પત્રસેતુ
પત્રસેતુ
અતિપ્રિયમાં અતિપ્રિય મારી સંવેદના,
આજ વર્ષો પછી એક રુડો અવસર મળ્યો તને પત્ર લખવાનો. વર્ષોના વહાણા વહી ગયા. આપણે દૂર થઈ ગયા, દિલમાં ઉભરાતા શબ્દો એ કવિતાનું સ્વરૂપ લઈ લીધું, પણ તારા સુધી મન ના ભાવો ને પહોંચાડી શકવાનું શક્ય ન બન્યું. તું દૂર હોવા છતાં પણ એટલી જ નજીક છો કે આંખ બંધ કરી ને પણ તને જોઈ શકું. સ્મરણથી તો તું મારી આસપાસ જ છો.
સંજોગો ને આધીન છો તું, તે જાણું છું હું. મને નથી તારાથી ફરિયાદ. યાદ-ફરિયાદમાં સમય નહીં ગુમાવું કારણ આજ શબ્દથી તું છે મારી સાથ. ધડકન મારી જરુર પહોંચશે તારા સુધી અને 'વેલેન્ટાઈન ડે' ના દિવસે તું મને અચુક કરીશ યાદ.
નથી તું વોટસએપમાં, નથી તું ફેઈસબુકમાં, તું તો છે મારા દિલમાં.
આપણે છૂટા પડ્યા તેને વર્ષો થઈ ગયા, છતાં આજે પણ તું મારાથી હતી તેનાથી પણ વધુ નજીક છો. શા માટે? તું જાણે છે? તારી યાદ મારા રોમેરોમ માં વણાયેલી છે. તું મારામાં સમાયેલી છો. આ હું અને તું વચ્ચે ખોવાયા છીએ આપણે.
જિંદગી માં સબંધો તો ઘણાં હોય છે. પણ તારો અને મારો સબંધ અલૌકિક છે. તારી સાથે વિતાવેલો સમય મારો સર્વશ્રેષ્ઠ સમય છે. વર્ષો પછી પણ આપણા સબંધ ની મહત્તા યથાવત છે.
ધ્રુવે જેમ ભગવાન ની તપસ્યા કરી ને અવિચળ સ્થાન લીધું છે, તેમ તેં પણ મારા દિલમાં અવિચળ સ્થાન લીધું છે. મને લાગે છે કે ચોક્કસ, ક્યારેક, કોઈક ભવમાં મેં પણ તારા માટે તપસ્યા કરી હશે અને મારી તપસ્યા અધૂરી રહી ગઈ હશે એટલે જ તું માત્ર સ્મરણોથી જ મારી સાથે છો. તારા અને મારા વચ્ચેનો રૂણાનુબંધ ભવોભવનો હશે અને રહેશે.
આપણે સાથે વિતાવેલા એ સૂવર્ણ સમય ની પળેપળ મારા દિલોદમાગમાં અંકિત થયેલી છે. જ્યારે આંખ બંધ કરું ને ત્યારે એ સમય ને હું માણી શકું છું. કોઈક ને આ અતિશયોક્તિ લાગશે પણ તારી યાદો નું સામ્રાજ્ય મારી આસપાસ વિસ્તરેલું છે. તારા એ પત્રો હજુ પણ સચવાયેલા છે. કાગળ કદાચ જર્જરિત થશે, પણ ના તો તારા શબ્દો કે ના તો તારી યાદ જર્જરિત થશે. તારા પત્રો ને જ્યારે હું ફરી-ફરી ને વાંચુ છું ત્યારે હું તારામય થઈ જાઉં છું. એ તારા સ્નેહ નીતરતા શબ્દો મારી આસપાસ આવી ને ગોઠવાય જાય છે.અને પછી હું એ દિવ્યલોક માં પહોંચી જાઉં છું. જ્યાં માત્ર તું અને હું બે જ છીએ.એ શબ્દો જીવંત બની ને તારું સ્વરૂપ લઈ લે છે અને હું તારા એ દિવ્યપ્રેમમાં ખોવાઈ જાઉં છું.
આપણી આસપાસ સ્નેહભર્યું એ મધુર સંગીત અને તેના લયમાં થિરકતા આપણા હૃદય ના ભાવો,આપણા વચ્ચે શ્વસતી એ સંવેદના જ આપણા વચ્ચે ઐક્ય સાધે છે. રિસામણા મનામણા એ તો પ્રેમ નું એક સ્વરૂપ છે.એ તારું રિસાવું ને મારું મનાવવું એ અલૌકિક પળ હું ક્યારેય ભૂલી શકીશ નહીં. સમયસર તું જ્યારે ન મળે ત્યારે મારું ગુસ્સે થવું ને તને જોઈ ને જ ગુસ્સાનું ગાયબ થઈ જવું એ જ આપણા પ્રેમ ની સાક્ષીરૂપ હતું.
