STORYMIRROR

Dada Bhagwan

Tragedy Inspirational Others

4  

Dada Bhagwan

Tragedy Inspirational Others

એ કાઈપો છે...

એ કાઈપો છે...

8 mins
17

"એ કાઈપો છે... કાઈપો છે!" બૂમો પાડતો મીત અગાશીમાં નાચવા લાગ્યો. એની પતંગ આકાશમાં ખૂબ ઊંચે ઊડી રહી હતી. એ હંમેશાં એમ જ માનતો કે એના પતંગની આસપાસ બીજા કોઈના પતંગ ના હોવા જોઈએ. આકાશને આંબવા જતા કોઈ રસ્તામાં આવે તો એની પતંગ કાપી જ નાખવાની!

"છે કોઈ મારી સામે ટક્કર ઝીલી શકે તેવું?" આસપાસની અગાશીમાં લોકોને જોતા તે ખડખડાટ હસી રહ્યો હતો.

"એ કાઈપો છે...!" પાછળના મકાનમાંથી મીતના કાનમાં શબ્દો પડ્યા કે મીત આકાશમાં જોવા લાગ્યો. તેના હાથમાં રહેલી દોરી ઢીલી થઈ ગઈ અને તેની પતંગ લથડિયા ખાતી તેની પહોંચથી દૂર જઈ રહી હતી. તે પોતાની કપાયેલી પતંગને પકડવા જેવો દોડવા ગયો, ત્યાં જ પલંગમાંથી નીચે જમીન ઉપર પટકાયો.

"અરે આ તો સપનું હતું." આંખો ચોળતા તેણે ઘડિયાળમાં જોયું. રાતનો એક વાગ્યો હતો. સતત બિઝનેસની ચિંતામાં છેલ્લા એકાદ મહિનાથી તે ઊંઘી નહોતો શકતો. રાત્રે જ ઊંધની દવા લીધી હતી, અને કપાયેલી પતંગ પાછળ દોડવા જતા તે જાગી ગયો.

કારતક મહિનાની ઠંડી મીતને ધ્રુજાવી રહી હતી. છતાં મીત ઘરના દરવાજા ખોલી અગાશીમાં આવ્યો. ચારેબાજુ અંધારું હતું. ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો. એણે આકાશમાં જોયું. અનેક લબકઝબક થતા તારાઓની વચ્ચે એને ધ્રુવનો તારો સ્થિર દેખાયો. એ મનોમન વિચારી રહ્યો કે, “હું મારુ સ્થાન પણ આ ધ્રુવના તારા જેવું સ્થિર, અડગ બનાવીશ. બિઝનેસનમાં પછી મારી કોઈ તુલના જ નહીં કરી શકે, મારી કોઈ પછી સ્પર્ધા જ નહીં કરી શકે.”

એ વિચાર સાથે એણે હાથમાં રહેલો પથ્થર પાર્થના ઘરની દિશામાં ફેેંક્યો. રાતના અંધારામાં પણ એના ચહેરા પર ઉપસી આવેલી ગુસ્સો અને ઈર્ષ્યાની મિશ્રિત રેખાઓ જોઈ શકાતી હતી.

બીજે દિવસે ફટાફટ ફ્રેશ થઈ વહેલી સવારમાં તો ઓફિસે પહોંચી ગયો. મીતનો પતંગનો બિઝનેસ હતો. તેની પાસે ડીલરશિપ હતી. ખૂબ સારૂ કમાઈ રહ્યો હતો. કેટલાય લોકોને તે રોજગારી આપી રહ્યો હતો. પણ એટલાથી એને સંતોષ નહોતો. અમદાવાદ અને બાકીના બીજા જીલ્લામાંઓમાં પણ એની જ પતંગો હોવી જોઈએ, અને અમદાવાદમાં તે મોટામાં મોટો પતંગોનો ડીલર હોવો જોઈએ, તેવી મહત્ત્વકાંક્ષા સાથે તે તેના બિઝનેસને આગળ વધારી રહ્યો હતો. અગાઉની પોઝિશન ઉપર પરત ફરવા માટેની દોડધામ કરી રહ્યો હતો. તેની આ સ્થિતિ જોઈ તેના પિતા રામભાઈએ એક વખત કહ્યું પણ ખરું, મહત્ત્વકાંક્ષા હોય અને આગળ વધવાનો નિશ્ચય હોય એમાં વાંધો નથી. પણ બીજાને તોડીને, બીજાનું પડાવીને પોતે વધારે મેળવે એ ખોટું કહેવાય. કોમ્પિટિશન હેલ્ધી હોવી જોઈએ. ‘તુંય આગળ વધ ને હુંય આગળ વધું', એ અભિગમનો વાાંધો નથી, દીકરા ! પણ સામાને પછાડીને...?"

