Prashant Subhashchandra Salunke

Drama Romance Fantasy

4.5  

Prashant Subhashchandra Salunke

Drama Romance Fantasy

ભૂત પ્રેમનું

ભૂત પ્રેમનું

18 mins
866


આજે વાત કરવી છે એક એવા ભૂતની કે જે સવાર થતા વ્યક્તિ પોતાનું સમગ્ર અસ્તિત્વ ભુલાવી દે છે. શહેરથી દૂર આવેલા ધોરીમાર્ગ-૧૩ પર પ્રેમની કાર પૂરપાટ ઝડપે દોડી રહી હતી. હેડલાઈટનો પ્રકાશ અંધકારને ચીરતો દૂરદૂર સુધી પથરાઈ રહ્યો હતો. આસપાસની ઝાડીઓમાંથી તમરાઓનો તીક્ષ્ણ અવાજ આવી રહ્યો હતો. નીરવ શાંતિને વેધીને આવતા તે કર્કશ અવાજને લીધે પ્રેમના અંગેઅંગમાં કંપારી છૂટવા લાગી હતી. ધોરીમાર્ગ-૧૩ સાથે વણાયેલા ભૂતપ્રેતના કિસ્સા પ્રેમના સાંભળવામાં અવારનવાર આવ્યા હતાં. ધોળા દિવસે તે આ માર્ગ પરથી ઘણી વખત પસાર થયો હતો પરંતુ રાત્રીના સમયે આ માર્ગ પરથી પસાર થવાનું આજે પહેલીવાર બન્યું હતું. એવા સંજોગો જ ઉત્પન્ન થયા હતાં કે પ્રેમના માટે રાત્રીના સમયે જ નીકળવું જરૂરી બની ગયું હતું. કાલે દિવાળીના દિવસે બપોરના ૨.૦૦ વાગ્યાની ગોઠવેલી મુલાકાત તે કોઈપણ હિસાબે ટાળવા માંગતો હતો. અચાનક પ્રેમને યાદ આવ્યું કે અહીંથી થોડેક જ દૂર એક સ્મશાનભૂમિ આવેલી છે. હવે ત્યાંથી પસાર થવું પડશે આ વિચારમાત્રથી તેના અંગેઅંગમાંથી ભયનું લખલખું પસાર થઈ ગયું. પ્રેમે મોબાઈલમાં સમય જોયો. રાતના ૧૨.૦૦ વાગ્યા હતાં. તારીખ જોઈ ૧૪ નવેમ્બર ૨૦૨૦. આ જોતાંજ પ્રેમના ઉછળતા હૃદયમાં બાર વાગી ગયા ! આજે કાળી ચૌદસ, ઉપરથી આ ભૂતિયો ધોરીમાર્ગ ! વર્ષો બાદ પ્રેમના મુખમાંથી હનુમાન ચાલીસા અવિરતપણે વહેવા માંડી.

થોડીવારમાં જ તેની સામે સ્મશાનભૂમિ હતી. પ્રેમે ઊંડો શ્વાસ લઈ કારની ઝડપ વધારી દીધી. આંખના એક પલકારામાં તે સ્મશાનભૂમિને ઓળંગી ગયો. સ્મશાનભૂમિથી ખાસ્સું અંતર કાપી લીધા બાદ તેણે નિરાંતનો શ્વાસ છોડ્યો.

સ્મશાનભૂમિ ઓળંગી લેતા તેનું હૃદય હળવું થયું. માર્ગ પર નજર માંડી રાખતા તે વિચારવા લાગ્યો કે, “આ વખતે દિવાળીના પર્વ પણ અજબ રીતે ગોઠવાયેલા છે. હવે જુઓને હમણાં રાતે બાર વાગે કાળી ચૌદસ અને સવારે દિવાળી...”

“દિવાળી” આ શબ્દ મસ્તિષ્કમાં અંકાતાજ પ્રેમ ઊંડા વિચારોમાં ગરકાવ થઈ ગયો. વિચારોનો ઘોડો અને માર્ગ પર કાર બંને પૂરપાટ ઝડપે દોડી રહ્યા. અચાનક માર્ગમાં એક માનવ આકૃતિ ઊભેલી દેખાઈ. પ્રેમના વિચારો અને કારને એક ઝાટકે બ્રેક લાગી. થોડી પણ ચૂક થઈ હોત તો એ માનવ આકૃતિ કારની હડફેટે ચઢી ગઈ હોત. ખબર નહીં આજે ઘરેથી નીકળ્યો ત્યારથી પ્રેમ સાથે શું થઈ રહ્યું હતું ! પ્રેમથી આ બીજો એક્સિડન્ટ થતા થતા રહી ગયો હતો. દસ મિનિટ પહેલાંજ પ્રેમની કાર એક ટ્રકની અડફેટમાં આવતા આવતા માંડ બચી હતી. અણીના સમયે જો પ્રેમે તેના કારનું સ્ટીઅરિંગ ફેરવ્યું ન હોત તો ટ્રક તેની ઊપર ફરી વળી હોત. જોકે ટ્રકથી બચવાના પ્રયાસમાં પ્રેમની કાર એક ઝાડના થડ સાથે અથડાઈ હતી પરંતુ કારની સ્પીડ ખૂબ ઓછી હોવાથી પ્રેમને ખાસ કોઈ ઈજા થઈ નહીં. બસ કપાળે થોડો ઘસરકો પડ્યો હતો. પરંતુ નાના અમથા એ ઘસરકામાંથી પણ યુવાન અને તંદુરસ્ત એવા પ્રેમનું લોહી વહી રહ્યું હતું. કહેવાય છે ને કે રામ રાખે તેને કોણ ચાખે ! પ્રેમ ટ્રક સાથેના અકસ્માતથી આબાદ ઉગરી ગયો હતો. કારને પણ ઝાઝું નુકસાન થયું નહોતું. ટ્રકવાળાને બે ગાળો ચોપડી પ્રેમે કારને હંકારી મૂકી હતી. ત્યારબાદ આ બીજી ઘટના...

