મને સાંભરે રે મારું બાળપણ
મને સાંભરે રે મારું બાળપણ


બાળપણ કોને ન સાંભરે? એ સાંભરવા માટે કોઇ કારણની, ઘટનાની કે કોઇ મુહૂર્તની જરૂર નથી હોતી. બસ, એ તો સાંભરી આવે, ગમે ત્યારે, ગમે તે નિમિત્તે. સમગ્ર જીવન દરમ્યાન સૌથી વિશેષ જો કશું યાદ આવતું હોય તો તે બાળપણ. આ આખી વિશાળ – વ્યાપક દુનિયા પરની એ એવી મજાની જગ્યા, જ્યાં પહોંચીએ તો મજા જ મજા. નર્યા વિસ્મયનો પ્રદેશ. નરી મુગ્ધતાને નિર્દોષ તોફાનોનો એ ટાપુ. અલ્લડતાની એ યાત્રા. કેવું મજાનું અલગારીપણું ! કોઇ જ ચિંતા નહીં, ઉપાધિ નહીં, છેતરપીંડી નહીં, કોઇના પ્રતિ દ્વેષ નહીં... બસ હોય એક સુંવાળું મખમલી પંખી, હોય ખૂબ મોટું જંગલને હોય દૂર દૂરથી ઊડી આવતી પરીઓ... વારતા રે વારતા... ભાભો ઢોર ચારતાં, એમ નહીં, મનગમતા મોર દોરતાં...
મારું બાળપણ મને બહુ સાંભરે છે. મારા માટે તો જીવાયેલો એ સમયખંડ એટલે અલ્લાઉદ્દીનનો જાદુઇ ચિરાગ. સ્મૃતિની સોનેરી ખાણ. બાળપણની આંગળી પકડીને સડસડાટ ચાલી જવાનું આનંદનગરીમાં, વિવિધ કુતૂહલોથી ભર્યા ભર્યા ઉપવનમાં. ત્યાં હું મને અચૂક મળું છું, સાવ સાચુકલી. એ કેડી મને મારી ફરી ફરી ઓળખ કરાવે છે. ત્યાં પહોંચવા મારે કોઇની મંજૂરી ન જોઇએ, ન કોઇ વિઝા લેવાના કે કોઇ ટિકિટ, એ તો મારો પોતાનો દેશ, મારો પોતાનો ટાપુ. ત્યાં દરિયો હોય, પહાડ હોય, જંગલ બોલાવતાં હોય, જાતજાતનાં પક્ષીઓ ને પ્રાણીઓ મારી રાહ જોતાં હોય, પરીઓ પાંખો પ્રસારી સ્મિત વેરતી હોય. રાજા – રાણી એમના મોટા મહેલમાં હીંચકે ઝૂલે ને એમના કુંવર – કુંવરી મારી સાથે રમવાની જીદ કરતા હોય. સાત પૂંછડિયો ઉંદર ડોક્ટર બનેલા સસ્સા રાણા પાસે છ પૂંછડીઓ કપાવવાની ચર્ચા કરતો હોય. તો પેલું ગોળ લાલ ટામેટું નદીમાં ન્હાવા જતાં લપસી પડે છે અને એના પગે ફેક્ચર થઇ જાય છે તો હાથીરાજા અને અંબાડીમાં બેસાડી ઘેર મૂકવા જાય છે. હવે કાચબાએ પોતાના પગમાં વ્હીલ ફીટ કરાવી દીધા છે તે એ સરરરર ઝડપી રીતે ચાલી – દોડી જાય છે ને સસલાભાઇ તો એની સાથે સ્પર્ધા કરવા જ નથી માગતા. મારા ચકા – ચકીને હવે ચોખા – દાળના દાણા શોધવા નથી જવું પડતું, તે તો પોતાના થ્રી સ્ટાર માળામાં બેઠા બેઠા પીઝા ઓર્ડર કરી દે છે. ચતુર કાગડાએ બીજી બધી બિનજરૂરી પંચાતો ઓછી કરી પોતાનો રેસ્ટોરન્ટ શરૂ કર્યો છે, તે ફટાફટ ઉડાઉડ કરીને ઓર્ડર મુજબની સ્વાદિષ્ટ ચીજો પહોંચાડી દે છે.
