મંગલ સુત્ર
મંગલ સુત્ર


એક સણસણતો તમાચો ગાલ પર પડ્યો અને મિશાની ખૂબસુરત આંખોમાંથી દડ-દડ કરતાં આંસુ સરી પડ્યા. સીધી જ એ રસોડાંમાં ચાલી ગઈ અને કામમાં ગુંથાઈ ગઈ. માનવે ફળિયામાં બેસીને છાપામાં નજર પરોવવાની કોશિશ કરી, પણ સફળતા ન મળી. અંદરથી મિશાના ડુસકાં સંભળાતા હતા. એને પોતાની જ જાત ઉપર ગુસ્સો આવ્યો. પણ જે થવાનું હતું, એ થઈ ચૂક્યું હતું. ઘરમાં સ્મશાનવત શાંતિ છવાઈ ગઈ હતી. એક જ ચિત્તના બે લાકડાઓ એક અદ્રશ્ય અગ્નિમાં બળી રહ્યાં હતાં. વાત જાણે એમ હતી કે, માનવને એની ઓફિસમાંથી એની કાર્યનિષ્ઠાના ઈનામ રૂપે ૧૦,૦૦૦ રૂપિયા મળ્યા હતાં. માનવને સિનેમાનો બહુ શોખ હતો. આમ તો ઘણી વખત એ મિશાને લઈને શહેરના સિનેમાઘરમાં સિનેમા જોવા જતો. પરંતુ ઘરે ટી.વી. વસાવી શકાય એવી ના તો ઘરની પરિસ્થિતિ હતી, ના શક્યતા. પરંતું આજે ઈનામની આ રકમે માનવના ઘરમાં ટી.વી વસાવવાના સપનાને આળસ મરડીને બેઠું કર્યુ હતું. અને આ વાત પર મિશાએ પોતાનો વાજબી વિરોધ દર્શાવ્યો હતો. એ કહેતી હતી કે ટી.વી. જેવી મોંઘી-મનોરંજનની વસ્તુ આપણા સાધારણ ઘરમાં વસાવવા કરતાં તો એટલા પૈસા બૅન્કમાં મૂક્યા હોય તો વખત આવ્યે કામ લાગે. અને સિનેમા જોવું જ હોય તો થોડા થોડા દિવસે સિનેમાઘરમાં ક્યાં નથી જવાતું? બસ આટલી અમથી વાતમાં માનવે મિશાને ‘તને સિનેમામાં શું ખબર પડે’ થી લઈને ‘ગામડાંની ગમાર’ સુધીના મહેણાં મારી લીધા હતાં, અને અંતે વાત એટલી વધી ગઈ હતી કે ગુસ્સા પરનો કાબૂ ગુમાવતા માનવે...
----------------
આ દુનિયામાં કેટલાયે એવા લોકો હશે જે કંઈજ લાગતા વળગતા ના હોય છતા તમને સલાહ દેવા આવી પહોંચે છે. માણસ જેટલો દુ:ખી પોતાના દુ:ખથી નથી હોતો, એટલો બીજાના આશ્વાસનોથી થાય છે. પણ મિશા સમજદાર હતી, એને ના તો કોઈના આશ્વાસનની જરૂર હતી, ના તો કોઈની દખલગીરીની. જ્યારે મિશા ફળિયામાં વાસણ સાફ કરી રહી હતી, ત્યારે પડોશમાં રહેતાં લીલામાસી આવી પહોંચ્યા, ‘અરે મિશા, મેં જોયું કે આજે તું અને માનવ કંઈક રકઝક કરતાં હતાં. શું થયું? બધું બરાબર તો છે ને?’ મિશાને લીલામાસીની આ દખલગીરી ન ગમી. પરંતુ માન ખાતર એ ચુપ રહી, ‘હા માસી, બધું બરાબર છે. આતો મારી જ ભૂલ હતી એટલે માનવ મને સમજાવતા હતા.’ લીલામાસીએ છણકો કર્યો, ‘મેં તારા કરતાં વધુ દિવાળી જોઈ છે છોકરી, મને ના સમજાવ. મેં મારી સગ્ગી આંખે તમને બન્નેને ઝગડતા જોયા છે. માનવ તને સમજાવતો નહતો, તારા પર ગુસ્સે થઈ રહ્યો હતો.’ મિશાએ શાંતિથી કહ્યું, ‘અરે માસી, ઘર હોય તો વાસણ પણ ખખડે, એમાં શું થઈ ગયું?’ લીલામાસી એમ છોડે તેમ ન હતા, ‘હા, તે પણ કંઈ આમ નાની અમથી વાતમાં બૈરી પર હાથ ઉપાડાતો હશે? તું કહેતી હોય તો હું માનવ સાથે વાત કરું. આ તે કંઈ રીત છે?’ હવે મિશાથી ન રહેવાયું, ‘ના માસી, હું બધું સંભાળી લઈશ. આમ નાની નાની વાતોમાં પડોશની સ્ત્રીઓ પાસે ન્યાય માંગવા નીકળું તો થઈ રહ્યું મારી ગ્રહસ્તિનું. આમપણ મેં કહ્યુંને ભૂલ મારી જ હતી. અને મારું પોતાનું માણસ મારી ભૂલ સુધારવા મને બે શબ્દો કહી દે અથવા મારીયે બેસે, તેથી શું?’