“કહેવાય છે કે આ માર્ગ પર ભૂતપ્રેત ફરે છે. ક્યાંક આ આકૃતિ...” પ્રેમે નજર ઉઠાવીને સામે જોયું. પરંતુ તેની સામે ભૂતને બદલે રૂપરૂપના અંબાર સમી એક યુવતી ઊભી હતી. જાણે સ્વર્ગની અપ્સરા જ ધરતી પર ઉતરી આવી ન હોય ! નાજુક નમણીને લાલ વસ્ત્રોમાં સજ્જ એ યુવતીને પ્રેમ પગથી માથા સુધી નિહાળવા લાગ્યો. તેની લચીલી અને ઘાટીલી સુડોળ કાયાનું રસપાન કરતા કરતા તેની નજર યુવતીના ચહેરા પર ગઈ. એ સાથે પ્રેમનો ચહેરો ઉતરી ગયો. કુદરતના એ અદ્વિતીય સૌન્દર્યને માણવામાં તેના ચહેરા પરનો માસ્ક શનિ ગ્રહ સમો આડો આવ્યો. સ્વાભાવિકપણે પ્રેમની આંગળીઓ પણ તેના ચહેરા પરના માસ્કને વ્યવસ્થિતપણે ગોઠવવાના કામે લાગી ગઈ. મનમાં તે કોરોનાને ગાળો આપી જ રહ્યો હતો ત્યાંજ એ યુવતી કાર પાસે આવીને ઊભી રહી.

“તમે શહેર બાજુ જાઓ છો ?” મધુર ઘંટડી જેવો અવાજ કાને પડતા પ્રેમના મોઢામાંથી અનાયાસે નીકળી ગયું, “ના... પણ તમને જવું હોય તો હું જઈશ...”

ચહેરા પરના માસ્કને લીધે હવે વ્યક્તિના મનોભાવ ક્યાં વાંચી શકાય છે ! યુવતી કદાચ મલકી હશે. તેની નશીલી આંખોમાં ડોકાઈ રહેલું શરારતભર્યું હાસ્ય પ્રેમથી છૂપું ન રહ્યું. પ્રેમે કારનો વિન્ડોગ્લાસ નીચે ઉતાર્યો. યુવતીએ તેમાંથી ડોકાઈને પૂછ્યું, “મને છોડી દેશો પ્લીઝ.”

પ્રેમને યુવતીએ કહેલું આ વાક્ય ગમ્યું નહીં. “મને છોડી દેશો પ્લીઝ.” અરે ! જે યુવતીને જોતાની સાથેજ પામવાની ઈચ્છા જાગૃત થઈ હોય તે આમ મળતાની સાથે છોડી દેવાની વાતો કરે તે કેમ કરીને ચાલે ?

યુવતીના સોનેરી વાળમાંથી સુગંધી તેલની મીઠી મીઠી મહેક આવી રહી હતી. એ મહેક પ્રેમને મદહોશ કરી રહી. આગળનો પ્રવાસ આ રૂપસુંદરી સાથે થશે એ વિચાર માત્રથી પ્રેમનું હૈયું હિલોળે ચડ્યું પરંતુ બીજી જ ક્ષણે ધોરીમાર્ગ-૧૩ના ભૂતિયા કિસ્સાઓ યાદ આવતાં તેની છાતીનાં પાટિયાં બેસી ગયાં.

પ્રેમનું મસ્તિષ્ક પોકારી પોકારીને કહી રહ્યું હતું કે, “પ્રેમ, અહીંથી ભાગ... ભાગ....” પરંતુ તેનું દિલ ઉછળી ઉછળીને કહી રહ્યું હતું કે, “પ્રેમ, આ યુવતીને સાથે લઈને ભાગ... ભાગ..., આ ફાની દુનિયાથી દૂર ક્યાંક જઈને આની સાથે નવી દુનિયા વસાવ.”

“મને સાથે લઈ જશો ?” યુવતી બોલી.

પ્રેમ ધૂનમાંને ધૂનમાં જ બોલ્યો, “હા.” પરંતુ તરત ખુદને સંભાળતા તેણે આગળ ચલાવ્યું, “હા, તમને શહેર બાજુ લઈ જઈશ.”

યુવતી કારનો દરવાજો ખુલવાની રાહ જોતી ઊભી રહી.

પ્રેમનું મસ્તિષ્ક, “ના” અને દિલ, “હા” કહી રહ્યું હતું. આખરે સદીઓથી ચાલતું આવી રહ્યું છે તે જ થયું. દિલની સામે દિમાગ હારી ગયું. કારનો દરવાજો ખુલ્યો. યુવતીએ પાછલી સીટ પર પોતાના હાથમાંની બેગ મૂકી અને આગળની સીટ પર ગોઠવાઈ ગઈ. જાણે કરંટ લાગ્યો હોય એમ પ્રેમની કાર માર્ગ પર ફરીથી આગળ દોડી પડી.

થોડો સમય બંને મૌન રહ્યા બાદ પ્રેમે વાતની શરૂઆત કરતા કહ્યું, “એક વાત પૂછું ?”

“પૂછો ! ! !”

“કંઈ નહીં.”

કાર માર્ગ પર દોડી રહી હતી. પવન સૂસવાટાભેર ફૂંકાઈ રહ્યો હતો. રાત ઘેરી કાળી અને ઘેઘૂર બની રહી હતી. માર્ગ પર કોઈ દેખાઈ રહ્યું નહોતું. યુવતી પરના શંકામિશ્રિત મોહથી તેનું મન મૂંઝાઈ રહ્યું હતું. મનને હળવું બનાવવા પ્રેમે કારનું મ્યુઝિક પ્લેયર ચાલુ કર્યું. ગીત આવ્યું, “ના મુંહ છીપા કે જીઓ ઔર ન સર ઝુકા કે જીઓ...”

જાણે કાનમાં ગરમ ગરમ સીસું રેડાયું હોય તેમ અકળાઈને પ્રેમે રેડિયો બંધ કર્યો.

“કેમ શું થયું ?” યુવતીને પૂછ્યું.

ચહેરા પરનો માસ્ક ઠીક કરતાં કરતાં પ્રેમે અકળાઈને કહ્યું, “બકવાસ ગીત છે.”

બંને પાછા ચૂપ થઈ ગયાં. યુવતી સાથે સમય વધારે વિતાવવા મળે એ આશયથી પ્રેમે કારની ઝડપ થોડી ઘટાડી દીધી.

