Click Here. Romance Combo up for Grabs to Read while it Rains!
Click Here. Romance Combo up for Grabs to Read while it Rains!

Hiren Maheta

Tragedy Action Thriller


4.3  

Hiren Maheta

Tragedy Action Thriller


હવે જીવી લે

હવે જીવી લે

10 mins 557 10 mins 557

અષાઢ મહિનાનું આભ ધરતી માથે ઘેરાવો કરીને ઊભું હતું. અજવાળિયું હોવા છતાં ચંદ્ર વાદળોની રજાઈમાં નસકોરાં લેતા સંભળાતો હતો. સામાન્ય દિવસોમાં પોતાના નોખા રૂપથી આકાશને ચંદરવો બનાવતા તારલિયા પણ ખૂણે ખાંચરે ક્યાંક સંતાઈ ગયા હતાં. નજર પણ રૂંધાઈ જાય તેવો અંધકાર. આકાશના વાદળો વારે વારે ગડગડાટી કરીને ધરતીના પડ ધ્રુજાવી રહ્યા. સાથે જ વીજળીનાં કડાકા સામાન્ય માણસના હૃદયમાં ફાળ પાડે તેવા ડરામણા. આખી રાત ભસાભસ કરીને ગામ ગજાવતા કૂતરાં પણ કોઈ ખૂણો શોધીને લપાઈ ગયા હતાં. ગમાણમાં બાંધેલા ઢોર કડાકો થતાં જ ભાંભરતા, પણ ગરજતા વાદળો પાછળ તેમનો અવાજ પાણીમાં તરણું તણાય તેમ તણાઈને ખોવાઈ જતો. એકાદ ઘરેથી ઢોરને હિંમત આપવા ‘હોડ… હોડ…’ કરીને હોંકારા કરતું કોઈક સંભળાતું. એ સિવાય આખુંય ગામ, ફળિયું અષાઢી ભીનાશ ઓઢીને ભર ઊંઘમાં પોઢેલું હતું. 

ઓચિંતો દક્ષિણ દિશાએથી પવન છૂટ્યો. ઘોર નિંદ્રામાં ગરકાવ થયેલા ફળિયાના ઝાડ, પાંદડા સળવળ્યા. પવનની ગતિ સાથે ફળિયાની ઓળખ સમો પીપળો ઉછળી ઉછળીને બૂમો પાડવા લાગ્યો, અને આકાશે હેત વરસાવ્યા. ઝાપટાં સાથે ધોધમાર વરસાદ છૂટ્યો. પણ આખુંય ફળિયું તો ભર ઘેનમાં. જાણે ભીની માટીની મીઠી સુગંધે વધારે ઘેન આણ્યા હતાં. એકલા માણસ તો શું, ઢોર, પક્ષી, તરુવર, બધું જ ઊંઘતું હતું ! ફક્ત જાગતાં હતાં બે જણા - ધરતી ગજવતો તોફાની વરસાદ અને તોફાન સંઘરીને બેઠેલું કાશીમાનું ઘર. 

ઘરની પરસાળમાં પાથરેલા ખાટલામાં કાશીમાએ પડખું ફેરવ્યું. આજે એમને જરાય ઊંઘ નહોતી. ઊંઘ તો ઠીક, એમની પાંપણોએ પણ આરામ નહોતો કર્યો. ખાટલામાં પડ્યે પડ્યે આમ-તેમ પડખા ફેરવ્યે રાખતા કાશીમાની આંખો સામેની દીવાલ પર મંડાયેલી; જાણે દીવાલની ઈંટો વચ્ચે પોતાની ચણાઈ ગયેલી શાંતિ શોધતા હોય તેમ ! વચ્ચે કોઈક વાર પાંપણના પલકારા જેટલો સમય આંગણામાં બાંધેલા જીવલીના પાંજરા તરફ જોઈ લેતા. એમણે ચકલીનું નામ જીવલી પાડેલું. પણ ત્યાં પહોંચતી એમની દ્રષ્ટિ વધારે વિહ્વળતા અને બેચેની સાથે ફટ કરતાં પાછી ફરતી અને દીવાલની ઈંટો ઉપર જડાઈ જતી. આકાશમાં ચાલતું હતું તેવું જ એક તોફાન તેમની અંદર પણ ઉઠેલું. આ તોફાન તેમના ભૂતકાળના સ્મરણોની યાદ અપાવતું અને આવનારા ભવિષ્યના એંધાણ આપતું અટ્ટહાસ્ય કરતું હતું. ધરતીની ગલીએ ગલીએ અજવાળાના બચકા બાંધીને ઉતરી પડતા વીજળીના ઝબકારા અને કડડડ… કડાકા કરીને તૂટી પડતું આભ. 

