Prafull Kanabar

Others

3  

Prafull Kanabar

Others

અસ્તિત્વ

અસ્તિત્વ

5 mins
7.5K


પિન્કીની સ્કૂલમાં આજે પૅરન્ટ્સ ડે હતો. મુંબઈની પ્રખ્યાત શાળાઓમાં પૅરન્ટ્સ–ડેની સ્ટેજ પ્રોગ્રામ સાથે દબદબાપૂર્વક ઉજવણી થતી હોય છે. સરિતા દર વર્ષે પિન્કીની સાથે આ પ્રોગ્રામમાં અવશ્ય જતી. પિન્કી નાની હતી ત્યારે તો ઘણી વાર દરેક બાળકોનાં મમ્મી-પપ્પાને સાથે આવેલાં જોઈને નિસાસો નાખતી. તેને મનમાં ને મનમાં થતું કે કાશ મારાં પપ્પા ને મમ્મી સાથે રહેતાં હોત તો આજે તેઓ પણ અહીં ઉપસ્થિત હોત! જ્યારે કોઈ પણ યુગલ એકાદ બાળક થયા પછી છૂટું પડી જતું હોય છે ત્યારે નિર્દોષ બાળકના ભાગે એક પ્રકારનો અજંપો આવતો હોય છે! એક વાર પૅરેન્ટ્સ-ડેના દિવસે જ પિન્કી મમ્મીને પૂછી બેઠી હતી,“મમ્મી, મારા પપ્પા ક્યાં છે?” સરિતાએ પિન્કીને છાતી સરસી લગાવીને આંખમાં આંસુ સાથે કહ્યું હતું,“બેટા, હું જ તારા પપ્પા છું અને હું જ તારી મમ્મી છું.” મમ્મીને રડતી જોઈને ત્યાર બાદ પિન્કીએ ક્યારેય પપ્પા બાબતે પૂછીને તેને દુઃખી નહોતી કરી. કોઈ પણ બાળકને જ્યારે બાળપણમાં મા કે બાપ ગમે તે એકનો સહારો ન મળે ત્યારે તે નાની ઉંમરે જ પરિપક્વ થઈ જતું હોય છે!

સરિતા અને માલવ જ્યારે અલગ થયાં ત્યારે પિન્કી માત્ર બે જ વર્ષની હતી. માલવ અને સરિતા બંને અલગ-અલગ કૉલેજમાં લેક્ચરર હતાં… હાઇલી એજ્યુકેટેડ હતાં… કદાચ તેથી જ બંને વચ્ચેનો વૈચારિક મતભેદ ક્યારે ઇગો ક્લેશમાં પરિણમ્યો, તેનો તેમને ખ્યાલ નહોતો રહ્યો. કોઈ પણ નવપરિણીત યુગલ જ્યારે લગ્નજીવન કરતાં પર્સનલ ઇગોને વધારે મહત્વ આપે છે ત્યારે એક જ પથારીમાં સૂતાં હોવા છતાં તેમના વચ્ચે માઈલોનું અંતર પડી જતું હોય છે. પિન્કીના જન્મ પછી માલવ અને સરિતા વચ્ચે પણ માનસિક અંતર વધતાં-વધતાં એટલું બધું વધી ગયું હતું કે તેઓ એકલાં ગમે તેટલી મોટી મુસાફરી કરી શકવા માટે તૈયાર હતાં, પરંતુ ડબલ બેડમાં બંને વચ્ચેની માત્ર એક ફૂટની દૂરી હતી તે દૂર કરવા માટે તૈયાર નહોતાં. આખરે બંનેએ ડીવોર્સ લેવાનું નક્કી કર્યું હતું. માત્ર વૈચારિક મતભેદને કારણે કૉર્ટ કોઈના ડીવોર્સ મંજૂર કરતી નથી, તેથી બંનેના વકીલોએ કૉર્ટમાં એકબીજા પર આક્ષેપો અને પ્રતિ આક્ષેપોનો ખેલ ખેલીને બંનેને કાયદેસર રીતે છૂટાં પડાવ્યાં હતાં!

સમય ઝડપથી પસાર થતો ગયો. પિન્કી હવે આઠમા ધોરણમાં પ્રવેશી ચૂકી હતી. મોસાળમાંથી તેને છૂટક-છૂટક જે માહિતી મળી હતી તે મુજબ મમ્મીની તેના સાસરિયામાં કોઈ ગણતરી જ નહોતી. જુનવાણી સાસુ-સસરા પોતાનો દીકરો વહુનો ન થઈ જાય તેની સતત તકેદારી રાખતાં હતાં.