લીલામાસી સમસમી ગયા. પડોશની સ્ત્રી કહીને મિશાએ ચોખ્ખું પરખાવી દીધું હતું કે તમારે અમારી વાતમાં વચ્ચે બોલવાની કંઈ જ જરૂર નથી. પણ જતા જતા એ મિશાની નાદાની પર ટીકા કરવાનું ના ચૂક્યા, ‘આતો તું મારી દીકરીની ઉંમરની છે એટલે મને તારું પેટમાં બળે, બાકી મને શું? તમે મિયાં-બીવી ગમે તેમ કરો. પણ એક વાત યાદ રાખજે મિશા, પુરુષનાં અત્યાચારોની શરુઆત આમ નાની નાની વાતોથી જ થતી હોય છે.’ પોતાને સુધરેલ કહેવડાવતાં નારીવિદોની સાક્ષાત આવૃત્તિ જેવાં, ટુંકી બુદ્ધિનાં અનેક લીલામાસીઓને મિશાની આ વાત કેટલી ગળે ઉતરી હશે એ એક પ્રશ્ન છે!
-------------------
બીજા દિવસની સવારે માનવ ઓફિસ જવા માટે નીકળ્યો ત્યારે મિશાએ રોજની જેમ જ પર્સ આપ્યું, ચશ્મા આપ્યાં, રુમાલ આપ્યો, અને એના પાતળા-ગુલાબી હોઠ વચ્ચેથી શબ્દો સરી પડ્યા, ‘સાંજે વહેલાં આવજો..’ આમ પણ સાચો સંબધ એજ કહેવાયને, જ્યાં ગઈકાલનો ઝગડો તમારા આજના પ્રેમને અસર નથી કરતો...
સાંજે ઓફિસેથી આવતાં જ માનવે પહેલું કામ ટી.વી.ની દુકાને જઈને ટી.વી ખરીદવાનું કર્યુ. અને એ ટી.વી લઈ આવ્યો. ટી.વી. આવતાંની સાથે જ આખો મહોલ્લો મિશા અને માનવના ઘરે આવી પહોંચ્યો. આખા મહોલ્લામાં આ પહેલું ટી.વી. આવ્યું હતું. બધા જ ટી.વી.ના ભરપેટ વખાણ કરી રહ્યાં હતાં. અને બધાએ જ્યારે સાંભળ્યું કે માનવને ઓફિસમાંથી એની કાર્યનિષ્ઠાનાં ઈનામ રૂપે પૈસા મળ્યા એમાંથી ટી.વી. ખરીદ્યું છે, ત્યારે બધાએ માનવને અભિનંદન આપવાની સાથે સાથે તેનાં આ નિર્ણયનાં વખાણ પણ કર્યા. આજથી દરરોજ સાંજે અમે તો ભઈ તમારા ઘરે ટી.વી. જોવા આવશું, તમને પોસાય તો પણ અને ના પોસાય તો પણ... એવી મીઠી દાદાગીરી કરી, ફરી એકવાર વધામણી ખાઈ બધા પોતપોતાના ઘરે રવાના થયા.
