Prafull Kanabar

Fantasy Others

2.1  

Prafull Kanabar

Fantasy Others

કુદરત

કુદરત

8 mins
645


“સાહેબ, એક વાત પૂછું ?” ટેક્ષી ડ્રાયવરે જરા અચકાઈ ને મને પૂછયું.

“હા ખુશીથી પૂછો” મેં તેને જવાબ આપ્યો.

“સાહેબ આ ગુફાઓમાં એવું તો શું છે કે લોકો દૂર દૂરથી અહીં આવે છે? હું તો વર્ષોથી આ પથ્થરો જોતો આવ્યો છું. મને તો આમાં કંઈ જ સમજ પડતી નથી.”

મેં મારી પત્ની પૂર્વી સામે જોયું. પૂર્વીની ઈચ્છાને વશ થઈને તો હું ઠેઠ અમદાવાદથી અહીં સુધી લાંબો થયો હતો. ટેક્ષીવાળાને હું કંઈ જવાબ આપું તે પહેલાં પૂર્વીએ તેને પૂછયું “ભાઈ ત્યાં ગાઈડ તો મળી જશે ને?”

“હા એકાદ ગાઈડ હોય છે ખરો” ડ્રાયવરે જવાબ આપ્યો. ટેક્ષીમાં ભારેખમ મૌન પથરાઈ ગયું.

થોડીવાર બાદ ડ્રાયવર બોલ્યો “સાહેબ, મારા સવાલથી ખોટું ના લગાડશો. હું તો અભણ માણસ છું. રેલવે સ્ટેશનથી ગુફઓ સુધીની સવારી પર જ મારા પરિવારનું ગુજરાન ચાલે છે.” મેં મૌન રહેવાનું જ પસંદ કર્યું. રસ્તાએ વળાંક લીધો. દૂર દૂર ટેકરીઓની હારમાળા દેખાવા લાગી. વરસાદ ગોરંભાયેલો હતો. ગમે તે ઘડીએ વરસાદ તૂટી પડશે તેવું લાગી રહ્યું હતું. કુદરતી સૌંદર્યના આહલાદક વાતાવરણ વચ્ચે રસ્તા પર અમારી ટેક્ષી પાણીની જેમ વહી રહી હતી.

વળાંકો આવતા જતા હતા. જીવનમાં પણ કેટલીક વાર અણધાર્યા વળાંકો આવી જ જતા હોય છે ને? ડ્રાયવરે કાર ટેપ ચાલુ કર્યું. મુકેશનું ગીત “જો તુમ કો હો પસંદ વહી બાત કહેંગે તુમ દિન કો અગર રાત કહો તો રાત કહેંગે” ગુંજી ઊઠયું. મેં ત્રાંસી આંખે પૂર્વી સામે જોયું. ગીતના શબ્દોની જેમ જ લગ્ન જીવનના બાર વર્ષમાં મેં પૂર્વીનો પડયો બોલ ઝીલ્યો હતો. કદાચ તેથી જ અમારું લગ્નજીવન કલેશરહિત હતું. અમે સુખી હતા બસ એક જ વાતની ખોટ હતી…શેર માટીની ખોટ..બાળકની ખોટ. હું તો જ્યોતિષમાં બિલકુલ માનતો નહોતો. પૂર્વીની ઇચ્છાને માન આપીને જ હું તેની સાથે શહેરના પ્રખ્યાત જ્યોતિષી પ્રાણશંકર ભટ્ટ પાસે ગયો હતો. અમારી કુંડળી જોઇને પ્રાણશંકર ગંભીર થઇ ગયા હતા.

“તમારી કુંડળીમાં બાળકનો યોગ જ નથી.”

“કોઈ બાધા રાખીએ તો?” પૂર્વી એ પૂછયું હતું.

“બેન, એવી ભૂલ તો બિલકુલ ના કરશો. એમ કરશો તો કોઈ જીવ તમારી પાસે અગાઉનું બાકી રહી ગયેલું લહેણું લેવા આવશે…” પ્રાણશંકર બોલતાં બોલતાં અટકી ગયા હતા.

“મતલબ?”

“મતલબ એમ કે હેન્ડીકેપ બાળક આવે અને તમારા ભાગે માત્ર સેવા કરવાનું જ આવે. માટે બાધા આખડીથી તો દૂર જ રહેજો.” પ્રાણશંકરના અવાજમાં ચેતવણીનો સૂર હતો.

