અપરિચિત
અપરિચિત
એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. મેં અજાણ્યો નંબર હોવાથી ફોન રિસીવ ન કર્યો ફરી કોલ આવ્યો. ફરી મેં કટ કર્યો. આમ ચાર પાંચ વખત ફોન કટ કર્યા પછી મને લાગ્યું કે મારે આ નંબર પર સંપર્ક કરી લેવો જોઈએ. અને મે એ નંબર જોડયો. સામે છેડેથી એક શિથિલ અવાજ સંભળાયો. "બેટા તું ક્યાં છો ? હું તને કયારની ફોન કરું છું પણ કટ થઈ જતો હતો. તું કેટલા દિવસથી મને મળવા નથી આવ્યો. તું દવા લેવા જાઉં છું એમ કહીને ગયો પછી આવ્યો જ નહીં હું તારી રાહ જોઉ છું તું આવીશ ને !" .
મારાથી અનાયાસે જ એમ બોલાય ગયું કે હા મા હું આવું જ છું. જોકે ફોન તો મુકાઈ ગયો હતો. પણ એ અવાજ સાંભળીને મારી મા મને યાદ આવી ગઈ.એક અપરિચિત અવાજે મને પરિચિત અવાજની નિકટ મૂકી દીધો. અને હું જીવન સંધ્યા આશ્રમમાં રહેતી માતાને મળવા ગયો. હા મા તો મળી પણ મને ઓળખી ન શકી.
વૃધ્ધાશ્રમના સંચાલકે જણાવ્યું કે, "તમારી મા તમને સતત યાદ કરતાં હતાં. અમે તમને મળવા માટે ફોન કરતાં રહ્યાં પણ તમારો સંપર્ક થયો નહીં." .
થોડા દિવસોથી તેમની યાદદાસ્ત જતી રહી છે. માત્ર ક્યારેક એટલું જ બોલે છે મારો સુધીર મને મળવા જરૂર આવશે.
સુધીર સંચાલકની વાત સાંભળીને રડી પડ્યો. તે તેની માને બાથ ભરી રોતો રહ્યો. અને માફી માંગતો રહ્યો. તેણે સંચાલક પાસે તેની માને સાથે લઈ જવાની વાત કરી. સંચાલક કંઈક જવાબ આપે એ પહેલાં જ સુધીરના હાથમાં રહેલો મા નો હાથ નિશ્ચેતન થઈ ગયો.