Hiren MAHETA

Drama Inspirational Thriller

4  

Hiren MAHETA

Drama Inspirational Thriller

ટીણીયો

ટીણીયો

8 mins
71


‘બાપા, પોંચ રૂપિયા આલો ન !’, ટેણીયાએ ધીમે રહીને પોતાના પપ્પાને કહ્યું. પાંચ રૂપિયાની વાત સાંભળીને રજુજી અટકી ગયો. લાકડા કાપવાનું રહેવા દઈને ટેણીયા સામે જોઇને બોલ્યો, ‘પોંચ રૂપિયાનું હું કામ શ, લ્યા ?’ 

રજુજી આખો દિવસ ખેતર અને ગામમાં કાળી મજૂરી કર્યે રાખે ત્યારે તો સાંજે તેની પત્ની શેઠની દુકાનથી થોડું કરિયાણું લઈ આવે. આખો દિવસ કામ કરે ત્યારે ઘરે બે ટંક અનાજ પામે. આમેય પહેલાથી જ આર્થિક પરિસ્થિતિ સારી નહિ. રજુજીનાં પિતા પણ મહેનત કરીને જીવ્યા. કરકસર કરી. બીજાની જેમ ખેતર ન વેચ્યા. જેટલું મળતું એટલામાં ઘર ચલાવ્યે રાખ્યું. મરતી વખતે એમણે રજુજીને શિખામણ પણ આપેલી, ‘જો બેટા, દુનિયાની જેમ જીવવા જે તો આખુંય ઘર ન જમીન ગીરો મેલવી પડહે. જેટલું કમોવ એટલામો જ ઘર ચલાવજે.’

મૃત્યુશૈયા પર પડેલા ડોસાના આ શબ્દો રજુજીને કોઠે પડી ગયા. ડોસાના ગયા પછી ઘર ચલાવવાની જવાબદારી પોતાના પર આવી પડેલી. પહેલા તો બે જ જણા હતા. પરંતુ હવે તો બે દીકરા અને એક દીકરી મળીને ઘરમાં પાંચ જણા થયા. ધીમે ધીમે તેણે પોતાનો છૂટ્ટો હાથ કાબુમાં રાખીને મહેનત કરવા માંડી. બીડી-મસાલાનું વ્યસન પણ ઓછું કરી નાખ્યું. તોય આ મોંઘવારીમાં ઘર ચલાવવું અઘરું પડતું. 

ખેતર તો બે વીઘા જેટલું. પણ પાણી બાજુના ખેતરથી ખેંચવાનું. ક્યારેક દુકાળ, ક્યારેક વાવાઝોડું, નહિ તો તીડનાં ટોળા કે પછી પૂર - એક પછી એક આફતો તો ઊભી જ રહેતી. એમ કરતા જે કંઈ પાકે એ શેઠની દુકાને વેચાતું. શેઠ નક્કી કરે તે ભાવ. આમ કરતા તેના હાથમાં કંઈ ઝાઝું બચતું નહી. ઘરનાં ત્રણ બાળકો પણ નિશાળે જતા. તેમનો મોટો કોઈ ખર્ચો નહિ, પરંતુ નવા કપડા અને નોટબુક લાવી આપવામાં પણ સારો એવો ખર્ચ થતો. 

ત્રણ બાળકોમાં સૌથી મોટો દીકરો, પછી દીકરી અને અંતે સૌથી નાનો ટેણીયો. ઘરમાં સહુથી નાનો અને દેખાવમાં પણ મુઠ્ઠી હાડકાનો, એટલે આખું ગામ એને ટેણીયાથી ઓળખે. આમ તો તેનું નામ સુધારેલા લોક પ્રમાણે હિતેશસિંહ રાખેલું. પરંતુ હિતેશ બોલવું ગામલોકોને જરા ભારે લાગે, એટલે આખું ગામ અને શાળા એને ટેણીયાથી જ ઓળખે અને બોલાવે. 

ટેણીયો હજી ત્રીજા ધોરણમાં ભણતો. એનો મોટો ભાઈ આઠમામાં અને બહેન છઠ્ઠામાં ભણતી. ટેણીયો શરીરે સાવ દુબળો, પાતળો; પણ આમ સાવ મસ્તીખોર. શાળામાં તો બેન પાસે એની ફરિયાદ દરરોજ જાય. શાળામાં કોઈ પણ કાંડ થાય, પણ નામ તો ટેણીયાનું જ હોય. દરેક વખતે એનો હાથ નીકળે જ.

હમણાં શાળામાં બદામડી પરથી બદામ તોડવાની લાલચમાં ટેણીયાએ પથ્થર ફેંક્યો અને એક છોકરાને માથામાં વાગેલું. એના માથામાંથી રાતું લોહી દડ દડ વહ્યે જાય. આખી શાળાના બાળકો ભેગા થઇ ગયા. બધાને મોઢે એક જ નામ, ‘ટેણીયાએ પથરો મેલ્યો તે આનું મોથું ફોડી નાખ્યું.’ પછી તો શાળામાં અને ઘરે જોરદાર ધમાલ મચી ગઈ. બેને અને બાપાએ ટેણીયાને સારો એવો મેથીપાક ચખાડ્યો. 

આવા તો અનેક કિસ્સાઓ બનતા. કોઈને મારીને ભાગી જવું, એના દફતરમાંથી પેન ચોરી લેવી, વોટરબેગમાંનું પાણી ઢોળી નાખવું, નાસ્તો ખાઈ જવો વગેરે હવે રોજની ફરિયાદો હતી. પહેલા પહેલા તો ઘરનાંને અને શાળામાં શિક્ષકોને પણ ટેણીયાની દયા આવતી. પરંતુ જેમ જેમ ફરિયાદો વધતી ગઈ તેમ તેમ હવે તે બધા પણ ટેણીયાથી કંટાળ્યા. શાળાએ જાય ત્યારે ઘરનાંને શાંતિ અને ઘરે જાય ત્યારે શાળામાં નિરાંત. ઘરે હવે એ કંઈ પણ કહે, પરંતુ બધા તેને શંકાની નજરે જોતા. 

આજે એને પાંચ રૂપિયા માંગતો જોઇને રજુજીને પણ નવાઈ લાગી. ટેણીયાને જે કંઈ જોઈએ તે કાં તો માંગી લેતો અથવા ઝૂંટવી લેતો. એને કોઈએ અત્યાર સુધી કરગરતો જોયો નહોતો. પરંતુ આજે તો ભાઈસાહેબ નમાલા થઈને પપ્પા પાસે પાંચ રૂપિયા માંગતા હતા. ચહેરો પણ કેવો માસુમ બનાવ્યો હતો ! જોઈને જ દયા આવી જાય. ટૂંકી થીંગડું મારેલી વાદળી ચડ્ડી અને સફેદ ફાટેલો શર્ટ પહેરીને, આંખો જમીન પર ઢાળેલી, ઓસરીની પાળીએ ટેકો લઈને રજુજીને કહી રહ્યો હતો.

રજુજીએ લાકડા ફાડવાનું રહેવા દઈ ભાઈસાહેબના બદલાયેલા સૂર પાછળનું રહસ્ય જાણવા એને પૂછ્યું, ‘બોલ ને, શું કામ જોએ છે પોંચ રૂપિયા? કોઈની વસ્તુ તોડી નાખી શે કે હુ?’ પરંતુ રજુજી એ વાત ભૂલી ગયો કે ટેણીયો કોઈની વસ્તુ તોડે કે ચોરે, પરંતુ એના બદલામાં રૂપિયા ક્યારેય આપ્યા નહોતા. 

ટેણીયો પણ આમ ભલે તોફાની, પરંતુ સ્વાભિમાની પણ ખરો. ભલે તે ગમે તે વસ્તુ તોડી નાખે, ફોડી નાખે, ચોરી કાઢે, પરંતુ જ્યારે તેના સ્વાભિમાન પર વાત આવે ત્યારે તે એટલો જ ગંભીર થઈ જતો. તેને દિલમાં લાગી આવતું. 

