તફાવત
તફાવત


“પપ્પા, આ તમારું પોલીસ સ્ટેશન નથી.હવે આ ઘરમાં તમારી જોહુકમી નહિ ચાલે” સત્તાવીસ વર્ષના વિશાલે ઊંચા અવાજે આખરે કહી જ દીધું. પ્રાણશંકર સ્તબ્ધ થઇ ગયા.હજુ તો નિવૃત્ત થયાને એક જ મહિનો થયો હતો. અપમાનનો ઘૂંટડો ગળવાનો આ ચોથો પ્રસંગ હતો.શરૂઆત પત્ની સુજાતાએ કરી હતી.શું આખો દહાડો રીમોટ પકડીને ટીવીની સામે ખોડાઈ રહો છો ? દિવસમાં એકાદ વાર તો શહેરમાં આંટો મારવા નીકળો.”
પ્રાણશંકરે શહેરના એક માત્ર પોલીસ સ્ટેશનમાં રાત દિવસ જોયા વગર સબ ઇન્સ્પેક્ટર તરીકે નોકરી કરી હતી. બે નંબરની અઢળક આવક કરી હતી.પ્રાણશંકર ઘર કરતાં ડયુટી પર જ વધારે રહેતા. પરિવારને આટલા વર્ષો સુધી તેમણે સમય આપવાની જરૂર હોય ત્યાં પણ સમયને બદલે પૈસા જ આપ્યા હતા.આખરે પરિવારમાં પણ બધા સભ્યો પ્રાણ શંકરની ઘરમાં ગેરહાજરીથી ટેવાઈ ગયા હતા. છ માસ પહેલા અચાનક પ્રાણ શંકરની બે નંબરની આવકને ગ્રહણ લાગી ગયું હતું.પોલીસ સ્ટેશનમાં અતિ પ્રમાણિક અને કડક ઇન્સ્પેક્ટર જયદેવસિહે ચાર્જ સંભાળ્યો હતો.સૌથી લાંચિયા અધિકારી તરીકે પ્રાણશંકરની પહેલેથીજ છાપ હતી. માત્ર ચાર દિવસમાં જ પ્રાણશંકરની ચારસો કિમી દૂર બદલીનો ઓર્ડર આવી ગયો હતો. જેમ તેમ કરીને છ માસ પુરા કરીને નિવૃત્ત થયેલા પ્રાણશંકરે ઘરમાં પગ મુક્યો હતો.માત્ર બે દિવસમાં જ પ્રાણશંકરને ઘરનું વાતાવરણ ફરી ગયું હોય તેવું લાગ્યું હતું.મોટા દીકરા વિશાલને શહેરમાં જ નોકરી મળી ગઈ હતી.તેણે ઘરનો વડીલ હોય તે રીતે તમામ બાબતોનો હવાલો સ્વેચ્છાએ જ સાંભળી લીધો હતો.નાનો દીકરો વિનય કોલેજમાં હતો. નામ વિનય હતું પણ નામ પ્રમાણે તેનામાં એક પણ ગુણ નહોતો.કોલેજમાં ભણવા કરતા વધારે આવારાગર્દી માટે તેનું નામ કુખ્યાત હતું.
મોટા દીકરા વિશાલને અઢાર વર્ષ પુરા થયા ત્યારે પ્રાણશંકરે તેને બાઈકની સાથે કાર પણ લઇ આપી હતી..અલબત્ત બે નંબરની આવકમાંથી જ. તે જ વિશાલ આજે પ્રાણશંકર પત્ની સુજાતાને કિટ્ટી પાર્ટી માં જવા માટે રોકવા ગયા તેના જવાબ માં તાડૂકી ઉઠ્યો હતો..“પપ્પા, આ તમારું પોલીસ સ્ટેશન નથી.હવે આ ઘરમાં તમારી જોહુકમી નહિ ચાલે” દીકરાને પોતાના પક્ષે જોઇને સુજાતાએ પ્રાણશંકરની સામે જોઇને વિજયી સ્મિત કર્યું હતું.
પ્રાણ શંકરને હાડોહાડ લાગી આવ્યું હતું.દર મહીને પગાર કરતા દસ ગણા રૂપિયાનો ઢગલો તેમણે ઘરમાં કર્યો હતો એ વાતની તો જાણે કે કોઈને કીમત જ નહોતી.
સૂર્યાસ્ત થવાને હજુ વાર હતી.મનને ફ્રેશ કરવા પ્રાણશંકર કપડા બદલીને શહેરમાં ચક્કર મારવા નીકળી પડયા. અડધો કલાક ચાલીને તેમના પગ એક પાનના ગલ્લા પાસે થંભી ગયા. આ એ જ ફેમસ પાન પાર્લર હતું જેનું શહેરમાં નામ હતું. લોકો દૂર દૂર થી અહી બનારસી પાન ખાવા આવતા.કાયમ અહીં ભીડ જામેલી રહેતી.પ્રાણશંકર પણ ઘણી વાર ડયુટી પરથી પરત આવતી વખતે અહીં જીપ ઉભી રખાવતા.ડ્રાયવર ઉતરીને પાન લઇ આવતો.ગલ્લાનો માલિક ચુનીલાલ ક્યારેય પૈસા માંગતો નહિ. પ્રાણશંકરે પણ પૈસા આપવાનો ક્યારેય વિવેક કર્યો નહોતો. જીપમાં બેઠા બેઠા જ પ્રાણશંકર અને ચુનીલાલની આંખ એક થતી અને સરસ મજાનું મીઠું બનારસી પાન ચુનીલાલ પેક કરીને મૂંગે મોઢે ડ્રાયવરને આપી દેતો. આવું તો એકાંતરે દિવસે બનતું.આજે પહેલી જ વાર પ્રાણશંકર વર્દી વગર અને રિવોલ્વર વગર આ ગલ્લે આવ્યા હતા.ગલ્લે દસેક માણસો ઉભા હતા.પ્રાણશંકરે નજીક જઈને ચૂનીલાલની સામે જોયું. ”બોલો” ચુનીલાલ જાણેકે તેમને ઓળખતો જ ના હોય તે રીતે તેણે ઓર્ડર માટે પૂછયું. પ્રાણશંકરને લાગ્યું કે ચુનીલાલ તેમને વર્દી વગર કદાચ ઓળખી શક્યો નથી.
“હું સબ ઇન્સ્પેકટર પ્રાણશંકર”
“સાહેબ, હવે તો તમે નિવૃત્ત થઇ ગયા છો ને ? એક પાનના વીસ રૂપિયા થશે.”
પ્રાણશંકર સડક થઇ ગયા.ચુનીલાલે પૈસા માંગ્યા તેનો તેમને વાંધો નહોતો પણ જે સ્ટાઈલમાં અન્ય માણસોની હાજરીમાં વટથી પૈસા માંગ્યા તે ખૂબ જ અપમાનજનક લાગ્યું.
પ્રાણશંકર ખળભળી ઉઠયા. “ભાઈ તારી વાત સાચી છે હું નિવૃત્ત થઇ ગયો છું”
“સાહેબ ,એટલે તો કહું છું હાથમાં પૈસા રાખીને જ ઓર્ડર આપવાનો હોય”. ચુનીલાલે બીજો ફટકો માર્યો.
પ્રાણશંકરને એટલું બધું અપમાન લાગી ગયું કે તેમણે પાન ખાવાનું જ માંડી વાળ્યું. તેઓ તરત ચાલવા લાગ્યા.હજુ માંડ ચાર છ કદમ ચાલ્યા હશે ત્યાં જ તેમના કાને ગલ્લા પર ઉભા રહેલા માણસોનું અટ્ટહાસ્ય સંભળાયું. જેમાં પ્રાણશંકરને સ્પષ્ટપણે ખુદનો ઉપહાસ સંભળાઈ રહ્યો હતો.
આજે વર્દી અને રિવોલ્વર વગર પ્રાણશંકરની મર્દાના ચાલ સાવ ઢીલી પડી ગઈ હતી.જે સત્તાનો હમેશા નશો રહેતો તે આજે ગાયબ હતો.રસ્તામાં જેટલા લારી ગલ્લાવાળા આવતા હતા તે તમામ જાણેકે તેમને જોઇને નજર હટાવી લેતા હતા. કોઈને પણ પ્રાણશંકરને ઓળખવામાં દિલચ્શ્પી નહોતી. થોડે આગળ એક ચોક આવ્યો. ચારેક યુવાનો કેરમ પર જુગાર રમતા હતા. પ્રાણશંકરને જોઇને એક યુવાન ઉભો થવા ગયો ત્યાં જ બાકીના ત્રણેય યુવાનોએ તેને હાથ પકડીને બેસાડતા કહ્યું “અરે રાજુ, ખોટો ગભરાય છે. આ સાહેબ તો હવે રીટાયર થઇ ગયા છે”. બીજો બોલ્યો “નોકરી પર ચાલુ હતા ત્યારે ય તેમણે ક્યાં ક્યારેય આપણને હાથ અડાડયો હતો?”. ત્રીજો બોલ્યો “હા અત્યારે જયદેવસિંહ આવ્યા હોત તો આપણે ચોક્કસ ભાગવું પડત.”
