વિજ્ઞાન આશીર્વાદ કે અભિશાપ ?
વિજ્ઞાન આશીર્વાદ કે અભિશાપ ?


“ઓલ ધ વેરિ બેસ્ટ એન્ડ ટેક કેર...”
“યેસ, યુ ડોન્ટ વરિ. હું આમ ગયો, અને આમ આવ્યો... પછી જો, વિશ્વના ઈતિહાસમાં મારું નામ સુવર્ણાક્ષરે કોતરાઇ જશે. આખી દુનિયામાં મારા નામની ચર્ચા હશે, સાઈન્સ ફિલ્ડમાં રિસર્ચ કરનાર દરેક વ્યક્તિ મને આઇકોન માનશે..”
“સર, સમય થઈ ગયો છે. આપણે તૈયાર છીએ.”
વાક્ય અધૂરું જ રહી ગયું. એણે એક નજર ઘરમાં ફેરવી. એક સાઈન્ટીસ્ટનું ઘર કલ્પી શકાય... ઘર-કામ માટે ચાર રોબોર્ટ્સ, બાળકોનાં ભણવા માટે ડિજીટલ રુમ્સ, આધુનિક કમ્પ્યુટર્સ, બૂક્સ અને ક્લાસરુમ્સ તો એમણે સપનામાં પણ ભાળેલા નહીં ! વિચારી પણ ના શકાય એવી અદ્યતન સુવિધાઓ, જમવાનું પણ કેવું ? કોમ્પેક્ટ ફૂડ જેવું. એક કેપ્સ્યુલ ખાધી કે એમનું ડિનર કે લંચ પુરું ! આખા વિશ્વની ગરીબીનાં પ્રશ્નો હલ થઈ ગયા. કેટલી પ્રગતિ કરી છે વિજ્ઞાને ! એને હજુયે યાદ છે, જ્યારે પોતે માસ્ટર્સના ફાઇનલ ઇયરમાં હતો, અને ‘મિશન માર્સ’ પર એક સેમિનાર આપવાનો હતો. ત્યારે પોતાના સેમિનારનાં અંતે પોતે કહેલું, ‘ભલે મેં આ સેમિનાર આપ્યો, પણ હું માનું છું કે, બીજા પ્લેનેટ પર જઈને વસવાના સપના જોવાં કરતાં આપણે આ પ્લેનેટને વધુ સુંદર, વધુ રહેવા લાયક ના બનાવીએ ? દર વર્ષે અબજો રુપિયા સંશોધનોમાં ખર્ચાય છે. એના બદલે એ રુપિયાનો ઉપયોગ આપણે ગરીબી નિવારણમાં ના કરી શકીએ ?’ અને એના જવાબમાં ત્રણ જ વર્ષમાં એણે પોતે ગરીબી નિવારણનો હલ આ કોમ્પેક્ટ ફુડનાં રુપે શોધી કાઢ્યો હતો. આખી દુનિયામાં એનાં નામનાં ડંકાઓ વાગ્યાં હતાં. વિશ્વની તમામ મોટી મોટી રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ્સમાંથી કંઈ કેટલીયે લોભામણી ઓફર્સ આવી હતી. પણ બધી જ ઓફર્સનો એણે સાદર અસ્વીકાર કર્યો હતો. ‘હું જે દેશમાં જનમ્યો છું તેનું મારા પર ઋણ છે, જે મારે ચૂકવવાનું છે.’ એ વિચારે એને કોઈપણ લાલચ સામે ઝુકવા દીધો ના હતો.
ખરેખર વિજ્ઞાને ખૂબ પ્રગતિ કરી છે. પણ માનવીની ઈછ્છાઓને મર્યાદામાં બાંધી રાખવાનું કદાચ વિજ્ઞાન પણ કરી શક્યું નથી. પેટની ભૂખતો મિટાવી દીધી છે, પણ માનવની કીર્તિ માટેની ભૂખ, બધું જ જાણી લેવાની ભૂખ, કુદરતના રહ્સ્યોને ખોલવાની ભૂખ, કે પછી કુદરતને પણ ચેલેંજ કરવાની આપણી પ્રક્રુતિ એ બદલી શક્યું નથી. આમાંથી કોઈપણ કારણ હોય, પણ પોતાના સવાલનો જવાબ ગરીબી નિવારણ માટે કોમ્પેક્ટ ફુડ રુપે મેળવી લીધા પછી એના પ્રોફેસરનાં શબ્દો યાદ આવી ગયા. ‘જે દિવસે માનવ બીજા પ્લેનેટ પર જીવન શોધી કાઢશે, એ દિવસ સમગ્ર માનવજાત માટે સૌથી મોટી ઉપલબ્ધિનો દિવસ હશે. એનાથી મોટી સિદ્ધિ કોઈ હોઈ જ ના શકે.’ હવે એના જીવનનું એક માત્ર ધ્યેય હતું બીજા પ્લેનેટ પર જીવનની ખોજ.
પોતાના જેવા ચાર મિત્રોને સાથે લઈ પાંચની ટીમ બનાવી. અલગ અલગ પ્લેનેટ્સ પર સરકારની મદદથી યાન મોકલી, જીવન શક્ય હોવાની બધી જ શક્યતાઓ તપાસી જોઈ. પરિણામ શૂન્ય ! આપણી સૂર્યમાળાના પ્રુથ્વી સિવાયના કોઇપણ પ્લેનેટ પર જીવન શક્ય છે જ નહીં. વર્ષોની મહેનત અને કરોડો રુપિયા પાણીમાં ગયા. પણ એમ કંઈ હાર માનીને બેસી જવું એ શીખ્યો ના હતો. એણે નવી દિશાઓ-નવી શક્યતાઓ વિચારી. ‘આપણા સૂર્ય મંડળમાં શક્ય નથી તો શું થયું ? આ યુનિવર્સમાં અબજો તારાઓ છે, બીજી લાખો મિલ્કીવેઝ છે. શક્ય છે કે ત્યાં કોઈ આપણા જેવા અથવા આપણાથી અલગ જીવો રહેતા હોય. આ માટે એણે એક વેબ સાઈટ બનાવી.
‘દુનિયાના કોઈપણ ખૂણે, કોઈપણ માણસને કોઈ અજીબો ગરીબ જીવ વિશે, અથવા તો બીજી દુનિયાના લોકો વિશે કંઈપણ અનુભવ થયા હોય તો અમને જાણ કરવી.’ થોડા જ દિવસની અંદર એક ઇંફોર્મેશન મળી. ‘અમુક જગ્યાએ અમુક વર્ષો પહેલા એક અજીબ પ્રાણી જોવામાં આવેલું, માણસ જેવું જ, પણ થોડું અલગ. સરકારને જાણ કરેલી, પણ સરકારે જંગલનું કોઈ પ્રાણી ભૂલથી માનવ વિસ્તારમાં આવી પડ્યું હશે, એવું કહીને વાત ઉડાવી દીધેલી, એવું જાણવા મળ્યું. ફટાફટ પોતાની ટીમ સાથે જ્યારે એ સ્થળે પહોંચ્યો, ત્યારે જાણવા મળ્યું કે જે માણસે એ અજીબ જીવને જોયેલો, એ માણસ તો હયાત જ નહતો! આતો વેબ સાઈટ જોઈને એના પરિવાર વાળાઓ એ માહિતી આપેલી. પરિવારના કોઈપણ સભ્યએ એલિઅન જોયો નહતો. ફક્ત સાંભળેલી વાત હતી. હવે એ કેટલી સાચી અને કેટલી ખોટી એતો ભગવાન જ જાણે. આ લોકોની વાત પર વિશ્વાસ કરવાનું એક જ કારણ હતું. જોનાર માણસ-જે અત્યારે હયાત ના હતો, એણે પોતાનો અનુભવ ડાયરીમાં લખ્યો હતો. જેમાં તારીખ અને સમય સાથેની સચોટ નોંધ હતી. અને એ માણસ દાવો કરતો હતો, કે એણે જોયેલો જીવ કોઈ જંગલી પ્રાણી નહીં પણ એલિઅન જ હતું !
