Hiren MAHETA

Horror Tragedy Thriller

4  

Hiren MAHETA

Horror Tragedy Thriller

હિંચકો

હિંચકો

8 mins
129


શિયાળાનાં પહેલા પહોરની ઠંડી ધરતીને ખોળે ઉતરીને ગોઠવાઈ ચૂકી હતી. બહાર ક્યાંય પણ માનવ અવાજ કે ચહલ-પહલનું નામનિશાન નહોતું. તમરાનો તીણો અવાજ અને એમાં ક્યાંક ઘુવડનો ધીમો પરંતુ ડરામણો અવાજ કાને પડતો હતો. ક્યાંક કોઈક દિશાએથી કૂતરાઓનો ભસવાનો અવાજ રાત્રીની નીરવ શાંતિને ડહોળી નાખતો. આખુંય શહેર ઘોર નિંદ્રામાં ચાદર ઓઢીને સૂતું હતું. સોસાયટીની સ્ટ્રીટ લાઈટ્સ છેલ્લા કેટલાક દિવસથી બંધ હોઈ અંધારાને પોતાનો અડ્ડો જમાવવાનો બરાબરનો લાગ મળ્યો હતો. ઉપરથી માથે અમાસની રાત. સોસાયટીના બધાય મકાનોમાં વળગેલી ભેંકાર શાંતિ ભલભલાને ધ્રુજાવી દે તેવી હતી.

   ડાબી હરોળમાંનાં છેલ્લા મકાનની બારીની લાઈટ ચાલુ હતી. રિમી પોતાના બેડરૂમમાં હજુ જાગતી હતી અને વિચારોમાં પડખાં ફેરવ્યે જતી હતી. આશિષ હજુ ઘરે પહોંચ્યો નહોતો. રાજકોટથી તે પરત રસ્તામાં હતો અને આવવામાં હજુ થોડું મોડું થશે એમ કહ્યું હતું. બે માળનું આ વિશાળ મકાન અને એમાં એકલી રિમી. ઊંઘ આવે જ શાને? 

   રિમી અને આશિષના લગ્નજીવનને છ મહિના થવા અવ્યા હતા. આશિષ પોતે એક કંપનીમાં પ્રોજેક્ટ મેનેજર હતો અને અવારનવાર પોતાના કામે બહાર જવું પડતું. રિમી પોતે એક સંયુક્ત કુટુંબમાં ઉછરેલી અને એકલતાને જોયેલી નહિ અને જીવેલી પણ નહિ. લગ્ન કરીને આ શહેરમાં તે અને આશિષ બે જ જણા. એમાં એણે આશિષને આટલું મોટું મકાન રાખવાની ના કહી હતી, ‘આશિષ, મારું માનીશ ? આટલું મોટું મકાન આપણને નહિ ફાવે. એના કરતા નાનું એવું સરસ મકાન હોય તો જોઈ જો.’ 

   પરંતુ પોતાની પત્નીને અઢળક પ્રેમ કરતો આશિષ ઈચ્છતો હતો કે એને ઘરે રહેવામાં કોઈ તકલીફ ન પડે. બધી જ સુખ-સુવિધાઓથી પૂર્ણ આ વિશાળ ભવન એણે ખાસ રિમી માટે જ પસંદ કર્યું હતું. એના માટે ખાસ નવું રાચરચીલું પણ ખરીદી લીધું હતું. પરંતુ આ બધાની વચ્ચે પણ એકલતા રિમીને વધારે ગૂંચવતી. તેણે પોતાના સાસુ-સસરાને પણ પોતાની સાથે રહેવા આવી જવા કહ્યું હતું, પરંતુ તેઓ તો પોતાનું ગામ છોડીને અહી શહેરમાં આવવા તૈયાર નહોતા. 

   રિમી એટલે સુખ અને વૈભવમાં ઉછરેલો કૂમળો છોડ. એણે ક્યારેય સંઘર્ષ કે એકલતા જોઈ નહોતી. પોતાના ગર્ભશ્રીમંત પિતાને ત્યાં સમૃદ્ધિમાં ઉછરેલી રિમી દેખાવે સ્વરૂપવાન હતી. પાતળો ઉંચો બાંધો અને ગોરું મ્હો. રેશમી વાળા એણે ખભા સુધી સેટ કરાવ્યા હતા. ભૂરી આંખો અને એ આંખો પર બરાબર ગોઠવાયેલી પાતળી ભ્રમરો. 

   પરંતુ એ આંખોમાં આજે ગભરાટ હતો. એનું ગળું વારેવારે સૂકાઈ જતું અને ભર શિયાળે પણ કપાળે પ્રશ્વેદના બિંદુઓ ઉપસી આવીને એને તંગ કરતા હતા. વારેઘડીયે ઘડિયાળ તરફ ફરતી તેની આંખો કોઈ ભયમાં ડૂબેલી હોય તેમ દયામણી નજર આવતી હતી. એણે આશિષને પણ બે વાર ફોન કરી જોયા હતા. પરંતુ તેના મનનો ડર કેમ કરતાંય ઉતરતો નહોતો. એ પોતાના બેડરૂમમાં તકિયો પકડીને રજાઈમાં લપેટાઈને પડી રહી. પોતાને જાતને કોઈક અગોચર વસ્તુથી બચાવવા મથતી હોય તેમ રિમી પાંપણો ઢાળીને પોતાની જાતને છુપાવી રહી. 

   રિમી પહેલાથી સંયુક્ત કુટુંબમાં ઉછરેલી હોવાથી એકલવાયું જીવવાનું તેને વસમું થઇ પડતું. એમાંય જ્યારે આશિષ બહાર હોય, ત્યારે તેનો સમય જતો જ નહિ અને તે વ્યાકુળ બની જતી. પરંતુ આજે તે વ્યાકુળ કરતાંય ડરપોક વધારે લાગતી હતી. એની ઊંડી આંખોમાં બેઠેલો ભય એની આંખો સામે એ ઘટનાને પુન:જીવિત કરતો હતો. મગજ સતત એ જ વાત પર દોડ્યે જતું હતું. ઘણાંય પ્રયત્નો કરવા છતાં એ વિચારોને દૂર નહોતી કરી શકતી. એના એ જ શબ્દો તેના કાન પર અથડાયે જતા હતા. કોઈક આવીને એના કાનમાં આ શબ્દોને છુટ્ટા મૂકી જતું હતું. બે ઘડી વિચારોને શમાવી શાંત થયેલી રીમા પાછુ કંઇક યાદ આવતા ફફડી ઉઠી. હાથે-પગે કંપારી વછૂટી. પોતાની જાત પર પસ્તાવા લાગી, ‘એના કરતા હું આજે બાજુમાં બેસવા જ ન ગઈ હોત તો સારું હતું!’ અને ફરી પાછા એ જ શબ્દો એના કાને અથડાઈને એને હેરાન કરવા લાગ્યા. 

બાજુમાં મીનાબહેનને ત્યાં આજે બપોરે કિટી પાર્ટી હતી અને રિમી પણ ત્યાં ગયેલી. વાત પરથી વાત નીકળતા ચર્ચા રિમીવાળા મકાન ઉપર આવી પહોંચી અને પછી તો એક પછી એક બધા જ રહસ્યોનાં પડ ખુલ્લા થવા લાગ્યા. વર્ષોથી ખાલી પડી રહેલું આ મકાન પોતાની અંદર કેટલા રહસ્યોને જાળવીને બેઠું હતું તે રિમીને આજે જાણવા મળ્યું. 

‘હેં! રિમીબેન, તમે આ મકાન ખરીદતા પહેલા કોઈને પૂછ્યું હતું કે પછી એમ જ?’, રેખાબેને રિમીને સીધો જ સવાલ કર્યો હતો. એ સવાલનો જવાબ આપે તે પહેલા તો બીજા એક બેનનું વાક્ય એના કાનમાં આવી પડ્યું, ‘તમે રહેવા આવ્યા ત્યારે જ મને થતું હતું કે બિચારા અજાણ્યા લાગે છે. નહીતર જાણી જોઇને કોઈ આમ ભૂતિયા બંગલામાં રહેવા શું કામ આવે?’

‘ભૂતિયો બંગલો’, આ શબ્દ કાને પડતાં જ રિમી અંદરથી હચમચી ગઈ હતી. એક સાથે હજાર વિચારોએ એના મનને જકડી લીધું. એના મનને ફાળ પડી હતી. શું કહેવું અને શું કરવું તેની કંઈ પણ ખબર ન પડી. સૂનમૂન બેસી રહીને એ સાંભળતી હતી. તે દિવસે તેને ખબર પડેલી કે અહિયાં પાંચેક વર્ષો પહેલા પોતાની પત્નીને જીવતી સળગાવીને તેનો પતિ ભાગી છૂટેલો. ત્યાર પછી આ ઘરમાં જે રહેવા આવતું તેને તે દેખાતી અને એટલે જ લોકોએ હવે આ ઘર ભાડે રાખવાનું બંધ કરી દીધેલું. પરંતુ આશિષ અને રિમી આ શહેરમાં નવા નવા આવેલા હોવાથી અજાણતા જ આ ઘરમાં આવી ચડ્યા હતા. 

આ વાતો સાંભળ્યા પછી ઘરે જવા માટે રિમીનાં પગ જ ઉપાડતા નહોતા. એક તો આશિષ આજે બહારગામ ગયો હતો તો રાત્રે મોડું થવાનું હતું. પોતે આખાય ભૂત બંગલામાં એકલી હતી. આ વિચારે જ તે રડવા જેવી થઇ ગઈ હતી. વિચાર્યું કે ‘આશિષ ને ફોન કરીને વાત કરી દઉં. પણ આશિષ?’ આશિષના વિચારે રિમી થોભી ગઈ. 

આ ખાલી વાતો હોત તો રિમી પણ મનને મનાવી લેત, પરંતુ તેને પોતે પણ આવા અનુભવો થયા હતા. એક બપોરે જ્યારે તે ઘરમાં પાછળની બાજુ કપડાં વાળતી હતી, ત્યારે સામેના બેડરૂમમાંથી અચાનક કોઈ સ્ત્રીની ચીસ સાંભળી. પહેલીવાર તો તેને થયું કે આજુબાજુના કોઈ મકાનમાંથી અવાજ આવે છે. પરંતુ જ્યારે બીજી વાર ફરીથી તે અવાજ ઘરની અંદરથી આવતો સાંભળ્યો અને તે દોડી. સામેવાળો બેડરૂમ પોતે કોઈ વાપરતા નહોતા એટલે તેમાં તિજોરી અને બીજો વધારાનો સમાન ભર્યો હતો. દરવાજાને ધક્કો મારીને જોયું ત્યારે અંદર કોઈ જ નહોતું. એટલામાં જ ત્રીજી ચીસ સંભળાઈ. અને એ પડઘો એ જ રૂમમાંથી પડતો હતો. તેણે પોતાના કાન દબાવી દીધા અને આંખો બંધ કરી લીધી. થોડી વાર પછી આંખો ખોલી તો તિજોરીમાં ગોઠવવા માટે ઈસ્ત્રી કરેલા કપડાં વિખરાયેલા જોવા મળેલા. 

બીજું કંઈ પણ વિચાર્યા વગર રિમી બહારની તરફ દોડી અને બહાર મૂકેલા હિંચકામાં ફસડાઈ પડી. તેનું શરીર ધ્રુજવા લાગ્યું હતું અને હાથ-પગ પાણી-પાણી થઇ ગયેલા. આંખોમાં આવી ગયેલા આંસુ કોઈએ રોકી લીધા હોવાનો અહેસાસ થયેલો. એણે ફોન કરીને એ દિવસે આશિષને વહેલો ઘરે બોલાવેલો. એની સામે તો એ રોઈ પડેલી. આખીય વાત કહી. એ બેડરૂમ અને ફેદાયેલા કપડાં બતાવ્યા. પણ આશિષ સમજવા જ તૈયાર નહોતો. ભૂતપ્રેત જેવી વાતોમાં તેને વિશ્વાસ જ નહોતો. ‘જરુર તને કોઈ ભ્રમ થયો હશે.’, એમ કહીને એણે રિમીને થોડા દિવસ પિયરમાં રહેવા મોકલી હતી. 

પરંતુ ત્યાર પછી રિમી આ ઘરમાં નિરાંતે રહી શકી નહિ. તેનો જીવ તાળવે ચોંટેલો રહેતો. આ વિશાળ ભવનના દરેક રૂમમાં તેને કોઈક ખાવા આવતું હોય તેવું લાગતું. તે જયારે એકલી હોય ત્યારે તેની સાથે આવી ઘટનાઓ બન્યા કરતી. કોઈક ખૂણેથી કોઈના રડવાનો અવાજ સંભળાતો, તો ક્યારેક કોઈક સ્ત્રીનો ગાવાનો અવાજ. ક્યારેક તેના દુપટ્ટાને કોઈક પાછળથી પકડી લેતું અને તે પાછું ફરીને જોવે તો કોઈ જ ન હોય. એકવાર તો હિંચકા પર બેસવા જતી વખતે હિંચકો ઓચિંતો ઝૂલવા લાગેલો અને તે ભય પામીને અંદર દોડી ગયેલી.

   એક બે વાર તેણે આશિષને આવા અનુભવો કહી જોયેલા. પણ તે તો ઉલટાનું કોઈ મનોચિકિત્સકને બતાવવાનું કહેતો. હવે તો તેણે પણ પતિને આ વાત કરવાનું બંધ કરી દીધું હતું. પોતે આવા અનુભવો સાથે ટેવાઈ ગયેલી. કોઈ અવાજ કે બૂમ સંભળાય તો પણ તે બહુ ધ્યાન આપતી નહિ. પોતાનું કામ કર્યે રાખતી. 

પરંતુ તેના મનમાં દબાવી રાખેલો ભય રાખ જામેલા અંગારા જેવો હતો. વળી આજે પેલું રહસ્ય જાણીને તે ધગધગતા અંગારા ફરી સજીવન થયા હતા. ઘરનો ઝાંપો ખોલતાં પહેલા તો તેને કમકમાં આવી ગયા. હાથ ધ્રુજવા લાગેલા અને શરીરમાં ન ક્યારેય ન અનુભવેલ ભય આવી ભરાયો હતો. ઘરમાં આવીને તેણે ટીવીનો અવાજ સૌથી ઊંચો કરી દીધેલો. બધા જ રૂમની લાઈટ ચાલુ રાખીને જલદીથી કામ આટોપીને તે પોતાના બેડરૂમમાં આવી ભરાઈ હતી. 

હજારવાર પ્રયત્ન કરવા છતાંય મન એ વિચારોને છોડતું નહોતું. ‘કોણ હશે એ સ્ત્રી? એને મારી નાખીને એનો પતિ ક્યાં ભાગી ગયો હશે? એના બાળકનું શું થયું હશે? કેવી રીતે સળગાવી હશે? કેવું દર્દ થયું હશે? કેટલી ચીસો પાડી હશે? શું કોઈ મદદે નહિ આવ્યું હોય?’, અને આવા અનેક વિચારોનું ગુચ્છ તેના મગજમાં જામી પડ્યું હતું. આ વિચારો તેને શાંતિથી જંપવા નહોતા દેતા. મનમાં નક્કી કર્યું હતું, ‘આશિષને મારે પડોશમાં લઇ જઈને તેમના મોઢે જ વાત કરાવવી છે. પછી તો માનશે જ.’ પરંતુ આશિષ ક્યારે આવશે? 

થોડી થોડી વારે તે બેડરૂમની રોડ તરફની બારી ખોલીને ડોકિયું કરી લેતી. પરંતુ બહારનો રસ્તો આખો સૂમસામ હતો. પાડોશના મકાનો પણ અંધકાર ઓઢીને શાંતિમાં મગ્ન હતા. રોડની સામેની તરફ આવેલા પીપળાના ઝાડના પાંદળા ઠંડા પવનની લહેરો સાથે ગણગણાટ કરતા અને તેનો ભય પામીને તે પાછી બારી બંધ કરી દેતી. રજાઈમાં સંતાઈને વિચાર્યે જતી હતી.

રાતના એક વાગતાની સાથે જ બેઠક ખંડની ઘડીયાળના ટકોરા મોટા અવાજે ‘ટન… ટન…. ટન…’ વાગ્યા અને એ સાથે જ એ સુના વિશાળ મકાનમાં એનો રણકાર ગુન્જી ઉઠ્યો. મકાનની મોટી મોટી દીવાલો પર અથડાઈને ઘડીયાળના ટકોરા પણ બિહામણા લાગતા હતા. મકાનમાં ફેલાયેલાં સૂનકારમાં એનો પડઘો મોટો અને ગાત્રો થીજાવી દે તેવો હતો. રિમી થરથરી ઉઠી. બહાર પવનનું જોર વધ્યું હતું અને એ સાથે પીપળાનાં પાંદળાનો અવાજ પણ. ચીબરી અને ઘૂવડનાં અવાજો પણ સ્પષ્ટ સંભળાતા હતા. 

એવામાં ક્યાંકથી હાડ ફાડી નાખે તેવો રડવાનો આવાજ સંભળાયો. રિમીનાં આખા શરીરમાં કંપારી છૂટી. તેણે ધ્યાન આપીને સાંભળ્યું. કોઈક સ્ત્રીનો અવાજ હતો. પણ અવાજ સામેના બેડરૂમમાંથી નહોતો આવતો. રજાઈ ખસેડીને એણે કાન સરવા કર્યા. બહારનો હિંચકો ઝૂલતો લાગ્યો. કોઈક એના પર બેસીને રડ્યે જતું હતું. રિમી મનમાં ને મનમાં સમસમી ગઈ. એની આંખમાં પાણી ભરાઈ આવ્યા. બૂમ પાડીને કોઈને બોલાવવાનું મન થયું. પણ મોઢામાંથી અવાજ જ નહોતો નીકળતો. હિંચકાનો અવાજ અને રડવાના ડૂસકાં - આ બે જ તેને સંભળાતા હતા. 

એટલામાં ડોરબેલ વાગ્યો. ડોરબેલના અવાજે તેના મનમાં શાંતિ લાવી આપી. ‘હાશ! આશિષ આવી ગયો.’, એમ વિચારીને તે દોડી. શરીરમાં હજુ પણ કંપારી હતી. ફટાફટ દરવાજો ખોલ્યો અને જોયું તો કોઈ જ નહિ. વધારે ગભરામણ થઇ. એની નજર સામેના હિંચકા પર ગઈ. કોઈક સ્ત્રી ત્યાં બેઠેલી હતી. લાલ ચટક સાડી પહેરેલી તે પોતાનું મ્હો બંને હાથોમાં દબાવીને રડ્યે જતી હતી. રિમી તો પોતાની જગ્યાએ જ ચોંટી ગઈ. ઘરની અંદર ઘૂસવાનો પ્રયત્ન કરવા લાગી, પણ ઉલટાની તે હિંચકા તરફ ખેંચાવા લાગી. પાસે પહોંચીને તે હિંચકા પર બેસી પડી. 

પેલી સ્ત્રીનું રડવાનું હજુ ચાલુ હતું. મનમાં ભયભીત બનેલી રિમી તો એના તરફ જોઈ પણ ન શકી. બસ આંખો બંધ કરીને મનમાં કરગરી રહી. એટલામાં જ ગાડીનું હોર્ન સંભળાયું અને તેમાંથી આશિષ ઉતર્યો. તરત જ રિમી દોડીને તેને વળગીને રડવા લાગી. આશિષ તેને ઘર તરફ લઇ આવ્યો. તેના ડૂસકાં અને પેલી સ્ત્રીના ડૂસકાં વચ્ચે કોઈ જ ફેર ન હતો. આશિષે તેના માથે હાથ મૂકેલો હતો. ઓચિંતું તેનું ધ્યાન પેલા હિંચકા તરફ ગયું. તેની આંખો ફાટી ગઈ. હિંચકો ખાલી હતો અને હજીય તે ઝૂલતો હતો. હિંચકાનો ‘ચરર… ચરરર…’ અવાજ અને પેલા ડૂસકાં સિવાય બધું જ શાંત થઇ ગયું હતું. આશિષના શરીરમાં એક ધ્રુજારી પસાર થઇ ગઈ. 


Rate this content
Log in

Similar gujarati story from Horror