Hiren Maheta

Romance Fantasy Others

4.5  

Hiren Maheta

Romance Fantasy Others

રંગાઈ ગ્યા

રંગાઈ ગ્યા

8 mins
560


‘એ પકડો એને… રંગ નાખો, રંગ. છટકી ના જાય’, જૈમીનના બેડરૂમની બંધ બારીમાંથી ગળાઈને આવતી બૂમોએ એને જગાડી દીધો. આમ તો એણે નક્કી કરી રાખ્યું હતું, ‘કાલે શાંતિથી જ ઊઠવું છે.’ અને એ માટે એણે ઘરની બારીઓ પણ બરાબર બંધ કરી દીધી હતી. તેના પર પડદા પાડી દીધેલાં. પોતાના કાન ઉપર રજાઈનો એક છેડો હાથની વચ્ચે દબાવી રાખેલો. સવારમાં કોઈના અવાજથી પોતાની ઊંઘ ન બગડે તે માટે પૂરે પૂરી તૈયારી કરેલી. 

પરંતુ સવારના પહોરમાં સોસાયટીના બાળકોએ હલ્લો મચાવ્યો. લાલ, પીળા, વાદળી રંગોવાળા હાથ કરીને એકબીજાના ચહેરા અને કપડા રંગી નાખ્યા. એક પછી એક બધાને બોલાવીને ધૂળેટી રમવા લાગ્યા. જે ઘરની બહાર નહોતા આવતા એમના ઘર આગળ જઈને એવી બૂમરાણ મચાવી કે ના છુટકે એમણે બહાર આવવું જ પડ્યું. વળી કોઈ ભાગવાની કોશિશ કરતું તો આખી ટોળી હોહા-હોહા કરતી તેની પાછળ વાવાઝોડાની જેમ દોડતી જાય. જે ઘરમાં આ ટોળી પ્રવેશે, ત્યાં તો ચારેય તરફ રંગ-રંગ અને પાણી-પાણી. કેટલાંક સમજુ લોકો તો એ ટોળું અંદર જાય તે પહેલા જ બહાર આવી જતા. એમના ચહેરા પર જામેલો ઉત્સાહ અને ઉમંગ સોસાયટીના યુવાનો અને વડીલો પર પણ ઊડી-ઊડીને ખરા પ્રમાણમાં ચોંટ્યો હતો. બાળકોની સાથે એ પણ રંગોની મસ્તીએ ચડ્યા હતાં. આગળ-આગળ બાળકો અને પાછળ-પાછળ મોટેરાઓ; અને આખુંય વાતાવરણ રંગમય થઈ ગયું. જે લોકો ઉંમરને કારણે આવી નહોતા શકતા તેઓ પણ ઘરના ઓટલે ડોક લંબાવીને આ ધમાચકડી જોઈ રહ્યાં. ઘરમાંથી ખેંચી લવાતા બિચારા કમનસીબ માણસો, અને વાનરસેનાની જેમ તૂટી પડતા કાબરચીતરા ચહેરાવાળા બાળકો, યુવાનો અને મોટેરા જોઈને તેમના ચહેરાની રેખાઓ બદલાઈ જતી. કેટલીક વાર તો ‘ખરું કર્યું છે’ એમ કહીને શબ્દથી પોતાનો ટેકો આપતા રહ્યાં. 

એ ટોળું પેલા રમણભાઈના ઘર તરફ વળ્યું અને ફરીથી બૂમો પડી, ‘કાઢો બહાર. આજે તો નહીં ચાલે.’ જૈમિને પોતાના કાન પર થોડા વધારે દબાણથી રજાઈ મૂકી, પણ આ કોલાહલને રોકી ન શક્યો. કંટાળીને આંખો ચોળતો ઊભો થયો. એના ચહેરા પર રંગોના ઉત્સવની જરાય ખુશી નહોતી. કાને અથડાતા શબ્દો અને આ ઉત્સવ એને ન ગમતો હોય તેમ ભવાં ચડાવીને ઊભો થયો. સીધો જ તૈયાર થવા ગયો. બહારથી અવિરત ઘુસણખોરી કરતા કોલાહલને ના છુટકે સહન કરીને તેણે રોજીંદા કામ પતાવ્યા. રસોડામાં જઈને જાતે ચા બનાવીને પોતાના બેડરૂમમાં જઈને બેઠો. 

