Prafull Kanabar

Inspirational Others Romance

3  

Prafull Kanabar

Inspirational Others Romance

લક્ષમણ રેખા

લક્ષમણ રેખા

9 mins
1.8K


આજે સુરભિની આંખમાંથી ઊંઘ અદ્રશ્ય થઈ ગઈ હતી. ઘડીયાળમાં ત્રણ ડંકા પડ્યા. લેટેસ્ટ ડીઝાઈનનાં ડબલબેડમાં પડખાં ફરી રહેલી સુરભિએ બાજુમાં નજર કરી. પિન્કી અને અભિમન્યુ ઘસઘસાટ ઊંઘી રહ્યા હતાં. સુરભિને સતત સાગરનાં જ વિચારો આવતા હતાં. થોડી થોડીવારે સાગરનો સોહામણો ચહેરો તેની આંખ સમક્ષ આવીને ઓઝલ થઈ જતો હતો. સાતેક માસ પહેલાં સાગર સાથે થયેલી પ્રથમ મુલાકાત સુરભિની સ્મૃતિમાં અક્ષરશઃ અકબંધ સચવાયેલી પડી હતી. “હાય, આઈ એમ ડો. સાગર.” ડો. કોઠારીની પાર્ટીમાં હેન્ડસમ સાગર સામે ચાલીને જ સુરભિ પાસે આવ્યો હતો. સુરભિ હજુ કાંઈ પ્રતિભાવ આપે તે પહેલાં જ અભિમન્યુએ પાછળથી આવીને કહ્યું હતું.... “સુરભિ, આ ડો. સાગર છે. મારી સાથે સ્કુલમાં હતો. હજૂ આજે સવારે જ ડો. પંડ્યાનાં ક્લીનીક પર ઘણાં વર્ષો બાદ અનાયાસે જ અમે મળી ગયા હતાં.” સુરભિએ બંને હાથ જોડીને સાગરનું અભિવાદન કર્યું હતું.

સમપ્રમાણ શરીરસૌષ્ઠવ અને ગૌરવર્ણ ધરાવતા સાગરની સ્ટાઈલમાં શાલીનતા અને સ્ત્રી સન્માનનું જાણે કે ભરપુર મિશ્રણ છલકાતું હતું. ગ્રે કલરનાં સુટમાં સજ્જ સાગરની ભાવવાહી અને પાણીદાર આંખો કોઈપણ સ્ત્રીને આકર્ષવા માટે પૂરતી હતી.

અચાનક અભિમન્યુનાં સેલફોનની રીંગ વાગી હતી. તે ફોન એટેન્ડ કરવા માટે થોડો દૂર સરકી ગયો હતો.

“બાય ધ વે, અભિમન્યુએ મારો પરીચય તમને અધૂરો જ આપ્યો છે.”

“મતલબ ?”

“મતલબ એમકે હું ડોક્ટરની સાથે સાહિત્યકાર પણ છું. મારી લખેલી છ નવલકથાઓ પ્રકાશિત થઈ ચૂકી છે. જેમાંથી એક ઉપર તો હિન્દી ફિલ્મ પણ બની રહી છે.”

“વાહ... ખૂબ સરસ” સુરભિએ લાગણીસભર સ્વરે કહ્યું હતું.

“તમને એ જાણીને આનંદ થશે કે મારી દરેક નવલકથા નાયિકા પ્રધાન જ હોય છે.”

“તેનું શું કારણ ?” સુરભીએ આશ્ચર્યથી પૂછ્યું હતું.

“તેનાં બે કારણ છે. એક તો હજુ સુધી હું કુંવારો છું. બીજું એ કે અંગત રીતે હું માનું છું કે ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન સ્ત્રી છે. સ્ત્રીઓને આદર આપવાનું મને ખૂબ ગમે છે.”

“તમે તો એકદમ જીનીયસ લાગો છો”

“લાગું છું નહિં.... જીનીયસ છું જ પરંતુ તમારાથી ઓછો.” સાગરે પહેલીવાર સુરભિની આંખમાં જોઈને કહ્યું હતું.