‘ઓય મા… મરી ગઈ.. !’ એક ચીસ સંભળાઈ; પરંતુ તે પૂરી સંભળાય તે પહેલા તો એક મોટા કડાકાના અવાજ તળે દબાઈને તણાઈ ગઈ. કાશીમા ખાટલામાં બેઠા થયા. આવી ચીસો તેમને મન હવે રોજનું થઈ પડેલું. પોતાની નસેનસમાં ઉછળી ઉછળીને દોડતા બાળપણથી લઈને ચામડીના ઝીણા છિદ્રોમાં બળજબરીથી પ્રવેશેલા ઘડપણ સુધી આવી કેટલીય ચીસો તેમણે સાંભળી હતી, જોઈ હતી અને અનુભવી હતી. આવા હૃદય વીંધતા ચિત્કારો વચ્ચે તેમનું લોહી ઉકળીને બદલો લેવા પણ દોડી જતું. પરંતુ પોતાની લાચારી આગળ તે અથડાઈ અથડાઈને પાછું પડતું. આજે પણ બરાબર એ જ વેદના અનુભવતા, આમથી તેમ પડખા ફેરવતા, પોતાની વહુના ચિત્કાર સાંભળી રહેલા. 

‘હજુય ના સુધરી તો તારી ખેર નથી. આ જુત્તું ને તારું મોઢું ! હમજી જજે !’, દીકરાના શબ્દો તેમના કાને અથડાયા અને પુરુષત્વનો રણકો કરતા અટ્ટહાસ્ય કરીને પાછા વળી ગયા. કાશીમા પોતાની પથારીમાં પડ્યા પડ્યા સમસમી ગયા. આવા શબ્દો આ ઘરની ભીંતો માટે નવા નહોતા. તે તો આ ઘરની પથ્થરોની દીવાલો વચ્ચે વરસો વરસથી અથડાયા કરતા હતાં અને વેદના આપ્યા કરતા હતાં. કોઈક વાર તો સુના ઘરની વચ્ચે બેઠેલા કાશીમાના કાને અથડાઈને તેમને રીબાવી રીબાવીને પીડ્યા કરતા. 

‘જા જીવ… ! આ અસ્તરીનું જીવન !’, રજાઈને પોતાની મુઠ્ઠીમાં કસકસાવીને પકડીને બોલ્યા; જાણે કોઈ રાક્ષસી ટોળાને પકડીને ભુક્કો બોલાવતા હોય તેમ ! પણ ત્યાં તો રજાઈ કોઈ નિર્લજ્જ, બેપરવાની જેમ હાંસી ઉડાવતી શ્વાસ ભરીને ફૂલી. કાશીમા લાચારી સાથે બેઠા રહ્યા. ‘ચીં..ચીં..’, બે એક ટહુકાઓ કરીને જીવલી ચૂપ થઈ ગઈ; જાણે કાશીમાની લાચારીને સમજતી હોય તેમ ! કાશીમાએ પાંજરા તરફ નજર કરીને ફેરવી પણ લીધી અને અપાર વેદના સાથે ડોકું ધુણાવ્યું. આંખોના ઊંડા ખાડામાં અંધકાર સિવાય કશુંય દેખાતું નહોતું; જાણે આંખોની વેદના પણ કોઈ વીજળીનો હાથ ઝાલીને અવકાશમાં ન પહોંચી હોય તેમ ફક્ત અંધકાર જ ડોકિયું કરતો રહ્યો !

બાજુમાં પડેલા પાણીના કળશને નમાવીને પ્યાલો ભર્યો. હોઠે અડાડે તે પહેલા તો આંખોના ગોખલામાંથી ડબ-ડબ કરતાં ટીપાં પડ્યા. પ્યાલો હાથમાં જ રહી ગયો. ભગવાનને કહેતા હોય તેમ આકાશ સામું જોઈને બોલ્યા, ‘અમારે તો અહીં વેદના, વેદના અને વેદના જ ? મારા સાસુ, પછી હું અને હવે આ વહુ ! આનો અંત ક્યાં ?’ અને હાથમાં રહેલા પ્યાલાને ધરતી પર નમાવી દીધો; જાણે તરસ જ મટી ગઈ. અને એ બધું જ વરસાદી નેવા સાથે ભળીને વહી ગયું.

