કામ ટાળવાનો થાક
કામ ટાળવાનો થાક
કામ કરવાને અને થાક લાગવાને ઘનિષ્ઠ સંબંધ છે. શારીરિક કામ કરે એટલે શરીરને થાક લાગે અને કામ કરવાના સંજોગો સાનુકૂળ ના હોય તો મનને પણ થાક લાગે. માનસિક કાર્ય પણ વધુ વખત કરવાથી મનને થાક લાગે અને સાથે સાથે શરીરને પણ થાક લાગે. કેટલીક વાર કામ કર્યા વિના પણ મનને થાક લાગે છે.
પણ, કામ કરતા લાગે તેના કરતા ય વધુ થાક તો કામ ટાળીયે ત્યારે લાગે છે. એક કામ કરવાનું જ છે, આપણે જ કરવાનું છે એ જાણતા હોવા છતાં આપણે એને કરવાનું ટાળીયે ત્યારે તત્કાળ તો શારીરિક કે માનસિક શ્રમથી બચીએ છીએ. પણ મન ઉપર 'કામ બાકી છે'નો બોજો ખડકાવા માંડે છે. જેમ જેમ ટાળતા જઈએ તેમ તેમ એ બોજો વધતો જાય છે. કામ ટાળવાના આ થાકની અસર પહેલા મન ઉપર અને પછી શરીર (ઊંઘ, ભૂખ વગેરે) ઉપર થાય છે. શરીરશ્રમનો થાક તો જરૂરિયાત પૂરતો આરામ લેવાથી દૂર થાય છે. આવો આરામ જરૂરિયાત કરતા વધી જાય તો તે પણ આળસનો પોષક બને છે, આળસ કામ ટાળવાનું કારણ બને છે અને કામ ટાળવાનો થાક મનને થકવી નાખે છે.
માનસિક થાક ઉતારવાનો સૌથી ઉત્તમ ઉપાય કાર્યો એક પછી એક પૂર્ણ કરવાનો છે. કોઈ પણ કામ પૂરું થાયે 'હાશ, પત્યું' કે 'ચાલો એક કામ તો પત્યું' એવી લાગણીની સાથે મનન
ે જે પ્રસન્નતા મળે છે, કામ પૂરું થયાનો જે આનંદ મળે છે, તે જ પ્રસન્નતા કે આનંદ બીજા કામો કરવા માટે ઉત્સાહ પૂરો પાડે છે.
ઘણા બધા લોકો કામ પૂરું કરવાનો આનંદ મેળવવાને બદલે મૉટે ભાગે કામ ટાળવાનો થાક વધારતા જાય છે. ક્યારેક પૈસા માટે, ક્યારેક ઉત્સાહના અતિરેકમાં આવી જઈને, ક્યારેક વટના માર્યા, ક્યારેક શેહશરમ કે ઉપકાર નીચે આવીને કે ક્યારેક સારા દેખાવા માટે થઈને ઘણા પોતાની શક્તિ, મર્યાદા કે યોગ્યતા બહારના કામો સ્વીકારે છે અને પછી તે પૂરા કરવાનું ટાળતા જાય છે. ઘણી વાર એક સાથે કરી ના શકાય તેના કરતા વધારે કામો સ્વીકારે છે અને પછી તે પૂરા ન થતા માનસિક તાણ વધારે છે. એથી ઉલટું કેટલાક શક્તિ કે યોગ્યતા હોવા છતાં કંઈ જવાબદારી લેવા તૈયાર નથી હોતા. આપણા માનસિક તાણ અને સંઘર્ષભર્યા જીવનમાં કામ ટાળવાના થાકનો ફાળો મોટો હોય છે.
શું આપણે એનાથી બચી શકીએ? આપણી શક્તિ, મર્યાદા અને યોગ્યતા અનુસારના કામો સ્વીકારી તેને પૂર્ણ કરતા જઈએ તો કામ પૂરું કર્યાનો સંતોષ અને આનંદ આપણને મળશે જ. એટલે જ ભગવાને ગીતામાં કહ્યું છે, 'યોગ: કર્મસુ કૌશલંમ' અર્થાત કૌશલ્ય અનુસાર કામ કરવું એ પણ એક પ્રકારનો યોગ છે.