બાળકોએ તો અત્યારના જમાનામાં બૂક જોયેલી નહતી, એટલે કુતુહલવશ દાદાની ડાયરી સાચવી રાખેલી હતી. જે અત્યારે આ પાંચેયને સોંપી દેવામાં આવી. ત્યાંથી પાછા ફરતાં બાકીનાં ચારેયના મનમાં એક જ સવાલ હતો.
‘હવે શું ?’
“આપણે ટાઈમ મશીન બનાવીશું.”
“શું ? ટાઈમ મશીન? એક કલ્પનામાત્ર છે એ વિજ્ઞાનની. ટાઇમ ટ્રાવેલ શક્ય જ નથી.”
“આઈનસ્ટાઇને કીધું છે....”
“હા, મને ખબર છે આઈનસ્ટાઇને શું કીધું છે. પણ કદાચ તને ખબર નથી કે એણે શું કીધું છે. એણે કહ્યું છે કે, ‘જો કોઈ વ્યક્તિ કે વસ્તુ પ્રકાશની ગતિ કરતા વધુ ઝડપથી ગતિ કરે, તો જ ટાઈમ ટ્રાવેલ શક્ય છે.’ હવે મને કહે, શું એવું મશીન બનાવવું શક્ય છે, જેની ગતિ પ્રકાશની ગતિ કરતાં વધારે હોય?”
“હા, શક્ય છે.”
“કઈ રીતે?”
“એ મને નથી ખબર.” “તો?”
“તો એમ કે આપણે પાંચેયે સાથે મળીને આ શક્ય બનાવવાનું છે. આજથી અમુક વર્ષો પહેલા સાવ અશક્ય લાગતી લગભગ દરેક વાત આજે શક્ય છે કે નહીં ? બીજાની વાત છોડ, આપણી જ વાત કરને... આપણે પાંચેયે મળીને કેટલા એવા સંશોધનો કર્યા છે જે દુનિયા એ માની લીધેલું કે અશક્ય છે ! અરે, આપણને ખુદને પણ ખબર નહતી કે એ શક્ય બનશે કે કેમ ? પણ આપણે કરી બતાવ્યું જ છે ને ? આ વખતે પણ આપણે કરી બતાવશું”
બસ ત્યારથી એમની ટાઇમ મશીન બનાવવાની શરુઆત થઈ. પોતાની સાથે અમુક વિદ્યાર્થીઓને સામેલ કર્યા અને આજે પાંચ વર્ષને અંતે એ અશક્ય વાત શક્ય કરી દેખાડી ! એમનું ટાઇમ મશીન તૈયાર થઈ ગયું. એના જોઈતા બધાં જ પ્રકારનાં ટેસ્ટ્સ પણ કરી લેવામાં આવ્યા. અને એ પર્ફેક્ટ વર્ક કરતું હતું. આજે એમની ટાઈમ જર્નિનો દિવસ હતો. એવું નક્કી થયું હતું કે ‘ટાઇમ ટ્રાવેલ કરીને એ દિવસમાં પહોંચવું, જે દિવસે પેલા માણસે એલિઅન જોયું હતું. એ સમય પર પહોંચીને જો ખરેખર જો ત્યાં કોઈ એલિઅન હોય તો તેનો પીછો કરી તેના વિશેની શક્ય એટલી તમામ માહિતી મેળવવાની કોશિશ કરવી.’
***
“સર, આપણે તૈયાર છીએ.” ફરીથી આવેલા અવાજે એને ભૂતકાળની સફરમાંથી વર્તમાનમાં પટકી દીધો. “હા, આવ્યો.” એ નીકળી ગયો. હ્રદયમાં ઘરની યાદ અને આંખોમાં પોતાના સપનાને પુરું થયાનો ઇંતેજાર લઈને… પોતાની ટીમને લઈ જ્યારે એ ટાઈમ મશીનમાં બેઠો, ત્યારે એને આવતી કાલના બ્રેકિંગ ન્યુઝ સંભળાવા લાગેલા... ‘ડૉ. સત્યેન ઠક્કર અને એની ટીમે કરેલી બીજી દુનિયાની ખોજ. માનવીની અભૂતપૂર્વ અને અદ્વિતિય સિદ્ધિ!’ ટાઈમ મશીનના ડાયલ પર વર્ષો પાછળ જતાં જોઈ શકાતાં હતાં. ભૂતકાળની સફર પણ આટલી રોમાંચક હોઈ શકે ? એક ચોક્કસ સેટ કરેલા વર્ષ પર પહોંચીને ટાઈમ મશીન અટકી ગયું.