કાશીમા પોતે અહીં પરણીને આવેલા ત્યારે ફક્ત ચૌદ વરસના. આખાય ઘરમાં પોતાનું કહી શકાય તેવા એકલા સાસુ જ. પોતાને દીકરીની જેમ આ ઘરમાં એમણે સાચવેલી. કોઈ વાત કહેવાનું મન થાય તો ફટ કરતાં સાસુ આગળ મન હળવું કરી લેતાં. માની ગરજ સારે તેવા હતાં. સાસુ જ્યારે એકલા હોય ત્યારે તો ખુશખુશાલ. ન જાણે કેટલાંય ઉમંગો તેમની ભીતરથી ઉછળી ઊછળીને વેરાઈ જતા. એક સામટા ચાર-પાંચ કામ પતાવે. થાકનું તો નામોનિશાન નહીં. ચહેરાની રેખાઓને એવી ગોઠવીને રાખે કે દુઃખ કે વેદનાનો અણસાર સુધ્ધાં ન મળે. પરંતુ સસરા અને સાસુ વચ્ચે મેડા ઉપર થતી બોલાચાલી એમની જાણ બહાર નહોતી અને એમને માટે એ રોજનું થઈ પડેલું. એમાંય સાસુનો અવાજ તો ક્યારેય સંભળાતો નહોતો. ફક્ત સસરાના ઊંચા અવાજમાં ખુલ્લી ધમકી, બેફામ ગાળો અને ગડદા પાટુંનો કે વસ્તુ તૂટ્યાનો અવાજ. કાશીમા એ સાંભળીને સમસમી જતા. પાછળના ઓરડામાં જઈને સંતાઈ જતા. 

ઘણીવાર સાસુને ખૂણે બેસીને રડતા જોયેલા. પણ સસરાજીની બીકે એમની પાસે જવાની હિંમત ન થયેલી. કેટલીક વાર તો એમના ચહેરા કે બરડામાં ઉઠેલા સોળ આખીય ઘટનાની ચાડી ખાતા; અને કાશીમા મનોમન બધું સમજી જતા. ‘સસરાજી આમ શું કામ કરતાં હશે ? બિચારી સાસુમાનો શું વાંક ?’ તેવા પ્રશ્નો મનોમન કરતા રહેતા, પણ પાછળથી સ્વીકારી લીધેલું કે સ્ત્રીએ તો આ સહન જ કરવાનું. 

એક વાર ખેતેરેથી સમાચાર આવેલા કે સાસુ કૂવામાં પડી ગયા છે. સાસુનું મૃત્યુ કાશીમા માટે દુઃખનાં દ્વાર ખોલતું ગયેલું. હવે પોતાનું કહી શકાય, જેની પાસે મન ખોલી શકાય તેવું ઘરમાં કોઈ ન હતું. સાસુજીના અકાળ મૃત્યુની પીડા કાશીમાના મનોજગત પર હાવી થઈ ગયેલી. પરંતુ સસરાજીની યાતનામાંથી તે છુટ્યા એ વાત કંઈક અંશે સંતોષ આપતી હતી. પાછળથી જાણવા મળેલું કે સસરાજી અને સાસુમા વચ્ચે ખેતરે કંઈક બોલાચાલી થયેલી અને એમણે સાસુમાને કૂવામાં ફેંકી દીધેલા. આ વાત કાશીમાના હૃદય પર ઘા કરી ગયેલી. કેટલાંય દિવસો સુધી તેમણે રોયા કરેલું. ક્યારેક તો ઊંઘમાં પણ ચીસ પાડીને જાગી જતાં, ‘મારી નાખી રે ! બચાવો !’ મનમાં ફડક પેસી ગયેલી કે ‘પોતાની સાથે પણ આવું જ થશે કે શું ?’ અને એ વિચારે એ જીવલીની જેમ ફફડી ઉઠતા.

પરંતુ તેમનું જીવન તો એનાથી પણ બદતર હતું. સાસુના ગયા પછી ઘરની તમામ જવાબદારી પોતાના ખભે નંખાઈ ગયેલી. સસરાજીનો ત્રાસ વધતો ગયેલો અને પતિ દારૂની લતે ચડેલો. એની સવાર દારૂના પીઠા પર ઉગતી અને ત્યાં જ આથમતી. છેક રાત્રે ઘરે આવે ત્યારે ડગમગતા પગ અને શ્વાસ રૂંધાઈ જાય તેવી દુર્ગંધ, સાથે બેફામ ગાળો તો ખરી જ. બાપનો વારસો બરાબરનો ઉતરી આવેલો. હવે મારઝૂડ પણ શરુ થયેલી. શરીર પર એક ઘા રૂઝાય નહીં, ત્યાં બીજો પોકાર કરતો હોય. પોતાની વેદના સાંભળે તેવું કોઈ જ નહોતું.

‘તું સાલી સુધરવાની નઈ એમ ન ! હવ જો તારી ખેર નઈ.’, કહીને એક રાતે પતિ લાકડી લઈને તૂટી પડેલો. ‘સટ..સટ..સટ…’ એમ એક, બે અને ત્રણ ફટકા પડ્યા ત્યાં સુધી તો એમણે સહન કરેલું, પણ ચોથો ફટકો મારવા જાય ત્યાં કાશીમાએ બચાવમાં એને હડસેલેલો. અને એનું સંતુલન બગડ્યું. એ નીચે પટકાયો. નીચે પડેલો પિત્તળનો કળશ એના માથામાં વાગ્યો અને એ કોમામાં સરી પડેલો. બે વર્ષ સુધી કાશીમાએ સેવા કરી, પણ બચેલો નહીં. ‘હાય રામ ! મી આ હુ કર્યું !’, એમ કહીને કાશીમાએ મહિનાઓ સુધી વિલાપ કરેલો. એમનું છાતીફાટ રુદન ભલભલાં પથ્થર હૃદયને પણ પીગળાવી દેતું. કેટલાક લોકો એમની સ્થિતિની દયા ખાતા, ‘છૂટી બિચારી ! નરક જેવું જીવન એ જ જીવ હો !’ ગામમાં ક્યાંક આવી પણ વાતો શરુ થયેલી, ‘આ તો ભૈઈ ડાકણ ! પોતાના ઘરવાળાને ખઈ ગઈ !’ ઘણી વાર તો કાશીમાના કાન સુધી પણ આવી વાતો પહોંચતી, પણ સાંભળીને તે ફક્ત સ્મિત ધરતાં અને કહેતા, ‘ભૈઈ ! ત્યાર લોકોને મોઢે ક્યાં તાળું દેવું !’

‘ગમે એ થાય, પણ મારા પેટનાને તો એ રસ્તે નઈ જ વળવા દઉં.’, કાશીમાએ પોતાના અનુભવોને આધારે નક્કી કરેલું. એના માટે દીકરાની ઉપર એમની ચાંપતી નજર હતી. પણ નસીબ અને નદી કોઈના રોક્યા રોકાયા છે કે આજ હવે રોકાશે ? ગામનો પવન અડ્યો અને દીકરો પણ પોતાના દાદાની જેમ રૂઆબ જમાવતો થયો અને બાપાની જેમ પીઠે જતો થયો. ગામના યુવાનોની ટોળીમાં બેસનારો દીકરો પોતાની વિધવા માના કહ્યામાં રહે જ શાનો ? ઉલટાનું પોતાના બાપ-દાદાથી ચડિયાતો નીકળ્યો. ગામના ઝાંપે બેસીને જુગારની લતમાં સંડોવાયો. 

દારુ અને જુગારનો નશામાં એવો ડૂબેલો કે એની પાછળ ઘરની આવક બંધ થતી ગઈ અને સંપત્તિ દેવાના મહાસાગરમાં ડૂબતી ગઈ. કાશીમા પોતાની આંખે જોતા જાય અને અંદરોઅંદર બળતા જાય. પણ એમણે હથિયાર હેઠાં નહોતા મૂક્યા; દીકરાને સુધારવાની છેલ્લી આશ બચી હતી, ‘આ વરહે જ ઈના હાથ પીળા કરાવી દઉં. ઘરમાં વહુ આવે ત્યાર તો સુધરી જ જાશે.’ પણ તેમની એ આશા પણ ઠગારી નીવડેલી. પોતે અને સાસુએ જે નરક ભોગવ્યું, તે જ નરકમાં કોઈના ઘરની દીકરીને તેમણે ધક્કો માર્યો. 