જો કે, મીત પિતાની કોઈ સલાહને ધ્યાનમાં લીધા વિના, ઈર્ષ્યાની ભઠ્ઠીમાં તપતો રહ્યો. અને કેમ કરીને પાર્થના બિઝનેસના રામ રમાડી દેવા તેની ગોઠવણ કરતો રહ્યો. અને આજે તેણે એવા જ ઉદ્દેશ્યથી પતંગ બિઝનેસના નાના નાના વેપારીઓને મિટિંગમાં બોલાવ્યા હતા. સૌ વેપારીઓ આવી ગયાની ખાત્રી કરી લઈ કહ્યું, ‘તમે બધા અમારી કંપની સાથે જોડાઈ જાઓ.’

"પણ મીતભાઈ! અમે વર્ષોથી પાર્થભાઈ પાસેથી પતંગો ખરીદીએ છીએ." એક નાનો વેપારી કહી ઊઠ્યો.

"મારી સાથે જોડાશો તો તમને વધારે પ્રોફિટ મળશે, નામના મળશે. તમે જાણો જ છો કે, આજે જે પોઝિશન ઉપર પાર્થ છે, ત્યાં એની પહેલા હું હતો." ચાનો ઘૂંટ ભરતા મીત કહી ઊઠ્યો.

"તમારી વાત સાચી મીતભાઈ! પણ આમ થોડા પ્રોફિટ માટે વર્ષોના સંબંધો કેમ તોડી શકાય?" બીજા એક વેપારીએ મીત સામું જોતા કહ્યું. જવાબમાં મીતે કહ્યું, “થોડા દિવસોમાં  જ હું પાર્થનો બિઝનેસ ખરીદી લેવાનો છું. અને અમેરીકાના એક વેપારી સાથે મારે વાત પણ ચાલુ છે. આપણો બિઝનેસ દેશ-વિદેશમાં ફેલાવવાની મારી ઈચ્છા છે. મને એક મોટી ફાઈનાન્સ કંપનીનો સપોર્ટ છે, અને ટૂંક સમયમાં આખા દેશમાં બિઝનેસ ફેલાવીશું." બોલતા થોડું અટક્યો અને મીત બારી પાસે જોઈ રહ્યો. એક ગરોળી દિવાલ ઉપર ગોળ ગોળ ફરી રહી હતી. ઓચિંતી ગરોળીએ તરાપ મારીને એક જીવડું તેના પેટમાં પધરાવી દીધું.

વેપારીઓ એકબીજા સામું જોઈ રહ્યા. મીત તે લોકોને સામ, દામ અને દંડની નીતિથી કન્વિન્સ કરતો ગયો અને કેટલાક વેપારીઓ તેની સાથે જોડાઈ પણ ગયા, તો કેટલાક વેપારીઓ “વિચારીને જવાબ આપીશું” એમ કહીને ત્યાંથી ચાલ્યા ગયા. મીતે ઓફિસની બારી બહાર નજર કરી. એને પોતાની પતંગ આકાશમાં ખૂબ ઊંચે ઊડતી દેખાઈ, અને પાર્થની પતંગ કપાઈને દૂર ફંગોળાતી. આ કાલ્પનિક દૃશ્ય ખડું કરીને તે જોર જોરથી હસી રહ્યો.

મીત હંમેશાં બિઝનેસમાં ટોપ ઉપર રહેતો. કેટલાક વર્ષો સુધી તેની કંપની ફર્સ્ટ રેન્ક ઉપર રહેવાથી ‘કાઈટ એસોસિએશન અને અન્ય મોટા ગ્રુપો દ્વારા તેને માન-સન્માન, પ્રમાણપત્રો, એવોર્ડ્સ મળતા રહ્યા. પણ છેલ્લા ત્રણ-ચાર વર્ષોથી તેના આ બિઝનેસને ધક્કો લાગ્યો હતો. તેનો જ મિત્ર પાર્થ ટોપ પર આવી ગયો હતો. દેશ-વિદેશમાં તેની પતંગોની બોલબાલા જોઈ, બાર-બાર વહાણ જાણે મધદરિયે ડૂબી ગયા હોય એવી લાગણીમાં મીત પીસાતો રહ્યો. અને પાર્થ સાથે બોલવાનો પણ વ્યવહાર રાખ્યો નહોતો.