બધાનાં ગયા પછી માનવ ઓસરીમાં આરામ ખુરશી પર બેઠો. એનો ચહેરો નવાં ટી.વી.ની સ્ક્રીનની જેમ ઝગારા મારતો હતો. જાણે મિશાને કહેતો ના હોય, ‘ જોયું, આ લોકો પણ કેટલા સમજદાર છે. જાણે છે કે કઈ વસ્તુનો મોભો છે. બધા કેવા વખાણ કરતાં હતાં. કોઈએ તારી જેમ એમ કહ્યું કે આટલું મોંઘું ટી.વી. લાવ્યા એના કરતાં આટલા પૈસા બૅન્કમાં મૂક્યા હોત તો જરૂર પડ્યે કામ આવત.’ જાણે માનવના મનમાં ચાલતો આ સંવાદ મિશાએ સાંભળ્યો હોય એમ એ આવીને માનવની પાસે બેઠી. અને બોલી, ‘આપણું ટી.વી. બહુ સુંદર છે નહીં?’ માનવ એની સામે જોઈ રહ્યો, ‘અછ્છા, તો આખું ગામ વખાણ કરીને ગયું એટલે તને પણ થોડી બુદ્ધિ આવી ખરી.’ મિશાએ માનવના હાથ ઉપર પોતાનો હાથ મૂક્યો અને કહ્યું, ‘શું તમે પણ કાલની વાત લઈને બેઠાં છો? જાણું છું મારી ભૂલ થઈ ગઈ. પણ આજે આપણા ઘરમાં આ સુંદર વસ્તુ વસાવી છે એની ખુશીમાં મને માફ કરી દો ને.’ માનવે મિશાની ચમકતી આંખોમાં જોતાં કહ્યુ, ‘ના, તારી ભૂલ નહતી, પણ એક વાત સમજ, જમાના પ્રમાણે ચાલવું પડે. નવી નવી વસ્તુઓ ઘરમાં નહીં વસાવીએ તો એને માણશું કેવી રીતે? અને રહી વાત પૈસાની, તો પૈસા એ હાથનો મેલ છે. આજે છે અને કાલે નથી. બૅન્કમાં પૈસા પડ્યા રહેશે અને કોને ખબર એનો ઉપયોગ કરવા આપણે કાલે હોઈશું કે નહીં? અને આપણી જરૂર પૂરતું તો છે જ આપણી પાસે. તો પછી વધારાનો સંગ્રહ શા માટે?’ મિશા માનવના ચહેરા પર છવાયેલા સપનું પૂરું કર્યા ના સંતોષને જોઈ રહી.
-----------------
હવે તો રોજનો આ ક્રમ થઈ ગયો. રોજ સાંજે ટી.વી. પર આવતાં અવનવા કાર
્યક્રમો નિહાળવા માટે મિશા અને માનવની સાથે સાથે આખા મહોલ્લાના લોકો આવે, અને બધા હસી-ખુશીથી વાતો કરતા ભેગા મળીને કાર્યક્રમ જુએ. વચ્ચે જ્યારે કાર્યક્રમમાં જાહેરાત આવતી, ત્યારે મિશા ઊભી થઈને રસોડામાં જતી અને બધાં જ લોકો માટે ચા બનાવતી. પછી તો ખૂદ મિશાને પણ ટી.વી.નો એવો ચસકો લાગ્યો કે એ ફટાફટ ઘરનાં બધાં જ કામ પતાવી લેતી, અને બધા સાથે ટી.વી. જોવા બેસી જતી. રોજ જાહેરાતના સમયે રસોડાંમાં ચા બનાવતી મિશા ક્યારેક ઊકળતી ચાના ધૂમાડાંમાં ખોવાઈ જતી. આ વધતી મોંઘવારી અને સાધારણ આવકમાં આ એક નવો ખર્ચ ઉમેરાયો હતો. મિશાએ એક-બે વાર વાત-વાતમાં માનવનું ધ્યાન આ વધી રહેલા નવા ખર્ચ તરફ દોરવાની કોશિશ કરી હતી. પરંતુ માનવે તેને કહ્યું હતું, ‘હું તારી વાત સમજુ છું, પણ ટી.વી. જોવા આવતા પડોશીઓ એ આપણા મહેમાન કહેવાય, અને મહેમાનોને ચા-પાણી ના કરાવીએ તો આપણો વહેવાર લાજે, ખાનદાની પૈસાથી નથી આવતી મિશા, સંસ્કારોથી આવે છે, અને સંસ્કાર પૈસાથી જ મળે એવું તો નથી ને. તું ચિંતા શું કામ કરે છે? ઈશ્વર કૃપાથી સૌ સારા વાના થશે.’
---------------
એક પછી એક કાર્યક્રમો ટી.વી.ના રૂપેરી પડદે ભજવાતા ગયા, અને બધા જ પડોશીઓ હોંશે હોંશે એ કાર્યક્રમો નિહાળવા આવતા રહ્યા. પણ નિયતિની રમત કોઈ કળી શક્યું નથી. બધા દિવસો સરખા નથી જતાં, અને ટી.વી.ની જેમ જિંદગીના દરેક અંકનો અંત સુખદ પણ નથી હોતો. અચાનક એક દિવસ માનવની જિંદગીના રંગમંચ પર એક એવો અંક ભજવાયો જે જોવા મહોલ્લાના કે પડોશના કોઈ જ લોકો ન આવ્યા. એ દુ:ખદ અંક મિશાએ એકલી એ જ જિરવવો પડ્યો. એક સાંજે ઓફિસેથી પાછા ફરતા માનવની સાઇકલને બેકાબૂ બનીને ધસી આવતા ટ્રકે અડફેટમાં લીધી, અને માનવના પગ પર ટ્રકનું પૈડું ફરી વળ્યું. એ પીડાને લીધે ત્યાં જ બેભાન થઈ ગયો. જ્યારે આંખો ખુલી, ત્યારે હોસ્પિટલ હતી, બાટલા હતા, દવાઓ, ઈંજેકશન્સ, નર્સ, ડૉકટર્સ અને એનો જમણો પગ....
મિશા પર તો જાણે આસમાન તૂટી પડ્યું. પણ એણે ગજબના ધૈર્યથી અને હિંમતથી પોતાની જાતને સંભાળી લીધી. ડૉક્ટર્સની સલાહ મુજબની દરેક દવાઓ અને બાટલાઓ એણે હાજર કર્યા હતાં, અને માનવને પણ એજ હિંમત આપી રહી હતી. પણ બન્નેનું હ્રદય ત્યારે ભાંગી પડ્યું, જ્યારે ડૉકટરે કહ્યું કે માનવના પગને ભારે ગંભીર ઈજા પહોંચી છે, હોસ્પિટલમાં થોડાં દિવસ એડમિટ રહેવું પડશે. અને સારવારનો ખર્ચ રૂપિયા ૧૦,૦૦૦થી ઓછો નહીં થાય. બન્ને એક-બીજા સામે જોઈ રહ્યાં. બન્નેમાંથી કોઈ કંઈ બોલ્યું નહીં પણ બન્નેનાં મનમાં હિમાલય જેટલો મોટો પ્રશ્ન ખડો હતો, ‘આટલા બધા રૂપિયા કાઢીશું ક્યાંથી?!?’
----------------
માનવની સારવાર થઈ રહી હતી. ડૉક્ટર્સે આરામ કરવાનું કહ્યું હતું એટલે તે હોસ્પિટલમાં ડૉકટર્સની દેખભાળ હેઠળ હતો. શરૂઆતમાં થોડા પડોશીઓ માનવની ખબર કાઢવા હોસ્પિટલ આવ્યા. માનવે ના ઈચ્છતા હોવા છતાં પોતાની મજબૂરીની વાત પડોશીઓને કરી, ‘સારવારનો ખર્ચ બહુ વધારે કહ્યો છે ડૉકટર્સે, કંઈક મદદ કરી શકો તો.....’ બધાં જ કંઈકને કંઈક બહાના બનાવીને છટકી ગયા. ‘હમણાં હાલત જરા તંગ છે નહીં તો જરૂર મદદ કરત’, ‘પૈસા સિવાયની કોઈ વાત હોય તો બોલો, અમે ચોક્કસ મદદ કરીશું’, ‘હમણાં તો શક્ય નથી મિત્ર,’ વગેરે વગેરે... રંગે ચંગે ટી.વી. જોવા આવતાં પડોશીઓમાંથી કોઈ ખરા સમયે મદદે ના આવ્યું. અરે ત્યાં સુધી કે માનવની મદદની માંગણીની વાત સાંભળીને બાકી રહેલાં મહોલ્લાવાસીઓએ તો માનવની ખબર કાઢવા હોસ્પિટલ જવાનું જ ટાળ્યું.