જૈમીન છેલ્લા ચાર વર્ષથી નોકરીએ લાગ્યો હતો અને ત્યારથી આ શહેરમાં તે એકલો રહેતો. આમ તો તે પોતાના પરિવાર સાથે રહી શકે એ માટે મોટું જ મકાન ભાડે રાખેલું. મા-બાપને અને ભાઈને પોતાની સાથે અહી પોતાની સાથે આવી જવા કેટલીય વાર કહ્યું. પરંતુ તેઓ અહીં આવવા તૈયાર નહોતા. અને એને એકલું જ રહેવું પડેલું. અહીં આ મકાનમાં જૈમીન પોતાની યાદો સાથે રહેતો હતો. સવારે વહેલો નોકરીએ જવા ઘર છોડી દેતો અને છેક સાંજે પાછો ફરતો. સોસાયટીમાં પણ કોઈની સાથે તેનો સંપર્ક નહીં. ઘરેથી જોબ અને જોબથી ઘર, એ તેનો રોજીંદો ક્રમ. ક્યાંય ફરવા જવું કે કોઈની સાથે સોસાયટીના ઓટલે બેસીને ગપાટા મારવા એ તેને ગમતું નહિ. 

પોતાની બે હથેળી વચ્ચે દબાવેલો ચાનો કપ હોઠે અડાડે તે પહેલા ફરી એક બૂમ સંભળાઈ, ‘આખો રંગી નાખો. ભાઈ બહુ દિવસે હાથમાં આવ્યાં છે.’ જૈમીન થોડો અકળાયો. ‘આ લોકો મારા ઘરે પણ આવશે કે શું ? જો આવશે તો હું ધમકાવી જ દઈશ.’ પોતાના જ ઊભા કરેલા પ્રશ્નોનું પોતે જ સમાધાન શોધતો એ ચાના ઘૂંટડા ગળે ઉતારી રહ્યો. 

એક સમયે ધૂળેટી જૈમીનનો પ્રિય તહેવાર હતો. રંગોની નાની નાની થેલીઓ ખિસ્સામાં સંતાડીને પોતાના મિત્રોના ઘરે પહોંચી જતો. અને એ બધા ચેતી જાય તે પહેલા તો તેમના ચહેરા પર રંગ લગાવીને વિજયનાદ કરતો. પરંતુ કોલેજ છોડ્યા પછી જાણે જીવનના બધા જ રંગો પણ ત્યાં છોડીને આવ્યો હોય એમ એનું જીવન બેરંગ થઈ ગયું હતું. કોલેજમાં હસતો-હસાવતો જૈમીન અત્યારે કોઈ પ્રૌઢની જેમ ગંભીર બનીને ફરતો. વગર કારણે પણ ઉજાણી કરનાર એ અત્યારે ઉત્સવોમાં પણ ઘરે જવાને બદલે અહીં જ એકલો રહેતો. ઉત્સવોથી એને અકળામણ થવા લાગી હતી. એમાંય હોળી-ધૂળેટી પર તો તે વધારે અકળાઈ ઉઠતો. કોઈના ચહેરા પર લાગેલા રંગો જોઈને તેના ચહેરે ફિકાશ ફરી વળતી. કોઈને ધૂળેટી રમતા જોઈને તેના મનમાં ઈર્ષા અને નિરાશાના વાદળો જામી જતા. એક સમયે રંગો સાથે મનભરીને ઉડતો જૈમીન આજે રંગો જોતા જ બીજી દિશામાં દોટ મૂકતો. આજે પણ સોસાયટીના કોલાહલે એને પરેશાન કરી મૂક્યો. પણ આવું કેમ થયું ? આ પ્રશ્નનો જવાબ એ જાણતો હતો અને છતાં તેને શોધવા તે મથતો રહ્યો. 