રાત્રે મીત ઘરે પહોંચ્યો ત્યારે તેના પિતા રામભાઈ તેની જ રાહ જોઈ બેઠા હતા. રામભાઈએ પતંગના બિઝનેસમાંથી નિવૃત્તિ લીધી હતી અને મીતને બિઝનેસ સોંપ્યો હતો. મીતે પતંગનો બિઝનેસ પોતાની આવડત અને સૂઝ-સમજને કારણે ઘણો વિસ્તાર્યો હતો. કેટલાય વર્ષો સુધી ટોચ ઉપર રહ્યો. અને આમેય પતંગનો બિઝનેસ આખા ભારતમાં જ નહીં, પણ આખા વિશ્વમાં અમદાવાદ પ્રથમ ક્રમે આવતું હતું.

પણ જ્યારથી પાર્થે આ બિઝનેસમાં પગ જમાવ્યો, ત્યારથી મીતની ઊંઘ હરામ થઈ ગઈ હતી. રોજ ઊઠીને તેનું લક્ષ પાર્થ કઈ રીતે બિઝનેસ વધારે છે, કઈ ડીલ કરે છે, શું ટેકનોલોજી અપનાવે છે, કેવા લોકોને નોકરીમાં લે છે, તેના ઉપર સતત રહેતું. પોતાનો બિઝનેસ સારો એવો ચાલતો હતો, પણ એનાથી એને સંતોષ નહોતો. બસ, કઈ રીતે પાર્થને ટપીને પોતે આગળ નીકળી શકે એની જ પેરવીમાં હતો. હજુ પણ પોતાનો બિઝનેસ વિસ્તારી, ઓછા સમયમાં ફરીથી ટોચનું સ્થાન કઈ રીતે હાંસિલ કરી શકાય, તેના દાવપેચમાં લાગ્યો રહેતો. તેની આ વાતથી તેના પિતા અજાણ નહોતા. તેથી તેઓ ચિંતિત હતા, દુ:ખી હતા અને ક્યારેક સમય જોઈ શિખામણના બે બોલ પણ કહેતા.

પણ હવે તો મીતે હદ વટાવી હતી. બેન્કોમાંથી વધારે પડતી લોન લઈ બીજાના બિઝનેસને ખરીદી રહ્યો હતો. જેની તેમને કોઈ જરૂરિયાત જણાતી નહોતી. મીતને આજે પાસે બેસાડી તેની સાથે આ વિશે વાત કરવાનું નક્કી કર્યું હતું, માટે રાહ જોતા બાલ્કનીમાં બેઠા હતા.

મીત ઘરે આવ્યો. જમીને હાથમાં રીમોટ લઈ ટી.વી. ચાલુ કર્યું, ત્યાં જ રામભાઈએ બાલ્કનીમાંથી બૂમ પાડી. ‘બેટા મીત! અહીં આવ જોય...’ મીત બાલ્કનીમાં રામભાઈ સામે મૂકેલી ખાલી ખૂરશીમાં બેઠો. રામભાઈએ તેની સાથે બિઝનેસ અંગે થોડી ઔપચારિક વાતો કરી. પછી કહ્યું, “આખા અમદાવાદમાં પતંગના પાંચ પ્રતિષ્ઠિત વેપારીઓમાં આપણી પણ ગણના થાય છે. આપણે સારું એવું કમાઈ રહ્યા છીએ, કોઈ વાતે આપણે દુઃખી નથી, તો તું શું કામ ખોટી ચિંતાઓમાં ફરે છે?”

“ડેડી, ચિંતા તો થોડી કરવી પડે. તમારો જમાનો અલગ હતો અને આ જમાનો અલગ છે.” મીત રામભાઈ સામે જોતા કહી રહ્યો. “કેમ વળી આ જમાનો કેવી રીતે અલગ છે? મને તો બધું સરખું જ દેખાય છે!” કહેતા રામભાઈએ જોયું કે સોસાયટીના છોકરાંઓ દિવાળી પછી રહી રહીને ફટાકડા ફોડી રહ્યા હતા.

