Prashant Subhashchandra Salunke

Romance Tragedy Fantasy

4  

Prashant Subhashchandra Salunke

Romance Tragedy Fantasy

પ્રિયકાંતની પ્રિયતમા

પ્રિયકાંતની પ્રિયતમા

17 mins
463


મૃત્યુશૈયા પર પોઢેલા મારા મિત્ર પ્રિયકાંતે પોતાના હાથમાં મારો હાથ લેતા કહ્યું, “દોસ્ત, મારી પ્રિયતમા આહનાને મારા દિલની વાત કહી શક્યો નહીં તેનો અફસોસ અંતિમ ઘડી સુધી રહેશે. બસ એક અંતિમ ઈચ્છા હતી કે તેને મળી મારા પ્રેમનો ઈઝહાર કરું. તે દિવસે કેન્ટીનમાં આહનાએ જે તને કહ્યું હતું એ મેં સાંભળી લીધું હતું. મને હજુ યાદ છે તેણે કહેલું એ વાક્ય. તેણે ચોખ્ખા શબ્દોમાં કહ્યું હતું કે, ‘પ્રિયકાંતે મને પૂછ્યું હોત તો મેં ચોક્કસ હા પાડી હોત.’ ઉફ! તેનુ આ વાક્ય મારા મસ્તિષ્કમાંથી ખસતું જ નથી. તે શુળ બની મારા હૃદયને ભોંકાયા કરે છે. તે વાક્યને યાદ કરીને હું સતત રીબાયા કરું છું. કાશ! એ દિવસે મેં થોડી હિંમત દાખવી હોત. કાશ! મેં તેને મારા દિલની વાત કહી સંભળાવી હોત. કાશ! મેં કહ્યું હોત કે હું તેને દિલોજાનથી ચાહું છું અને.... અને... તેના વગર ચેનથી જીવી શકતો નથી કે નિરાંતે મરી પણ શકતો નથી.” આમ કહેતાની સાથે પ્રિયકાંતે માથું એક તરફ ઢાળી દીધું. તેના હાથમાંથી મારો હાથ છૂટી ગયો. એ હાથ જયારે છૂટતો હતો ત્યારે એક અજીબ દર્દ હું અનુભવી રહ્યો.

હું સ્તબ્ધ બની ત્યાં ઊભો હતો. વાતાવરણમાં ઓચિંતી શૂન્યતા પ્રસરી ગઈ હતી. મારો જીગરી દોસ્ત આ ફાની દુનિયા છોડીને ચાલ્યો ગયો હતો. મારી આંખ સામે મારા દોસ્તનો મૃતદેહ પડ્યો હતો. હું તેની સાથે દિલ ખોલીને વાત કરવા માંગતો હતો પરંતુ હવે એ શક્ય નહોતું. મારે ઘણું કહેવું હતું પરંતુ મારો શ્વાસ રૂંધાઇ રહ્યો હતો. મારા હ્રદયમાં અકબંધ રહસ્ય બહાર આવવા તડપી રહ્યું હતું. પરંતુ પ્રિયકાંતની આંખોએ જાણે તેનો માર્ગ બંધ કરી દીધો હતો. ઉફ! પ્રિયકાંતની એ બંધ આંખો ! એ આંખો મારા હ્રદયને ડંખી રહી હતી.

“દોસ્ત, આહનાએ તે દિવસે ‘પ્રિયકાંતે મને પૂછ્યું હોત તો મેં ચોક્કસ હા પાડી હોત.’ એમ કહ્યું હતું ખરું પણ...” હું અટકી ગયો. આગળના શબ્દો ફરી એકવાર જીભ પર આવતા અટકી ગયા. આજે મારે ઘણું કહેવું હતું પણ જેને કહેવાનું હતું એ ચિરનિદ્રામાં સરી ગયો હતો.

“પ્રિયકાંતઽઽઽ, મને માફ કરી દે.” એ ન કહી શકવાની પારાવાર વેદના ચીસ સ્વરૂપે મારા મોઢામાંથી બહાર નીકળી આવી.

“શું થયું પિતાજી?”

મેં ઝબકીને આંખ ઉઘાડી. સામે જોયું તો મારી બાર વર્ષની દીકરી વેદશ્રી ઊભી હતી. તે અચંબિત નજરે મને જોઈ રહી હતી. મારા કપાળે બાઝેલા પરસેવાને લૂછતા લૂછતા મેં ચોમેર નજર ફેરવી. હું મારા શયનખંડમાં હતો !

“કાંઈ નહીં બેટા. તું સુઈ જા.”

જાણે સામે આઠમી અજાયબી ઊભી ન હોય, તેમ મને જોતા જોતા વેદશ્રીએ તેના ઓરડા તરફ જવા પગ ઉપાડ્યા.

મેં નિરાંતનો શ્વાસ લીધો, ‘હાશ! એટલે હમણાં જે દેખાયું હતું તે સ્વપ્ન હતું. પરંતુ વાયકા પ્રમાણે વહેલી સવારનું સ્વપ્ન સાચું પડતું હોય છે. મતલબ મારું આ સ્વપ્ન પણ ? ના... ના... પ્રિયકાંતને કશું થાય નહીં.’ મગજમાં ઉદભવેલા ખરાબ વિચારો મેં કાઢી નાખ્યા. જોકે પાછલા ત્રણ દિવસથી પ્રિયકાંત મારો ફોન ઊઠાવતો જ નહોતો. છેલ્લે મારા મોબાઈલ પર તેનો સંદેશ આવ્યો હતો કે, ‘કોરોનાની સારવાર હેઠળ અસ્પતાલમાં દાખલ છું. અહીં ડોક્ટર મને કોઈનો પણ કોલ રિસિવ કરવા દેતા નથી. જોકે મારું ઓક્સિજન લેવલ નોર્મલ છે અને બે દિવસમાંજ મને અસ્પતાલમાંથી રજા મળી જશે.’

