Hiren MAHETA

Thriller Others Children

4.8  

Hiren MAHETA

Thriller Others Children

ભાઈની ભેટ

ભાઈની ભેટ

7 mins
439


‘એય, દીદી ! હજી કેટલી વાર છે ? ક્યાં સુધી મહેંદી મુકાવીશ ?’, માંડ સાતેક વર્ષનો એક છોકરો, ઉપર ટી શર્ટ અને નીચે પહેરેલી ચડ્ડીમાં ખીચોખીચ ભરેલા એ ઓરડામાં આવીને ઊભો રહ્યો અને વચ્ચોવચ્ચ બેઠેલી પોતાની બેનને હાથ પકડીને ઉઠાવી રહ્યો હતો. એની આંખોમાં ઉંઘ ઠસોઠસ ભરેલી હતી. મોઢે બગાસાં ખાતો ખાતો તે બહેનનો હાથ પકડીને ખેંચવા લાગ્યો. જામેલો ઉત્સવ અટકી ગયો. ત્યાં બેઠેલી સ્ત્રીઓની પૂરઝડપે દોડતી વિચારમાળા અટકી પડી. એમના હૃદયમાં હિલ્લોળે ચડેલા આનંદની લહેરો થોડી વાર શમી ગઈ. બધાનું ધ્યાન આ સાતેક વર્ષના લાલિયા પર આવીને ઊભું રહ્યું. 

   માણેકદાસનાં ઘરમાં આજે ફળિયાની અને ગામની સ્ત્રીઓ ગાણા ગાવા એકઠી થયેલી. તેમની દીકરી માધવીનો માંડવો રોપાયો હતો અને આજે ઘરમાં મહેંદીની રસમ ચાલી રહી હતી. આવતી કાલે ફૂલેકું અને પરમ દિવસે જાન આવવાની. આખાય ગામમાં અને સગાસંબંધીઓમાં નોતરું દેવાઈ ગયું હતું. નજીકના સગાઓ તો બે દિવસ ઉપર જ ધામા નાખીને બેઠા હતા. લગ્ન માટે આણેલું સીધું પણ પરસાળમાં એક બાજુ ખડકી દીધું હતું. ઘર આખુંય નવા રંગે રંગાઈ ગયેલું. ટમટમ કરતી પેલી નાની લાઈટોની હારમાળાએ ઘરને અજવાળી દીધું હતું. આગળ મંડપ ઊભો થઈ ગયેલો અને ક્યાંક બાકી રહેતું કામ માણેકદાસનાં વિશ્વાસુ માણસો પૂરું કરી રહ્યા હતા. માણેકદાસ પોતે પુરુષવર્ગની સરભરામાં આમતેમ દોડ્યે જતા હતા.

ગામમાંથી આવેલો પુરુષવર્ગ પતાસા અને મીઠાઈની રાહ જોતો ફળિયામાં વચ્ચોવચ્ચ ખાટલાઓ અને ખુરશીઓમાં ગોઠવાયેલો હતો. વસંતની રાત્રીએ વહેતા પવનની શીતળતા વચ્ચે રાજનીતિથી લઈને ગઈકાલે ચરાણે ગયેલા ઢોરમાંથી ગુમ થયેલી વાછરડી સુધીની વાતો વહેતી થયેલી. તાળીઓના તડાકા લઈને વાતો કરતો પુરુષવર્ગ પોતાની મસ્તીમાં મસ્ત હતો. ક્યારેક ક્યારેક તેમાં અટ્ટહાસ્યના ફૂવારા પણ વછૂટી ઉઠતાં. 