આજે શાળામાં બન્યું હતું પણ એવું. આવતી કાલે શાળામાં શિક્ષક દિવસની ઉજવણી થવાની હતી. બધા વિદ્યાર્થીઓએ શિક્ષક બનવા પોત પોતાના નામ લખાવ્યા હતા. કોઈ ગણિતનો શિક્ષક બન્યું, તો કોઈ વિજ્ઞાનનો. કોઈ અંગ્રેજી ભણાવવાનું હતું, તો કોઈ ગુજરાતીની કવિતા ગવડાવવાનું હતું. ટીણીયો પણ કંઇક બનવા માંગતો હતો. 

જ્યારે શાળામાં બેને પૂછ્યું, ‘કોને કાલે શિક્ષક બનવું છે ?’ ત્યારે ઉઠેલી એ વીસેક આંગળીઓમાં એક આંગળી ટીણીયાની પણ હતી. બધાને નવાઈ લાગેલી. ટીણીયો અને શિક્ષક! બધા એ જોતા જ ખડખડાટ હસી પડેલા. છતાં પણ ટીણીયો પોતાની આંગળી નીચી કરવાનું નામ નહોતો લેતો. બેન પણ વિચારમાં પડી ગયા, ‘આંગળી તો ઊંચી કરી છે પણ ટીણીયો કયો વિષય ભણાવશે? કેવી રીતે ભણાવશે?’ 

એક પછી એક દરેક બાળકને વિષય ફળવાતા ગયા. કોણે, ક્યારે, કયો વિષય ભણાવવો તેની ચર્ચા થઈ ગઈ. લગભગ બધાનો નંબર આવી ગયો, પરંતુ હજુ સુધી ટીણીયાને કોઈ વિષય અપાયો નહોતો. બેનને ગળા સુધી વિશ્વાસ હતો, ‘જો એને વર્ગમાં મોકલીશું તો એ ધમાલ મચાવશે અને આખો માહોલ ડહોળી નાખશે.’ એટલે તો એમણે ટીણીયાને સમજાવ્યો, ‘હવે કોઈ વિષય બાકી નથી. એટલે આવતા વર્ષે તને ચોક્કસ શિક્ષક બનાવીશ.’

પરંતુ ટીણીયો તો મન મક્કમ કરીને જ બેઠો હતો. ગમે તે થાય આ વર્ષે તો શિક્ષક બનવું એટલે બનવું જ. ‘ના, બેન ગમે એ થાય પણ માર કોક તો બનવું જ શ.’, એણે તો પોતાની જીદ પકડી રાખી. 

બેને પણ વિચાર્યું, ‘જો ટીણીયાને કંઈ નહી બનાવીએ તો પાછો કોઈને વિતાડશે. એના કરતા તો એને નાની સરખી પણ કામગીરી આપવી, જેથી એમાં પરોવાયેલો રહે.’ અંતે બેને ટીણીયાને કહ્યું, ‘જો ટીણીયા, આ વખતે શિક્ષક તો નહી બની શકાય, પરંતુ પટાવાળો બનાવું.’ ટીણીયો તો રાજીનો રેડ. ‘ચાલહે બેન.’, કહેતા ખુશીનો માર્યો ઉછળી પડ્યો. 

શિક્ષકદિન નિમિત્તે શાળામાં બહારથી નાસ્તો મંગાવવાનું પણ આયોજન થયું હતું. ‘શું મંગાવવું? શું ગમશે?’ એની ચર્ચાનાં અંતે દાબેલી મંગાવવાનું નક્કી થયું. દાબેલીનું નામ સાંભળીને તો બધા જ બાળકોના મ્હો પાણી-પાણી. નક્કી થયું કે દાબેલી માટે દરેકે પાંચ રૂપિયા લઈને આવવાના. 

ટીણીયાના મોઢામાં પણ પાણી આવી ગયું. દાબેલીનું નામ તો એણે ઘણુંય સાંભળ્યું હતું. પોતાના ભાઇબંધોએ તો દાબેલી ખાધી પણ હતી. પોતાને પણ ખાવાનું બહુ મન હતું. પણ શું કરે ? હવે તો શાળામાં જ દાબેલી ખાવાનો મોકો હતો. 

પરંતુ બેને તો ટીણીયાને બધાની સામે ધમકાવી દીધો, ‘જો ટીણીયા, તારે દાબેલી ખાવી હોય તો કાલે પાંચ રૂપિયા લઈને જ આવજે. બીજા કોઈની દાબેલી ચોરી છે તો તારી ખેર નથી.’ 

બેને વિચાર્યું હશે, ‘ટીણીયો બીજાની દાબેલી ચોરી કરશે.’ પરંતુ જાહેરમાં કહેલી આ વાત ટીણીયાને બહુ ખટકી. એ સમસમી ગયો. મનમાં વિચાર્યું, ‘બેન પણ મને કેવી રીતે આમ કહી શકે ?’ એના સ્વાભિમાનને ભારે ઠેસ પહોંચી. એણે મનમાં નિશ્ચય કર્યો, ગમે તે થાય પણ કાલે સવારે વહેલા આવીને બેનના હાથમાં દાબેલીના પૈસા આપી દેવા.’

કોઈ પણ ભોગે તે કાલે પાંચ રૂપિયા લઈને જ શાળાએ જવા માંગતો હતો. એટલે તો એ દયામણા ચહેરે પપ્પાના મનામણા કરવા લાગ્યો હતો. પરંતુ રજુજી માટે પાંચ રૂપિયામાં તો બે ટંકનું તેલ લાવી શકાય. ગઈ કાલે જ વધેલા રૂપિયાનું ખાતર લઈ આવ્યો હતો. ટીણીયાને જો પાંચ રૂપિયા આપે તો એના મોટા ભાઈ બહેનને પણ આપવા પડે. વળી આવા ખોટા ખર્ચા કરવા તેને યોગ્ય લાગ્યા નહિ. એટલે એણે તરત જ ટીણીયાને ના પાડી દીધી. ટીણીયો તો કરગર્યો, રડવા જેવો થઈ ગયો, ઘણુંય સમજાવ્યું, મમ્મીને પણ કહ્યું, પણ પપ્પા એકના બે ના થયા તે ના જ થયા. આજે પૈસા પણ ક્યાં હતા રજુજી પાસે તે ટીણીયાને આપે? પેલા બે મોટા ભાઈ- બહેન તો સમજણા થયા હતા એટલે કંઈ જ બોલ્યા નહી. કોઈ જીદ ન કરી. 

બીજા દિવસે તો શાળામાં દાબેલીની મોજ થઈ. મોટા ભાગના બાળકો પાંચ રૂપિયા લઈને આવ્યા હતા, સિવાય કે ટીણીયો અને થોડાક બીજા. ટીણીયાને એમ હતું કે ‘કોઈક તો એને દાબેલી આપશે. નહી તો છેલ્લે બેન પણ એને આપશે.’ પરંતુ ટીણીયાની ધારણા ખોટી પડી. બધાએ દાબેલી ખાધી, પરંતુ કોઈએ એને પૂછ્યું પણ નહી. અરે ! યાદ પણ ન કર્યો. 

ટીણીયો તો શાળાએથી ઘરે નાસી આવ્યો. મમ્મીએ પૂછ્યું, ‘કેમ વહેલો આવ્યો આજે?’ અને પછી તો ટીણીયો કોઈ મરી ગયું હોય એમ પોક મૂકીને રડ્યો. ઘરના બધા ભેગા થઈ ગયા. રજુજી અને એની પત્નીને પણ દુઃખ થયું, ‘જો પોંચ રૂપિયા ઓત તો ઇન આલી દીધા ઓત પણ..’ રજુજીએ એને સમજાવ્યું, ‘આપણ શેરમો જાહુ એટલે મુ તન ત્યો દાબેલી ખવડાયે.’