કોઈ પણ સ્ત્રી જ્યારે પરણીને સાસરે જાય ત્યારે ત્યાં સૌ કોઈ તેના અસ્તિત્વનો  સ્વીકાર કરે તેવી તેની અપેક્ષા હોય છે. અન્ય કોઈ કદાચ ઓછો-વત્તો સ્વકાર કરે તો તે ચલાવવા માટે તૈયાર હોય છે, પરંતુ જેના સહારે તેણે પોતાની જિંદગી દાવમાં લગાવી હોય તે પતિ જો તેના અસ્તિત્વને મહત્વ ન આપે તો તેનું દિલ દુભાઈ જતું હોય છે. જેમ પાણીના બંધમાં પડેલ એક નાનકડું છિદ્ર તબાહી સર્જી શકે છે, તેમ પતિ તરફથી મળતો તિરસ્કાર આખરે તો પતિ-પત્નીના લગ્નજીવનમાં તબાહી જ સર્જે છે. માલવ પણ પત્ની અને પૅરન્ટ્સ વચ્ચે તાલમેલ સાધવામાં નિષ્ફળ નીવડ્યો હતો. જેમ કોઈ પણ યુવાનના હૃદયમાં માતા-પિતાનું આગવું સ્થાન હોય છે. તેમ પત્નીનું પણ અલગ સ્થાન હોવું જોઈએ તે વાત માલવને સમજાવવામાં સરિતા પણ નાકામિયાબ રહી હતી. બંને તે વખતે એક વાત ભૂલી રહ્યાં હતાં કે લગ્નજીવનમાં જે પાણીએ મગ ચડે તે પાણીએ જ ચડાવવા પડતા હોય છે ! આખરે તેમના લગ્નજીવનનું ટાઈટેનિક મધદરિયે જ ડૂબી ગયું હતું!

સરિતા જ્યારે પિન્કીની સ્કૂલે પહોંચી ત્યારે સ્ટેજ પ્રોગ્રામનો સમય થઈ ગયો હતો. પ્રિન્સિપાલ સરિતાને એક લેક્ચરર તરીકે સારી રીતે ઓળખતા હતા અને સરિતા ડીવોર્સી છે, તે વાતથી પણ વાકેફ હતા. આખો હૉલ ભરાઈ ચૂક્યો હતો. આગળની હરોળમાં પ્રિન્સિપાલની બાજુમાં જ માત્ર એક સીટ ખાલી હતી. પ્રિન્સિપાલે સરિતાને આગ્રહ કરીને ત્યાં જ બેસાડી દીધી. દરેક બાળકો પોતપોતાની શક્તિ મુજબ પ્રોગ્રામ રજૂ કરતાં ગયાં. સરિતા કાગડોળે પિન્કીની સરપ્રાઈઝ આઈટમની રાહ જોઈ રહી હતી. વિશાળ સ્ટેજ પર એકલી પિન્કી માઈક લઈને પ્રવેશી ત્યારે હૉલ તાળીઓથી છલકાઈ ગયો. સૌ કોઈ પિન્કીને એટલા માટે વધાવી રહ્યાં હતાં કે આટલી નાની બાળકીએ એક-પાત્રીય અભિનય કરવા માટે હિમ્મત બતાવી હતી… આ તાળીઓનો ગડગડાટ તેની હિમ્મતને દાદ આપવા માટેનો હતો.

