Prashant Subhashchandra Salunke

Fantasy Inspirational

4.2  

Prashant Subhashchandra Salunke

Fantasy Inspirational

કોણ સાચું, કોણ ખોટું ?

કોણ સાચું, કોણ ખોટું ?

5 mins
518


"રાતથી હું વિખરાયેલી હાલતમાં આ ભોંય પર પડેલો છું. પરંતુ મારો દોષ શું ? શું કોઈને તેની વાસ્તવિકતા દેખાડવી એ ગુનો છે ? શું કહ્યું ? હું કોણ ? અરે ! તમને મારો પરિચય આપવાનો તો રહી જ ગયો ! દોસ્તો, હું મારા માલિક માનવના ઓરડામાં ગોઠવાયેલો એક ભવ્ય અને દિવ્ય અરીસો હતો. જોકે હાલમાં હું ટુકડે ટુકડામાં પરિવર્તિત થઈને ભોંય પર વિખરાયેલો પડ્યો છું. જાણો છો કેમ ? કારણ મારા માલિકે મને મારા કર્મોની સજા આપી છે. પરંતુ તેમાં મારો દોષ શો ?

પૂર્વે રોજ સવારે ઊઠીને માનવ મારી અંદર પોતાનું રૂપ નિહાળીને આનંદીત થતો. તક મળે ત્યારે મારી અંદર જોઈ તે તેના કપડા અને વાળને સરખા કરી લેતો. પરંતુ પાછલા કેટલાક દિવસથી પરીસ્થિતિ બદલાઈ રહી હતી. હંમેશા ખુશ રહેતો માનવ હવે ઉદાસ ઉદાસ રહતો હતો. કોઈક વાત હતી જે તેના મનને કોરી રહી હતી. આ પહેલા મેં માનવને ક્યારે આટલો વ્યથિત અને ચિંતિતિ જોયો નહોતો. કદાચ ભૂતકાળમાં કરેલી ભૂલો યાદ કરી તે પસ્તાઈ રહ્યો હતો. વળી તેના ગુનાને કોઈ સામે વ્યક્ત કરી તે પોતાનું મન હળવું પણ કરી શકતો નહોતો. વળી ધારે તો પણ તે આમ કરી શકતો નહોતો. કારણ આ દુનિયામાં તેનું પોતીકું કહી શકાય તેવું કોઈ નથી.

તેની શાંતિ નામે એક પત્ની હતી. પરંતુ થોડાક દિવસો પૂર્વ શાંતિ પણ માનવને તરછોડીને જતી રહી હતી. હવે માનવને તરછોડીને શાંતિ કેમ ગઈ તેનું કારણ હું નથી જાણતો. વળી માનવે પણ તે અંગે મને ક્યારેય કશું જણાવ્યું નથી. હું માનવને તેનું પ્રતિબિંબ દેખાડી શકું છું પરંતુ તેના મનની વાતને થોડી કળી શકું છું ? હા, પણ મને એ યાદ છે કે ઘર છોડીને જતા પહેલા શાંતિ એટલું જરૂર બોલી હતી કે, “માનવ, જો લગ્ન પહેલા તારો વાસ્તવિક ચહેરાનો મને આભાસ થયો હોત તો મેં તારી સાથે ક્યારેય લગ્ન કર્યા ન હોત !”

માનવ અસમંજસથી શાંતિને જતી જોઈ રહ્યો. તેને ખબર જ પડતી નહોતી કે આખરે તેની ભૂલ ક્યાં થઇ હતી. કાશ ! હું માનવને તેના અસલ ચહેરોનો આભાસ કરાવી શક્યો હોત. જોકે આ પણ હકીકત છે કે માનવ વિષે હું ઝાઝું જાણતો નથી. બસ એ બનીઠનીને મારી આગળ આવીને ઊભો રહે એ ક્ષણ પુરતો જ મને તેનો પરિચય.

