Prafull Kanabar

Drama

2  

Prafull Kanabar

Drama

ગૃહત્યાગ

ગૃહત્યાગ

9 mins
681


બાવીસ વર્ષનો રવિ વડોદરાથી મુંબઈ જવા માટે વહેલી સવારે કર્ણાવતી એક્સપ્રેસમાં બેઠો ત્યારે છેલ્લા ત્રણ દિવસથી તેના મનમાં ચાલી રહેલી ગડમથલનો અંશતઃ અંત આવ્યો હતો. રવિ તેનાં પિતા અનંત ત્રિવેદીને જીવનમાં પહેલીવાર મળવા માટે જઈ રહ્યો હતો. અનંતે પત્ની આસ્થાને છોડીને જ્યારે ગૃહત્યાગ કર્યો હતો ત્યારે રવિ બે વર્ષનો હતો. ઘર અને ગામ છોડ્યાં બાદ આટલાં વર્ષોમાં અનંતનાં કોઈ જ વાવડ નહોતા. રવિએ સાત વર્ષની ઉંમરે જ્યારે પ્રથમ વાર મમ્મીને તેનાં પપ્પાની ઘરમાં ગેરહાજરી બાબતે પૂછ્યું હતું ત્યારે આસ્થાએ રવિને છાતીસરસો ચાપીને સજળની કહ્યું હતું..... “બેટા, તારા પપ્પાને અચાનક સંસારમાંથી રસ ઉડી ગયો હતો તેથી તેઓ કોઈ સાધુ મંડળી સાથે ક્યાંક જતા રહ્યાં છે.”

આસ્થા જે ટ્રસ્ટની હોસ્પિટલમાં નર્સ હતી તે જ ટ્રસ્ટની શાળામાં રવિ ભણ્યો હતો. રવિ ભણવામાં તેજસ્વી હતો તેથી સતત સ્કોલરશીપ મેળવીને ગ્રેજ્યુએટ થઈ ગયો હતો. દોઢ વર્ષથી રવિને વડોદરાની જ સારી કંપનીમાં જોબ પણ મળી ગઈ હતી. રવિ તેની મમ્મીની સંઘર્ષ યાત્રાનો સાક્ષી હતો. ત્રણેક દિવસ પહેલાં આસ્થા હજુ ડ્યુટી પરથી ઘરે ન્હોતી આવી. રવિ ચેનલ પર ન્યુઝ જોઈ રહ્યો હતો. અચાનક ન્યુઝમાં અનંત ત્રિવેદીના પોટ્રેઈટનાં પ્રદર્શનમાં ન્યુઝ ઝળક્યા હતાં. મહારાષ્ટ્રનાં મુખ્ય પ્રધાનનાં હસ્તે તે પ્રદર્શનનું ઉદઘાટન થઈ રહ્યું હતું. સફેદ દાઢીવાળા અનંત ત્રિવેદીને ટી. વી. પર જોઈને રવિ ચમક્યો હતો. તેણે ડ્રોઇંગરૂમની દિવાલે લગાવેલ કાળી દાઢીવાળા પપ્પાનો ફોટો ધ્યાનપૂર્વક જોયો હતો. ટી.વી. ન્યુઝમાં અનંત ત્રિવેદીનું નામ પણ ટેલીકાસ્ટ થઈ રહ્યું હતું. અનંત ત્રિવેદીનો ઉલ્લેખ પણ ગુજરાતી ચિત્રકાર તરીકે કરવામાં આવી રહ્યો હતો. રવિ વિચારી રહ્યો.... મમ્મી તો કહેતી હતી કે પપ્પા સાધુ મંડળી સાથે ક્યાંક જતાં રહ્યાં છે... તો સાચું શું ?

આસ્થા ઘરે આવી. મા દિકરો જમવા બેઠાં એટલે રવિએ કહ્યું ‘મમ્મી, બાળપણથી મને ચિત્રો દોરવા ખૂબ ગમે છે. ઇવન અત્યારે પણ ઘણી વાર મને ડ્રોઇંગ કરવાની ઈચ્છા થાય છે... તને તો ડ્રોઈંગનો શોખ નથી તેનો મને ખ્યાલ છે... શું પપ્પાને ડ્રોઈંગનો શોખ હતો?’

“હા... રવિ, તારા પપ્પા ખૂબ સારા ચિત્રકાર હતા. સ્વામીનારાયણ મંદિરમાં તેઓ નિયમિત પેન્ટીંગનું કામ કરવા જતાં.”

મા-દિકરા વચ્ચે મૌન પથરાઈ ગયું હતું. રવિએ ચાલાકીપૂર્વક મમ્મી પાસેથી જે જાણવું હતું તે જાણી લીધું હતું.

બીજે દિવસે સાંજે રવિએ બાજી ગોઠવતાં કહ્યું હતું.... “મમ્મી, ઓફિસનાં કામે મારે બે દિવસ માટે આવતીકાલે વહેલી સવારે મુંબઈ જવાનું છે.” “ભલે...બેટા” આસ્થાએ જવાબ આપ્યો હતો.

આમ જીવનમાં પહેલી વાર મમ્મી સમક્ષ ખોટું બોલીને રવિ મુંબઈ જવા માટે ટ્રેનમાં બેઠો હતો. ઘરેથી નીકળતાં પહેલાં રવિએ મમ્મીનાં પટારામાંથી મમ્મીને ખબર ન પડે તે રીતે મમ્મીની એક વીંટી પણ સાથે લઈ લીધી હતી જેનાં પર ‘એ’ લખેલું હતું. ટ્રેનમાં બેઠા બાદ રવિએ તે વીંટી પોતાનાં જમણાં હાથની આંગળીમાં પહેરી લીધી હતી.

ટ્રેનની ગતિની જેમજ રવિનાં મગજમાં પણ તેજ ગતિથી વિચારોનું વાવાઝોડું ફૂંકાતું જતું હતું. જેમ સંસારરથમાં પતિ પત્ની બે મહત્વનાં પૈડાં છે તેમ કોઈપણ બાળક માટે માતા અને પિતા બંને અવિભાજ્ય અંગ છે. બે માંથી એકનું અવસાન થાય અને બાળકે તેનાં વગર જીવવું પડે તેવી પરિસ્થિતી તો બાળક નાછૂટકે સ્વીકારી લેતું હોય છે. પરંતુ બંને હયાત હોય અને બે માંથી એકનાં પ્રેમ વગર બાળકને મોટા થવું પડે તે સ્વીકારીને જીવવું કોઈપણ બાળક માટે દુષ્કર હોય છે. આવા બાળકના મનમાં એક અજીબ પ્રકારનો અજંપો હોય છે જે તેનાં દિલ અને દિમાગ પર હાવી ન થઈ જાય તે માટે તેણે રીતસર ઝઝુમવું પડતું હોય છે ! રવિનાં મનમાં પણ છેલ્લાં ત્રણ દિવસથી પ્રશ્નો ઘણા હતાં પરંતુ ઉત્તર એક પણ નહોતો. મમ્મી સાથે પપ્પા બાબતે ચર્ચા કરીને તેને વધારે દુઃખી કરવાનો કોઈ મતલબ નહોતો. તેથી સાચી વાત જાણવા માટે રવિએ સીધી મુંબઈની વાટ પકડી હતી.

મુંબઈ સેન્ટર ઉતરીને રવિ ટેક્ષી કરીને સીધો જહાંગીર આર્ટ ગેલેરી પહોંચી ગયો હતો. બપોરનો સમય હતો. પ્રદર્શનમાં ભીડ ઓછી હતી. રવિ એક પછી એક પોટ્રેઇટ જોતો જોતો આગળ વધી રહ્યો હતો. દરેક ચિત્રની નીચે અંનત ત્રિવેદીનું નામ લખેલું હતું. દેવી દેવતાઓનાં વિશાળ કદનાં પોટ્રેઇટની વચ્ચે રવિનું ધ્યાન એક પોટ્રેઇટ પર પડ્યું. તે ચિત્રમાં એક સ્ત્રી તેના જમણા હાથમાં પકડેલી કૂહાડી પોતાના જ ડાબા પગને મારી રહી હોય તેવું દ્રષ્ટીમાન થતું હતું. અચાનક રવિનાં ખભે પાછળથી કોઇકે હાથ મૂક્યો. રવિએ ચમકીને પાછળ જોયું. સફેદ લેંઘો રેશમી ઝભ્ભો, બ્લેક કોટી, પગમાં કોલ્હાપુરી ચપ્પલ, સોનેરી ફ્રેમ વાળાં ચશ્મા અને સફેદ દાઢી વાળા અનંત ત્રિવેદી મંદ મંદ હસી રહ્યા હતાં.

“સર, તમામ દેવી દેવતાઓના ફોટા વચ્ચે આ કઈ દેવીનું ચિત્ર છે?”

“દોસ્ત, તે સંઘર્ષની દેવી છે. જેનાં નસીબમાં હાથે કરીને ઉભો કરેલો સંઘર્ષ છે. તેથી જ મેં તેને પગ પર પોતાના દ્વારા જ કૂહાડી મારતી દર્શાવી છે.”

“સર, આ ચિત્રમાં મને મારી મા “આસ્થા”ના દર્શન થાય છે.” રવિએ હિમ્મતપૂર્વક કહ્યું હતું, અનંત ચમક્યો હતો. રવિએ જમણા હાથમાં પહેરેલી ‘એ’ લખેલી વીંટી અનંતને બતાવી. “દોસ્ત, તારું નામ રવિ છે?”

“યસ્સ.... સર.”

અનંતની આંખમાં ભીનાશ આવી. “ચાલ રવિ સામે રેસ્ટોરન્ટ છે. ત્યાં બેસીએ.”

રવિ યંત્રવત્ અનંદની પાછળ દોરવાયો.

રેસ્ટોરન્ટમાં પહોંચ્યા બાદ અનંતે બંને માટે લંચ મંગાવ્યું. રવિને ભૂખ તો લાગી જ હતી. વળી પપ્પાના ગૃહત્યાગનું સાચું કારણ જાણવા માટે તેમની સાથે વધારે સમય ગાળવો પણ ખૂબ જ જરૂરી હતું. લંચ લીધા બાદ અનંતે જ વાતની શરૂઆત કરી.

“રવિ, મારી પાસેથી તું શું જાણવા માંગે છે ?”

“સર તમે અમને છોડીને કેમ જતાં રહ્યાં હતાં ? મમ્મીએ તો મને બાળપણમાં એવું સમજાવ્યું હતું કે તમે કોઈ સાધુ મંડળી સાથે જતાં રહ્યા છો... તો આ બધું શું છે?”

“તું મને પપ્પા નહીં કહે?”

“ના” રવિનાં ચહેરા પર અણગમાનાં ભાવ આવી ગયા હતા. અનંતને રવિનો અણગમો વાજબી લાગી રહ્યો હતો.

અનંતે રવિનાં હાથની આંગળીમાં પહેરેલી વીંટી પકડીને કહ્યું. “રવિ, આ વીંટી મેં તારી મા ને લગ્નને દિવસે પહેરાવી હતી.”

વીંટી સામે જોતાં જોતાં જ અનંત અતીતમાં સરી પડ્યો હતો. તે બોલતો ગયો... બોલતો ગયો... અને રવિ ધ્યાનપૂર્વક એક ચિત્તે સાંભળતો રહ્યો. અનંતનાં અવાજમાં સચ્ચાઈનો રણકાર હતો. તેની વાત કહેવાની રીત એવી સચોટ હતી જાણે કે તેનાં જીવનની કિતાબનાં પાના રવિ વાંચી રહ્યો હતો... અનંતનાં આસ્થા સાથેનાં પ્રેમલગ્ન..... બંનેના પરિવારો દ્વારા તેમનો બહિષ્કાર... આસ્થાએ લીધેલી નર્સની નોકરી.... અનંતે શરૂ કરેલું પેઈન્ટીંગનું કામ.. સ્વામીનારાયણ મંદિરમાં સુંદર પેઈન્ટીંગ બાદ અનંતની કળાની નોંધ સમગ્ર શહેરમાં લેવાઈ રહી હતી. રવિનાં જન્મ બાદ આસ્થાનો સ્વભાવ ચીડીયો થઈ ગયો હતો. તેનો સ્વભાવ શંકાશીલ તો પહેલેથી જ હતો તેમાં આ ચીડીયાપણું ઉમેરાયું હતું. અનંતને તે દિવસોમાં મંદિરનાં મુખ્ય મહંત મારફતે અલકાપુરીનાં એક બંગલામાં પેઇન્ટીંગનું કામ મળ્યું હતું. બંગલાનાં માલિકને ચાર દિવસ માટે ધંધાનાં કામે દુબઈ જવાનું થયું હતું. મેડમે અનંત પાસે પોતાનું મોનાલીસા જેવું સુંદર પોટ્રેઇટ બનાવવાનો આગ્રહ રાખ્યો હતો. શેઠ ચાર દિવસ બાદ આવે ત્યારે તેમને સરપ્રાઈઝ આપવા માટે લિમીટેડ સમયમાં કામ પૂરું કરી આપવાનું હતું... જેના માટે અનંતને રાત દિવસ કામ કરવું પડે તેમ હતું. અનંતે ઓર્ડર લેવાનો ઇન્કાર કર્યો હતો. મેડમે અંનતને એટલી મોટી રકમની ઓફર કરી હતી જે મધ્યમવર્ગનાં અનંત માટે લોટરીની રકમ જેટલી મોટી હતી. અનંતે ત્રણ રાત જાગીને મેડમનું પોટ્રેઇટ બનાવ્યું હતું. સતત ચાર દિવસ મેડમનાં બંગલે રહેવું પડશે તે વાત અનંતે આસ્થાને અગાઉથી કરી પણ હતી. આસ્થાનાં કાને ઉડતી ઉડતી વાત આવી હતી કે પેલી ધનવાન મેડમે અનંતને વશમાં કરવા માટે દાણા નાખ્યા છે. પોટ્રેઇટ તો માત્ર બહાનું છે. આસ્થાનાં શંકાશીલ મગજમાં શકનો કીડો વટવૃક્ષ બની ગયો હતો.

તે વરસાદી રાત્રે મેડમનું પોટ્રેઇટ પુરું કરીને બેગ ભરીને રૂપીયા લઈને ખુશખુશાલ અનંત જ્યારે ઘરે આવ્યો ત્યારે આસ્થાએ અનંતના ચારિત્ર પર કાદવ ઉછાળ્યો હતો. અનંત ગમે તેમ તો પણ એક કલાકાર હતો. તેનું સંવેદનશીલ મન આસ્થાનાં મ્હેણાંથી ઘવાયું હતું. તેને હાડોહાડ લાગી આવ્યું હતું. બીજે દિવસે વહેલી સવારે અનંત મા દિકરાને ઊંઘતા મૂકીને રૂપિયા ભરેલી બેગ પણ ઘરમાં મૂકીને પહરેલ કપડે નીકળી ગયો હતો. પાદરા રોડ પર સાધુની મંડળી પગપાળા અયોધ્યા તરફ જઈ રહી હતી તેમાં તે જોડાઈ ગયો હતો. આસ્થાનો પડોશી અનંતને સાધુમંડળી સાથે જોઈ ગયો હતો તેથી તેણે આસ્થાને આ વાતની માહિતી આપી હતી. આસ્થાએ આ વાતનો એવો અર્થ કાઢવો હતો કે માણસ ખોટો હોય તે જ મેદાન છોડીને જતો રહે... પરિણામે તેણે અનંતની પાછળ દોડવાને બદલે પોતાના મનને મનાવી લીધું હતું. સાધુ મંડળીનાં મુખ્ય મહંતે જ્યારે અનંતનું મંડળીમાં જોડાવાનું કારણ જાણ્યું ત્યારે તેમણે અનંતને સમજાવતાં કહ્યું હતું.... “વત્સ, આ તારો પલાયન વાદ છે... તું સાધુ થવાનું રહેવા દે. તારી પાસે હુન્નર છે. તેને તું હથિયાર બનાવી દે અને સમાજમાં રહીને સાધુ જેવું જીવન જીવ.”

અનંતે ઘરે પાછું વળવાને બદલે મુંબઈનો માર્ગ પકડી લીધો હતો અને આજીવન બ્રહ્મચર્ય પાળવાની પ્રતિજ્ઞા લઈ લીધી હતી.

“રવિ, તારી મા ને પણ એવોજ ખ્યાલ હશે કે હું સાધુ થઈ ગયો છું પરંતુ સાવ સાચી વાત મેં તને અત્યારે કહી દીધી છે.” અનંતે પોતાની વાત પૂરી કરતાં કહ્યું હતું.

રવિને હવે આખી વાતનો તાગ મળી ગયો હતો.

“સર, તમને મારો ક્યારેય વિચાર જ ન આવ્યો ?”

“તું શું જવાબ સાંભળવા માંગે છે?”

“હું સત્ય સાંભળવા માંગુ છું” રવિએ અનંતની આંખમાં જોઈને મક્કમતાથી કહ્યું હતું.

“રવિ, સાચો જવાબછે..... ના.”

રવિ સ્તબ્ધ બનીને અનંતને તાકી રહ્યો.

“રવિ, હું એક કલાકાર છું. દર્દ અને પીડા સાથે કલાને ગાઢ સંબંધ હોય છે. તારી માને મેં દિલોજાનથી પ્રેમ કર્યો હતો. લગ્ન બાદ તેણે મને જે દર્દ આપ્યું છે તે સહન કરવા માટે જ મેં મારી કલાનો સહારો લીધો હતો. હંમેશા ઉત્કૃષ્ટ કૃતિનું સર્જન પીડામાંથી જ થતું હોય છે... મને મારી લાઈનમાં સફળતા મળી તેમં મને તારી મા તરફથી મળેલાં દર્દનો હિસ્સો મોટો છે. તને તો મેં બાળપણમાં જ છોડી દીધો હતો. પછી તારા પ્રત્યે લગાવ કઈ રીતે થાય ?” તારે મને પપ્પા તરીકે સંબોધન કરવું કે નહિં તે હવે તારે નક્કી કરવાનું છે.” અનંતનાં આવા જવાબની રવિએ બીલકુલ આશા રાખી નહોતી. જો કે તેને અનંતની નિખાલસતા સ્પર્શી ગઈ હતી. રવિ અનંતને ભેટી પડ્યો. તેનાં ગળામાંથી અવાજ નીકળ્યો... “પપ્પા.”

બાપ દિકરાની આંખમાંથી વહેતી અશ્રુધારા તેમનાં વચ્ચેનું અંતર ઘટાડી રહી હતી.

છૂટા પડતી વખતે રવિએ પપ્પા સાથે તેનાં સેલફોન માંથી એક સેલ્ફી લીધી જેથી ઘરે જઈને મમ્મીને બતાવી શકાય.

વડોદરા પરત આવીને રવિએ રહસ્યસ્ફોટ કર્યો.

“મમ્મી, મુંબઈમાં હું પપ્પાને મળી આવ્યો.” રવિએ તેના મોબાઈલમાં પેલી સેલ્ફી દ્વારા લીધેલો ફોટો બતાવ્યો.

આસ્થા ચમકી. “શું વાત થઈ તારે તેમની સાથે ?”

રવિએ અનંત સાથે થયેલી રજેરજ વાત દિલ ખોલીને કરી. આસ્થા સજ્જળ નેત્રે શાંતિથી સાંભળી રહી. આસ્થાને ખ્યાલ આવી ગયો કે અનંત હવે ક્યારેય તેનાં જીવનમાં પાછો નહીં આવે તેના માટે તેની કલા જ તેની સાધના છે. તેની આસ્થા છે..... રવિની વાત પૂરી થઈ ગયા બાદ આસ્થાએ પૂછ્યું “રવિ, તારું પલ્લું કોના તરફ વધારે ઢળે છે?” મારાં તરફ કે તેમના તરફ?

રવિ થોડીવાર વિચારીને બોલ્યો “મમ્મી, તું તારી જગ્યાએ સાચી છે. અને પપ્પા તેમની જગ્યાએ. પપ્પાને તેમની શરતોએ જિંદગી જીવવી હતી.... જે તેઓ જીવી રહ્યા છે.”

“હા.... દિકરા. દરેક માણસને પોતાની શરતોએ જિંદગી જીવવાનો હક્ક હોવો જ જોઈએ.”

આસ્થાએ ખેલદીલીપૂર્વક કહ્યું હતું.

મોડીરાત્રે આસ્થાનું મન વિચારે ચડી ગયું હતું. તેને બે દાયકા પહેલાંનો તે વરસાદી રાતનો અનંત સાથેનો ઝઘડો યાદ આવી ગયો હતો. અનંત ઘોડીયામાં સૂતેલાં રવિનાં માથા પર હાથ રાખીને કહી રહ્યો હતો.. “આસ્થા, મારે તે બંગલા વાળી મેડમ સાથે કોઈ જ સંબંધ નથી.... તારો વહેમ તદ્દન ખોટો છે.” આસ્થાનાં દિમાગમાં શક નામનો કીડો એટલી હદે ઘુસી ગયો હતો કે તે અનંતની કોઈ વાત સાંભળવા જ તૈયાર નહોતી. અનંતનાં ગૃહત્યાગ બાદ મહીના પછી પેલી મેડમનું અવસાન થયું હતું. હા... તેને બ્લડ કેન્સર હતું. તે સ્ત્રી તેનાં મરણ બાદ પોતાનું સુંદર પોટ્રેઇટ તેનાં પતિને મધુર યાદ સ્વરૂપે સરપ્રાઈઝ ગિફ્ટ આપવા માંગતી હતી તેથી જ તેણે તેના પતિની ગેરહાજરીમાં રાત દિવસ જોયા વગર અનંત પાસે તે પોટ્રેઇટ તૈયાર કરાવડાવ્યું હતું, તે દિવસથી આજ સુધી આસ્થાનું અંતર પશ્ચાતાપથી રડતું હતું. અત્યારે પણ પતિના ગૃહત્યાગની યાદમાં આસ્થાની આંખમાંથી વહેતી અશ્રુધારા ઓશિકાને ભીંજવી રહી હતી.


Rate this content
Log in

Similar gujarati story from Drama