સુરભિ હસી પડી હતી. “હું તો સાધારણ સ્ત્રી છું.... સીધી સાદી ગૃહિણી.”

“ભારતીય ગૃહિણીની આ જ તો મુખ્ય સમસ્યા છે. તે હંમેશા પોતાને સાધારણ જ સમજે છે.”

અભિમન્યુની સેલફોન પર વાત લંબાતી જતી હતી.. વાચાળ સાગર સુરભિની શાનમાં પ્રસંશાનાં મોજાં ઉછાળતો જતો હતો ! સુરભિ અનાયાસે જ તે ઉછળતાં મોજાંમાં ખેંચાતી જતી હતી.

લગ્નજીવનનાં દસકામાં અભિમન્યુએ સુરભિની ક્યારેય જેટલી તારીફ ન્હોતી કરી તેનાથી વધારે તો સાગરે માત્ર દશ મીનીટમાં જ કરી નાખી હતી.. અને તે પણ પ્રથમ મુલાકાતમાં.

“તમે કહો છો કે લગ્ન પહેલા. તમે ડ્રોઇંગ ટીચર હતાં. ઈટ મીન્સ તમને પેઈન્ટીંગનો શોખ હોય જ. લગ્ન બાદ તમે નોકરી છોડી દીધી તે વાત તો સમજાય તેવી છે કારણકે શહેરના આટલા મોટાં ગજાનાં ફાર્માસ્યુટીકલ બીઝનેસમેનની પત્ની સાધારણ શિક્ષિકાની નોકરી કરે તે સારું ન જ લાગે... પરંતુ તમે તમારાં પેઈન્ટીંગનાં શોખને કેમ ડેવલપ ન કર્યો ?”

“સાચું કહું તો મને ક્યારેય એવો વિચાર જ નથી આવ્યો.” સુરભિએ નિખાલસતાપૂર્વક એકરાર કરતા કહ્યું હતું.

“તો હવે વિચારો... એટલીસ્ટ હું કહું છું એટલે વિચારો.”

સાગરે જાણે કે સુરભિ સાથે કેટલાંય વર્ષો જૂની ઓળખાણ હોય તેવી રીતે હક્કથી કહ્યું હતું.

“પણ આટલાં વર્ષે ?”

“કેમ.... ન થઈ શકે ? જો પેલો બબુચક અભિમન્યુ ના પાડશે તો હું તેને સમજાવીશ.”

“ના.... ના, તમારા ભાઈ તો ના પાડે તેવા નથી. તે ભલા અને તેમનો બીઝનેસ ભલો... રાતદિવસ તેઓ તો બીઝનેસમાં જ રચ્યા પચ્યા હોય છે.”

“એ તો સારી જ વાત છે ને ? કદાચ તે કારણસર જ અભિમન્યુ આજે શહેરનો નામાંકિત અને પ્રતિષ્ઠિત બીઝનેસમેન છે.. પણ તમારાં વ્યક્તિત્વનું શું ? તમારાં સ્ત્રીત્વનું શું ? તમને એવું નથી લાગતું કે તમારી પણ કોઈ આગવી ઓળખ હોવી જોઈએ ? વળી તમારી પાસે તો ‘ડ્રોઇંગ’ નામનું શસ્ત્ર પણ છે. બસ જરૂર છે માત્ર તમારી નાજૂક આંગળીઓનાં મુલાયમ સ્પર્શની... અને તમે ઈચ્છશો તો તમારા પચાસ પોટ્રેટ થશે એટલે આપણે કોઈ સારી આર્ટ ગેલેરીમાં તેનાં પ્રદર્શનનું પણ આયોજન કરીશું.”

સુરભિ ઊંડા વિચારમાં પડી ગઈ હતી. આટલાં વર્ષોમાં અભિમન્યુએ તો તેનાં પેઈન્ટીંગનાં શોખ બાબતે ક્યારેય પૂછ્યું પણ ન્હોતું. અભિમન્યુ ટીપીકલ બીઝનેસમેન હતો. કરોડોમાં આળોટતો હતો. ચોવીસે કલાક તેનું દિમાગ બીઝનેસમાં જ રોકાયેલું રહેતું હતું. તેનો મુખ્ય શોખ જ પૈસા કમાવાનો હતો.