“તમે એમ જ પૂછવા માંગતા હતાંં ને કે હું આટલી મોડી રાતે સડક પર એકલી શું કરતી હતી ?”

“હા.”

“હું જ્યાં ઊભી હતી ત્યાંથી થોડેક જ દૂર મારું નિવાસસ્થાન છે.”

ભયનું એક લખલખું પ્રેમના અંગેઅંગમાં પ્રસરી રહ્યું. તે થોથવાતા સ્વરે બોલ્યો, “પરંતુ ત્યાંથી થોડેક દૂર તો સ્મશાનભૂમિ આવેલી છે ! ! !”

યુવતી ખીલખીલાટ હસી પડી.

તેનું મધુર હાસ્ય પણ પ્રેમને ભયાવહ લાગ્યું. તેના કપાળ પરથી પરસેવો નાયગ્રાના ધોધની જેમ વહી રહ્યો. યુવતી બોલી, “સ્મશાનભૂમિની પાછળના ભાગમાં ઘણા બિલ્ડીંગો આવેલા છે. હું તેમાંથી સુવર્ણ કળશ એપાર્ટમેન્ટમાં રહું છું.”

પ્રેમે કપાળ પરથી વહી રહેલા પરસેવાને લુછવા એક હાથ સ્ટીઅરિંગ પર રાખી બીજા હાથે રૂમાલ કાઢ્યો. પ્રેમે લૂછેલા રૂમાલ પર લોહી જોઈને યુવતી ચોંકી ગઈ. રૂમાલ પર લોહી ક્યાંથી આવ્યું એ જોવા તેણે પહેલીવાર પ્રેમના ચહેરા તરફ દ્રષ્ટિ કરી, “આ તમારા કપાળ પર ઘા શેનો છે ?”

પ્રેમ રૂમાલ વડે પરસેવો લૂછતાં બોલ્યો, “હમણાં થોડીવાર પહેલા જ મારો એક્સિડન્ટ થયો હતો.”

યુવતી બોલી, “ઘણું વાગ્યું છે ?”

પ્રેમે કહ્યું, “ના રે, મામુલી ઘા છે.”

ઘામાંથી વહેતા લોહીને જોઈ યુવતીથી ના રહેવાયું, “પરંતુ મને તો અકસ્માત ઘણો ગંભીર થયો હોય તેમ જણાય છે.”

પ્રેમ બોલ્યો, “હા, અકસ્માત ગંભીર હતો... પરંતુ...”

યુવતીએ આશ્ચર્યથી પૂછ્યું, “પરંતુ તમે બચી ગયા ! ! !”

પ્રેમ હસીને બોલ્યો, “બચી જ ગયો ને નહીંતર શું આ કારમાં તારી સાથે મારું ભૂત છે ?”

પવનની લહેરખીમાં માર્ગ પર પડેલા સૂકા પાંદડા આમતેમ ઉડવા લાગ્યા. યુવતીના વાળની લટો હવામાં ઊડી રહી. પ્રેમના કપાળ પરથી લોહી ટપકી રહ્યું. ભય મિશ્રિત નજરે બંને એકબીજાને જોઈ રહ્યા. “મેં આને કારમાં બેસાડીને ભૂલ તો નથી કરીને.” “મેં આની કારમાં બેસીને ભૂલ તો નથી કરીને.” જેવા વિચારો બંનેના મસ્તિષ્કમાં એકસાથે ભમવા લાગ્યા.

“એક વાત પૂછું ?”

“પૂછો ! ! !”

“કંઈ નહીં.”

યુવતી હસીને બોલી, “તમે મારું નામ પૂછવા માંગો છો ને ?”

પ્રેમે હકારમાં માથું હલાવ્યું. “હા”

ઓચિંતાજ એક જંગલી જાનવર જંગલમાંથી નીકળીને માર્ગ પર કૂદી પડ્યું. આ જોઈ પ્રેમે કારનું સ્ટીઅરિંગ જોરથી ડાબી બાજુ ફેરવ્યું. ચિચિયારી સાથે કાર માર્ગ છોડી ધૂળિયા રસ્તા પર આવી ગઈ. ટાયર નીચે આવતી પથરાળ ભૂમિને કારણે બંને જણા ઉછળવા લાગ્યા.

યુવતી ભયથી ચીસ પાડી ઉઠી, “ઝડપથી ગાડીને માર્ગ પર ચડાવો.”

યુવતીની ચીસથી ચોંકી ઉઠેલા પ્રેમે ઝડપથી કારનું સ્ટીઅરિંગ જમણી બાજુ ઘુમાવ્યું. કાર સલામત રીતે માર્ગ પર હેમખેમ પાછી આવી ગઈ.

બંને જણાએ રાહતનો શ્વાસ લીધો.

“સોરી.” કંઈક વિચારીને યુવતી બોલી, “હું ખૂબજ ડરી ગઈ હતી એટલે આમ ડરના માર્યા ચીસ નીકળી ગઈ.”

“સાચું કહું તો તમારી ચીસ સાંભળીને જ હું ભાનમાં આવ્યો નહીંતર બધું એટલું ઝડપથી બની ગયું હતું કે મને શું કરવું તેની કોઈ ગતાગમ જ પડી રહી નહોતી.”

“શું હતું એ...”

“ખબર નહીં ! ! ! અંધારું એટલું હતું કે કશું દેખાયું જ નહીં...”

કાર અંધકારને ચીરતી આગળ વધી રહી.

“તમે તમારા ઘા ઊપર પટ્ટી જેવું કંઈ બાંધતા કેમ નથી ? જુઓ તો કેટલું લોહી વહી રહ્યું છે !” આમ બોલી યુવતીએ પોતાની ઓઢણીનો છેડો ફાડ્યો અને પ્રેમના કપાળે બાંધવા ગઈ. ચમકીને પ્રેમે તેને રોકાતાં કહ્યું, “અરે ! શું કરો છો... રહેવા દો... હું જાતે બાંધી લઈશ...”

