વાત થશે ? - Part 3
વાત થશે ? - Part 3
ડૉ. રુસ્તમે અત્યાર સુધી ઘણાં તૂટતાં લગ્નને સફળતાપૂર્વક નવું જીવન આપ્યું હતું. પણ જુગલ અને મહેક બેઉ પોતપોતાની વાત ઉપર એવી જીદ પકડીને બેઠા હતા, કે કાઉન્સેલિંગના છ મહિના પછી પણ બેઉ ત્યાંના ત્યાં જ ઊભા હતા.
કહે છે ને કે ‘પાકે ઘડે કાઠા ના ચડે’. આજકાલ છોકરાં-છોકરીઓ મોડી ઉંમરે લગ્ન કરે છે. કોઈને કારકિર્દીની આકાંક્ષાઓ હોય છે તો કોઈને વધારે ભણવું હોય છે. કોઈને લગ્ન પહેલાં બધા અનુભવો લેવા હોય છે, અને કોઈને સારા પાત્રની શોધમાં મોડું થઈ જાય છે. જેમ જેમ ઉંમર વધે તેમ જીવનના દરેક પાસાં માટેના પોતાના અભિપ્રાયો સ્ટ્રોંગ થતા જાય છે. સાથે સાથે એડજસ્ટમેન્ટ લેવાની શક્તિ, સહન શક્તિ વગેરે ઓછાં થતાં જાય છે. નાની નાની વાતોમાં શરુ થયેલી ખીટપીટ મોટું સ્વરૂપ લઈ લે પછી એમના લગ્ન તૂટતા અટકાવવા અઘરા પડે છે. જુગલ અને મહેકના કિસ્સામાં પણ આવું જ થયું હશે એમ ડૉ. રુસ્તમને લાગ્યું.
તેમણે બેઉને છેલ્લી સલાહ આપી. “જુગલ, મહેક! હું ટમને ફરીથી આ એડવાઈઝ આપું છુ અને આ ફાઈનલ છે. ગો ફોર આઉટિંગ. એવી કો’ક જગ્યાએ જાઓ જ્યાં ટમે એકબીજાને ટાઈમ આપી શકો, વાટ કરી શકો. પન ટમે બેઉ જ, હોં કે! બીજું કોઈ નઈ!”
“રહેવા દો! જગ્યા ફાઈનલ કરવામાં મહિનાઓ જશે!” જુગલે ત્યાં જ આઈડિયા નકારી દીધો.
“બીજા ઝગડા થશે એ જુદા!” મહેકે પણ સૂર પુરાવ્યો.
“એવું કેમ?” ડૉ. રુસ્તમને વાતનું મૂળિયું પકડવામાં રસ હતો.
“અમારી કોઈ ચોઈસ મળતી નથી. દરેક બાબતમાં અમારા વ્યુઝ જુદા પડે છે, કેવી રીતે સાથે રહી શકાય?” મહેકે કહ્યું.
“ટમારા મેરેજને અગિયાર વર્ષ ઠયાં! ટો પહેલેઠી જ એવું હટું કે?” ડૉ. રુસ્તમે પૂછ્યું.
“ના...” બંને સાથે બોલ્યા.
“જવા દો રુસ્તમ સર, ખાલી શરૂઆતમાં બધું સારું સારું હોય. બધા ખરું જ કહે છે. મેરેજ પછી પતિ સમજો ‘પતી’ જ ગયો! હસબન્ડ એટલે ‘હસવાનું બંધ!’” જુગલ બોલ્યો. ડૉ. રુસ્તમે થોડી ક્ષણો જુગલ સામે એવી રીતે જોયું કે જાણે આ વાતમાં પોતે પણ સહમતી ન આપતા હોય!
પછી ડૉ. રુસ્તમે ચશ્મા ઉતારીને રૂમાલથી કાચ સાફ કર્યા. એમ કરતાં થોડો વિચારવાનો ટાઈમ લીધો. તેમને લાગ્યું કે પાછા બેઉના મતભેદ શરુ થશે ને બેઉ ચૂપ થઈ જશે. એટલે એવો પ્રશ્ન પૂછવો જોઈએ, જેનો જવાબ ‘હા’ કે ‘ના’ માં ન આવે.
“હમમ, મને એમ કહો ની! હાઉ ડીડ યુ ફર્સ્ટ મીટ? ટમે એકબીજાને સૌઠી પહેલા કેવી રીટે મઈલા?”
“મંદિરે...” મહેક બોલી.
“મીટીંગમાં...” જુગલ બોલ્યો.
બંનેએ એકસાથે જવાબ આપ્યા પણ બેઉના જવાબ જુદા-જુદા હતા.
“રુસ્તમ સર, આને તો અમારી એનીવર્સરી પણ ક્યાં યાદ રહે છે? અમે મંદિરે મળ્યા’તા!” મહેકે દ્રઢતાથી કહ્યું.
“કેવી રીતે?” ડૉ. રુસ્તમના આ સવાલથી બેઉની યાદો પરની ધૂળ ખંખેરાઈ.
મહેકે વિસ્તારથી કહ્યું. “મને યાદ છે ત્યાં સુધી અમારા બેઉના
કોમન રિલેટીવના ઘરે મરણ પ્રસંગ હતો. દૂરના રિલેટીવ હતા એટલે જસ્ટ વ્યવહારથી તેરમાની વિધિમાં ગયા હતા. મારે તો ખાસ ભજન ગાવા જવાનું હતું. બધા સફેદ કપડાંમાં શોકમાં બેઠા બેઠા પ્રાર્થના કરતા હતા. મને એક આંટીએ ભજન ગાવા માઈક આપ્યું અને મેં ગાવાનું શરુ કર્યું.”
“ઓહ, ટો ટમે ગાયક કલાકાર છો?” ડૉ. રુસ્તમે વચ્ચે પૂછ્યું.
“બાથરૂમ સિંગર કહો!” મહેક બોલે એ પહેલા જુગલે જ કહી નાખ્યું. મહેક અકળાઈ.
“બસ! જેમ હમણાં સિરિયસ વાતમાં મજાક સૂઝે છે એમ ત્યાં પણ આણે આવું જ કર્યું હતું. આ સાહેબ મારી જ લાઈનમાં ચાર-પાંચ લોકો છોડીને બેઠા હતા. થોડી થોડી વારે પાછળ ઝૂકીને મારી સામે ધારી ધારીને જોયા કરે અને સ્માઈલ આપે. રુસ્તમ સર, તમે જ કહો! ફ્યુનરલના શોકના વાતાવરણમાં ભજન ચાલતા હોય ત્યાં આવું કરવું યોગ્ય લાગે?” મહેકે પૂછ્યું.
“જુગલ બેટા, આ સાચું કહે છે?” ડૉ. રુસ્તમે પૂછ્યું.
“પણ રિલેટીવ દૂરના હતા એટલે અમે કાંઈ એટલા દુઃખી નહોતા. અને રુસ્તમ સર! અમારી બેઉની આંખો મળી હતી. ભલે થોડી સેકન્ડ્સ માટે. તો એ મને એકલાને કેમ બ્લેઇમ કરે છે?” જુગલે નિખાલસતાથી કહ્યું.
“હમમ...” ડૉ. રુસ્તમ કશું ન બોલ્યા.
“ત્યારે તો અમે એકબીજાને ફક્ત જોયા હતા! હજુ એકબીજાને ઓળખતા પણ નહોતા. પછી બે-ત્રણ મહિને જયારે મહેકે અમારી કંપનીમાં જ જોબ શરુ કરી પછી અમે મળ્યા. એક પ્રોજેક્ટની મીટીંગમાં અમારી બેઉની ટીમે ભેગા કામ કરવાનું હતું, ત્યારે.” જુગલે આગળ ખુલાસો કર્યો.
“ઓહ, ટો મેરેજ પહેલા ટમે એક જ કંપનીમાં કામ કરટા હટા?” ડૉ. રુસ્તમે વાતમાં રસ બતાવ્યો.
“હા. હજુ પણ કરીએ છીએ, પણ જુદા જુદા ડીપાર્ટમેન્ટમાં. એ દિવસે મારે પ્રોજેક્ટનો આઈડિયા પ્રેઝન્ટ કરવાનો હતો. બધાએ મારું પ્રેઝન્ટેશન જોઇને તાળીઓ પાડી, એક આના સિવાય. ઇન ફેક્ટ એણે મારા પ્રેઝન્ટેશનમાંથી ભૂલો શોધી કાઢી. એઝ ઓલ્વેઝ!” જુગલે વિસ્તારથી કહ્યું.
“આવું જ થાય. ફર્સ્ટ ટાઇમ ટો ટમે એકબીજાને ડીસ્લાઈક કરો. પછી એમાંથી જ લાઈક કરવાનું સ્ટાર્ટ ઠાય. ટો પછી લવ મેરેજ કરવાનું કેવી રીટે ડીસાઈડ ઠયું?” ડૉ. રુસ્તમ સવાલોની વચ્ચે વચ્ચે પોતાના અનુભવ ટાંકતા જતા.
આ સવાલ પર પાછાં બેઉ ચૂપ થઈ ગયા. ન કોઈએ એકબીજાની સામે જોયું, કે ન કોઈ એક શબ્દ બોલ્યું. જુગલ અને મહેકને ડૉ. રુસ્તમના અનુભવના તારણો બરાબર સમજાતા હતા, આખરે પોતાને પણ અનુભવ થયેલો હતો. પણ બેઉને જાણે પોતાના ભૂતકાળની ફરીથી મુલાકાત લેવાનો ડર લાગતો હતો! એટલે જ એના પ્રશ્નો પૂછાય એટલે બેઉ ચૂપ થઈ જતા.
ડૉ રુસ્તમની ઉત્સુકતા વધી. કારણ કે, દરેક સંબંધને સાંધવાના ઉપાય તેનાં પાયા કેવી રીતે નખાયા હતા એના પરથી મળી આવે છે.
પણ ત્યાં જ મીટીંગનો બેલ વાગ્યો. જુગલ અને મહેકના ડિવોર્સ અટકાવવાની હવે કોઈ ચાવી મળશે કે નહીં, એ જાણવા ડૉ. રુસ્તમને આગલી મીટીંગની રાહ જોવાની હતી!
Part 4 વાંચવા અમને follow કરો...