ટીણીયો હવે શાંત થયો. શહેરમાં પપ્પા સાથે જવાની અને દાબેલી ખાવાની આશા બંધાઈ હતી. હવે તો પપ્પા શહેરમાં સાથે લઈ જાય અને દાબેલી ખાવાનો મેળ પડે એની રાહ જોવા લાગ્યો. ટીણીયો તો કાગડોળે રાહ જોઈ રહ્યો. અને એ દિવસ પણ આવ્યો. એના પપ્પા ત્રણેય ભાઈ-બહેનને આજે શહેરમાં લઈ જવાના હતા. રજુજીએ એ માટે થોડાક પૈસા બચાવીને રાખ્યા હતા. 

ભાઈ-બહેન તો ખુશ હતા. ટીણીયાને લીધે એમને આજે શહેરની દાબેલી ખાવા મળવાની હતી. ટીણીયો તો ખુબ ઉત્સાહમાં. સૌથી વહેલો તૈયાર થઇ ગયો. જ્યાં જાય ત્યાં બધા કરતા આગળ નીકળી જાય. દોડતો દોડતો જાય. શરીરમાં થાકનું તો નામોનિશાન પણ નહી. એણે તો પાણી પણ ના માંગ્યું. આજે તો દાબેલી મળવાની હતી.

બધું કામ પતાવીને રજુજી એમને દાબેલીની લારી પર લઈ ગયો. ચાર દાબેલી બનાવડાવી. મોટા તવા પર પાઉમાં મસાલો ભરીને તેલમાં શેકી ત્યારે તો એની સુગંધથી પેટમાં આગ ભડકી ઉઠી. ટીણીયાની નજર તો તવા ઉપર જ; ક્યારે દાબેલી તૈયાર થાય અને ક્યારે ખાવા મળે ! લારીવાળાએ દરેકને ડીશમાં દાબેલી આપી. સાથે ચટણી પણ આપી. 

ટીણીયો તો પાણી પાણી. આજે સ્વર્ગમાંથી ભગવાન ઉતર્યા. જેવો એ દાબેલીને મોઢામાં મૂકવા જતો હતો કે એના કાને અવાજ સંભળાયો, ‘બેટા, મને ભૂખી ડોશી ન થોડું કોક ખાવા આલો તો ભગવાન તમારું ભલું કરહે.’ રજુજી અને એના ભાઈ-બહેન તો ડોશી તરફ જોયા વગર જ દાબેલીનો આસ્વાદ લેવા માંડી પડ્યા. 

ટીણીયો કંઇક જુદી માટીનો હતો. એણે જોયું તો ડોશી આશરે સીતેરની. જરઠ ચામડી પર કરચલીઓ બાઝી ગયેલી. હાથમાં લાકડી. ભૂખ્યું શરીર કમરથી ઝૂકી પડેલું. હાથ ધ્રૂજે. ઊંડી ઉતરી ગયેલી આંખો. આંખો પર ચશ્માં. વાળ તો ભૂખરા - અસ્તવ્યસ્ત. ટીણીયાને ડોશીની દયા આવી ગઈ. 

ડોશીએ ફરીથી આજીજી કરી, ‘બેટા, કોક ઓય તો આલો ભા. બઉ ભૂખી શુ.’ ડોશીને કાકલુદી કરતા જોઈ ટીણીયાનું મન તરત જ પીગળી ગયું. કાંઈ પણ વિચાર્યા વગર એણે પોતાની ડીશ એમ ને એમ ડોશીના હાથમાં મૂકી દીધી. રજુજી અને એના ભાઈ-બહેન તો જોતા જ રહી ગયા. ડોશી તો ટીણીયાને બોલાવીને કશુંય કહ્યા વગર માથે હાથ મૂકીને ચાલતા થયા અને ટીણીયાની આંખમાં પાણી ભરાઈ આવ્યા. 


Rate this content
Log in

Similar gujarati story from Drama