કારને એક બાજુ ઊભી રાખી ઓઢણીના ફાટેલા એ ચીરાને પ્રેમે કપાળે બાંધ્યો. યુવતી કારમાંથી ઉતરીને તાજી હવાનો આનંદ લેવા લાગી. કંઈક વિચારીને પ્રેમે ઝડપથી કાર ચાલુ કરી ત્યાંથી ભાગી છૂટવાનું વિચાર્યું પરંતુ કાર સ્ટાર્ટ થઈ જ નહીં. બીજીબાજુ તાજી હવા ખાવાને બહાને કારમાંથી બહાર નીકળેલી યુવતીએ પણ ત્યાંથી ભાગી છૂટવાનું વિચાર્યું પરંતુ બીજી જ ક્ષણે કારમાં મુકેલી પોતાની બેગ યાદ આવતા તે હતાંશ થઈ કારમાં પાછી આવી બેઠી. એ સાથે કાર સ્ટાર્ટ થઈ ! યુવતીએ તીરછી નજરે પાછલી સીટ પર નજર ફેરવી. બેગને ત્યાં સહીસલામત જોઈ તેના ચહેરા પર સંતોષની રેખાઓ ઉપસી આવી. યુવતીને આમ બેગ તરફ જોતા જોઈ પ્રેમે પૂછ્યું, “એક વાત પૂછું ?”

“પૂછો ! ! !”

“છોડ, કંઈ નહીં.”

યુવતીએ બારીની બહાર નજર ફેરવી. પ્રેમે કપાળે વાગેલા ઘા પર હાથ લગાડી જોયો. ઘામાંથી લોહી વહેવાનું બંધ થયું હતું.

“તમે એમ જ પૂછવા માંગો છો ને કે હું મારી સાથે બેગ લઈને કેમ નીકળી છું ?”

“હા.”

“હું ઘર છોડીને ભાગી છું.”

“કેમ ?”

“મારા માતાપિતા એક અજાણ્યા યુવક જોડે મને પરણાવવા માંગે છે.”

“શું તું કોઈ બીજાને ચાહે છે ?”

“ના.”

“શું છોકરો દેખાવડો નથી.”

“આજકાલ ફોટોશોપની કરામતથી તસવીરમાં બધા જ રૂડા રૂપાળા દેખાય છે. છતાં દેખાવ કરતા પણ મન અને વિચારોનું મળવું ખૂબજ અગત્યનું છે.”

“બરાબર, આ બાબતે આપણા બંનેના વિચાર મળતા આવે છે.”

યુવતીએ તીરછી નજરે પ્રેમ તરફ જોઈને કહ્યું, “મારા ખ્યાલથી જીવનસાથી એવો હોવો જોઈએ કે જેને જોઈને દિલમાં મધુર સ્પંદનો ઝંકૃત થઈ ઊઠે, જેને જોતા જ એક મીઠો અહેસાસ થાય, જે એકાંતમાં પ્રણયની હુંફ આપે. માતાપિતા જે બતાવે તેની સાથે પરણવું મને જરાયે પસંદ નથી. માબાપ ક્યાં સુધી આમ તેમના નિર્ણયો પોતાના સંતાનો પર થોપતા રહેશે ?”

“તેં વિરોધ કેમ ન કર્યો ?”

“આ ઘર છોડીને ભાગી તેને શું કહેવાય ?”

“હમમમ...”

કાર પોતાના માર્ગ પર દોડી રહી. પવન મંદ મંદ વહી રહ્યો.

“આટલી મોડી રાતે તમે ક્યાં જઈ રહ્યા છો, તમે એ તો કહ્યું જ નહીં ?” યુવતીએ પૂછ્યું.

પ્રેમે ટૂંકમાં પતાવ્યું, “મંજિલની શોધમાં...”

યુવતીએ કુતૂહલતાથી પૂછ્યું, “મળી ?”

યુવતી તરફ જોઈને પ્રેમે કહ્યું, “કદાચ...”

યુવતીના નયન શરમથી ઢળી ગયા.

પ્રેમ લાગણીથી બોલ્યો, “એક વાત પૂછું ?”

યુવતીએ પૂછ્યું, “પૂછો...”

પ્રેમે ટાળતા કહ્યું, “કંઈ નહીં...”

આ વખતે યુવતીએ પણ કશું કહ્યું નહીં. તે અપલક નજરે કારની બારીમાંથી જોવા લાગી. બહાર અંધકાર હતો પરંતુ યુવતીને તેનાથી કશો ફરક પડ્યો નહીં.

પ્રેમે મ્યુઝિક પ્લેયર ચાલ્યું કર્યું. ધીમા સ્વરે ગીત ગુંજી રહ્યું, “ન તુમ હમે જાનો... ન હમ તુમ્હે જાને... મગર લગતા હૈ કુછ ઐસા...”

યુવતીએ આગળની પંક્તિ લલકારી, “મેરા હમદમ મિલ ગયા...”

“તમને આ ગીત ગમે છે ?” પ્રેમે પૂછ્યું.

યુવતીએ ઉત્સાહમાં કહ્યું, “ખૂબ જ... મારું ફેવરેટ છે.”

બંને જણા પાછા ચૂપ થઈ ગયા. અંધકારની સાથોસાથ બંને જણાનો મનનો ડર પણ ધીમેધીમે ઓસરી રહ્યો હતો.

પ્રેમે કહ્યું, “આગળ એક હોટેલ છે. તમને શું પીવું ગમશે...” પ્રેમ આગળ “ચા કે કોફી” એમ પૂછે તે પહેલા જ યુવતીએ જવાબ આપ્યો, “લોહી...”

પ્રેમે ચમકીને પૂછ્યું, “હેં, શું કહ્યું ?”

યુવતી ખીલખીલાટ હસતા બોલી, “અરે ! મજાક કરું છું. એ તો મારા માતાપિતા હમેશાં મને કહે છે કે તને તો અમારું લોહી પીવાનું જ ગમે છે... એટલે જયારે પણ મને કોઈ પૂછે કે તને શું પીવું ગમે છે ત્યારે હું ફટાક દઈને જવાબ આપું છું કે લોહી...”