તે રાત્રે પાર્ટીમાંથી ઘરે પરત આવતી વખતે કારમાં જ સુરભિએ પૂછ્યું હતું. “તમારા આ ભાઈબંધે હજુ સુધી લગ્ન કેમ નથી કર્યા ?”

“વેરી સીમ્પલ.. સુરભિ, ડોક્ટર બનતાં જ તે ત્રીસે તો પહોંચી જ ગયો હશે. વળી સાહિત્યનો જીવ છે તેથી તેની પસંદગીની કન્યા હજૂ સુધી નહિં મળી હોય.”

રાત્રે બેડરૂમમાં પિન્કી સૂઈ ગયા બાદ અભિમન્યુ સુરભિની નજીક સરક્યો હતો.

“ના... આજે તો ખૂબ જ થાક લાગ્યો છે.”

અભિમન્યુ ગમે તેમ તો પણ એક પુરૂષ હતો. પોતાનું જ ધાર્યું કરવાની તેની આદત હતી. બીઝનેસમાં પણ તે સાત કોઠા ધીંધીને જ ટોપ પર પહોંચ્યો હતો. તે રાત્રે પણ તે પોતાનું ધાર્યુ કરીને જ જંપ્યો હતો. થોડીવાર બાદ અભિમન્યુ પડખું ફરીને ઘસઘસાટ ઊંઘી ગયો હતો. સુરભિ વિચારે ચડી ગઈ હતી. લગ્નજીવનમાં દસકામાં તો જાણે કે પ્રેમ નામનું ઝરણું બિલકુલ સુકાઈ ગયું હતું. શૃંગારિક ડીઝાઈનથી શોભતાં બેડરૂમમાં રોમાન્સની સદંતર ગેરહાજરી વર્તાતી હતી.

એસીની ઠંડક બેડરૂમનું ટેમ્પરેચર ઘટાડી શકે છે પરંતુ સ્ત્રીની અંદરનાં ઉકળાટનું નહિં... વળી સુરભિની ઈચ્છાઓ. આકાંક્ષાઓ અને સપનાઓનું તો જાણે કે બાષ્પીભવન થઈ ગયું હતું ! હા... અભિમન્યુએ સુરભિને સુખ સગવડનાં તમામ સાધનો આપ્યા હતા.... પરંતુ પતિ પત્નીનો પ્રેમ માત્ર શરીરસુખ માણવા પૂરતો જ યંત્રવત બની જાય ત્યારે સ્ત્રીને કાંઈક ખૂટતું હોય તેવો ભાસ ચોક્કસ થવા લાગે છે... એક ન સમજાય તેવો ખાલીપો તેનાં મનને ઘેરી લેતો હોય છે. સુરભિએ આટલાં વર્ષોથી આદર્શ ગૃહિણીનો રોલ બખુબી અદા કર્યો હતો... જેમાં પતિને શરીરસુખ આપવાનો પણ સમાવેશ થઈ જતો હતો.

બીજે દિવસે સવારે બ્રેકફાસ્ટ લેતી વખતે ડાઈનીંગ ટેબલ પર જ સુરભિએ વાત કાઢી હતી.. “કહું છું... બંગલાનું તમામ કામ તો રામુકાકા અને ચંપાબેન કરે છે. પિન્કી સ્કૂલે જાય પછી મારે સમય ક્યાં પસાર કરવો તે ખરેખર પ્રોબ્લેમ છે.”

“સુરભિ, એક સામાન્ય ડ્રોઈંગ ટીચરમાંથી અત્યારે તું રાજરાણી બનીને રહે છે. તું પાણી માંગે ત્યાં દુધ નહિં બલ્કે દૂધપાક મળી જાય તેવો તારે અત્યારે રાજયોગ ચાલી રહ્યો છે. તારે તો દિલથી મારો આભાર માનવો જોઈએ.” અભિમન્યુ ગૌરવપૂર્વક બોલી ઉઠ્યો હતો.

“હા... થેન્ક યુ વેરી મચ.. બસ ?” સુરભિ વિચારમાં પડી ગઈ હતી.

