Prafull Kanabar

Others

3  

Prafull Kanabar

Others

બર્થ ડે ગિફ્ટ

બર્થ ડે ગિફ્ટ

11 mins
7.7K


‘દેવકી, તારે ખરેખર નથી આવવું? આજે તો કૃષ્ણજન્મનો ઉત્સવ થશે.’ શારદાએ દેવકીને બીજી વાર પૂછ્યું.

વૃદ્ધાશ્રમમાં ભાગવતકથા બેસાડવામાં આવી હતી. આજે મહારાજ કૃષ્ણજન્મનું વર્ણન કરીને નંદોત્સવ કરાવવાના હતા.

‘એક વાર ના પાડી ને શારદા, તું જા અને હવે મને યાદ પણ ન કરાવતી.’ દેવકીએ છાશિયું કર્યું.

દેવકીને અહીં આવ્યાને આઠેક મહિના થઈ ગયા હતા. હજુ સુધી શારદાએ તેને કોઈ જ વાતમાં અકળાતી જોઈ નહોતી. તેથી દેવકીને આમ અચાનક અકળાયેલી જોઈને શારદા ડઘાઈ ગઈ.

‘ભલે દેવકી, હું જઉં છું, તને ઈચ્છા થાય તો તાળું-ચાવી બારી પાસે રાખ્યાં છે.’ શારદા ધીમેથી બોલીને બહાર સરકી ગઈ.

શારદાના ગયા પછી દેવકી વિચારે ચડી ગઈ. દેવકીને આજે તે દિવસ યાદ આવી રહ્યો હતો. જ્યારે સૂરજ તેને કારમાં અહીં મૂકવા આવ્યો હતો.

‘મમ્મી, તું ખોટું ન લગાડતી… થોડા સમયનો જ સવાલ છે.’ ઘરેથી કારમાં નીકળતાં સૂરજ બોલ્યો હતો.

દેવકી કાચની બારીની બહાર પાછું વળીને જોઈ રહી હતી. આજે પોતાનું જ ઘર પરાયું થઈને તેનાથી દૂર થઈ રહ્યું હતું.

‘મમ્મી, તને ત્યાં સહેજ પણ એકલું નહીં લાગે… કંપની મળી જશે.’

દેવકીને ત્યારે એ દિવસ યાદ આવી રહ્યો હતો જ્યારે તે નાનકડા સૂરજને તેની આંગળી પકડીને પહેલી વાર સ્કૂલે મૂકવા ગઈ હતી. આવી જ રીતે તેણે સૂરજને ફોસલાવ્યો હતો. ‘બેટા, તને અહીં નવા મિત્રો મળી જશે… કંપની થઈ જશે. તને ગમશે.’

મા-દીકરા વચ્ચે ભારેખમ મૌન પથરાઈ ગયું હતું.

વૃદ્ધાશ્રમ શહેરથી ખાસ્સો દૂર, હાઈવેની નજીક હતો.

‘મમ્મી, આ તો ટેમ્પરરી વ્યવસ્થા જ છે. તું તો જાણે જ છે. તારા રૂમમાં વરસાદનું પાણી ટપકે છે. રિનોવેશન થઈ જશે એટલે હું તને ચોક્કસ લઈ જઈશ… બસ મહિનાનો જ સવાલ છે.’

દેવકીને ફરીથી યાદ આવી ગયું હતું… વર્ગખંડમાં પ્રવેશતાં જ નાનકડા સૂરજે દેવકીનો સાડલો પકડીને ભેંકડો તાણ્યો હતો. દેવકીએ તેને ફરીથી ફોસલાવ્યો હતો. ‘બેટા, હું તને વેળાસર તેડી જઈશ. આજે તો આપણે આખા ક્લાસમાં ચૉકલેટ વહેંચી છે તેથી અત્યારે તને પાછો લઈ જઈશ તો આપણું ખરાબ લાગશે.’

‘મમ્મી, હું સમજું છું કે સમાજમાં આપણું ખરાબ લાગશે પરંતુ રીટા પૈસાદાર બાપની એકની એક દીકરી છે. લાડકોડમાં ઊછરેલી છે. તેના પપ્પાએ આપણને ઘરઘંટી, વૉશિંગમશીન અને કાર સુધ્ધાં આપ્યાં છે. આપણે રીટાને રાજી તો રાખવી જ પડશે ને ?’