બાળપણ ક્યાંથી ક્યાં લઇ જાય છે ? એની સ્મૃતિઓમાં જ કેટલું બધું કૌતુક ભર્યું છે ! કોઇ દંભ – દેખાડા, ઢાંકપિછોડા નહીં, સાચેસાચું જીવવાનું. રિસાયેલા ઝટ કરતાં માની પણ જાય, ને માનેલા ફટ કરતાં રિસાઇ પણ જાય. વળી પાછાં ભેળાં ને ભેળાં. છૂંટા પડ્યે ચેન ના પડે. જીવનમાંથી જો આ બાળપણવાળા ભાગની વિસ્મૃતિ થઇ જાય, જો એ પાર્ટ ડિલિટ થઇ જાય, તો... તો... બાકી શું બચે ?! આ વિચાર જ ભયંકર વાર્તાના ભયંકર પાત્ર જેવો લાગે છે, ખરું ?
તે દિવસે પટેલ દાદાએ બાળવાર્તા માંડી હતી. ચાલો, તમે પણ સાંભળો....
‘એક મોટું જંગલ હતું. ના, મોટું નહીં પણ નાનું ન કહેવાય એવું મધ્યમ પ્રકારનું જંગલ હતું. જંગલ હોય એટલે વચ્ચે વહેતી નદી ય હોય ને ડુંગરા પણ હોય. જાતજાતના ને નાનાં – મોટાં અનેક ઝાડ પણ હતાં. કદી ન જોયાં હોય એવાં પંખીઓ એમાં વસતાં હતાં. જુદા જ ગ્રહ પરથી ઊતરી આવ્યાં હોય એવાં પશુ – પ્રાણીઓથી જંગલ ગાજતું રહેતું હતું. જંગલના એક છેડે વળી મોટ્ટો ને ઊંચો પહાડ હતો. એ પહાડ પર નાનું સરખું ગામ વસતું હતું. એ ગામ પર એના રાજાનું રાજ ચાલતું. રાજાનું નામ સુંદરદેવ. નામ પ્રમાણેના જ ગુણ, રૂપ-રંગ. જંગલના જૂનાં ઝાડ ને ઉંમરલાયક પ્રાણીઓ કહેતાં કે રાજા બસો વરસનો છે. રાજાને હતી ત્રણ રાણીઓ. ત્રણે રાણીઓના મહેલ જુદા. રાજા ત્રણે મહેલમાં ઊડીને પહોંચી જતો. આખું જંગલ જાદુઇ પ્રકારનું ને તેમાં રહેનારા પણ. આ જંગલમાં એક એવો નિયમ કે, દરેકે મહેનત કરીને જ પોતાનું ગુજરાન ચલાવવું. પોતાના ખોરાક માટેનું અનાજ જાતે જ ઉગાડવું. જાતે જ રાંધવું ને પછી જ ખાવાનું. રાજા પોતે પણ પોતાના માટે જાતે જ રાંધતાં. જંગલના ઝાડ પણ દિવસમાં એક વખત પોતાનો ખોરાક બનાવી લેતા.’
‘આવું તે વળી જંગલ હોતું હશે દાદા ? ઝાડ વળી ખાવાનું બનાવે ? અને રાજાએ તો રાજ કરવાનું હોય, હુકમ કરવાના હોય, એ ય રાંધવા બેસે ?’ છટપટિયા તુનુથી પ્રશ્ન પૂછ્યા વિના રહેવાયું જ નહીં.
‘અરે તુનુડા, આ તો વારતા છે વારતા... એમાં વચ્ચે ભંગ ના પાડ. દાદા, હં, પછી... ?’ ઠાવકા ચુનુએ એને ચૂપ કરી દીધો.
‘હં... આ જંગલ એવું હતું કે એની ચારે બાજુ વિશાળ તળાવ. વચમાં આ જંગલ. એથી બહારના કોઇ લોકો ત્યાં આવી શકતા નહીં. તળાવમાં અનેક મગર રહેતા. એટલે આ જંગલમાં બહારથી કોઇ આવે નહીં ને જંગલવાળા બહાર જઇ શકે નહીં. રાજા સુંદરદેવે એવી સરસ વ્યવસ્થાઓ ગોઠવી હતી કે કોઇને કશી ફરિયાદ કરવાનું મન જ ન થાય. બધાને જમીન આપેલી. દરેકના ઘર આગળ નાનકડી તળાવડી હોય. ઝરણાં તો એટલા બધાં કે આખો દિવસ એનાં જળ ખળખળ કરતાં હોય. કીડીને ખાવા કેટલું જોઇએ ? તે એના માટે પાંચ વેંતનું ખેતર, તો હાથી માટે મોટું ખેતર. બધાં ય હળીમળીને રહેતાં. આનંદ – કિલ્લોલ કરતાં. રોજ સાંજે મહેલના આગળના ચોકમાં બધાં ભેગાં મળે, પ્રાર્થના થાય, સુખ-દુઃખની વાતો કરે અને નાચ – ગાન કરે. જંગલમાં રાત – દિવસ પણ જુદા. સવારે સૂરજ દાદા ઊગે, સોનેરી પ્રકાશ ફેલાવે પણ રાતે જંગલમાં અંધારું ન થાય. ચાંદામામા જરૂર ઊગે, તારા પણ ટમટમે, પણ અંધારું ન થાય. ગુલાબી અજવાળું પથરાય એ જંગલની રાત – બધાંનાં ઘર પણ જુંદાં જ પ્રકારનાં. કોઇનું ઘર ઝાડની ડાળીએ હોય, કોઇનું ખેતરની વચ્ચે, કોઇનું તળાવ વચ્ચે કે કિનારે તો વળી કોઇનું ઝરણાના પાણીમાં. પંખીઓના નાના માળા હોય, એનાથી થોડાક નાના – મોટા માળા જેવા ઘરમાં સહુ રહે. કોઇ એકલાં તો કોઇ વળી સમૂહમાં. એના માટે કોઇ નિયમ નહીં. સુંદરદેવે જંગલમાં રહેતા તમામ જીવોને એક જાદુઇ લાકડી ને એક જાદુઇ ટોપી આપી હતી. લાકડીથી એક વાર ઠપ કરો એટલે ઓટોમેટિક ચાલવા મંડાય – બે વાર ઠપ કરાય તો ઝડપથી ચાલવા મંડાય. ત્રણ વખત ઠપ કરે એટલે ઊભા રહી જવાય.’
‘અરે વાહ... કહેવું પડે? આવી જાદુઇ લાકડી મળે તો તો કેવી મજા પડી જાય? જરાય થાક ના લાગે. હું તો ક્યાંને ક્યાંય પહોંચી જાઉં.’ નટખટ નિરાલી તરત જ બોલી ઊઠી હતી.
‘દાદા, જાદુઇ, ટોપીથી શું થાય ?’ દેવાંગીને વાર્તામાં બહુ રસ પડયો હતો.
‘હં... જાદુઇ ટોપી એવી કે એ જે પહેરે - માથે મૂકે, એને તરત બે પાંખો ઊગી જાય.. પાંખ ઊગે એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઊડીને એ પહોંચી શકે. હવે જો કૂતરાએ મોટામસ ઝાડની ઊંચામાં ઊંચી ડાળીએ ઘર બનાવ્યું હોય તો એ ત્યાં કઇ રીતે પહોંચે ? એટલે પેલી ટોપી પહેરી લે કે ઝટ દેતોક ઉપર.’
‘દાદા, તો તો હું રોજ સ્કૂલે એ રીતે જ ઊડીને આવું. વટ પડી જાય..’ તુનુએ તરત તુક્કો દોડાવ્યો.
‘પણ રાજાની વચલી રાણીની સૌથી નાની કુંવરી, એવું નામ સોના – સોના બધાને ખૂબ વહાલી. જંગલમાં બે – ત્રણ દિવસથી હાહાકાર મચી ગયો છે. બધાના ઘરના ચૂલા સાવ શાંત છે. કુંવરી સોનાએ ખાવા-પીવાનું છોડી દીધું છે. રાજા, રાણી ને સહુ કોઇ ભારે ચિંતામાં છે.’
‘પણ સોના કેમ રિસાણી? એને રસોઇ બનાવવી નહીં ગમતી હોય...’ દેવાંગીએ ભોળાભાવે કહ્યું.
‘રાજા – રાણી, હાથીભાઇ, સસલાજી, વાંદરાજી અને બધાં વૃક્ષોએ એને ખૂબ મનાવી. પણ સોના તો જીદ લઇને બેઠી છે, ભારે જીદ. હું પરણું તો હરણને, નહીં તો ખાવા – પીવાનું બંધ.’
‘મૂરખી કહેવાય એ કુંવરી. હરણ જોડે તો લગન થતું હશે?’ ચુનુએ ડાહપણ પ્રગટ કર્યું.
‘હા... જંગલના મંગલમાં વિઘ્ન આવ્યું છે, સહુ ચિંતાતુર છે. રાજાએ એક એકથી ચડિયાતા સારા છોકરાઓની લાઇન લગાવી દીધી, પણ સોના કોઇને સામે જુએ જ નહી ને. એ હરણનું નામ ચીંચીં. ચીંચીં ને સોના સાથે જ રમે આખો દિવસ. ચીંચીં યે વળી બહુ રૂપાળું. સોના સાથે એવા ગેલ કરે કે સોના એને છોડે જ નહીં. મહેલમાં તો સોપો પડી ગયો છે. મંત્રીની બુદ્ધિ કામે ના લાગી, વૈદ્યરાજો પણ નિષ્ફળ ગયા. રાણીઓએ બહુ પ્રયત્ન કર્યા, પણ માને તો સોના નહીં. કુંવરી ના ખાય – પીએ તો બીજા કઇ રીતે ખાય – પીએ ? રાજા તો આટા ફેરા મારી મારીને થાકી ગયા છે. કુંવરીનું લગ્ન એક હરણ સાથે ? નાની – મોટી અનેક સભાઓ ચાલે છે, સહુ ઉપાય શોધે છે. હરણ પણ બિચારું બહુ મુંજાઈ ગયું છે. કુંવરી સાથે લગ્ન કરવાનું ?’
‘પછી... પછી શું થયું ?’ નીરાલી ઉત્સુકતા વધી ગઇ હતી.
‘જંગલમાં સૌથી ઉમરલાયક – વડીલ એવા વડદાદા પણ રહે. વડદાદાએ રાજાને સલામ કરીને કહ્યું, રાજા, એમાં વિચાર શું કરો છો? થાવા દો લગન... કુંવરી અને ચીં... ચીં... હરણ પરણે એમાં ખોટું શું? અહીં સહુ સરખા છે, ખરું કે નહીં? ગયા વરસે ચાર સસલાં ને પાંચ શિયાળ ભેગાં રહેતાં હતાં તે આપણે સન્માન કરેલું કે નહીં? સિંહના ઘરમાં બકરી રહે ને સાપના ઘરમાં ચકલી... રાજા, જેવી જંગલદેવની મરજી... હરણ ચીં.. .ચી...ને પૂછો, એને વાંધો હોય તો ઠીક... નહીંતર ઘડિયાં લગન લેવડાવો... ચીં...ચી...ને બોલાવાયું.
એ તો એવું ગભરાઇ ગયેલું કે શું બોલે? બધાએ એની હા જ સમજી લીધી. તરત ઢોલ વાગ્યા. લગ્નનાં ગીત ગવાયાં ને મંડપ બંધાયો. તે દિવસે બધાં એક જ રસોડે જમ્યાં...
જંગલમાં ફરી હતો એવો આનંદ – મંગલ છવાઇ ગયો...’
દાદાની સાથે બધા છોકરાં પણ તાલી પાડી ઉઠ્યા...