Surbhi Barai

Crime Inspirational Others

2.2  

Surbhi Barai

Crime Inspirational Others

પ્રકાશનું પર્વ

પ્રકાશનું પર્વ

8 mins
14.5K


“અરે, પણ મારી વાત તો સાંભળ...”

“હવે કહેવા સાંભળવા માટે કશું બચ્યું છે જ ક્યાં ? બધું જ દિવા જેવું સ્પષ્ટ છે.”

“પ્રાપ્તિ, ક્યારેક કાને સાંભળેલી અને આંખે જોયેલી વાતો સાચી નથી હોતી.. તું મને મારી જાતને સાબિત કરવાનો એક મોકો તો આપ, મારી વાત તો સાંભળ...”

“સાબિતી ? વાહ ! તમને ખબર નથી લાગતી વિશ્વ કે સત્યને સાબિતીની જરૂર નથી હોતી. સત્ય એ એની જાતે જ સાબિત થતું રહેતું હોય છે. સાબિતીની જરૂર જુઠાણાને હોય છે. જે તમે અત્યારે કહી રહ્યાં છો. હું વિચારી પણ નથી શકતી વિશ્વ કે તમે, તમે આવું પણ કરી શકો ? શું હું આ વિશ્વ સાથે પરણી હતી ? આ માણસ સાથે મારું સર્વસ્વ છોડીને ચાલી નીકળી ? મને શરમ આવે છે તમને મારા પતિ કહેતા ! હું આ ઘરમાં હવે નહીં રહી શકું. હું જાઉં છું…..”

“વ્હોટ ! પ્રાપ્તિ, નો, પ્લીઝ, મને છોડીને નહીં જા, આટલા કપરા સમયે, જ્યારે આખી દુનિયા મારી વિરુદ્ધમાં છે, મારો ખુદનો પડછાયો પણ મારી સાથે નથી. તું પણ મને છોડીને જતી રહીશ ? તને યાદ છે આપણે અગ્નિની સાક્ષીએ દરેક સારા-નરસા સમયે સાથે જિવવાના વચનો લીધા છે. તને યાદ છે તે શું કહ્યું હતું, તે કહ્યું હતું કે "વિશ્વ, ભલે ગમે તે થાય, આખું વિશ્વ તમારો સાથ છોડી દે, પણ હું તમારો સાથ અને હાથ ક્યારેય નહીં છોડું !" અને આજે જ્યારે ખરેખર એવો સમય આવ્યો છે જ્યારે મારે તારા સાથની સૌથી વધુ જરૂર છે, તું મને છોડીને જઈ રહી છે ?”

“વિશ્વ પ્લીઝ, આ બધું કહીને મને લાચાર ના બનાવો. હા આપણે સારા-નરસા દિવસોમાં સાથે રહેવાના વચનો લીધાં હતાં, પણ ત્યારે મને ખબર ન હતી કે હું એક ગુનેગાર સાથે લગ્ન કરી રહી છું. અને ત્યારે તો શું, આટલા દિવસ એક છતની નીચે શ્વાસ લેવા છતાં, એક જ ઘરમાં બન્નેનાં હ્રદય ધબકવા છતાં મને ક્યાં ખબર પડવા દીધી જ હતી તમે ? માનવું પડે હો, કેવા અઠંગ ખેલાડી છો તમે ?”

“પ્રાપ્તિ, તું મારી વાત...”

“કંઈજ નથી સાંભળવું મારે. મને માફ કરજો. હું એક અપરાધી સાથે મારો પત્નીધર્મ નહીં નિભાવી શકું. અને હા, ડિવોર્સ પેપર્સ તૈયાર થતાં જ મોકલાવી દઈશ. પ્લીઝ મને વધુ હેરાન કર્યા વગર એમાં સાઇન કરી આપજો.”

“નો...ઓ...ઓ.... તું શું બોલે છે પ્રાપ્તિ ? ડિવોર્સ ? તારું મગજ તો ઠેકાણે છે ને ?”

“તમને લાગે છે વિશ્વ કે હું તમારી આ હકીકત જાણ્યા પછી તમારી સાથે રહીશ ? જો એવું લાગતું હોય તમને તો એ તમારી ભૂલ છે. જે કંપનીમાં ૫ વર્ષથી નોકરી કરો છો, જે બોસે તમારા પર આંધળો વિશ્વાસ મૂકીને કંપનીનું આખે-આખું અકાઉન્ટ તમારા પર છોડી દીધું હતું, જેણે તમને ક્યારેય તમારા કામ વિશે એક પ્રશ્ન પણ ન પૂછ્યો, એ માણસને અંધારામાં રાખીને તમે સતત એને જ લૂટતા રહ્યા ? તમને જરા પણ શરમ ન આવી વિશ્વ ? જેને લીધે તમારા પાસે જીવનનું દરેક સુખ છે, તમે આજે વૈભવ અને સમ્રુદ્ધિમાં આળોટો છો, એમના જ સાથે છળ કરતાં જરા જેટલો પણ વિચાર ન આવ્યો ? અરે ઈમાનદારી તો પ્રાણીઓમાં પણ હોય છે, કૂતરો પણ એને રોટલો ખવડાવનારને વફાદાર રહે છે, અને તમે ? માણસ થઈને પણ હરામખોરી કરી ? હું હંમેશા પૂછતી રહી કે દર મહિને તમારા પગાર કરતા બમણી અને ક્યારેક તો ત્રણ ગણી રકમ ક્યાંથી આવે છે, અને તમે દર વખતે વાત ટાળતા રહ્યાં. અને આજે તમે સફાઇ આપવા બેઠાં છો ? રંગે હાથે પકડાઇ ગયા એટલે ?”

“પગાર કરતા બે કે ત્રણ ગણી રકમ મળવાનું કારણ, આ નોકરીની સાથે-સાથે હું થોડું ફ્રી-લૉન્સિંગ પણ કરી લેતો હતો, જેમાં ફોરિન કમ્પની સાથે કામ મળી રહેતું હોવાથી સારી એવી કમાણી પણ થઈ જતી હતી, અને આ વાત મેં એટલે હંમેશા ટાળી કે તને ખબર પડત એટલે તું એમ કહેત કે શું જરૂર છે આ વધારાનું કામ કરવાની, આપણે એમ-નેમ પણ સુખી છીએ. હું સાચું કહું છું પ્રાપ્તિ, તારા માથાં પર હાથ રાખીને, આપણા પ્રેમની કસમ ખાઈને. મને સાચે નથી ખબર આ બધું કેવી રીતે થયું.

આ કોઈકનું ષડયંત્ર છે, જોઈ વિચારીને કરાયેલું પ્લાનિંગ છે મને ફસાવવા માટે. તું સમજતી કેમ નથી ?”

“અછ્છા ? તો એ બધા રુપિયા તમારા ઓફિસના લોકરમાં કેવી રીતે આવ્યા ? એ લોકરની ચાવી તો તમારા એક પાસે જ રહે છે ને ? એની કોઈ જ ડુપ્લીકેટ ચાવી પણ નથી, અને ખુદ બોસ પણ એ ચાવી તમે ક્યાં રાખો છો એ જાણતાં નથી, એવું તમે જ કહેલું ને ? છેલ્લાં એક મહિનાના કંપનીના એકેય ટ્રાંસેક્શંસ કેમ નથી થયા ? એતો તમારું કામ છે ને ? કેમ નથી કર્યા તમે ? ગયા અઠવાડિયે જ નોકરી, ઘર અને શહેર છોડીને હંમેશા માટે જતા રહેવાની જીદ કેમ કરતા હતા તમે ? બોલો ? છે કોઈ જવાબ?”

“મને નથી ખબર પ્રાપ્તિ, કે એ રુપિયા મારા લોકરમાં કેવી રીતે આવ્યા ? હા, એ ચાવી મારી પાસે જ રહે છે, કોઈને ખબર ના હોય તેમ. એ જ પ્રશ્ન છે. બીજું, ગયા મહિનાના બધા જ ટ્રાંસેક્શંસ મેં મારી જાતે કર્યા છે. પણ મને એ નથી સમજાતું કે બધા ક્લાયન્ટ્સ એવું શા માટે કહે છે કે એમને પેમેંટ નથી મલ્યું, મે જાતે બધા પેમેંટ્સ ક્લીઅર કર્યા છે. ખબર નહીં આ કેવી રીતે પોસિબલ છે ? અને ત્રીજું, હા, મેં શહેર છોડીને જવાની વાત કરી હતી, પણ એનું કારણ બીજું હતું, જે હું તને જણાવી શકું એમ નથી.”

“બસ, તો બધી વાત સાફ છે, એક સાથે બધાં ક્લાયંટ્સ જુઠ્ઠું થોડા બોલે ? બધાના પેમેંટ્સ તમે જાતે ક્લીઅર કર્યા છે, મતલબ, તમારા લોકરમાં ક્લીઅર કર્યા છે, અને એટલે જ તમે શહેર છોડીને ભાગી જવા માગતા હતા, તમને ખબર જ હતી કે મહિનો પૂરો થતાં જ તમારો ભાંડો ફૂટી જશે. એટલે જ...”

“બસ યાર, પ્લીઝ.. હવે વધુ આરોપો લગાવાનું બંધ કર. અને ઓય, આ તું સામાન કેમ પેક કરે છે ? નહીં... હું નહીં જવા દઉં તને. તારા વગર તો હું સાવ જ ભાંગી પડીશ. રહી સહી હિમ્મત પણ જતી રહેશે મારી. હું મારી જાતને નિર્દોષ સાબિત કેવી રીતે કરીશ ? કાલે... કાલે દિવાળી છે પ્રાપ્તિ, યાદ છે આજથી એક વર્ષ પહેલાં આજ દિવસે...”

“મને માફ કરજો વિશ્વ, ગુડ બાય.”

“ના...આ...આ...નહીં જાને મને છોડીને પ્લીઝ... હું કોના માટે જીવીશ ?” હૈયું કઠણ કરી, મનને વજ્ર બનાવી, પાછું ફરીને જોયા વગર જ એ સામાન લઈને ચાલી નીકળી. માતા-પિતા આ જ શહેરમાં હતા, એમને ત્યાં.

આ બાજુ વિશ્વનું વિશ્વ લુટાઇ ગયું. એનો એક માત્ર સધિયારો-એની વહાલસોયી પત્ની-જેને જીવથી પણ વધુ ચાહતો હતો, એ જ છોડીને જતી રહી. હવે કોના માટે જિવવાનું ? દિવાળી એના માટે હોળીની આગ બનીને આવી હતી, જેણે એની જિંદગીના બાગને નંદવી નાંખ્યું. અમાસની રાત એના સુખી જીવનને લાગેલી કાળી નજરની જેમ ભરખી ગઈ. હવે જીવીને શું કરવાનું ? એને બેડરૂમમાં જઈને ઊંઘની ગોળીઓ શોધી. અને જ્યાં ગળવા જાય છે, ત્યાં એનો અને પ્રાપ્તિનો ટેબલ પર રાખેલો ફોટો જોયો. ગઈ દિવાળીએ પડાવેલો એ ફોટો. એને આખો સંવાદ યાદ આવી ગયો.

“અરે, તમે આમ કેમ ગૂમસૂમ બેઠાં છો ? આજે તો દિવાળી છે”

“હા, પણ મને દિવાળીના તહેવારથી એક ફરિયાદ કાયમ રહી છે. એ અમાસના દિવસે આવે છે”

“તો શું થયું ? અમાસનું અંધારું દૂર કરવા જ આપણે આટલા દિવાઓ પ્રગટાવીએ છીએ. અને અંધારામાં જ ખબર પડેને કે આપણા ખરા સાથીદાર કોણ છે ? આપણે જે દિવાઓ પ્રગટાવ્યા હોય, એ જ દિવાઓ અમાસનું અંધારું દૂર કરવા આપણી સાથે ઊભા રહેતાં હોય છે. અને હા, અમાસની રાતે પણ તારાઓ તો હોય જ છે.”

એની વિચાર તંદ્રાને તોડતો ડોરબેલ વાગ્યો. અનિચ્છાએ એ દરવાજો ખોલવા ઊભો થયો. પછી વિચાર આવ્યો, કદાચ પ્રાપ્તિ પાછી ફરી હોય. અને એ દોડ્યો. દરવાજો ખોલીને જોયું તો સામે એની ઓફિસનો પટ્ટાવાળો રમેશ ઊભો હતો.

“સાહેબ, મારે તમારી સાથે એક વાત કરવી છે.” એણે દબાયેલા સ્વરમાં કહ્યું.

“રમેશ, હું અત્યારે બહુ જ ખરાબ હાલતમાં છું. અને કોઈ વાત સાંભળી શકવાની મારી માનસિક પરિસ્થિતિ નથી. આપણે પછી વાત કરીએ ?”

“હું જાણું છું સાહેબ, અને હું એટલે જ આવ્યો છું. તમારી મદદ કરવા માંગું છું. શું આપણે અંદર બેસીને થોડીવાર વાત કરી શકીએ ?”

એક ક્ષણ માટે તો વિશ્વને થયું કે લાખો રુપિયાની ચોરીનો આરોપ છે પોતાના પર. એક સામાન્ય પટ્ટાવાળો એની શું મદદ કરવાનો ? પણ રમેશની મક્કમતા જોઈને એણે ના ન પાડી. બન્ને અંદર ગોઠવાયા. રમેશે ધીમેથી વાત શરૂ કરી,.

“સૌથી પહેલાત તો મને માફ કરજો સાહેબ, તમારા પર આરોપ લાગ્યાને ત્રણ દિવસ થઈ ગયા, મને સચ્ચાઈની જાણ હોવા છતાં મેં મારું મોં ના ખોલ્યું. મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. પણ શું કરું સાહેબ, ગરીબ છું એટલે મજબુર હતો, નોકરી જવાની બીકે ચૂપ હતો.”

“તું મુદ્દાની વાત કર રમેશ, શું કહે છે તું ? તને સચ્ચાઈની જાણ છે ? કઈ સચ્ચાઈની વાત કરે છે ?” રમેશે માંડીને વાત કરી. કઈ રીતે ગયા આખા મહિનાના બધા ટાંસેક્શંસના રુપિયાની ચોરીની રકમ વિશ્વના લોકરમાં આવી. કઈ રીતે એ લોકરની ચાવી વિશ્વના હાથ નીચેથી સરકાવીને એ ફરી કામ તમામ કર્યે પાછી ત્યાં ગોઠવી દેવામાં આવી. કઈ રીતે બધા ક્લાયન્ટ્સને ખરીદીને વિશ્વની વિરુદ્ધમાં ઊભા કરાયા. કઈ રીતે એને ગયા અઠવાડિયે ફોનકોલ્સ પર એની પત્ની વિશે અશ્લીલ વાતો કરીને, ધમકીઓ આપીને શહેર છોડીને જતા રહેવાનું વિચારવા પર મજ્બુર કરવામાં આવ્યો. જેથી એવું દેખાડી શકાય કે વિશ્વ જ ગુનેગાર છે. અને વિશ્વનું મગજ તો ત્યારે બહેર મારી ગયું જ્યારે એણે આ માસ્ટરપીસ પ્લાન પાછળના માસ્ટર માઇન્ડનું નામ ખબર પડી.