તેમની પત્નીઓએ અંદરના ઓરડામાં જમાવટ કરેલી. માધવીને ઓરડાની વચ્ચે બાજોઠ પર બેસાડેલી. એના નાજુક હાથો પર સહિયારો મહેંદીની અવનવી ભાત કાઢતી હતી. દુલ્હનને શોભે તેવી નવી ભાતવાળી મહેંદી તેના હાથ ઉપર ઉતારી રહી. ક્યાંક ક્યાંક વચ્ચે ગામમાં પરણીને આવેલી જુવાન સ્ત્રીઓ ટાપશી પુરાવતી, ‘જો જે, એની મહેંદીમાં પ્રેમનો રંગ બરાબર ખીલવો જોઈએ. હાં કે?’ વળી બીજું કોઈ આઘેથી જ બુમ પાડીને કહેતું, ‘અલી, વાતોમાં ને વાતોમાં ક્યાય જમાઈનું નામ ન રહી જાય લખવાનું.’ અને એ સાથે જ બધી સ્ત્રીઓ ખીલખીલાટ હસી પડતી. પુરુષવર્ગથી દુરી અનુભવતા જ મોકળાશમાં આવેલી સ્ત્રીઓ આજે આનંદના ઘૂંટડા મનભરીને માણવા કોઈ કચાશ બાકી રાખવાની ન હતી. ઓરડાના એક ખૂણેથી ઉઠેલું ઉત્સાહનું મોજું બીજા ખૂણા સુધી પહોંચે તે પહેલા તો કોઈ બીજું મોજું આખાય ઓરડાને રંગીન બનાવવા તૈયાર રહેતું. થોડી અનુભવી સ્ત્રીઓ કન્યાને ધ્યાનમાં રાખીને કોઈ નવું ગીત શરુ કરતી તો જુવાન વહુવારુઓ તેને હલકથી ઉપાડી લેતી.

‘લીલી મહેંદી ને લીલી ઓઢણી,

એનો રંગ ગયો ગુજરાત રે….

મહેંદી રંગ લાગ્યો….’

કોઈ કોઈ તો ઉત્સાહમાં આવીને ચહેરાના પુરા હાવભાવથી ગીત ઉપાડતા તો કોઈ નવા ગીતમાં અંતની કડીઓમાં જ પોતાનો સૂર પુરાવતા. કોઈ લજામણીનાં ફૂલની જેમ શરમમાં ખાલી હોઠ ફફડાવી બેસતા તો કોઈ અતીઉત્સાહિત થઈને ગીતનો સૂર ભૂલીને રાગડા તાણી રહેતા. આવી જામેલી જમાવટમાં લાલિયો આવી ચડ્યો અને રંગમાં ભંગ પડ્યો. 

   ત્યાં પાસે બેઠેલી લાલીયાની મામીએ એના બરડા પર ટપલી મારીને પૂછ્યું, ‘કેમ, લાલિયા? તારે તારી દીદીનું શું કામ છે?’ મામીના મનમાં ઉન્માદે ચડેલો ઉત્સાહ હજુ શાંત પડ્યો નહોતો. એણે તો એ મસ્તીમાં ને મસ્તીમાં લાલીયાના બોલવાના હલકની નકલ ઉતારતી હોય એમ બોલી પડી. સાંભળીને સહુ સ્ત્રીઓ હી-હી-હી-હી કરતી ફરીથી મસ્તીમાં કૂદી પડી. લાલીયાની વાતો એમને મન કંઈ પણ ન હતી. 

પરંતુ જ્યાં તેઓ ફરીથી જેવું ગીત ગાવાનું શરુ કરે છે ત્યાં પાછું લાલિયો હાથ પકડીને ખેંચવા લાગ્યો. નાનકડું એનું મ્હો મચકોડીને કહેવા લાગ્યો, ‘ચાલને દીદી! મને ઊંઘ ચડી છે. હવે કાલે ગીતો ગાજે.’ એક તો ઊંઘમાં આવેલો લાલિયો આજે જીદે ચડ્યો હતો. ઘેન ભરેલી આંખો એણે માધવીના ચહેરા પર ગોઠવી. કેવી દયામણી સૂરત કરી હતી એણે! 

પરંતુ માધવી કંઈ બોલે તે પહેલા તો નાની મામી એની નકલ કરતી હોય એમ બોલી ઉઠી, ‘તારે હવે તારી દીદીનું શું કામ છે?’ અને ફરીથી મહિલા મંડળ અટ્ટહાસ્ય કરવા લાગ્યું. 

પોતાની દીદીને મળવાથી રોકનારાઓ પ્રત્યે અણગમો તેના ચહેરા પર સ્પષ્ટ દેખાવા લાગ્યો. ભ્રુકુટી ઉંચે ચડાવીને કંઈક રોષ કરતો હોય તેમ ગુસ્સામાં બોલી ઉઠ્યો, ‘મારે દીદી જોડેથી વાર્તા સાંભળવી છે.’ તેની નાનકડી પાંસળીઓમાં ઊંડાં શ્વાસ ભરીને નાક ફુલાવી ઊભો રહ્યો. તેને જોઈને જ હસી પડાય એવી પરિસ્થિતિ થઈ રહી. 

ત્યાં તો પેલી બાજુએથી કોઈએ ટીખળ કરી, ‘તારી દીદી તો હવે પારકી થઈ ગઈ. કાલે પરણીને જતી રહેશે. પછી તને વાર્તા કોણ કહેશે?’ 

આ સાંભળીને તો તે વધારે ચિડાઈ ગયો. પોતાની દીદી જતી રહેશે આવું કહેનારના તરફ ગુસ્સાથી જોઈને બોલ્યો, ‘મારી દીદી મને છોડીને ક્યાંય ન જાય. એ મને રોજ વાર્તા કહેશે.’ એના નાનકડા બાળકમનમાં હજુ લગ્નની પરિકલ્પના સ્પષ્ટ નહોતી થઈ. પોતાની દીદીના લગ્ન લેવાવાના છે તેના આનંદમાં હતો, પણ લગ્ન પછી દીદી સાસરે જતી રહેશે તેની તેને કલ્પના પણ નહોતી. પોતાની દીદી જ તેના માટે જીવનમાં સર્વસ્વ હતી. 

તેની મમ્મી તે ત્રણેક વર્ષનો હતો ત્યારે ગુજરી ગયેલી. માણેકદાસને બધાએ બીજા લગ્ન કરવા સમજાવેલા કે ઘરમાં કોઈ બાઈ માણસ હોય તો નાના બાળકો સચવાઈ જાય. નહીતર તેઓ કેળવાશે નહિ. પરંતુ માણેકદાસ પારકી માંની પીડા આ બાળકો પર આણવા નહોતો ઈચ્છતો. તેણે લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડેલી. ઘરનું અને બહારનું બધુજ કામ તે પોતાની જાતે કરવા લાગેલો. તેના સાળાએ પણ કહેવડાવેલું કે માધવી અને લાલીયાને પોતાને ત્યાં રાખશે. પરંતુ તેમ કરવું પણ એને યોગ્ય લાગેલું નહિ. 

પછી તો માધવીએ ઘરનું મોટા ભાગનું કામ સંભાળી લીધેલું. ઘરની સાફસફાઈ, કપડા-વાસણ, કચરા-પોતા બધા કામમાં તે પ્રવીણ હતી. રસોઈનું નહોતું ફાવતું તે પણ તે ફોઈ રહેવા આવે ત્યારે તેમની પાસેથી શીખતી ગઈ. 