હાથમાં પકડેલા ચાના કપમાંથી બે ચૂસકી લઈને આંખો બંધ કરે છે ત્યાં ફરીથી બૂમ સંભળાઈ, લ્યો, તમે તો રંગાઈ ગ્યા…..હા..હા..હા..’ કોઈ છોકરીનો અવાજ હતો. અવાજમાં ઉછળતો આનંદ અનુભવાયો અને જૈમીનની વિચારયાત્રા અટકી પડી. એની આંખો ઘરની બારી તરફ ફરી. ચાનો કપ બાજુના ટેબલ પર મૂકીને તેણે બારીનો પડદો સહેજ ઊંચો કરીને જોયું. કોઈ બાવીસેક વર્ષની છોકરી સામેના ઘરના બહેનને હાથનો અંગુઠો બતાવતી બૂમો પાડી રહી, ‘જોયું ને અમે રંગી દીધા તમને.’ આ દ્રશ્ય જૈમીનની આંખોમાં ગોઠવાય તે પહેલા જ એણે પડદો પાડી દીધો. ‘શું આ એ જ દ્રશ્ય ? નહીં..નહીં..’ પણ એના શબ્દો - ‘તમે તો રંગાઈ ગ્યા.’ - હજુય તેના કાનમાં ગુંજતા રહ્યાં. આ શબ્દોએ એને ભૂતકાળની કોઈ મખમલી ગલીમાં લાવી દીધો હતો. 

તે જ્યારે કોલેજના બીજા વર્ષમાં હતો ત્યારે ધૂળેટીના દિવસે મેહુલ તેને લેવા આવેલો. નજીકમાં આવેલા લેક પર ફરવા જવાનું નક્કી કર્યું હતું. કોલેજના એ ચારેક મિત્રો ભેગા થવાના હતાં. પરંતુ જૈમીન તે દિવસે જેવો લેક પર પહોંચ્યો કે કોઈએ પાછળથી એના પર રંગ નાંખ્યો હતો. એ કંઈ વધારે વિચારે તે પહેલા તો તેની આંખો બંધ થઈ ગયેલી. તે નીચે નમી ગયેલો અને કોઈક સુંવાળો, નાજુક હાથ તેના ગાલે અનુભવ્યો હતો. બે એક પળ તો તે કંઈ જ વિચારી ન શક્યો. પરંતુ એટલામાં એના કાને અવાજ આવ્યો, ‘લ્યો, તમે તો રંગાઈ ગ્યા.’ અવાજનો પરિચય આગળ થઈ ચૂક્યો હોય તેવું લાગેલું અને જીજ્ઞાસા વધી પડેલી. ગમે તેમ કરીને એણે આંખો ખોલીને જોયું તો સામે મીસરી ઊભી હતી. એની પહોળી થઈ ગયેલી આંખોને હજુય વિશ્વાસ નહોતો થતો કે મીસરીના હાથે તેને સ્પર્શ કર્યો હતો. તેને રંગ લગાવ્યો હતો. ઘડિયાળનો સમય ત્યાં જ અટકી ગયેલો અને તે એક જ નજરે મીસરીની સામે તાકી રહેલો; જાણે થીજી ગયેલો બરફનો પથ્થર હોય તેમ. 

મીસરીએ ચપટી વગાડીને એને જગાડતા કહ્યું હતું, ‘એય, ક્યાં ગુમ છે ! મને નહીં રંગે ? મને તારામાં રંગાવું છે.’ અને તે બિચારો પાણી-પાણી થઈ ગયેલો. એના હાથમાં રહેલો રંગ ફસકી ગયેલો અને હાથ મણ-મણ ના થઈ ગયેલા. પછી તો મીસરીએ જ એનો હાથ પકડીને પોતાને રંગ લગાવેલો. જીવનમાં પહેલી વાર મીસરીના ગાલનો સ્પર્શ તેના ટેરવાંઓમાં થઈને હૃદય સુધી પહોંચી ગયેલો. અને મીસરીએ એને સામેથી જ કહેલું, ‘હવે હું પણ તારામાં રંગાઈ ગઈ છું.’

મીસરી આખી કોલેજનું છોગું ગણાતી. એનું અનુપમ સૌન્દર્ય, રેશમી ખુલ્લાં વાળ, કાજળ મઢેલી નજરો, ઘાટીલી ડોક અને સ્પંદન જગાવતું સ્મિત સહુને ઘેલા કરતું. એની હોંશિયારી અને ખુદ્દારીની વાતો કોલેજના સ્ટાફરૂમથી લઈને કેન્ટીન સુધી ચર્ચાતી. એની પાછળ ઘણાં છોકરાઓ પાગલ હતાં; અને એમાંનો એક જૈમીન પણ ખરો. એ પણ મીસરીની આસપાસ પોતાની હાજરી નોંધાવતો અને નજરો દોડાવીને તેનો પીછો પણ કરતો. તેની સાથે વાત કરવાના પણ તેણે ઘણાં પ્રયત્નો કરેલા, પણ બધું જ નકામું. તેની આગળ પહોંચતા જ તેના શબ્દો ઠરી જતા અને ઉત્સાહ ઓગળી જતો. 