પ્રેમ પણ જવાબમાં હસી પડ્યો પરંતુ તેના મનમાં ઓસરી ગયેલો ડર ફરી ઉપસી આવ્યો. “આખરે આ યુવતી છે કોણ ? આટલી મોડી રાતે તે ક્યાં જઈ રહી છે ? શું ધોરીમાર્ગ-૧૩ વિશે ચાલતી ચર્ચાઓ સાચી તો નથી ને ! ક્યાંક આ છોકરી ?” બીજી જ ક્ષણે મનના વિચારોને ઝાટકી કાઢતા તેણે વિચાર્યું, “ના... ના... ભૂત કંઈ આટલું સુંદર થોડું હોય.”

“તમારા લગ્ન થઈ ગયા ?” ઓચિંતામાં યુવતીએ પુછેલા આ પ્રશ્નથી પ્રેમ ચમકી ગયો, “ના... કેમ ?”

યુવતી બોલી, “જસ્ટ આમ જ પૂછ્યું. લગ્ન વિશે શું વિચાર્યું છે ?”

પ્રેમે જવાબ આપ્યો, “બસ આ તુલસીવિવાહ પતી જાય ત્યાર બાદનું મુહુર્ત મારા માતાપિતાએ કઢાવ્યું હતું.”

યુવતી બોલી, “ઓહ ! એટલે થોડા દિવસ સુધીજ તમે આઝાદ છો.”

પ્રેમ ચૂપચાપ કાર ચલાવતો રહ્યો. લાંબી મુસાફરીને કારણે તેની આંખો ઘેરાઈ રહી હતી. યુવતીથી આ વાત અજાણી ન રહી, “તમે કહેતા હોવ તો હું કાર ડ્રાઈવ કરું ? ત્યાં સુધી તમે થોડો આરામ કરી લો...”

પ્રેમે ઘડિયાળમાં જોયું. સવારના પાંચ વાગવા આવ્યા હતાં. શું કરવું એ વિશે તે વિચારતો જ હતો ત્યાં યુવતી બોલી, “હવે ઝાઝો વિચાર ન કરો શહેર તરફનો માર્ગ મને ખબર છે.”

પ્રેમે કારને માર્ગની એક તરફ રોકી દીધી.

બંને જણાં કારમાંથી નીચે ઉતર્યાં. યુવતીએ કારની પાછળની સીટ પર મુકેલી પોતાની બેગમાંથી એક બોટલ કાઢીને પ્રેમ આગળ ધરતાં કહ્યું, “લો, લીંબુપાણી પી લો. આનાથી તમને જરા ફ્રેશ લાગશે.”

પ્રેમે “થેન્કસ” કહીને બોટલ હાથમાં લીધી. તેમાંના લીંબુ પાણીનો એક ઘૂંટડો લેતા તે બોલ્યો, “અરે વાહ ! આ તો ખૂબ જ ચિલ્ડ છે. જાણે હમણાં જ ફ્રીજમાંથી કાઢ્યું ન હોય.”

યુવતી હરખાઈને બોલી, “હું જયારે પણ લાંબી મુસાફરી પર જવાની હોઉને ત્યારે આખો દિવસ લીંબુપાણીની બોટલને ફ્રીજરમાં મૂકી દઉં છું. આમ કરવાથી તેમાનું પ્રવાહી બરફ બની જાય છે અને જ્યાં સુધી સંપૂર્ણ ઓગળે નહીં ત્યાં સુધી ઠંડુ રહે છે.”

લીંબુપાણી પીને પ્રેમે બોટલ યુવતીને પાછી આપી. હવે બંને જણાએ સીટની અદલાબદલી કરી. ડ્રાઈવિંગ સીટ પર ગોઠવાઈને યુવતીએ કાર સ્ટાર્ટ કરી. થાકેલા પ્રેમે સીટ પર માથું ઢાળી દેતા જ તેની આંખો મીંચાઈ ગઈ અને તે ગાઢ નિંદ્રામાં સરી ગયો.

*****

સવારના લગભગ ૮ વાગ્યા હતાં. પંખીઓના કલરવથી પ્રેમની આંખો ખુલી. તેણે જોયું તો તે કારમાં એકલો જ બેઠો હતો. પહેલા તો તેને કશી ગતાગમ પડી જ નહીં. પરંતુ ડ્રાઈવિંગ સીટ તરફ જોતાં જ તેના મગજમાં વિચાર ઝબુક્યો, “રાતે મળેલી એ યુવતી ક્યાં ?”

“ચાલો તમે પણ ફ્રેશ થઈ જાઓ.” પ્રેમે અવાજની દિશા તરફ જોયું તો કારની બારીની પાસે એ યુવતી ઊભી હતી, “રસ્તામાં આ હોટલ દેખાતા કાર ઊભી રાખી છે. આમ પણ સવારની પ્રાથમિક ક્રિયા માટે આપણે કોઈપણ હોટલમાં બેરોકટોક જઈ શકીએ છીએ. તો પછી કોઈ માર્ગ પાસે કેમ રોકાવું.”

પ્રેમે જોયું તો સામે એક હોટેલ હતી.

યુવતી બોલી, “તમારા માથા પરનો ઘા હવે કેવો છે ?”

ઘાને પંપાળતા પ્રેમ બોલ્યો, “હવે સારું છે.”

યુવતી પ્રેમના ઘા તરફ જોઈ બોલી, “રાતે લોહી તો એવું દદડતું હતું જાણે ખૂબ ઊંડો ઘા ન પડ્યો હોય !”

પ્રેમ બોલ્યો, “મેં તો પહેલાં જ કહ્યું હતું કે એ મામુલી ઘા છે.”

યુવતી નિરાશ વદને પોતાની ફાટેલી ઓઢણી જોઈ રહી.

આ જોઈ પ્રેમે પૂછ્યું, “શું થયું ?”

યુવતી જાણે આદેશ આપતી હોય તેમ બોલી, “ચાલો, તમે ઝટપટ ફ્રેશ થઈ જાઓ એટલે ચા નાસ્તો પણ આપણે ફટાફટ અહીં જ પતાવી લઈએ.”

આમ બોલતાં બોલતાં યુવતીએ કારની પાછળની સીટ પર મુકેલી પોતાની બેગ ખેંચી કાઢી. પ્રેમ કંઈ સમજે એ પહેલાં તો યુવતીએ તે ફંફોસીને એમાંથી એક ડબ્બો બહાર કાઢ્યો.

પ્રેમે કહ્યું, “આ ?”