“શું વિચારે છે.. સુરભિ ?”

“હું બંગલામાં બેસીને જ પોટ્રેટ દોરવાનું શરૂ કરું તો ? તે બહાને મારી હોબી ડેવલપ થશે અને સમય પણ પસાર થશે.”

“વ્હોટ ?” આટલાં વર્ષે ? અભિમન્યુ ચમક્યો હતો.

“બીજા બીઝનેસમેનની વાઈફની જેમ કલબમાં પત્તા ટીચવા કરતાં તો સારી પ્રવૃત્તિ છે ને ? વળી હવે મને ટીવી જોવું બહુ ગમતું પણ નથી.”

“ઓ. કે. જેવી તારી મરજી.” અભિમન્યુએ ઠંડકથી કહ્યું હતું.

સુરભિએ નોંધ્યું કે અભિમન્યુનાં અવાજમાં સ્હેજ પણ ઉમળકો ન્હોતો.

બીજે જ દિવસે સુરભિ પેઈન્ટીંગ્સની તમામ સામગ્રી લઈ આવી હતી. એકાદ માસમાં તો સુરભિએ ડઝન જેટલાં સુંદર પોટ્રેટ તૈયાર કરી નાખ્યા હતાં. સુરભિએ તમામ પોટ્રેટ અભિમન્યુને ઉત્સાહથી બતાવ્યા ત્યારે “વેરી ગુડ” એટલું બોલીને અભિમન્યુ તેનાં બીઝનેસ કોલ એટેન્ડ કરવામાં વ્યસ્ત થઈ ગયો હતો.

ત્રણેક માસ બાદ બપોરે અચાનક ડોરબેલ રણકી હતી. સુરભિનાં આશ્ચર્ય વચ્ચે સાગર આવી ચડ્યો હતો. જોગાનુજોગ રામુકાકા બહાર ગયા હતાં. ચંપા હજુ કામ કરવા આવી ન્હોતી. સુરભિએ ચા-નાસ્તો કે ઠંડુ લેવા માટે ખૂબ જ આગ્રહ કર્યો હતો પરંતુ સાગરે એક જ વાતનું રટણ ચાલું રાખ્યું હતું... “અત્યારે ઉતાવળમાં છું બસ અહીંથી પસાર થયો એટલે થયું કે તમારા પોટ્રેટ જોતો જાઊં....” “પણ તમને કેવી રીતે ખબર પડી કે મેં દોરવાનું શરૂ કર્યું છે.”

“વેરી સીમ્પલ... તે દિવસે જ મેં તમારી આંખમાં એક સ્વપ્ન જોયું હતું જે સાકાર કરવાનો નિર્ધાર તમારા ચહેરા પર પણ તે દિવસે જ મેં વાંચ્યો હતો.”

સુરભિ પ્રભાવિત થઈ ઉઠી હતી. “મને તો એમ કે સાહિત્યકારો માત્ર ચોપડીઓ જ વાંચતા હશે.”

“હા.... પણ અમારાં લખાણમાં વજૂદ લાવવા માટે અમારે ચહેરા પણ વાંચવા પડતાં હોય છે.. અને સુંદર ચહેરા તો ખાસ.”

“ઓહ.. તમે મને ચણાનાં ઝાડ પર તો નથી ચડાવતાં ને ?”

“બાય ગોડ... સાગરે પોતાનાં ગળા પર હાથ રાખીને કહ્યું હતું... મને ફ્લટીંગ કરતાં બીલકુલ આવડતું જ નથી... જે હોય તે સાચું જ કહેવાનું.. ” સાગર ઝડપથી સુરભિએ દોરેલાં ચિત્રોનું નિરીક્ષણ કરવા લાગ્યો હતો. લગભગ ત્રીસેક ચિત્રો જોઈને તેણે તે ચિત્રની એવી એવી ખૂબી રજૂ કરી જેનાથી તો ખુદ સુરભિ પણ અજાણ હતી. સુરભિને તેની કલાને પારખનાર ઝવેરી જાણે કે સાગરનાં સ્વરૂપમાં મળી ગયો. સાગરનાં ગયા બાદ સુરભિનો ઉત્સાહ બેવડાયો હતો. હવે તો ગમે તે ભોગે પચાસ પોટ્રેટ તૈયાર કરીને પ્રદર્શન યોજવાના તે સપના જોવા લાગી હતી.