આજ ના આ ઈન્ટરનેટ યુગ માં વીતેલા સમય ને ફરી ફરી ને નિહાળી શકાય છે. પણ આપણા સમય ને નિહાળવા મને કોઈ મીડિયા ની જરુર નથી પડતી. હું આંખ બંધ કરું ને તારો અહેસાસ થાય. મારા મગજની ફાઈલમાં સચવાયેલો એ સમય દ્રશ્યમાન થાય અને ચલચિત્રની જેમ જ તારી યાદો ને નિહાળી શકું છું. અને તારો એ મધુર અવાજ પણ મારા કાન ને તારા આગમન ની જાણ કરી દે.તું જ્યારે મને મળવા આવતી ત્યારે મારી ધડકનની ગતિ
વધી જતી. અને આજ પણ એમ જ છે. માત્ર તારી યાદથી જ મારી ધડકન તેજ ગતિ પ્રાપ્ત કરી લે છે અને હું ફરીથી તારામય બની જાઉં છું. વર્ષોથી તું મારાથી દૂર છો પણ આપણો પ્રેમ તો અવિરત છે તેને દૂર હોવા સાથે કોઈ નિસ્બત નથી. અત્યારે તું ક્યાં હોઈશ એ ભલે મને ખબર ન હોય પણ હા એટલું તો જરુર કહી શકું કે તું જ્યાં હોઈશ ત્યાં તારા દિલમાં મારો એક ધબકાર તો જરુર હશે જ. તું તારા દિલની વાત કદાચ કોઈ ને જણાવી નહીં શકે પરંતુ તારા દિલ ની વાત તારી જાણ બહાર મારા દિલ ને જરુર પહોંચી જશે. અને એ જ આપણી ટેલીપથી આપણ ને એકબીજાથી દૂર નહીં કરી શકે.
આપણો સ્નેહ પાણી જેવો જ સ્વચ્છ છે. પાણી ને આકાર નથી, રંગ નથી, સુગંધ નથી. છતાં પણ તેનું ખૂબ જ મહત્વ છે. જિંદગીની મહત્વની જરુરિયાત છે. બસ તે જ રીતે તારી યાદ મારા માટે એટલી જ મહત્વ ની છે.
પ્રેમ નું એક બીજ વવાય ને ત્યારે જ સબંધ વૃક્ષ ઊગે છે. એને સંવેદનાનું ખાતર મળતું રહે તો જ પ્રેમનાં ફૂલો ખીલે છે અને જીવનબાગ મહેકતો રહે છે.
આજે પણ મને યાદ છે આપણી પ્રથમ મુલાકાત
દિલ ના દ્વારે દસ્તક હતી આપણી પ્રથમ મુલાકાત
અસમંજસ આંખોની હતી આપણી પ્રથમ મુલાકાત
ધડકતા દિલની હતી આપણી પ્રથમ મુલાકાત
મિત્રતા ની મહોર હતી આપણી પ્રથમ મુલાકાત
પ્રેમ ની શરુઆત હતી આપણી પ્રથમ મુલાકાત
યાદ બની રહી ગઈ છે, આપણી પ્રથમ મુલાકાત.
તારી પ્રથમ મુલાકાત તો મારા માટે અવર્ણનીય છે.પણ એ પછી ની હરેક મુલાકાત મારા માટે મહત્વ ની રહી છે. તારી ભૂરી-ભૂરી આંખોમાં રહેલાં ભાવો ને મેં નિહાળ્યા છે. તારી આંખ એ જ તારું પ્રતિબિંબ છે. એવું મેં અનુભવેલું છે. તારો ઊર્મિશીલ સ્વભાવ મેં જાણ્યો છે. તારી આંતરમુખી પ્રતિભા ને હું સમજી શકું છું. માટે જ મેં તને ક્યારે ફરિયાદ રૂપે નથી જોઈ. મારો સ્વભાવ વિપરીત હોવાથી મેં કદાચ તારા પાસે ઘણી અપેક્ષા રાખી હશે. પણ એટલું જરૂર કે મારી અપેક્ષા પાછળ મારો તારા પ્રત્યેનો પ્રેમ માત્ર જવાબદાર છે.
આપણું સાથે રહેવાનું પ્રારબ્ધ નહીં હોય, પણ એટલું જરૂર કે તું ગમે ત્યાં હોઈશ પણ મને નહીં ભૂલી શકે. મને મારા પ્રેમમાં એટલો વિશ્વાસ છે. તારી યાદોએ જ મને નવજીવન આપ્યું છે. બસ તારા અને મારા સબંધો ને યાદ કરીને હું માત્ર એટલું જ કહીશ, નહી મૂકાય ક્યારેય પૂર્ણવિરામ આપણા સંબંધોને. ગયો ભવ ,આ ભવ અને આવતો ભવ અલ્પ વિરામ જ રહેશે. આપણે હતા, છીએ ને રહેશું. બનશું આત્માથી પરમાત્મા ત્યારે પણ નહિ મૂકાય પૂર્ણવિરામ આપણા સંબંધોને.
મને ખબર છે મારા શબ્દોને હું તારા સુધી નહિ પહોચાડી શકું. છતા પણ આ પત્રસેતુ દ્વારા મારા શબ્દોને અંકિત કરી લઉં છું. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધીના જીવન માટે હેપ્પી વેલેન્ટાઈનસ ડેઝ.
-સ્પંદન