“નાસ્તો.” યુવતીએ ટૂંકમાં પતાવ્યું.

પ્રેમ કારમાંથી નીચે ઉતર્યો. તેના શર્ટ પર લોહીના ડાઘા હતાં. આવી હાલતમાં હોટેલમાં કેવી રીતે જવાય ? આમ વિચારી તેણે કારની પાછળની ડીક્કી ખોલી તેમાંથી પાણીની બોટલ કાઢી અને મોં-હાથ ધોઈ લીધા. આસપાસ કોઈ જોતું તો નથીને તેની ખાતરી કરી લીધા બાદ તેણે બેગમાંથી એક શર્ટ કાઢ્યું અને ઝડપથી બદલી લીધું. યુવતી તીરછી નજરે પ્રેમના દેહ સૌષ્ઠવને મુગ્ધ નજરે જોઈ રહી. હવે ખાલી બોટલને હાથમાં રમાડતા પ્રેમ બોલ્યો, “હોટેલમાં ઠંડા પાણીની વ્યવસ્થા હશે તો હું બોટલ ભરી લઈશ.”

યુવતી બોલી, “આ ડબ્બામાં મારા મમ્મીના હાથના બનાવેલા ઘૂઘરા છે. તે દિવાળીનો નાસ્તો ખૂબ સ્વાદિષ્ટ બનાવે છે.”

પ્રેમે હોટલ તરફ પગ ઉપાડ્યા. યુવતીએ ચલાવ્યે રાખ્યું, “મારી મમ્મીના હાથનો બનેલો નાસ્તો જે ખાય તે આંગળા ચાટતો જ રહી જાય.” પ્રેમ ખાસ્સા અંતરે પહોંચી ગયો છતાં પણ યુવતી બોલતી જ રહી, “નાસ્તો બનાવવા માટે એ સારામાં સારી સામગ્રી માર્કેટમાંથી ખરીદી લાવે છે.” પ્રેમના પગ અટક્યા. પરંતુ પોતે ડાહપણભરી વાત કરશે તો એ દોઢ ડાહપણ લાગશે એમ વિચારી તે ઝડપથી આગળ નીકળી ગયો. તેના કાન પર આવતો યુવતીનો અવાજ ધીમો થતો ગયો, “મારી મમ્મી... નાસ્તો... મહેમાનો...” અવાજ આવતો હવે બંધ થઈ ગયો. પ્રેમ હોટેલના બાથરૂમમાં પ્રવેશી ચુક્યો હતો.

સવારની દૈનિકક્રિયા પતાવી પ્રેમ બહાર આવ્યો. આસપાસ નજર ફેરવી જોઈ તો ખૂણામાં એક ટેબલ પાસે પેલી યુવતીને બેઠેલી જોઈ.

પ્રેમને આવેલો જોઈ યુવતી બોલી, “ચા મંગાવું કે કોફી ?”

પ્રેમે ડરામણા અવાજે કહ્યું, “લોહી...”

યુવતી ખીલખીલાટ હસતા બોલી, “આવી વાતો રાતે જ ભયાનક લાગે. ચાલ મજાક છોડ અને બોલ શું મંગાવું ?”

“ચા”

યુવતીએ બે કપ ચા મંગાવી.

વેઈટર ઓર્ડર લઈને જતો રહ્યો.

પ્રેમ બોલ્યો, “તું સારા ઘરની અને સંસ્કારી છોકરી લાગે છે. તારે આમ ઘરેથી ભાગવું જોઈતું નહોતું.”

“પણ મારા માતાપિતા ગમે તેની જોડે મને પરણાવી દેવા માંગતા હતાં.”

“ગમે તેની જોડે નહીં પરંતુ તને ગમે, તેની જોડે પરણાવવા માંગે છે.”

“હું કંઈ સમજી નહીં.”

“સાંભળ જે માતા દિવાળીના નાસ્તા માટેની સામગ્રી ચીવટથી પસંદ કરતી હોય તો તેણે પોતાની દીકરી માટે મુરતિયો કેટલી કાળજીથી શોધ્યો હશે.”

યુવતી બોલી, “તારી વાત સાચી છે. હવે મને પણ એમ લાગે છે કે મારે આમ ઘરેથી ભાગવું જોઈતું નહોતું.”

પ્રેમ બોલ્યો, “એ તો સારું થયું કે માર્ગમાં હું તને મળી ગયો. નહીંતર મારી જગ્યાએ કોઈ ગુંડો મવાલી ભટકાઈ ગયો હોત તો ?”

આગળનું વિચારીને જ યુવતી કંપી ઊઠી.

બંને જણા પાછા ચૂપ થઈ ગયા. યુવતી ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગઈ. કંઈક વિચારી એ બોલી, “એક વાત પૂછું ?”

“પૂછ.”

“છોડ કંઈ નહીં...” આમ બોલી યુવતીએ નજર હોટેલની બહાર આવેલા રસ્તા પર નાંખી. માર્ગ પર વાહનોની અવરજવર શરૂ થઈ ગઈ હતી.

“તું એમ જ પૂછવા માંગે છે ને કે હું તને યાદ કરીશ કે નહીં ?” પ્રેમે હિંમત કરી.

“ઓ બબુચક, આ તને કોણે કહ્યું ?” યુવતીની આંખો લાલ થઈ ગઈ. આસપાસ બેઠેલા લોકો તેમને જોવા લાગ્યા છે એ જોઈ પ્રેમ ઢીલા પડી ગયેલા અવાજે બોલ્યો, “સોરી... મને એમ લાગ્યું.”

પ્રેમનું મોઢું ઉતરી ગયું.

આ જોઈ યુવતીથી રહેવાયું નહીં. એ ધીમેકથી બોલી, “સાચું કહું તો હું પણ એ જ પૂછવા માંગતી હતી.”

પ્રેમ મુસ્કુરાઈને બોલ્યો, “મને લાગ્યું જ.”

યુવતી, “તો કહે.”

પ્રેમ, “શું ?”

યુવતી, “તું મને યાદ કરીશ કે નહીં ?”

પ્રેમ, “મારા મનની દરેક વાતને તું કહ્યા વિના જાણી જાય છે. તું મને જિંદગીભર યાદ રહીશ.”