અમે બહાર નીકળ્યા. મેં કારનો સેલ મારીને કહ્યું. “વ્હોટ રબ્બીશ પૂર્વી? તું જાણે છે કે આપણા બંનેના મેડિકલ રીપોર્ટ નોર્મલ છે. જીવનમાં અમુક બાબતો કુદરત પર છોડી દેવી જોઈએ. બાધા રાખવાની ક્યાં જરૂર જ છે?”

બાધા ન રાખવાની મારી વાત સાથે તો પૂર્વી તરત જ સહમત થઇ ગઈ હતી કારણ કે પ્રાણશંકરે અમને ડરાવ્યા હતા કે તેમ કરશો તો હેન્ડીકેપ બાળક આવશે. બીજે દિવસે ગામડેથી માસી અમારા ઘરે બે દિવસ માટે આવ્યા હતાં. ત્રણેક વર્ષ પહેલા મમ્મીનું અવસાન થયું હતું. ત્યાર બાદ માસી જ અમારા માટે મુખ્ય વડીલ હતા. વાતવાતમાં પૂર્વીએ પેલાં પ્રાણશંકર જ્યોતિષની વાત કરી હતી. આખી વાત સાંભળીને માસી બોલી ઊઠયાં હતાં “પુષ્પક, એ જ્યોતિષીની વાત સાવ કાઢી નાખવા જેવી તો નથી જ.”

હું ચમક્યો. “માસી હું સમજ્યો નહિ.”

“પુષ્પક, તારી મોટી બેન પ્રીતિના જન્મ બાદ તારા પપ્પા વસંતરાયની વર્ષો સુધી પુત્રની તીવ્ર ઝંખના હતી.” મને યાદ આવ્યું કે મોટી બેન પ્રીતિ અને મારા વચ્ચે પંદર વર્ષનો તફવત હતો. મને માસીની વાતમાં રસ પડયો. પૂર્વી પણ ઉત્કંઠાપૂર્વક માસીની સામે તાકી રહી.

“પુષ્પક, તારી મમ્મીએ ઘણી વાર વસંતરાયને સમજાવવાની કોશિશ કરી હતી કે દીકરો ગણો કે દીકરી આપણે માટે તો પ્રીતિ જ છે. પણ વંશ આગળ ચાલવો જ જોઈએ તેવું દ્રઢપણે માનનાર વસંતરાયનું મન બિલકુલ માનતું નહોતું.”

હું અને પૂર્વી મારા જન્મ પહેલાના ઈતિહાસના એક માત્ર સાક્ષી માસીને સાંભળવામાં તલ્લીન થઇ ગયા હતા.

માસી બોલી રહ્યાં હતાં “તું તો જાણે જ છે કે વસંતરાય પુરાતત્ત્વવિદ હતા. કાયમ અજાણી ગુફાઓમાં જઈને રિસર્ચ કર્યાં કરતા. એક વાર મધ્યપ્રદેશની એક અજાણી ગુફામાં પાંચેક દિવસ રોકાઈને ઘરે પરત આવ્યા ત્યારે ખૂબ ઉત્સાહમાં હતા. તેમણે ઘટસ્ફેટ કર્યો હતો કે આ વર્ષે આપણા ઘરે દીકરો આવી જશે. મેં ત્યાં સાધના કરી હતી. જોગાનુજોગ થયું પણ તેવું જ તે જ વર્ષે તારો જન્મ થયો અને બીજે જ વર્ષે ટ્રેન અકસ્માતમાં તારા પપ્પા વસંતરાયનું અવસાન થયું. ઘણી વાર એવો વિચાર આવે છે કે પુત્ર પ્રાપ્તિ માટે ભગવાનને મજબૂર કરીને તેમણે તેમનું આયુષ્ય તો દાવ પર નહિ લગાડી દીધું હોય ને?

“માસી, તમે પણ ક્યાં આવી અંધશ્રદ્ધા વાળી વાત કરો છો? આ બધું તો “કાગનું બેસવું અને ડાળનું પડવું” કહેવત પ્રમાણે જ બન્યું હોય”.

“પુષ્પક, બની શકે કે તેમ પણ હોય પણ જીવનમાં બનતી અમુક ઘટનાઓ આપણને વિચાર કરતાં જરૂર કરી દે છે”.