-----------------
એક દિવસ સાંજે મિશા હોસ્પિટલના રૂમની બારીમાં ઊભી આથમતાં સૂર્યને જોઈ રહી હતી. માનવ એને જોઈ રહ્યો. આથમતાં સૂર્યની લાલાશ એના ચહેરા પર પથરાયેલી હતી. એ સાદગીમાં પણ એક્દમ સુંદર લાગી રહી હતી. આ એ સ્ત્રી હતી, જે એના માટે પોતાનું સર્વસ્વ છોડીને આવી હતી. પોતાની પાછલી જિંદગી, પોતાના શોખ, આદતો, બધું જ ભૂલીને ફક્ત એની થઈને રહી હતી, એને ગમે એવી થઈને.. એના શોખ, આદતો, સપનાઓ અને ઘરને પોતાના બનાવી લીધાં હતાં. અને પોતે એને શું આપી શક્યો હતો? નર્યુ દુ:ખ અને પીડા? એણે મિશાને પાસે બોલાવી, ‘મને માફ કરી દે મિશા, મારી ભૂલ થઈ ગઈ. તારું કહ્યું માનીને એ ૧૦,૦૦૦ રૂપિયા બૅન્કમાં મૂક્યા હોત, તો આજે કોઈ સામે હાથ લાંબો કરવાનો વખત ના આવત. હોંશે હોંશે ટી.વી. જોવા આવતા પડોશીઓમાંથી આજે જરૂર પડ્યે કોઈ ખબર કાઢવા પણ ના આવ્યું.’ મિશાથી મનાવની આ હાલત ન જોવાઈ,’ શું તમે પણ આવું બોલો છો? તમે જ આમ હિંમત હારી જશો તો મારું શું થશે? જે થવાનું હોય એ થઈને જ રહે છે. એ આપણાં હાથમાં થોડું છે? ભવિષ્યના ગર્ભમાંથી કઈ ક્ષણે કઈ ઘટના જન્મ લેવાની છે એ કોઈ કળી શક્યું નથી. જો એવું હોત તો કોઈ માણસ ક્યારેય દુ:ખી જ ના હોત! અને તમે પૈસાની ચિંતા ના કરો. હું આજે જ જઈને આ મંગળસૂત્ર સોનીની દુકાને જઈને આપી આવીશ. અને હોસ્પિટલનું બિલ ભરી દઈશ.’ આટલું કહી તેણે પોતાનું મંગળસૂત્ર કાઢીને માનવના હાથમાં મૂક્યું. માનવ એને જોઈ રહ્યો. મંગળસૂત્ર વિનાનું મિશાનું ગળું એને અત્યંત વરવું લાગ્યું. કેટલી સહનશીલતા બક્ષી છે સ્ત્રીઓને કુદરતે. પોતાના પતિની રક્ષા માટે એ પતિની નિશાની સમા મંગળસૂત્રને ત્યજવાની ઉદારતા પણ દર્શાવી શકે છે, અમે પુરુષો આટલા ઉદાર નથી થઈ શકતા કદાચ, અમારી પત્નીની સાચી સલાહ માનવાની કે નિખાલસતાથી સ્વીકારવાની ઉદારતા પણ અમારામાં હોતી નથી. માનવનું ચાલત તો એ અત્યારે જ પોતાની જિંદગી રિવાઇન્ડ કરી એ દિવસે લઈ ગયો હોત જ્યારે એ ટી.વી. લાવ્યો હતો. અને કહ્યું હોત, ‘ના મિશા ના, હોસ્પિટલનું બિલ ભરવા માટે તારા ગળાનું મગળસૂત્ર વહેંચી નાંખવા જેટલી નીચતા હું કરી શકતો નથી. આપણે ટી.વી.ની કોઈ જ જરૂર નથી.’ પણ મજબૂરીની પણ કોઈ મોસમ હોતી જ હશે ને? એ સિવાય એમની જિંદગીમાં આવો દિવસ ક્યાંથી આવે? એણે મિશાને વચન આપ્યું, ‘મિશા આજે મારી મજબૂરી છે. પણ જ્યાં સુધી હું તને આનાથી વધુ સારું મંગળસૂત્ર લાવી ન આપું ત્યાં સુધી હું શાંતિથી ઉંઘીશ નહીં.’
-------------------
આજે આ વાતને ૨૫ વર્ષ થઈ ગયા. મિશા અને માલવ અત્યંત સુખી અને સંપન્ન છે. એમનાં બાળકો, પુત્ર મિહિર અને પુત્રી મહેક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી કરે છે. બન્ને પોતાના મમ્મી-પપ્પાને માંગે એના કરતાં મોંઘી સગવડો અને પહેરી ન શકાય એટલા ઘરેણાંઓ ખરીદી આપી શકે છે. પણ એમને એ નથી સમજાતું કે મમ્મી એ જુના ટી.વી, કે મંગળસૂત્ર જોઈને અશ્રુભીનું સ્મિત કેમ કરે છે?