યુવતી ખીલખીલાટ હસી પડી.

પ્રેમ, “તને હું યાદ આવીશ ?”

યુવતીના ગાલ શરમથી લાલ થઈ ગયા.

પ્રેમે ભાર આપતા કહ્યું, “કહે ને...”

યુવતી બોલી, “તમે ખૂબ સમજદાર છો. છોકરી સાથે કઈ રીતે વાત કરાય તેનું તમને ભાન છે. તમે મને મુશ્કેલ ઘડીમાં સંગાથ આપ્યો છે. હું તમને ક્યારેય નહીં ભૂલું.”

પ્રેમે ઊંડો નિ:સાસો છોડ્યો. “ઈશ્વર ભી બડા શેતાન હૈ. જો દિલ મેં બસતા હૈ વો દેતા નહીં ઔર જો દેતા હૈ વો દિલ મેં બસતા નહીં.”

યુવતી અપલક નજરે પ્રેમને જોઈ રહી.

પ્રેમે કહ્યું, “તો ફટાફટ ચા-નાસ્તો પતાવી લે એટલે આપણે પાછા ઉપડીએ.”

યુવતી, “ક્યાં ?”

પ્રેમ, “તારા ઘરે... હું તને તારા ઘરની બહાર છોડી દઉં છું. પેલું શું કહ્યું હતું ? હા... સુવર્ણ કળશ એપાર્ટમેન્ટ પાસે.”

યુવતી, “પરંતુ તમારે તો શહેર બાજુ જવાનું હતું ને ?”

પ્રેમ, “ના હવે નથી જવું... હવે પહેલા તને તારા ઘરે છોડી દઉં પછી બીજી વાત.”

યુવતી બોલી, “તમે ખરેખર સ્વભાવે ખૂબ સરળ અને નમ્ર છો. આજના દિવસે તમે દેવતાની જેમ મારી મદદે આવ્યા છો.”

પ્રેમ સ્વગત બબડ્યો, “યહ હિંમત ભી અજીબ ચીજ હૈ. જો કરતે નહીં વો દેવતા બન જાતે હૈ.”

યુવતીને કંઈ સમજાયું નહીં, “શું કહ્યું ?”

પ્રેમે વાત ફેરવતા કહ્યું, “જો કે તમે હજુ સુધી તમારું નામ કહ્યું નથી.”

યુવતી મુસ્કુરાઈને બોલી, “તમે પણ તમારું નામ હજુસુધી ક્યાં કહ્યું છે ?”

બંને હસી પડ્યા.

વેઈટરે આવીને ટેબલ પર ચાના બે કપ મુક્યા.

યુવતીએ ઘડિયાળમાં જોયું અને પ્રેમ તરફ હાથ લંબાવી બોલી, “બાય ધી વે... હેપ્પી દિવાળી.”

પ્રેમે યુવતી સાથે હાથ મેળવતા કહ્યું, “ઓહ યસ... હેપ્પી દિવાળી...” યુવતીના સુંવાળા સ્પર્શથી પ્રેમ આખા શરીરે ઝણઝણાટી અનુભવી રહ્યો. ખુદને સંભાળતા તે આગળ બોલ્યો, “આજની દિવાળી મને જિંદગીભર યાદ રહેશે. કારણ આજના દિવસે જ મારી આંખ ઉઘડી. મને જિંદગીની વાસ્તવિકતાનો ખ્યાલ આવ્યો. આ માટે તારો દિલથી આભાર. કાલનો દિવસ નૂતન વર્ષ જ નહીં પરંતુ મારી જિંદગીની નવી શરૂઆત હશે.”

યુવતી આશ્ચર્યથી પ્રેમને જોઈ રહી.

પ્રેમ, “કેમ શું થયું ?”

યુવતી, “કાલે ખાલી દિવસ છે. નૂતન વર્ષ પરમ દિવસે છે.”

પ્રેમે કંઈક વિચારીને કહ્યું, “ઓહ, તો એમ કહેવાય કે વર્ષાંતે મારી સર્વ મૂંઝવણોનો અંત આવ્યો.”

યુવતીને કંઈ સમજણ પડી નહીં પરંતુ તેણે હાથમાંનો ડબ્બો પ્રેમ આગળ ધરતા કહ્યું, “મારી મમ્મીના હાથના ઘૂઘરા ખાશો.”

પ્રેમને કકડીને ભૂખ લાગી જ હતી તેણે ઝડપથી ડબ્બા તરફ હાથ લંબાવ્યો. ઘૂઘરો મોઢામાં મુકવા જતા મોઢા પર લગાવેલો માસ્ક આડે આવ્યો. ઘૂઘરાનો આસ્વાદ માણવાની અધીરાઈમાં પ્રેમે મોઢા પરનો માસ્ક હટાવ્યો.

આ જોઈ યુવતી પોતાની જગ્યાએ ઉછળી પડી, “તું ! ! !”

પ્રેમે ચોંકીને પૂછ્યું, “હા, હું... કેમ અચાનક તને શું થયું ?”

યુવતીએ પોતાના મોઢા પરનો માસ્ક હટાવ્યો.

હવે ઉછળવાનો વારો પ્રેમનો હતો.

“તું ? તું હેતલ છે ને ! ! !”

“હા હું... અને તું પ્રેમને ? એક મિનિટ... હવે મને સમજાઈ ગયું. એટલે ! એટલે ! તું મારા સાથે લગ્ન ન કરવા પડે એટલે ઘર છોડીને આમ ભાગી રહ્યો હતો ને ?”

“ના... ના... એમ નહીં... તારી કોઈ ગેરસમજ થાય છે. એ તો...”

“જૂઠું ન બોલીશ, તારી કારની પાછળની ડીક્કીમાં મૂકેલો ઢગલો સામાન મેં જોઈ લીધો હતો.”

પ્રેમ ચૂપ રહ્યો.

હેતલ ઢીલા સ્વરે બોલી, “શું તું કોઈ બીજાને ચાહે છે ?”

પ્રેમ ઝડપથી બોલ્યો, “ના રે ના...”

હેતલ બોલી, “મારા માતાપિતાએ મારી તસવીર મોકલી હતી. તો શું તેમાં હું તમને દેખાવડી ના લાગી.”