“હું બિઝનેસમાં મારા સિવાય કોઈ બીજાને નંબર વન ઉપર નથી જોઈ શકતો.” મીત એકીશ્વાસે બોલી ઊઠ્યો. “હા, બરાબર છે; પણ એના ક્લાયન્ટને ડરાવી, ધમકાવીને તું પોતાના બિઝનેસમાં જોડે, બીજાના ધંધા-રોજગાર છીનવી લે, પડાવી લે, તો કેવી રીતે આગળ વધી શકીશ?” રામભાઈના અવાજમાં આક્રોશ હતો.

તેમણે આગળ કહ્યું “બેટા! એક વિજ્ઞાન સમજી લે કે તું જ્યારે સામાના વિશે નેગેટિવ બોલીશ કે, ‘એ પડે તો સારું, એનું બધું ખલાસ થાય, એના બિઝનેસમાં નુકસાન થાય’ ત્યારે નુકસાન ખરેખર પોતાનું જ થશે. પણ જ્યારે તું એમ બોલે કે, ‘એ ખૂબ આગળ વધે, ખૂબ પ્રગતિ કરે’ ત્યારે ખરેખર પોતાની જ પ્રગતિ થશે.” આટલું કહીને રામભાઈ અટક્યા, સહેજ

પાણી પીધું. ગ્લાસ ટીપોઈ પર મૂક્યો. પછી મીત સામું જોતા બોલ્યા, “બેટા! એ તારાથી આગળ થઈ ગયો, અને તું રાતોરાત એનાથી આગળ નહીં નીકળી શકે, એટલે ઈર્ષ્યાના માર્યા તે અવળો રસ્તો અપનાવ્યો છે. એને બદલે તું પાર્થની કુશળતાને વધાવ, એની પાસેથી બે ટીપ્સ લે, દિલથી એની પોઝિટિવ વાતો લોકોમાં કર. કાયમ, બીજાનું પોઝિટિવ બોલીએ તો આપણી કિંમત વધી જાય, આ સાયન્સ છે બેટા.”

બાલ્કનીમાંથી બેઠા બેઠા રામભાઈએ જોયું કે એક છોકરો ઊંચે આકાશમાં રોકેટ છોડી રહ્યો હતો. પણ બોટલમાં મૂકેલું રોકેટ ત્રાંસું હતું. તે ઊંચે આકાશમાં જવાને બદલે કોઈનું ઘર સળગાવશે, કોઈને ઈજા કરશે એની ચિંતાના ભાવ એમના ચહેરા પર ઉપસી આવ્યા.

"એટલે હું સમજ્યો નહીં", મીતને પ્રશ્ન થયો.

"પાર્થની બરોબરી કરવા તે એમના કારીગરો, એમના વેપારીઓને લોભ-લાલચ આપી અને એમનું બાકીનું પેમેન્ટ પણ ના કર્યું." કહેતા રામભાઈ બોલ્યા, "બેટા! બિઝનેસમાં સ્પર્ધા હોય, અને એ તો રહેવાની... પણ એ હેલ્ધી હોવી જોઈએ! કોઈની ઈર્ષા કરીને, એના માટે કપટ કરી આગળ વધીએ તો કુદરત તેનો બદલો પણ તે જ રીતે આપે છે. મહત્ત્વકાંક્ષાનો વાંધો નથી, પણ અસંતોષની ભૂખ ખોટી વસ્તુ છે. એવી ઈચ્છા હોય કે, ‘કેવી રીતે મને મળે. પણ તારી પાસે જે છે એય મને મળે, તારું ઓછું થાય ને મને વધારે મળે’, એ તો અસંતોષની ભૂખ છે દીકરા!”.

"તમારી આ ફિલોસોફીકલ વાતો મારી સમજ બહારની વાત છે. આવી વાતોનો કોઈ અર્થ નથી. અને આ તો આજના બિઝનેસનો એક ભાગ છે."

"દીકરા, કોઈને રડાવીને આપણે હસી શકતા નથી." કહેતા રામભાઈ મીતને પૂછી રહ્યા, "મને એક પ્રશ્નનો જવાબ આપીશ?"

"હા, બોલો..." મીત બગાસું ખાતા બોલ્યો.

"કોઈ વાવમાં જઈને તું એમ બોલે કે, ‘તું ચોર છે’, તો વાવ શું કહેશે?"

"સિમ્પલ છે ડેડી, એનો જ પડઘો પડશે, ‘તું ચોર છે.’"