સ્ક્રિપ્ટ પ્રમાણે પિન્કીએ મમ્મી, પપ્પા અને બાળકનો આબાદ અભિનય કર્યો હતો. કોઈ પણ યુગલે બાળકના જન્મ પછી ક્યારેય અલગ ન પડવું જોઈએ તેવી તેમાં સ્પષ્ટ અપીલ હતી. આવા યુગલના બાળકની મનોદશા કેવી હોય છે તેનો પણ તેમાં ચિતાર હતો! સરિતા હવે મનોમન સમજી ગઈ હતી કે પિન્કી રિહર્સલ કરીને આવ્યા પછી પણ કેમ પોતાની આઈટમને સરપ્રાઈઝ આઈટમ તરીકે છુપાવતી હતી. પિન્કીનો છેલ્લો ડાયલૉગ પૂરો થયો એટલે તાળીઓના ગડગડાટ વચ્ચે પ્રિન્સિપાલ સ્ટેજ પર પહોંચી ગયા. તેમણે સૌ કોઈના આશ્ચર્ય વચ્ચે જાહેરાત કરી કે પિન્કીએ મને કરેલી પર્સનલ રિક્વેસ્ટ મુજબ હું તેને ફરીથી માઈક સુપ્રત કરું છું… હવે તે જે કાંઈ કહેશે તે સ્ક્રિપ્ટ બહારનું હશે… તેની ઈચ્છા મુજબનું હશે. માઈક પિન્કીના નાનકડા હાથમાં આપીને પ્રિન્સિપાલ ત્વરિત ગતિએ પરત આવીને આગલી હરોળમાં બેસી ગયા. સૌ કોઈની આતુરતા વધી રહી હતી. સમગ્ર હૉલમાં પીનડ્રોપ સાઈલન્સ પથરાઈ ગયું હતું.

પિન્કીનો નિર્દોષ અવાજ રેલાઈ ગયો હતો…“મમ્મી, આજે મારે તને કાંઈક કહેવું છે. હું માનું છું કે આજે હું જે કાંઈ છું તે માત્ર તારા અને તારા કારણે જ છું. પરંતુ એક વાત તો તારે પણ સ્વીકારવી પડશે કે મારું અસ્તિત્વ માત્ર તારા કારણે નથી… હા, તું સમજી ગઈ, મારો ઈશારો પપ્પા તરફ છે. સૉરી મમ્મી, જિંદગીમાં પહેલી વાર મેં તારાથી એક વાત છુપાવી છે, જે અત્યારે કહું છું… એકાદ માસ પહેલાં ફેસબુક દ્વારા મારો પરિચય પપ્પા સાથે થયો હતો. ધીમેધીમે અમે નિકટ આવતાં ગયાં. તેઓ પૂનામાં રહે છે… તેઓ પી.એચડી કરી રહ્યા છે… વેરી ઇન્ટરેસ્ટીંગ સબ્જેક્ટ “ઈશ્વરના અસ્તિત્વ” પર… મેં ગઈ કાલે જ મારી સાચી ઓળખાણ આપીને તેમને આંચકો આપ્યો હતો. સાથેસાથે આ પ્રોગ્રામમાં આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું. જવાબમાં તેમણે લખ્યું હતું… હું મારી દીકરીને મળવા ચોક્કસ આવીશ… મમ્મી, પપ્પા મને અત્યારે હૉલમાં ક્યાંય દેખાતા નથી. મેં તો તેમનો ફોટો પણ માત્ર ફેસબુકમાં જ જોયો છે…” પિન્કીથી રડી પડાયું. એક નિર્દોષ બાળકની વ્યથા અને લાચારી જોઈને સૌ કોઈ રડી રહ્યાં હતાં! સરિતા રડતી આંખે ઊભી થઈને સ્ટેજ તરફ જવા ગઈ ત્યાં જ પિન્કીએ ‘પપ્પા… પપ્પા’ની બૂમોથી હૉલને ગજવી મૂક્યો. હા… છેલ્લી હરોળમાં ગ્રે કલરના સૂટમાં સજ્જ માલવ પણ સ્ટેજ તરફ ઝડપથી આવી રહ્યો હતો!

“પપ્પા, આજે તમારે મારા એક પ્રશ્નનો જવાબ ચોક્કસ આપવો પડશે.”

“બોલ બેટા…” માલવે નીચેથી જ કહ્યું.

“મમ્મીનું અસ્તિત્વ તો તમે ન સ્વીકારી શક્યા, પરંતુ મારા અસ્તિત્વને કેમ ભૂલી ગયા? બાળક તો ભગવાનનું સ્વરૂપ હોય છે, તેવું અમારે ભણવામાં પણ આવે છે.” પિન્કી રડમસ અવાજે બોલી ઊઠી.

માલવ પાસે કોઈ જવાબ નહોતો. તેની આંખમાંથી વહેતી અશ્રુધારા સાબિત કરી રહી હતી કે તે મા-દીકરી બંનેના અસ્તિત્વને હૃદયપૂર્વક સ્વીકારવા તૈયાર હતો. પિન્કીની આંખમાંથી વહેતી અશ્રુધારા મમ્મી-પપ્પાના પર્સનલ ઇગોને ઉખાડીને ધરાશાયી કરી રહી હતી!


Rate this content
Log in