પ્રેમ, “આજકાલ ફોટોશોપની કરામતથી તસવીરમાં બધા જ રૂડા રૂપાળા દેખાય છે.”

હેતલ, “એટલે હું દેખાવે સારી નથી ?”

પ્રેમ, “કોણે કહ્યું ? તું ખૂબસૂરત છે.”

“તો પછી તું આમ નાસી કેમ રહ્યો હતો ?” હેતલ આગળ બોલી, “આજે બપોરે બે વાગે આપણા વડીલોએ આપણી મુલાકાત ગોઠવી જ હતી ને?”

પ્રેમ બોલ્યો, “હેતલ, હું એ મુલાકાત ટાળવા જ ઘરેથી ભાગ્યો હતો. મારા મતે જીવનસાથી એવો હોવો જોઈએ કે જે વણકહ્યે આપણા મનની વાત સમજી જાય. માતાપિતા જે બતાવે તેની સાથે પરણવું મને યોગ્ય ન લાગતા મેં તેના વિરોધમાં ઘર છોડ્યું.”

હેતલ ચૂપચાપ સાંભળી રહી.

પ્રેમે કહ્યું, “મને માફ કર...”

હેતલ, “જા માફ કર્યો. જોકે મને એ વાતની ખુશી છે કે આપણા બંનેના વિચારો એકબીજાને ખૂબ મળતા આવે છે.”

પ્રેમે મોકો ઝડપી લીધો, “અને હવે તો મન પણ મળી ગયા છે.”

હેતલે સહમતિમાં માથું હલાવ્યું, “ખરેખર, માતાપિતાએ મારા માટે અણમોલ હીરો શોધ્યો છે. અફસોસ કે હું મૂરખ તેમને ઓળખી ન શકી.”

“ચાલ, હવે ફટાફટ ઘરે જઈએ... બે વાગે પાછું મળવાનું છે કે નહીં ?”

હેતલ હસી પડી.

બીલ ચૂકવી બંને જણા હોટેલની બહાર નીકળ્યાં. કાર પાસે પહોંચતાં જ પ્રેમની નજર હેતલની બેગ પર પડી. “હેતલ એક વાત પૂછું ?”

“મારે હવે કશું સાંભળવું નથી” હેતલ વાતને ઊડાવતાં બોલી, “આજે મારા મનની મુરાદ પૂરી થઈ છે. હું એ વાતથી ખૂબ ખુશ છું મને ખુશ જ રહેવા દે.”

પ્રેમને ચૂપ રહેવામાં જ સમજદારી લાગી. આમ પણ જૂની વાતો વાગોળી વિવાદ કરવો એ મૂરખાઓનું કામ. મોઢા પર માસ્ક ચડાવતાં ચડાવતાં તે બોલ્યો, “હેતલ, ધોરીમાર્ગ ૧૩ વિશે મેં ઘણી અફવાઓ સાંભળી હતી. મારું મન શંકા-કુશંકાઓથી ઘેરાયેલું હતું એવામાં રાતે તું અચાનક મારી કાર સામે આવી ત્યારે મને તું ભૂત જેવી જ લાગી હતી.”

માસ્ક પહેરેલા પ્રેમ તરફ જોઈને હેતલે ટીખળ કરી, “મને તો તું હજુપણ ભૂત જેવો જ લાગી રહ્યો છે.”

આમ બોલી હેતલ ખીલખીલાટ હસી પડી.

પ્રેમ અપલક નજરે તેને આમ હસતા જોઈ રહ્યો.

બંનેના નેત્રો મળ્યાં. દિલ ધડકવા લાગ્યાં. બંને એકબીજાની નજીક આવ્યાં. પ્રેમે હેતલનો હાથ પોતાના હાથમાં લીધો.

હેતલે કહ્યું, “પ્રેમ, રાતના અનુભવ પરથી આપણે એક બોધપાઠ લેવા જેવો ખરો.”

પ્રેમે પૂછ્યું, “કયો ?”

હેતલે ગંભીર સ્વરે કહ્યું, “એ જ કે અફવાઓ અને અવિશ્વાસ શંકા નામના ભૂતનું નિર્માણ કરી જીવન અને તેના પ્રત્યે બંધાયેલા સારા સંબંધોને છિન્નભિન્ન કરી દેતું હોય છે. પ્રેમ, આગળ જતા આપણા બંને વચ્ચે તે ક્યારેય આવવા ન દેતો. હવે જોને આપણા મનમાં શરૂઆતથી જ શંકા-કુશંકા ઘર કરી ગઈ હતી એટલે જ તો આપણે રાતે બની રહેલા સામાન્ય સંજોગોને પણ અસમાન્ય ઘટનાઓ તરીકે જોતા થઈ ગયા હતાં ! વળી આપણે આપણા માતાપિતાને આપણા વેરી કેમ સમજવા લાગ્યા હતાં ? તેઓ તેમના નિર્ણયો આપણા પર થોપે છે એવી શંકાને કારણે જ ને ? એ તો સારું થયું કે રાતે આપણે એકબીજાને મળ્યા નહીંતર....”

પ્રેમે વહાલથી હેતલના મોં પર આંગળી મૂકી તેને આગળ બોલતા અટકાવી. હોટેલના રેડિયા પર ગીત ચાલ્યું. “કુછ ના કહો... કુછ ભી ના કહો...” દૂરથી આવી રહેલા મંદ મંદ મધુર સ્વરમાં બંને ખોવાઈ ગયા. સોશ્યલ ડિસ્ટન્સની વાતો નેવે મૂકાઈ ગઈ. જાણે જીવનભર સાથ નિભાવવાના સોગંદ લેતા હોય તેમ તેઓ એકબીજાને વળગી પડ્યાં. દિવાળીની એ સવાર તેમના આગામી મધુર જીવનનું સુખદ પ્રભાત બની રહ્યું. પોતાનું સમગ્ર અસ્તિત્વ ભૂલાવી તેઓ બંને એકમેકમાં ઓતપ્રોત થઈ ગયા અને કેમ ન થાય ? આખરે તેમના પર સવાર જે થઈ ગયું હતું ભૂત પ્રેમનું.


Rate this content
Log in

Similar gujarati story from Drama