“અને તું એમ કહે કે, ‘તું પછડાય, આગળ ન વધે’ તો વાવ પણ એમ જ કહેવાની છે ને કે, ‘તું પછડાય, આગળ ન વધે.’ આ સિમ્પલ વાત તું સમજે તો સારું.’ રામભાઈને લાગ્યું કે પોતે મીતને સમજાવવાથી, કહેવાથી તે વાત માની લેશે. પણ તેનાથી ઊલટું મીતે કહ્યું, "ડેડી, તમે મને બિઝનેસ કેમ કરવો તે ના સમજાવો તે સારું છે!" આ વાત સાંભળી રામભાઈ સ્તબ્ધ બની ગયા. એકેય શબ્દ બોલી શક્યા નહીં. બાલ્કનીમાં અંધારું ઊતરી આવ્યું હતું. ખુરશીમાંથી ઊભા થતા એટલું જ બોલી શક્યા, "બેટા! કુદરત બહુ ન્યાયી હોય છે!’ બોલતા બોલતા તેમના ચહેરા ઉપર અંધારું ઉતરી આવ્યું. એ ઊભા થયા. આકાશ તરફ નજર કરી. એક પંખી એકલું ઊંચે ઊડી રહ્યું હતું. વિપરિત હવા સામે ઉડવાનો તે સંઘર્ષ કરી રહ્યું હતું. તેની શક્તિ વેડફાતી જોઈ, દુઃખી થતા રામભાઈ સૂવા ચાલ્યા ગયા.

થોડા દિ વસો વીત્યા. મીતે મોટી બેન્કોમાંથી મોટી મોટી લોનો ઉપાડવાનું ચાલુ કર્યું. ગોડાઉન ભાડે રાખ્યા. આખા માર્કેટમાંથી પતંગો ઉઠાવી ગોડાઉન ભર્યા . માર્કેટમાં પતંગોની

કૃતિમ અછત ઊભી કરી, અને ભાડાના માણસો દ્વારા પાર્થના ગોડાઉનમાં આગ લગાડવાનું કાવતરું ઘડી કાઢ્યું.

માગસર માસના પાછલા દિવસો પસાર થઈ રહ્યા હતા. પોષ મહિનો દરવાજે જ ઊભો હતો. આકાશમાં હવે એકલા મીતની પતંગ ખૂબ ઊંચે ઊડવા તૈયાર થઈ રહી હતી. ત્યાં જ વહેલી સવારે કમોસમી વરસાદે સપાટો બોલાવ્યો. આકાશમાં કાળા ડીબાંગ વાદળા પતંગ બની ઊડી રહ્યા હતા. મીત ઓફીસ જવાને બદલે આખો દિવસ ઘરમાં બેસી રહ્યો. કમોસમી વરસાદના સમાચાર ટી.વી.માં જોતો રહ્યો. રાત્રે તે સૂવા જતો હતો ત્યાં જ એની ઓફીસમાંથી ફોન આવ્યો, “મીત સર! મોટાભાગના ગોડાઉનમાં પાણી ભરાયા છે!” આ સમાચાર સાંભળતા જ મીતને ધ્રાસકો પડ્યો. જેમ તેમ કરીને ગોડાઉને પહોંચ્યો. જોયું તો મોટાભાગની પતંગો પાણીમાં ડૂબી ગઈ હતી. પાણીમાં ડૂબેલી, ફાટેલી પતંગો જોતા જ એની આંખોમાંથી આંસુ સરી આવ્યા. તેને મનમાં જ ડેડીના શબ્દોનું સ્મરણ થયું, “બેટા! એક વિજ્ઞાન સમજી લે કે તું જ્યારે સામાના વિશે નેગેટિવ બોલીશ કે, ‘એ પડે તો સારું, એનું બધું ખલાસ થાય, એના બિઝનેસમાં નુકસાન થાય’ ત્યારે નુકસાન ખરેખર પોતાનું જ થશે.”

મીતને પોતાની ભૂલ સમજાતી હોય એમ ત્યાં જ પાણીમાં બેસી પડ્યો. ઊંચે આકાશમાં જોયું તો ક્યાંય એની પતંગ દેખાતી નહોતીદૂર દૂરથી અવાજ આવી રહ્યા હતા, “ કાઈપો છે... એ કાઈપો છે.” મીત બંને હાથથી કાન દબાવીપતંગો વચ્ચે ક્યાંય સુધી બેસી રહ્યો.

ઈર્ષા એક મોટો અવગુણ છે. જેમાં બીજાની પ્રગતિને અટકાવવા જતા પોતાની જ પ્રગતિ ભયંકર રીતે રૂંધાય છે.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy