સુખડી
સુખડી
‘શાંતિ રાખો ભાઈ’, જટાશંકર સાહેબના જે શબ્દો આમ સામાન્ય દિવસોમાં માનભેર સચવાતા એ આજે ભયંકર કોલાહલમાં વર્ગના કોઈક ખૂણે ડૂબી ગયા. સોળ બાળકોના એ વર્ગમાં જાણે પાંચસો આવી ભરાયા હોય તેવી બુમાબુમી-ચીસાચીસી થઈ રહી. કોઈક બારીના સળિયા પકડીને ઉપર ચડી ગયેલું, તો કોઈક દરવાજાની બહાર નીકળીને બૂમો પાડવા લાગેલું. કોઈક બીજાનો થેલો પકડીને ગોળગોળ ફેરવતું, તો કોઈક પોતાના મિત્રના ખભે બે હાથ દઈને ઊંચા કૂદકા લગાવતું. આખોય વર્ગ વર્ષોની આળસ ખંખેરીને બેઠો થયો હોય તેમ આનંદમાં મશગુલ હતો.
જટાશંકર બૂમો પાડીને થાક્યા હતાં. પરંતુ આજે તેમનું સાંભળવા કોઈ જ તૈયાર નહોતું. છોકરાઓ છેલ્લા આઠ મહિનાથી ફરવા જવાની રાહ જોઈ રહ્યા હતાં. પરંતુ આજે જ જટાશંકરે નમતું જોખીને તેમને ગામની પાસે આવેલા ડુંગર પર લઈ જવાનું જાહેર કર્યું. જાહેર કરતાની સાથે જ બાળકોએ તો હદ કરી નાખી. આખાય વર્ગમાં ‘ફરવા જવાનું-ફરવા જવાનું’ નું રટણ કરતાં બાળકો મસ્તીએ ચડ્યા હતાં.
આમ સામાન્ય દિવસ હોય તો આવું કરનારને જટાશંકર છોડે તેમ નહોતા. પરંતુ તે પણ બાળકોના હૃદયને સમજતા હતાં. પણ તેમનો આ શોરબકોર આખી શાળાને ખલેલ પહોંચાડી રહ્યો હતો. બીજા વર્ગોનું ધ્યાન પણ અહી ખેંચાયું હતું. તેનો ભારે સંકોચ જટાશંકરનાં ચહેરા પર રેખાઓ બનીને ઉપસી આવ્યો હતો. તેમ છતાં તેમણે એટલી કડકાઈથી તેને દબાવવાનો પ્રયત્ન ન કર્યો.
એટલામાં તો મસ્તીએ ચડેલામાંથી કોઈએ બૂમ પાડી, ‘ડુંગર ઉપર આગ લાગી…’ અને બાકીના બધાય બોલી ઉઠ્યા ‘દોડો રે ભાઈ દોડો…’ અને આમ બરાબરનો ખેલ જામ્યો. છેવટે અકળાયેલા જટાશંકરે હાથમાં સોટી પકડીને ટેબલ પર બરાબર બે વાર પછાડી અને આખોય વર્ગ શાંત થઈ ગયો. પેલી બારીએ લટકેલા, બીજાની પીઠે ચડેલા, દફતર ફંગાવતા, વર્ગની બહાર દોડી ગયેલા - બધા જ મોઢું બંધ કરીને પોત પોતાની જગ્યાએ આવીને ગોઠવાઈ ગયા. રખેને સાહેબ ગુસ્સે થાય અને કાલનું ફરવાનું ફેરવી નાખે તો!
એક મિનીટ પહેલા તોફાને ચડેલા બાળકો પણ ડાહ્યા ડમરા થઈને બરાબર ગોઠવાઈ ગયા. સાહેબે વાત શરુ કરી, ‘આવતી કાલે જઈશું તો ખરું, પણ ભૂખ લાગશે ત્યારે શું કરીશું?’ ત્યાં તો આખાય વર્ગે એક અવાજે બૂમ પાડી, ‘નાસ્તો… નાસ્તો… નાસ્તો…’ ફરીથી તેમને જાણે છૂટો દોર મળી ગયો હતો. પરંતુ તે વધારે તોફાને ચડે તે પહેલા જ જટાશંકરે તેમને કાબૂમાં કરી લીધા. પોતાના ચહેરા પરની આનંદની રેખાઓને તેમણે મનના દાબડામાં સંતાડીને ચહેરા પર ગંભીરતા ધારણ કરી લીધી. બાળકોને સૂચના આપી, ‘આવતી કાલે બધાએ પોતાના ઘરેથી સરસ મજાનો નાસ્તો તૈયાર કરીને લઈ આવવો. આપણે બધા એક સાથે બેસીને નાસ્તો કરીશું.’
એટલામાં જ ત્યાં આગળ બેઠેલો કાનાજીનો ટપુડો બોલ્યો, ‘સાહેબ, નાસ્તામાં શું લાવવાનું?’ અને સાહેબ બોલે તે પહેલા જ ત્યાં બેઠેલા બાકીના પંદર મોઢાં એકસાથે ફટાફટ બોલવા લાગ્યા. કોઈએ કહ્યું કે બટાકા પૌહા લાવીએ તો કોઈએ રોટલી શાકનું કહ્યું. પરંતુ ટપુડો તો કહે, ‘સાહેબ, એ તો ઘરે પણ ખાઈએ છીએ. કંઈક નવી વાનગી બનાવી લાવવાનું કહો તો મજા આવે.’ અને એની વાત સાથે આખોય વર્ગ સહમત થઈ ગયો. બધાએ નક્કી કર્યું કે નાસ્તો તો લાવવો, પણ રોજ ખાઈએ છીએ તેના કરતા કંઈક નવું લાવવું. કોઈકે બૂમ પાડીને કહ્યું, ‘હવે, સાહેબ તમે જ કહી દો કે શું લાવવું.’ જટાશંકરે તેમાં વધારે સ્પષ્ટતા કરીને કહ્યું, ‘જોવો, ઘરે એવું હોય તો મુઠીયા, થેપલા, પુરણ પૂરી, કે સુખડી જેવું કંઈક લાવી શકાય.’
એ સાથે જ બીજી ઘણી વાનગીઓના નામ એમાં ઉમેરાયા. સાંભળીને જ બધાના મોઢામાં પાણી આવી ભરાયા. ક્યારે કાલે સૂરજ ઊગે અને ક્યારે અમે ફરવા જઈએ! ક્યારે ડુંગર પર જઈએ અને ક્યારે આ બધું ખાવા મળે! કોઈએ આખાય વર્ગમાં સુખનું પોતું ફેરવી દીધું હતું. આવો ઉત્સાહ જટાશંકરે પણ ક્યારે નહોતો જોયો.
ઘડિયાળમાં પાંચના ટકોરા થયા અને શાળાનો બેલ રણક્યો. એ સાથે જ જાણે સુખનું વાદળ શરીર આમળતું ઉભું થઈને દોડ્યું ઘર તરફ. નિશાળની ઘૂળ પણ જાણે કોઈએ એના કાનમાં કાલે જવાની વાત કરી હોય એમ એકબીજાને બાથે પડતી ઉડવા લાગી. કોઈક પગનાં પંજા પર ઝડપથી ચાલ્યા ગયા તો કોઈક ઠેકાડાઓ ભરતા કૂદતા ગયા. કોઈકે તો સીધી દોટ જ મૂકી ઘર તરફ તો કોઈક ઉતાવળે પગલે મનમાં ગોઠવણો કરતુ ચાલ્યું જતું હતું. પરંતુ બધાના મનમાં એક જ ગડમથલ ચાલતી હતી કે ઘરે જઈને ફરવા જવાની વાત કરવી.
આમ તો વર્ગમાં મયંક સાવ નબળો વિદ્યાર્થી ગણાતો. સ્વભાવે તે શાંત હતો, પરંતુ ભણવામાં તેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. એને ભણવામાં ઝાઝો રસ હતો નહિ. ભણવાની વાત ચાલતી હોય ત્યારે તે ચુપચાપ બેસી રહેતો. કોઈક પ્રશ્ન પૂછ્યો હોય તો પણ તેનો જવાબ તેને ન જડે. બસ નીચું મોઢું કરીને અદબ વાળીને ઉભો થઈ જતો. જટાશંકર સાહેબના ગુસ્સાનો ભોગ એ ઘણી વાર બનેલો તેમ છતાંય તેમનો પ્રેમ એના પરથી ક્યારેય ઉતરતો નહિ. એનું કારણ એ હતું કે ભલે મયંક ભણવામાં પાછી પાની કરતો પરંતુ કામ કરવામાં તેના તોલે કોઈ ન હતું. સાહેબનું કોઈ પણ કામ હોય ત્યારે તે જ હંમેશા આગળ પડતો હોય. શાળાના બગીચામાં કોઈ નવો છોડ વાવવાનો હોય કે કોઈ ઝાડની વધારે નામી ગયેલી ડાળ કાપવાની હોય - એ બધું જ મયંકના ધ્યાનમાં રહેતું. ઘણી વાર તો સાહેબ કહે તે પહેલા જ તેમના મનને સમજી જતો.
પરંતુ તેના ઘરની પરિસ્થિતિ બહુ નબળી હતી. જેના કારણે તે મનમાં ને મનમાં લઘુતાગ્રંથી અનુભવતો. તેના મમ્મી-પપ્પા ખેતમજુરી કરે અને ઘરનું ગાડું ગબડાવ્યે રાખે. જો કે મયંક પણ પોતાના ઘરની પરિસ્થિતિ મુજબ જ જીવન જીવતો. એણે ક્યારેય પોતાને ગમતી વસ્તુઓની માંગણી કરી નહોતી. જે મળે તેમાં ચલાવી લેવાનું એવો તેનો સ્વભાવ.
પરંતુ આજે તેના મનમાં કોઈક અજબ પ્રકારનો આનંદ ઉછળતો હતો. એક તો ફરવા જવાનું અને એમાંય પાછું સુખડી લઈ જવાની. સુખડી મયંકને ખુબ પ્રિય. દિવાળી પર અને રક્ષાબંધને મા સુખડી બનાવતી, ત્યારે મયંક મન ભરીને તેને ખાતો. સુખડીનો સ્વાદ હજુય તેની દાઢે વળગેલો હતો. આમ તો એ માને સુખડી બનાવવા માટે બહુ કહેતો, પરંતુ ઘરમાં સાચવેલું પાશેર ઘી દિવાળી સુધી તો ચાલવું જોઈએ ને. એટલે તો એ દિવાળીની રાહ જોઈ રહેતો કે ક્યારે એ આવે અને ક્યારે એને સુખડી ખાવા મળે.
‘આજે તો મમ્મી પાસે સુખડી બનાવડાવીશ જ. કહી દઈશ કે દિવાળીએ નહિ બનાવે તો ચાલશે.’, આમ વિચારતો મયંક દરિયાના મોજાની જેમ ઉછાળા લેતો ઘર તરફ દોડ્યે જતો હતો. આજે એની ખુશી સમાતી નહોતી. કોઈની પણ સાથે વાત કર્યા વગર એ પોતાની મસ્તીમાં હતો. મનમાં વિચારોની ભરમાર હતી. ‘કાલે તો વહેલો જાગી જઈશ. નવા કપડાં પહેરીશ. પણ નવા કપડા છે ક્યાં? પેલા મામાના ઘરના છે તે જ. હું તો કાલે જો જો ને બધાથી આગળ જ નીકળી જઈશ. સૌથી પહેલા જ ડુંગર ચડીને બતાવી દઈશ.’ - આમ મનમાં એક પછી એક વિચારોની કડીઓને જોડતો મયંક ઘરે પહોંચ્યો.
પહોંચતાની સાથે જ એણે મમ્મીને કહી દીધું. પોતાના મનની ઉર્મીઓને તેણે એકસાથે છૂટી મૂકી દીધી. મમ્મીના જવાબની રાહ જોયા વિના તે પોતે એકલો બોલ્યે જતો હતો. મનમાં ઊંડે ઊંડે ભય પણ હતો, ‘મા, સુખડી બનાવી આપવાની ના પાડશે તો!’ અને બન્યું પણ એવું. એની મા એ સુખડીની તો ધરાર ના પાડી દીધી. ઘરમાં કરકસર કરીને સાચવેલું ઘી દિવાળી સુધી ચલાવવાનું હતું. એ એની મા અને મયંક બંને સારી રીતે જાણતા હતાં. પરંતુ આજે તો મયંક ગમે તેમ કરીને મા પાસે સુખડી બનાવડાવવાનાં મુડમાં હતો. એણે માને ઘણુંય સમજાવ્યું, પરંતુ તે હતી કે સુખડી બનાવી આપવા તૈયાર નહોતી. મયંક જીદે ચડ્યો.મનમાં નક્કી કરી લીધું કે આજે તો મમ્મી સુખડી બનાવી આપે તો જ કાલે શાળામાં જવું. નહિ તો નહિ. ઘરમાં બરાબરની ધમાલ જામી. મોડે સુધી સમજાવ્યો તોય મયંક એકનો બે ના થયો. ખુબ રડ્યો, હાથ પગ પછાડ્યા, માથું કૂટ્યું, પરંતુ તેની મા પણ બિચારી શું કરે?
સવાર પડી અને મયંક જાગ્યો, પરંતુ ‘શાળાએ જ જવું નથી’ એમ નક્કી કરીને ઘરના ખૂણે રિસામણા લઈને બેઠો. ન નહાવા જાય કે ન ચા પીવે. મનમાં રીબાતો રીબાતો મયંક કોઈક બાપડા બિચારાની જેમ બેસી રહ્યો. ફરવા જવાનો જેટલો ઉંમંગ એણે કાલે હૃદયમાં સમાવ્યો હતો, તેનાથી પણ વધારે દુઃખ એ સાચવીને બેઠો હતો. ફરવા તો જવું હતું, પણ સુખડી વગર ?
ઘડીયાળના કાંટા ‘ટીક-ટીક’ કરતા દોડ્યે જતા હતાં. મા એ કહ્યું કે ‘હું રોટલી અને શાક ભરી આપું છું. એ લઈને જા.’ પરંતુ સુખડીનું ચોંટેલું ગળપણ એને છૂટતું નહોતું. એને એમ પણ કહ્યું કે બીજા સુખડી લાવશે એમાંથી ખાઈ લાજે. પરંતુ એ તો એના માટે સ્વમાન હણવા જેવી વાત હતી. પગ પર ગોઠવેલા હાથ પર માથું ટેકવીને બેસી રહ્યો.
ઘડીયાળમાં બરાબર નવ વાગે ઘરની બહાર બૂમ પડી, ‘મયંક..’શરીરમાં કંપારી છૂટી. આ તો જટાશંકર સાહેબનો અવાજ. ફરીથી અવાજ આવ્યો, ‘મયંક…!’ ‘સાહેબ આવ્યા છે. શું કહીશ? સુખડીનું કહીશ તો બોલશે.’, આમ વિચારતો હતો એટલામાં જ ત્રીજી બૂમ મોટા અવાજે આવી, ‘મયંક! સાંભળે છે કે નહિ?’ અને ફટ કરતાં એ દોડ્યો ઘરની બહાર. હાથ-પગ કાંપતા હતાં. આજે માર પડ્યો જ સમજો. હૃદયના ધબકારા પણ અતિતીવ્ર ગતિએ દોડ્યે જતા હતાં.
બહાર જઈને એ માથું નીચું નાખી ઊભો રહ્યો. ન કંઈ બોલે કે ચાલે. જટાશંકર પાસે આવ્યા અને એના હાથમાં એક ડબ્બો મુકીને બોલ્યા, ‘લે આ તારા માટે સુખડી બનાવી લાવ્યો છું. ચાલ જલદી તૈયાર થઈને શાળાએ આવી જા. ‘સુખડી’ નામ પડતા એણે ઉંચે જોયું, પણ જટાશંકર અડધે ફળીયે પહોંચી ગયા હતાં. તેની આંખોમાં ઝળઝળીયા આવી ભરાયા. મા એ બૂમ મારીને પૂછ્યું, ‘શું કહેતા હતાં સાહેબ ?’ એ ખાલી એટલું બોલી શક્યો, ‘સુખડી.’