દેવકીએ સજળનેત્રે સૂરજની આંખમાં જોયું હતું. સૂરજ નીચું જોઈ ગયો હતો.

વૃદ્ધાશ્રમના પ્રાંગણમાં કાર પ્રવેશી એટલે બહાર નીકળતાં પહેલાં સૂરજ બોલ્યો હતો… ‘મમ્મી, અમે તને અઠવાડિયામાં ત્રણેક વાર તો મળવા આવતાં જ રહીશું.’

‘ભલે દીકરા, તમારી ખુશીમાં જ મારી ખુશી છે.’ દેવકીએ મહાપરાણે આંખમાં આવતાં આંસુને રોકી રાખ્યાં હતાં.

વૃદ્ધાશ્રમમાં દેવકીને મૂકીને સૂરજ પાછું જોયા વગર જ સસરાએ આપેલી કારમાં ત્વરિત ગતિએ નીકળી ગયો હતો.

દેવકીને ફરીથી યાદ આવી ગયું હતું… તે દિવસે તે પણ સૂરજને સ્કૂલે મૂકીને પાછું જોયા વગર જ નીકળી ગઈ હતી કારણ કે નાનકડા સૂરજને વધારે રડતો જોવાની તેની હિંમત ન્હોતી !

સમય વીતતો ગયો. અઠવાડિયામાં ત્રણ વાર મળવા આવવાનું કહેનાર દીકરો આઠ મહિનામાં એક પણ વાર અહીં ડોકાયો ન્હોતો.

વૃદ્ધાશ્રમના પ્રાંગણમાં ચાલી રહેલી કથામાં માઇક પરથી મહારાજનો અવાજ રેલાઈ રહ્યો હતો. કૃષ્ણજન્મ પહેલાંનું વિસ્તૃત વર્ણન સુંદર રીતે મહારાજ કરી રહ્યા હતા…

‘બુધવારની આઠમની મેઘલી રાત હતી… કારાવાસમાં દેવકી અને વાસુદેવનાં મનમાં અજંપો હતો… બહાર ઝરમર વરસાદ વરસી રહ્યો હતો… ત્યાં જ વીજળીનો કડાકો થયો…’

દેવકીએ ઊભા થઈને બારી બંધ કરી દીધી જેથી તેની સ્મરણયાત્રામાં વિક્ષેપ ન પડે. આજે દેવકી તેના અતીતમાં ખોવાઈ ગઈ હતી.

અનાથ દેવકીનું વસંતરાય સાથે લગ્ન થયું હતું. લગ્ન પછી બાર વર્ષ સુધી તેનો ખોળો ખાલી રહ્યો હતો. દેવકીએ પુષ્કળ બાધા આખડીઓ માનીને ભગવાન પાસેથી દીકરો મેળવ્યો હતો. દેવકીને તે સમયની પ્રસૂતિની પીડા યાદ આવી ગઈ. તેની આંખમાં આંસુ ઊમટ્યાં. સૂરજના જન્મસમયે તેના પિતાએ માત્ર હૉસ્પિટલના વૉર્ડમાં જ નહીં પરંતુ ગજા બહારનો ખર્ચ કરીને આખા મહોલ્લામાં પેંડા વહેંચ્યા હતા. પહેલે ખોળે દીકરો તો નસીબદારને ત્યાં જ જન્મે તેવી રૂઢિગત માન્યતા તે સમયે કદાચ વધારે પ્રચલિત હતી ! જન્મ પછી સૂરજ બે વર્ષ સુધી સતત માંદો રહ્યો હતો. દેવકીએ ફરીથી માનતાઓ માની માનીને સૂરજને બચાવી લેવા માટે ભગવાનને પણ મજબૂર કરી દીધા હતા ! સૂરજ સાવ સાજો થયો કે તરત જ વસંતરાય કૅન્સરના રાજરોગમાં ફસડાઈ પડ્યા હતા. વસંતરાયની માંદગીના ખર્ચને પહોંચી વળવા માટે દેવકીએ તેના મોટાભાગના દાગીના વેચી નાખ્યા હતા. વસંતરાયના અવસાન બાદ સૂરજને ભણાવવા માટે દેવકીએ તેની પાસે બચેલું એકમાત્ર મંગળસૂત્ર પણ વેચી નાખ્યું હતું. નજીકમાં જ આવેલા બંગલામાં દેવકીએ નોકરી સ્વીકારી લીધી હતી, જેમાં દેવકી માત્ર રસોઈકામ જ નહીં પરંતુ કચરા-પોતાં પણ કરતી હતી. બંગલાનાં શેઠાણીનો સ્વભાવ સારો હતો તેથી તેમણે મા-દીકરાનું સારું ધ્યાન રાખ્યું હતું.

સૂરજ સમજણો થયો ત્યારથી પોતાના જન્મદિવસે માને પગે લાગતો. દેવકી પણ તે દિવસે સૂરજને ભાવતો શીરો બનાવતી અને તેને જમાડ્યા બાદ જ જમતી હતી. વર્ષોનો આ ક્રમ હતો. સૂરજને નોકરી મળી અને જ્યારે તેણે પોતાનો પહેલો પગાર દેવકીના હાથમાં મૂક્યો હતો ત્યારે દેવકીની આંખમાં હર્ષનાં આંસુ ઊભરાયાં હતાં જેને કારણે સામેની દીવાલે લગાવેલ વસંતરાયનો ફોટો તેને ધૂંધળો દેખાઈ રહ્યો હતો. તે જાણે કે ફોટાને કહી રહી હતી… જુઓ છોને સૂરજના પપ્પા… આજે મારી તપસ્યા પૂરી થઈ ગઈ છે. હવે જ સુખના દિવસો આવ્યા છે…

થોડા સમય બાદ સૂરજ રીટાને પરણીને ઘરે લાવ્યો હતો. રીટા તેના ધનવાન બાપના ઘરેથી તમામ સુખસગવડનાં સાધનો લઈને આવી હતી. બસ માત્ર સંસ્કારની જ કમી હતી. આવતાંવેંત રીટાએ પોતાનું પોત પ્રકાશ્યું હતું. બાપના પૈસાના જોરે તેણે સૂરજને દબાવવા માંડ્યો હતો. રોજબરોજનાં રીટાનાં ત્રાગાં વધી રહ્યાં હતાં. જોગાનુજોગ ત્રણ રૂમ રસોડાના જૂના મકાનમાં દેવકીના જ રૂમમાં વરસાદનું પાણી ટપકવા લાગ્યું હતું. દેવકીએ રાત્રે બેઠકરૂમમાં સૂવાનું પસંદ કર્યું હતું. જે રીટાને પસંદ નહોતું. રીટાએ સૂરજને દેવકીના રૂમનું રિનોવેશન કરાવવા માટે સૂચન કર્યું હતું. સૂરજ તરત સંમત થઈ ગયો હતો. હવે રીટાએ સૂરજને એવું સમજાવવાનું ચાલુ કર્યું હતું કે રિનોવેશન સમયે મમ્મીજીને તકલીફ ન પડે તે માટે ટેમ્પરરી તેમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવવાં જોઈએ. જેનો અમલ કહ્યાગરા સૂરજે કરી બતાવ્યો હતો અને તેના ફળસ્વરૂપે દેવકીને વૃદ્ધાશ્રમના મહેમાન બનવાની ફરજ પડી હતી!

દેવકીનું ધ્યાન એકાએક સામે દીવાલ પર લટકાવેલ કેલેન્ડર પર પડ્યું. તારીખ જોઈને તે ચમકી… અરે આજે તો મારા સૂરજનો જન્મદિવસ છે. દેવકીએ રૂમની બારી ઝડપથી ખોલી નાખી. તેને બહારથી આવતો ઢોલ-નગારાનો અવાજ હવે ગમવા માંડ્યો હતો.

આજે તો ચોક્કસ સૂરજ અહીં આવશે અને તેને ઘરે લઈ જશે… બસ આવતો જ હશે… માનું હૃદય દીકરો તેને તેડવા આવશે તેની કલ્પના માત્રથી ખીલી ઊઠ્યું.

દેવકી મનમાં જ વિચારી રહી… સારું થયું સવારથી જ તેણે કાંઈ ખાધું નહોતુ કારણ કે સૂરજના જન્મદિવસે તેનું મોઢું જોયા વગર તો તે પાણી પણ ક્યાં પીતી હતી ?

બહાર પ્રાંગણમાં કથાનો શોરબકોર થઈ ગયો હતો. શારદા શીરાનો પ્રસાદ પડિયામાં લઈને રૂમમાં પ્રવેશી.

‘લે… પ્રસાદ લઈ લે દેવકી… પછી જમવા માટે બોલાવે છે.’

‘ના… હોં આજે તો મારા સૂરજનો જન્મદિવસ છે… મારે વ્રત છે… તે આવશે પછી જ પ્રસાદ લઈશ. સૂરજને શીરો ભાવે છે તેથી પહેલાં તો તેને જ ખવડાવીશ.’ દેવકીની આંખમાં આંસુ તગતગ્યાં.

‘શારદા, આજે તો સૂરજ આવશે એટલે હું તેને કહી જ દેવાની છું કે મને અહીં બિલકુલ ગમતું નથી. હું તારી સાથે જ ઘરે આવું છું.’

‘દેવકી, હજુ પણ તને લાગે છે કે તારો દીકરો તને મળવા આવશે ?’

‘શારદા, માત્ર મળવા જ નહીં, મને ઘરે લઈ જવા માટે આવશે.’ – દેવકીની આંખમાં આશાનું કિરણ ડોકાઈ રહ્યું હતું.

શારદા દેવકીને તાકી રહી.

દેવકી એકલી એકલી બોલ્યે જતી હતી… ‘ગમે તેમ તોય સૂરજ દીકરો છે. આ તો સંજોગવશાત તેને આવું પગલું ભરવું પડ્યું છે બાકી તેનો અંતરાત્મા તો કકળતો જ હશે.’

દેવકીનો વિલાપ શારદા સમજી શકતી હતી. કોઈ પણ માનું હૈયું પોતાના દીકરાનો દોષ ક્યારેય જોઈ શકતું નથી.

આખરે સાંજ પડી. શારદાએ દેવકીને વાળુ કરી લેવા માટે ખૂબ સમજાવી પરંતુ દેવકી એકની બે ન થઈ. દેવકીએ હજુ સુધી મોઢામાં કાંઈ જ મૂક્યું નહોતું… પ્રસાદ પણ નહીં. આખરે શારદા વાળુ કરવા માટે હૉલમાં એકલી જ ગઈ.

દેવકીનું રટણ ચાલુ જ હતું… સૂરજ આવતો જ હશે… સૂરજ આવતો જ હશે…

શારદા વાળુ કરીને પરત આવી ત્યારે દેવકી તેના સામાનની નાનકડી પોટલી બાંધીને રૂમ બંધ કરીને બહાર પરસાળમાં બેઠી હતી. તેની આંખ વિશાળ પ્રાંગણની સામે આવેલ મુખ્ય દરવાજા તરફ પથરાયેલી હતી.

સૂર્યાસ્ત થઈ ગયો હતો. બહાર હાઈવે પરથી પસાર થતાં વાહનો થોડી થોડી વારે વાતાવરણની શાંતિનો ભંગ કરી રહ્યાં હતાં. દેવકી કપાળ પર હાથ રાખીને જોઈ રહી હતી કે બધાં વાહન પસાર થઈ જતાં હતાં. એક પણ વાહન દરવાજાની અંદર આવતું નહોતું. દેવકીએ નિસાસો નાખ્યો… ‘અરે રે બિચારો ક્યાં અટવાઈ પડ્યો હશે ? હવે તો શહેરમાં ટ્રાફિક પણ કેટલો બધો વધી ગયો છે.’

રાત્રિના નવના ડંકા પડ્યા. વોચમેને વૃદ્ધાશ્રમનો દરવાજો બંધ કર્યો. દેવકી તરત તે તરફ દોડી, ‘અરે ભાઈ, થોડીક વાર દરવાજો ખુલ્લો રાખો, મારો દીકરો આવતો જ હશે.’

‘માજી, દરવાજો નવ વાગે બંધ કરી દેવાનો સંસ્થાનો નિયમ છે. હવે જો હું ખુલ્લો રાખું તો મારી નોકરી જોખમમાં આવી જાય. તમારો દીકરો આવશે તો હું ચોક્કસ દરવાજો ખોલી દઈશ.’ વોચમેને સહાનુભૂતિપૂર્વક કહ્યું.

‘પણ ભાઈ, એ બિચારો દરવાજો બંધ જોઈને પાછો જતો રહેશે, બિચારાને ધક્કો થશે.’ માનો જીવ બોલી ઊઠ્યો.

બહાર હાઈવે પરથી પસાર થતાં વાહનોની હેડલાઈટનો પ્રકાશ દેવકીના મનમાં વારંવાર આશાનું કિરણ જગાવી જતો હતો!

ભૂખ અને તરસથી થાકેલી દેવકીની આંખો હવે ઘેરાઈ રહી હતી. ત્યાં અચાનક જ વૃદ્ધાશ્રમના દરવાજાની બહાર એક કાર આવીને ઊભી રહી. તેના હોર્નનો અવાજ સાંભળીને વૉચમેને તરત જ દરવાજો ખોલ્યો એટલે કાર પ્રાંગણમાં આવીને ઊભી રહી. કારમાંથી સૂરજ અને રીટા ઊતર્યાં. બંને દેવકીની નજીક આવીને દેવકીને પગે લાગ્યાં.

‘મમ્મી, હું તો સાવ ભૂલી જ ગયો હતો, આજે મારો જન્મદિવસ છે. તું તો હજી જમી પણ નહીં હોય.’

‘મારી વાત છોડ દીકરા, તું જમ્યો કે નહિ?’ દેવકીની આંખમાં આંસુનું પૂર ઊમટ્યું હતું.

‘ચાલો મમ્મી, તમારા રૂમનું સમારકામ થઈ ગયું છે, ઘરે જઈને આપણે બધાં સાથે જ જમીશું.’ રીટાએ કહ્યું.

‘હા… હા… ચાલો બેટા, સાચું કહું તો અહીં મારું મન સહેજ પણ ગોઠતું નહોતું.’ દેવકીએ પોતાના બંને હાથમાં પોટલી ઉપાડી લીધી અને પાછળ જોયું તો શારદા રૂમનો અડધો દરવાજો ખોલીને તેની સામે જોઈ રહી હતી.

‘શારદા… જો હું કહેતી હતી ને કે આજે મારો દીકરો મને લેવા ચોક્કસ આવશે… જો હું તેની સાથે ઘરે જાઉં છું.’ દેવકીએ બૂમ પાડીને કહ્યું. દેવકીના અવાજથી વૃદ્ધાશ્રમની ત્રણ ચાર રૂમમાં ટપોટપ લાઇટ થઈ. ત્રણ ચાર વૃદ્ધ સ્ત્રીઓ દેવકીને ઊંઘમાંથી જગાડવાની કોશિશ કરી રહી હતી. દેવકી ઊંઘમાં જ શારદા… શારદા… બરાડા પાડી રહી હતી. હવે દેવકી સફાળી જાગી ગઈ… હા… એક સુંદર સ્વપ્ન આવીને જતું રહ્યું હતું!

દેવકીની આંખમાં આંસુ આવી ગયાં હતાં. સૌ કોઈ દેવકીની મનોદશા સમજવા માટે સક્ષમ હતાં પરંતુ કોણ કોને આશ્વાસન આપે ? દરેકની કહાણી લગભગ એકસરખી જ હતી.

શારદાએ દેવકીને રૂમમાં આવીને આરામ કરવા માટે ખૂબ જ સમજાવી પરંતુ દેવકી આજે જીદે ચડી હતી અને જાણે કે ભગવાનને પડકાર ફેંકતી હોય તેમ દેવકીએ ઉપર આકાશ તરફ જોયું. આખરે સૌ વીખરાઈ ગયાં. દેવકી શ્રદ્ધાપૂર્વક પરસાળમાં તેની પોટલી સાથે સૂરજની રાહ જોતી બેઠી. અગિયારના ડંકા પડ્યા. શારદા રૂમનું બારણું અધખુલ્લું રાખીને જ પોતાના પલંગમાં આડી પડી હતી.

બહાર ટ્રાફિક નહિવત્‍ થઈ ગયો હતો.

દેવકીની આંખમાં હવે ઊંઘનું નામનિશાન ન્હોતું. અચાનક દરવાજાની બહાર એક કારે હૉર્ન માર્યું. વૉચમેને દરવાજો ખોલ્યો. દેવકી આંખો ચોળીને ખાતરી કરી રહી હતી કે આ વખતે સ્વપ્ન તો નથી ને? ના, તે સ્વપ્ન નહોતું. કાર દરવાજાની અંદર પ્રવેશી એટલે તેની હેડલાઈટના પ્રકાશને કારણે દેવકીની આંખો અંજાઈ ગઈ. દેવકી ઊભી થઈ ગઈ. કારમાંથી ઊતરીને સૂરજ તરત જ દેવકીને પગે લાગ્યો. દેવકીની આંખમાંથી વહેતી અશ્રુધારા સૂરજના માથાને પલાળી રહી.

દેવકીએ પ્રસાદનો પડિયો સૂરજને ધર્યો. સૂરજે સ્‍હેજ પ્રસાદ લીધો.

‘લે ને દીકરા… વધારે’ દેવકીથી બોલાઈ ગયું.

‘ના… મમ્મી, બહુ ભારે જમીને આવ્યો છું. રીટાના પપ્પાએ મારા બર્થડેની પાર્ટી તેમના બંગલે રાખી હતી તે કારણસર જ મારે મોડું થયું.’

‘ના… ના… જરા પણ મોડું થયું નથી દીકરા… કેવી રહી પાર્ટી?’ દેવકીએ વહાલથી પૂછ્યું.

‘મમ્મી, આજે તો તેમના બંગલે મારે ઘણા મોટા માણસો સાથે ઓળખાણ થઈ.’ સૂરજ ઉત્સાહથી બોલ્યો.

‘હા… સૂરજ… ખરેખર ખુશીની વાત છે કે મારો દીકરો મોટા માણસોને હળતોમળતો થઈ ગયો… બહુ સરસ… એક માનું તો સ્વપ્ન હોય છે કે તેનો દીકરો ખૂબ મોટો માણસ બને.’

‘મમ્મી… તેં જમી લીધું છે ને?’

‘સૂરજ, મારું પેટ તો તને જોઈને જ ભરાઈ ગયું છે.’

થોડે દૂર ઊભેલો વૉચમેન મા-દીકરાનું સુખદ મિલન જોઈ રહ્યો હતો.

‘સૂરજ, મારા રૂમનું સમારકામ પૂરું થઈ ગયું છે ને? હવે વરસાદનું પાણી નહીં ટપકે ને?’ દેવકીના અવાજમાં ઘરે પરત જવા માટેનો ઉત્સાહ છલકાતો હતો.

‘હા… મમ્મી માત્ર તારા રૂમનું જ નહીં આખા ઘરનું સમારકામ થોડા દિવસ પહેલાં જ પૂરું થઈ ગયું છે… પણ…’

‘પણ શું?’

‘મમ્મી, તારા રૂમમાં પપ્પી રહે છે.’

‘પપ્પી… એ વળી કોણ?’ દેવકીએ ભોળા ભાવે પૂછ્યું.

‘મમ્મી, રીટાને બાળપણથી જ વિદેશી ગલૂડિયાં પાળાવાનો ગાંડો શોખ છે. ગયા મહિને તેના બર્થ ડે પર તેના પપ્પાએ તેને બર્થ ડે ગિફ્ટમાં નાનકડું ગલૂડિયું આપ્યું છે. તેના પપ્પાને તો આપણાથી નારાજ પણ કઈ રીતે કરાય? પપ્પીને ડ્રૉઈંગરૂમમાં બાંધીએ તે રીટાને પસંદ નહોતું તેથી તારા રૂમમાં જ તેને રાખ્યું છે. મમ્મી, ગલૂડિયા સાથે તને રહેવાનું ગમશે પણ નહીં, તેના કરતાં તો અહીં…’ સૂરજ બોલતાં બોલતાં અટકી ગયો.

‘હા… હા, તેના કરતાં તો અહીં ઘણું સારું છે.’ દેવકીએ સૂરજની વાતનો દોર પકડી લીધો અને ધીમેથી તેના સામાનની પોટલી પાછળ સંતાડી દીધી.

‘સૂરજ, મને અહીં ખૂબ જ ગમે છે. આ લોકો ખરેખર મારું ખૂબ જ ધ્યાન રાખે છે. ખાવાપીવાનો સમય સાચવે છે. મંદિરોના ધાર્મિક પ્રવાસો કરાવે છે. અત્યારે જ જો સામે પેલો માંડવો બાંધ્યો છે ને ત્યાં ભાગવતકથા બેસાડી છે. આવો લાભ ઘરે ક્યાં મળવાનો?’ માનું હૃદય બોલી રહ્યું હતું. દૂર ઊભો રહેલો માત્ર વૉચમેન જ નહીં પરંતુ અડધું બારણું ખોલીને ઊભી રહેલી શારદા પણ દેવકીની વાત સાંભળીને રડી રહી હતી.