હા, હવે એ લોકો ભૂતકાળમાં હતાં ! એ ચોક્કસ દિવસ અને સમય જે સમયે પેલા માણસે એલિઅન જોવાની વાત પોતાની ડાયરીમાં લખી હતી. હવે એ લોકો એલિઅનના દેખાવાની રાહ જોવા લાગ્યા. થોડી વાર તો કોઈ જ હલન ચલન ના જોવા મળી. ના તો કોઈ માણસ કે પ્રાણીની હાજરી જણાઈ. હવે એમને શંકા પડવા માંડી કે પોતે બરોબર જ્ગ્યા એ છે કે કેમ ?
“આપણે ગામ તરફ જઈને ચેક કરવું જોઈએ, કોઈ માણસની વસ્તી પણ વર્તાતી નથી અહીં.” આટલામાં તો એક મોટા ધડાકા સાથે તેજ પ્રકાશનો લીસોટો દેખાયો. સમજાય કે શું થઈ રહ્યું છે એની પહેલાં તો એક સ્પેસશીપ દૂર જમીન પર ઉતરતું દેખાયું. પાંચે મિત્રો એ દિશામાં દોડ્યા. થોડે નજીક જતાં માલૂમ પડ્યું કે આ પ્રકારનું સ્પેસશીપ પૃથ્વીના કોઈપણ દેશ પાસે છે જ નહીં ! મતલબ એ કે આ બીજી દુનિયાના લોકોનું સ્પેસશીપ છે. ઓહ્હ્હ! ડાયરીમાં લખેલી વાત સાચી હતી. ખરેખર એ માણસે જે જોયેલું, એ કોઈ જંગલી પ્રાણી નહીં, પણ એલિઅન જ હતું. ઓહ્હ્હ્હ.. લોકોએ એમની વાત કેમ નહીં માની હોય ? શું એ એક જ માણસ સિવાય બીજા કોઈએ આ સ્પેસશીપ નહીં જોયું હોય ? એ કેવી રીતે શક્ય છે ? આટલી વિકરાળ વસ્તુ નજરે ચઢ્યા વિના કેમ રહી શકે ? હજુ તો પ્રશ્નો પૂરા થાય એની પહેલા જ સ્પેસશીપનો દરવાજો ખૂલ્યો, અને એમાંથી અજીબ લાગ્તા ૭-૮ લોકોનું એક ટોળું બહાર આવ્યું.
પાંચેય મિત્રો ઝાડ પાછળ છુપાઇ ગયા. રખેને આપણને જોઈ ને એ લોકો પાછા જતા રહે. થોડી વાર એ સ્પેસશીપમાંથી નીકળેલા અજીબ જીવોએ કંઈક ઇશારા કર્યા. કદાચ એમને ત્યાં ભાષા નહીં હોય, ઇશારાથી જ વાતો થતી હશે ! અને પછી એ લોકો જંગલમાં નીકળી પડ્યા. ડૉ. સત્યેન અને એની ટીમના આશ્ચ્રર્યનો પાર ના રહ્યો. વર્ષોથી જે સપનાને સાચું પાડવા માટે દિવસ-રાત એક કરીને મહેનત કરી હતી, એ સપનું હાથ વગું હતું !
“હવે?”
“હવે આપણે એમના સ્પેસશીપમાં જઈને છુપાઈ જઈએ. એમની સાથે એમના રેસિડેંટલ સ્ટાર પર જવા માટે આ જ કરવું પડશે.”
“વ્હોટ ? તને ખબર છે આ કેટલું જોખમી છે ? આપણને એ લોકો વિશે કંઈજ ખબર નથી, એમની પાસે કેવા પ્રકારની શક્તિઓ છે ? કેવા હથિયારો હોઈ શકે ? એ લોકો હિંસક હોઇ શકે.. ગમે તે થઈ શકે... ” “તો ? જ્યારે આપણે બીજા પ્લેનેટ પર જીવન શોધવા નીકળેલા ત્યારે આ નહતું વિચાર્યું ? આટલા વર્ષ મહેનત કરી ત્યારે તને જોખમનો વિચાર ના આવ્યો ? અને આજે જ્યારે આપણે આપણી મંઝિલની આટલા નજીક છીએ, ત્યારે માત્ર અને માત્ર જોખમ ઉઠાવવાના ડરે પાછળ હટી જવાનું ? જે થવાનું હોય તે થાય, હું તો જઈશ જ. તમે લોકો જાઓ, પાછા જતા રહો.”
“સત્યેન સાચું કહે છે. આટલા વર્ષોથી જોયેલા સ્વપ્નને ખાલી દૂરથી પૂરું થયેલું જોઈને પાછા નથી ફરી જવું, અને આમ પણ એ લોકો આપણી પૃથ્વી પર આવીને આમ બેધડક ફરી શકે, તો આપણે કેમ નહીં, આપણને તો ખબર પણ નથી કે એ લોકો કેટલા સમયથી આમ પૃથ્વી પર આવતા રહેલા છે.”
“સાચી વાત, આપણે જઈશું. ચાલો, એ લોકો પાછા ફરે એની પહેલા આપણે સ્પેસશીપમાં છુપાઈ જઈએ.”
“હા, પણ આપણે સાથે નહીં જઈએ, બની શકે કે અંદર પણ કોઈ હોય, હું પહેલા જઈશ, જો કોઈ ખતરો ના જણાય, તો જ તમને લોકોને બોલાવીશ.”
“ઓ.કે. પણ ધ્યાનથી.”
“હા.”
સત્યેન ધીમા પગલે સ્પેસશીપ તરફ જઈને અંદર દાખલ થયો. દાખલ થતાંની સાથે જ એની આંખો પહોળી થઈ ગઈ. આખી પૃથ્વી પર કોઈપણ દેશ પાસે નહીં હોય એવું અદ્યતન સ્પેસશીપ હતું એ, ક્યારેય જોયા ના હોય, કે નામ પણ ના આવડતા હોય, અરે કલ્પનામાં પણ ના આવે એવા મશીનો ! આ લોકો આપણા કરતાં કેટલા આગળ છે ! કેવો હશે એમનો રેસિડેંટલ સ્ટાર ? થોડી જ વારમાં ખબર પડી જશે. પછી ? દુનિયાની સૌથી મોટી સિદ્ધિ પોતાના અને પોતાની ટીમના નામે લખાશે ! કીર્તિ માણસને પાગલ અને વિચારશૂન્ય બનાવી દે છે. એણે ખાતરી કરી કે સ્પેસશીપમાં અત્યારે પોતાના સિવાય કોઈ જ નથી. પોતાની ટીમને બોલાવી લીધી. અને એક સલામત જ્ગ્યા જોઈ એ બધા છુપાઇ ગયા.
થોડી વારમાં એલિઅન્સની ટીમ પણ આવી ગઈ. અને સ્પેઅશીપે ઉડાન ભરી. એ લોકો બોલીને વાત ના કરતા હોવાથી કંઈ ખબર પડતી નહતી. આથી તેઓ ચૂપચાપ બેસી રહ્યા. પાંચેયના મનમાં આવનારી પળનો ઇંતેજાર હતો. સ્પેસશીપ ભયંકર ગતિથી અવકાશમાં ટ્રાવેલ કરી રહ્યું હોય, એવું લાગતું હતું. થોડી કલાકોમાં તો એ આપણી સૂર્યમાળાની બહાર નીકળી ગયું. અને જોતજોતામાં તો આપણી મિલ્કિવેથી જોજનો દૂર આવેલી કોઈ બીજી મિલ્કિવેમાં પ્રવેશ્યું. એલિઅન્સમાં થોડી હલચલ થઈ. કદાચ, તેમનું ઘર નજીક આવી રહ્યું હતું ! હા, સ્પેસશીપ એક અજાણી કેલેસ્ટિઅલ બૉડિ પર જઈ રહ્યું હતું. અને એક સ્પોટ પર જઈને તે લેન્ડ થવા માંડ્યું. રોમાંચની ઘડી નજીક આવી ગઈ હતી. થોડીજ પળ... અને એ સ્પેસશીપ ઊભું રહ્યું. દરવાજા ખૂલ્યા, અને એલિઅન્સ બહાર નીકળ્યા. એમની પાછળ આ પાંચેય મિત્રો પણ. બહારનું દ્રુશ્ય કલ્પના પણ ના કરી શકાય તેવું હતું. એક સાથે ઘણાબધા એલિઅન્સ.. રોમાંચની સર્વોચ્ચ ક્ષણ કદાચ આને જ કહેતા હશે ? હા, આપણી પૃથ્વીથી જોજનો દૂર આવેલી કોઈ જગ્યા એ જીવન છે ! આપણા જેવાંજ, બસ આપણાથી થોડા જુદા લોકો ત્યાં વસે છે ! પણ એમનું પ્લેનેટ તો જુઓ. કેટલું અદભુત ! કેટલું સુંદર ! અનુપમ. કોઈ જ જાતનું પ્રદૂષણ નહીં, ના કોઈ જ જાતની અસ્વચ્છતા, ના કોઈ જ ભેદ-ભાવ, ના કોઈ જ યુદ્ધો કે ઝઘડાઓ. અને ટેકનોલૉજીની તો વાત જ શી કરવી ? દરેક વસ્તુમાં આપણે તેમનાથી પાછળ છીએ, એવું પાંચેય મિત્રોને લાગ્યું.
રોમાંચમાંથી બહાર નીકળતા જેટલી ક્ષણો લાગી, એના કરતાં પણ ઓછી ક્ષણોમાં એ સમજાઇ ગયું કે અહીં આવીને બહુ મોટી ભૂલ કરી છે. સામે જ વિચિત્ર હથિયાર ધારી એલિઅન્સ ઊભા હતા. જેમણે આ પાંચેયને ઘેરી લીધા. રોમાંચ હવે ગભરાહટમાં બદલાઇ ગયો. કહેવાની જરૂર જ નહતી, પાંચેયને સમજાઈ ચૂક્યું હતું કે એ લોકો કેટલી મોટી મુસીબતમાં ફસાઈ ચૂક્યા છે. પરિસ્થિતિની ગંભીરતા હવે સમજાઈ રહી હતી. એક અજાણ્યા પ્લેનેટ પર, આપણી સૂર્યમાળાથી જોજનો દૂર, અજાણ્યા જીવોની વસ્તીમાં, કોઈપણ સલામતીની જોગવાઈ વિના હોવું એ કેટલું ખતરનાક છે, એ હવે જ સમજાયું. પણ હવે કંઈ થઈ શકે તેમ નહતું. એમને નજર સામે સાક્ષાત યમરાજ દેખાઇ રહ્યા હતાં. આ પ્લેનેટ હવે પ્લેનેટ નહીં પણ યમલોક જેવો લાગવા માંડ્યો. એમણે પેલા હથિયારધારીઓને સમજાવવાની ઘણી કોશિશ કરી, કે અમે લોકો તમને કોઈ જ નૂક્શાન પહોંચાડવાના નથી, પણ એ લોકો આપણી ભાષા ક્યાંથી સમજે ? ઇવન અહીંતો કોઈ ભાષા જ નથી ! એ લોકો નજીક આવતાં ગયાં. પાંચેયને પકડીને એક વ્હિકલમાં બેસાડવામાં આવ્યા. અને કોઈ જ્ગ્યા એ લઈ જવામાં આવ્યા. અહીં કદાચ એમનું રિસર્ચ સેંટર હોય એવું લાગતું હતું. ત્યાં ઘણા બધા એલિઅન્સ આ પાંચેયને જોઈને ઈશારામાં વાતો કરતાં હોય એવું લાગ્યું. હવે એક થોડી મોટી સ્ક્રીનવાડું મશીન એમની સામે મૂકવામાં આવ્યું. જેમાં એમનાં આશ્ચ્રર્ય વચ્ચે ઇંગ્લિશમાં કંઈક ડિસ્પ્લે થયું. શું આ લોકોને આપણી ભાષા આવડે છે ? સમજાય છે ? એકેવી રીતે શક્ય છે ? આ બધા પ્રશ્નો એકસાથે મગજમાં આવ્યા. અને સાથે રાહત પણ થઈ, કે ચાલો હવે આપણે એમને આપણી વાત સમજાવી શકશું.
સત્યેને શરુઆત કરી. “અમે, મંદાકિની મિલ્કિવેની સૂર્યમાળાની પૃથ્વી પરનાં રહેવાસીઓ છીએ, જ્યાંની તમે મુલાકાત લીધી હતી. અમે તમને લોકોને કોઈજ જાતનું નૂક્શાન પહોંચાડવા માંગતા નથી. અમે તો ફક્ત રિસર્ચ માટે અહીં આવેલા.” સત્યેનના શબ્દો સ્ક્રીન પર લખાતા ગયા અને, નીચે કોઈ બીજા સિમ્બોલ્સમાં ડિકોડ પણ થતાં ગયા. જે કદાચ એમની લિપિ હોવી જોઈએ. આટલું બોલ્યા સુધીમાં તો એને સ્ક્રીન પણ કંઇક વંચાયું, જે વાંચીને તે બોલતો અટકી ગયો. કંઈક આ પ્રમાણે કહેતા હતાં એ લોકો. ‘અમને તમારી વાતોનો કે પૃથ્વી વાસીઓનો કોઈ ભરોસો નથી, આ પહેલા અમે જ્યારે પૃથ્વી પર આવેલા, ત્યારે અમને એક માનવ મળેલો. જેને અમે કોઇને પાણ અમારા આગમનની જાણ ન કરવા સમજાવેલો. પણ એણે દગો કર્યો. અને આ વાત એણે લોકોમાં ફેલાવી દીધી. આતો કોઈએ એની વાત માની નહીં, પણ અમે વખતો વખત પૃથ્વી પર આવતા રહીએ છીએ. ત્યાંની માહિતી મેળવતા રહીએ છીએ, એટલે જ અમે તમારી આ ભાષા પણ શીખી લીધી છે. જેનાથી તમારા વિશે તમામ વિગતો મળતી રહે. અરે તમે લોકો તો માનવ-માનવને પણ શાંતિથી જીવવા દેતા નથી. તો અમને તો કેમ કરીને જીવવા દેશો ? ભવિષ્યમાં તમે લોકો અહીં આવીને અમારા પર દાવો ના માંડી શકો એ માનવાનું કોઈ જ કારણ નથી. તમે જીવતા પૃથ્વી પર નહીં જઈ શકો.’ “પણ અમે વચન આપીએ છીએ, અમે કોઈને કંઈજ નહીં જણાવીએ. આ પ્લેનેટની વાત પૃથ્વી પર કોઈને ક્યારેય ખબર નહીં જ પડે. પ્લીઝ, અમને મારશો નહીં.”
‘તમે લોકો પદ, પ્રતિષ્ઠા અને પૈસા માટે કંઈપણ કરી શકે છો, એ અમને ખબર છે, કાલે સવારે પૃથ્વી પર પહોંચીને તમારી નિયત ના બદલે એવું કોઈ કારણ નથી. સો ગુડ બાય.’ પાંચેયને આંખના પલકારામાં શૂટ કરી દેવામાં આવ્યા. સાઈન્સે જીવન ધોરણ ચોક્કસ સુધાર્યુ છે. પણ જીવનનાં ભોગ પણ એટલાં જ લીધાં છે ને?