જૈમીન કોલેજમાં ‘સોશિયલ લિબર્ટી’ નામે એક ગ્રુપ ચલાવતો. આ ગ્રુપ સ્લમ વિસ્તારમાં રહેતા બાળકોને શિક્ષણમાં મદદ કરતું. અઠવાડિયામાં બે દિવસ તેઓ તેમને ભણાવતા અને જરૂરી ચીજ વસ્તુઓ પૂરી પાડતા. જ્યારથી મીસરીએ જૈમીનના આ ઉમદા કાર્ય વિષે સાંભળ્યું હતું ત્યારથી એને જૈમીન પ્રત્યે માન બંધાયું હતું. એકાદ બે વાર તો એણે સામેથી જ એની સાથે વાત કરી હતી. પરંતુ જૈમીન એની સાથે મુક્ત રીતે વાત કરી શકતો નહોતો. પોતાના દિલની વાત તે ફક્ત ડાયરીમાં લખી રાખતો. એ ડાયરીના પાનાઓ વચ્ચે એણે પોતાના હૃદયમાં મીસરી માટે પ્રગટેલા સ્પંદનોને સાચવી રાખેલા. મીસરી સાથે વિતાવેલી ગુલાબી ક્ષણોને તેણે ડાયરીમાં કંડારી રાખી હતી. નજરોમાં પકડી રાખેલી એની છબીને તેણે ડાયરીના પાનાં પર શબ્દોથી શણગારી હતી. પોતાના હૃદયમાં ઉછળતી લાગણીઓને તેણે કાગળની નાવમાં વહેતી રાખી હતી. જ્યારે એકલો, નિરાશ કે થાકેલો હોય ત્યારે આ ડાયરીના પાનાં વચ્ચેથી એને હૂંફ મળતી. તેણે પોતાની આ લાગણીઓ મીસરીના કાન સુધી ન પહોંચે તેની બરાબર તકેદારી રાખી હતી.

પરંતુ મેહુલે જૈમીનનાં સ્પંદનોને વાચા આપી હતી. મેહુલને મીસરી સાથે સારું બનતું અને તેણે જૈમીનની વાત એના કાન સુધી પહોંચાડી દીધી હતી. તેના લખાણોને પણ તે ચોરી છૂપે ફોટો પાડીને મીસરીને મોકલતો રહેતો અને મીસરી તે વાંચતી પણ ખરી. જૈમીનનાં શબ્દોમાં વણાયેલી લાગણીઓને જાણતી અને મનોમન આનંદ અનુભવતી. જૈમીનનાં હૃદયમાં રહેલું ગુલાલ તેના શબ્દો મારફતે મીસરીના હૃદય સુધી પહોંચ્યું હતું અને મીસરી પણ એની ભાવનામાં રંગાઈ ગયેલી. પરંતુ જૈમીન સામેથી આવીને પ્રપોઝ કરશે એ આશામાં તેણે રાહ જોવાનું વધારે ઉચિત માન્યું હતું. અને રાહ જોતા જોતા કોલેજનું બીજું વર્ષ પણ પૂરું થવા આવેલું. પરંતુ જૈનીશ એ બાબતે હિંમત કરી શક્યો નહીં. કંટાળીને મીસરીએ આજે એને સામેથી પ્રપોઝ કર્યું અને તેમની વચ્ચે ગુલાબી સંબંધ શરુ થયેલો. બંનેએ કોલેજ પછી ક્યારે, ક્યાં, કેવી રીતે આગળ વધીશું તેનું બરાબરનું આયોજન કરી રાખેલું. પોતાના પ્રેમને લગ્નજીવનમાં ફેરવવાના કોડ સેવ્યા હતાં. પ્રેમના રેશમી વહેણમાં તેમની કોલેજની છેલ્લી પરીક્ષા ક્યારે આવી ગઈ તેનો પણ ખ્યાલ ન રહેલો. 

એકવાર જૈનીશ પર એક ચિઠ્ઠી આવેલી અને તેમાં મીસરીના નામે કંઈ કેટલીય વાતો વહેતી થયેલી. જીવનમાં પહેલી વાર એ વખતે જૈનીશના મનમાં મીસરી પ્રત્યે કોઈ વહેમ ઉદ્ભવેલો. આ વહેમની ધારે જૈનીશ અને મીસરીના સંબંધોમાં વધારે ફાડ કરી આપેલી. જૈનીશના રોજ રોજના વહેમીલા પ્રશ્નોથી સ્વાભિમાની મીસરીના હૃદયને આઘાત પહોંચ્યો હતો અને તેમના સંબંધોમાં એક મોટી તિરાડ પેદા થયેલી. કોલેજની અંતિમ પરિક્ષાના છેલ્લા દિવસે છૂટા પડતી વખતે પણ જૈમિને મીસરીને આવજો કહેવાનો વિવેક દાખવેલો નહીં અને બદલામાં મીસરી પણ આ શહેર છોડીને પોતાના કાકાને ત્યાં મુંબઈ જતી રહેલી. 

જૈમીન ભલે મીસરીથી છૂટો પડ્યો હતો, પરંતુ તેના પ્રત્યેની ભીનાશ હજુય તેના મનમાં અકબંધ હતી. મીસરીની સ્મૃતિઓને પોતાની ડાયરીના પાના પર ફંફોસતો જૈમીન સમયના વહેણની સાથે વધુને વધુ ગૂંચવાતો ગયો. મીસરીની યાદ અપાવતી દરેક વસ્તુ તેને અકળાવતી. પોતાની ભૂલનો અહેસાસ કરાવતી. તે શક્ય હોય ત્યાં સુધી એવી દરેક વસ્તુ કે પ્રસંગોને ટાળતો જે એને મીસરીની યાદ અપાવે. એના માટે ધૂળેટી વિશેષ પ્રસંગ હતો. એ જ દિવસે મીસરીએ તેની સાથેનાં સંબંધ પર મહોર લગાવી હતી. ધૂળેટીનો તહેવાર મીસરી સાથેની એ પળને જીવંત કરતી હતી અને જૈમીન વધારે બેચેન અને બેબાકળો થઈ જતો. એટલે તો એણે આજે ઘરના બારી-બારણાં બંધ રાખ્યાં હતાં. પરંતુ પેલી છોકરીના અવાજે એનો ઘાવ તાજો કરી આપ્યો. 

ઊભો થઈને બહાર આવ્યો. મનમાં વિચાર્યું, ‘ટીવી જોઉં. એટલે થોડોક ફ્રેશ થઈ જઈશ.’ સોફામાં બેસીને ટીવીનું રીમોટ હાથમાં પકડે છે ત્યાં તો ડોરબેલ વાગ્યો. ‘કોણ હશે ? પેલું ટોળું તો નહીં હોય !’, એમ વિચાર્યું. પણ એમનો અવાજ તો સોસાયટીના બીજે છેડેથી સંભળાતો હતો. ‘તો આ કોણ હશે ?’, મનમાં થોડોક મૂંઝાતો એણે દરવાજો ખોલ્યો. 

દરવાજો ખોલીને એ કશુંક જોવે તે પહેલા જ લાલ કલર ઊડીને તેના ચહેરા પર અને કપડાં પર ફરી વળ્યો. આંખો બંધ થઈ ગઈ. મગજનો પારો ઊંચે ચઢ્યો. ભવાં સંકોચાયા. હાથેથી ચહેરા પરનો રંગ હટાવીને જોવે છે તો મીસરી. એ જ કાજળ મઢેલી આંખો અને તરવરતું સ્મિત. એની ખુલ્લી હથેળીમાં રંગો ભરેલા. જૈમીન અવાચક થઈ ગયો. આંખો જોતી રહી. એણે હથેળીને આગળ ધરતાં કહ્યું, ‘લ્યો, તમે તો રંગાઈ ગ્યા. મારે પણ રંગાવું છે. મને રંગશો કે નહીં ?’ અને જૈમીને તેનો હાથ પકડીને તેને બાહોમાં સમાવી લીધી. ફક્ત એટલું જ બોલી શક્યો, ‘હવે તો ખરેખર રંગાઈ ગ્યો.’ અને તેમની આસપાસ લાલ, પીળા રંગો ઊડતાં રહ્યાં.


Rate this content
Log in

Similar gujarati story from Romance