‘તો મમ્મી હું જઉં?’

‘ઊભો રહે ભાઈ, તને મારા સમ… આ કાનુડાનો પ્રસાદ તો તારે પૂરો કરવો જ પડશે. તને ભાવતા શીરાનો પ્રસાદ છે. બસ એમ સમજી લેજે કે તારી મા તરફથી તને આજની તારા જન્મદિવસની ભેટ છે.’

સૂરજે માનું મન રાખવા માટે ધીમે ધીમે પડિયાનો પ્રસાદ પૂરો કર્યો.

દેવકીની આંખમાંથી મમતા અને વાત્સલ્યનું ઝરણું અશ્રુધારા બનીને વહી રહ્યું હતું.

‘મમ્મી, હું જાઉં? રીટા રાહ જોતી હશે.’

‘હા, ભાઈ, તું નીકળ… વહુ રાહ જોતી હશે. તેનું ધ્યાન રાખજે.’ માનું હૈયું બોલી ઊઠ્યું હતું. સૂરજની કાર દરવાજાની બહાર નીકળી ત્યાં સુધી દેવકી સજળ નેત્રે તેને જતાં જોઈ રહી. હવે તો માત્ર શારદા અને વૉચમેન જ નહીં પરંતુ વૃદ્ધાશ્રમની દીવાલો પણ રડી રહી હતી.

*
સમયનું ચક્ર ફરતું ગયું. માત્ર સાત ચોપડી ભણેલી દેવકી વૃદ્ધાશ્રમમાં પુસ્તકાલયનો ઉપયોગ કરતી થઈ ગઈ હતી. હવે તેને ભાંગ્યું-તૂટ્યું અંગ્રેજી વાંચતા પણ આવડી ગયું હતું. કોઈ પણ વ્યક્તિના જીવનના દર્દને સહન કરવામાં જ્ઞાન અને સાહિત્ય હંમેશાં મદદે આવતું હોય છે. દેવકી પણ વાચનમાં ઊંડી ઊતરતી જતી હતી. દેવકીને તેનું જ્ઞાન હવે શાતા આપતું હતું કે ભગવાન જેવા ભગવાનને જન્મ આપનાર દેવકીને પણ પારાવાર દુઃખનો સામનો કરવો પડ્યો હતો તો પછી પોતે તો માત્ર સામાન્ય માણસની માતા હતી!

પાંચેક વર્ષ બાદ વૃદ્ધાશ્રમના મુખ્ય મૅનેજિંગ ટ્રસ્ટીની ષષ્ઠીપૂર્તિ આશ્રમમાં જ ઊજવવાનું આયોજન થયું ત્યારે મેદાનમાં મોટો માંડવો બાંધવામાં અવ્યો હતો. જોગાનુજોગ તે જ દિવસે દેવકીનો પણ જન્મદિવસ હતો. તમામ ટ્રસ્ટીઓની હાજરીમાં જ્યારે દેવકીનું શાલ ઓઢાડીને સમ્માન કરવામાં આવ્યું ત્યારે તાળીઓના ગડગડાટથી આખું મેદાન ગાજી ઊઠ્યું હતું. દેવકીનાં દુઃખ-દર્દને નજીકથી જોનાર શારદા પણ આંખમાં હર્ષનાં આંસુ સાથે ઉત્સાહથી તાળીઓ પાડી રહી હતી.

દેવકીને માઇક આપીને કાંઈક બોલવાનો આગ્રહ કરવામાં આવ્યો ત્યારે તેણે આંખમાં ચમક સાથે કહ્યું હતું… ‘અહીં રહેનાર બહેનોની આંખમાં મને જો લાચારીની જગ્યાએ ખુમારી જોવા મળશે… હા, એવી ખુમારી જે જીવનના સંધ્યાકાળના સંઘર્ષ સામે લડી લેવા માટે સક્ષમ હોય તો તે આજની મારી સૌથી મોટી બર્થ ડે ગિફ્ટ બની રહેશે!’


Rate this content
Log in