મને પ્રિયકાંતનો એ સંદેશ ફરી એકવાર જોઈ લેવાની ઈચ્છા થઇ. મેં ટેબલ પર પડેલો મારો મોબાઈલ ઊઠાવી તેની અંદરના સંદેશા તપાસી જોયા. સંદેશા તપાસતા મને આનંદનો એક ઝાટકો લાગ્યો કારણ નોટિફિકેશનમાં પ્રિયકાંતનો એક નવો સંદેશ આવેલો દેખાતો હતો. તેણે એ સંદેશ પરમ દિવસે સાંજે ૬.૫૫ વાગે મોકલ્યો હતો. અગાઉ આ સંદેશ પર મારી નજર પડી નહોતી એ વાતની મને ખુદને નવાઈ લાગી. સંદેશ વાંચવાની ઉતાવળમાં મેં ઝડપથી મારા મોબાઈલની સ્ક્રીન પર સ્પર્શ કર્યો. સંદેશ ખુલ્યો પરંતુ તેમાં માત્ર “જય ગુરૂ દેવ દત્ત” આટલું જ લખેલું હતું.

મને ફાળ પડી. પ્રિયકાંતે આવો સંદેશો મને કેમ મોકલ્યો હશે ? તેના સુપ્રભાત અને શુભરાત્રિના સંદેશા અવારનવાર આવતા રહેતા પરંતુ આવા લખાણવાળો સંદેશ તેણે પ્રથમવાર જ મોકલ્યો હતો. હવે આ સંદેશ મારા માટે કોયડા સમાન બની ગયો હતો. મારા મસ્તિષ્કમાં અસંખ્ય વિચારો આવી ગયા. મેં પ્રિયકાંતને ફોન લગાવ્યો. રીંગ વાગી પરંતુ સામે છેડેથી કોઈએ કોલ રિસિવ કર્યો નહીં. કદાચ પ્રિયકાંત! ના.. ના.. આ શક્ય નથી. મેં સોશ્યલ મિડિયાની પોસ્ટ્સ તપાસી જોઈ. કારણ દુઃખદ સમાચાર વહેતા કરવાની આજકાલ જાણે ત્યાં હોડ લાગેલી છે. સહુથી પહેલા મેં પ્રિયકાંતની પ્રોફાઈલ તપાસી જોઈ. પરંતુ ત્યાં પ્રિયકાંતને ટેગ કરીને ‘ૐ શાંતિ:’ની કોઈ પોસ્ટ દેખાતી નહોતી. ત્યારબાદ મેં તેમના સગા સબંધીઓની પોસ્ટ તપાસી લીધી. ત્યાં પણ કશું અણગમતું નજરે ચડ્યું નહીં. મેં હાશકારો અનુભવ્યો.

પ્રિયકાંત એક સારા માણસ સાથે ખૂબ સારો સમાજસેવક પણ હતો. જો તેની સાથે કોઈ અઘટિત ઘટના બની હોત તો સોશ્યલ મિડિયા પર એ અંગે જરૂર કોઈ પોસ્ટ મૂકાઈ હોત. કદાચ એવું બન્યું હશે કે પ્રિયકાંત અસ્પતાલમાંથી ઘરે આવી ગયો હશે, અને તેના મોબાઈલને મ્યુટ મોડ પર મૂકી ઊંઘી ગયો હશે. મનુષ્યનો સ્વભાવ જ એવો છે. સંજોગો થોડાક અસામાન્ય બનતા તેનું મન શંકા કુશંકાઓથી ઘેરાઈ જાય છે. પ્રિયકાંત બાબતે મારા મનમાં જે શંકા ઉપજી હતી તે માટે હું મારી જાતને ધિક્કારી રહ્યો. પણ આજકાલ કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે માહોલ જ એવો બની ગયો છે કે, કોઈ કોલ રિસિવ ન કરે તો મનમાં ધ્રાસકો થાય.

ઓચિંતી મારી નજર પ્રિયકાંતની એક પોસ્ટ પર ગઈ. તેમાં લખ્યું હતું, “એ તો દિલ દેવા હતા તૈયાર, પરંતુ અમેજ દિલની કિતાબ ખોલી નહીં. એ તો પરણવાયે હતા તૈયાર, પરંતુ અમે જ પહેલ કરી નહીં. તેની માટે જાન દેવાય હતા તૈયાર.

અફસોસ! એ કહેવાની હિંમત થઇ નહીં.”

કોણે કહ્યું કે કવિ થવા સહિત્યનો અભ્યાસ કરવો જરૂરી છે! એ તો દિલનું દર્દ જુબાં પર આવતા આપમેળે કવિતા બની જાય છે. પ્રિયકાંતની કવિતામાં મેં તેની પીડા અનુભવી. અનાયાસે મારી આંખમાંથી અશ્રુ વહી આવ્યા. મેં લેપટોપ બંધ કરી ઓશિકા પર માથું ટેકવ્યું. મારા મસ્તિષ્કમાં વિચારોનો પ્રવાહ વહેવાનો પાછો શરૂ થયો. આજે જ પ્રિયકાંતના ઘરે જઈ તેના ખબર અંતર પૂછી આવું છું. કદાચ એ ઘરે નહીં હોય તો તેના પિતાજી જરૂર હશે.

એ દિવસે હું પ્રિયકાંતને મળવા તેના ઘરે ગયો હતો ત્યારે તેના પિતાજીએ જ તેને અસ્પતાલમાં દાખલ કર્યાના સમાચાર મને આપ્યા હતા. બસ એ જ ઠીક રહેશે. આજે પ્રિયકાંતના ઘરે જઈ તેની સાથે માંડીને વાત કરીશ. ક્યાં સુધી તેનાથી હકીકત છુપાવી રાખું? આખરે કોઈક દિવસ તો તેને સચ્ચાઈથી વાકેફ કરવો જ પડશે ને. તેની તડપ હવે મારાથી સહન થતી નથી.

    હું ફટાફટ તૈયાર થઈને પ્રિયકાંતના નિવાસસ્થાને જવા નીકળ્યો. સાવચેતી ખાતર મેં મોઢા પર ડબલ માસ્ક પહેરી લીધા હતા. ‘કોરોના સામે જંગ જીતી ઘરે આવેલા પ્રિયકાંતનું સ્વાગત કરવું જોઈએ.’ આમ વિચારી મેં મારી સાથે એક સરસ મજાનો ફૂલોનો બુકે પણ લીધો હતો. પ્રિયકાંતના ઘરે ગયો તો તેના બારણા પર તાળું વાસેલું હતું ! હવે શું કરવું ? કદાચ ઉપરના માળે કોઈ હશે તો ? એમ વિચારી મેં બૂમ પાડી,

‘પ્રિયકાંતઽઽઽ’

કોઈ જવાબ ન મળ્યો.

‘પ્રિયકાંતઽઽઽ’

નિરવ શાંતતા.

‘પ્રિયકાંતઽઽઽ’

મારી બુમો સાંભળી પ્રિયકાંતનો પડોશી બહાર આવ્યો અને મને ચૂપ રહેવાનો ઈશારો કર્યો. મેં આશ્ચર્યથી તેમની તરફ જોયું તો તેઓએ બે હાથ જોડીને આસમાન તરફ ઈશારો કર્યો. હું અસમંજસમાં તેમને જોતો રહ્યો. તેમનો ઈશારો હું કળી ગયો હતો પરંતુ મારું મન તે માનવા તૈયાર નહોતું. પડોશીએ મને રસ્તાની પેલી તરફ જઈ ઊભા રહેવાનો સંકેત કર્યો. હું તેમણે ચીંધેલી જગ્યા પાસે ઊભા રહી તેમના આવવાની રાહ જોવા લાગ્યો. તેઓએ મને ખાસ રાહ ન જોવડાવી. બીજી જ મિનિટે તેઓ મારી પાસે આવ્યા.

“શું થયું ?” મેં પૂછ્યું.

“પ્રિયકાંતભાઈ ગુજરી ગયા.”

મારું મગજ સુન્ન થઇ ગયું. હાથમાંનો ફૂલોનો બુકે છટકી ગયો. શું બોલવું તે સૂઝતું નહોતું. આંખમાંથી અશ્રુ વહી આવ્યા. પોક મુકીને રડવાની ઈચ્છા થઇ પરંતુ ગળા સુધી આવેલો ડૂમો ત્યાંજ શમી ગયો. રૂંધાયેલા સ્વરે મેં પૂછ્યું, “આ... આ... ક્યારે થયું ?” મારી જીભ મને સાથ આપી રહી નહોતી.

“પરમ દિવસે સાંજે જ તેઓ ગુજરી ગયા.”

“પરમ દિવસે સાજે! તો પછી આ બાબતની મને કેમ જાણ ના થઇ ?”

“અમે કોઈને જ કશું કીધું નથી.”

“કેમ ?”

“વાત એમ છે કે, પ્રિયકાંતભાઈના પિતાજી દિનકરભાઈ પણ કોરાનાગ્રસ્ત છે. વળી તેઓ હાર્ટના પણ પેશન્ટ છે. આવામાં તેઓને જો પ્રિયકાંતના મૃત્યુના સમાચાર મળશે તો તેઓ તે આઘાત જીરવી શકશે નહીં.”

“દિનકરભાઈ ક્યાં છે ?”

“તેમના ઘરમાં જ છે.”

“પણ બારણા પર તો તાળું વાસેલું છે!”

“તેઓને કોઈ પરેશાન ન કરે એટલે અમે પાડોશીએ જ તેમના બારણા પર તાળું વાસ્યુ છે. અમે ત્રણ દિવસથી આ માહિતી બધાથી છુપાવી રાખી છે તમે પણ કૃપા કરી સોશ્યલ મિડિયા પર કોઈ પોસ્ટ મુકતા નહીં. જે ગયું તે પાછુ આવવાનું નથી પરંતુ હવે જે છે તેઓને સંભાળવાના છે. ભગવાન ખબર નહીં શું કરવા બેઠો છે.”

હું હતાશ થઇ ગયો. નિરાશાના ઘેરા કાળા વાદળા મારા મન પર છવાઈ ગયા. હે ભગવાન! આ કેવી મજબુરી ? પ્રિયજનો સાથે આખરી મુલાકાત તો દુર તેમને હાર્દિક શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી શકતા નથી ! હું દુઃખી વદને ઘરે પાછો આવ્યો. કારની ચાવી એકતરફ ફેંકી હું મારી આરામ ખુરશી પર ફસડાઈ પડ્યો. ઓચિંતા મારા મોબાઈલમાં સંદેશાની ટયુન વાગી. એ સાથે મારા દિમાગમાં વિચાર ઝબકયો. પ્રિયકાંતનો આખરી સંદેશ પણ મને પરમ દિવસે સાંજે જ આવ્યો હતો. મતલબ જીવ છોડતા પહેલા તેણે મને જરૂર યાદ ર્ક્યો હતો. એ દિવસે મને હેડકીઓ પણ ખૂબ આવતી હતી. અંતિમપળે એ જરૂર મને કંઈક કહેવા માંગતો હશે.

હું મારી તંદ્રામાં જ હતો ત્યાં વેદશ્રી દોડતી દોડતી મારા ઓરડામાં આવી. મારી નાનકડી એ ઢીંગલી હાથમાંનો મોબાઈલ નચાવતા બોલી, ‘પિતાજી, તમને એક ગઝલ સંભળાવું ?”

“હમણાં નહીં.” મેં ટૂંકમાં પતાવ્યું.

“પિતાજી, તમે પ્લીઝ એકવાર દુશ્મન ફિલ્મની આ ગઝલને સાંભળોને; તેની અંદરની પંક્તિઓ ખરેખર ખૂબ ચોટદાર છે.”

“ઠીક છે સંભળાવ.”

વેદશ્રીએ ગાયું, “ઇક આહ ભરી હોગી, હમને ના સુની હોગી. જાતે જાતે તુમને, આવાજ તો દી હોગી.”

અત્યાર સુધી રોકી રાખેલા અશ્રુઓ મારી આંખમાંથી અવરિતપણે વહેવા માંડ્યા. એ જોઈ વેદશ્રી અવાચક થઇ ગઈ. વર્ષોથી આ ગીત સાંભળી રહ્યો છું પરંતુ તેનો સાચો અર્થ આજે મને સમજાયો હતો. આ પંકિતઓ મારા દિલને સ્પર્શી ગઈ હતી. મેં વેદશ્રીના હાથમાંથી મોબાઈલ લઈને આગળ વાંચ્યું, “હર વક્ત યહી હૈ ગમ, ઉસ વક્ત કહા થે હમ. કહા તુમ ચલે ગયે.”

“કેટલો ગહન અર્થ આ પંક્તિઓમાં છુપાયેલો છે.” મેં ભારે હૈયે વેદશ્રીને મોબાઈલ પાછો આપતા કહ્યું.

વેદશ્રી તો જતી રહી પરંતુ જતા જતા મારી અંદર વિચારોનો સૈલાબ ખડી કરતી ગઈ, “સમય ખરેખર ક્રૂર છે, એ લાગણી કે પરિસ્થિતિ નથી જોતો. એ ધૂળની જેમ હાથમાંથી સરકી જાય છે. અને એ ધૂળ જયારે સરકતી હોય છે, ત્યારે તેમાં કેટલાય ચેહરાઓ આપણને દેખાતા હોય છે. બધું ભુલાવવું શક્ય છે પણ કોઈને ન કહેવાયેલી વાત ભૂલવું શક્ય નથી. એ ગળાનું રૂંધાઇ જવું અને જયારે ગળું ખુલે ત્યારે એ વ્યક્તિનું સામે ન હોવું એ ખૂબ જ પીડાદાયક છે.”

મારી આંખ સામે પ્રિયકાંતનો ચહેરો તરવરી ઉઠ્યો. જાણે તે મને કહી ન રહ્યો હોય કે, “કાશ ! મેં આહનાને મારા દિલની વાત કહી હોત. ઊફ! એ દિવસે મેં કેમ હિંમત કરી નહીં ? કેમ ? કેમ ? જે સત્ય છુપાવી મેં પ્રિયકાંતને આટલા વર્ષ અંધારામાં રાખી તડપાવ્યો હતો, હવે તે સત્ય મને જિંદગીભર શુળ બનીને પીડા આપવાનું હતું.”

બે હાથ વચ્ચે મારા ચહેરાને દાબી હું રડવા લાગ્યો. ભૂતકાળની યાદો મારી આંખ સામેથી ઝડપથી પસાર થઇ રહી.

કોલેજકાળમાં પ્રિયકાંત સાથે મળીને કરેલું ધીગાણું, એ મસ્તી, એ તોફાન અને હસીમજાકમાં ખોવાવું, પ્રિયકાંતનું વાતવાતમાં રીસાવું. અમારા દોસ્તોએ મનાવતા તેનું એ માની જવું. તેનું રમુજ કરી અમને હસાવવું. ઓહ ! પ્રિયજનના વિરહની વેદના કેટલી આકરી હોય છે નહીં ? હસાવતા હસાવતા મને રડાવી ગયો, દોસ્ત તું કેમ આમ મારાથી રિસાઈ ગયો.

અશ્રુઓને લુછી મેં ફરી મારી આંખો બંધ કરી.

પ્રિયકાંતનું આહના સાથે પુસ્તકાલમાં ટકરાવવું. એ બંનેના નયનોનું મળવું. આહનાની ઝીલ જેવી આંખોમાં પ્રિયકાંતનું ખોવાઈ જવું. આહના સાથે પહેલી નજરના પ્રેમમાં પ્રિયકાંતનું પડવું. તેનું આહનાને યાદ કરી મજનુની જેમ તડપવું. આહનાનું પ્રિયકાંત સામું જોઈ સ્મિત કરવું. એ સ્મિતને યાદ કરી પ્રિયકાંતનું ખુશીથી ઝૂમી ઊઠવું.

જૂની યાદો જાણે ફાસ્ટ ફોરવર્ડમાં એક ફિલ્મ સમી મારી આંખ સમક્ષથી પસાર થઇ રહી હતી. પરંતુ હું અટક્યો એક દ્રશ્ય પર. એ દ્રશ્ય પર કે જેણે પ્રિયકાંતની જિંદગી બદલી દીધી હતી. અને તે દ્રશ્ય હતું કોલેજની કેન્ટીનનું. કોલેજનું સત્ર પૂરું થવા આવ્યું હતું. કાલે કોલેજનો છેલ્લો દિવસ હતો છતાંયે પ્રિયકાંતના પ્રેમ પ્રકરણની ગાડી હજુ પાટા પર ચઢી નહોતી. હજુ સુધી પ્રિયકાંતે તેના દિલની કિતાબ આહના સામે ખોલવાની હિંમત કરી નહોતી. કારણ તે ડરતો હતો. તેના મનમાં એ જ અજાણ્યો ડર હતો જે સહુ યુવા પ્રેમીઓના હૈયામાં જોવા મળતો હોય છે. ‘ના’ સાંભળવાનો ડર !

આખરે આ મામલે મેં જ કંઇક કરવાનું બીડું ઝડપ્યું. હું આહનાને જઈને મળ્યો અને તેને પ્રિયકાંત સાથે મુલાકાત કરવા મનાવી લીધી. આહના કોલેજની કેન્ટીનમાં પ્રિયકાંતને મળવા રાજી થઇ. અહીં પ્રિયકાંતને પણ મેં સમજાવ્યું કે, “દોસ્ત, કાલે કોલેજનો આખરી દિવસ છે. કાલનો દિવસ જો તારા હાથમાંથી સરી ગયો તો આગળ કશું નહીં થાય. ગીતકાર નવાબ આરજૂ એ અમસ્તું જ નથી કહ્યું કે, કલ કોલેજ બંધ હો જાયેગા, તુમ અપને ઘર કો જાઓગે. ફિર એક લડકા એક લડકી સે જુદા હો જાયેગા. વો મિલ નહીં પાયેગા. કંઈ સમજ્યો ? કાલે તારે હિંમત કરીને આહનાને આઈ લવ યુ કહેવું જ પડશે.”

બીજા દિવસે કોલેજ છૂટ્યા બાદ આહના અને પ્રિયકાંત કોલેજની કેન્ટીનમાં મળ્યા. બંને એકબીજાની સામે બેસી કોફીની ચુસ્કીઓ લઇ રહ્યા હતા. હું તેમની બરાબર સામે બેસીને તેમના સઘળા ખેલ નિહાળી રહ્યો હતો. ખાસ્સો સમય થવા છતાં જયારે પ્રિયકાંતે હિમંત કરી નહીં ત્યારે મેં આંખના ઇશારે તેને આહના સામે પ્રેમ પ્રસ્તાવ મુકવા દબાણ કર્યું.

પ્રિયકાંતે હિંમત કરીને કહ્યું, “આહના, આઈ...”

આહનાનો કોફીનો મગ તેના હોઠ પર જ અટકી ગયો.

પ્રિયકાંતનું શરીર પરસેવે રેબઝેબ થઇ રહ્યું હતું, “આઈ...”

આહના બોલી, “આઈ... આઈ... શું ? આગળ તો બોલ ?”

પ્રિયકાંતે વાક્ય પૂરું કર્યું, “આહના, આઈસ્ક્રીમ ખાઈશ ?”

“શું ?” આહના ચોંકી.

મેં લમણે હાથ મુક્યો.

“ના. કોફી જોડે કોણ આઈસ્ક્રીમ ખાય છે !” આહનાએ થોડાક રોષમાં કહ્યું.

પ્રિયકાંત નીચું જોઈ ગયો. બંને વચ્ચે ફરી ખામોશી છવાઈ ગઈ. આખરે કોફી પૂરી થઇ. ખાલી કોફીના મગ ટેબલ પર મુકાયા. વેઈટર આવીને બીલ આપી ગયો. બીલ પણ ચૂકવાઈ ગયું. બંને ઉઠવાનીજ તૈયારીમાં હતા ત્યાં આહનાએ કહ્યું, “પ્રિયકાંત, તારા દોસ્તે મને કહ્યું હતું કે તું કોઈ મહત્વની વાત કહેવા મને મળવા માંગતો હતો.”

“ચાલો અંતે વાતની શરૂઆત થઇ ખરી.” મેં હાશકારો લીધો.

હવે પ્રિયકાંત શું બોલશે ? તે સાંભળવાની મને તાલાવેલી લાગી.

“જલદી બોલ, શું છે એ મહત્વની વાત ?” આહનાએ ઘડિયાળમાં જોતા કહ્યું.

પ્રિયકાંતના કપાળે પરસેવો બાઝી ગયો.

મેં મનમાં કહ્યું, “બોલ, પ્રિયકાંત. દિલમાં જે છે તે કહી દે.”

પ્રિયકાંતે થોથવાતા સ્વરે કહ્યું, “કંઈ નહીં.” આમ કહી તે કેન્ટીનની બહાર સડસડાટ નીકળી ગયો. આહના એકલી જ ત્યાં બેઠી હતી. હવે મારે જ કશુંક કરવું પડશે આમ વિચારી હું મારી જગ્યાએથી ઊભો થયો અને આહના પાસે ગયો.

*****

આહના સાથે વાત કરી જયારે હું કેન્ટીનમાંથી બહાર નીકળવા લાગ્યો ત્યારે અચાનક પ્રિયકાંત કેન્ટીનના એક થાંભલા પાછળથી મારી સામે આવી ઊભો રહ્યો, “શું કહ્યું આહનાએ ?”

“અરે ! પ્રિયકાંત તું આ થાંભલા પાછળ શું કરતો હતો ?”

“દોસ્ત, મને વિશ્વાસ હતો કે તું આહના સામે મારા દિલની વાત જરૂર મુકીશ. કેન્ટીનમાંથી બહાર નીકળી જયારે મેં બારીમાંથી અંદર જોયું ત્યારે આહના સામે તું ઊભો હતો. આહનાને ખીલખીલાટ હસીને તારી સાથે વાતો કરતા જોઈ મારી ધીરજ ખૂટી. તેં મારા વતી મુકેલા પ્રેમ પ્રસ્તાવનો આહના શો જવાબ આપે છે તે સાંભળવા હું આ થાંભલા પાછળ આવીને છુપાયો હતો. હું તમારી બધી વાતો તો સાંભળી ન શક્યો પરંતુ આહનાએ જતા પહેલા જે કહ્યું હતું એ મને સ્પષ્ટ સંભળાયું હતું.”

મેં ગભરાઈને પૂછ્યું, “તને શું સંભળાયું હતું ?”

પ્રિયકાંત ઉમંગથી બોલ્યો, “એ જ કે, મેં એને પૂછ્યું હોત તો તેણે ચોક્કસ હા પાડી હોત. બરાબરને ?”

મેં હકારમાં માથું હલાવ્યું.

“એટલે... એટલે... આહના પણ મને ચાહે છે ? બસ તેં મારા પહેલની જ રાહ જોતી હતી.” આમ કહેતાંની સાથે પ્રિયકાંત દીવાનાની જેમ આહના જે દિશામાં ગઈ હતી એ તરફ દોડી ગયો. હું પણ તેની પાછળ પાછળ દોડી ગયો. પ્રિયકાંતે કેન્ટીનમાંથી બહાર આવી ચોમેર નજર ફેરવી પરંતુ આહના ક્યાંય દેખાઈ નહીં. “આહના... આઈ લવ યુ... આહના આઈ લવ યુ...” કહેતા તેં માર્ગ પર દોડતા દોડતા ગબડી પડ્યો. હું તેને સંભાળવા દોડી ગયો. પ્રિયકાંતની કોણી છોલાઈ ગયી હતી. તેમાંથી લોહી વહી રહ્યું હતું. ઘાને પંપાળતા પંપાળતા પ્રિયકાંત બોલ્યો, “આ મેં શું કર્યું ? આ મેં શું કર્યું ?”

મારી પાસે તેને સાંત્વના આપવા સિવાય છૂટકો જ નહોતો. તેને ઉઠાવવાની કોશિશ કરતા મેં કહ્યું, “હાથમાં આવેલો સોનેરી અવસર જતો કર્યો ?”

“હવે હું શું કરું ? મારે આહનાને મળવું છે. હું તેને મળીને મારા દિલની વાત કહીશ. તેને મળીને હું કહીશ કે હું તેને ખૂબ ચાહું છું અને તેની સાથે લગ્ન કરવા માંગું છું.”

“હવે એ શક્ય નથી.”

“કેમ ?”

“આહનાએ કેન્ટીનની બહાર પગ મુકતા જ હવે તે દુનિયાની ભીડમાં ખોવાઈ ગઈ છે. તેની કોઈ માહિતી આપણી પાસે નથી. વળી આપણા પરિચયમાં પણ એવું કોઈ નથી કે જે આહનાની માહિતી આપણને આપી શકે. આવા સંજોગોમાં તેને ક્યાં શોધવી ?”

“આપણે કોલેજમાંથી તેના ઘરનું સરનામું કઢાવવાનો પ્રયત્ન કરીએ તો ?”

“શક્ય નથી. કોલેજવાળા આમ કોઈની અંગત માહિતી ક્યારેય આપે નહીં.”

“હવે ? હવે મારું શું થશે ?”

મેં કહ્યું, “અબ પછતાયે ક્યાં ફાયદા જબ ચિડિયા ચુગ ગઈ ખેત.”

એ દિવસ બાદ પ્રિયકાંત ખૂબ ઉદાસ રહેવા લાગ્યો. જયારે મળતો ત્યારે બસ એક જ વાત કહેતો, “કાશ, એ દિવસે મેં હિંમત કરી હોત તો આહના સાથે મારા લગ્ન થઇ ગયા હોત.”

ક્યારેક તો આહના મળશે એ આશાએ પ્રિયકાંતે લગ્ન પણ કર્યા નહીં. જયારે પણ મળતો ત્યારે મને પૂછતો, “તને આહના મળી ? તેં એને મારા દિલની વાત કહી? શું જવાબ આપ્યો તેણે ?”

પ્રિયકાંતે પુછેલા ત્રણે પ્રશ્નનો મારી પાસે એક જ ઉત્તર રહેતો. “ના.”

મારો એ જવાબ સાંભળી પ્રિયકાંત હતાશ થઇ જતો. પરંતુ એક આશાની ચમક મને તેની આંખોમાં દેખાતી. આહના ક્યારેક તો મળશે તેની આશા. કદાચ તેણે પણ મારી ઇંતેજારીમાં લગ્ન નહીં કર્યા હોય તેવી આશા. જયારે તે આહના સામે હિંમત કરીને તેના પ્રેમનો પ્રસ્તાવ મુકશે ત્યારે તે સહર્ષ તેનો સ્વીકાર કરશે તેવી આશા. આ આશા જ તો છે જે માણસને કપરી પરિસ્થિતિમાં પણ જીવવાની હિંમત આપે છે. પ્રિયકાંતને પણ આ આશાઓ જ જીવાડી રહી હતી. બાકી હવે તેની પાસે જીવવા માટેનો બીજો કોઈ ઉદ્દેશ્ય નહોતો.

હું મારા મિત્રને ખોવા માંગતો નહોતો. અને આજ કારણ હતું કે મેં તેનાથી હકીકત છુપાવી રાખી હતી. એ હકીકત કે જે આજદિન સુધી મેં તેને કહી નહોતી. એ સત્ય જે હવે શુળ બની મારા હ્રદયને ડંખી રહી હતી. એ હકીકત કે જે પ્રિયકાંતને નહીં કહ્યાનો અફસોસ મને જિંદગીભર રહેવાનો હતો.

એ દિવસે કેન્ટીનમાં આહના સાથે વાત કરવાની છેલ્લી તક હતી. કારણ કોલેજનું અંતિમ વર્ષ પૂર્ણ થયા બાદ કોણ ક્યાં જશે તેનો કોઈ અંદાજો હોતો નથી. હું તે તકને ગુમાવવા માંગતો નહોતો. પ્રિયકાંત કેન્ટીનમાંથી બહાર નીકળી ગયા બાદ પણ આહના પોતાની જગ્યાએ જ બેઠી હતી. હું હિંમત કરીને આહના પાસે ગયો. મને આવેલો જોઈ આહના ફિક્કું હસી.

તેનો આવો ફિક્કો પ્રતિસાદ જોઈ હું થોડો ખચકાયો છતાંયે હિંમત કરી પૂછ્યું, “શું હું અહીં બેસી શકું?”

મેં પૂછેલા પ્રશ્નના જવાબમાં આહનાએ હકારમાં માથું હલાવ્યું.

હું તેની સામે આવેલી ખુરશી પર ગોઠવાઈ ગયો.

“આહના, પ્રિયકાંત આમ કશું કહ્યા વગર જતો રહ્યો એ વાતનું ખોટું ન લગાડીશ.”

આહના હસી અને તેની કાંડા ઘડિયાળ પર નજર કરી.

“આહના, તું આમ વારંવાર સમય કેમ જોઈ રહી છે ?”

“મને ૬.૫૫ વાગ્યાની ફ્લાઈટ પકડવાની છે. છોડ એ વાતને. તેં તો કહ્યું હતું કે પ્રિયકાંત મને કોઈ મહત્વની વાત કહેવા માંગે છે. આજે મારી ઘણી વ્યસ્તતા હોવા છતાંયે હું અહીં તેને મળવા આવી અને એ કશુંય કહ્યા વગર જતો રહ્યો.”

“આહના, એમાં ભૂલ તેની નથી. એ બિચારો ડરતો હતો.”

“ડરતો હતો પણ કેમ ?”

“વાત જ એવી હતી. તું જો ખોટું ન લગાડે તો હું કહું.”

“બોલ.”

“તારી પાસે સમય તો છે ને ?”

આહના ઘડિયાળમાં જોઈ બોલી, “હા.”

“પ્રિયકાંત આજે તને મળીને કહેવાનો હતો કે, એ તને દિલોજાનથી ચાહે છે અને તારી સાથે લગ્ન કરવા માંગે છે. એ તારી પાસે તેના પ્રેમનો પ્રસ્તાવ મુકવા આવ્યો હતો. પરંતુ તે એટલો શરમાળ છે કે તેના જીભ પર આ વાત આવી જ નહીં. પણ છોડ એ વાતને... પ્રિયકાંત વતી હું તને પૂછું છું કે શું તને એ ગમે છે ?”

મારી વાત સાંભળી આહના ખડખડાટ હસવા લાગી.

તેને આમ હસતા જોઈ મારાથી ન રહેવાયું, “આહના, શું થયું ? આમ હસે છે કેમ ?”

માંડમાંડ હસવાનું રોકી આહના બોલી, “તેં વાત જ એવી કરી કે મને હસવું આવી ગયું.”

“હું કંઈ સમજ્યો નહીં.”

“અરે! એ બબુચક પ્રિયકાંતે એમ વિચારી જ કેવી રીતે લીધું કે હું તેના પ્રેમમાં પડીશ. આજકાલના યુવાનોની આ જ તકલીફ છે. કોઈ યુવતી તેમની સામે જોઈ જરાક સ્મિત કરે કે તેઓ તેને પ્રેમનો પ્રસ્તાવ સમજી લે છે. સાંભળ, પ્રિયકાંત જેવા યુવક સાથે લગ્ન કરવા કરતા હું આજીવન કુંવારી રહેવાનું વધુ પસંદ કરીશ. ન કપડા પહેરવાનો ઢંગ કે ન બોલવાની ઢબ. ન કેરિયરની ફિકર કે ન સમયની કિંમત. આજનો જ દાખલો લે, તેણે કેવો મારો સમય બગાડ્યો. અને હા, થોડીવાર પહેલાં તેં શું કહ્યું ? તારો દોસ્ત શરમાળ છે ! માફ કરજે પણ મને એ શરમાળ નહીં પણ માનસિક રીતે બિમાર વધુ લાગે છે. તું એનો દોસ્ત છે ને ? તો પછી એને જઇને સમજાવ કે છોકરી ગોતવા કરતા કોઈ સારી નોકરી ગોતે. જેથી તેનો કોઈ ઉદ્ધાર થાય. એ તો સારું થયું કે એ મારું સામું કંઈ એલફેલ બોલ્યો નહીં. નહીંતર...”

“તારી આટલી વ્યસ્તતા હતી તો પછી તું પ્રિયકાંતને મળવા અહીં કેમ આવી ! તને પણ એની મહત્વની વાત જાણી લેવામાં રસ તો હતો જ ને ?”

“ઓ બાપરે ! આવી આછકલી વાતોને તમે મહત્વની ગણતા હશો, પણ હું નહીં. મારા પિતાજીના નામે ત્રણ નામાંકિત કંપનીઓ છે. મારા ઘણા પરિચિતોને મેં તેમાં નોકરી અપાવી છે. મને એમ કે પ્રિયકાંત પણ નોકરી બાબતે મને મળવા માંગતો હશે. મારા લીધે કોઈ ગરીબનું ભલું થતું હોય તો ખોટું શું છે. આમ વિચારી હું તેને મદદરૂપ થવા અહીં આવી હતી. પરંતુ આજકાલના યુવાનોને તો ટૂંકો માર્ગ અપનાવવાનો છે. મોટા માણસની નોકરી નહીં પરંતુ સીધી તેની છોકરી જ પટાવવી છે. જેથી તેના પૈસે આરામથી લીલાલહેર કરી શકાય. એક વાત કહું ? આ રોમિયોગીરીમાં તારા દોસ્તે આજે સોનેરી તક ગુમાવી દીધી. કારણ આજે જો નોકરી વિષે પ્રિયકાંતે મને પૂછ્યું હોત તો મેં ચોક્કસ હા પાડી હોત.”

આમ કહી આહના કેન્ટીનમાંથી સડસડાટ બહાર નીકળી ગઈ.

હું વિલે મોઢે ત્યાંથી જવા પગ ઉપાડી જ રહ્યો હતો ત્યાં થાંભલા પાછળથી પ્રિયકાંત ઓચિંતો મારી સામે આવીને ઊભો રહ્યો હતો. તેને આમ મારી સામે આવેલો જોઈ હું હેબતાઈ ગયો હતો. હું મૂંઝવણમાં પડી ગયો કે હવે તેને શું કહેવું ?

સાચી હકીકત જણાવીશ તો પ્રિયકાંતને કેટલો આઘાત પહોંચશે. ના... ના... હું તેના હ્રદયને ઠેસ પહોંચાડવા માંગતો નહોતો.

સમયનો પ્રવાહ તેના વહેણમાં જૂની યાદોના નિશાન પણ મિટાવતો જાય છે. સમય જતા પ્રિયકાંત પણ આહનાને ભૂલી જશે. એમ વિચારી મને તે ઘડીએ ચુપ રહેવામાં જ શાણપણ લાગ્યું. પ્રિયકાંતની લાગણી દુભાય નહીં એ માટે હું તેની ક્લ્પોકલ્પિત વાતોમાં યંત્રવત હોકારો દેતો ગયો.

આ ઘટના બાદ જયારે પણ પ્રિયકાંત મળતો ત્યારે તેને હકીકતથી વાકેફ કરાવવાની મારી ઈચ્છા થતી. પરંતુ તેની તડપ જોઈ મારી હિંમત ચાલતી નહીં. એક અધુરી વાતને સનાતન સત્ય સમજી મારો દોસ્ત જિંદગીભર રિબાતો રહ્યો. અને આખરી શ્વાસ સુધી આહનાના ભ્રામિક વિરહમાં તડપતો રહ્યો.

કાશ ! હું પ્રિયકાંતને કહી શક્યો હોત કે, આહનાને ભૂલી કોઈ બીજી છોકરી સાથે ઘર સંસાર માંડ. કાશ ! મેં હિંમત દાખવી તેને સત્યથી પરિચિત કરાવ્યો હોત. કાશ! હું તેને કહી શક્યો હોત કે જે આહનાને તું દિલોજાનથી ચાહે છે તે તારા પ્રેમની હાંસી ઉડાવે છે! કાશ! હું તેને કહી શક્યો હોત કે આહનાએ તે દિવસે ‘પ્રિયકાંતે મને પૂછ્યું હોત તો મેં ચોક્કસ હા પાડી હોત.” એમ કહ્યું હતું ખરું પણ... એ પ્રેમના પ્રસ્તાવ માટે નહીં પરંતુ નોકરી બાબતે કહ્યું હતું. કદાચ આ સાંભળીને તેને ક્ષણભરનો આઘાત લાગ્યો હોત પરંતુ આમ આખી જિંદગી તડપ્યો તો ન હોત.

હું સત્યના અજવાળા થકી મારા દોસ્તની આંખ સામે પથરાયેલા અસત્યના અંધકારને હટાવી ન શક્યો. કાશ! હું કહી શક્યો હોત કે આહના ક્યારેય નહોતી પ્રિયકાંતની પ્રિયતમા.


Rate this content
Log in

Similar gujarati story from Romance