માસી તો બીજે દિવસે ગામડે જતાં રહ્યાં, પણ પૂર્વીના દિમાગમાં એક ચિનગારી જરૂર મૂકતા ગયા. સમય વીતતો ગયો. પેલી ચિનગારી ધીમેધીમે પૂર્વીના મનમાં વધુ ને વધુ પ્રજ્વલિત બનતી ગઈ. મારી શાળામાં વેકેશન પડયું એટલે પૂર્વીએ તે ગુફાઓ જોવાની રીતસરની જીદ પકડી. “પૂર્વી, શા માટે વહેમમાં પડે છે? મારી અંદરનો વિજ્ઞાનનો શિક્ષક બોલી ઊઠયો હતો.

જવાબમાં પૂર્વીએ ગૂગલમાં તે ગુફાઓ સર્ચ કરીને મને બતાવતા કહ્યું હતું “ લોકેશન તો મળી ગયું છે. હું ક્યાં તમને ત્યાં જઈને તપ કરવાનું કહું છું? આપણે તો માત્ર પિકનિકની જેમ જ ત્યાં જવાનું છે”.

પિકનિકના બહાને મને સાથે ગુફઓમાં લઈ જઈને બાળક માટે પ્રાર્થના કરવાનો પૂર્વીનો ઈરાદો હું સમજી ગયો હતો. અઢળક વિદ્યાર્થીઓને ભણાવનાર મારા જેવા અનુભવી શિક્ષકને તેની ચાલાક પત્ની આજે ભણાવી રહી હતી. હું મનમાં જ મલક્યો.

“શું વિચારો છો?” પૂર્વીએ મારી આંખમાં જોઇને પૂછયું હતું.

તે જગ્યા જોવાની તારી આટલી બધી ઈચ્છા છે તો જઈ આવીએ. કાલે ભોપાલની ટ્રેનની ટિકિટ બૂક કરાવી દઉં છું. ત્યાંથી ટેક્ષી કરી લઈશું.” પૂર્વી ને રાજી રાખવાનું મારી ફરજ માં પણ આવતું હતું તેમ વિચારીને મેં આદર્શ શિક્ષકની જેમ નમતું જોખ્યું હતું.

લગભગ બે કલાકના ડ્રાયવિંગ બાદ અમે તે પ્રાચીન ગુફાઓ પાસે પહોંચ્યા. સદનસીબે વરસાદ નહોતો નડયો. પ્રવાસીઓની પાંખી હાજરી હતી. અમે ગાઈડ માટે નજર દોડાવી પણ ગાઈડ મળ્યો નહિ. અમે અન્ય પ્રવાસીઓની સાથે વિશાળ ગુફમાં પ્રવેશ્યા. સામે જ ભગવાન બુદ્ધની પ્રતિમા બિરાજમાન હતી. વિવિધ જગ્યાએ ભગવાન બુદ્ધના જીવનના અલગ-અલગ પાસાં કોતરેલા હતા. ભિક્ષુરૂપી બુદ્ધ, રાજપુત્ર ગૌતમ, શિષ્ય આનંદની સૌમ્ય મુદ્રા અને ગૌતમનો ગૃહત્યાગ. બધું જ સુંદર રીતે આલેખાયેલું હતું. તમામ સર્જનને કાળનો ઘસારો પણ વર્તાતો હતો. સદીઓ વીતી ગઈ હતી. અમને ગુજરાતીમાં વાતચીત કરતાં જોઇને એક ઓવર કોટ પહેરેલાં પંચાવન આસપાસના વડીલ પ્રવાસી અમારી પાસે આવ્યા.” હું સુરતથી આવું છું… તમે ?” “અમે અમદાવાદથી આવીએ છીએ” મેં ઉત્સાહથી જવાબ આપ્યો.

તેઓ થોડે આગળ ચાલીને એકદમ ઊભા રહી ગયા. અમે પણ તેમની પાછળ કુતૂહલવશ ઊભા રહી ગયા. અમે તે જગ્યાનું નિરીક્ષણ કરવા લાગ્યા. તે જગ્યાએ ખોદકામ કરીને કાઢેલી એક દીવાલના ભગ્નાવશેષો હતાં.તૂટેલાં પથ્થરોની નીચે જાણે કે સીડી નીચે ઉતરતી હોય તેવો ભાસ થતો હતો. વાતાવરણમાં એક અજીબ પ્રકારની પવિત્રતાનો અહેસાસ થતો હતો. અમે એકાદ કલાક બાદ બહાર આવ્યા ત્યારે બહાર ધીમો વરસાદ વરસી રહ્યો હતો. અમે એક નાનકડા ધાબામાં બેઠા. પેલા વડીલ આ ગુફાની પ્રાચીન મૂર્તિ વિશે ઊંડાણપૂર્વક માહિતી આપવા લાગ્યા. અમે તેમના જ્ઞાનથી પ્રભાવિત થઇ ગયા. હું બોલી ઉઠયો “તમને તો ખૂબ સારું જ્ઞાન છે.”

“હું ઈતિહાસનો પ્રોફેસર છું આ જગ્યાએ બીજી વાર આવ્યો છું. આમ પણ આવી પૌરાણિક જગ્યાની મુલાકાત લેવાની મારી મુખ્ય હોબી છે. વર્ષો પહેલાં તો અહીં માત્ર રિસર્ચ કરવાવાળા જ આવતા.” પ્રોફેસરની વાત સાંભળીને હું ઊંડા વિચારમાં ગરકાવ થઇ ગયો…મારી ઉંમર ૩૯ વર્ષ છે. પપ્પા આ જગ્યાએ ચાલીસ વર્ષ પહેલાં આવ્યા હોવા જોઈએ. તે સમયે આ ટેકરીઓની વચ્ચે કદાચ પાકો રસ્તો પણ નહિ હોય. પપ્પાને અહીં પવિત્રતાનો અહેસાસ થયો હશે એટલે ધ્યાનમાં બેસી ગયા હશે? હું એવા વિચારમાં પડી ગયો હતો કે પ્રોફેસર શું બોલે છે તેમાં પણ મારું ધ્યાન નહોતું. અચાનક પ્રોફેસરના મોટેથી હસવાના અવાજને કારણે મારી વિચારયાત્રા તૂટી. તેઓ પૂર્વીને કહી રહ્યા હતા “બેન, શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે બારીક રેખા હોય છે. વળી જ્યાં બુદ્ધિની હદ પૂરી થાય છે ત્યાંથી જ શ્રદ્ધાની હદ શરૂ થાય છે. “

વળતાં અમે ટ્રેનમાં બેઠા ત્યારે મને વિચારમાં પડેલો જોઇને પૂર્વીએ પૂછયું “શું વિચારો છો?” મેં કહ્યું હું તો પેલા પ્રોફેસરસાહેબના જ્ઞાનથી પ્રભાવિત થઇ ગયો.”

“તમે તેમની પેલી વાત ધ્યાનથી સાંભળી હતી?”

“કઈ વાત?” મને યાદ આવ્યું કે પ્રોફેસર છેલ્લે જયારે પૂર્વી સાથે વાત કરી રહ્યા હતા ત્યારે તેમની વાતમાં મારું ધ્યાન જ નહોતું.

“આપણે ગુફા માં છેલ્લે જે જગ્યાએ ઊભા રહ્યા હતા… જ્યાં સીડી નીચે જઈ રહી હોય તેવો ભાસ થતો હતો. ત્યાં નીચે વર્ષો પહેલાં કેટલાંક તપસ્વીઓ મોક્ષ મેળવવા માટે તપ કરવા બેસતાં. તેમની તે વાત સાંભળીને હું તો પાછી નીચે જઈને તે જગ્યાએ દિલથી દર્શન કરી આવી હતી.” મને એકાએક યાદ આવ્યું કે ધાબામાં ચા નાસ્તો કર્યાં પહેલાં પૂર્વી પાંચ મિનિટ માટે પાછી વળી હતી ખરી.

“તે ત્યાં કાઈ બાધા તો નથી રાખી ને?” મેં કડકાઈથી પૂછયું.

“ના રે ના બાધા રાખવાનો તો સવાલ જ ઊભો નહોતો થતો. બસ માત્ર મનની મુરાદ પૂરી થાય તે માટે મેં તો માત્ર દિલથી પ્રાર્થના જ કરી હતી.” પૂર્વીએ ખુલાસો કર્યો.

અમારી ટ્રેન આંચકા સાથે ઉપડી. અમારી વાતને પણ ત્યાં જ પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું.