એક અરીસા તરીકે મારી પણ કેટલીક મર્યાદા છે. હું વસ્તુને એટલી જ જોઈ શકું છું કે જેટલી તે મારી આગળ આવે છે. હવે માનવ મારી સામે આખા દિવસમાં ગણીને કેટલીવાર આવે ? તમે જ વિચારી જુઓ ! હા, સવારે તૈયાર થઈને તે મારી સામે આવી ઊભો રહે ત્યારે હું પણ તેને તેનું ચકાચક રૂપ બતાવી ખુશ રાખવાનો પ્રયત્ન કરતો હોવું છું. હું માનવના ઓરડામાં આખો દિવસ હોવું છું એ વાત સાચી પરંતુ માનવને જાણવા સમજવા તે ઓરડામાં હોવો તો જોઈએ ને ? એ તૈયાર થઈને ઘરમાંથી બહાર નીકળી એટલે તેની પાછળ પાછળ હું થોડી જઈ શકું છું ! હું તો તેના ગયા બાદ આખો દિવસ ઉદાસ વદને ઓરડાની આ દીવાલ પર ચુપચાપ ટીંગાઈ રહું છું.

સવારનો ગયેલ માનવ છેક મોડી સાંજે ઘરમાં લથડીયા ખાતો દાખલ થતો. ક્યારેક ક્યારેક મોડી રાતે પણ આવતો. તેનું કોઈ ઠેકાણું નહોતું. શાંતિના ઘર છોડીને ગયા બાદ આ હવે તેનો આ રોજનો ક્રમ બની ગયો હતો. ચિક્કાર દારૂ પીને તે નશાની હાલતમાં મારી સામે આવીને ઊભો રહેતો અને અનાપશનાપ બકવાસ કરવા લાગતો. મારામાં પોતાનું પ્રતિબિંબ જોઈ તે ગામ આખાને ગાળો ભાંડતો. ક્યારેક ક્યારેક શાંતિને પણ ભલુંબુરુ કહેતો. બિચારો માનવ ! શાંતિના ઘર છોડીને ચાલ્યા જવાથી તેને ઘરમાં એકલતા કોરી ખાતી હોય તેમ તે મારી સામે આવીને લવારા કર્યા કરતો. પરંતુ એક વાત કહું માનવની એકલતાને કારણે હવે મારી એકલતા જરૂર દુર થઇ ગઈ હતી. દુઃખ બસ એ વાતનું હતું કે માનવ હવે ઉદાસ અને હતાશ રહેતો હતો. ક્યારેક અમથો અમથો બબડ્યા કરતો તો ક્યારેક હસતા હસતા રડી પડતો. દિનબદિન તેની હરકતો વિચિત્ર થતી જતી હતી.

એ દિવસે માનવ તેના હાથમાંની શરાબની બોટલ એક તરફ મૂકી મારી સમીપ આવ્યો અને પોતાના ગજવામાં હાથ નાખી તેમાંથી મોબાઈલ ફોન કાઢ્યો. હું ચુપચાપ તેની હરકતો જોઈ તેનું અનુકરણ કરી રહ્યો હતો. કંઇક વિચારી માનવે શાંતિને ફોન જોડ્યો. થોડીવાર રીંગ વાગી અને આખરે સામે છેડેથી શાંતિનો મધુર સ્વર સંભળાયો, “હલ્લો...”

“હું માનવ બોલું છું.”

બંને જણા થોડીવાર માટે ચુપ થઇ ગયા. માનવના હ્રદયના ધબકારા વધી રહ્યા. આખરે મૌનને તોડતા માનવે કહ્યું, “શાંતિ, "તું કેમ મને છોડીને જતી રહી ?”

અચાનક ઓરડામાં ટ્યુબલાઈટ લબકઝબક થવા માંડી. અરીસામાં દેખાઈ રહેલો હું અલપઝલપ થવા માંડ્યો. ઓચિંતા અરીસામાં દેખાઈ રહેલા પ્રતિબિંબમાં માનવને તેનો વાસ્તવિક ચહેરો દેખાઈ આવ્યો!

“શાંતિ, તું કેમ મને છોડીને જતી રહી ? શાંતિ, તું કેમ મને છોડીને જતી રહી ?શાંતિ, તું કેમ મને છોડીને જતી રહી ?”

માનવે પુછેલા પ્રશ્નએ તેની અંતરાત્માને જગાડી હતી. કદાચ આ તેનો જ ચમત્કાર હતો. અમો અરીસા તમને તમારો વાસ્તવિક ચહેરો દેખાડી શકીએ છીએ. પરંતુ એ માટે તમારી પાસે પણ એવી નજર હોવી જોઈએ ને ! હૃદયના બારણા જ જયારે બંધ હોય ત્યારે તેમાંથી સંવેદના કેવી રીતે બહાર આવી શકે ? વાસ્તવિકતાનો આભાસ થવા માટે હ્રદયના દ્વાર પર એક ટકોરો વાગવો ખૂબ જ જરૂરી છે. પિશાચ કરતાં પણ ભયાનક એવો તેનો અસલી ચહેરો અરીસામાં જોઈ માનવ ક્ષણભર હેબતાઈ ગયો. તેના મસ્તિષ્કમાં શાંતિએ કહેલું વાક્ય ગુંજી રહ્યું, “માનવ, જો લગ્ન પહેલા તારો વાસ્તવિક ચહેરો મારી સામે આવ્યો હોત તો મેં તારી સાથે ક્યારેય લગ્ન કર્યા ન હોત !”

ટ્યુબલાઈટના એ ઝગમગ થઇ રહેલા પ્રકાશમાં જે ચહેરો મેં માનવથી આજદિન સુધી છુપાવી રાખ્યો હતો તે આમ અચાનક તેની સામે આવી જતા માનવ હેબતાઈ ગયો હતો. શરાબના નશામાં ધુત માનવ તેના જમણા હાથની મુઠ્ઠી વડે મારા પર પ્રહાર કરતા તાડૂક્યો, “કોણ કહે છે કે અરીસો ક્યારે જુઠું નથી બોલતો ? તેં મને મારો અસલી ચહેરો પહેલા કેમ ન દેખાડ્યો ? બોલ ?”

“ખનનન”ના અવાજ સાથે હું વિખરાઈ ગયો. માનવના હાથને થોડીઘણી ઈજા થઇ પરંતુ મારું તો સમગ્ર અસ્તિત્વ જ છિન્નભિન્ન થઇ ગયું હતું ! માનવનો અંતરાત્મા મોડો જાગ્યો હતો તેમાં મારો દોષ !

મેં માનવને તેનો અસલી ચહેરો અગાઉથી જ બતાવી દીધો હોત. પરંતુ જો મેં એમ કર્યું હોત તો માનવ ફરી ક્યારેય મારી આસપાસ પણ ફરક્યો હોત ? માનું છું કે મારી ભૂલનું જ માઠું પરિણામ હાલ હું ભોગવી રહ્યો છું. અહીં ભોંય પર વિખરાયેલી હાલતમાં તમને સહુને એક પ્રશ્ન પૂછવાનું મને મન થાય છે કે, શું અરીસામાં તમારો અસલી ચહેરો જોવાની હીંમત તમે રાખો છો ? તો જવાબ છે ના. આ હું તમને પુરા આત્મવિશ્વાસથી એટલા માટે કહી શકું છું કારણકે અસલી ચહેરો જોયા પછીનું દર્દ મેં માનવના ચહેરા પર નજરોનજર નિહાળ્યું છે. મને તો હજુપણ એ સમજાઈ નથી રહ્યું કે શું માનવે મારા પર પ્રહાર ખુદને સજા આપવા કર્યો હતો કે મને સજા આપવા ?

હવે તમે જ કહો કે દોષી કોણ ? પોતાની જ મસ્તીમાં મસ્ત રહી અરીસામાં પોતાના વાસ્તવિક ચહેરાને આભાસ સમજી બેસનાર માનવ કે પછી માનવની ભલાઈ માટે તેના વાસ્તવિક ચહેરાનો આભાસ કરી અપાવનાર હું અરીસો બોલો ? કોણ સાચું, કોણ ખોટું ?


Rate this content
Log in

Similar gujarati story from Fantasy