   પછી તો ઘરની એ દીવાલો વચ્ચે ફરીથી અપમાનો, ગાળો અને મારામારીનો ખેલ શરૂ થયો. બાપની જેમ જ કાન ફાડી નાખે તેવી ગાળો અને શરીર અડધું કરી નાખે તેવા ગડદાપાટુ. પરંતુ વહુ અલગ હતી. પોતાના સ્વાભિમાનના ભોગે ચૂપચાપ સહન કરનારી નહોતી. તે પ્રતિકાર કરવાવાળી હતી. કેટલીક વાર તો કંટાળીને તે પણ લાકડી પકડતી, સામે થતી, વિરોધ કરતી, પોતાને બચાવતી. વહુનું આ સ્વરૂપ કાશીમાને પસંદ આવ્યું હતું. જે પોતાના સાસુ કે પોતે નહોતા કરી શક્યા, તે આ વહુએ કરી બતાવ્યું. પોતે જે અત્યાચારોને ચુપચાપ સહન કર્યા, તેને પડકારનારં કોઈ આવ્યું હતું, તે જોઈને મનોમન આનંદ હતો. ‘પણ પોતાની સાસુની જેમ ક્યાંક આ બિચારીને….’, એમ મનમાં વિચારીને વધારે પીડાતા. 

   આજે પણ મેડા પર બંને વચ્ચે તકરાર જામી હતી. જુગારનું દેવું ભરવા અત્યાર સુધી દીકરાએ વહુના બધા ઘરેણાં વેચી માર્યા હતાં. અને હવે બચેલી બે બંગડીઓ પર તેની નજર હતી. પણ વહુ એમ માને તેમ નહોતી અને એટલે તેમની વચ્ચે બરાબર યુદ્ધ જામ્યું હતું. 

   ‘ઓય મા ! મરી ગઈ રે ! બચાવો !’, વીજળીથી પણ વધારે ગતિએ કોઈની ચીસ મેડા પરથી આવી અને એક જોરદાર કડાકો થયો. કાશીમાના મનમાં ફાળ પડી. માથું પાણી પાણી અને હાથ-પગમાં કંપારી છૂટી. ‘વહુને…..’, મનમાં અમંગળનો ભણકારો થયો. રજાઈને એક હાથેથી હટાવીને ખાટલામાંથી ઊભાં થઈને દોડ્યા. ઓસરીના ખૂણે આવેલા દાદર પાસે દોડ્યા ત્યારે જીવલીનું પાંજરું હડફેટે ચડીને ચકરાવે ચડ્યું. જીવલી પણ ‘ચીં...ચીં...ચીં…’ કરીને રાડ નાખતી હતી, પણ આકાશમાંથી પડઘાતા અવાજમાં બિચારી લાચાર બની રહી. 

   એક શ્વાસે કાશીમા દાદર ચડી ગયા. જઈને જોવે છે તો મેડા પર ખૂણામાં વહુ નીચે પડેલી છે અને દીકરો ખુલ્લી તલવાર લઈને ઘા કરવાની તૈયારીમાં છે. ‘છેટો રેજે… મુઆ… એને અડતો નઈ.’, કાશીમાએ ત્રણ પેઢીને ટપી જાય એટલા જોરથી બુમ મારી. ડોશીને જોતા જ દીકરો વધારે છંછેડાયો. ડોશી સામે તલવાર ધરીને કહ્યું, ‘ડોશલી ! આઘે જ રેજે. નહીં તો આની સાથે તુંય આજે જવાની.’ એની લાલચોળ આંખોથી એણે કાશીમાને ચેતવ્યા. આજે છાકટા બનેલા દીકરાને રોકવો મુશ્કેલ હતો. 

એણે વહુ તરફ ફરીથી તલવાર ઉગામી અને ઘા કરવા આગળ વધ્યો. વહુ રડતી, કકળતી, ચિત્કાર કરતી નીચે પડી હતી. કાશીમાએ આજુબાજુ નજર દોડાવી. પાસે પડેલું ધારિયું કોઈ જ વિચાર કર્યા વગર વહુ તરફ ફેંક્યું અને વહુએ એ ઉપાડી લીધું. પેલો જેવો ઘા કરવા નીચે નમ્યો અને વહુએ ઉગામેલા ધારિયા પર જઈને એની ગરદન ફસાઈ ગઈ. કોઈ જ અવાજ ન થયો. ફક્ત લોહીની ધાર ફૂટી નીકળી. વહુએ જોરથી બૂમ મારી, ‘ઓ મા રે…. !’

દીકરો નિષ્પ્રાણ, જડવત બની ગયો. લોહીની ધાર લાકડાના મેડાની વર્ષોની તરસ છુપાવતી કાશીમાના પગ તળે આવી ભરાઈ. એમના પગ દીકરાના લોહીથી ખરડાયા. એમનું શરીર ઠંડુ પડી ગયું. મૂર્તિની જેમ ચોંટી ગયા. આંખો ફાટી ગઈ. ‘મારા હાથે આ શું થઈ ગયું’ તેવો વિચાર આવે તે પહેલા તો દોડતી આવતી વહુને એમણે પોતાની પાસે ખેંચી લીધી. વહુ કાશીમાની પાછળ ભરાઈ ગઈ; કાકલુદી કરવા લાગી, ‘બા…, બા..., મેં કંઈ જ નથી કર્યું. એ તો… એ તો… એ તો…’ એના મોઢામાંથી નીકળેલા શબ્દો હવામાં જ અદ્રશ્ય થઈ ગયા. પોતે જમીન પર ફસડાઈ ગઈ. 

કાશીમાએ સ્વસ્થતા કેળવી. બે હાથે નીચે નમીને વહુને ઊભી કરી અને કહ્યું, ‘બેટા, તારો કોઈ જ ગુનો નથી. આ તો નિયતીએ લખેલો અંત છે.’ કાશીમાના ચહેરા પર પથરાયેલી અજબ પ્રકારની સ્વસ્થતા અને હિંમતને જોઈ વહુ નવાઈ પામી. પોતાના ગળામાંથી શબ્દો નીકળી નહોતા શકતા. મહામહેનતે બોલી, ‘પણ… આ સમાજ…..’ અને આકાશમાં જોરદાર કડાકો થયો. કાશીમાએ ચહેરાના ભાવ બદલ્યા વગર કહ્યું, ‘ચાલ, મારી સાથે.’

દાદર ઉતરતા કાશીમાના પગલાં લોહીભીની છાપ છોડતા હતાં. એક-બે-ત્રણ એમ અગણિત છાપ મેડાથી ઓસરી સુધી પથરાઈ ગઈ. આજે કાશીમાના અંગોમાં યૌવન ઉતર્યું હતું. વહુના એક હાથને મજબૂતાઈથી પકડીને ઓસરીમાં પહોંચ્યા. પગમાં ક્યારેય ન અનુભવાયેલી ઝડપ હતી. બધું જ છોડીને ચાલી નીકળવાની બેચેની ન હતી. 

પણ એટલામાં ‘ચીં.. ચીં… ચીં..’, જીવલીનો ટહુકો સંભળાયો અને ઓચિંતા અટક્યા. પાછા વળ્યા, પાંજરું ઉઘાડ્યું અને જીવલીને હાથમાં લઈને કહ્યું, ‘જા, આજથી તુંય જીવી લે.’ એના રુવાંટી ભર્યા શરીર પર હળવું વ્હાલ કરીને એને છોડી મૂકી. મુક્તિનો આનંદ લેતી જીવલી પાંખો ફફડાવતી ઘરના ટોડલે જઈ બેઠી, એક-બે ટહુકાર વેર્યા, પાછી ઊડી, ઓસરીના બે ચક્કર લગાવ્યા અને પોતાનો ઉત્સાહ વેરતી વેરતી વરસાદી હેલીમાં ક્યાંક અદ્રશ્ય થઈ ગઈ.

કાશીમાની આંખો એના પર જ સ્થિર હતી. એના ગયા પછી થોડુંક સ્મિત એમના ચહેરા પર ફરક્યું અને વહુ તરફ ફરીને બોલ્યા, ‘ચાલ, આપણેય જીવી લઈએ.’ અને વહુનો હાથ પકડીને વરસતા વરસાદમાં ભીંજાતાં ચાલી નીકળ્યા. એમના પગલાંની લોહી ભીની છાપ ઓસરીથી આગળ જતાં જ નેવાના પાણી સાથે ભળીને ધોવાઈ ગઈ.


Rate this content
Log in

More gujarati story from Hiren Maheta

Similar gujarati story from Tragedy