********

દસ વર્ષ બાદ આજે અમે તે જ ગુફા ઓ જોવા આવી પહોંચ્યા હતા. અમારી સાથે અમારો નવ વર્ષનો દીકરો તર્પણ પણ હતો. મને એ વાતનો આનંદ હતો કે પેલા પ્રાણશંકર જ્યોતિષની આગાહી તદ્દન ખોટી પડી હતી. તેમણે તો કહી દીધું હતું કે અમારી કુંડળીમાં બાળકનો યોગ જ નહોતો અને જો બાળક આવશે તો પણ હેન્ડીકેપ આવશે. તર્પણ જન્મથી જ એકદમ પરફેક્ટ બાળક હતો. માત્ર એટલું જ નહિ બલકે તર્પણ તેની ઉંમરના પ્રમાણમાં વધારે હોશિયાર હતો.

છેલ્લા દસકામાં ટૂરિસ્ટ ડિપાર્ટમેન્ટે આ ગુફા ઓનો નોંધપાત્ર વિકાસ કર્યો હતો. અમે અન્ય પ્રવાસીઓ સાથે પેલી જગ્યાએ પહોંચ્યા જ્યાં દસકા પહેલાં સીડી નીચે ઉતરતી હોય તેવો ભાસ થતો હતો. મેં જોયું કે સરકારે દસ પગથિયાં બનાવીને નીચે એક ધ્યાનખંડ બનાવ્યો હતો. અમે અન્ય પ્રવાસીઓ સાથે નીચે ઉતર્યા. એ. સી.કરતાં પણ વધારે ઠંડક વર્તાતી હતી. પીનડ્રોપ સાયલેન્સ પથરાયેલું હતું. દસેક મિનિટ સુધી સૌ ધ્યાનમાં બેસીને પોતપોતાના ઇષ્ટદેવનું સ્મરણ કરી રહ્યા. બહાર આવીને મેં પૂર્વીને પૂછયું “પૂર્વી, તે દિવસે તેં ખરેખર કોઈ બાધા નહોતી રાખી ને? મારા મનમાં વર્ષોથી ઘૂમરાતો સવાલ આખરે મેં પૂછી જ લીધો.

“તમારા સમ. મેં કોઈ જ બાધા નહોતી રાખી. તમારી સાથે રહીને તો હું પણ અંધશ્રદ્ધા મુક્ત બની ગઈ છું.” પૂર્વી બોલી ઉઠી. પૂર્વીની વાત સાંભળીને હું અને મારી અંદર રહેલો વિજ્ઞાનનો શિક્ષક પણ ખુશ થઇ ઉઠયો.

મારા આશ્ચર્ય વચ્ચે અચાનક તર્પણ બોલી ઉઠયો “પપ્પા, દાદાજી પણ તમારી જેમ સાયન્સ ટીચર હતા?” હું ચમક્યો. આજ સુધી તર્પણે મને ક્યારેય તેના દાદાજી વિશે પૃચ્છા કરી નહોતી. આ જગ્યાએ આવીને જ તર્પણ આવો સવાલ કેમ કરી રહ્યો હતો? મેં તેને શાંતિથી જવાબ આપ્યો “બેટા તારા દાદાજી પુરાતત્ત્વવિદ હતા. આઈ મીન આર્કિયોલોજિસ્ટ.”

“પપ્પા, હું પણ મોટો થઇને આર્કિયોલોજિસ્ટ બનીશ”.

“હા બેટા ચોક્કસ બનજે”.

અનાયાસે જ મારી આંખો ઝીલમીલાઈ. મેં આકાશ સામે જોયું. વાદળો છૂટા પડી રહ્યા હતા. વર્ષો પહેલાં મારા પપ્પાએ આ જ જગ્યાએ ધ્યાનમાં બેસીને મારી માંગણી કરી હતી. આજે મારો પુત્ર તેના દાદાજીની જેમ આર્કિયોલોજિસ્ટ બનવાની વાત કરી રહ્યો હતો…તે પણ આ જ જગ્યાએ આવીને. શું આ જગ્યાનો કોઈ પ્રભાવ હશે?

મારી અંદરનો સાયન્સનો શિક્ષક ચકરાઈ ગયો હતો. ખરેખર અમુક ઘટના સમજવા માટે સાયન્સ ખરેખર નાનું પડે છે અને ત્યાં જ માણસે “કુદરત” ને માનવું પડે છે.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy