Surbhi Barai

Inspirational Romance Thriller

2.5  

Surbhi Barai

Inspirational Romance Thriller

પ્રેમ

પ્રેમ

9 mins
1.1K


‘મમ્મી, મને આઈ.આઈ.ટી.માં એડમિશન મળી ગયું.’ કેટલા ગર્વની વાત છે! ટેક્નીકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતાં કોઈ પણ વિદ્યાર્થીએ જીવનકાળ દરમિયાન આ સપનું સેવેલું હોય છે. માસ્ટર્સ ડીગ્રી કરવા માટે આઈ.આઈ.ટી.માં એડમિશન મેળવવું એ કંઈ જેવી તેવી વાત નથી. અન્ય કોઈ પણ ઘરમાં જો કદાચ ઉપરનું વાક્ય બોલવામાં આવ્યું હોત તો પવનની દિશાઓ ફરી જાત, આનંદનો સાગર હિલ્લોળા લેવા માંડત, મિઠાઈઓના બોક્ષ ખૂલી જાત. અને બધાની જીભ પરથી ચાસણી ટપકે એમ શુભકામનાઓ પણ ટપકી પડત. પણ આ ઘરમાં એવું કંઈ જ ના થયું! પવનની દિશાઓ તો દૂરની વાત છે, મમ્મીના ચહેરાની રેખાઓ પણ ના ફરી. સૂર્ય ઊગીને આથમી જાય અને એની નોંધ પણ ના લેવાય, એવી જ સામાન્ય રીતે આ સમાચાર પણ સાંભળી લેવાયા અને બીજી જ મિનિટે ભૂલી પણ જવાયા! મમ્મી પોતાનું કામ કરતાં-કરતાં ઊભા થયા અને કહેતા ગયા, ‘પેલો ડબરો લેતી આવ ચાલ, અને લોટ બાંધી નાખ. હું શાક બનાવી લઉં, પછી બન્ને મળીને રોટલી બનાવી લેશું.’ આ પ્રતિક્રિયાથી અર્ચિતાના મનમાં જે વજ્રાઘાત થયો હશે એ કદાચ આપણાથી કલ્પી શકાય એટલો નાનો તો નહીં જ હોય. પણ એણે આ વજ્રાઘાતને એટલી જ સરળતાથી પચાવી લીધો, જેટલી સરળતાથી મમ્મીએ એની કહેલી વાતને ભૂલાવી દીધી હતી. કદાચ એને આવા આઘાતોની આદત પડી ગઈ હશે. ‘લોટનો ડબ્બો લઈ આવ’, એટલા નાના વાક્યમાં કહેવાનું હતું એ બધું કહેવાઈ ચુક્યું હતું અને સમજવા જેવું બધું એ સમજી ચૂકી હતી. એ ચુપચાપ ડબ્બો લઈ આવી અને લોટ બાંધવા માંડી. પણ એમ ચુપ થઈ જવાથી કંઈ શાંત થઈ જવાતું હોતું નથી. એના મનમાં અનેક વિચારો એ ઘેરો ઘાલ્યો. જો મારી જગ્યાએ આ વાત ભાઈ એ કરી હોત તો? તો ઉપર આપણે વિચારેલી દરેક ક્રિયાઓ હોંશે હોંશે ભજવાઈ હોત, એની દરેક માંગણીઓ પૂરી થઈ હોત, અને મમ્મી એ “મારો દીકરો તો લાખોમાં એક છે.” કહીને એના ઓવારણા પણ લીધા હોત! એણે જાણે વિચારોને ઝાટકી નાખતી હોય એમ માથું હલાવ્યું અને કામે ચડી ગઈ.

----------------------

સૌરષ્ટ્રનું એક નાનું શહેર. પપ્પા બેંક્માં નોકરી કરે, મમ્મી હાઉસ વાઇફ, એક મોટો ભાઈ મીકેનિકલ એંજિનિયર છે અને પોતે-કોમ્પુટર એંજિનિયરિંગ પૂરૂં કર્યુ. એની મમ્મીને મન દીકરો લાખોમાં એક છે, તો એ પણ કંઈ કમ નથી. લાખો છોકરીઓ વચ્ચે ઊભી રાખો તોયે અલગ તરી આવે, તેજસ્વી, બુધ્ધિશાળી, કુશાગ્ર, ચપળ, સુંદર, હોંશિયાર, પોતાની ઉંમરના પ્રમાણમાં વધુ સમજદાર પણ પ્રેમાળ. પરિવાર પ્રત્યે પ્રેમ, પોતાની જવાબદારી પ્રત્યે પ્રેમ, પોતાના સપનાઓ પ્રત્યેના પ્રેમ કરતા ઉપરના બન્ને વધુ ચડી જાય. એટલે મૌન સેવી લીધું. આજે પણ આપણા કહેવાતા વિકસિત દેશમાં કેટલીયે છોકરીઓ આવું મૌન સાધીને જીવે છે. એ મૌન મજબૂરીથી પણ હોઈ શકે અને સમજદારીથી પણ. અર્ચિતાનું મૌન સમજદારી પૂર્વકનું મૌન હતું.