બીજાં ત્રણેક માસ વીતી ગયા હતાં. સાગરનાં બર્થ ડે પર અભિમન્યુ, પિન્કી અને સુરભિ સાગરનાં લકઝુરીયસ ફ્લેટમાં તેની મહેમાનગતિ માણી આવ્યા હતાં. ત્યારબાદ સાગરનાં દરરોજ બપોરે સુરભિ પર કોલ આવવાનાં ચાલુ થયા હતાં. તે દરરોજ સુરભિની પેઈન્ટીંગનાં પ્રોગ્રેસની ચર્ચા કરતો. સુરભિને પ્રોત્સાહન મળતું જતું હતું.

ગઈકાલે સુરભિએ ફોનમાં કહયું હતું... “પચાસમાં બસ હવે એક પોટ્રેટ ઓછું છે.. હવે છેલ્લું કયું દોરવું તેની વિમાસણમાં છું.”

“કામદેવ અને રતિનું દોરો.” સાગરે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર કહી દીધું હતું. સુરભિ શરમાઈ ગઈ હતી.

“આમ પણ એકાદ માયથોલોજીકલ પ્રસંગચિત્રની તમારા સંગ્રહમાં જરૂર છે જ.. તે ન ફાવે તો વિશ્વામિત્ર અને મેનકાનું દોરો.”

“તમે હજુ સુધી લગ્ન કેમ નથી કર્યા ?” સુરભિથી અનાયાસે જ પૂછાઈ ગયું હતું.

“બસ, તમારા જેવી સુંદર અને સુશીલ કન્યા મળે તેટલી જ વાર છે.”

સુરભિ ફરીથી શરમાઈ ગઈ હતી. “મારાં પોટ્રેટની સાથે સાથે તમે તો મારી પણ પ્રશંસા કરતાં થઈ ગયા છો.”

“સાચું કહું તો મારા માટે તો તમે પણ ઇશ્વરે સર્જેલા કોઈ સુંદર પોટ્રેટ જેવાં જ છો.” સામે છેડેથી સાગરનો સાહિત્યનો જીવ બોલી ઉઠ્યો હતો.

ઘડીયાળમાં પાંચ ડંકા પડ્યા. પરણેલી સ્ત્રી માટે પરુપુરૂષનો વિચાર પણ પાપ જ કહેવાય તેવું દ્રઢપણે માનનાર સુરભિ આજે તેનાં મનને કાબુમાં રાખવામાં નિષ્ફળ નિવડી હતી. રવિવાર હોવાથી અભિમન્યુ અને પિન્કી હજુ ત્રણ કલાક સુધી તો ઉઠે તેવી કોઈ જ શક્યતા ન્હોતી. સુરભિ ધીમેથી ઉભી થઈ. બાજુનાં રૂમમાં જઈને તેણે ગાઉન બદલીને સારો ડ્રેસ પહેરી લીધો. ફુલ સાઈઝનાં ડ્રેસીંગરૂમનાં અરીસામાં તેને સાગરનો ચહેરો દેખાયો. ડ્રોઈગરૂમનો દરવાજો ખોલીને તે ધીમેથી બહાર સરકી ગઈ.

સુરભિએ પર્સમાંથી એકટીવાની ચાવી કાઢી. બંગલાનાં કમ્પાઉન્ડમાંથી થોડે દૂર દોરીને તે એકટીવા લઈ ગઈ. એકટીવા સ્ટાર્ટ કરીને તેણે સાગરનાં ઘરની દીશામાં ભગાવ્યું. સાગરનો ફ્લેટ લગભગ આઠેક કી.મી. દુર હતો. એકટીવાને જાણે કે પાંખો આવીગઈ હતી. અચાનક સુરભિને વિચાર આવ્યો.. અભિમન્યુને ખબર પડી જશે તો ? વળી પાછું સુરભિએ ખુદનાં મનને મનાવી લીધું. ખબર પડશે તો તેને પટાવી લઈશ કે પોટ્રેટના પ્રદર્શનનું પ્લાનિંગ અભિમન્યુને સરપ્રાઈઝ આપવા માટે જ કરવાનું હતું... જેમાં સાગરનો સપોર્ટ લેવા જ તેના ઘરે ગઈ હતી.

