Shashikant Naik

Drama Tragedy Others

4  

Shashikant Naik

Drama Tragedy Others

વર્ષગાંઠ

વર્ષગાંઠ

5 mins
343


શીતલની પ્રથમ વર્ષગાંઠ ખૂબ ઉમંગથી ઉજવાઈ. એના મમ્મી-પપ્પા સરકારી નોકરી કરતા હતા અને સગા-સંબંધીઓનું વર્તુળ પણ વિશાળ હતું. એટલે મોટો જલસો થયો. શીતલને ખૂબ વહાલ – ભેટો મળ્યા. શીતલને મઝા પડી. શીતલની પાંચમી વર્ષગાંઠે એ સ્કૂલમાં હતી. એના પપ્પા-મમ્મીએ આખી સ્કૂલમાં ચોકલેટ વહેંચી અને ઘરે એના જેવડા બાળકોને ભેગા કરી પાર્ટી રાખી. શીતલને ફૂગ્ગા ફોડવાની મઝા આવી. કેક તો એને ખૂબ ભાવી. ભેટમાં મળેલા રમકડાં એને ગમ્યા. થોડા દિવસમાં કેટલાંક તૂટી ગયા - કેટલાંક માળિયે ચડી ગયા. પછી તો દર વર્ષે એની વર્ષગાંઠ (હવે એને ‘વર્ષગાંઠ‘ બોલવાનું ફાવતું નહોતું, ‘બર્થ ડે‘ જ બોલાતું) આવતી. એનું મિત્રવર્તુળ એને ‘હેપી બર્થ ડે‘ ઈચ્છતું, ભેટો પણ મળતી. પણ એ બધું ધીરે ધીરે એને સામાન્ય લાગવા માંડ્યું. ‘બર્થ ડે‘ના દિવસ પૂરતો આનંદ રહેતો.

એની સત્તરમી વર્ષગાંઠે એની બારમા ધોરણની પરીક્ષા નજીકમાં હતી. ભણવામાં હોશિયાર એવી શીતલ સારા ટકા લાવી. એન્જીનીયરાંગ કે મેડીકલમાં પ્રવેશ મેળવે એવી મમ્મી પપ્પાની અદમ્ય ઈચ્છા. એટલે સત્તરમી ‘બર્થ ડે‘ એણે ઘરમાં મમ્મી-પપ્પા અને નાના ભાઈ સાથે ઘરમાં સાદાઈથી ‘પતાવ્યો. ખૂબ મહેનત કરવા છતાં એ ફક્ત ૪-૫ માર્ક માટે મેડીકલ-એન્જીનીયરીંગની ગાડી ચૂકી ગઈ અને સાયન્સમાં જવું પડ્યું. એના અફસોસરૂપે એની અઢારમી વર્ષગાંઠ પ્રસંગે પપ્પા-મમ્મીનો ઉત્સાહ પણ ઠંડો હતો. નાનો ભાઈ પણ હવે બારમામાં હતો. પપ્પા-મમ્મીનું ધ્યાન હવે એના કરતા નાના ભાઈ તરફ વધારે હતું.

વીસમી વર્ષગાંઠે એ બી.એસસી.ના અંતિમ વર્ષમાં હતી અને પરીક્ષા નજીક હતી. એના મિત્રવર્તુળ સાથે એણે એની વીસમી વર્ષગાંઠ કોલેજની કેન્ટીનમાં ઉજવી. એકાદ મહિના પછી આવતી નાના ભાઈની વર્ષગાંઠ પ્રસંગે પપ્પા-મમ્મીએ સત્યનારાયણની કથા રાખી અને એ બહાને સૌ સંબંધીઓ ભેગા થયા. શીતલની મમ્મીએ નજીકના સગાઓને શીતલ માટે ‘સારો છોકરો‘‘જોતા રહેવા‘નું યાદ કરાવ્યું. જો કે પાછળ ઉમેર્યું હતું, ‘ઉતાવળ નથી. શીતલ તો હજૂ નાની છે, પણ કોઈ સારી જગ્યા હોય તો જતી શા માટે કરવી ?‘

એક માધ્યમિક સ્કૂલમાં શિક્ષિકા તરીકે ગોઠવાઈ ગયેલી શીતલને એની ચોવીસમી વર્ષગાંઠ તો છેક સાંજે યાદ આવી, અને તે પણ અચાનક. વીમા અંગે ઉમરના પૂરાવા માટે આપવા એણે સ્કૂલ લીવીંગ સર્ટીફિકેટ શોધ્યું અને તારીખ જોઈ ત્યારે યાદ આવ્યું કે આજે તે ચોવીસમાં વર્ષમાં પ્રવેશી છે. પપ્પા કામસર બહારગામ ગયા હતા અને મમ્મી મામાને ત્યાં ગઈ હતી. ભાઈ પણ મિત્રોમાં ક્યાંક ગયો હતો, એટલે એ એકલી જ મંદિરે જઈ ભગવાનના આશીર્વાદ લઈ આવી. રાત્રે મોડેથી મમ્મી ઘરે આવી ત્યારે એ મમ્મીને પગે લાગીને આશીર્વાદ લેવાનો વિચાર જ કરતી હતી. તે કાંઈ કહે તે પહેલા જ મમ્મીએ કહ્યું, "કાલે સ્કૂલમાં રજા લઈ લેજે. એક છોકરાવાળા આવવાના છે. "

એને માટે એ પણ હવે વર્ષગાંઠની જેમ જ ઉત્સાહ વિનાની એક પ્રક્રિયા બની ગઈ હતી. એ છોકરાઓને જોતી – છોકરાઓ એને જોતા, વડીલો એકબીજાને જોતા, કુંડળીઓ મેળવતા અને અંતે મીંડુ વળી જતું. રાત્રે સૂતા સૂતા એ જોયેલા છોકરાઓની ગણતરી કરવા લાગી ત્યારે ખ્યાલ આવ્યો કે આવનારો છોકરો કદાચ ચોવીસમો હશો. એને એ પણ યાદ આવ્યું કે પહેલો છોકરો એને જોવા આવવાનો હતો ત્યારે કેટલો રોમાંચ હતો એના દિલમાં ! આખી રાત એ ઊંઘી શકી નહોતી. એ શું કહેશે, હું શું કહીશ વગેરે સવાલ-જવાબોનું રીહર્સલ એણે કરી રાખ્યું હતું. એ આવ્યો અને એને જોયો ત્યારે પોતે કલ્પેલા હીરો કરતા એ અનેક રીતે જુદો લાગ્યો. છતાં એણે મમ્મી-પપ્પાને ‘જેવી તમારી મરજી‘ કહીને ‘નરો વા..‘ કરી દીધું હતું. થોડાક દિવસ પછી ખબર પડી કે એ છોકરાએ અમેરિકાથી આવેલી છોકરી પસંદ કરી લીધી હતી.

પછી બીજો ... ત્રીજો .. એમ જોવાનું ચાલું જ રહ્યું હતું. કારણ કે એને માટે કોઈ પણ રીતે યોગ્ય નહિ એવા છોકરાઓની વાત પણ આવતી, અને વાત લાવનાર સગા સાથે સંબંધ બગડે નહિ એ હેતુથી એ વિધિ કરવી પડતી. એને એ પણ યાદ આવ્યું કે એ બધામાંથી અડધા ઉપરાંત છોકરાઓ કે એના માબાપે કોઈ ને કોઈ બહાનું કાઢીને ના પાડી હતી, તો બીજા કેટલાંકમાં એના મમ્મી પપ્પાને વાંધો હતો - કોઈનું કુટુંબ બરાબર નહોતું તો કોઈની આવક ઓછી હતી કે અન્ય કારણો હતા. એની મરજી પૂછવાની તો ચિંતા જ નહોતી કરી એમણે.

સત્તાવીસમી વર્ષગાંઠ એને સવારે જ યાદ આવી, ત્યારે એને એ યાદ અપશુકન જેવા લાગી. નોકરી એને ફાવી ગઈ હતી. પપ્પા-મમ્મી હવે એને પરણાવી દેવા અધીરા બન્યા હતા. એના કારણે ભાઈનું લગ્ન-ભવિષ્ય પણ અટકી ગયું હતું. એન્જીનીયર થઈ ગયેલા નાના ભાઈ માટે અનેક સારી વાતો આવતી, પણ ‘મોટી બહેન‘ને મૂકીને નાના ભાઈનું કરતા મમ્મી-પપ્પા અચકાતા હતા. આ કારણે ક્યારેક ઘરમાં ચડભડ પણ થઈ જતી. એટલે સત્તાવીસમી વર્ષગાંઠે સાંજે એણે મમ્મીને કહેવાની હિંમત કરી દીધી કે ‘મારી ચિંતા કર્યા વિના ભાઈને પરણાવવો હોય તો પરણાવી દો‘ અને એની અઠ્ઠાવીસમી વર્ષગાંઠ આવે તે પહેલા ઘરમાં ભાભી પણ આવી ગઈ.

કાલે એની એકત્રીસમી વર્ષગાંઠ છે. એની એકલતા એણે સ્વીકારી લીધી છે. લગ્ન અંગે પ્રભુની કૃપા જ્યારે થશે ત્યારે જોયું જશે એવું મન એણે બનાવી લીધું છે. છતાં મમ્મી-પપ્પાની મૂંઝવણ, ભાભીના કટાક્ષો વગેરે રોજના પ્રશ્નો સાથે એ સમાધાન કરી શકી નથી. એવા પ્રશ્નો ઊભા થવાના છે એની કલ્પના એણે ભાઈના લગ્ન થયા ત્યારથી જ કરી હતી, એટલે એણે એક ફ્લેટ નોંધાવી રાખ્યો હતો અને આજે જ એણે એનો કબજો પણ લઈ લીધો હતો. એટલું સારું હતું કે મમ્મી-પપ્પા એની આવક બાબતમાં વધુ ચંચુપાત કરતા નહોતા, સિવાય કે કોઈ વખત જરૂર પડે તો એની પાસે થોડી રકમ માગી લેતા. એટલે એણે એની આવકમાંથી સારી એવી રકમ બચાવી હતી. પપ્પા-મમ્મીની સંમતિ પણ એણે શરૂઆતથી જ લઈ લીધી હતી. એની ઈચ્છા વહેલી તકે પોતાના ફ્લેટમાં જતા રહેવાની હતી. પોતાનું ઘર પોતાની રીતે સજાવવાની એને હોંશ હતી. પોતાની વસ્તુ-મિલકતનો અહેસાસ માણવાની ઈચ્છા હતી.

રાત્રે પપ્પાને એણે એની ઈચ્છા જણાવી. ક્ષણભર તો પપ્પા ચૂપ થઈ ગયા. પછી ધીરે રહીને કહ્યું, "જો બેટા, તારા જેવી છોકરી એકલી રહે તો લોકો અનેક જાતની વાતો કરી. કોઈ સારી વાત હોય તો તે પણ અટકી જાય.." પછી થોડુંક અટકીને ઉમેર્યું, "તને ઘરમાં સંકડાશ લાગે છે, ભાભી સાથે બહુ ગોઠતું નથી, એ હું જાણું છું. અમને પણ બહુ મઝા નથી આવતી..." દરમ્યાન એની મમ્મી પણ આવીને વાતમાં જોડાઈ ગઈ. એણે વાત આગળ ચલાવી, "બે દિવસ પછી રાની (ભાઈની પુત્રી)ની પહેલી બર્થ ડે છે, એટલે મોટી પાર્ટી થશે. ત્યાર પછી ભાઈ-ભાભીને જ એ ફ્લેટમાં રહેવા મોકલી દઈએ. એમને પણ ગમશે, અમને પણ ગમશે - અને તને તો એ ગમશે જ."

આટલા વર્ષો સુધી પપ્પા-મમ્મીની કોઈ વાત ન ઉથાપી શકેલી શીતલ એકત્રીસમે વર્ષે પણ ચૂપ રહી....!


Rate this content
Log in

Similar gujarati story from Drama