લાલિયો જ્યારથી સમજણો થયો ત્યારથી માધવીએ એને સંભાળ્યો હતો. એને નવડાવવો, તૈયાર કરવો, બોલતા શીખવાડવું, સારા-નરસાની સમજ આપવી, વાંચતા શીખવવું બધું જ માધવીએ સગી માંના સ્નેહથી કર્યું હતું. તેના પ્રેમવૃક્ષની છાંયામાં લાલિયો બરાબર કેળવણી પામ્યો. સાંજ પડે એટલે લાલિયો પોતાની દીદી સાથે જ સુતો. દીદી એને વાર્તા ન કહે ત્યાં સુધી એને ઊંઘ આવે નહિ. રોજ રાત્રે માધવી કોઈ ને કોઈ વાર્તા કહેતી. એકની એક કહેલી વાર્તા બીજી વાર આવે તો પણ લાલિયાને ગમતું નહિ. પોતાની દીદીને જ પોતાની દુનિયા માની બેઠો લાલિયો બીજા કોઈને તો ગાંઠે જ શાનો! કોઈ તેની દીદીને કશુંક કહે કે ખોડ કાઢે તે પણ તેને પોષાતું નહિ. 

માધવીને બિચારીને એની દયા આવી. પોતાની સોબતે ચડેલો લાયો પોતાના વગર કેવી રીતે રહી શકાશે એ વિચાર મનમાં ઝબકી ગયો અને પળ બે પળ માધવી સ્તબ્ધ થઈ ગઈ. થોડીવાર પછી એણે કહ્યું, ‘લાલુ, તું હમણાં અંદર જઈને આડો પડ હું પાછી આવીને તને વાર્તા કહું છું.’ પરંતુ લાલિયો તો ઉલટાનું ખોટું લગાડી કહેવા લાગ્યો, ‘તું પણ આ બધાની વાદે બગડી ગઈ છે. જા હું તારી સાથે નહિ બોલું.’ એમ કહેતા જ મોઢું ફેરવીને તે દોડી ગયો પોતાના રૂમમાં. માધાવીની આંખોમાં પાણી ભરાઈ આવ્યા. પોતાના વગર પોતાના ભાઈની શી હાલત થશે એ વિચારીને કંપારી છૂટી. માધાવીની આંખના ભીના ખૂણા ત્યાં બેઠેલા સહુ કોઈના મનના ખૂણાને પલડાવી ગયા. ‘બિચારો, માં વગરનો છોકરો!’, એમ નિસાસો નાખતા સહુના રંગ ઉપર વિષાદનું એક મોજું ફરી વળ્યું. 

બીજે દિવસે જ્યારે તે વહેલો જાગ્યો ત્યારે માધવીને પકડીને પૂછવા લાગ્યો, ‘દીદી, તું સાચે મને છોડીને જતી રહીશ? મને હવે તું વાર્તા નહિ કહે?’ એના શબ્દોએ માધવીના હૃદયનાં ધબકારાને વધારી મુક્યા. એની આંખમાંથી પડતા ટીંપાએ લાલીયાની આંખમાં પણ ભીનાશ આણી. માધવીએ થોડા સ્વસ્થ થઈને કહ્યું, ‘હા લાલુ, મારે લગ્ન કરીને બીજે ગામ જવાનું છે. પણ હું અહી આવતી રહીશ.’ પરંતુ લાલિયો તો ધ્રુસકે ને ધ્રુસકે એને વળગીને રડી પડ્યો. કહેવા અલાગ્યો, ‘ના દીદી, ના દીદી, હું તને નહિ જવા દઉં.’ માણેકદાસ પણ આ સાંભળીને રડી પડ્યા. 

માધવીને થતું હતું કે સમય રોકાઈ જાય, પરંતુ ઉલટાનું સમય તો વેગવાન બનીને આગળ વધ્યો. બીજા દિવસે મામેરું આવ્યું, વધાવ્યું, ફૂલેકું થયું, ગાણા થયા પરંતુ લાલીયાની આંખોમાં આંસુ ખૂટે નહિ. એક તરફ લાલિયો અને બીજી તરફ માધવી. બધાએ એમણે સમજાવ્યા પરંતુ કોઈનું કહ્યું માને તો ને ? 

લગ્નનો દિવસ આવ્યો. ગામના પાદરે જાન આવી. શરણાઈના સૂર રેલાયા ઘર આગળ બાંધેલા મંડપમાં લોકોની ભીડ જામી. વરકન્યા ચોરીમાં આવ્યા, મંગલાષ્ટક ગવાયા, ફેરા ફરયા અને વિદાયની વેળા આવી ઊભી. આખુંય ગામ માં વિનાની દીકરીના લગ્નમાં અને એની વિદાયમાં ભીની આંખે શામેલ થયું. માધવીને પોક મુકીને રડતી જોઈ ત્યાં હાજર સ્ત્રીઓને પોતાના મહિયરની યાદ આવી ગઈ. પરંતુ માધવીને મહિયર કરતા પણ પોતાના ભાઈની વેદનાનું વધારે દર્દ હતું. પરંતુ વિદાય વખતે લાલિયો ક્યાંય ન હતો. પાણી ભરેલી આંખે એણે આજુબાજુ નજર ફેરવી જોઈ પણ ક્યાંય દેખાયો નહિ. 

જાન વળાવવા સહુ ફળિયાને નાકે આવી પહોંચ્યા. કારનું પૈડું સિંચાયું. બંને પક્ષોએ એકબીજાને આશ્વાસનો આપ્યા. પણ માધાવીની નજર તો લાલીયાને શોધી રહી. લાલિયો ક્યાંય જોવા ન મળે. ‘ક્યાં હશે? ક્યાં ગયો? ક્યારે આવશે?’, મનમાં વિચારતા માધાવીની આંખના આંસુ બેવડાઈ ગયા. લાલીયાની શોધ ચાલી પણ ક્યાંય પત્તો ન જડ્યો. છેવટે વિદાયનું મુહુર્ત હાથમાંથી ચાલ્યું ન જાય એટલે જાનને વિદાય આપી. માધવીનું દુઃખ બેવડાયું. લાલિયો ક્યાં ગયો હશે? એ વિચાર એના મનમાં અડીંગો જમાવીને બેઠો.

ગામની બહાર નીકળતો રસ્તો ગામની ફરતે થઈને પૂર્વ દિશાએ જાય. ગાડી બરાબર એ તરફ ચાલી. થોડેક છેટે ગઈ હશે કે દૂર આંબલીની ઝાડ પાસે ગામમાંથી આવતી પગદંડી પર લાલિયો દોડી આવતો હતો. હાથમાં કોઈ કાગળ હતું અને આંખોમાં આંસુ. 

ગાડી ઊભી રહી. માધવી તો ગાડીમાંથી ઉતરતા જ એને ભેટીને રડવા લાગી. લાલિયો અને માધવી એવા ભેટ્યા કે છુટા પાડનારનો દમ નીકળી ગયો. ભાઈ-બહેનનો સ્નેહ જોઈને એની સાસુની આંખમાં પણ આંસુ આવી ગયા. છેવટે લાલીયાએ માધવીના હાથમાં પેલું કાગળ મુક્યું. માધવીએ જોયું તો તેમાં વચ્ચે રાખડી દોરેલી અને બે બાજુ ભાઈ -બહેન. લાલિયો બોલ્યો, ‘દીદી, આ હું છું ને પેલી તું. આ ચિત્ર તારી પાસે રાખજે એટલે તને મારી યાદ આવે.’ એ બોલીને પોતાના ખિસ્સામાંથી એક પોટલી કાઢી, ‘દીદી, બધા કહે છે કે હવે હું મોટો થયો. મારે તને સાચવવાની હોય. લે આ રહ્યા મારા ગલ્લાના પૈસા. આ તારી રાખડીની ભેટ છે. તારે જરૂર પડે તો આમાંથી વાપરજે.’ માધવી તો એના શબ્દો સાંભળીને ખુશ થઈ, પરંતુ એની આંખના આંસુ ઉલટાના વધી પડ્યા. 


Rate this content
Log in

Similar gujarati story from Thriller