રસ્તામાં એકદમ વળાંક આવ્યો. સુરભિએ એકટીવા તે તરફ વાળીને તેના મનને પણ અભિમન્યુ તરફથી સાગર તરફ વાળી દીધું.. કાશ જો દસકા પહેલા. સાગર સાથે મુલાકાત થઈ હોત તો તેને પ્રેમરસથી ભરપુર આદર્શ જીવનસાથી મળી ગયો હોત.. એનીવે આજે તો ગમે તેમ કરીને સાગરને પામી જ લેવો છે.. જે રીતે દરેક નદી સાગરમાં ભળી જતી હોય છે બીલકુલ... તેવી જ રીતે સુરભિ આજે સાગરમાં ભળી જવા માટે બહાવરી બની હતી. સાગરનાં એપાર્ટમેન્ટ પાસે સુરભિએ એક્ટીવા પાર્ક કર્યું. સદનસીબે ટાવરમાં નીચે બેઠેલો સીક્યોરીટી ગાર્ડ ઊંઘી રહ્યો હતો. એકટીવા પાર્ક કરીને સુરભિ બીલ્લી પગે દાદરા ચડીને બીજે માળે પહોંચી ગઈ હતી. તે ધીમેથી મેઈનડોર નોક કરવાગઈ તે પહેલાં જ અંદરથી કાંઈક અવાજ સંભળાયો. તેણે દરવાજાને કાન અડાડ્યા. સાગરનો જ અવાજ હતો.

“ઓહો.. રોઝી ડાર્લીગ, તું તો નર્સ છે. એબોર્શન વિશે મારે તને સમજાવવાનું હોય ?”

સુરભિએ ધ્યાનપૂર્વક સાંભળ્યું. રૂમમાં કોઈ સ્ત્રી પણ હતી. તે બોલી રહી હતી “પણ મારાં પતિને ખબર પડશે તો ?”

“રોઝી, આવા કિસ્સાઓમાં બધો વાંક બબુચક પતિઓનો જ હોય છે. બેવકૂફો રૂપિયાની પાછળ એવા દોડવા લાગે છે કે તેમની પત્નીઓને ખુશ રાખવાનું કામ પણ આ બંદાએ કરવું પડે છે.” સાગર મોટેથી હસી રહ્યો હતો.

સુરભિનાં પગ નીચેથી ધરતી સરકી રહી હતી. તેને અભિમન્યુ અને પિન્કીની યાદ આવી ગઈ. તેની આંખમાં આંસુનાં તોરણ બંધાયા. તે ધીમા પગલે પાછી વળી ગઈ. હવે સુરભિને રસ્તામાં અભિમન્યુનાં જ વિચારો આવતા હતાં. પતિ તરીકે આજ સુધી તે કોઈ જ ફરજ ચૂક્યો ન્હોતો. બસ માત્ર તેમનું લગ્નજીવન યંત્રવત બની ગયું હતું જે સમસ્યાનું નિવારણ સાવ અશક્ય તો ન્હોતું જ... બંગલામાં પ્રવેશીને સુરભિએ જોયું તો હજુ છ જ વાગ્યા હતાં. બાપ દિકરી ઘસઘસાટ ઊંઘી રહ્યા હતાં.

અચાનક સુરભિને યાદ આવ્યું કે છેલ્લું પોટ્રેટ દોરવાનું બાકી છે. તેણે માત્ર દોઢ કલાકમાં જ એક સુંદર પોટ્રેટ દોરી નાખ્યું. જેમાં સીતાજી ઝૂંપડી પાસે ઉભા હતાં. લક્ષ્મણજી તીર વડે ‘લક્ષ્મણરેખા’ દોરી રહ્યા હતાં !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational