છું. જરૂર પડશે તો આર.એમ.ઓ.ને બોલાવી લઈશું.’ તેમણે ગંભીરતાથી જ કહ્યું. નંદિતા થોડીવાર ચૂપચાપ જોઈ જ રહી, પણ ડૉકટર કોઈ વિચારમાં ખોવાઈ ગયા હોય એમ લાગ્યું. “અડધા કલાકમાં આવું છું'' કહી તે બહાર નીકળી ગઈ. સામાન્ય રીતે ડૉ. અગ્રવાલ એમના સમય સિવાય હોસ્પિટલમાં આવતાં નહિ. અત્યારની એમની હાજરી નંદિતાને આશ્યર્યજનક લાગી અને તેથી યે વધારે આશ્ચર્યજનક તો લાગ્યું થોડીવાર માટે તેમના મોં એ આવી ગયેલુ ‘તું’નું સંબોધન. એનો સંદર્ભ એ શોધી રહી અને એને ડૉ.અગ્રવાલનું કુંવારાપણું પણ યાદ આવી ગયું !

હોસ્ટેલની મેસમાં જમીને એ પાછી આવી ત્યારે ડૉક્ટર અગ્રવાલ દર્દીના સગા સાથે રાજકારણની વાતો કરી કહ્યા હતા.

‘‘થેન્ક યુ મિસ નંદિતા,  તમે આવી ગયા. દર્દી મોડામાં મોડો ક્યારે ભાનમાં આવવો જોઈએ."

“હજી કલાકેક સુધી ચિંતાનું કારણ નથી, મારા મતે.’ નંદિતાએ બેધડક ઉત્તર આપ્યો અને ડૉકટર આશ્ચર્ય પામી ગયા. ‘મારા મતે' શબ્દ ઉપર ભાર મૂકી નંદિતાએ વાળેલો ઉત્તર એમને ચમકાવી ગયો.

“સારૂં, હું જાઉં છું. જરૂર લાગે તો ફોન કરજો. મીસીસ શાહ ઘરે નથી.” કહેતા ડૉકટર ઊભા થયા.

‘‘ઓ.કે, સર” કહી નંદિતા પણ તેમની સાથે ઊઠી અને વોર્ડના દરવાજા સુધી જતા પૂછ્યું, “એક વાત પૂછું, સર?”

‘‘ પૂછો મીસ, ’’ ડોકટરે હસીને કહ્યું.

“ઓપરેશન કેવું રહ્યું, ઈઝ ધેર એની હોપ (કોઈ આશા છે ?)”

“જરૂર, પણ દર્દીના ભાનમાં આવ્યા પછી ચોક્કસ ખબર પડે. ધ્યાન રાખજે. પેશન્ટ ઈઝ ઓફ ડીસીવીંગ નેચર (આ દર્દી છેતરામણો છે)”

"ભલે, સર" કહી તેણે ડો. અગ્રવાલને વિદાય આપી હતી.

બીજા દિવસથી બધું પાછું બધું રાબેતા મુજબનું થઈ ગયું હતું. પેલા દર્દીની હાલત સુધરતી જતી હતી અને હોસ્પિટલના ડોક્ટરો ડો. અગ્રવાલને અભિનંદનોની નવાજેશ કરતા હતા. નંદિતાને એમાં ક્યારેક અતિશયોક્તિ તો ક્યારેક વધુ પડતી ઔપચારિકતા જણાતા. પણ તે ચૂપ રહેતી. બીજું બધું તો તે ભૂલી ગઈ હતી પણ તેના મનમાં વસીને કેન્સરની માફક પ્રસરી રહી હતી ડો. અગ્રવાલ દ્વારા બે-પાંચ પળ માટે 'તું' દ્વારા વ્યક્ત થયેલી આત્મિયતા, જે પછી જોવા મળતી નહોતી. એટલે એ વધુ ને વધુ વ્યગ્ર બનતી જતી હતી. એ અંગે વાત કરવા માટે તેણે કેટલીક વાર પ્રયત્નો કર્યાં પણ શબ્દો ગળા સુધી પહોંચ્યા જ નહિ. 

સન્માનની વાતો કરતી વખતે નંદિતાને એ બે-પાંચ પળ વિસ્તરતી લગતી, પણ જયારે ડો. અગ્રવાલે રાજીનામુ આપ્યું ત્યારે એ બે-પાંચ પળ અતિતનું સંભારણું બની જતી લાગી.

ડો. અગ્રવાલ છૂટા થતા હતા તે પ્રસંગે યોજાયેલા વિદાય સમારંભમાં ડો. અગ્રવાલને ઉજ્જવળ કારકિર્દી માટે શહેરના નામાંકિત નાગરિકો દ્વારા શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી અને સૌએ તેમની નિપુણતાના ભરપૂર વખાણ કર્યાં. ત્યાર પછી હોસ્પિટલના ડોક્ટરોએ તેમના માનમાં એક ભોજન સમારંભ પણ  યોજ્યો. તેમાં પણ સૌએ એમને શુભેચ્છા પાઠવી. આ બધો સમય નંદિતા ડો. અગ્રવાલની સાથે જ હતી,  પણ પેલી બે-પાંચ પળ તો આવતી જ નહોતી. ભોજન સમારંભ પછી છૂટાં પડતી વેળા તેમને મળવામાં નંદિતા જાણી જોઈને પાછળ રહી.

"તમને ઉતાવળ ન હોય તો આપણે હોસ્પિટલમાં એક રાઉન્ડ લઈએ." ડો. અગ્રવાલે દરખાસ્ત મૂકી. તેને હતું કે 'તમે' થી શરૂ થયેલી આ વાત રાઉન્ડ દરમ્યાન 'તું' પર પહોંચશે. રાઉન્ડ દરમ્યાન ડો. એમના ભવિષ્યનું રૂપાળુ ચિત્ર નંદિતા સમક્ષ દોરતા હતા, ત્યારે પણ નંદિતાને હતું કે એમાં ક્યાંક એનું સ્થાન પણ હશે. થોડાક આત્મગૌરવ અને થોડાક સંકોચના કારણે એ કોઈ પહેલ કરવાની હિંમત ન કરી શકી.

રાઉન્ડ પૂરો કરી સ્ટાફના બધા સભ્યોના અભિવાદન અને શુભેચ્છાનું ભાથુ ભરીને ડૉકટર તેમની કેબીન પાસે આવ્યા ત્યારે એક નર્સ પાછળથી આવીને નંદિતાના કાનમાં કાંઈક કહીને પાછી વળી ગઈ. “શું!” નંદિતાથી બોલાઈ ગયું. અને આ ક્ષણે એ વાત ડૉકટરને કરવી કે કેમ તે વિમાસી રહી. ડૉકટરે એને પૂછ્યું, “ શું થયું ?” તે થોડીવાર ચૂપ રહી.

“પેલો દર્દી આપણને છેતરી ગયો. તેણે ડોકટરને આઘાત ન લાગે તેમ શબ્દો ગોઠવીને કહ્યું, અને ડૉકટર તરફ જોઈ રહી.

“ડોન્ટ બી ઈમોશનલ, (લાગણીશીલ ન થઈશ) આપણે કાંઈ ભગવાન છીએ?” કહી ડૉકટર હસી પડયા, અને કહ્યું, “તું સવારે એરોડ્રામ ઉપર આવે છે?” ને નંદિતાને એ ‘તું’ ઉપાડીને ડૉકટરના માથામાં મારવાનું મન થયું. પણ “નહિ, આવી શકું'' કહી ચૂપ થઈ ગઈ.

કવાર્ટર પર પહોંચીને એ જ પરિસ્થિતિમાં પલંગ પર પડી તે વિચારી રહી, “ પેલી બે પાંચ પળ વિસ્તરીને જીવન બની ગયું હોત તો ! " ‘ઈમોશનલ’ બની એ પળોને ન વિસ્તારવા બદલ એ પોતાના સ્વભાવનો આભાર માની રહી.


Rate this content
Log in

Similar gujarati story from Drama