બપોરે જમતા-જમતા પપ્પાએ પૂછી લીધુ. ‘તારું આજે મેરિટ લીસ્ટ બહાર પડવાનું હતું ને.. શું થયું એનું?’ ‘હા, પપ્પા, આવી ગયું છે લીસ્ટ, અને લીસ્ટમાં નામ પણ છે.’ પપ્પાની છાતી ગજ-ગજ ફૂલી ગઈ. ‘મારી દીકરી લાખોમાં એક છે.’ કહેતામાં તો આંખોમાં હરખનાં આંસુ છલકાઇ આવ્યા. ‘તો આ શું રોટલી-શાક બનાવ્યા છે? આજે તો છપ્પન ભોગ જમવાનો દિવસ છે..’ ‘પપ્પાની વાતને વચ્ચે જ રોકીને, ‘પણ પપ્પા, મારે માસ્ટર્સ નથી કરવું.’ ‘અનિષભાઈના ગળે કોળિયો અટકી ગયો, ‘દીકરી, આ તું શું બોલી રહી છે? જે જગ્યાએ એડમિશન માટે આખા ભારતના વિદ્યાર્થીઓ વલખા મારે છે, એ જગ્યા એ એડમિશન મળી ગયું છતાં તું જવાની ના પાડે છે? તું પાગલ તો નથી થઈ ગઈને? અથવા મજાક તો નથી કરતીને?’ ‘ના પપ્પા, હું મજાક નથી કરતી. મારે સાચે જ નથી જવું.’ ‘બેટા, તને કોઈએ કંઈ કહ્યું તો નથીને? તું અહીંની ચિંતા બિલકુલ ના કરીશ..’ ‘ના પપ્પા, મને કોઈએ કંઈ નથી કહ્યું. અને મેં મારી જાતે જ આ નિર્ણય લીધો છે.’ ‘તો હવે તું શું કરવા માગે છે? તે વિચાર્યુ હશે ને કંઈ?’ ‘મારે નોકરી કરવી છે.’ ‘હ્મ્મ.. ભલે. સારામાં સારી જગ્યાએ અરજી કર. તારા માર્ક્સ અને નોલેજ જોઈને કોઈપણ જગ્યાએ સહેલાઈથી નોકરી મળી જશે.’ ‘હા, હું આજે જ બધું જોઈ લઈશ મારા લેપટોપમાં.’

‌‌‌‌‌----------------------

‘મમ્મી, મને ગાંધીનગર-ટી.સી.એસ.માંથી ઈન્ટર-વ્યુ માટે લેટર આવ્યો છે.’

‘આટલે દૂર નોકરી માટે જવાતું હશે દીકરા? એના કરતાં તો અહીં જ રહીને કોઈ નાની- સૂની નોકરી કરી લે ને બેટા. જમાનો એટલો ખરાબ છે અને દીકરીની જાતને આમ અજાણ્યા શહેરમાં એકલું રહેવાનું?’ અર્ચિતા સમજી ગઈ. વધુ એક વજ્રાઘાત એ પચાવી ગઈ. સમજદાર લોકો ઉપર જ સમજવાની જવાબદારી વધુ આવતી હોતી હશે? એણે મન મનાવી લીધું. મારા મમ્મી-પપ્પા એ મને આટલું ભણાવી, મારી દરેક ઈચ્છા પૂરી કરી. હવે મારી જવાબદારી છે કે હું એમનું કહ્યું માનું, એમની ઈચ્છાઓને પૂરી કરું. એણે ફરીથી એક્વાર પોતાના હોઠને સીવી લીધા. આવી તો કેટ-કેટલીયે વખત એણે હોઠ સીવવા પડ્યા હશે. ‘મારી ફ્રેન્ડનાં લગ્ન છે’, ‘મારે નવા લેપટોપની જરૂર છે’, ‘મારે મારો આર્ટિકલ મેગેઝિનમાં છપાવવા માટે આપવો છે.’ કારણો ઘણાં હતા, પણ પરિણામ ફક્ત એક. મૌન. હવે તો આ મૌન એને કોઠે પડી ગયું હતું. એ કામ સિવાય ભાગ્યે જ બોલતી. નોકરીના સમય સિવાય ઘરની બહાર પણ નહોતી નીકળતી. એક કળી કરમાઈ રહી હતી, એક પ્રતિભા ખોવાઇ રહી હતી, એક જિંદગી મુરઝાઈ રહી હતી. પણ એણે ક્યારેય આ વાત કળાવા દીધી નહીં. હંમેશા હસતો ચહેરો પહેરતી રહી.

---------------------

આજે સવારથી ઘરમાં ચહલ-પહલ છે. પપ્પાએ બેંકમાથી રજા લીધી છે. ઘરનો ફોન સવારથી અત્યાર સુધી દસેક વાર રણકી ચૂક્યો છે. આજે અર્ચિતાને જોવા છોકરો આવવાનો છે. વધુ એક વજ્રાઘાત અને વધુ એક મૌન! પણ આ વખતનું મૌન બહુ જ વસમું છે. એ અંદરને અંદર ગભરાઇ રહી છે. આમ અડધી કલાકની મુલાકાતમાં કોઈ સાવ જ અજાણ્યા માણસની સાથે આખી જિંદગી રહેવાનો નિર્ણય કરી લેવાનો? પણ એ કોને કહે? શું કરી શકે? કંઈ જ તો નહીં. એને પોતાની જાતને મજબુત બનાવી લીધી. આમ પણ એ બહુ બહાદુર હતી. ક્યારેય કોઈ વાતને પોતાના પર હાવી ન થવા દેતી.

-----------------------

મહેમાનો આવી ગયા. દુનિયાનું નિર્માણ થયું ત્યારથી અત્યાર સુધી સેંકડો વખત ભજવાઈ ગયેલું નાટક ભજવાઈ રહ્યું. મહેમાનગતિ, આગ્રહ, વાતો, વખાણ, પોરસ, ઔપચારિકતા, અતિશ્યોક્તિ, એકાંતમાં મુલાકાત માટે ફાળવાયેલો સમય.... અને અંતમાં ઔપચારિકતા આવજો કહીને વિદાય થઈ ગઈ.

બીજા જ દિવસની સવારે સામા પક્ષેથી ફોન આવી ગયો. ‘અમને તો અર્ચિતા પસંદ છે. તમારો જે નિર્ણય હોય એ વહેલી તકે જણાવશો.’ ‘તને શું લાગે છે દીકરી?’ ‘જેમ તમે લોકો ઠીક સમજો એમ.’ ‘બસ તો પછી, કરો કંકુનાં.’ આ વખતે પવનની દિશાઓ ફરી ગઈ, આનંદનો સાગર હિલ્લોળા લેવા માંડ્યો, મીઠાઈઓનાં બોક્ષ ખૂલી ગયા. અને બધાની જીભ પરથી ચાસણી ટપકે એમ શુભકામનાઓ પણ ટપકી પડી. ‘ના ગમવા નો સવાલ જ નથી આવતો. લાખોમાં એક છે મારી દીકરી.’ આજે પણ આપણા દેશમાં દીકરીના મા-બાપની ખુશી દીકરીને નોકરી મળે ત્યારે અથવા ભણવામાં ગોલ્ડ મેડલ મળે ત્યારે હોય એના કરતા એના માટે મુરતિયો મળી જાય ત્યારે વધારે હોય છે!

આજ સુધી અસંખ્ય હિંદુ પરિવારોમાં થતા આવ્યા છે એમ, તદ્દન નાટકીય ઢબે અર્ચિતાના વિવાહ થયા. નાટકીય ઢબે એટલે કહ્યું છે કેમ કે અર્ચિતાને આવો કોઈ શોખ ના હતો. એને આવા દેખાડાથી સખત નફરત હતી. એ વિચારતી કે દીકરીને કરિયાવરમાં સોના-ચાંદીના ઘરેણાંઓ અને અઢળક ઘર-વખરી આપવાને બદલે ૨૫ સારા પુસ્તકો અને ૫ સારા મેગેઝિન્સનું લવાજમ ભરી ન આપી શકાય? શા માટે લોકો દીકરીના ભણતર કરતા વધુ ખર્ચ એના લગ્નમાં કરતાં હોય છે? પણ એની આ વાતો સાંભળે કોણ? જે વર્ષોથી ચાલતું આવ્યું છે એ જ ચાલતું રહ્યું છે અને એ જ ચાલતું રહેવાનું છે.

--------------------

લગ્નની પ્રથમ રાતે એના પતિના રુમમાં દાખલ થયાની થોડી વાર પહેલા એણે પોતાની ડાયરી કાઢી અને એમાં લખ્યુ, ‘આજે એક અજાણ્યા પુરષ સાથે મારા લગ્ન થયા!’ અને ત્યાં કોઈનો પગરવ સાંભળતા એણે ડાયરી છુપાવી દીધી. એનો પતિ રુમમાં દાખલ થયો અને એ ધ્રુજી ઊઠી. જેમ-જેમ એ અજાણ્યો પુરુષ નજીક આવતો ગયો તેમ-તેમ એના હ્રદયનાં ધબકારા વધતા ગયા. એને લાગ્યું કે એનાથી ચીસ પડાઇ જશે, એનું લોહી નસોને ફાડીને બહાર ધસી આવશે, એને ભાગી જવું હતું ત્યાંથી, પણ એ ના કરી શકી. હવે એ સામે જ આવી ગયો હતો, એણે કહ્યું, ‘અર્ચિતા’ એણે સાંભળ્યું, પણ એ ઊંચું ન જોઈ શકી. ‘તારે ગભરાવાની કોઈ જ જરૂર નથી. આપણે એક-બીજા માટે અજાણ્યા છીએ. પણ થોડા સમયમાં જાણી જઈશું. જ્યાં સુધી આપણે એક-બીજાને ઓળખી કે સમજી ના લઈએ ત્યાં સુધી આપણે મિત્રો તો રહી જ શકીએ ને? હા, મિત્ર હોવા માટે પણ પરિચય હોવો જરૂરી છે. જે આપણી વચ્ચે છે જ. બાકી સમય પર છોડી દઈએ. પણ હા, તારે મારા પર થોડો વિશ્વાસ રાખવો પડશે. હું અહીં જ તારી બાજુમાં સુઇ જઊં છું. તું પણ કોઈ જ ચિંતા કર્યા વગર શાંતિથી સુઈજા.’ અને એ સાચે જ પડખું ફરીને સુઈ ગયો. અર્ચિતા એને જોઈ રહી. કેવો માણસ છે આ? એ સાચે જ આવો છે કે પછી આ કોઈ આડંબર છે? અને વિચારમાં ને વિચારમાં એને ક્યારે ઊંઘ આવી ગઈ એ એને જ ખબર ના રહી. સવારે એ જ્યારે ઊઠી ત્યારે એનો પતિ ઓફિસ જવા માટે તૈયાર થઈ ગયો હતો. ‘હે ભગવાન, કેટલા વાગી ગયા! તમારે ઓફિસ જવાનું છે ને? હું... હું ચા-નાસ્તો બનાવી આપું છું.’ ‘અરે, અરે શાંતિ તો રાખ, ઊઠીને સીધી રસોડામાં જઈશ કે શું? મેં ચા-નાસ્તો કરી લીધા છે, અને તારા માટે પણ ટેબલ પર ચા રાખી છે. એ પી લે. નહીં તો ઠંડી થઈ જશે.’ ‘કોણે બનાવ્યા ચા-નાસ્તો?’ ‘મેં’ ‘પણ કેમ? તમે મને જગાડી કેમ નહીં?’ ‘અરે, તો એમાં શું થઈ ગયું? અત્યાર સુધી હું જ બનાવતો હતો ને?’ ‘પણ....’ ‘અરે ચુપ, પેલા ચા પી લે તો ચાલ તો જોઉં. હ્મ્મ.... ગુડ ગર્લ. હવે એક વાત સાંભળ. તું મારી પત્ની છે. મારી નોકર નહીં. એક દિવસ મેં મારા હાથે ચા બનાવી એમાં કશું ખાટું-મોળું થઈ જવાનું નથી. સમજી?’ અને એ ઓફિસ જવા માટે નીકળી ગયો. અર્ચિતાને આપાયેલી સલાહોમાંથી એક સલાહ યાદ આવી ગઈ. ‘જો તું તારા પતિ કરતા મોડી જાગે છે, અથવા એ ઊઠે ત્યાં સુધી એની સામે ગરમ ચાનો કપ તૈયાર નથી રાખતી, તો સમજજે કે તારો એ દિવસ નિષ્ફળ ગયો.’ એ ફટાફટ ઊભી થઈ નહાવા દોડી ગઈ. તૈયાર થઈ જ્યારે એ રસોડાંમાં બપોરનું જમવાનું બનાવવા ગઈ ત્યારે ફ્રીઝ ઉપર એણે ગુલાબનાં ફુલો અને એક નોટ જોઈ,, જેમાં લખેલું હતું., ‘ગુડ મોર્નિંગ. વેલ કમ ટુ અ ન્યુ હોમ, યોર હોમ-અવર હોમ.’ એના ચહેરા પર સ્મિત આવી ગયું. એણે મોબાઇલ હાથમાં લીધો અને મેસેજ કર્યો, ‘થેંક્યુ, ગુડ મોર્નિંગ..’

રોજ સવારે એ ઊઠીને કામે લાગે ત્યારે એને કોઈ આવી નોટ મળી આવતી. જે કદાચ એના દિવસની શરૂઆત સ્મિત સભર કરાવવા માટે જ લખાતી. ‘તમે આ નોટ ક્યારે મુકેલી? હવે તો હું તમારા કરતા વહેલી જ ઊઠી જાઉં છું. તો પણ તમારી નોટ મળી આવે છે.’ ‘એતો મેં રાતે જ મુકી રાખેલી.’ ‘પણ તમારે જે કહેવું હોય એ તમે મને જ સીધું કહી શકો છો ને?’ ‘પણ એનાથી કદાચ તારા ચહેરા પર એ સ્મિત ન આવે જે ચિટ્ઠી વાંચીને આવે છે. પછી તું મારા વિશે વિચારે અને તું પણ એનો જવાબ પણ મને સામે ક્યાં આપે છે? મેસેજ કરે છે. તો મને મજા આવે છે.’ અને એ હસી પડેલી. ‘એના હાસ્યમાં વધુ એક સલાહ વરાળ બનીને ઊડી ગઈ, ‘જો તારો પતિ તારી સાથે વાત નથી કરતો તો તું પત્ની તરીકે નિષ્ફળ ગઈ છે એવું સમજજે.’

‌‌‌‌‌------------------

‘આ રવિવારે મારા થોડા મિત્રો આપણા ઘરે આવવાના છે. એ લોકો તને મળવા માગે છે. તું પણ તારા મિત્રોને બોલાવી લે. બધા સાથે મળીશું તો મજા આવશે.’ એ જોઈ રહી, એને સાંભળેલા શબ્દો યાદ આવી ગયા, ‘લગ્ન પછી છોકરીઓના કોઈ મિત્રો નથી હોતા. તારા પરિવારની જવાબદારી એજ તારું કર્તવ્ય હશે.’ ત્યાર પછી એક દિવસ…. ‘હું મારી સહેલીઓ સાથે હિલ સ્ટેશન જવા માંગું છું. હું બીજા જ દિવસે સાંજે પાછી ફરી જઈશ. અને તમને કંઈ જરૂર જણાય તો કહેજો, હું તરત જ પાછી આવી જઈશ. હું જઉં?’ ‘હું તારો પતિ છું અર્ચિતા, તારો માલિક નથી. તારે ક્યાંય પણ જવું હોય તો મને પૂછવાની જરૂર નથી. કહેવાનું અને જવાનું.’ એણે શું સાંભળ્યું હતું? ‘તારા પતિની મંજુરી વિના પાણી પણ પીવું એ પત્ની ધર્મની વિરુધ્ધ છે.’

‘અર્ચિતા, તારે જિંદગીમાં શું કરવું છે?’ આવા સવાલના જવાબમાં એને મૌન રહેવાની સલાહ આપવામાં આવી હતી. પણ એ મૌન ન રહી. ‘મારે પી.એચ.ડી. કરવું છે. રિસર્ચ કરવું છે.’ ‘તો કરને. કોણે રોકી છે તને?’ એના આશ્ચર્યનો પાર ન રહ્યો જ્યારે બીજે જ દિવસે એનો પતિ સારામાં સારી યુનિવર્સિટીમાંથી પી.એચ.ડી.નું ફોર્મ લઈ આવ્યો. હવે એનું મૌન ખુલી રહ્યું હતું. એ મુરઝાઇ રહેલી કળીમાંથી ફુલ બનવા તરફ જઈ રહી હતી. એ હસતા શીખી રહી હતી. એ જીવતાં શીખી રહી હતી. એ જીવી રહી હતી. અને અચાનક એક દિવસ એણે પોતાની ડાયરી કાઢી. એણે છેલ્લુ વાક્ય લખ્યું હતું, ‘આજે એક અજાણ્યા પુરષ સાથે મારા લગ્ન થયા!’ એની નીચે એણે લખ્યું, ‘મને એની સાથે પ્રેમ થઈ ગયો.!’


Rate this content
Log in

Similar gujarati story from Inspirational