પ્રાણશંકર જાણેકે કાંઈ સાંભળ્યું જ નથી તેવો દેખાવ કરીને આગળ નીકળી ગયા.પ્રાણશંકરને અચાનક સલીમ યાદ આવ્યો. અહીથી થોડે દૂર તેનો દારૂનો અડ્ડો હતો.સલીમ પ્રાણશંકરને ખૂબ માન આપતો.
પ્રાણશંકર ચાલીને તે ગલીમાં પહોંચ્યા.પ્રાણશંકરને જોઇને તરત સલીમ નજીક આવ્યો.”આઇએ સા'બ આઈએ”. પ્રાણશંકરે જોયું કે તે દારૂની જગ્યાએ લીંબુ સોડા વેચી રહ્યો હતો.
“સાબ સોડા પીયેંગે યા શરબત?”
“નહિ ભાઈ આજ કુછ નહિ પીના હૈ”
“અરે સાબ ઐસે કૈસે ચલેગા? મૈ આપસે પૈસે થોડે હી લુંગા?”
“ નહિ સલીમ, પૈસેકી બાત નહિ હૈ લેકિન આજ કુછ મૂડ ઠીક નહિ’
પ્રાણશંકર ધીમેથી બાજુમાં રાખેલી ખુરશી પર બેસી પડયા. પ્રાણશંકરના ચહેરા પર પથરાયેલી વ્યથા ચબરાક સલીમના ધ્યાનમાં આવી ગઈ. “ક્યોં સાબ ક્યા હુઆ ?”
પ્રાણશંકરે આખરે આજે નિવૃત્ત થયા બાદ વર્દી અને રિવોલ્વર વગરના છેલ્લા કલાકના તેમના રાઉન્ડની વિસ્તારથી વાત કરી.વાત પૂરી થઇ ત્યાંજ જયદેવસિંહની જીપ ત્યાંથી પસાર થઇ. સલીમે ઉભા થઈને સલામ કરી. પ્રાણશંકર દંગ રહી ગયા. આવી દિલથી સલામ તો તેઓ નોકરીમાં હતા ત્યારે તેમને હાથ નીચેના કોઈ સ્ટાફે પણ નહોતી કરી. જીપને દૂર જતી જોઈ રહેલો સલીમ બોલ્યો. “જયદેવ સિહ કે આને કે બાદ ભલે હી ધંધે મેં મેરા નુકશાન હુઆ હૈ ફિરભી મૈ ઉનકી ઈજ્જત કરતા હું ક્યોંકી ઈજ્જત ઈમાનદાર કી હોતી હૈ બેઈમાન કી નહિ”.
પ્રાણશંકર સજળનેત્રે ધીમા પગલે આગળ ચાલ્યા.ઘરે જવાની બિલકૂલ ઈચ્છા થતી નહોતી.આજે તેમને વર્ષો સુધી કરેલી બે નંબરની આવકનો અફસોસ થઇ રહ્યો હતો. ના તો પરિવારમાં તેમની કોઈને જરૂર હતી ના તો સમાજમાં તેમનું કોઈ માન બચ્યું હતું.
થોડે દૂર એક સ્કૂલના મકાન પાસે તેમના પગ થંભી ગયા.આ એજ સ્કૂલ હતી જ્યાં તેઓ ભણ્યા હતા. પ્રાણશંકરને શાળાજીવનના તે દિવસો યાદ આવી ગયા. પ્રાણશંકર સ્કૂલની બહારના મોટા બોર્ડને તાકી રહ્યા. પ્રાણશંકરના મરોડદાર અક્ષર હોવાને કારણે સ્કૂલની બહારનું આ બોર્ડ લખવાનું કામ પ્રિન્સીપાલ સાહેબે તેમને જ સોંપ્યું હતું. તે જમાનામાં લખેલું એક પણ સુવાક્ય આજે પ્રાણશંકરને યાદ નહોતું.આજે તે બોર્ડમાં શું લખાયું છે તે વાંચવાની જીજ્ઞાસા પ્રાણશંકર રોકી ના શક્યા. પ્રાણશંકરે નજીક જઈને બોર્ડ વાંચ્યું. પ્રમાણિકતા વગર કમાયેલા ધનને કે અણહક્કના પૈસાને લક્ષ્મી ના કહેવાય. જે માણસ પૈસા અને લક્ષ્મી વચ્ચેનો તફાવત સમજી જાય છે તેનું જીવન ધન્ય બની જાય છે.