“પણ રમેશ, આ બધું એ માણસ શા માટે કરે ?” “સાહેબ, કહેતા સંકોચ થાય છે, મેડમનું રૂપ જોઈને એમને તમારી ઇર્ષા આવતી હતી, જ્યારથી તમારા લગ્ન થયા, ત્યારથી એ માણસ તમને પછાડવાની તાકમાં રાહ જોઈને બેઠો હતો.”

“હ્મ્મ્મ... પણ આ બધું તને કેવી રીતે ખબર પડી?”

“હું છું તો પટ્ટાવાળો સાહેબ, પણ મારી હાજરી બધે જ હોય છે, આખી ઓફિસમાં હું કોઈ પણ જગ્યાએ હાજર હોઈ શકું, અને કોઈને મારા પર શક પણ ના થાય.”

“વાત તો સાચી છે, પણ મને બે વાત હજુ નથી સમજાતી. એક તો એ કે તે તારી નોકરીના જોખમે મારી મદદ કેમ કરી ? અને બીજું એ કે આપણી આ વાત માનશે કોણ ? આપણી પાસે કોઈ સબૂત તો છે નહીં”

“બન્ને વાતોના જવાબ આપુ, પહેલું એ કે, છેલ્લાં ૫ વર્ષથી તમને નોકરી મળી છે ત્યારથી સતત ક્યારેય પણ ચુક્યા વગર તમે મારી દરેક તહેવારે મદદ કરી છે, પાતળી આવક અને વધતી મોંઘવારીમાં પણ મારા ઘરે દિવાળીનો દિવો કાયમ તમે પ્રગ્ટાવ્યો છે. દીકરીનો લગ્ન પ્રસંગ હોય કે દીકરાના ભણતરનો ખર્ચ. બધું તમે જ ઉકેલ્યું છે. આજે જ્યારે તમારી જિંદગીનો દિવો તોફાનની ઝપટમાં છે, ત્યારે હું દિવો પ્રગટાવી ન શકું તો કંઈ નહીં, પણ જે પ્રગટે છે એ હોલવાય નહીં એ માટે તો મદદ કરી જ શકું ને ? અને બીજું, મારી પાસે સબૂત પણ તૈયાર છે, જ્યારથી મને એ માણસની આ કરતૂતની ગંધ આવી, ત્યારથી દરેક ઘટનાના અને ક્લાયન્ટ્સ સાથેની વાત-ચીતના મારી પાસે વિડિયો રેકોર્ડિંગ્સ છે. આ જુઓ...”

વિશ્વ જેમ જેમ જોતો ગયો, એનો ચહેરો ખીલતો ગયો. રમેશે બેનમૂન કારીગરી કરી દેખાડી હતી. એણે જોયું કે એણે પ્રગટાવેલો એક નાનકડો દિવો આખી અમાસની રાતના અંધારા સામે લડી રહ્યો હતો. એણે રમેશનો આભાર માન્યો, અને સબૂત લઈને સીધો જ પોલિસ સ્ટેશને પહોંચી ગયો.

બીજા દિવસની સવારે છાપાઓમાં હેડલાઈન્સ હતી, ‘એક જાણીતી કમ્પનીના બોસે એના જ એક કર્મચારીને ફસાવવા ઊભું કરેલું નાટક અને એ નાટકનો પર્દાફાશ’ અને આ સમાચારોની સાથે જ પ્રાપ્તિના અફસોસનો પાર ના રહ્યો, એ દોડી આવી. તે રાતે-દિવાળીની એ રાતે પ્રાપ્તિ એના પતિના ખભે માથું મૂકીને કહી રહી હતી,

“મને માફ કરજો વિશ્વ, હું અમાસની રાતમાં તમારો હાથ પકડીને ઊભા રહેવાની સૌજન્યતા ન દાખવી શકી.”

“પણ તારા એ તારાઓ તો મારી સાથે હતાં જ..” અને બન્ને રમેશના ઘરે દિવાળી મનાવવા ચાલી નીકળ્યાં.


Rate this content
Log in

Similar gujarati story from Crime